Follow by Email

Tuesday, February 3, 2009

"જીસી સેવન્ટીફાઇવ"

પુનામાં થયેલી બીજી હોનારત - મારા OTSમાં પહોંચ્યાના બીજા દિવસથી અમારી ટ્રેનિંગ શરુ થઇ ગઇ!

ચાર વાગે ઉઠીને સૌ પ્રથમ મોટો મગ ભરીને ‘બેડ ટી’ અને બિસ્કીટનો નાસ્તો. ત્યાર પછી દાઢી, બ્રશ અને બાથરુમમાં જઇ પ્રાતર્વિધી પતાવી કસરતનો - એટલે પી.ટી. (ફિઝીકલ ટ્રેનિંગ)નો યુનિફોર્મ પહેરી બૅરેકની બહાર પ્લૅટુન-વાર લાઇનબંધ ઉભા રહી જવાનું. હવે સાર્જન્ટ બહાદુરસિંઘ આવી અમારો ‘ટર્ન-આઉટ’ (પહેરેલો પોશાક, બુટ પૉલીશ વિ.) ચેક કરે. તેમાં કોઇ ઉણપ હોય કે ન હોય, "યૂ બ્લડી ફૂલ્સ, આઇ હૅવ નાટ્ટ સીન જોકર્સ લૈક યૂ." અને 'તમારા દેદાર જોઇ મને શરમ આવે છે' વિ.વિ. કહી અમારામાંથી કેટલાકનાં નંબર બોલી, નોંધી લે. જેમનો નંબર નોંધાયેલો હોય, તેમણે રાતના ભોજન બાદ સજા ખાવા મેદાનમાં જવાનું. અહીં અમને ‘ફ્રન્ટ રોલ’ (ખરબચડી જમીન પર ગુંલાટિયા ખાવાના), બૅક રોલ (ઉંધા ગુંલાટિયા), અમારા ઘૂંટણ, સાથળ અને પગની ઘૂંટીનો સત્યાનાશ કરનારી ‘ઢઢ્ઢુ ચાલ’ (અંગ્રેજી: frog march) અને છેલ્લે ‘ચિત્તા ચાલ’ - એટલે જમીન પર ચત્તા સુઇ, ચિત્તાની જેમ ઘસડાતા જઇ ૫૦-૧૦૦ ગજનું અંતર કાપવાનું - એવી સજા મળે. આને સજા ન કહેતાં ‘extra drill’ કહેવામાં આવતી. એક્સ્ટ્રા ડ્રીલનું ઉર્દુ નામ ‘પિઠ્ઠુ પરેડ’. પિઠ્ઠુ એટલે પીઠ પર લગાડવાનો થેલો (અં: Haversack), જેમાં કૂચ કરતી વખતે તેમાં સુચિ પ્રમાણે ત્રણે’ક કિલોગ્રામના વજનની વસ્તુઓ રાખવાની હોય છે. જો કે પિઠ્ઠુ પરેડમાં નિયત વસ્તુઓને બદલે આ થેલામાં તેનું વજન પૂરૂં કરવા પત્થર અને ઇંટ મૂકવામાં આવે. બહાદુરસિંઘ તેને ‘પેટી પરેડ’ કહેતા. અા ‘પરેડ’નો એક વણલખ્યો નિયમ એવો હતો કે ત્રણથી ઓછી “પેટી પરેડ” કોઇને ન અપાય! મારી પ્લૅટુનના ઓરિસ્સાના કૅડેટ પૂર્ણચંદ્ર પરીજાને એટલી એક્સ્ટ્રા ડ્રીલ મળી હતી, કે ટ્રેનિંગ પૂરી કરી, સેકન્ડ લેફ્ટનન્ટ થઇને પોતાની રેજીમેન્ટમાં ગયો ત્યારે તેના નામે અગિયાર એક્સ્ટ્રા ડ્રીલ બાકી રહી હતી!

પ્લૅટુન સાર્જન્ટ બહાદુરસિંઘની ‘બહાદુરી’ બાદ અમે પીટી કરવા જઇએ. રોજ સવારે ‘રોડ-વૉક-અૅન્ડ-રન’માં બે માઇલની દોડ કરી આવવાનું. ત્યાર બાદ બ્રેકફાસ્ટ. હવે પછીનો પિરીયડ લશ્કરી કવાયત-ડ્રીલનો. બ્રેકફાસ્ટ બાદ કવાયતનો ખાસ યુનિફૉર્મ પહેરી ડ્રીલ સ્ક્વેરમાં જવાનું. બે ટ્રેનીંગ વિસ્તાર વચ્ચેનું અંતર એક-દોઢ કિલોમીટર હતું, અને અમારે ત્યાં દોડતા જવાનું હતું. વળી જ્યાં સુધી ડ્રીલની પરીક્ષા પાસ ન કરીએ ત્યાં સુધી અમને કૅમ્પમાંથી બહાર જવાનો ‘આઉટ પાસ’ ન મળે, અને અમારા બૂટને પૉલીશ કરી, બાકીના સામાનને તૈયાર કરી આપવા માટે અૉર્ડલર્લી ન મળે. ડ્રીલમાં ‘લેફ્ટ-રાઇટ’ કરવા ઉપરાંત ‘Ceremonial Parade’ (તમે ૨૬મી જાન્યુઅારીની પરેડ જોઇ હશે, તેમાં જે રીતે પરેડ કમાંડર તલવાર લઇને માર્ચ કરતા હોય છે, સલામી શસ્ત્ર અને ‘Beating the Retreat’ કરતા હોય છે, તે બધી વિધી શીખવી પડતી હોય છે.) ડ્રીલમાં સૌથી વધુ અગત્યતા અપાય છે પોશાકને. શર્ટના કૉલર કે બાંયમાંથી સૂતરનો એક પણ તાંતણો ડોકિયું કરતો હોય તો જીસી ‘ફેઇલ’. પૉલીશ કરેલા બૂટમાં સુબેદાર મેજરને પોતાનો ચહેરો ન દેખાય તો પણ તમે ‘ફેઇલ’. લાંબા મોજાની ઉપરની કિનારમાંથી પતંગિયાના આકારના લાલ અને ભૂરા રંગના ‘garter flash’ની લંબાઇ પણ નિયમ પ્રમાણે હોવી જોઇએ. અમારા ડ્રિલ સાર્જન્ટને અંગ્રેજી આવડતું ન હોવાથી ગાર્ટર ફ્લૅશને ‘ગટરફ્લાય’ કહેતા! ટોપી - એટલે બેરી (beret) ડાબી આંખની ભમરથી બે આંગળ કરતાં ઉંચી કે નીચી હોય તો પણ તમે ‘ગયા’. વાળ એવા કપાયેલા હોવા જોઇએ કે બેરીની પાછળના ભાગમાં એક પણ વાળ દેખાવો ન જોઇએ. આ તો શરુઆત. ત્યાર બાદ દરેક હલન ચલન, સૅલ્યુટ કરવાની રીત, પગ ઉપાડીને પછાડવાની ઢબ - જવા દો, આ બધું યાદ આવે છે અને ફરી ડ્રીલ સ્ક્વેરના (પરીક્ષાના) નામથી ધ્રુજારી છૂટે છે. હું ડ્રીલ સ્ક્વેરમાં બે વાર ‘ફેલ’ થયો હતો. પહેલી વાર મારા કૉલરમાંથી એક મિલીમીટરના ૧૦૦મા ભાગ જેટલું તાંતણું સુબેદાર મેજરની નજરે ચઢ્યું તેથી ફેઇલ. બીજી વાર મારી આંખમાં આંખ પરોવીને તેમણે જોયું ત્યારે મારી આંખનું પોપચું એક મિલીમીટરના હજારમા ભાગ જેટલું હલી ગયું તેથી નાપાસ! કોઇ પણ કારણ હોય, પણ રીપોર્ટમાં ફક્ત એટલું લખાયું કે ‘સેવન્ટી ફાઇવ ડ્રીલ સ્ક્વેરમાં બે વાર ફેલ થયો છે, જે દશર્શાવે છે કે તે ડ્રીલમાં સાવ કાચો છે અને તેની ડ્રીલ સાવ ખરાબ છે.’ આ રીપોર્ટ વાંચીને મારી એકલાની એવી બારીકાઇથી પરીક્ષા લેવાઇ, જાણે સુબેદાર મેજર હાથમાં સુક્ષ્મદર્શક યંત્ર લઇને મારો યુનીફોર્મ, બૂટ પૉલીશ, બેલ્ટ, બકલ, બેરી પરનો બૅજ ચકાસી રહ્યા હતા. ત્યાર પછી ડ્રીલની “પત્રકે સાથ સૅલ્યૂટ કરના” જેવી એકે એક વિધી મારી પાસેથી કરાવી, અને છેલ્લે મારા ચહેરાથી એક સેન્ટીમીટર પર પોતાનો ચહેરો લાવીને જોયું કે મારી આંખ સીધી લાઇનમાં જોઇ રહી છે કે તેમની તરફ. અંતે તેમણે મને પાસ થયાનો હુકમ ‘કૅરી અૉન’ આપીને કહ્યું, ‘સેવન્ટી-ફાઇવ’ આપકી ડ્રીલ બહુત બહેતર હુઇ હૈ. કોઇ કસર નહિ. કૅરી ઓન’. આના જવાબમાં શિરસ્તા પ્રમાણે હું ઉંચા સાદે એક જ શબ્દ બોલી શકું: “સર!”
મારા હોઠ પર શબ્દ આવ્યા હતા, ‘આપને મેરી ડ્રીલ કબ દેખી થી જો અબ બહેતર હુઇ?’ પણ આવું કશું કહેવાય નહિ, અને કહીએ તો દસ થી ઓછી એક્સ્ટ્રા ડ્રીલ મળ્યા વગર ન રહે! આ વખતે મને સૌથી વધુ દુ:ખ થયું હોય તો શાળા કે કૉલેજ દરમિયાન એનસીસીમાં ન જોડાયો તેનું હતું. OTSમાં જે શિક્ષણ મેળવી રહ્યો હતો તે મને એનસીસીમાં મળ્યું હોત તો અહીંની ટ્રેનિંગ મને વસમી ન લાગત.

પીટી અને ડ્રીલ કરીને થાકી ગયા બાદ ‘વેપન ટ્રેનિંગ’ (રાઇફલ, લાઇટ મશીનગન, સ્ટેન ગન અને પિસ્તોલ ચલાવવાનું શિક્ષણ તથા આ હથિયારોના હિસ્સાઓ ખોલી, સાફ કરી ઝપાટાબંધ ફરી ‘ફીટ’ કરી નાખવા- વિ.), ક્લાસરૂમમાં બેસીને યુદ્ધશાસ્ત્ર, યુદ્ધનો ઇતીહાસ, ભારતીય સેનાનાં જુદા જુદા વિભાગોની સંઘટના, મૅપ રીડીંગ વિગેરેનો અભ્યાસ, વાયરલેસ સંચાર વિજ્ઞાન વિગેરે શીખવાનું. બપોરના ભોજન બાદ એકા’દ કલાક આરામ કરી સાંજે ખેતર કે વગડામાં દોડવાનું - ક્રૉસ કંટ્રી રન, રમત ગમત અને ફરજીયાત અૉબ્સ્ટેકલ કોર્સ . આ બધું પતાવીને નાહી-ધોઇ, સૂટ પહેરી મેસમાં જવાનું. રાતે ભોજન કરી, નસીબ સારા હોય અને બહાદુરસિંઘે ‘પેટી પરેડ’ આપી ન હોય તો સૂઇ જવાનું. સવાર પડે અને બ્યુગલર ‘રવાલી’ના સૂર વગાડે, જે અમારા માટે “જાગો મોહન પ્યારે!” હતા.