Follow by Email

Friday, February 6, 2009

સેકન્ડ લેફ્ટનન્ટ નરેન્દ્ર

૨૬ ડીસેમ્બર ૧૯૬૪!

આ દિવસની પ્રથમ મિનીટ પર અમને સેકન્ડ લેફ્ટનન્ટના પદ પર કમીશન મળવાનું હતું. આ પ્રસંગ માટે એક વિશાળ અને ભવ્ય ‘પાસીંગ આઉટ પરેડ’ થઇ. આ માર્ચ પાસ્ટની અમે એક મહિનાથી પ્રૅક્ટીસ કરતા હતા. ૨૫મી જાન્યુઆરીની સવારે પરેડ, અને ત્યાર પછી ટી-પાર્ટી. રાત્રે ભોજન સમારંભ. ભોજન બાદ રાતના બાર વાગીને એક મિનીટ પર પ્રજાસત્તાક દિનનું આગમન થયું ત્યારે અમારો અફસર થવાનો વિધી સમ્પન્ન થયો! આ કાર્યક્રમ જોવા માટે મેં બા, મારી બહેન સૂ, મારા બચપણના ખાસ મિત્ર સદાનંદ તથા તેમનાં પત્નિને આમંત્રણ આપ્યું હતું. સૂ તો આવી ન શકી, પણ તેના સ્થાને મારી સૌથી નાની બહેન ડૉલી આવી. ભોજન સમારંભ બાદ રાતના બાર વાગીને એક મિનીટે બાએ અને ડૉલીએ મારા એક ખભા પર અને સદાનંદ અને તેનાં પત્નિ વૈજયન્તિએ બીજા ખભા પરના એપૉલેટ પર સેકન્ડ લેફ્ટનન્ટનો એક એક તારક લગાવ્યો. લાઉડ સ્પીકર પર બ્રિગેડિયર આપજી રણધીરસિંહજીએ અમને બધાને ભારતીય સેનામાં કમીશન્ડ અૉફિસરના પદ પર નીમણૂંક થઇ છે તેની જાહેરાત કરી અભિનંદન આપ્યા. જીવનનો એક અધ્યાય પૂરો થયો.

અમારા બન્ને ખભા પર ભલે એક-એક તારક હતો, પણ તેના પ્રકાશમાં અમારા જીવનનું નુતન અભિયાન શરૂ થયું. પ્રશિક્ષણ દરમિયાન અમારા નાગરી જીવનની સુખાસીનતા, આરામથી કામ કરો, કામમાં થોડી ઘણી ઢીલ કે અપૂર્ણતા ‘ચાલી જાય’ અને ‘હોતા હૈ ચલતા હૈ’ની વૃત્તિને અમારી રગેરગમાંથી કાઢી નાખવામાં આવી હતી. અમારી કામ કરવાની વૃત્તિમાં થોડી પણ ભુલ થાય તો અસંખ્ય સૈનિકોનો જીવ જોખમમાં આવી જાય, એવું હતું. અમારા રોમેરોમમાં ઠસાવવામાં આવ્યું હતું કે હવે અમે ‘સિવિલિયન’ નહોતા રહ્યા. અમારી ચાલવાની ઢબથી માંડી દરેક કામમાં ચુસ્તી, ઝડપ અને કોઇ પણ કામ કરો, તે એવી યોજનાબદ્ધ કાળજીથી કરો કે તે પહેલા પ્રયત્ને જ ઉત્તમ દરજ્જાનું હોય: Get it right the first time. કોઇ પણ કાર્ય હોય તેની ઝીણામાં ઝીણી વિગત પર પૂરું ધ્યાન આપવું તેને અમારી સહજ વૃત્તિ બનાવવામાં આવી.

આનો અર્થ એવો નથી કે અમે ‘સુપરમૅન’ બન્યા હતા. અમારા કામમાં અમે જેટલી ચોકસાઇ અને યોજના કરીએ એટલી - કે કદાચ તેનાથી વધુ ચોકસાઇ સર્જન, શિક્ષક, આર્કીટેક્ટ અને હસ્તકૌશલ્યના કારીગરને રાખવી પડતી હોય છે. પરંતુ અમારા પ્રશિક્ષણનો અંતિમ ધ્યેય તો એ હતો કે અમે એવા યોદ્ધા બનીએ જેની નિર્ણયશક્તિ પર અનેક સૈનિકો પોતાના જીવનની જવાબદારી સોંપી શકે. તેમના વિશ્વાસને પાત્ર બની, યુદ્ધની કપરામાં કપરી સ્થિતિમાં તેમની સફળ આગેવાની કરી શકીએ. અમારા કાર્યમાં પ્રામાણિકતા, નૈતિકતા, નિષ્ઠા, નિ:સ્વાર્થ નેતૃત્વ અને વફાદારીને સર્વોચ્ચ મહત્વ આપવામાં આવ્યું હતું. દેશની સુરક્ષા અમારી પ્રથમ જવાબદારી હતી. ત્યાર પછી અમારૂં કર્તવ્ય હતું અમારા હાથ નીચે કામ કરતા જવાનોની સલામતિ અને તેમની સુખાકારી. અમારી અંગત સુરક્ષા અને આરામનો વિચાર છેલ્લે - અને સાવ છેલ્લે કરવાની અમે પ્રતિજ્ઞા લીધી હતી. અમારૂં વર્તન દેશના શ્રેષ્ઠ નાગરિક જેવું વિનયશીલ હોવું જોઇએ. આ વાતનું મહત્વ ભારતીય સેનાના અફસરોને પ્રશિક્ષણ વખતે તેમના રક્ત અને શ્વાસમાં સમાવવામાં આવે છે. તેથી જ તેમને Officer and Gentleman કહેવામાં આવ્યા છે. અમને એક વધુ વાત સમજાવવામાં આવી કે આ એવી ઉમદા વિચારધારા છે, જેની અંતર્ગત એક બીજા માટે અમે હતા ‘brother officers’. સેનાના હજારો અફસરો સાથે અમારો ભાઇનો સંબંધ બંધાયો છે. એક અફસર પોતાના ‘બ્રધર અૉફિસર’ સાથે કદી દગો ન કરી શકે. જે આદર્શ અને ધ્યેયને લક્ષ્ય બનાવી સેનામાં ભરતી થવા આવ્યો હતો, તે મને અહીં પૂર્ણ રુપે પ્રાપ્ત થતા લાગ્યા. એક નવા વિશ્વમાં - સર ટૉમસ મોરના યુટોપિયા તરફ પગલાં ભર્યા હોય તેવું લાગ્યું. એક આદર્શવાદી યુવાનને આનાથી વધુ શું જોઇએ?

મારા મોટા ભાગના સાથીઓને પોતપોતાની રેજીમેન્ટમાં જવાનો હુકમ મળ્યો. આર્મી સર્વિસ કોરમાં પસંદ કરવામાં આવેલા અફસરો સાથે મને યંગ અૉફિસર્સ કોર્સ માટે બરેલી જવાનો હુકમ મળ્યો.

અૉલિવ ગ્રીન યુનિફૉર્મ, ખભા પર ચળકતા પિત્તળના તારક, ચમકતા બૂટ અને પીક્્ડ કૅપમાં મને બાએ જોયો ત્યારે તેમની આંખમાં હર્ષના અશ્રુ આવી ગયા. અઢારમી સદીની આખરમાં અમારા એક પૂર્વજ ગાયકવાડ સરકારના સેનાપતિ હતા. ત્યાર બાદ ઓગણીસમી સદીના અંતમાં બ્રિટીશ સરકારના પોલીટીકલ એજન્ટ (વેસ્ટર્ન ઇન્ડીયા સ્ટેટ્સ એજન્સી) સૌરાષ્ટ્રના પ્રથમ ભારતીય પોલિસ સુપ્રીન્ટેન્ડન્ટ થવાનું શ્રેય મારા દાદાજીને મળ્યું હતું. તેમના પૌત્રને - એટલે મને ભારતીય સેનાના કમીશન્ડ અૉફીસરનો યુનિફૉર્મ પહેરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું તેથી બા ઘણાં ખુશ હતા.

પાસીંગ આઉટ પરેડ બાદ મને બે અઠવાડિયાની રજા મળી અને હું ઘેર આવ્યો. બા હવે મારાં લગ્ન માટે આગ્રહ કરવા લાગ્યા. અમારી પરિસ્થિતિ જોઇએ તો મારી બે નંબરની બહેન સૂ હવે ઉમરલાયક થઇ હતી. તેના માટે મુરતિયો શોધવાનો હતો. સૌથી નાની ડૉલી હાલમાં જ કૉલેજમાં દાખલ થઇ હતી. ત્રણે’ક વર્ષ સુધી તેનાં લગ્નનો સવાલ ઊઠતો નહોતો. આવી હાલતમાં હું લગ્ન માટે તૈયાર નહોતો. એટલું જરૂર કહીશ કે યુવાનીની ઘેલછામાં એક વાર લગ્ન કરવાની અણી પર આવી ગયો હતો. ત્યાર પછી લગ્નનો વિચાર છોડ્યો હતો. OTSમાં જવાના એક વર્ષ પહેલાં મારો પરિચય પ્રિયદર્શીની નામની યુવતિ સાથે થયો હતો. તેમનો મૃદુ સ્વભાવ, તેજસ્વી બુદ્ધીમતા, શાલિનતા અને graceથી હું તેમના તરફ આકર્ષાયો હતો. મને જોઇ તેમનો ચહેરો આનંદથી પ્રકાશી ઊઠતો પણ તેમની મારા પ્રત્યેની ભાવના હું જાણી શક્યો નહોતો. દર્શિની અમારે ઘેર આવી ગયા હતા, અને બાને તેમનો સ્વભાવ ગમ્યો હતો. તેમની સાથે અમે જીવન આનંદથી વ્યતિત કરી શકીશું એવી મને ખાતરી હતી, પણ જ્યાં સુધી મારી કારકિર્દીમાં પ્રગતિ ન થાય, અને સૂના લગ્ન ન થાય ત્યાં સુધી હું લગ્ન કરવા તૈયાર નહોતો. સદ્ભાગ્યે હું હવે મિલીટરીમાં અફસર થયો હતો. બરેલી જતાં પહેલાં મેં દર્શિનીને મળી લગ્નનો પ્રસ્તાવ મૂકવાનો વિચાર કર્યો. તેઓ સંમત હોય અને સૂનાં લગ્ન સુધી રોકાવાની તૈયારી હોય તો તેમના માતાપિતાને મળવા જઇ શકું કે કેમ તે પૂછવા હું દર્શિનીને મળ્યો.

તે દિવસની બપોર હું કદી ભૂલી નહિ શકું. રેસ્ટોરાંતના ક્યુબીકલમાં બેસી મેં તેમની સાથે વાત કરી. દર્શિનીની આંખમાંથી અશ્રુની ધારાઓ વહેવા લાગી. હા, તેઓ મને પસંદ કરતા હતા, તેમ છતાં કોઇ પણ સંજોગોમાં તેઓ મારી સાથે લગ્ન કરવા અસમર્થ હતા. તેમના સમાજના નિયમો એટલા સખત હતા કે તેમની જ્ઞાતિ અને ગ્રામ્ય-સંકૂલની બહાર કોઇ ક્ન્યા લગ્ન કરે તો તેમના પરિવારની બાળાઓનાં વિવાહ અશક્ય થઇ જાય. મેં તેમને કહ્યું કે હું તેમના માતા-પિતાને મળી તેમને સમજાવવાનો પ્રયત્ન કરીશ. તેમણે ના કહી. પરિવારના વડીલો સાથે આ વિષયમાં વાત કરીશ તો તેમને ઘરની બહાર જવાની પણ રજા ન મળે એવું હતું.

ભગ્ન હૃદયે હું ‘યંગ અૉફિસર્સ કોર્સ’ માટે બરેલી ગયો.