Tuesday, July 13, 2021

યુદ્ધ એક સમસ્યા કે ઉકેલ!


આજનો અંક શરૂ કરતાં પહેલાં જિપ્સીની યાત્રાના એક સહ યાત્રી યુદ્ધની બાબતમાં કેટલાક પ્રશ્નો પૂછ્યા. આજના  - એકવીસમી સદીના પૂર્વાર્ધમાં આ સવાલોનું મહત્વ એટલું ગંભિર છે, તેની ચર્ચા કરવી અનિવાર્ય લાગી. છે. તેમનો પત્ર  પ્રમાણે છે :

“I am reading your blog with interest and enjoying the same. How do you justify those weapons that destruct human lives??!! Can moral or social norms be restored with the force of war? Then what for such destructive wars?

Please, may I request your views for the above points please?”


અહીં મારા અંગત વિચારો રજુ કરીશ.  ક્વિક માર્ચ, લેફ્ટ - રાઇટ, સૅલ્યૂટ, ફાયરની ફરજ બજાવવાની પરંપરામાં કેળવાયે એક ભૂતપૂર્વ સૈનિકમાં કોઇ પાંડિત્ય કે ઊંડું જ્ઞાન હોય તેની સંભાવના નથી. કેવળ practical - વાસ્તવિક દૃષ્ટિકોણથી આ સવાલનો જવાબ આપવાનો પ્રયત્ન કરીશ.

સૌ પ્રથમ આપણે વિચાર કરીએ માનવ જીવનની જરૂરિયાતોની. માનવીની જરુરિયાતો વિશે એબ્રાહમ મૅસ્લો (Abraham Maslow) લખેલ નિબંધ - Hierarchy of Needsમાં આનું સરળ વિવરણ છે. તેમણે Hierarchy of Needsનો પિરામિડ બનાવ્યો છે :


Maslow's Hierarchy of Needs


ટૂંકમાં કહીએ તો માણસની મૂળભૂત જરૂરિયાત છે ભૌતિક. મૅસ્લોના પિરામીડના પાયાની જરુરિયાતમાં  છે અન્ન, જળ, ઉષ્મા અને આરામ. પૂરી થતાં બીજી જરૂરિયાત ઉભી થાય છે તે અંગત સુરક્ષા અને સંરક્ષણની. તે સંતોષાતાં થતાં ઘનીષ્ઠ સંબંધ - મૈત્રી, પ્રેમ સંબંધની આવશ્યકતા ઉદ્ભવે છે અને ત્યાર બાદ અંગત પ્રતિષ્ઠા, સમાજમાં ઉચ્ચ સ્થાન મેળવવાની આકાંક્ષા.  છેલ્લે, માણસની પોતાની આવડત, પ્રાવીણ્ય, કલા, નિર્માણશક્તિ, ચિંતન વિ.ને તેના પરમોચ્ચ બિંદુ લઇ જઇ આત્મ સંતોષ પ્રાપ્ત કરવાની આકાંક્ષા.

મૅસ્લોની વાતની કેવળ સપાટીને સ્પર્શ કરતાં કહીશ કે મૂળભૂત જરૂરિયાત પૂરી કરવામાં જ આદિમાનવથી લઇને આજ દિન લગી માણસને સંઘર્ષ કરવો પડયો છે. અન્ન-જળ માટે માનવોએ દુષ્કાળગ્રસ્ત દેશ છોડીને ફળદ્રૂપ પ્રદેશમાં વસવાનો પ્રયત્ન કર્યો, જેમનો પ્રતિકાર કર્યો ત્યાંની સ્થાનિક પ્રજાએ. ત્યારથી શોધાયાં શસ્ત્રો અને હથિયાર, જેનો ઉપયોગ અંગત સુરક્ષા, પ્રદેશનું સંરક્ષણ, તે માટે થતી સૈન્યની આવશ્યકતા અને..બસ તેની વૃદ્ધિ, એક બીજા પર વાર-પ્રતિકાર-સંરક્ષણ કરવા માટે નવા નવા હથિયારોનો આવિષ્કાર.

જેમ જેમ આનોવિકાસથતો ગયો, એક વિશેષ વિચારધારા (સામ્યવાદ/મૂડીવાદ/લોકશાહી/રાજાશાહી), ધાર્મિકતા - જેની ચર્ચા નહીં કરીએ, અને સંપત્તિ/નૈસર્ગિક ખનિજ સંપદાની પ્રાપ્તિ - અન્ય પ્રજા પર લાદવા સૈન્ય અને શસ્ત્રોનો ઉપયોગ અને નવા સંશોધનો થતા ગયા.

જિપ્સીની આંખે યુદ્ધ માનવી સમસ્યાના ઉકેલને બદલે એક સમસ્યા, એક મહા-પ્રશ્ન બની ગયેલ છે. યુદ્ધને કોઇ કાળે justify - ન્યાય્ય - ગણી શકાય નહીં. જેથી યુદ્ધ કે યુદ્ધને જીતવા માટે શોધી કઢાતા શસ્ત્રોને પણ આપણે કદાપિ ઉચિત ગણી શકીએ. 

સવાલ ઉઠે છે, શું આને જગતના દેશો માન્ય કરશે - કે કરે છે?

જિપ્સી કેવળ ભારતની વાત કરશે.

અશોક-પ્રિયદર્શીએ કલિંગના યુદ્ધ બાદ શાંતિનો માર્ગ સ્વીકાર્યો. સૈન્ય બરખાસ્ત કર્યું. સેનાને અન્ય દેશ - વિદેશ વિજય કરવા મોકલવાને બદલે તેમણે ભિખ્ખુ, શાંતિના સંદેશવાહકો મોકલ્યા, જેમાં તેમણે પોતાના પુત્ર મહેન્દ્ર અને દીકરી સંઘમિત્રાને મોકલ્યાં. તેમણે સ્થાપેલા લેખ અને પરંપરામાં રાજાઓના ગુણ - ક્ષમા, અહિંસા, પંચશીલ (કોઇના પ્રદેશ પર આક્રમણ કરવું, વિ. જેની ચર્ચા આ પહેલાં થઇ ગઇ છે, તે) વર્ણવ્યા અને મોટા ભાગના ભારતીય રાજવિઓ - જેમ કે પૃથ્વિરાજ ચૌહાણ, રાણા સાંગા, દક્ષિણ ભારતના રાજા રામદેવ રાય, કૃષ્ણદેવ રાય, વિ. એ પાળ્યા.

પરિણામ શું આવ્યું તે સૌ જાણે છે

નાલંદા; વિજયનગર; હમ્પી

પ્રશ્ન ઉઠે છે, આક્રમક પ્રજા, કે અમેરિકા - રશિયા જેવા વિચારધારા પર આધારિત દેશોએ અન્ય દેશોની જનતા પર જબરજસ્તીથી ઠોકી બેસાડવાનો પ્રયત્ન કરવા અણુ શક્તિ, કે નેપામ જેવા શસ્ત્રોનો ઉપયોગ જેમના પર કર્યો, તેની સામે સ્થાનિક પ્રજાએ શું કરવું જોઇએ? ૧૯૪૮થી ભારત સામે અઘોષિત યુદ્ધ, નિર્દોષ નાગરિકોનો કત્લેઆમ, બારામુલ્લામાં નિ:સ્વાર્થ સેવા બજાવતી કૅથલિક સાધ્વીઓ અને સામાન્ય ગૃહિણીઓ, તેમની પુત્રીઓ પર બલાત્કાર કરનાર આક્રમક સામે શું કરવું જોઇએ? એક મિત્રના કહેવા પ્રમાણે ભારતીય સેનાએ ગાંધીજીની તકલી અને પૂણી લઇને કાંતવા બેસવું જોઇએ? 'રઘુપતિ રાઘવ..ઈશ્વર-અલ્લા તેરો નામ..સબકો સન્મતિ દે..' તાલ કરતાલ સાથે ગાવું જોઇએ? નવેસરથી 'હિંદી-ચીની ભાઈ ભાઈ', કે ભારત-પાકિસ્તાનની દોસ્તી માટે કોઇ નવો ઉદ્ઘોષ?  

વિચાર થાય છે, જિપ્સીના બ્લૉગમાં જે જે યુદ્ધોનો કે પ્રાચિન ભારતથી  લઇને આજ સુધીના ઇતિહાસમાં ભારતે ક્યાં અને કોના પર આક્રમણ કર્યું?  નેપામ બૉમ્બ જેવા અતિ ક્રૂર શસ્ત્રોનો ભારતીય સેનાએ કદી અને ક્યારે ઉપયોગ કર્યો? અને છેલ્લે, જ્યાં પ્રતિકાર કરવો પડ્યો, ત્યાં આડેધડ બૉમ્બ વર્ષા કરી પરદેશના કેટલા નાગરિકોની હત્યા કરી

જિપ્સીની જાણ પ્રમાણે સ્વતંત્ર ભારતની સેનાએ નિર્દોષ નાગરિકો પર કદી પણ શસ્ત્ર ઉઠાવ્યાં નથી. તેના અભ્યાસમાં ભૂલ થતી હોય તો તેનો નિર્દેશ જરૂર કરશો એવી વિનંતી!

સાચું કહું તો આ ચર્ચાથી હૃદય ઉદ્વિગ્ન થયું છે. યુદ્ધની કથાઓ રમ્ય કહેવતમાં જ હોય છે. વાસ્તવમાં નહીં. તેમાં વિજયના ઉલ્લાસને બદલે સાથીઓનાં વિયોગનું દુ:ખ વધુ કષ્ટદાયક હોય છે. 

યુદ્ધના ત્રીજા જ દિવસે જિપ્સીને સમાચાર મળ્યા હતા : તેના મિત્ર હરીશ શર્મા, જેમનાં પત્નીએ અનુરાધાને સાચવી હતી, તેના યુનિટ પર નેપામનો હુમલો થયો. એક જવાનને બચાવવા જતાં હરીશ પર સળગતા પ્રવાહીનો ધોધ વરસ્યો. ફિલ્ડ હૉસ્પિટલમાં દસ દિવસ સુધી ICUમાં રહ્યા બાદ તેનું અવસાન થયું હતું. પત્ની, એક પુત્ર, એક પુત્રી અને વૃદ્ધ માતા-પિતાને કાયમી દુ:ખમાં આ લડાઇએ ધકેલ્યા હતા. આ વયે દુ:ખદ યાદ વધુ કષ્ટપ્રદ હોય છે, તેથી 'ડાયરી'ની નવી આવૃત્તિનું અહીં સમાપન કરીશ. It is not worth it.

આવજો.

શક્ય થશે તો કરીશું કોઇ નવી વાત.


1 comment:

  1. 'દુ:ખદ યાદ વધુ કષ્ટપ્રદ હોય 'પણ હવે ઘણા સ્વીકારે છે કે તમે ગમે તેટલા પવિત્ર હો પણ જ્યાં સુધી તમારામા તમારા પ્રદેશ-પ્રજાનુ રક્ષણ કરવાની તાકાત ન હોય તો બધુ વ્યર્થ છે.તે માટે પહેલો હુમલો કરવો પડે તો તે પણ યોગ્ય છે આ માટે ઇઝરાઇલ જેવા દેશો પાસે છે તેવી યોજના અને પ્રત્યેકને યુધ્ધની તાલીમ આપવી જોઇએ
    યુદ્ધનો એકમાત્ર ઉદ્દેશ દુશ્મનનો નાશ કરીને નિર્ણાયક વિજય મેળવવાનો હોય છે.આંતરરાષ્ટ્રીય માનવતાવાદી કાયદો એ નિયમોનો સમૂહ છે જે યુદ્ધોની અસરોને મર્યાદિત કરવાનો પ્રયાસ કરે છે

    ReplyDelete