Follow by Email

Friday, February 20, 2009

"કૂચ કરો આગે...."

યુદ્ધ માટે કૂચ કરવાનો હુકમ સાંભળી મારૂં મન રોમાંચીત થયું. જે સ્વપ્ન લઇને હું િમલીટરીમાં જોડાયો હતો તે આટલી ત્વરાથી સત્ય બનીને મારી સામે આવશે એવી કદી કલ્પના નહોતી કરી. બીજું સત્ય અમારા ઘરમાં બાળકનું આગમન થવાનું હતું તે એટલું જ અનપેક્ષીત હતું.

ઉનાળાની સખત ગરમીમાં ઝાંસીના ઉજ્જડ પ્લૅટફોર્મ પર વિદાય આપવા અફસરોની તથા જવાનોની પત્નિઓ આવી હતી. આપણે સિનેમામાં જોઇએ તેનાથી તદ્દન જુદું આ દૃશ્ય હતું. અહીં નહોતું ભાવપ્રદર્શન, નહોતું એક બીજાને અપાતું ‘છેલ્લું આલિંગન' કે રણ મેદાને જતા પતિને કરાતું કંકુ-ચોખાનું તિલક! “મારા કેસરભીના કંથ હો, સિધાવોજી રણવાટ” કે ભાવનગરના કૅપ્ટન જોરાવરસિંહજી બીજા વિશ્વયુદ્ધમાં ગયા તે વખતે ગવાયેલ ‘જોરૂભા સાયેબ, જરમર જીતીને વે’લા આવજો’ જેવાં ગીત ગવાતા ન હતા. સૈનિકની ઉચ્ચતમ પરીક્ષાની ઘડી યુદ્ધ હોય છે. તેના માટે ખાસ યુનિફૉર્મ અને હેલ્મેટ પહેરેલા, ભાવવિહીન લાગતા સૈનિકના મનમાં શું ચાલી રહ્યું છે એ તો ફક્ત પરમાત્મા અને - સૈનિક જ જાણે. અહીં ભલે મેં સૈનિકની વાત કરી, પણ તેને વિદાય આપવા આવેલ તેમની પત્નિઓના મનમાં શું ચાલતું હતું તેને કોણ પામી શક્યું હશે? નવવધુઓ, ગોદમાં ધાવણા બાળકને લઇ આવેલી સૈનિક પત્નિઓ અને તેમનાં ઘરડાં મા બાપ આ બળબળતી બપોરના વૃક્ષહિન ઝાંસીના સ્ટેશન પર તે સમયે ગંભીરતાપૂર્વક ઉભા હતા. તેઓ ઉર્મિપ્રદર્શન કરી તેમના પતિ કે પુત્રના મનમાં કમજોરીનો ઓછાયો પણ આવવા દેવા માગતા નહોતા. બધા શાંત હતા. હિંદી શબ્દપ્રયોગ "આંસુ પીના" મને ત્યારે સમજાયો.

૨૪મી એપ્રીલ ૧૯૬૫: અમારાં લગ્નને ફક્ત અઢી મહિના થયા હતા અને વિખુટા પડવાના સંજોગ અચાનક આવી ગયા. પ્લૅટફૉર્મ પર અમે બન્ને જણા મૂક હતા. અમારા લગ્નજીવનમાં ઉભા થઇ રહેલા પ્રસંગો એવી ત્વરીત ગતિથી બની ગયા કે અમે યુદ્ધની ભયંકરતા તથા કાયમનો બની શકે તેવા વિયોગનો વિચાર સુદ્ધાં કરી ન શક્યા. લડાઇમાં મને કશું અજુગતું થાય તો દિલાસો આપવા તેના માતાપિતા હજારો માઇલ દૂરથી કદાચ આવી પણ ન શકે - આ બધી વાતો અનુરાધાની સમજમાં આવી નહોતી. તે એવી આઘાતજન્ય સ્થિતિમાં હતી કે મિલીટરી ટ્રેનમાં અમને ‘રવાના’ કરવાનો વિધી તે જોઇ તો રહી હતી, પણ તેના પરિણામોનો તેને જરા સુદ્ધાં અહેસાસ નહોતો. લડાઇની ભયાનકતા, અને તેની સાથે ઉદ્ભવતી જીવનની અનિશ્ચીતતાનો, એક પુત્રવધુ તરીકે તેના પર આવનારી જવાબદારીનો તેને કોઇ ખ્યાલ હતો કે નહિ તે કહેવું મારા માટે અશક્ય હતું. એ તો વિસ્મયના સાગરમાં ડુબી ગઇ હતી. હું પણ મારા જવાનોની સંખ્યા, કેટલા લોકો હાજર છે તેનું લિસ્ટ બનાવવામાં, મારી પ્લૅટુનની ગાડીઓ રૅક (સપાટ ડબાઓ) પર ચડાવાઇ છે કે નહિ તેની તપાસમાં, અને તેનો રીપોર્ટ કંપની કમાંડરને આપવાની ભાંજગડમાં એવો રોકાયો હતો કે અનુરાધાના મનમાં શું ચાલી રહ્યું છે, તેને હિંમત અાપવાની જરૂર છે આ વાતોનો વિચાર કરવા માટે હું અસમર્થ હતો. આ દેશમાં આમ જોવા જઇએ તો તે લગભગ એકાકિ હતી. તેની માતા, તેનાં ભાંડુઓ અને બાકીનો પરિવાર- બધાં દારેસલામ હતા. અલબત, અનુરાધા માટે બા હતા પણ બાકીના મારા પરિવાર માટે તે સાવ અજાણી વ્યક્તિ હતી. તે સમયે મને આ વાતોનો જરા જેટલો વિચાર નહોતો આવ્યો.

આજે ચાળીસ વર્ષનાં વહાણાં વાયા બાદ આ લખવા બેઠો ત્યારે તેનો વિચાર કરું છું, અને મનમાં ધિક્કારની લાગણી ઉભી થાય છે: તે વખતે શું હું એટલો પાષાણ હૃદયનો હતો કે ઝાંસીના સ્ટેશન પર એકાકિ એવી અનુરાધાની ભાવનોઓનો મને લગીરે વિચાર ન આવ્યો? ઝાંસીના પ્લૅટફૉર્મ પર શું થઇ રહ્યું છે તે અમદાવાદમાં બેઠેલાં બાને જાણવા મળશે તો તેમને કેટલો આઘાત લાગશે? પોતાનો એક માત્ર સૈનિક દીકરો લગ્નના બે-ત્રણ મહિનાની અંદર જ યુદ્ધના મોરચે જવા નીકળ્યો હતો તેની માહિતી મળતાં તેમની સ્થિતિ કેવી થશે તેનો પણ વિચાર મને તે વખતે આવ્યો નહોતો. શું હું એટલો naive હતો કે મારી કંપની, મારી જવાબદારી, મારી ફરજનો વિચાર કરવામાં મને મારી માતા અને પત્નિનો પણ ખ્યાલ ન આવ્યો? મારૂં મન ક્યાં પરોવાયું હતું?