Sunday, July 11, 2021

"આયો ગોરખાલી" - દુશ્મનો ખબરદાર! ગોરખા આવી રહ્યા છે!

    કૉન્વૉયને રામગઢની સીમ સુધી લાવ્યા બાદ હું મારી કંપનીના ચાર ટ્રક્સ લઇ  પરોઢિયે સાડા ચાર વાગે કંપની હેડક્વાર્ટર પહોંચ્યો. એક કલાક આરામ કરીને તૈયાર થતો હતો ત્યાં સૅમી આવ્યો. મને કહે, “નરેન, તને કંપની કમાંડર બોલાવે છે. જલદી ચાલ.” 

    હું મેજર સોહન લાલ પાસે ગયો. તેમના ચહેરા પર અનેક પ્રકારના અકથ્ય એવા ભાવ હતા. મારી સામે નજર મેળવ્યા વગર તેમણે કહ્યું, “જો નરેન. આક્રમણ શરૂ થવાની તૈયારીમાં છે. આપણી કંપનીમાંથી ફક્ત તું એકલો રણમેદાનમાં જઇ રહ્યો છે. મારી તો બટાલિયન હેડક્વાર્ટર્સમાં ડ્યુટી લાગી છે. અહીં આપણી કંપનીના Rear HQમાં મને મદદ કરવા કોઇ'ક તો જોઇએ ને? તે માટે મેં સૅમીને અહીં પાછળ રહી જવાનો હુકમ આપ્યો છે. આપણી કંપનીમાંથી તું એકલો રણમેદાનમાં જઇ રહ્યો છે.  

 "તું નસીબદાર છે કે તને મોખરાની ટુકડીઓ સાથે આક્રમક યુદ્ધમાં ભાગ લેવાનો મોકો મળ્યો છે. એટલું યાદ રાખજે કે આપણી કંપનીની જ નહીં, પણ બટાલિયનની ઇજ્જત તારા હાથમાં છે. લડાઇમાં એવું કોઇ કામ તારા કે તારા જવાનોના હાથે ન થાય જેથી બટાલિયનને શરમીંદા થવું પડે. ગુડ લક. 

    તેમનો કહેવાનો ભાવાર્થ સરળ હતો: યુદ્ધમેદાનમાં પીઠ ન દાખવીશ, એટલું જ નહિ, તારો કોઇ જવાન પણ રણ મેદાન છોડી જાય નહિ તે જોવાની જવાબદારી તારી છે. 
    માણસના આદર્શો તથા નૈતિક મૂલ્યો જેટલા વ્યક્તિગત હોય છે એટલા જ ગોપનીય અને પવિત્ર હોય છે. મારે તેમને કહેવાની જરૂર નહોતી કે હું સેનામાં શા કારણસર જોડાયો હતો. કંપની કમાંડરને સૅલ્યુટ કરી હું મારી જીપ તરફ ગયો. મારા પ્લૅટૂન હવાલદાર ઉમામહેશ્વરન મારી રાહ જોઇ રહ્યા હતા.
    “સર, આપ બાકી કૉન્વૉય લેનેકુ ગયા ઉસ દૌરાન પ્લાટૂનકા ટૈમ 5/9 GR (ગોરખા રાઇફલ્સ)મેં જાનેકા હો ગિયા થા. અમ ગાડીયાંકુ ગુરખા પલ્ટનકે એરિયામાં છોડકે આપકુ લેનેકુ  આયા. ગોરખા પલ્ટન ગાડીમેં ‘માઉન્ટ’ હોનેકી તૈયારીમેં હૈ ઔર આપકા ઇન્તિજાર હૈ. ગોરખા પલ્ટનકા ‘યચ્ચ યવર’ (ઉમામહેશ્વરનના તામિળ ઉચ્ચાર મુજબ H-Hour) છે બજનેકા હૈ.” 
    જીપ ચલાવવા માટે સદૈવ તૈયાર શિવ પ્રસાદ ગુપ્તા અને ઑર્ડર્લી - કોલ્હાપુર નજીકના હાથકણંગલે ગામનો સિપાહી ગામા કુરણે તૈયાર જ હતા. ઉમામહેશ્વરનને લઇ અમે ગોરખા પલ્ટનમાં પહોંચી ગયા. ત્યાં જઇને જોયું તો આખી બટાલિયન, તેમના CO કર્નલ ગરેવાલ, 2IC મેજર બાગચી તથા તેમના કંપની કમાંડરો તેમના માટે ફાળવેલા ટ્રકની બહાર કતારબંધ ઉભા હતા. રિપોર્ટીંગનો વિધી શરુ થયો અને કૉન્વૉય કમાંડર તરીકે મેં કર્નલસાહેબને રિપોર્ટ આપ્યો. તેમણે મને માર્ચ કરવાની રજા આપી. 
    કૉન્વોય કમાંડર તરીકે મેં ગોરખા જવાનોને ગાડીઓમાં 'માઉન્ટ' કરવાનો હુકમ આપ્યો. મારા ડ્રાઇવરોને ગાડીઓના એંજીન ચાલુ કરવાનો સિગ્નલ આપ્યો. અગ્રસ્થાને મારી જીપ અને પાછળ કતારબંધ થયેલી ગાડીઓમાં સવાર થયેલી 5/9 Gorkha Rifles નીકળી. અર્ધા કલાકમાં રામગઢ પાસે આવેલી આંતરરાષ્ટ્રીય સીમા પર પહોંચ્યા.     અમારી કૂચના ત્રણ કૉલમ હતા. અમે વચ્ચેના કૉલમમાં. અમારી સૌથી મોખરે આર્મર્ડ બ્રિગેડની ટૅંક્સ હતી. પ્રથમ 'પગલું' મૂકનાર હતી 16 Cavalryની ટૅંક્સ. તેમની પાછળ અમારી ગુરખા પલ્ટન. અમારી જમણી તરફના કૉલમ (જેને right flank  કહેવાય) ત્યાં 4 Horse (Hodson's) રેજિમેન્ટ્સની ટૅંક્સ અને તેમના સપોર્ટમાં પાંચમી જાટ બટાલિયન.  ડાબા flankમાં કર્નલ અદી તારાપોરની રેજિમેન્ટ 17th Poona Horse અને તેમના સપોર્ટમાં કર્નલ જેરી જીરાદની આઠમી ગઢવાાલ રાઇફલ્સ હતી. 
*** 
    ૧૯૬૫ના યુદ્ધ વિશે 'Twentytwo Fateful Day"ના લેખક ડી. આર. માણકેકર જેવા લેખકોએ ઘણાં પુસ્તકો લખ્યા છે. અહીં પ્રત્યક્ષ યુદ્ધના પહેલા દિવસથી જ સાક્ષી રહેલા એક 'જિપ્સીની નજરે' જોવાયેલા પ્રસંગોનું વાસ્તવિક વર્ણન કરવાનો પ્રયત્ન કર્યો છે. કેટલીક strategic (રણનીતિ) યોજનાની વાતો અમારી ડિવિઝનના જનરલ ઑફિસર કમાંડિંગ મેજર જનરલ રાજિંદરસિંહ સ્પૅરો અમને - એટલે બ્રિગેડના અફસરોની મિટિંગમાં કહી હતી તે છે, જેને માણકેકર કે અન્ય લેખકોએ તેમના પુસ્તકોમાં જણાવી નથી.
    આઝાદી બાદના વર્ષોમાં લાહોરના રક્ષણ માટે પાકિસ્તાને રાવિ નદીમાંથી એક નહેર બનાવી હતી જે ભારત અને પાકિસ્તાન વચ્ચે અવરોધ-સ્વરૂપ થાય. તેનું નામ ઇછોગિલ કૅનાલ છે. આ નહેરના  લાહોર તરફના કિનારા પર તેમણે સિમેન્ટ કૉંક્રિટના અભેદ્ય ગણાય તેવા Pill Boxes બનાવ્યા અને તેમાં ભારે મશિન ગન્સ (HMG - હેવી મશિન ગન્સ) તથા ટૅંક-ભેદનાર તોપ  (RCL Gun - રિકૉઇલલેસ ગન) મૂકી. ઇછોગિલ કૅનાલને તેઓ બીજા વિશ્વયુદ્ધમાં જર્મનોની સામે ફ્રાંસે બનાવેલ Maginot Line જેવી સમજી રાખી હતી, જેને પાર કરવી વિશ્વની કોઇ પણ સેનાને અશક્ય થાય એવો તેમનો ખ્યાલ હતો.
    એપ્રિલ ૧૯૬૫માં જ્યારે આપણી  આર્મર્ડ ડિવિઝને પંજાબના જાલંધર અને અમૃતસરના વિસ્તારમાં પડાવ નાખ્યો, ત્યારે પાકિસ્તાનની સેનાના ડાયરેક્ટર ઑફ મિલિટરી ઑપરેશન્સ (DMO)ની ધારણા હતી કે અમારા કમાંડર લાહોર પર હુમલો કરશે. તેમને ઇછોગિલ કૅનાલ પરના મોરચા પર ઘણો ભરોસો હતો. આનું મુખ્ય કારણ હતું ભારતની main battle tank તે સમયે બીજા વિશ્વયુદ્ધના સમયની - વીસ વર્ષ જુની Centurion Tanks હતી. આ ભારે બખ્તરબંધ ટૅંકને પરાસ્ત કરવા પાકિસ્તાન પાસે અમેરિકાએ આપેલી અત્યાધુનિક પૅટન તથા શર્મન ટૅંક હતી. આ ટૅંક્સમાં દુશ્મનની ટૅંકનું અંતર અચૂક રીતે માપી, નિશાન સાધી તેના પર ટૅંકની તોપનું નાળચું lock કરી શકાય તેવા યાંત્રિક ઉપકરણો તથા night vision માટે ઇન્ફ્રા રેડ બત્તીઓ સામેલ કરવામાં આવી હતી. તેની સામે આપણી  જુના જમાનાની ટૅંક્સમાં આવાં કોઇ સાધનો નહોતાં. તેથી પાકિસ્તાનની આર્મર્ડ ડિવિઝન સામે ભારતની ટૅંક્સ કદી ટકી નહીં શકે એવી તેમની ધારણા હતી. આ ઉપરાંત તેમણે ભારતના સંભવિત આક્રમણ સામે તેમની આર્મર્ડ ડિવિઝનને લાહોરના રક્ષણ માટે ત્યાં deploy કરી હતી. 
    

2 comments:

  1. કહેવાય છે કે 'યુદ્ધસ્ય કથા રમ્ય'. સાથે કહેનાર પોતે જ યોદ્ધા હોય તો તે કથા રમ્યતમ બની જાય. આ પ્રકારણો પુસ્તકસ્વરૂપે આવશે જ એવી અપેક્ષા વધુ પડતી નહીં ગણાય.

    ReplyDelete
  2. 'આપણી કંપનીની જ નહીં, પણ બટાલિયનની ઇજ્જત તારા હાથમાં છે. લડાઇમાં એવું કોઇ કામ તારા કે તારા જવાનોના હાથે ન થાય જેથી બટાલિયનને શરમીંદા થવું પડે. ગુડ લક.”
    ધન્ય ઘડી
    'Twentytwo Fateful Day"ના લેખક ડી. આર. માણકેકર જેવા લેખકોએ ઘણાં પુસ્તકો લખ્યા છે.
    તેમને ધન્યવાદ પણ પ્રત્યક્ષ યુદ્ધના પહેલા દિવસથી જ સાક્ષી રહેલા એક 'જિપ્સીની નજરે' જોવાયેલા પ્રસંગોનું વાસ્તવિક વર્ણન કરવાનો પ્રયત્ન કર્યો છે.આમા વધુ ચોક્કસાઇ હોય તે સ્વાભાવિક છે.
    આવા રસિક વર્ણનવાળા પુસ્તક અભ્યાસક્રમમા રાખવા જોઇએ

    ReplyDelete