Follow by Email

Tuesday, February 8, 2011

પ્રિય સુહૃદ,

ઘણા દિવસે “જીપ્સીની ડાયરી”ના આંગણે પધારવા આપને આમંત્રણ આપું છું.

૧૯૮૫ની વાત છે. લંડનના કિલબર્ન વિસ્તારમાં આવેલી સોશિયલ સર્વિસીઝમાં કાર્યરત હતો ત્યારે જીપ્સીને મળવા મૂળ ભરૂચના અને વર્ષોથી દક્ષીણ આફ્રિકા રહી બ્રિટનમાં સ્થાયી થયેલા ૭૧ વર્ષની વયના શ્રી.વલી મોહમ્મદ આવ્યા. તેમની જરૂરિયાતોની વ્યવસ્થા કર્યા બાદ તેમને ‘બાય-બાય’ કરવા દરવાજા સુધી ગયો, ત્યારે તેમણે કહ્યું, ”મારૂં એક કામ કરી શકશો? આને સોશિયલ સર્વિસીઝ સાથે કોઇ લેવા દેવા નથી. છેલ્લા પચીસ ત્રીસ વર્ષથી એક પુસ્તક ખોળું છું, ક્યાંય મળતું નથી. તમારી દેશમાં ઓળખાણ હોય તો મારા માટે તે મંગાવી આપશો? તેની જેટલી કિંમત થાય તે હું આપીશ.”

પુસ્તકનું નામ હતું “ભારતમાં અંગ્રેજી રાજ્ય.” હિંદીમાં મૂળ લેખક પંડિત સુંદરલાલજી અને ભાષાંતરકાર હતા શ્રી. ભાસ્કરરાવ વિદ્વાંસ. ગોંદીઆના ઊદ્યોગપતિ શ્રી. ચતુર્ભુજ જસાણીએ પોતાના ખર્ચે પુસ્તક છપાવી સન ૧૯૩૯માં ભાવનગરની ઘરશાળાના શ્રી. હરભાઇ ત્રિવેદી દ્વારા પ્રકાશન કરાવ્યું હતું.

નસીબ જોગે ત્રણ મહિના બાદ મારે ભારત જવાનું થયું. પાછા ફરવાના બે દિવસ પહેલાં વલીકાકાની ફરમાયેશ પૂરી કરવા અમદાવાદના મહાજન બૂક ડીપો, ગુર્જર ગ્રંથરત્ન, નવભારત પુસ્તક ભંડાર વિગેરે જેવા પ્રખ્યાત પુસ્તકવિક્રેતાઓ પાસે ગયો પણ તે ન મળ્યું. છેલ્લે ત્રણ દરવાજા પાસે આવેલ મહાદેવ રામચંદ્ર જાગુષ્ટેની દુકાનમાં ગયો અને જૈમિનીભાઇ જાગુષ્ટેને મળ્યો. તેમણે કહ્યું, “અરે, આ તો ઉચ્ચ કક્ષાનું અને લગભગ અપ્રાપ્ય પુસ્તક છે. તમે ઇતિહાસના સાચા પ્રેમી લાગો છો.” સાચા પ્રેમી હતા વલી કાકા! આ મૌલ્યવાન પુસ્તકની અનેકગણી કિંમત ન માગતાં જૈમિનીભાઇએ તે મને પડતર કિંમતમાં આપ્યું.

લંડન પાછો ફર્યો અને ૧૨૩૯ પાનાંમાં વહેંચાયેલા આ પુસ્તકના બેઉ ભાગ લઇ વલીકાકાને ઘેર ગયો તો જાણવા મળ્યું કે તેઓ લંડન છોડી લેસ્ટર ગયા હતા અને ફૉર્વર્ડીંગ અૅડ્રેસ નહોતા મૂકી ગયા.
બે-ચાર મહિના પુસ્તક એમ જ પડી રહ્યું. આમ તો અમારા ઇતિહાસના શિક્ષક સ્વ. ગૌરીશંકર ભવાનીશંકર ઓઝાના સૌજન્યથી હું જાણતો હતો કે પંડિત સુંદરલાલનું મૂળ હિંદી પુસ્તક ૧૯૨૯માં પ્રસિદ્ધ થતાં વેંત અંગ્રેજ સરકારે તેને જપ્ત કર્યું હતું. એક દિવસ મને તેની સ્મૃતી થઇ અને કુતૂહલવશ પૅકીંગમાંથી પુસ્તક કાઢ્યું અને વાંચવા લીધું, અને વાંચતો જ ગયો.

૧૮૫૭ના વિપ્લવ વિશેનાં પ્રકરણો વાંચતાં તેમાંના એક વીરપુરુષની મારા મન પર ઘેરી અસર થઇ: બિહારની નાનકડી રિયાસત જગદીશપુરના રાજા બાબુ કુંવરસિંહ. ૮૦ વર્ષની વયે તેમણે ખેલલાં યુદ્ધો, જેમાં તેમણે બ્રિટીશ સેનાના સેનાપતિઓ કૅપ્ટન ડન્બાર, લ ગ્રાન્ડ, લુગાર્ડ તથા ક્રાઇમિયન યુદ્ધના લડવૈયા સેનાપતિ લૉર્ડ માર્ક કર જેવા ખુંખાર સેનાપતિઓને હરાવ્યા. ખુદ અંગ્રેજ ઇતિહાસકારોએ કુંવરસિંહની બહાદુરી તથા તેમણે દાખવેલી અંગત આગેવાનીના વખાણ કર્યા. “૧૮૫૭ના બળવામાં કુંવરસિંહ જેવા દસે’ક સેનાપતિ હોત તો ભારતમાંથી અંગ્રેજોનું નામોનિશાન મટી ગયું હોત,” એવું એક અંગ્રેજ ઇતિહાસકારે લખ્યું.

આ લખવાનો ઉદ્દેશ એટલો જ કે બાબુ કુંવરસિંહનું જીવનચરિત્ર વાંચી એક નવલકથા લખવાની સ્ફૂરણા થઇ. ૧૯૯૦માં લખવાની શરૂઆત કરી અને ત્યાર બાદ કામ ખોરંભાઇ ગયું. નવલકથાના પ્રસંગો તથા મહત્વના પાત્રોની સત્યતા તથા તેમની આધારભૂત માહિતી લખવા માટે સંશોધનની જરૂર હતી. સાત આઠ વર્ષના સંશોધનમાં મને બ્રિટીશ લાયબ્રરીમાંથી ઘણું સાહિત્ય મળ્યું. અૉક્સફર્ડ યુનિવર્સિટી પ્રેસમાંથી કેટલાક પુસ્તકો મંગાવ્યા. જમ્મુ-કાશ્મિરના ભૂતપૂર્વ રાજ્યપાલ તથા ભારતના નિવૃત્ત સેનાપતિ લેફ્ટનન્ટ જનરલ એસ. કે. સિન્હા PVSM, AVSM, VSM (Retired) એ પોતાના હસ્તાક્ષર સાથે તેમણે લખેલ બાબુ કુંવરસિંહના જીવન ચરિત્રની નકલ મોકલી. અંતે વલીકાકાએ શરૂ કરાવેલ પ્રવાસનો પહેલો પડાવ આવી ગયો. ગયા અઠવાડીયે અંગ્રેજીમાં લખેલ નવલકથા “Full Circle” પૂરી થઇ. શ્રી. હરનીશભાઇ તથા શ્રી ચિરાગભાઇ પટેલ જેવા મિત્રોના આગ્રહથી તેનું ગુજરાતી ભાષાંતર “જીપ્સીની ડાયરી”માં પ્રસિદ્ધ કરવા લીધું છે. આશા છે આપને તે ગમશે. આપનો પ્રતિભાવ જરૂર આપતા રહેશો.

નવલકથાની શરૂઆત ૧૯૯૭ના વર્ષમાં થાય છે. આજે પુસ્તકની પૂર્વકથા - Prologue - સાથે આજનો અંક સમાપ્ત કરૂં છું. હવે શરૂ થશે નવલકથા "પરિક્રમા".

પૂર્વકથા

વર્ષ: ૧૯૯૭. સ્થળ: બ્રિટીશ લાયબ્રરી, યુસ્ટન. લંડન.

“નૌનદીનો સંગ્રામ

કંપનીની સેનાએ અમરસિંહનો પીછો લીધો. (૧૮૫૮ની) ૧૯મી અૉક્ટોબરે નૌનદી નામના ગામમાં આ સેનાએ અમરસિંહને ઘેરી લીધો. અમરસિંહની સાથેકેવળ ચારસો માણસો હતા. આ ચારસોમાંથી ત્રણસો નૌનદીના સંગ્રામમાં જ કપાઇ મૂઆ. બાકીના સો જણાએ એક વાર કંપનીની સેનાને પાછી હઠાવી, એટલામાં અંગ્રેજોની મદદે વધારાની નવી સેના આવી પહોંચી. અમરસિંહના સો માણસોએ માથું હાથમાં લઇને યુદ્ધ કર્યું. આખરે અમરસિંહ તથા તેના બે સાથીઓ મેદાનમાંથી નાસી ગયા. બાકીના સત્તાણું જણા ત્યાં જ કપાઇ મૂઆ.....”
(“ભારતમાં અંગ્રેજી રાજ્ય” ભાગ ૨, પાનાં નં. ૧૧૦૬- પં. સુંદરલાલ)

અમરસિંહની સાથે ગયેલા તેમના બે સાથીઓ કોણ હતા?

દાદી-ફોઇએ જે બે અસવારોનું વર્ણન કર્યું હતું, તેમના વિશે તો પંડિત સુંદરલાલે નહોતું લખ્યું?

દાદીમા તો કદી ટ્રીનીડૅડની બહાર ગયા જ નહોતા, તો તેમને હજારો માઇલ દૂર આવેલ અને સવાસોથી વધુ વર્ષ અગાઉ થયેલા નૌનદીના યુદ્ધની જાણ કેવી રીતે થઇ?

તે વિચારમાં પડી ગયો: આનો જવાબ ક્યાં મળશે?