હવે યુદ્ધ ઉગ્ર થવા લાગ્યું હતું. તેમના હવાઇ હુમલાની સાથે સાથે તેમની આર્ટિલરી રેજિમેન્ટની તોપ પણ અમારા પર ગોળા વરસાવી રહી હતી.
અહીં કેટલાક ખુલાસા આવશ્યક છે. વાચકના મનમાં પ્રષ્ન થાય કે આપણા કે આપણા પ્રતિસ્પર્ધીની તોપને આગળ વધતા શત્રુને રોકવા ગોલંદાજી કરવી હોય તો તે કેવી રીતે કરે? કાર્ગિલ જેવી ફિલ્મોમાં આપે જોયું હશે કે તોપ ૨૦-૨૫ કિલોમિટર દૂરથી દુશ્મન પર ગોળા વરસાવતી હોય છે. આટલે દૂરથી તોપનો ગોલંદાજ દુશ્મનને કેવી રીતે જોઇ શકે? 'અદૃશ્ય' શત્રુ પર અંધાધૂંધ ગોલંદાજી કરવી અમેરિકા જેવા દેશને પણ ન પોષાય; તોપના એક-એક ગોળાની કિંમત હજારો રૂપિયા હોય છે. તેથી દરેક ગોળો બરાબર દુશ્મન પર જ પડે તે અત્યંત આવશ્યક હોય છે.
આ કાર્ય કરવા માટે તોપખાનામાં ખાસ પ્રશિક્ષણ પામેલ અફસર નીમવામાં આવે છે : Forward Observation Officer. (FOO). આ અફસર એકલા કે તેમના કોઇ સાથી જોડે વાયરલેસ સેટ તથા તે વિસ્તારના નકશા લઇ દુશ્મનના પ્રદેશમાં કે દુશ્મનની આગેકૂચના માર્ગમાં કોઇ વૃક્ષ કે મકાનની છત પર અથવા જ્યાં camouflage કરીને ડૂંગરની કંદરામાં સંતાઇ, શક્તિશાળી દુરબિનથી દુશ્મનની હિલચાલ પર ધ્યાન રાખતા હોય છે. જેવા દૂશ્મનના સૈનિકો તેમને દેખાય અને તે આપણી તોપના ફાયરિંગની rangeમાં આવે, તેમનું સ્થાન નકશામાં નોંધી, તેનો 'ગ્રિડ રેફરન્સ' વાયરલેસ દ્વારા તેમની ૨૦-૨૫ કિલોમિટર દૂર સુરક્ષિત સ્થાનમાં છુપાવવામાં આવેલ આર્ટિલરી કમાંડરને આપે. તોપખાનાની છ તોપની ટુકડીને 'બૅટરી' કહેવામાં આવે છે, જેના કમાંડર મેજરની રૅંકના અફસર હોય છે. FOO તેમને શરૂઆતમાં એક-એક ગોળો ફાયર કરવાનો આદેશ આપે છે. પહેલો ગોળો સીધો દુશ્મન પર ન પડતાં આગળ-પાછળ પડે, તો FOO બૅટરી કમાંડરને નિશાન બદલવાની સૂચના, જેમકે "૧૦૦ મિટર જમણી કે ડાબી બાજુ" વિ. જણાવે. આ સૂચના મુજબ જ્યારે કોઇ ગોળો બરાબર દુશ્મન પર પડે, ત્યારે FOO તેના બૅટરી કમાંડરને 'બૅટરી ફાયર'નો હુકમ આપે, જેથી છએ છ તોપ એકી સાથે ગોળા વરસાવવાનું શરૂ કરે. આ ક્રમ દુશ્મન ધ્વસ્ત થાય ત્યાં સુધી ચલાવવામાં આવે છે.
હવે નકશાના 'ગ્રિડ રેફરન્સ' વિશે થોડી સમજુતી.
દરેક દેશની સરકાર તેમના દેશની ઇંચે-ઇંચ જમીનનો નિષ્ણાત સર્વેયર, ડ્રોન અથવા હવે સેટેલાઇટ દ્વારા અણીશુદ્ધ (accurate) સર્વે કરાવતા હોય છે. દરેક નકશા જુદા જુદા scaleના હોય છે અને દેશના વિવિધ ખાતાઓની જરુરિયાત મુજબ વિશેષ માહિતીવાળા ખાસ નકશા બનાવવામાં આવતા હોય છે. આનું ઉદાહરણ છે શાળાના ઍટલાસ, ભૌગોલિક, ખનિજ કે હવામાન દર્શાવતા નકશા. તેમાં મિલિટરી માટેના નકશાને Ordnance Survey Maps કહેવામાં આવે છે. આ ખાસ પ્રકારના નકશા હોય છે અને જાહેર જનતા માટે તે ઉપલબ્ધ નથી હોતા. સામાન્ય રીતે આ નકશાનો સ્કેલ ૧ ઇંચ = ૧ માઇલના ચોરસમાં હોય છે. એટલે નકશામાંનો એક ચોરસ ઇંચ જમીન પરના એક ચોરસ માઇલને દર્શાવતો હોય છે. ૨૦૦ કે ૪૦૦ ચોરસ ઇંચની કદના ક્ષેત્રીય નકશાને તથા તેમાંના દરેક ચોરસને ખાસ નંબર અપાય છે. નકશા પરના દરેક ચોરસ માઇલમાં આવતા મંદિર, મોટાં વૃક્ષ (જેને survey tree કહેવાય છે), ઇદગાહ, શાળા, હૉસ્પિટલ વિ.ને વિશેષ સંજ્ઞા દ્વારા દર્શાવવામાં આવે છે. આપણે ત્યાં ખેતર માટે થતા સાત-બારના ઉતારામાં કે નકશામાં જે accuracy હોય છે, તેવી જ accuracy આ ઑર્ડનાન્સ સર્વે મૅપમાં હોય છે. તેથી જમીન પરના સ્થાનને નકશાના સ્થાનમાં ઓળખી, તેના co-ordinates કાઢી FOO તેના બૅટરી કમાંડરને દર્શાવે. કમાંડર તેમની તોપના નાળચાના કોણનો અંશ તે પ્રમાણે calibrate કરી ફાયર કરે. આટલા અંતરેથી તોપચીને ખબર ન પડે કે ગોળો ક્યાં પડ્યો છે તેથી FOO તેને વળતા સંદેશથી જણાવતા હોય છે, અને ગોળા બરાબર આગંતુક સેના પર પડે તે પ્રમાણે તેમને સૂચના (Direction) આપતા રહે છે. આ કાર્યને Directing Artillery Fire કહેવાય છે. મોરચા પર કાર્યરત રહેલા અન્ય આર્મ (ઇન્ફન્ટ્રી, ટૅંક, સિગ્નલ્સ વિ.)ના અફસર તથા JCOને તેનું પ્રશિક્ષણ અપાય છે. જિપ્સીએ આ પ્રશિક્ષણ પ્રૅક્ટિકલ બૉમ્બવર્ષા કરાવીને પૂરૂં કરેલ છે, અને અહીં આપેલી માહિતી આ ટ્રેનિંગને આધારે અપાઇ છે.
મોટા ભાગના દેશોની સેનાઓ તેમના સીમા ક્ષેત્ર પરના વિસ્તાર, જ્યાં શત્રુના હુમલાની સંભાવના હોય તેવા ભૂભાગને તેમની ફાયરિંગની યોજના અંતર્ગત નોંધી રાખતી હોય છે. આ વિસ્તારોને ખાસ સંજ્ઞા કે ટાર્ગેટ નંબર આપવામાં આવે છે. આવા અગાઉથી નોંધી રખાયેલા વિસ્તારને 'ટાર્ગેટ નંબર આલ્ફા વન-ઝીરો' કે એવી જ પૂર્વનિયોજિત સંજ્ઞા આપવામાં આવે છે. આ ગુપ્ત સંજ્ઞા FOO તેના બૅટરી કમાંડરને જણાવે, અને તેનું કૅલિબ્રેશન તોપના કમ્પ્યુટરમાં અગાઉથી કરેલું હોવાથી વિના વિલંબ તે સ્થાન પર ગોળા વરસાવવાની સુવિધા રહે. ૧૯૬૫ અને ૧૯૭૧માં આપણી તોપ સાથે જોડાયેલ હોકાયંત્ર (કંપાસ) દ્વારા કોણ માપીને manually (હાથ વડે) તોપની દિશા બદલવામાં આવતી. હવેની તોપમાં કમ્પ્યુટર હોય છે, જેમાં ગ્રિડ રેફરન્સ ટાઇપ કરવાથી તોપનું નિશાન સાધવાનું કામ કમ્પ્યુટર કરે,અને તે ટાર્ગેટ પર lock થઇ ક્ષણોમાં જ ફાયરિંગ માટે તૈયાર થાય.
જમીન પર તહેનાત કરાયેલા FOO ઉપરાંત આર્ટિલરીમાં Air OP (Air Observation Post) હોય છે, જેમાં અફસર હેલિકૉપ્ટરમાં કે ટ્વિન એન્જિન વિમાનમાં ઉડ્ડયન કરી દુશ્મનની હિલચાલ જોઇ, તોપનું ફાયરિંગ કરાવે. અમેરિકા, ઇઝરાએલ, ફ્રાન્સ તથા બ્રિટન જેવા દેશ સૅટેલાઇટ તથા ડ્રોન દ્વારા છોડાતા રૉકેટનો ઉપયોગ કરી નિશ્ચિત વ્યક્તિ અથવા તેમને લાવનાર - લઇ જનાર વાહનને નષ્ટ કરી શકે છે, પણ તેમનું આગમન વિ.નું નિરિક્ષણ કરવા FOOની ટુકડીની આવશ્યકતા હોય છે, જેને ટાર્ગેટ પર પ્રત્યક્ષ નજર રાખવા તેની નજીક કલાકો સુધી રહેવું પડે. આમ FOOનું મહત્વ આધુનિક યુદ્ધમાં પણ એટલું જ છે જેટલું ૧૯૬૫થી લઇ કાર્ગિલના યુદ્ધમાં હતું.
ગયા અંકમાં જિપ્સીએ કહયા પ્રમાણે યુદ્ધની કથાઓ વાચક માટે રમ્ય કે રોમાંચક લાગતી હોય; સૈનિકો માટે ઘણી કષ્ટદાયક હોય છે. અહીં આર્ટિલરીના FOOની વાત નીકળી જ છે તો જિપ્સી OTS પુનામાં તેની જ આલ્ફા કંપનીમાં ટ્રેનિંગ મેળવેલા તેના સાથી કૅડેટની વાત કરશે. કૅડેટનું નામ અશોક કરકરે. દરરોજ મેસમાં ભોજન સમયે એક જ ટેબલ પર સાથે બેસનાર સાથી. ટ્રેનિંગ બાદ તેની આર્ટિલરીમાં સેકંડ લેફ્ટેનન્ટ તરીકે નીમણૂંક થયેલી અને અમે સાથીઓ વિખરાઇ ગયા હતા.
૧૯૭૧ની લડાઇમાં પંજાબના ખાલરા સેક્ટરમાં રાજપુત રેજિમેન્ટ સાથે કૅપ્ટન અશોક કરકરેને FOO તરીકે ઍટેચ કરવામાં આવ્યા હતા. તેમને મરણોપરાંત વીર ચક્ર એનાયત થયું હતું. તેમની કાર્યવાહીની ટૂંક માહિતી :
Gazette Notification: 77 Pres/72,17-6-72
Operation: 1971 Cactus Lily
Date of Award: 08 Dec 1971
Citation:
Captain Ashok Kumar Karkare of the Regiment of Artillery was the Forward Observation Officer with a company of Rajput Regiment during their attack on Khalra in the Western Sector. The enemy immediately brought down intense artillery fire inflicting heavy casualties on our troops. Captain Karkare secured a captured enemy artillery radio set and through it misguided the enemy, thereby diverting enemy artillery fire and saving casualties to our troops. On the morning of 8 December, the enemy launched determined counter-attacks with infantry supported by armour.
Undeterred by the heavy shelling and small arms fire, Captain Karkare directed own artillery in an accurate manner and was instrumental in repulsing the attacks. He continued to engage the enemy till our troops had extricated themselves from the position. While he was himself withdrawing, he was hit by a machine gun burst and killed on the spot. Throughout, Captain Karkare displayed gallantry, leadership and devotion to duty of a high order.
***
આવતા અંકમાં આપણે પાછા ૧૯૬૫ના અભિયાનમાં જઇશું.
' કેટલીક જુની યાદો ઘણી કષ્ટપ્રદ હતી. બધા પ્રસંગો આંખ સામે ફરી પ્રગટ થતા ગયા, જે ફરીથી જીરવવા મુશ્કેલ લાગ્યા હતા. થોડા દિવસ શાંતિમાં મનોમંથન કર્યા પછી ફરી શરૂ કર્યું છે. 'અમારા અનુભવની વાત !અમે પણ આવી યાદો કોઇ જગ્યાએ ટપકાવીએ છીએ
ReplyDeleteDirecting Artillery Fire અંગે વિગતે જાણ્યુ.તોપનું નિશાન સાધવાનું કામ કમ્પ્યુટર કરે,અને તે ટાર્ગેટ પર lock ! હવે તો તેનાથી પણ ચોક્કસ સાધનો આવ્યા હશે
'કૅપ્ટન અશોક કરકરેને FOOના કરુણ અંજામ અંગે પહેલા દુઃખ થયુ તે બાદ તે વિગલીત થઇ..ગૌરવવંતી શહીદી માટે માન થયુ અને સલામ માટે સહજ હાથ ઉંચો થયો.ધન્ય ધન્ય
બહુજ માહિતીપ્રદ લેખ છે. જો કે બરાબર સમજવા હજી બેત્રણ વાર વાંચવો જ રહ્યો. આટલી બારીકાઈથી માહિતી આપવા બદલ , આપ ને ધન્યવાદ !
ReplyDelete