Follow by Email

Monday, March 9, 2009

આયો ગોરખાલી: કેટલાક પ્રશ્નો.

“ડાયરી”ના શરૂઆતથી જ ચાહક એવા એક મિત્રના મનમાં કેટલાક પ્રશ્ન ઉભા થયા: સેબર જેટ અત્યંત તેજ હોય છે. તેનો પ્રતિકાર કેવળ મિસાઇલ અથવા આપણા જેટ વિમાનો કરી શકે. સેબર અને આપણા મિગ તથા નૅટ (Gnat) વચ્ચે શો ફેર હોય છે?

“આયો ગોરખાલી” વાંચતી વખતે થયું, તમે બૉર્ડર પાર કરીને જતા હતા, ત્યારે દુશ્મન છુપાઇ રહ્યો હોત અને તમારો સામનો કર્યો હોત તો શું થાત? બીજી વાત: હું પોતે વાંચતા વાંચતાં વિચારતો હતો કે આ લોકો આગેકુચ તો કરે છે.પણ શું દુશ્મન હજુ ઉંઘે છે?”

ખુલાસો:

યુદ્ધમાં ઉતરતાં પહેલાં દુશ્મનની સેના ક્યાં, કેટલી સંખ્યામાં અને ક્યા ક્યા ઘટક સાથે તેનું સંગઠન થયેલું છે તેની માહિતી ગુપ્તચરો દ્વારા મેળવવામાં આવે છે. સૈન્યમાં ટૅંક્સનો ઉપયોગ ‘સ્ટ્રાઇક ફોર્સ’ તરીકે કરવમાં આવે છે. સામાન્ય રીતે ટૅંકના રિસાલા જે વિસ્તારમાં પડાવ નાખીને બેસે છે, ત્યાંથી સામરીક દૃષ્ટીએ મહત્વના ગણાતા ક્ષેત્ર પર હુમલો થવાની શક્યતા વધારે હોય છે. આપણી ફર્સ્ટ્ આર્મર્ડ ડિવિઝન જલંદર-અમૃતસરના સીધા પટ્ટા (axis) પર ફેલાયેલી હતી. અહીંથી લાહોર પર આઠથી દસ કલાકમાં હુમલો થઇ શકે તેવું હતું તેથી દુશ્મને લાહોરના બચાવ માટે તૈયારી કરી હતી. લાહોર પર સીધા આક્રમણને રોકવા તેમણે ઇછોગિલ કૅનાલ બનાવી છે, અને તેના (લાહોર તરફના) કિનારા પર દુશ્મને સીમેન્ટ-કૉંક્રીટના બંકર અને pill-boxes ચણી છે. ૧૯૬૫ના યુદ્ધ પહેલાં તેમણે મોટી સંખ્યામાં ત્યાં ટૅંક વિરોધી તોપો ગોઠવી હતી. અહીં તેઓ આપણી આર્મર્ડ િડવિઝનને રોકી,પંજાબના ડાબા પડખામાં ખંજર હુલાવવા તેમની ખારીયાં કૅન્ટોનમેન્ટમાં રહેલી છઠી આર્મર્ડ ડિવિઝનને ખેમકરણ સેકટરમાં મોકલી. તેમની દૃષ્ટીએ તે વિસ્તારમાં આપણી એક ઇન્ફન્ટ્રી ડિવિઝન અને ટૅંકની એક રેજીમેન્ટ હતી. (એક રેજીમેન્ટમાં લગભગ ૪૦ ટૅંક્સ હોય છે, જ્યારે આર્મર્ડ ડિવિઝનમાં ૩૦૦ જેટલી ટૅંકસ્ હોય છે.)

લડાઇ એક શેતરંજના ખેલ જેવી હોય છે. આધુનિક યુદ્ધમાં આર્મર્ડ ડિવિઝનની ચાલ શેતરંજના ઘોડાની જેમ અઢી ઘર અને વઝીરની જેમ ચારે બાજુ તેજીથી જઇ દુશ્મનને શહ આપવાની ક્ષમતા ધરાવે છે. તેનામાં ફક્ત એક ખોટ હોય છે: તે રતાંધળી હોય છે. આ માટે તેને મારા ટ્રૂપ કૅરીયરમાં તેમની સાથે તેજ ગતિથી સાથ આપનાર ઇન્ફન્ટ્રીની મદદ જરૂરી થાય છે. આપણી માહિતી પ્રમાણે સિયાલકોટ ક્ષેત્રમાં દુશ્મનના ૩૦૦૦ પાયદળ સૈનિકો હતા અને ટૅંક્ની એક રેજીમેન્ટ હતી. આપણા સેનાપતિએ આર્મર્ડ ડિવિઝનને ટ્રેનમાં ચઢાવી અમૃતસર તો મોકલી, પણ ત્યાંથી સીધી ગુરદાસપુર થઇ પઠાણકોટ લઇ ગયા. અહીંથી ટૅંકોને રામગઢની સિમા પર મોકલવામાં આવી.

આપણી ચાલ દુશ્મનની નજરમાં તે વખતે ન આવી, પણ પમી સપ્ટેમ્બરની સાંજે તેમની ગેરીલા ટુકડીએ પુના હોર્સ નામના પ્રખ્યાત રિસાલાના મોટર સાયકલ પરના સંદેશવાહકને અૅમ્બુશ કરી તેની ટપાલ લઇ ગયા ત્યારે જ તેમને જાણ થઇ કે ફર્સ્ટ્ આર્મર્ડ ડિવિઝન સાંબા સેક્ટરમાં પહોંચી છે. વાચકોને યાદ હશે કે અાપણા સંદેશવાહકને મારી નાખ્યા બાદ તે જગ્યાએ રોકાઇ પડેલા કૉન્વોયને ‘જીપ્સી’ માર્ચીંગ એરીયા સુધી લઇ ગયો હતો. પાકિસ્તાની સેનાપતિ સાચે જ ઉંઘતા પકડાયા હતા. અમે રામગઢ પહોંચ્યા તેની તેમને જાણ થઇ ત્યાં સુધીમાં તેમના માટે અત્યંત મોડું થયું હતું અને તેઓ છઠી આર્મર્ડ ડિવિઝનને આપણો પ્રતિકાર કરવા મોકલે તે પહેલાં અાપણે તેમના પ્રદેશમાં પહોંચી ગયા હતા.

અમેરીકન બનાવટનું સેબર જેટ તે સમયે અત્યંત આધુનિક ગણાતું જેટ વિમાન હતું. તેનો પ્રતિકાર કરવા તેનું સમકક્ષ ગણાય તેવું ફાઇટર વિમાન રશિયાએ બનાવ્યું હતું: મિગ. નૅટ વિમાન નાનકડું પણ અત્યંત તેજ close combat માટેનું ફાઇટર જેટ હતું. તેના રૉકેટ ઘાતક હતા. સેબર જેટના ‘રેન્જ ફાઇન્ડર નિશાન સાંધે તે પહેલાં નૅટ તેમના પર રૉકેટ અથવા મશીનગનથી અસરકારક માર કરી શકે તેવા કુશળ આપણા પાઇલટ હતા. આ કારણસર ૧૯૬૫ની લડાઇમાં ભારતીય વાયુસેનાનો ફાળો અત્યંત મહત્વનો હતો.

હવે રહી અૅમ્બુશની વાત. રણમેદાનમાં ટૅંક કે પાયદળની ટુકડીઓ કૂચ કરતી હોય છે, ત્યારે તે કદી સીધી લાઇનમાં નથી જતી. શિયાળામાં આપણા દેશમાં બતક કે કૂંજ ઉડીને આવતા હોય છે, ત્યારે તે અંગ્રેજી Vના ઉલટાવેલા આકારમાં આવે છે. તેવી જ રીતે ટૅંક્સ પણ આવા વિવિધ આકારમાં કૂચ કરતી હોય છે, તેથી અૅમ્બુશ કરનાર દુશ્મનની ટુકડી વધુમાં વધુ એક કે બે ટૅંકસ પર મારણ કરી શકે. જો કે આપણી સેન્ચુરીયન ટૅંકનું બખ્તર એટલું ભારે હતું કે મશીનગનની તેના પર કોઇ અસર ન થાય. આના માટે ખાસ તોપ જ કામ લાગે. તેજ ગતિથી ચાલતી ટૅંક પર અસરકારક માર કરવો મુશ્કેલ હોય છે, પણ આવી તોપનો ‘બૅક ફાયર’ દૂર દૂરથી દેખાતો હોઇ બીજી ટૅંક તેને તરત નષ્ટ કરી શકતી હોય છે. તેથી સામાન્ય રીતે ટૅંકનો પ્રતિકાર ટૅંકથી જ કરવામાં આવે છે. આવી લડાઇ અમે ફિલ્લોરા ક્ષેત્રમાં કરી હતી, જેનું વર્ણન આગળ જતાં થશે, પણ આવતા અંકમાં “આયો ગોરખાલી”ની વાત ચાલુ રાખીશું.

આશા છે આ ખુલાસાથી આપની શંકાનું નિવારણ થશે.