Follow by Email

Tuesday, March 3, 2009

"આક્રમણની પૂર્વ તૈયારી" - ભાગ ૨

“આક્રમણની પૂર્વ તૈયારી” વાંચીને આપણા જાણીતા લેખક શ્રી. હરનીશભાઇ જાનીએ એક પૃચ્છા કરી હતી. તેમના મતે આ સવાલ અન્ય વાચકોના મનમાં ઉઠી શકે છે, તેથી આજના અંકમાં તેનો ખુલાસો કરવામાં આવ્યો છે.

મિલીટરીમાં બટાલિયન ૧૦૦૦ સદસ્યોવાળા મોટા સંયુક્ત કુટુંબ જેવી હોય છે. કમાંન્ડીંગ અૉફિસર 'કર્તા' એટલે મોટા બાપુજી, અને કંપની કમાન્ડર્સ તેમના નાના ભાઇઓ. અમારી બટાલિયનમાં ચાર કંપનીઓ (A - આલ્ફા. B- બ્રાવો, C - ચાર્લી અને D- ડેલ્ટા કંપની) હતી. ચારે કંપનીઓના અફસરો એક સાથે, એક ટેબલ પર બેસીને CO (કમાંન્ડીંગ અૉફિસર) સાથે જમે. એક પરિવારની જેમ એક બીજાનું ધ્યાન રાખે. આ ‘સંયુક્ત પરિવાર’ની ઘટક હોય છે કંપનીઓ, જે એક જ સ્થળે સાથે રહેતી હોય છે. દરેક જવાન, નૉન-કમીશન્ડ/જ્યુનિયર કમીશન્ડ અૉફિસર અને કમીશન્ડ અફસરો એકબીજાથી પરિચિત હોય છે. તેથી બટાલિયનનો કોઇ પણ જવાન ક્યાંય પણ તકલીફમાં હોય, અથવા તેમનું વાહન અટવાયેલું હોય, તે જોઇને બટાલિયનના સદસ્ય તરત તેમની મદદ માટે રોકાઇ જાય. બટાલિયનની પ્રતિષ્ઠા અને ગૌરવ માટે સૌ કોઇ અત્યંત ચોકસાઇ રાખતા હોય છે. આપણી સેનાના અફસરો અને જવાનોની આવી ભાવના કેવળ બટાલિયન પૂરતી સિમીત નથી હોતી. એ તો પોતાની ડિવિઝન અને સમગ્ર ભારતીય સેના માટે વ્યાપેલી હોય છે. આવી ભાવના ભારતના બૉર્ડર સિક્યોરિટી ફોર્સ, ઇન્ડો-ટિબેટન બૉર્ડર પોલીસ વિ. જેવા સશસ્ત્ર દળોમાં પણ જોવા મળશે.

કઠુઆ બ્રીજની નજીક અમારી બ્રાવો અને ચાર્લી કંપનીનો કૉન્વોય અટવાયો હતો તે જોઇ હું તેમને મારી ગાડીઓ તરફ જતાં પહેલાં તેમને કોઇ મદદની જરૂર છે કે નહિ તે પૂછવા ઉભો રહ્યો હતો. તેથી જ મને જાણ થઇ કે ૩૦૦ જેટલા વાહનોનો convoy શા માટે ત્યાં રોકાઇ પડ્યો હતો. મારી ચાર ગાડીઓ રિપૅર થઇને અમારી બ્રાવો (દારૂગોળા વહન કરનારી) તથા ચાર્લી કંપની (પેટ્રોલ/અૉયલ/લુબ્રીકન્ટ્સ)ની ૨૫૦ ગાડીઓની પાછળ જોડાઇ હતી, તે મને બાદમાં જાણવા મળ્યું. તેમની પાછળ ડિવિઝનની અન્ય ૫૦-એક ગાડીઓ હતી.

બીજી વાત: અમારી આર્મર્ડ ડિવિઝનનો H-Hour (અૅટેક કરવાનો સમય) સવારના છ વાગ્યાનો હતો. પેટ્રોલ અને દારૂગોળાની આ ગાડીઓ Mobile Warમાં ટૅંક્સ તથા સેલ્ફ-પ્રોપેલ્ડ આર્ટીલરીની સાથે જ ચાલતી હોય છે. તેથી આ બન્ને કંપનીઓના કૉન્વોય સમયસર પોતપોતાની માર્ચ કરવાની નિર્ધારીત જગ્યાએ ન પહોંચે તો આર્મર્ડ ડિવિઝનની આખી યોજના જોખમમાં આવી પડે તેવું હતું. તેથી હું તો ઠીક, મારી જગ્યાએ કોઇ પણ અફસર હોત તો મેં જે કર્યું તેણે તે જ કર્યું હોત. અહીં "નવી મુસીબતમાં ફસાઇ જવાનો" સવાલ નહોતો. સવાલ હતો, આવી અઘરી પરિસ્થિતિમાં કોણ પહેલ લે? અહીં હિંમતની, આગેવાની લેવાની અને પુલ પર દુશ્મન છે કે મિત્ર, તેનો યોગ્ય નિકાલ કરવા માટે જોઇતા આત્મવિશ્વાસની જરૂર હતી. અહીં અૉફિસર અને "અધર રૅંક" વચ્ચેની ટ્રેનિંગ તથા મોટા ચિત્રફલકને ધ્યાનમાં રાખી સમગ્ર પરિસ્થિતિનું appreciation કરી ત્વરીત નિર્ણય લેવાની વિચારશક્તિ વચ્ચે રહેલું અંતર જણાઇ આવે છે. તેથી જ આપણને જોવા મળે છે (જે રીતે કદાચ તમે ‘LOC કારગિલ’ની િફલ્મમાં જોયું હશે) કે ૨૨-૨૩ વર્ષની વયના કૅપ્ટનને ૨૫-૩૦ વર્ષ સેનામાં નોકરી કરેલા સુબેદાર/નાયબ સુબેદારોની આગેવાની લેવા શા માટે નીમવામાં આવે છે, અને તેઓ તેમની જવાબદારી જીવના જોખમે પણ કેવી રીતે નિભાવી શકતા હોય છે.