Thursday, February 5, 2009

પરિક્રમા..

અમારી મીડ-ટર્મ પરીક્ષાઓ પહેલાં અમારા સિનીયર કૅડેટ્સની પાસીંગ આઉટ પરેડ હતી. કૅડેટસ્ માટેની સંસ્થાઓમાં એક પરંપરા હોય છે: જે સિનિયર કૅડેટ્સ અમને શિક્ષા કરતા હતા, એક્સ્ટ્રા ડ્રીલ આપતા હતા, તેમના અૅકેડેમીના વાસ્તવ્યના છેલ્લા દિવસે તેમનું રૅગીંગ કરવાનો જુનિયરોને અધિકાર હતો. અમારા બાકીના સિનિયર - અંડર અૉફિસર, કંપની સાર્જન્ટ મેજર તથા ક્વાર્ટરમાસ્ટર સાર્જન્ટનો અમારા પ્રત્યે વર્તાવ પ્રમાણમાં સારો હતો. પણ બહાદુરસિંઘ? તેને કોણ છોડે?

પાસીંગ આઉટની આગલી રાત્રે અમે બધા તેની રુમની બહાર પહોંચી ગયા. અમને જોઇને જ બહાદુરસિંઘ રડી પડ્યો. ‘તમને બધાને હું મારા દીકરાની જેમ માનતો હતો, અને હવે તમે મારંુ, આ બહાદુરસિંઘનું રૅગીંગ કરવા આવ્યા છો?” ડુસકાં ખાતાં ખાતાં આ બહાદુર (!) સાર્જન્ટ કહેવા લાગ્યો.

આ વખતે કોઇએ તેને છોડ્યો નહિ. તેની પાસે ઢઢ્ઢુ ચાલ કરાવી, ફ્રન્ટ રોલ કરાવ્યા. અંતે તેનાં આંસુ અને ડુસકાં જોઇ તેને જવા દીધો.

મિડ ટર્મની પરીક્ષાઓ થઇ અને હું પાસ થયો. અમને એક અઠવાડિયાની રજા મળી. ત્રણ મહિનાની સખત મહેનત કર્યા બાદ બાના હાથનું ભોજન ખાવા મળશે તે વિચારથી જ મન પુલકિત થઇ ગયું. ઘેર આવી બાએ બનાવેલ પુરણપોળી, મસાલા-ભાતની મિજબાની જમીને ઉંઘી ગયો, અને સવાર થઇ ત્યાં રજા પૂરી થઇ ગઇ એવું લાગ્યું. સુખના દહાડા કેટલા જલદી પૂરા થઇ જતા હોય છે! કૅમ્પમાં પાછા જવાનો દિવસ આવ્યો અને બા તથા બહેનો મને ફરી સ્ટેશન પર મૂકવા આવ્યા. આંસુભરી આંખે અમે ફરી એક વાર વિદાય લીધી.

બીજી ટર્મમાં અમે પોતે જ સિનિયર હતા, તેથી નીડરતાથી પ્રશિક્ષણ પર ધ્યાન કેન્દ્રીત કરી શક્યા. આનો અર્થ એ નથી કે ઇન્સ્ટ્રક્ટર વર્ગ તરફથી કૅડેટ્સ પ્રત્યે કોઇ પણ જાતની ઢીલ બતાવવામાં આવી હોય. અમે ડ્રીલ સ્ક્વેર પાસ કર્યો હોવા છતાં અમારા ‘ટર્નઆઉટ’ની ચકાસણી પહેલાં કરતાં વધુ સખત બની. દર સોમવારે સવારે થતી ડ્રીલમાં અમે વાળ કપાવ્યા છે કે નહિ તે ખાસ જોવામાં આવતું.

એક રવિવારે આઉટપાસ પર રવિંદર અને હું પુના શહેરમાં ગયા હતા. સિનેમા જોઇને બહાર આવ્યા તો બજારમાંની ‘હૅર કટીંગ સલૂન’ બંધ થઇ ગઇ હતી. અમે ઉતાવળે કૅમ્પમાં પહોંચ્યા તો ત્યાંની બાર્બર શૉપ પણ બંધ હતી. વાળ કપાવ્યા વગર ડ્રીલમાં જઇએ તો સુબેદાર મેજર ઓછામાં ઓછી પાંચ ‘એક્સ્ટ્રા ડ્રીલ’ આપ્યા વગર ન રહે. મારા ફળદ્રુપ ભેજામાં વિચાર ઝબક્યો: બેરી (beret) પહેરીને ટોપીની કિનારની નીચેના વાળ સેફ્ટી રેઝર વડે સાફ કરી નાખીએ તો કેવું? રવિંદરને મારો વિચાર ગમ્યો, અને અમે એક બીજાને અક્ષરશ: ટોપી પહેરાવી, વાળ સાફ કરી નાખ્યા!

બીજા દિવસે ઇન્સ્પેક્શનમાં સુબેદાર મેજરે આખી કંપની સમક્ષ મને અને રવિંદરને લાઇનમાંથી એક કદમ આગળ આવવા કહ્યું અને હુકમ કયર્યો, “ઇન દો જીસી કો દેખો. કલ ઇનકી તરહ સબકા ‘હેર કટ હોના ચાહીયે!” તે દિવસે અમને બન્નેને કંપનીના ૯૬ કૅડેટ્સની જેટલી ગાળો સાંભળવા મળી, એટલી જીંદગીમાં આ પહેલાં એક જ વાર - કર્નલ વિષ્ણુ શમર્માના ક્લાસમાં સાંભળી હતી!

સેનામાં અપાતા હુકમ સ્પષ્ટ અને સરળ હોવા જોઇએ જેથી તેના અમલમાં જરા જેટલી શંકા ન રહે. આનું પ્રાત્યક્ષીક અમને ડગલેને પગલે અપાતું. દાખલા તરીકે અમારા ઉસ્તાદજી અમને કોઇ શિક્ષા આપે, તો તેમનો હુકમ આ પ્રમાણે હોય:
“જીસી. આપકે પૂરા બાયેં, સૌ ગજ, કિકર કા દરખ્ત. દેખા?” દરખ્ત વૃક્ષ માટેનો ઉર્દુ શબ્દ છે. કિકર એટલે બાવળ.
“જી હાં, ઉસ્તાદ.”
“આપ દૌડકે ઉસકે દાયેંસે જા કર બાયેંસે અપની જગહ પર વાપિસ આયેંગે. કોઇ શક?” કોઇ શક એટલે હુકમ સમજવામાં કોઇ શંકા છે?
એક વાર મને શિક્ષા થઇ. સાર્જન્ટે પુછ્યું, “સેવન્ટી ફાઇવ, સામને, દો સો ગજ, કિકર. દેખા?”
મને મજાક કરવાનો વિચાર આવ્યો. મેં કહ્યું, “જી હાં, ઉસ્તાદ. ક્યા મૈં ઉસકે દાયેંસે જા કર બાંયેસે દૌડકે આઉં?”
ઉસ્તાદ પણ જાય તેવા નહોતા. તેમણે કહ્યું, “આપને બિલકુલ દુરુસ્ત સમઝા જીસી. આપને અકલ કા ઠીક ઇસ્તેમાલ કિયા હૈ, ઇસ લિયે આપ ઉસકા ચક્કર દો બાર કાટેંગે!”

અમારી ટ્રરેનીંગની અંતિમ પરીક્ષા હતી ‘એક્સરસાઇઝ પરિક્રમા.’ આમાં અમારે સાત દિવસમાં રાઇફલ અને ૨૫ કિલોના વજનની ઇક્વીપમેન્ટ ઉપાડી સો માઇલનું માર્ચીંગ કરવાનું હતું. ટ્રેનીંગ દરમિયાન અમે શીખેલ યુદ્ધશાસ્ત્રની દરેક ક્રિયાનું ‘પરિક્રમા’માં પ્રાત્યક્ષીક કરી બતાવવાનું હતું. તેમાં આક્રમણ, સંરક્ષણ, આખા દિવસના લાંબા માચર્ચીંગ બાદ રાત્રીના સમયે કરવાનો હુમલો, પેટ્રોલીંગ વિગેરે આવી જતા હતા હતા. અમારી કંપની જ્યારે સંરક્ષણ માટેની ખાઇ ખોદીને બેસે ત્યારે રાતના ગમે ત્યારે બીજી કંપની અમારા પર હુમલો કરે, જેના માટે અમારે તૈયાર રહેવાનું હોય. રાતના સમયે દરેક કૅડેટે બે કલાકની સેન્ટ્રી ડ્યુટી કરવાની આવે, અને ડ્યુટી પૂરી થાય કે બે કલાક આરામ, અને ત્યાર પછી ફરી બે કલાકની ડ્યુટી. તે વખતે ચોમાસું બરાબરનું જામ્યું હતું અને પુનાની નજીક આવેલ દીઘીના પથરાળ ડુંગરાઓમાં ખાઇઓ ખોદી થાક્યા પાક્યા ગ્રાઉન્ડશીટ અને એક કામળો પાથરી તેના પર સુવાનું, શરીર પર બીજો કામળો ઓઢવાનો, અને મુસળધાર વરસાદમાં કામળા ન ભીંજાય તે માટે કામળા પર રેન કોટ મૂકવાનો. ડુંગરાના ઢાળ પર સૂવાનું હોવાથી વરસાદ પડે ત્યારે અમારી ઉપરથી અને નીચેથી ધોધમાર પાણી વહેતું હોય. અમે એટલા થાકી જતા કે અમને ખડકાળ જમીનમાં સૂવાનું કે ઉપર-નીચેથી વહેતા પાણીનું પણ ભાન નહોતું રહેતું! તેવામાં સેન્ટ્રી ડ્યુટીનો વારો આવતાં અમને જગાડવામાં આવે ત્યારે કલ્પના કરજો અમારી કેવી સ્થિતિ થતી હશે!
સો માઇલની પરિક્રમાને અંતે અમારે પરોઢિયે હુમલો કરવાની કામગિરી કરવી પડી. તેમાં અમારું ‘Battle Inoculation’ કરવામાં આવ્યું. આનો અર્થ અમને ખાઇઓ અને મોરચાઓમાં બેસાડી અમારા પર જીવતા કારતુસની હજારો ગોળીઓ છોડવામાં આવી. આક્રમણનો અભ્યાસ કરતી વખતે અમારી સુરક્ષાનો ખ્યાલ રાખી અમારા માથા ઉપરથી અને આજુબાજુથી મશીનગનની ગોળીઓ છોડવામાં આવી, અને સલામત અંતર પર અમારી આજુબાજુ ટુ-ઇંચ અને થ્રી ઇંચ મોર્ટરના બૉમ્બની વરસાવવામાં આવ્યા. સાચી લડાઇમાં અમારા પર દુશ્મનની ગોળીઓ અને બૉમ્બ પડે તો તેનો ડર ન લાગે તે માટેની આ ‘ભય-વીરોધી રસી’ હતી.

‘પરિક્રમા’ દરમિયાન મારું એક સુંદર સ્વપ્ન સિદ્ધ થયું! તે વખતે આશા પારેખ અત્યંત પ્રસિદ્ધ ‘સ્ટાર’ હતા. મૂળ સૌરાષ્ટ્રના હોવાથી કે કેમ, મારાં તેઓ પ્રિય અભિનેત્રી હતાં. અમે માર્ચીંગ કરી રહ્યા હતા, ત્યારે સામેથી ખુલ્લી કન્વટર્ટીબલમાં આશાબહેન આવી રહ્યા હતા. મારાં સદ્ભાગ્યે મારી નજીક આવ્યા અને તેમના ડ્રાઇવરે ગાડી ધીમી કરી. બાકીના બધા કૅડેટ તો તેમની તરફ જોતા રહ્યા, પણ મેં તેમની તરફ હાથ હલાવી અભિવાદન કર્યું. તેમણે મારી તરફ એવું તો મધુર સ્મિત કર્યું અને જવાબમાં હાથ હલાવ્યો કે મારી તો પરિક્રમા ત્યાં જ સફળ થઇ ગઇ. મારા સાથી બોલી ઉઠ્યા, ‘અબે સેવન્ટીફાઇવ, આશાને તુઝમેં ઐસા ક્યા દેખા, તેરે અકેલેકો ઇતની મીઠી મુસ્કાન દી?”
“યે તો પર્સનલ ચાર્મકી બાત હૈ ભાઇ!” મેં જવાબ આપ્યો.
આમ ‘પરિક્રમા’ પતી ગઇ, અને જે દિવસની રાહ જોઇને અમે બેઠા હતા, તે આવી લાગ્યો.

1 comment:

  1. All exams & finally Asha....a Parikrama.....
    Dr, C M MISTRY, Lancaster

    ReplyDelete