Follow by Email

Thursday, February 24, 2011

પરિક્રમા - બિહાર : ભાગ ૨ (ક્રમશ:)ભાઇ ભાભીની રાહ જોઇ જોઇને રૂપવતીએ બાળકોને જમાડ્યા અને તેમના આવ્યા પછી સાથે જમીશ, એવા ઇરાદાથી તે પરસાળમાં બેસી રહી. મિસરી તેની પાસે બેઠી હતી અને બાળકો પછીતમાં આવેલી તેમના ઘરની નાનકડી અર્ધા એકરની વાડીમાં રમતા હતા.
“મિસરીકાકી, બિહાર શરીફથી અહીં બસ કેટલા વાગે આવે છે?”
“રૂબ્બતી, ટેમ તો થઇ ગયો છે. રામબાબુ અને બહુજી આવતા જ હશે.”
વાતને એકાદ કલાક થયો હશે ત્યાં દૂરથી જાણે ફટાકડા ફૂટતા હોય તેવો અવાજ આવ્યો. દસેક મિનીટ બાદ ફરી ‘ફટાકડા’ ફૂટ્યા. મિસરી એકદમ ઉભી થઇ ગઇ અને રૂપનો હાથ પકડી બોલી, “અંદર ચાલ. જમીનદારના મુસ્ટંડા કો’કની જાન લેવા ગોળીબાર કરી રહ્યા છે.”
અંદર જઇ તેણે તથા રૂપે બાળકોને ઘરમાં બોલાવ્યા અને બારી-બારણાં બંધ કરી નાખ્યા. રૂપનો જીવ હવે અદ્ધર થયો. તેણે રામનામ જપવાનું શરૂ કર્યું અને બારણાની તિરાડમાંથી જોવા લાગી કે ભાઇ ભાભીના આવવાના કોઇ અણસાર દેખાય છે કે કેમ. અહીં મિસરી તેને પરાણે બેસાડવાનો પ્રયત્ન કરતી હતી. યુગ જેવા લાગતા સમય પછી તેણે ફરી એક વાર બહાર જોયું તો કેટલાક લોકો તેના ઘર તરફ આવી રહ્યા હતા. રૂપના હૃદયમાં ફાળ પડી. તેણે બારણું ખોલ્યું અને બહાર દોડી. તે કાંઇ બોલે તે પહેલાં બાંકે દુકાનદાર બોલ્યો, “ગજબ હુઇ ગવા, રુબ્બતી. તોહાર ભૈયા-ભાભી અબ નાહિ રહીલ..”
રૂપના ધીરજની પરાકાષ્ઠા આવી હતી. તે રડી પડી. “મારા ભૈયાજી-ભાભી તો ઠીક છે ને? ક્યાં છે? શું થયું છે તેમને?” કહીને જે દિશામાંથી લોકો આવ્યા હતા ત્યાં દોડવા લાગી. બહાર નીકળેલી સ્ત્રીઓએ તેને રોકી, અને....
આગળ જે થતું ગયું તે વર્ણવવાની મારી શક્તિ નથી.
લોકોએ તેને આગળ જવા દીધી નહિ. જે હાલતમાં તેનાં ભાઇ ભાભીનાં મૃત શરીર પડ્યા હતા તે જોઇને કોઇનું પણ હૃદય છિન્ન-વિચ્છીન્ન થઇ જાય. વળી જ્યાં સુધી પોલિસ ‘લાશ’ની ઇંક્વેસ્ટ ન ભરે ત્યાં સુધી “ગુનાના સ્થળ” પર જવાની કોઇને રજા નહોતી.
ગામના મુખીએ શબની સાચવણી કરવા ગ્રામ રક્ષક દળના બે-ત્રણ જવાન અને કેટલાક લોકોને ત્યાં મૂક્યા.
બીજા દિવસે સવારે નજીકના થાણામાંથી બિહાર મિલીટરી પોલિસ અને સર્કલમાંથી પોલિસ સબ-ઇન્સપેક્ટર આવ્યા. સરકારી કામગિરી કરી, શરીરને સફેદ કપડાથી ઢાંક્યા. તેમની ઓળખ કરવા માટે રૂપવતીને તે સ્થળ પર લઇ ગયા ત્યારે તે સાવ ભાંગી પડી.
હજી જેને ૨૯ વર્ષ પણ નહોતાં થયા એવી હસમુખી, નમણી યુવતિ પર તો દુ:ખનો પહાડ તુટી પડ્યો. પંદર દિવસમાં તેનું આખું પિયર તહેસ-નહેસ થઇ ગયું હતું.
સ્નેહાળ માતા પિતાએ તેને જન્મ આપ્યો હતો. રાધા તથા રામેશ્વરે તેના સર્વાંગીણ - વૈચારીક, સીધી સાદી દેહાતી આધ્યાત્મિકતાનું તથા સાંસારીક વિકાસનું ઘડતર કર્યું હતું. તે દસ કે બાર વર્ષની હતી ત્યારે રામભૈયાનાં લગ્ન થયા હતા અને ત્યારથી તે તેમની સાથે રહીને ઉછરી હતી. પિતાને વર્ષમાં જ્યારે રજા મળતી ત્યારે તેઓ આવતા પણ બાકીના સમયમાં તેને અભ્યાસ, રામાયણનું વાચન અને ગૃહિણીનાં કર્તવ્યની કેળવણી તો ભાઇ ભાભી પાસેથી જ મળી હતી, જે તેનો ભાવનાત્મક આધાર હતા. પિતા રિટાયર થઇને આવ્યા ત્યારે તે તેમની સાથે રહેવા ઘેર ગઇ હતી. આજે તે સાવ ભાંગી પડી. આજે ભાઇ-ભાભી સાથે વિતાવેલા સમયની એક એક ઘડી તેની અંતર્દૃષ્ટિ સામે સ્પષ્ટ રીતે ઉભરીને આવતી હતી. વેદનાની લાગણીના પૂરમાં તણાઇને ડૂબી જતાં વારે વારે બેભાન થઇ જતી હતી.
આપણો સમાજ પણ અજબ છે. આમ તો પાડોશીઓમાં ઘણી વાર એકબીજાની કુથલી, ઇર્ષ્યા ચાલતી હોય, પણ તેમાંના કોઇ એક પાડોશી પર કોઇ આફત આવી પડે તો તેની માવજતમાં રાતોના ઉજાગરા કરી તેમની સારવાર કરવામાં બાકીના પાડોશીઓ પાછી પાની કરતા નથી. કોઇના ઘરમાં મૃત્યુ થાય તો શોકાતુર પરિવારને આશ્વાસન આપવા, તેમનાં બાળકોને તથા પરિવારના અન્ય સભ્યો માટે જમવાનું લઇ જવાનું વિના કહે કરતા હોય છે. રૂપને આવો જ આધાર મળ્યો. તે બેભાન થતી ત્યારે સ્ત્રીઓ તેને ડુંગળી છુંદીને સુંઘાડતી હતી, પાણી છાંટીને તેને હોશમાં લાવતી હતી. મિસરી તેનાં બાળકોનું ધ્યાન રાખતી હતી.
શોકના સમુદ્રમાં ડુબેલી રૂપવતી શ્વાસ લેવા બહાર આવી ત્યારે તેનું ધ્યાન પોતાના બાળકો તરફ ગયું. રાકેશ, સરિતા અને નીતા મા તરફ જોઇને આંસુ સારતા હતા. તેમનાથી થોડે દૂર કિશોર સ્તબ્ધ, અવાક્ હાલતમાં મીણના પુતળાની જેમ બેઠો હતો. તેની આંખો જાણે સ્ફટીકની હોય તેમ અવકાશમાં સ્થિર થઇને તાકી રહી હતી. શું થઇ રહ્યું છે તે તેની સમજ બહાર હતું. તેના શરીરમાં જીવનનાં કોઇ ચિહ્ન હોય તો તે હતા તેનો ધીમો શ્વાસોચ્છ્વાસ અને નયનનાં નીર.
રૂપવતીને પોતાનું બાળપણ યાદ આવ્યું. આઠ વર્ષની હતી ત્યારે તેની માતાનું અવસાન થયું હતું. તે સમયે તેને આધાર આપવા તેના પિતા હતા. કેટલી ધીરજથી તેમણે પુત્રીને સાંત્વન આપ્યું હતું! મૃત્યુ અંગેના તેના બાલીશ પ્રશ્નોના જવાબ આપ્યા હતા! પિતાજીનું અવસાન થયું ત્યારે પૂરા તેર દિવસ રાધા તેની મા બનીને સાંત્વન આપતી રહી હતી. આજે કિશોર પાસે કોણ છે?
આ વિચારની રૂપવતીના મન પર વિજળીના ઝબકારા જેવી અસર થઇ. દુ:ખના સાંકડા કોશેટામાં સંકડાઇને ગુંગળાતું તેનું મન અને શરીર એક અનેરા પ્રકાશમાં નહાઇ ઉઠ્યું, અને તેના વ્યક્તિત્વમાં આમુલાગ્ર પરિવર્તનની પ્રક્રિયા શરૂ થઇ.
Metamorphosisની પ્રક્રિયામાં ઇયળ લાંબો સમય સુષુપ્ત રહે છે. જ્યારે પતંગિયાના અવતારમાં બદલાઇ, કોચલું ફોડીને તે બહાર નીકળે છે, બહારની સૃષ્ટી જુવે છે ત્યારે તે ક્ષણાર્ધમાં તેનામાં ઉડવાની શક્તિ આવે છે. આ છે તેનું સાચું મેટામૉર્ફૉસીસ, જે કેવળ તેની સુંદર પાંખો પૂરતું સીમિત નથી. તે સિમિત કોશેટામાંથી બહાર નિ:સીમ જગતમાં ઉડે છે, ફળ-ફૂલનાં સર્જનમાં સહાયભૂત થાય છે, જોનારાઓને આનંદ અર્પે છે. આ બધાના સારમાં સમાય છે તેનું નિસર્ગદત્ત પરિવર્તન.
રૂપવતીના નવા પરિવર્તન, પરિવેશમાં તેનું વિશ્વ બદલાઇ ગયું. તેનાં ક્ષારયુક્ત અશ્રુ સ્નેહના મીઠાં જલ-સાગરમાં પરિવર્તીત થયા. તેણે હાથ લાંબા કર્યા અને કિશોરને આર્દ્ર સ્વરે કહ્યું, “કિશોર, અહીંયા આવ બેટા, તારી બુઆ પાસે આવ, મારા દિકરા!” કિશોર ચાવી વાળા રમકડાની જેમ ઉઠ્યો અને ધીમે પગલે રૂપ પાસે ગયો.
રૂપે તેને છાતી સરસો ચાંપ્યો. ચાર નયનોમાંથી એવા આંસુ વહ્યા, તેનું કોઇ વર્ણન ન થઇ શકે. આ આલીંગનમાં એક અલૌકિક સંબંધની શરૂઆત થઇ હતી.