Follow by Email

Tuesday, March 3, 2009

"આયો ગોરખાલી" - દુશ્મનો ભાગો, ગોરખા આવી રહ્યા છે!

મારૂં કામ પતાવીને પરોઢિયે સાડા ચાર વાગે હું કંપની હેડક્વાર્ટર પહોંચ્યો. એક કલાક આરામ કરીને તૈયાર થતો હતો ત્યાં સૅમી આવ્યો. મને કહે, “નરેન, તને કંપની કમાંડર બોલાવે છે. જલદી ચાલ.” હું મેજર લાલ પાસે ગયો. તેમણે કહ્યું, “જો નરેન. આક્રમણ શરૂ થવાની તૈયારીમાં છે. આપણી કંપનીમાં હવે ત્રણ જ અૉફિસર્સ છે. હું, સૅમી અને તું. મારે બટાલિયનના 2IC (સેકન્ડ-ઇન-કમાન્ડ)ની ફરજ બજાવવી પડશે તેથી મારે અહીં રહેવાનું છે. આલ્ફા કંપની હેડક્વાર્ટરમાં સૅમી રહેશે, તેથી ગોરખા પલ્ટન સાથે સૅમીને બદલે તારે જવાનું છે. તું નસીબદાર છે કે તને ભારતીય સેનાની ગરીમા સમાન 'ફક્ર-એ-હિંદ' આર્મર્ડ ડિવીઝનના મોખરાની ટુકડીઓ સાથે આક્રમક યુદ્ધમાં ભાગ લેવાનો મોકો મળ્યો છે. એટલું યાદ રાખજે કે આપણી કંપનીની જ નહિ, પણ બટાલિયનની ઇઝ્ઝત તારા હાથમાં છે. લડાઇમાં એવું કોઇ કામ તારા કે તારા જવાનોના હાથે ન થાય જેથી બટાલિયનને શરમીંદા થવું પડે. ગુડ લક.”

તેમનો કહેવાનો ભાવાર્થ સરળ હતો: યુદ્ધમેદાનમાં પીઠ ન દાખવીશ, એટલું જ નહિ, તારો કોઇ જવાન પણ રણ મેદાન છોડી જાય નહિ.

માણસના આદર્શો તથા નૈતિક મૂલ્યો જેટલા વ્યક્તિગત હોય છે એટલા જ ગોપનીય અને પવિત્ર હોય છે. મારે તેમને કહેવાની જરૂર નહોતી કે હું સેનામાં શા કારણસર જોડાયો હતો.

મેજર લાલને સૅલ્યુટ કરી હું મારી જીપ તરફ ગયો. મારા પ્લૅટૂન હવાલદાર ઉમામહેશ્વરન મારી રાહ જોઇ રહ્યા હતા.
“સર, આપ બાકી કૉન્વૉય લેનેકુ ગયા ઉસ દૌરાન પ્લાટૂનકા ટૈમ 5/9 GR (ગોરખા રાઇફલ્સ)મેં જાનેકા હો ગિયા થા. અમ ગાડીયાંકુ અૅસેમ્બ્લી એરિયામાં છોડકે આપકુ લેને આયા. ગોરખા પલ્ટન ગાડીમેં ‘માઉન્ટ’ હોનેકી તૈયારીમેં હૈ ઔર આપકા ઇન્તિજાર હૈ. ગોરખા પલ્ટનકા ‘યચ્ચ યવર’ (ઉમામહેશ્વરનના તામિળ ઉચ્ચાર મુજબ H-Hour) છે બજનેકા હૈ.”

જીપ ચલાવવા માટે સદૈવ તૈયાર શીવ પ્રસાદ ગુપ્તા અને મારો અૉર્ડર્લી - કોલ્હાપુર નજીકના કણકવલી ગામનો સિપાહી ગામા કુરણે તૈયાર જ હતા. ઉમામહેશ્વરનને લઇ અમે ગોરખા પલ્ટનમાં પહોંચી ગયા. ત્યાં જઇને જોયું તો આખી બટાલિયન, તેમના CO કર્નલ ગરેવાલ, 2IC મેજર બાગચી તથા તેમના કંપની કમાંડરો તેમના માટે ફાળવેલા ટ્રકની બહાર કતારબંધ ઉભા હતા. રીપોર્ટીંગનો વિધી શરુ થયો અને કૉન્વૉય કમાંડર તરીકે મેં કર્નલસાહેબને રિપોર્ટ આપ્યો. તેમણે મને માર્ચ કરવાની રજા આપી. કૉન્વોય કમાંડર તરીકે મેં ગોરખા જવાનોને ગાડીઓમાં 'માઉન્ટ' કરવાનો હુકમ આપ્યો. મારા ડ્રાઇવરોને ગાડીઓના એંજીન ચાલુ કરવાનો સિગ્નલ આપ્યો. અગ્રસ્થાને મારી જીપ અને પાછળ કતારબંધ થયેલી ગાડીઓ નીકળી. અર્ધા કલાકમાં રામગઢ પાસે આવેલી આંતરરાષ્ટ્રીય સીમા અમે પાર કરી. અનેક ટૅંક્સ અને સૈનિકોથી ભરેલા સેંકડો ટ્રકસના કૉલમમાં અમારી ગોરખા પલ્ટન હતી. ‘અૉર્ડર અૉફ માર્ચ’માં - એટલે કૂચ કરનાર સૈન્યમાં કઇ રેજીમેન્ટનું સ્થાન ક્યાં અને કોની સાથે સમન્વય રાખીને આગળ વધશે તેના ક્રમ પ્રમાણે અમારે હડસન્સ હૉર્સ તથા આપણા જનરલ રાજેન્દ્રસિંહજીનો જુના રિસાલા- સેકન્ડ લાન્સર્સની સાથે રહેવાનું હતું. આર્મર્ડ ડિવિઝનનું પ્રસ્થાન બે કૉલમમાં - એકબીજાની સમાંતર કરવાનું હતું.

પાકિસ્તાનની હદમાં પ્રવેશ કરતાં જ એક અજબ પ્રકારનો રોમાંચ થયો. ૧૯૪૮થી અત્યાર સુધી આપણા દેશની સામે પાકિસ્તાનનું અાક્રમણ અને અતિક્રમણ ચાલુ જ હતું. તેમણે અનેક વાર આપણા દેશના પડખામાં ઘોંચ પરોણા કર્યા હતા. પં. નહેરુની નમાલી વૃત્તિને કારણે તે સમયે ભારતીય સેના લાચાર હતી. ૧૯૪૮માં મેજર સોમનાથ શર્મા તથા સિખ રેજીમેન્ટના કર્નલ રણજીત રાય તથા તેમના જવાનોના બલિદાન બાદ આ પહેલો મોકો હતો જેમાં પાકિસ્તાને શરૂ કરેલા પરોક્ષ યુદ્ધ (proxy war)નો જવાબ અાપવા આપણે ખરેખર તેમના પ્રદેશમાં જઇ રહ્યા હતા!

અમારા કૉલમને સમાંતર જઇ રહી હતી 5મી જાટ બટાલિયન અને તેની પાછળ 8મી ગઢવાલ રાઇફલ્સનો કૉલમ. પાકિસ્તાનની ભુમિમાં અમે ત્રણેક માઇલ ગયા હઇશું કે તેમના F 86 સેબર જેટ અને F104 સ્ટાર ફાઇટર્સ આવ્યા. બાળકના હાથમાંનું મિઠાઇનું પડીકું ઝુંટવી લેવા આકાશમાંથી તીરની જેમ સમળી આવે તેમ દુશ્મનના વિમાનો મારા કૉન્વોય પર ત્રાટક્યા. રૉકેટ અને ૫૦ mmની મશીનગનની ગોળીઓનો મારો કરવા ઉપરાંત તેમણે માર્ચ કરી રહેલા અમારા સૈનિકો પર નેપામ બૉમ્બ નાખવાની શરૂઆત કરી. આવી હાલતમાં અમારા વાહનોએ સડક પરથી ઉતરી વિખરાઇ જવું પડે, નહિ તો મશીનગનમાંથી છુટતી ગોળીઓની લાઇનમાં અસંખ્ય વાહનો ઉધ્વસ્ત થઇ જાય. તેમાં બેઠેલા જવાનો યુદ્ધમાં દુશ્મન સાથે ‘ચાર હાથ’ કરતાં પહેલાં કૅઝ્યુઆલ્ટી થઇ જાય. જીપને બાવળના ઝાડ નીચે ઉભી રાખી હું બહાર દોડ્યો અને એક પછી એક ગાડીને મારી પાછળ પાછળ આવવાનો હુકમ આપી આસપાસના ખેતરોમાં દોરી ગયો. આ બધું સેબર જેટના અમારા પર થતા ગોળીબાર દરમિયાન થતું હતું.

સેબર જેટ અત્યંત તેજ હોય છે. તેનો પ્રતિકાર કેવળ મિસાઇલ અથવા આપણા જેટ વિમાનો કરી શકે. તે સમયે અાપણી પાસે L60 અને L70 અૅન્ટી-અૅરક્રાફ્ટ તોપની બૅટરી હતી, જે કારગર નીવડી શકે તેમ હતી, પણ બાકીના હથિયાર ફટાકડા જેવા લાગે. મારી બાજુના કૉલમમાં જાટના કૅપ્ટન - જેમને ૧૯૬૨ની ચીન સામેની ચુશુલની લડાઇમાં વીર ચક્ર મળ્યું હતું. તેમણે એક જવાન પાસેથી લાઇટ મશીનગન લીધી અને સેબર જેટની દિશામાં ફાયરીંગ શરુ કર્યું. સેબર જેટની પાસે અતિઆધુનિક યંત્રણા હતી. આપણી મશિનગનમાંથી નીકળતાો ધુમાડો તેણે થોડીજ સેકંડોમાં જોયો અને તેમના પર ત્રાટક્યું. જાટના કૅપ્ટન અને તેમના ચાર સાથીઓ ત્યાં જ શહીદ થયા.

અમારા કૉલમ પર પાકિસ્તાની સેબર જેટનો પહેલો માર અત્યંત કારગર નીવડ્યો. મારા નિર્દેશન મુજબ વાહનો વિખરાઇ ગયા હોવા છતાં મારી ગાડીઓ પર મશીનગનથી સ્ટ્રેફીંગને કારણે મારા પાંચ ટ્રક સંપૂર્ણ રીતે નષ્ટ થઇ ગયા. ટ્રક ચલાવનાર મારા જવાનો ઘાયલ થયા. સદ્ભાગ્યે ટ્રક્સમાં કેવળ રાશનની ગુણો અને કિચનનો અન્ય સામાન હતો. તેવામાં પઠાણકોટના આદમપુર હવાઇ અડ્ડા પરથી આપણી વાયુ સેનાના નૅટ (Gnat) વિમાનો આવી પહોંચ્યા. ખુદ મારા કૉન્વૉયની ઉપર, મારી નજર સામે થયેલી ‘ડૉગ ફાઇટ’માં તેમણે બે સેબર જેટને ‘હિટ’ કર્યા. તેમની ‘પૂંછડી’માંથી ધુમાડો નીકળવા લાગ્યો.

દુશ્મનનાં વિમાનો નાસી ગયા અને આપણા વિમાનોએ તેમનો પીછો કર્યો.