Follow by Email

Monday, February 21, 2011

પરિક્રમા:બિહાર

૫.

બિહાર - ૧૯૯૮

રામેશ્વર પ્રસાદ સિન્હા નાલંદા બ્લૉક અૉફિસમાં કારકુન હતા. રોજ સવારે પોતાના ગામ વિષ્ણુપુરથી આઠ કિલોમીટર દૂર અૉફિસમાં સાયકલ પર જતા. આજે તૈયાર થતા હતા ત્યાં ખડકી બહારથી અવાજ આવ્યો, “રામબાબુ ઘરમાં છે? અમે માધો, અકબરપુરથી આવ્યા છીએ.”

અકબરપુર રામેશ્વરના વૃદ્ધ અને વિધુર કાકા રિટાયર્ડ સુબેદાર રામ પ્રતાપનું ગામ. માધો તેમનો જુનો ખેડૂત હતો. તેને અચાનક આવેલ જોઇ રામેશ્વરને ચિંતા થઇ.

“આવ, માધો અંદર આવ. પ્રતાપકાકાની તબિયત તો સારી છે ને?”

“ના રામબાબુ. સમાચાર સારા નથી. સુબેદાર સા’બ ગઇકાલે બપોરના....” કહેતાં કહેતાં માધો ભાંગી પડ્યો.

રામેશ્વર માધોને ફળીયામાં લઇ આવ્યા. તે જમીન પર બેસવા જતો હતો પણ રામેશ્વરે તેને રોકીને મુંઢા પર બેસાડ્યો.

“ગઇ કાલ સવારથી તેમની તબિયત નરમ હતી. હું અને મિસરી - મારી બૈરી, તેમની સેવા કરવા તેમની પાસે બેઠા હતા. મેં તેમને પૂછ્યું પણ ખરૂં કે હું તમને તેડી આવું કે કેમ, તો તેમણે ના પાડી.” વાત કરતાં કરતાં માધોની આંખ ભરાઇ આવી.

રામેશ્વરની પણ આંખો ભરાઇ આવી. “કાકાને બહુ તકલીફ તો નહોતી થઇને?”

“ના, છેલ્લી ઘડીએ થોડો શ્વાસ ભારે થયો....”

એટલામાં રામેશ્વરની પત્નિ રાધા પિત્તળના પ્યાલામાં માધો માટે ચા લઇ આવી. માધોએ અંગુછાને પ્યાલા ફરતો વિંટી ચાનો મોટો ઘૂંટડો લીધો.

“શું કરીએ, ભૈયાજી? અમે પાડોશીઓ તથા પંડિતજીને બોલાવ્યા તો તેમણે કહ્યું, સૂર્યાસ્ત પહેલાં સંસ્કાર થવા જોઇએ. અાપને બોલાવવાનો સમય નહોતો. માસ્ટરજી, સરપંચ, ગામના મહાજન - બધા આવ્યા હતા. અમે તો નીચા વરણના લોક એટલે એમણે અમને દૂર રાખ્યા. તેમણે પંડિતજીને પૂળો મૂકવાનું કહ્યું. અમે પરોઢિયે બસ સ્ટૉપ ગયા અને પહેલી બસ પકડીને અહીં આવ્યા.”

“બડી મહેરબાની, માધો. તેં સારૂં કર્યું સીધો અહીં આવ્યો.”

“રામબાબુ, અમે હવે આપની રજા લઇશું. અમારે પટના જઇને રૂબ્બતીને સમાચાર આપવાની છે.” રૂપવતી સુબેદાર સાહેબની એકમાત્ર દીકરી હતી.

“માધો, રૂપને હું તારથી ખબર કરી દઇશ. તું પટના પહોંચે તે પહેલાં તેને તાર મળી જશે, તેથી તું અકબરપુર પાછો જા અને ઘર ઠીક ઠાક કરી રાખ. હું, રાધાજી અને કિશોર સાંજ સુધીમાં પહોંચી જઇશું.” કિશોર રામેશ્વરનો આઠ વર્ષનો પુત્ર હતો.

“શું વાત કરૂં, ભૈયાજી? બપોરે મિસરીએ રાંધેલી કાંજી જમીને સુબેદાર સાહેબે આરામ કર્યો. ચાના સમયે હું તેમને પૂછવા ગયો ત્યારે તેમણે મને તેમની નજીક બેસવાનું કહ્યું. મને કહે, ‘માધો, મારી વાત ધ્યાનપૂર્વક સાંભળ. અમારો સમય આવી ગયો છે. રામબાબુ આવે તો તેને કહેજે કે અત્યાર સુધી તે અને રાધા રૂબ્બતીના મોટાભાઇ અને ભાભી હતા. અમારા ગયા બાદ તેમણે મારી રૂબ્બતીના વડીલ થઇને તેને સંભાળવાની છે.’ આટલું કહેતાં તો તેમનો શ્વાસ ચઢવા લાગ્યો. થોડી વારે મને કહ્યું, ‘રામને ખાસ કહેજે કે તેણે મારા માટે અને રૂબ્બતી માટે જે કર્યું તેનો ઉપકાર આવતા સાત જનમમાંય ઉતારી નહિ શકું.’ અમે ઉતરતી જાતના છીએ, તેમ છતાં તેમણે મારા હાથે પાણી પીધું અને આંખો મિંચી.”

પરસાળમાં બેઠેલી રાધા આંસુ રોકવાનો પ્રયત્ન કરી રહી હતી.

“ભૈયાજી, અમારો તો આધાર ગયો. અત્યાર સુધી સુબેદાર સાહેબની કૃપાથી અમે જીવતા હતા. દુકાળમાં અને રૂબ્બતીના લગનમાં સાહેબે જમીન વેચી ત્યાં સુધી અમે તેમની ખેતી કરી ગુજરાન કરતા હતા. ત્યાર પછી પણ સુબેદાર સાહેબે તેમના પેન્શનમાંથી અમને નિભાવ્યા. હવે તો...” તેણે ફરી એક વાર આંસુ લૂછ્યાં.

રાધા માધો માટે શિરામણ લઇ આવી.

“માધો, તું કશી ચિંતા કરીશ મા. પરમાત્મા બધાયનું ધ્યાન રાખે છે. તું ક્યાં અમારા માટે પારકો જણ છે? ભગવાન આપણને જે આપે છે તે આપણે સહુ વહેંચી લઇશું.”

“સુબેદાર સાહેબ અમસ્થું નહોતા કહેતા કે અમારા રામબાબુ આદર્શ પુત્ર છે.”

શિરામણ પતાવીને માધોએ રજા માગી, રામેશ્વરે તેને અકબરપુર જવાના બસ ભાડાના તથા વાટખર્ચીના પૈસા આપ્યા અને તેને બસ સ્ટૉપ મૂકવા ગયા.

રામેશ્વર બસ સ્ટૉપથી પાછા ફર્યા ત્યાં રાધાએ તેમના માટે નહાવાનું ગરમ પાણી તૈયાર રાખ્યું હતું. નાહીને તે કામ પર જવા નીકળ્યા.

ગામના કાચા રસ્તા પરથી સ્ટેટ હાઇવે પર પહોંચ્યા અને સાયકલનાં પૈડાંની સાથે તેમનું મન વિચારચક્રમાં પડી ગયું.

પ્રતાપકાકાને રામેશ્વર પ્રત્યે અત્યંત સ્નેહ હતો. જ્યારે જ્યારે બે મહિનાની રજા પર ઘેર આવતા ત્યારે તેમની મસ મોટી કાળી કિટ બૅગમાંથી તેના માટે પુસ્તકોનું પાર્સલ કાઢીને ભેટ આપતા. તે વખતે તે ઘણા નાના હતા, અને ત્યારથી જ તેમને વાચનનો શોખ લાગ્યો હતો. આગળ જતાં સ્વામી વિવેકાનંદના પ્રવચનોના પુસ્તક, લોકનાયકની વિચારસરણીથી પ્રભાવિત થઇને એક આદર્શવાદી યુવાનમાં તેમનું ઘડતર થયું હતું. સત્તર વર્ષના હતા અને હાઇસ્કુલમાં ઉત્તમ કક્ષા મેળવી હતી તેથી તેમને પટનાની કૉલેજમાં દાખલો મળ્યો હતો અને નાનકડી સ્કૉલરશીપ. તેમના પિતાજી દર મહિને મની અૉર્ડર મોકલતા. કમનસીબે કૉલેરાના રોગચાળામાં માતાપિતાનું અવસાન થયું. પ્રતાપકાકાની રેજીમેન્ટ તે વખતે રાંચીમાં હતી. તે રજા લઇને તરત જ ત્યાં પહોંચી ગયા, અને રામેશ્વરને ઘણો આધાર આપ્યો. રામેશ્વરને કૉલેજ છોડવાના વિચારમાંથી પરાવૃત કરી તેની જવાબદારી સ્વીકારી લીધી.

રામેશ્વરે ઇન્ટર આર્ટસ્ બાદ અભ્યાસ મૂક્યો અને પબ્લિક સર્વિસ કમીશનની ક્લેરીકલ પરીક્ષા પાસ કરી. પ્રતાપકાકાનાં તેમના પર અનેક ઋણ હતા, તેમ છતાં કાકા માધોને કહી ગયા હતા કે તેમના પર રામેશ્વરે કરેલા ઉપકારનું કરજ તેઓ સાત જનમ સુધી નહિ ઉતારી શકે. તેમણે તો કેવળ એક પુત્રની અને ભાઇની વણલખી, વણકહી ફરજ નિભાવી હતી.

રૂપવતીના લગ્ન પટણા શહેરથી થોડે દૂર, ગંગા કિનારે આવેલ બાટા શૂ ફૅક્ટરીના પ્લાંટમાં વેરહાઉસમૅનનું કામ કરનાર યુવક રામ અભિલાષ સાથે નક્કી થયા હતા. લગ્નના એક અઠવાડીયા પહેલાં તેના બાપુએ મોટી રકમની માગણી કરી. રામ અભિલાષને ફૅક્ટરીની નજીક મકાન બંધાવવું હતું. પટનાની નજીક કૉલોની હોવાથી કિંમત વધુ હતી. પ્રતાપકાકાએ પોતાની જમીન વેચી, તો પણ પુરતા પૈસા ભેગા ન થઇ શક્યા. છોકરાના બાપે લગ્ન તોડવાની ધમકી આપી. ‘હા, તમારી દિકરી રૂપાળી છે, ગૃહિણીના બધા ગુણ છે, પણ આ મકાન તો અંતે તેના માટે જ તો થવાનું છે ને?’

પ્રતાપકાકાએ આખરે તેમનું નાનકડું મકાન અને તેની પાછળના અર્ધા એકરનો વાડો વેચવાનું નક્કી કર્યું. રામેશ્વરને ખબર પડતાં તે નારાજ થયો અને મકાન વેચવાની મનાઇ કરી. તે ગામના મહાજન પાસે ગયો અને જોઇતી રકમ ઉપાડી. સરકારી નોકર હોવા ઉપરાંત રામેશ્વરની આબરૂ એટલી ઉંચી હતી, સાહુકારે તેમની પાસેથી કોઇ જામીનખત લીધા વગર પૈસા આપ્યા. જો કે વ્યાજનો દર દોઢ ગણો લીધો તે વાત જુદી. રામેશ્વરે આ વાત ખાનગી રાખી, પણ ગામમાં કોઇ વાત છાની રહે ખરી? વળી છેલ્લા પાંચ વર્ષથી તે કરજના હફ્તા ભરતા હતા તે પ્રતાપકાકા ક્યાં નહોતા જાણતા?

રામેશ્વર તથા રાધાએ તેમને અનેક વાર વિનંતી અને આજીજી કરી હતી કે તેઓ તેમની સાથે રહેવા વિષ્ણુપુર આવે. પણ કોઇ પર બોજ બનવા ન માગનાર, સ્વાવલંબી ફૌજી અફસરે હંમેશા ના પાડી. ‘હું આવીશ, જરૂર આવીશ. પણ અત્યારે મારા હાથ પગ ચાલે છે ત્યાં સુધી તો એકલતાનો આનંદ લેવા દે ને, દિકરા!’ કહી વાત ટાળતા હતા.

અંતિમ સમયે તેમની પાસે હાજર રહી ન શક્યા તેનો રંજ રામેશ્વર તથા રાધાને ગળાડૂબ શોકમાં ઉતારતો ગયો. વિચારમાં ને વિચારમાં જ તે કચેરીમાં પહોંચી ગયા.