Follow by Email

Saturday, February 28, 2009

આક્રમણની પૂર્વ તૈયારી...

૩૮ કલાકના સતત રસ્તા પરના પ્રવાસમાં એક ક્ષણ ભર પણ બિસ્તરા પર અંગ ટેકવ્યા વગર અમને અપાયેલ ફરજ પૂરી કરીને જ્યારે ગુપ્તા અને હું કંપની હેડક્વાર્ટરમાં પહોંચ્યા ત્યારે રાતના લગભગ બે વાગ્યા હતા. સૅમી હવે કંપનીનો સેકન્ડ-ઇન-કમાંડ હતો, તેથી મેં તેને રીપોર્ટ આપ્યો: મારી ચાર ગાડીઓ રસ્તામાં ખરાબ થઇ હતી, અને તેના પર રીપેરીંગ ચાલી રહ્યું હતું. સવારના ચારે’ક વાગ્યા સુધી કંપનીમાં આવી જશે એવું મિકૅનીકે કહ્યું હતું, તે સૅમીને જણાવ્યું.

“નરેન, if I were you, હું તો અત્યારે જ જઇ મારી ગાડીઓ લઇ આવું. Tow કરીને લાવવી પડે તો પણ ગાડીઓ હું લઇ આવું.” અંગ્રેજો જેવી હિંદી-અંગ્રેજીમાં સૅમી બોલ્યો.

“સૅમી, તું મને અૉર્ડર આપે છે કે સલાહ આપે છે? તારે જે કહેવું હોય તે સ્પષ્ટ કહે. મેં મારી ગાડીઓ પાસે આપણા URO (યુનિટ રિપૅર અૉર્ગેનાઇઝેશન)ના મિકૅનીક મૂક્યા છે. તને મેં હમણાં જ કહ્યું કે ચાર વાગ્યા સુધીમાં ગાડીઓ આવી જશે.”

“ઠીક ત્યારે, આને મારો હુકમ સમજ. ગાડીઓ લેવા હમણાં જ નીકળી જા!”

ગુપ્તા હજી જીપમાં જ હતો. હું તરત જીપમાં બેઠો અને તેને જીપ મારી મૂકવાનું કહ્યું.

અમારી હિલચાલ ગુપ્ત રાખવાની હોઇ રાતે વાહનોની બત્તી બંધ રાખીને જ ગાડી ચલાવવાની હતી. હું સાંબા-પઠાનકોટ રોડ પર જવા લાગ્યો. રસ્તામાં કઠુઆ પાસે લાંબો પુલ છે. પુલ પાર કરી પાંચે’ક કિલોમીટર ગયો અને જોયું તો ત્યાં લગભગ ત્રણસો વાહનો કતારબંધ ખડા હતા. હું મારી ગાડીઓને શોધી રહ્યો હતો, ત્યાં અમારી આર્મર્ડ બ્રિગેડ માટે દારૂગોળાનું વહન કરનારી અમારી બટાલિયનની ચાર્લી કંપનીના ટૅંક માટેના દારૂગોળા ભરેલા અને બ્રાવો કંપનીના ટૅંક્સ માટેના ખાસ હાઇ અૉક્ટેન પેટ્રોલ ભરેલા લગભગ ૧૦૦થી વધુ ટ્રક અને અન્ય યુનિટોના વાહનો ઉભા હતા. મેં ચાર્લી કંપનીના કૉન્વૉય કમાન્ડર સુબેદારસાહેબને પુછ્યું કે તેઓ ત્યાં શા માટે રોકાયા છે, તો તેમણે કહ્યું, “સાબ, કઠુઆ બ્રીજ પર દુશ્મન કા કબઝા હે. હમ ગાડી આગે નહિ લે જા સકતે.” મને નવાઇ લાગી, કારણ કે આ પુલ પરથી વીસ મિનીટ પહેલાં જ ગુપ્તા અને હું જીપ ચલાવીને લઇ આવ્યા હતા.

પરિસ્થિતિ ગંભીર હતી. વહેલી સવારના છ વાગે અમારી ડિવીઝન પાકિસ્તાનમાં કૂચ કરવાની હતી. દારૂગોળા અને હાઇ-અૉક્ટેન પેટ્રોલ વગર ટૅંક્સ વીસે’ક માઇલથી આગળ જઇ ન શકે. રાતના ત્રણ વાગી ગયા હતા. આ બધા ટ્રક તરત પ્રયાણ ન કરે તો આર્મર્ડ ડિવિઝન પેટ્રોલ અને દારૂગોળા વગર પાકિસ્તાનના રસ્તામાં જ અટકાઇ પડે અને પાંખ અને પગ વગરના બતકની જેમ દુશ્મનનો કોળીયો બની જાય તેમ હતું. મેં નિર્ણય લીધો.

મેં કૉન્વૉય કમાન્ડરોને હુકમ આપ્યો, “હું આગળ જઉં છું. મારી જીપની પાછળ ત્રણસો મીટરનું અંતર રાખી તમારો કૉન્વૉય ચલાવો. પુલની નજીક હું પહેલાં પહોંચીશ. જો ત્યાં દુશ્મન હશે તો તમને ગોળીબારનો અવાજ સંભળાશે. આવું થાય તો તમે તમારી ગાડીઓના સંરક્ષણ માટે રાબેતા મુજબ તમારી સાથેના સૈનિકોને ‘ડીપ્લૉય’ કરશો. તે જ ઘડીએ એક ગાડીને માધોપુર બ્રીજ મોકલી ત્યાંની વાયરલેસ ડીટેચમેન્ટ દ્વારા બ્રિગેડને અહીંની હાલતના સમાચાર ધિવિઝનલ હેડક્વાર્ટરને આપજો. જો ફાયરીંગનો અવાજ ન આવે તો મારી રાહ જોશો. હું પુલ સીક્યોર છે કે નહિ તેની તપાસ કરી પાછો આવીશ. જો અર્ધા કલાકમાં હું પાછો ન આવું તો સમજી લેજો કે હું દુશ્મનના અૅમ્બુશમાં સપડાઇ ગયો છું. તેથી પહેલાં આપેલા હુકમ પ્રમાણે બચાવની કારવાઇ કરશો. કોઇ પણ હિસાબે હું પાછો આવીશ અને કૉન્વૉયને અૅસેમ્બ્લી એરિયા સુધી લઇ જઇશ. ત્યાર પછી તમે તમારા યુનિટના મિલન સ્થાન (મિલીટરીની ભાષામાં RV- rendezvous)પર નીકળી જજો. હુકમ સમજવામાં કોઇ શક છે?”

કૉન્વૉય કમાન્ડરે હુકમ સાંભળી, મને સૅલ્યુટ કરી પોતાના કૉન્વૉય તરફ ગયા. હવે જીપ હું ચલાવવા લાગ્યો. કઠુઆ બ્રીજની નજીક પહોંચ્યો કે તરત મશીનગન કૉક થવાનો અવાજ સાંભળ્યો. સાથે સાથે “થોભો: કોણ આવે છે?”નો ધીમેથી પણ કર્કશ અવાજનો હુકમ આવ્યો. મેં ગુપ્તાને ડ્રાઇવરની સીટ પર બેસવાનું કહ્યું અને ગાડીનું એન્જીન ચાલુ રાખવાની સૂચના આપી. ગોળી છૂટવા લાગે તો જીપ 'યૂ ટર્ન' કરી કૉન્વોય તરફ લઇ જવાનો હુકમ અાપ્યો.

મેં સેન્ટ્રીને જવાબ આપ્યો, “મિત્ર.”

“જીપસે નીચે ઊતરો, હાથ ઉપર કરો ઔર આગે બઢો,” સામેથી બીજો હુકમ આવ્યો.

જીપમાંથી ઉતરીને જેવો હું સેન્ટ્રીની નજીક ગયો કે સડકની બન્ને બાજુએ પોઝીશન લઇને બેઠેલા સૈનિકો બેયોનેટ લગાવેલ રાઇફલ તાણીને મારી નજીક આવ્યા. તેમના નાયકે મારું નામ, યુનિટની માહિતી અને આયડેન્ટીટી કાર્ડ માગ્યાં. મેં મારી માહિતી અને ઓળખપત્ર બતાવ્યા. મેં ગાર્ડ કમાન્ડરને કહ્યું, “હું અર્ધા કલાક પહેલાં આ પુલ ક્રૉસ કરીને આવ્યો ત્યારે અહીં કોઇ નહોતું. તમે ક્યારે પુલ ‘સીક્યોર’ કર્યો? કોઇ ખાસ કારણ છે? ”

“સાબ, અા પુલ પર પાકિસ્તાનના કમાંડો ઘુસી આવ્યા હતા. તેમણે મોટર સાયકલ પર સંદેશ લઇને જતા પુના હૉર્સના એક ડીસ્પૅચ રાઇડરને મારી નાખ્યો અને તેની પાસેની ટપાલ લઇને નાસી ગયા છે. અમે દસ મિનીટ પહેલાં આવીને પુલને ‘સીક્યોર’ કર્યો છે. અહીંથી પસાર થનાર દરેક વાહન તપાસવાનો અમને હુકમ છે.”

મેં તેને આખી વાત સમજાવી અને કહ્યું કે પુલની પાછળ રોકાયેલા દારુગોળા, પેટ્રોલ અને અન્ય રસદના ત્રણસો ટ્રક્સના કૉન્વૉયને ફૉર્વર્ડ એરિયામાં પહોંચાડવાનો છે. સન્ત્રીએ મને ‘અૉલ ક્લીયર’ અાપ્યો. હું પાછો કૉન્વોય પાસે ગયો અને કૉન્વૉય કમાન્ડરને મારી પાછળ ગાડીઓ લાવવાનો હુકમ આપ્યો. સૌ પ્રથમ મારા અટકાયેલા ટ્રક્સને મોખરા પર લઇ જઇ બાકીના લોકોને હિંમત આપી. આખા કૉન્વૉયને મેં સુરક્ષીત રીતે ડિવીઝનના માર્ચીંગ એરીયામાં ચાર વાગ્યા સુધીમાં પહોંચાડી આપ્યો.

આ પ્રસંગ બન્યો ત્યારે રોકાયેલા ટ્રક્સ વિશે મેં ઊંડો વિચાર નહોતો કર્યો. પરંતુ લડાઇ જીત્યા બાદ અમારી બટાલિયનની મુલાકાતે આવેલા અમારા ડિવીઝનના જનરલ-અૉફિસર-કમાંડીંગ (GOC) જનરલ રાજિંદરસિંઘ સ્પૅરોએ અમારી બટાલિયનના અફસર અને જવાનોને બે વાતો કહી ત્યારે મને મારા સરદાર અને જવાનોએ યુદ્ધકાર્યમાં અાપેલા ફાળા વિશે ખરે જ ખુશી અને કૃતાર્થતાનો અહેસાસ થયો. તેમણે કહ્યું, “તમારા ટ્રુપ કૅરિયર અફસરે રેકૉર્ડ ટાઇમમાં દિવસ રાતની પરવા કર્યા વગર ૩૮ કલાકમાં આખી લૉરીડ બ્રિગેડને એસેમ્બ્લી એરિયામાં પહોંચાડી આપી તેથી મારી surprise strikeની રણનીતિ સફળ થઇ. તમે કર્તવ્યપરાયણતા દર્શાવી, અસાધારણ તેજીથી આ કામ પૂરૂં કર્યું તેથી આપણે નિર્ધારીત સમયે આક્રમણ શરૂ કરી શક્યા.
“બીજી ખાસ વાત: ટૅંક્સને સાતત્યતાપૂર્વક આક્રમણ ચાલુ રાખવા જરુરી હતા તેવા પેટ્રોલ અને દારુગોળો લાવનારા વાહનો રોકાઇ પડ્યા હતા, તે અણીને વખતે આવી પહોંચ્યા તેથી H-Hour પર મારી આર્મર્ડ બ્રિગેડ કૂચ કરી શકી. તમારી બટાલિયનનું આપણી વિજય યાત્રામાં આ બીજું મોટામાં મોટું યોગદાન હતું. હું તમારી સેવાપરાયણતાને બિરદાવું છું.”