Follow by Email

Tuesday, February 22, 2011

પરિક્રમા - બિહાર : ભાગ ૨


પંદર દિવસની રજા મંજુર કરાવી રામેશ્વર વિષ્ણુપુર પાછા આવ્યા રાધા અને તથા કિશોરને લઇ અકબરપુર જવા નીકળ્યા.
તે જમાનામાં બિહારનો વિકાસ મંદ હતો. બસ ગામમાં ન જતાં મુખ્ય સડક પર એવી જગ્યા પર રોકાતી જ્યાંથી આસપાસના બે-ત્રણ ગામને તેની સુવિધા મળે. અકબરપુરનું બસ સ્ટૉપ એટલે ગામના નામનું પાટીયું. ત્યાં એસટી તરફથી બીજું કોઇ બાંધકામ નહોતું. સડકથી પાંચ-દસ મીટર દૂર મોટું વડનું ઝાડ હતું. તેને અડીને મિશ્રાજી નામના સજ્જને એક મોટું શેડ બાંધ્યું હતું. આ હતી ગામની ‘હોટલ’. અહીં સવારથી સાંજ લોકો ચ્હા-નાસ્તા માટે આવતા. શેડમાં કેરોસીનના બે સ્ટવ હતા અને લાકડાના બે-ચાર ખખડધજ ટેબલ તથા તેની બન્ને બાજુએ બાંકડા. બારણા પાસે એક ઉંચા ટેબલ પર ગલ્લો હતો. ગલ્લા પર કાચની ત્રણ-ચાર બરણીઓ અને તેમાં બિસ્કીટના પૅકેટ અને ‘ચૂરા’ જેવો નાસ્તો. ખુલ્લા આંગણામાં પણ ચાર પાંચ બાંકડા હતા. બસના સમયે પૅસેન્જરો તથા અન્ય સમયે નવરા લોકો અહીં ગપાટા મારવા કે ચ્હા પીવા આવે. મેલાં ઘેલાં કપડાં પહેરેલો 'શેફ' ચ્હા - ભજીયા બનાવતો અને દસ-બાર વર્ષની વયના બે બાળકો ઘરાકોને ચ્હા-નાસ્તો પીરસતા હતા અને જરૂર પડે ત્યાં કપ-રકાબી અને વાસણ સાફ કરતા હતા.

રામેશ્વરબાબુને ગામના લોકો રૂબ્બતીના લગ્ન સમયથી જ સારી રીતે ઓળખતા. તેઓ બસમાંથી ઉતર્યા અને લોકોએ ખરખરો કર્યો. તેમનો આભાર માની સિન્હા પરિવાર સુબેદાર સાહેબના ઘર તરફ ગયો.

બસ સ્ટૉપથી ગામ તરફ જતા કાચા રસ્તાની ડાબી બાજુએ દૂર સો-એક જેટલા માટીના ઝુંપડા હતા. સમાજશાસ્ત્રીઓ જેમને દલીત કહે છે અને રાજકારણીઓ ‘બહુજન સમાજ’, તેઓ ત્યાં રહેતા હતા. સત્ય હકીકત એ હતી કે આ બધા પરિવારો જમીનદારોના વંશપરંપરાગત વેઠીયા હતા.

સડક પર આગળ વધતાં જમણી બાજુએ બે માળના ત્રણ-ચાર પાકા મકાનો હતા. તેમની ચારે બાજુએ ઉંચી દિવાલ અને દરવાજા પર બે-નાળી બંદૂક સાથેના મુછાળા ચોકીદારો. ત્યાંથી આગળ વધીએ તો ગામ. ગામની શરૂઆત થાય તે પહેલાં પાંચ ફીટ ઉંચા કમ્પાઉન્ડની દિવાલ વચ્ચે નાનકડું મેદાન અને નિશાળ. નજીક માસ્ટરજીનું ક્વાર્ટર અને ત્યાર પછી ગામની શરૂઆત થાય. ગામ વચ્ચેથી જતા રસ્તાની બન્ને બાજુએ દુકાનો અને તેની પાછળ ગામવાસીઓના રહેઠાણ. ભારતના સર્વસામાન્ય ગામ જેવું આ ગામ હતું. ગામના છેવાડે એક કે બે ઓરડાના કેટલાક બેઠા ઘાટના મકાન હતા. તેમાં ગામના મંદિરના પુજારીજી, દુકાનદારો, ગામના મહાજન તથા સુબેદારસાહેબ રહેતા હતા. સુબેદાર સાહેબનું બે રૂમનું પાકું મકાન હતું. મકાનની પાછળ નાનકડો વાડો, અને વાડાને અડીને માધોની ઓરડી. માધો ત્યાં રહેતો તે પંડીતજીને ગમતું નહોતું, પણ રામ પ્રતાપને કારણે કશો વાંધો લઇ શક્યા નહોતા.

કાકાના મકાનમાં રામેશ્વર પહોંચ્યા અને માધોની પત્નિ મિસરીએ ખુણામાં ચેતવેલા દિવાની નજીક જઇને નમસ્કાર કર્યા. રાધા શોકથી વિહ્વળ થઇ ગઇ. તેણે પિતા સમાન કાકાજીની ખુબ સેવા કરી હતી. મહિનામાં એક વખત તે, પતિ રામેશ્વર અને કિશોર અહીં જરૂર આવતા. રાધા તેમના માટે ખારી પુરી અને સૂકા નાસ્તાનો ડબો લઇ આવતી. આજે તેને ખાલી હાથે આવવું પડ્યું હતું. બીજા દિવસે રૂપવતી, રામ અભિલાષ તથા તેમનાં બાળકો રાકેશ, સરિતા અને નીતા આવી પહોંચ્યા. રૂપનું હૈયાફાટ રૂદન કોઇથી જોયું જતું નહોતું. રાધા - રામેશ્વરે તેની માતા-પિતાનું સ્થાન લઇને તેને સંભાળી. તેમનું પોતાનું દુ:ખ વ્યક્ત કરવા તેમને ફક્ત આગલી રાત જ મળી હતી. રામ અભિલાષને કેવળ ચાર દિવસની રજા મળી હતી તેથી તેને પાછા જવું પડ્યું હતું. રામેશ્વરે બધી જવાબદારી ઉપાડી લીધી. રાધાએ નણંદ તથા બાળકોને સંભાળી લીધા. તે રૂપને પરાણે જમાડી તેને હૈયાધારણ આપતી રહી.

ત્યાર પછીની બધી વિધિઓ રામેશ્વરે પૂરી કરી. હવે છેલ્લી વિધિ બાકી હતી: અસ્થિ વિસર્જનની. આ કામ માટે ગયાતીર્થ જવાનું હતું. રાધા જાણતી હતી કે અત્યાર સુધી તેના પતિએ બધાં કાર્ય કરવામાં ખુદનો શોક અંતરમાં છુપાવ્યો હતો. તેમણે પોતાનાં દુ:ખ કદી જાહેરમાં આવવા દીધા નહોતા. હવે અંતિમ કાર્ય માટે તેમને એકલા મોકલવા રાધા તૈયાર નહોતી. પતિને ભાવનાત્મક આધારની જરૂર છે તે જાણીને તે રામેશ્વર સાથે ગયા જવા નીકળી. વહેલી સવારે બસ પકડવા રામેશ્વર અને રાધા નીકળ્યા ત્યારે રૂપવતીનાં અંતરનાં દુ:ખનો બંધ તૂટી ગયો. વર્ષોથી તે પિતાને પટના લઇ જવા મથતી હતી, પણ તેઓ ગયા ન હતા. અંતિમ પળે તેમની સેવા કરવાનો લહાવો ન મળ્યો તેનો વસવસો તે સવારે બહાર આવ્યો. તેને મહા મહેનતે શાંત કરી, પંડીતાઇનના આધારે તેને, તેનાં બાળકોને અને કિશોરને છોડી રાધા અને રામેશ્વર ગયા જવા નીકળ્યા.
* * * * * * * * *
ફલ્ગુ નદીમાં વિધિવિધાન તેમના પારિવારીક ગયાવળ બ્રાહ્મણે પૂરા કરાવ્યા ત્યાં સુધીમાં સાંજ પડી ગઇ. તેથી ગયામાં રાત રોકાઇ બીજા દિવસે તેઓ અકબરપુર પાછા જવા નીકળ્યા.

ચારે’ક કલાકના બસ પ્રવાસ બાદ તેઓ અકબરપુર પહોંચ્યા અને બસમાંથી ઉતરતાં વેંત તેઓ ચોંકી ગયા. બપોરના બે વાગ્યા હતા, ધંધાનો સમય હતો અને લોકોની ભીડ હોવી જોઇએ, ત્તેમ છતાં મિશ્રાજીની ‘હોટલ’ સાવ ખાલી, સુમસામ પડી હતી. બધા ઉતાવળે જ ત્યાંથી નાસી ગયા હોવા જોઇએ, કેમ કે મિશ્રાજીનો ગલ્લો એમ જ ખુલ્લો પડ્યો હતો. અંદર ટેબલ પર સ્ટવ ચાલુ હતા, પણ 'શેફ' કે વેટર્સનું ત્યાં નામોનિશાન નહોતું. બહારના બાંકડાઓની આજુબાજુ ફરતા કૂતરાં પણ ત્યાંથી રફુચક્કર થઇ ગયા હતા.

“રાધાજી, કોઇ ગંભીર વાત થઇ છે. આપણે જલદી ઘેર પહોંચવું જોઇશે,” કહી તેઓ કાચા રસ્તા પર થોડા કદમ ગયા હશે ત્યાં તેમણે દૂરથી બંદૂકના ધડાકા સાંભળ્યા. ઝડપથી ચાલીને બન્ને જણા શાળા માસ્તરના ઘર સુધી પહોંચ્યાં ત્યાં ફરીથી ગોળીઓ છૂટવાનો અવાજ આવ્યો. આ વખતે અવાજ નજીકથી આવ્યો.

“હાય રામ! આ તો બંદૂકનો અવાજ છે. માડી રે! છોકરાંઓ શું કરતા હશે? અને રૂબ્બતી?” રાધાએ ગભરાઇને કહ્યું.

“ચાલો આપણે માસ્ટરજીને ઘેર જઇએ. થોડો વખત ત્યાં રોકાઇને બધું શાંત પડી જતાં ઘેર જઇશું.”

રામેશ્વરે શિક્ષકના ઘરનું બારણું ખખડાવ્યું, અને મોટેથી બુમ પાડીને બારણું ખોલવાની વિનંતી કરી. સતત પાંચ મિનીટ બારણાની સાંકળ ખખડાવી, પણ કોઇએ દરવાજો ખોલ્યો નહિ. “કદાચ માસ્ટરજી શાળામાં હશે. ચાલો આપણે ત્યાં જઇએ.”

તેઓ ઝપાટાબંધ શાળા તરફ ગયા. કમ્પાઉન્ડની દિવાલની નજીક પહોંચ્યા ત્યાં તેમણે રાડ સાંભળી, “બચાવો! ભગવાનને ખાતર મને બચાવો!”

અવાજ સાવ નજીક, દિવાલની પાછળથી આવ્યો, તેથી રામેશ્વર થંભી ગયા. તેઓ પરગજુ માણસ હતા. કોઇની મુસીબતના સમયે ત્યાંથી ખસી જવું તેમની ફિતરત નહોતી. એટલામાં કમ્પાઉન્ડ પાછળથી એક યુવાન દોડતો આવ્યો અને રામેશ્વરના પગમાં પડ્યો. તેના ખભા પરથી લોહી વહેતું હતું. “સાહેબ, મને બચાવો!”

“ભાઇ, કોણ છો તમે? તમને કોઇ શા માટે મારી નાખવા માગે છે?”

“અમે સમાજવાદી કાર્યકર છીએ. મારા સાથીને જમીનદારના ગુંડાઓએ મારી નાખ્યો છે અને હવે મારી પાછળ પડ્યા છે.”

યુવાનો વેઠ કામદારોની ગુપ્ત સભા લેવા આવ્યા હતા. તેમણે ધારી હતી એટલી આ વાત ગુપ્ત રહી નહોતી. કોઇકે દગો કર્યો હતો.

એટલામાં ત્રણ મસ્તાન હાથમાં બીજા વિશ્વયુદ્ધના સમયની બોલ્ટ અૅક્શન રાઇફલ લઇ પેલા યુવાનના પગલે પગલે આવ્યા.

રામેશ્વરે હાક પાડીને કડક સ્વરે કહ્યું, “જુઓ, હું બિહાર સરકારનો મુલાઝીમ છું. આમ કાયદો હાથમાં લેવાનો તમને કોઇ અધિકાર નથી. તમે ખુન કરવાનો પ્રયત્ન કરી રહ્યા છો અને હું તેનો સાક્ષી છું. મહેરબાની કરી પાછા જાવ, નહિ તો મારે પોલિસમાં ફરિયાદ કરવી પડશે.”

એટલામાં તેમણે પાછળ રાધાની ચીસ સાંભળી. તેમણે પાછા વળીને જોયું તો પાછળથી આવતા બે ખુનીઓ સામે રાધા હાથ લાંબા કરીને હલાવીને મનાઇ કરતી હતી. તેણે ચીસ પાડીને કહ્યું, “ના, ગોળી ન ચલાવશો. તેઓ સરકારી અફસર છે, ભગવાન...” વાક્ય પૂરૂં થાય તે પહેલાં બે ગોળીઓ છૂટી. બબ્બે ગોળીઓના આઘાતથી એક ગાભાની ઢીંગલીને હવામાં ફંગોળવામાં આવે તેમ રાધા ઉછળીને ઢળી પડી.

પગ પાસે જ અચાનક વિજળી પડે અને માણસ ચોંકી જાય તેમ રામેશ્વર સ્તબ્ધ થઇ ગયા. તે કાંઇ બોલે તે પહેલાં હવે તેમના પર ગોળીઓ છૂટી. રામેશ્વર ઢગલો થઇને ઢળી પડ્યા. બંદુકધારીઓ જાણે કશું થયું નથી તેમ નજીક આવ્યા અને પેલા દલિત ક્રાન્તિકારીના લમણા પર રાઇફલ મૂકીને ગોળી છોડી. જાણે કશું થયું નથી તેમ તેઓ શાળાની પાછળ ગયા. ત્યાં એક જીપ ઉભી હતી. તેનું એન્જીન ચાલુ હતું. ખુનીઓ તેમાં આરામથી બેઠા અને જીપ હંકારી ગયા. તેમણે ખુન કર્યા હતા અને પાછળ તેને નજરે જોનાર બે સાક્ષીઓને જીવતા છોડી જવા તેઓ તૈયાર નહોતા.

મુસીબત આવે છે તો કદાપિ એકલી નથી આવતી. કોઇ વાર પોતાની સાથે આફતનો ચક્રવાત લઇને આવે છે. તેની નજીક જે કોઇ હોય તે બધાને ખેંચી જાય છે અને પાછળ તેણે કરેલી તબાહીની એંધાણી છોડી જાય છે.