Follow by Email

Monday, March 23, 2009

ફિલ્લોરા

આપણી પશ્ચિમ સેના (Western Command)ના સેનાપતિ હરબક્ષસિંહની યોજના હતી કે મહારાજકે ગામની સીમમાં આવી પહોંચેલ ૪૩મી બ્રિગેડ ફિલ્લોરા ગામ કબજે કરી ત્યાંથી આપણી આર્મર્ડ બ્રિગેડઝ્ને ચવીંડા ગામની ચોકડી પર હુમલો કરવા માટે તેની બન્ને પાંખો (flanks)નું રક્ષણ કરે. આ યોજનાનો ઉદ્દેશ હતો કે ચવીંડા કબજે કર્યા બાદ ત્યાંથી સિયાલકોટની સીમ પર પહોંચીને સિયાલકોટ-લાહોરના ધોરી માર્ગ પર કબજો કરવો. આમ કરવાથી સિયાલકોટ અને તેની ઉત્તરમાં આવેલ પ્રદેશ બાકીના પાકિસ્તાનથી વિખુટો પડે. આ પરિસ્થિતિ પાકિસ્તાનના અસ્તિત્વ માટે ભયાવહ થાય. બીજી તરફ પાકિસ્તાનની સેનાએ છંબ-જૌડીયાં-ચિકનનેક વિસ્તાર પર કબજો કર્યો હતો અને ત્યાંથી તેઓ જમ્મુ તરફ કૂચ કરી શકે તેમ હતું. જમ્મુ ખાતે આવેલી અાપણી ૨૫મી ડિવિઝને મજબૂત સુરક્ષા પંક્તિ બનાવી હતી, તેમ છતાં આપણે કોઇ વાત અનિશ્ચિતતા પર છોડવા માગતા નહોતા. તેથી આપણી આર્મર્ડ ડિવિઝન ચવીંડા પર કબજો કરી સિયાલકોટ તરફ કૂચ કરવા લાગે તો પાકિસ્તાનની છંબ વિસ્તારમાં રહેલી સેનાને સિયાલકોટના રક્ષણ માટે પાછા આવવું પડે. આ દૃષ્ટીએ ચવીંડાની લડાઇ અત્યંત મહત્વની હતી. ચવીંડા જીતવા માટે પ્રથમ ફિલ્લોરા જીતવું અત્યંત જરુરી હતું.

ફિલ્લોરા પર હુમલો કરવાની જવાબદારી પહેલી આર્મર્ડ બ્રિગેડની પુના હૉર્સ (17 Horse) અને હડસન્સ હૉર્સ (4 Horse) તથા 5/9 ગોરખા રાઇફલ્સ અને 5 જાટ બટાલિયનને સોંપવામાં આવી. ૧૧ સપ્ટેમ્બર ૧૯૬૫ની વહેલી સવારે પુના હૉર્સ અને હડસન્સ હૉર્સની તોતીંગ સેન્ચ્યુરીયન ટૅંક્સના ડરામણા અવાજમાં ગોરખાઓને યુદ્ધ-નિનાદ “આયો ગોરખાલી” ભળ્યો. બીજી પાંખ પર “જાટ બલવાન-જય ભગવાન”ના નારાથી જાટ રેજીમેન્ટની પાંચમી બટાલિયને હુમલો કર્યો.

કતારબદ્ધ થયેલા ગોરખાઓ દુશ્મનની તોપની બૉમ્બવર્ષામાંથી આગળ વધી ખાઇઓમાં ઉભા રહીને કાતિલ લાઇટમશીન ગન તથા બ્રાઉનીંગ મીડિયમ મશીનગનથી ગોળીબાર કરી રહેલ શત્રુ પર ધસી ગયા. તેમના ગોળીબારમાં આપણા ઘણા યોદ્ધાઓ વીર થયા, ઘાયલ થયા, પણ અંતિમ લક્ષ્ય પરથી કોઇની નજર હઠી નહિ. ટૅંકોની તોપોની ધણધણાટી, તેના પાટા નીચેથી ઉડતી ધૂળ, કાળભૈરવના સેંકડો મુખમાંથી નીકળતા ક્રુર અને ખડખડાટ હાસ્યનો આભાસ કરાવતા હોય તેવા મશીનગનના ગોળીબારના અવિરત ધ્વનિમાં ઠેર ઠેરથી સામુહિક ગર્જના સંભળાતી હતી “આયો ગોરખાલી”! દુશ્મન પર ધસી જતા આપણા સૈનિકો ગોળી વાગતાં ધરા પર પડતા હતા, પણ ઘસડાતા જઇને દુશ્મનની ખાઇમાં હાથગોળા (ગ્રેનેડ) ફેંકવા આગળ વધતા હતા. દુશ્મન પર “ચાર્જ” કરતી વખતે (ધસી જવાના સમયે) જમીન પર પડતા સૈનિકને તે ઘડીએ ઉઠાવવા કોઇ રોકાય નહિ. તેમના સાથીઓનું કામ હોય છે કેવળ ખાઇ (ટ્રેન્ચ)માં બેસી અમારા પર રાઇફલ અને મશીનગનથી ગોળીઓનો મારો કરી રહેલ દુશ્મનને તેની ખાઇમાંજ ખતમ કરવાનું.

બીજી તરફ દુશ્મન ગાફેલ નહોતો. તેમની ટૅંકોની એક બ્રિગેડ (૧૨૦ જેટલી ટૅંક્સ) અાપણો હુમલો નાકામ કરવા તથા પોતાના પાયદળના સૈનિકોનું રક્ષણ કરવા તૈયાર હતી. પુના હૉર્સના ગુજરાતી CO કર્નલ અરદેશર (અદી) બરજોરજી તારાપોર બાહોશ સેનાપતિ હતા. તેમણે આગેવાની લઇ દુશ્મનની ટૅંક્સ પર એવો તો ભારે હુમલો બોલાવ્યો કે તેમની રેજીમેન્ટે દુશ્મનની ૫૫ ટૅંક્સ ઉધ્વસ્ત થઇ. કર્નલ તારાપોરે પોતાની ટૅંક (જેનું નામ “ખુશબ” હતું)માંથી બાહોશી પૂર્વક ગોલંદાજી કરીને તેમણે એકલાએ દુશ્મનની ૧૧ ટૅંક્સ ઉડાવી.
અહીં ખાઇમાં બેસી આપણા સૈનિકો પર ગોળીબાર કરી રહેલા દુશ્મન પર ફાયરીંગ કરતાં કરતાં ગોરખા સૈનિકો દુશ્મનની ખાઇઓ સુધી પહોંચી ગયા. દુશ્મનની નજીક પહોંચી તેમણે કમર પર બાંધેલી ખુખરી ખેંચી કાઢી. ડાબા હાથમાં રાઇફલ અને જમણા હાથમાં મહાકાળીના હથિયાર સમી ધારદાર, ભયંકર ખુખરી વિંઝતા ગોરખાઓને જોઇ દુશ્મનના હાંજા ગગડી ગયા.

અહીં ખાઇમાં બેસી આપણા સૈનિકો પર ગોળીબાર કરી રહેલા દુશ્મન પર ફાયરીંગ કરતાં કરતાં ગોરખા સૈનિકો દુશ્મનની ખાઇઓ સુધી પહોંચી ગયા. દુશ્મનની નજીક પહોંચી તેમણે કમર પર બાંધેલી ખુખરી ખેંચી કાઢી. ડાબા હાથમાં રાઇફલ અને જમણા હાથમાં મહાકાળીના હથિયાર સમી ધારદાર, ભયંકર ખુખરી વિંઝતા ગોરખાઓને જોઇ દુશ્મનના હાંજા ગગડી ગયા.

ફિલ્લોરાના યુદ્ધમાં વિજય પ્રાપ્ત કરવા માટે ગોરખા બટાલિયનને તથા પાંચમી જાટ બટાલિયનને “ફિલ્લોરા માનચિહ્ન” (Battle Honor) અપાયું. ત્યારથી ૧૧મી સપ્ટેમ્બરના રોજ પાંચમી જાટ અને 5/9 ગોરખા બટાલિયન Phillora Day ઉજવે છે. શહિદોને અંજલી આપે છે. તે દિવસે યોજાતા “બડા ખાના”માં અફસરો અને જવાનો એક સાથે ભોજન કરી તે દિવસનો ઉત્સવ ઉજવે છે.
ચવીંડાની લડાઇની વાત પણ એટલી જ રોમાંચક છે. અા લડાઇમાં દુ:ખદાયક વાત થઇ હોય તો તે કર્નલ અદી તારાપોર લડતાં લડતાં શહીદ થયા. તેમની ટૅંકને ચાર ‘ડાયરેક્ટ હીટ’ થઇ હતી, અને તેમની “ખુશબ” ટૅંક સળગવા લાગી હતી, તેમ છતાં તેઓ દુશ્મનની ટૅંકનો ધ્વંસ કરતા ગયા અને અંતે તેમના મસ્તકમાં ઉંડો ઘા થતાં તેઓ મૃત્યુ પામ્યા. તેમને મરણોપરાંત પરમ વીર ચક્ર અર્પણ કરવામાં આવ્યું.

૧૧મી સપ્ટેમ્બર ૧૯૬૫નો દિવસ ભારત-પાકિસ્તાનના યુદ્ધમાં નિર્ણાયક નીવડ્યો. પાકિસ્તાનની સેનાનાં આ વળતાં પાણી હતાં.

અહીં ફિલ્લોરામાં "આયો ગોરખાલી"ના નિનાદ સાથે "ચાર્જ" કરતી ગોરખા પ્લૅટૂનનું દુર્લભ ચિત્ર "ભારત રક્ષક" www.bharat-rakshak.com ના સૌજન્યથી આપ્યું છે.
Tatto Media
Tatto Media