Monday, July 26, 2021

ચવિંડાનું યુદ્ધ : વીરતા, વિવાદ અને વિશ્લેષણ (૨)

    ચવિંડાના યુદ્ધમાં ભારતીય સેનાની પરંપરાગત વીરતાની પરાકાષ્ઠા જોવા મળી. તેમાં ૧૦૦૦ સૈનિકોની સેનાનું નેતૃત્વ કરનાર કર્નલ તારાપોર, કર્નલ જેરથ અને મેજર અબ્દુલ રફી ખાન જેવા અફસરોથી માંડી બલબીરસિંહ બિષ્ટ જેવા અદના સિપાહીઓએ જ્વલંત ઉદાહરણ પુરા પાડ્યા છે. સિયાલકોટ ક્ષેત્રમાં ઉચ્ચ  પદના અફસરોએ અંગત રીતે આગળ વધીને નેતૃત્વ પૂરૂં પાડ્યું - જેમાં શહીદ થયા મરાઠા લાઇટ ઇન્ફન્ટ્રીના કર્નલ નોલન, કર્નલ મનોહર, ગઢવાલ રેજિમેન્ટના કર્નલ જેરથ અને ઍક્ટિંગ કમાંઁડિંગ અફસર મેજર અબ્દુલ રફી ખાન, કર્નલ અદી તારાપોર તથા ઘણા જુનિયર કક્ષાના યુવાન લેફ્ટેનન્ટ્સ, કૅપ્ટન્સ અને મેજર. 

    આ બ્લૉગમાં દર્શાવાયેલ પ્રસંગો કેવળ અમારી 1 Armoured Divisionના અભિયાનના છે, જેમાં જિપ્સીએ શરૂઆતથી આખર સુધી ભાગ લીધો હતો. અન્ય ક્ષેત્રો - જેમ કે લાહોર ક્ષેત્ર - જ્યાં Colonel Desmonde Haydeની આગેવાની નીચે 3 Jat Battalion પાકિસ્તાનની અભેદ્ય ગણાતી ઇચ્છોગિલ કૅનાલ અને તેની બન્ને બાજુએ બાંધવામાં આવેલ સિમેન્ટ કૉન્ક્રિટના બંકર અને pill boxesમાં  બેસીને બ્રાઉનિંગ મશિનગનના મારાની અને તોપના બૉમ્બાર્ડમેન્ટની પરવા કર્યા વગર શત્રુને પરાસ્ત કરી, ઈચ્છોગિલ નહેર પાર કરી લાહોરના બર્કી નામના પરા સુધી પહોંચી ગયા હતા. તેઓ તેમની બ્રિગેડની એક અન્ય બટાલિયનને બાટાપુરનો પુલ પાર કરી તેમની કૂમકમાં આવી મળે તેની રાહ જોઇ રહ્યા હતા જેથી લાહોર સર કરી શકાય. જાટ સૈનિકો તૈયાર બેઠા હતા. 19 Maratha Light Infantryના સૈનિકો તેમના કર્નલ પરબની આગેવાની નીચે આગળ વધવાની તૈયારીમાં હતા અને...

    કમભાગ્યે તે સમયે ભારતીય સેનાના Chief of Army Staff ફિલ્ડ માર્શલ સૅમ માણેકશૉ નહોતા. ઇચ્છોગિલ કૅનાલ પરના બાટાપુરના પુલ પર કબજો કરવા આગળ વધી રહેલી 3 Jat બટાલિયનને પાછા વળવાનો તે સમયના ભારતીય સેનાના ચીફ જનરલ ચૌધરીએહુકમ કર્યો ! ફક્ત ભારતીય સેનાએ બાટાપુરનો પુલ પાર કર્યો છે તેનો એક સંદેશ મળતાં જ કર્નલ હેડ તથા તેમના જાટ સૈનિકો આગળ વધી લાહોર પર કબજો કરવા તૈયાર હતા. આગેકૂચના સિગ્નલને બદલે તેમને પાછા વળવાનો હુકમ મળ્યો. આખી જાટ બટાલિયનમાં નિરાશા છવાઇ ગઇ. 

    આ વાતમાં કોઇને અતિશયોક્તિ નથી. લાહોરનું રક્ષણ કરવા માટે આપણો સામનો કરવા ત્યાં હાજર રહેલી પાકિસ્તાનની 3 Baluch Regimentના સી.ઓ. લેફ્ટેનન્ટ કર્નલ તજમ્મુલ હુસેન મલિકના શબ્દો રજુ કર્યા છે પાકિસ્તાની મિલિટરી ઇતિહાસકાર મેજર આગા હુમાયૂં અમિને. તેમને આપેલા ઇન્ટરવ્યૂમાં મેજર જનરલના પદ પર નિવૃત્ત થયેલા તજમ્મુલ હુસેન મલિક કહે છે, "...Instead of pressing their attack to capture the bridges across the canal, they (Indians) decided to halt the advance....Till today, I call it a miracle. For, had the Indians succeeded in capturing the Batapur Bridge that morning, Lahore would have fallen by 11 o'clock that morning and General Chaudhury, the then C-in-C Indian Army would have celebrated their victory in Gymkhana Club over a peg of whiskey, as promised to his officers on the eve of the battle." (Academia magazineમાં પ્રકાશિત થયેલ મેજર જનરલ તજમ્મુલ હુસેન મલિકની સૈનિક કારકિર્દીને તેમના જ મુખે કથિત આત્મચરિત્ર. મેજર હુમાયૂઁ આગા અમિનનો મૂળ લેખ વાંચવો હોય તો જિપ્સીને જણાવશો. તે મોકલી શકશે.)

    આ જ રીતે સિયાલકોટ સેક્ટરમાં ચવિંડાના યુદ્ધ વિશે પાકિસ્તાનના ઇતિહાસકારો કહે છે, ભારતીય સેનાની હાર થઇ હતી. તેમનો દાવો છે કે ભારતીય સેનાની ચાર ડિવિઝન્સ - 1 Armoured Division, 14th Infantry Division, 6 Mountain Division અને 26 Infantry Division સાથે ચવિંડાના મોરચે  કરેલ હુમલાને અંતે પણ ચવિંડા પર ભારતીય સેનાને પાકિસ્તાને હરાવી હતી.  જિપ્સીના અભ્યાસ મુજબ ચવિંડાના યુદ્ધમાં બન્ને સેનાઓના સેંકડો સૈનિકોએ પ્રાણની આહૂતિ આપી હતી. હજાર જેટલા સૈનિકો ઘાયલ થયા હતા. ટૅંક્સ તથા અન્ય સાધનસામગ્રીનું ભારે નુકસાન થયું હતું. ટૅંક્સની વાત કરીએ તો ફિલ્લોરા અને ચવિંડાની સંયુક્ત લડાઇમાં ભારતની સેનાએ પાકિસ્તાનની ૬૦થી વધુ ટૅંક્સ નષ્ટ કરી હતી, જેની સામે ભારતે ૧૧ ટૅંક્સ ગુમાવી હતી. એક અન્ય આશ્ચર્ય જનક વાત :  પાકિસ્તાનના અખબારોએ તેમની પ્રજાને હંમેશ મુજબ ખોટા પ્રચાર દ્વારા મિથ્યાભિમાનમાં દોરતી ગઇ. ચવિંડા - ફિલ્લોરાને તેઓ 'Graveyard of Indian Tanks' કહે છે. જ્યારે લોકોએ તે જોવાની ઇચ્છા પ્રગટ કરી, તેમને ત્યાં જવા પર પ્રતિબંધ મુક્યો : 'યુદ્ધ વિસ્તાર છે; ત્યાં માઇનફિલ્ડ છે ; હજી લડાઇનો ભય છે' કહી તે ટાળતા રહ્યા. અંતે તેમણે ભારતની પાંચ સેન્ચ્યુરિયન ટૅંક્સ પાકિસ્તાનના જુદા જુદા શહેરમાં પ્રદર્શન તરીકે મૂકી. ભારત માટે અતિ દુ:ખની વાત એ હતી કે કર્નલ તારાપોરની 'ખુશાબ' નામની 'કમાંડ ટૅંક'ને આપણે પાછી લાવી શક્યા નહીં અને પાકિસ્તાનની સેનાએ તેને અદ્વિતિય war trophy તરીકે જાહેરમાં સજાવી રાખી છે. તેઓ હજી જાહેરાત કર્યા કરે છે કે ૧૯૬૫માં તેમણે ભારત સામે વિજય પ્રાપ્ત કર્યો હતો ! તેનો પૂરાવો દર્શાવવા તેઓ કર્નલ તારાપોરની ટૅંકનું પ્રદર્શન કરતા રહ્યા છે.    

    ચવિંડાના યુદ્ધમાં હાર-જીતનો નિષ્કર્ષ નીકળ્યો નહીં. એક વાત સાચી કે ભારતીય સેના ચવિંડા પર કબજો કરી શક્યા નહીં. ભારતના સેંકડો સૈનિકોએ પ્રાણની આહૂતિ આપી હતી. તેમની બૉમ્બવર્ષામાં ઘણી ટૅંક્સ ક્ષતિગ્રસ્ત થઇ હતી. આપણે પણ પાકિસ્તાનની 6 Armoured Divisionને પાંગળી કરી હતી. આ મોરચા પર ભારતની વાયુસેના આકાશમાં સંપૂર્ણ પ્રભુત્વ સ્થાપી શકી નહીં અને પાકિસ્તાનના અંતરાળમાં રહેલી આર્ટિલરીની તોપને નષ્ટ કરી શક્યા નહીં. ચવિંડાના મોરચા પર આપણી સૌથી સૈનિક શક્તિને હાનિ પહોંચી હોય તો તે તેમની આર્ટિલરીને કારણે, નહીં કે ટૅંક કે ઇન્ફન્ટ્રીની કાર્યવાહીથી.  આ વસ્તુસ્થિતિને ધ્યાનમાં લેતાં ભારતના સેનાપતિઓએ પરિસ્થિતિ પર કાબુ કરવા અને આગળની યોજના કરવા માટે ચવિંડા પર ફરી હુમલો કરવાને બદલે ફિલ્લોરા - ચવિંડાની વચ્ચેના વિસ્તારમાં મોરચા બાંધવાનો નિર્ણય લીધો. 

    ભારતની સેનાના આ પગલાને પીછેહઠ ધારી, તેનો લાભ લેવા જનરલ અયૂબખાને તેમના સેનાધ્યક્ષને ભારતીય સેના પર હુમલો કરી તેમને (એટલે આપણી સેનાને) પાકિસ્તાનમાંથી હઠાવવા 'Operation Windup' નામથી  હુમલો કરવાનો આદેશ આપ્યો. Military Wikia લખે છે : "According to the Pakistani C in C (કમાંડર-ઇન-ચીફ) the operation was cancelled since ‘both sides had suffered heavy tank losses......would have been of no strategic importance....’ and above all ‘the decision...was politically motivated as by then the Government of Pakistan had made up their mind to accept cease fire and foreign sponsored proposals’. આ દર્શાવે છે કે તેઓ હિંમત હારી ચૂક્યા હતા અને લડવાની ઇચ્છા શક્તિ બચી નહોતી.

    આમ ગુમાવેલ વિસ્તાર અને પ્રતિષ્ઠાને લડીને પાછી મેળવવા કરતાં યુદ્ધ વિરામ કરવા માટે અમેરિકા, રશિયા તથા યુનાઇટેડ નેશન્સ તરફથી આવી રહેલા દબાણને માન આપી યુદ્ધને રોકવું સારૂં એવું સ્વીકારીને પાકિસ્તાનના સેનાધ્યક્ષે પરોક્ષરીતે હાર સ્વીકારી હતી,  અહીં ધ્યાનમાં લેવા જેવી વાત એ છે કે પાકિસ્તાનની સરકારે તેમની પ્રજામાં જાહેર કર્યું હતું કે ભારતની હાર થઇ છે. વાસ્તવિકતા એ હતી તે સમયે ભારતની સેનાના કબજામાં પાકિસ્તાનના સિયાલકોટ જીલ્લાનો ૨૦૦ ચોરસ માઇલનો વિસ્તાર હતો, જેમાં સઇદાંવાલી, મિયાંવાલી, મસ્તપુર, મહારાજકે, ફિલ્લોરા, ચરવાહ જેવા ઘણાં ગામ આવી ગયા હતા.

    ૨૨મી સપ્ટેમ્બર ૧૯૬૫ના રોજ જ્યારે શસ્ત્રસંધિ જાહેર થઇ તે સમયે જિપ્સી અને તેની પ્લૅટૂનનો પડાવ પાકિસ્તાનના સઇદાંવાલી ગામમાં હતો.

    શસ્ત્રસંધિ બાદ યુદ્ધમાં થયેલ અસંખ્ય માનવોની પ્રાણાહૂતિ જોઇને અદૃશ્ય રુધિરથી જખમી થયેલ આત્મા, ઘાયલ અને મૃત્યુ પામેલા સાથીઓના વિયોગના હૃદયમાં થયેલા ઘા ધોવા જિપ્સીને યુદ્ધભૂમિથી દૂર તેના કંપની હેડક્વાર્ટરમાં બોલાવવામાં આવ્યો. જ્યારે તે પહોંચ્યો, યુદ્ધનો પૂરો સમય હેડક્વાર્ટરમાં રહેલા અફસરો તેના અનુભવો સાંભળવા આતુર હતા. આ વાત તો ગૌણ હતી, પણ મારા માટે આઘાતપૂર્ણ વાત હતી કૅપ્ટન હરીશ શર્માના અવસાનની.

    યુદ્ધમાં લડી રહેલ બન્ને પક્ષની સેનાઓ એકબીજાની supply line ઉધ્વસ્ત કરવાનો પ્રયત્ન કરે. કૅપ્ટન હરીશનું કામ હતું અગ્રિમ વિસ્તારમાં લડી રહેલ બ્રિગેડ્સને તેમનું રાશન અને દારૂગોળો પહોંચાડવાનું. આ માટે તેઓ એક કામચલાઉ Supply Point સ્થાપવાની તૈયારી કરી રહ્યા હતા ત્યાં પાકિસ્તાનના સેબર જેટ્સે તેમની પ્લૅટૂન પર હુમલો કર્યો. પહેલાં મશિનગનથી strafing અને ત્યાર બાદ નેપામ બૉમ્બ છોડ્યા. હરીશનો એક સૈનિક આગની લપેટમાં આવી ગયો હતો. તેને બચાવવા જતાં હરીશની નજીક બીજો બૉમ્બ પડ્યો અને પૂરા નેપામની જ્વાળામાં સપડાઇ ગયા. તેમનું ૮૦ ટકા શરીર દાઝી ગયું હતું. હુમલો પૂરો થતાં તેમને પહેલાં પઠાણકોટ અને ત્યાર બાદ જાલંધરના મિલિટરી હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમનું અવસાન થયું હતું.

      મેજર સોહનલાલને જ્યારે મેં મારી પ્લૅટૂનની કાર્યવાહીનો રિપોર્ટ આપ્યો, તેમને ઘણું લાગી આવ્યું. મને સારૂં લાગે એવી ઘણી વાતો કહી, અને એક વાતનો અફસોસ જાહેર કર્યો. "તેં જે રીતે પ્લૅટૂનનું યુદ્ધમાં સંચાલન કર્યું, જવાનોના પ્રાણની રક્ષા કરી, અલબત્ આપણા પાંચ વાહનો નાશ પામ્યા, પણ તારી સમગ્ર કાર્યવાહીને માન્યતા અપાવે તેવો કોઇ ઍવોર્ડ મળવો જોઇએ. પણ શું કરૂં? તારા વિશે મને કોઇ માહિતી જ નહોતી મળતી. કંપનીના કો'કને તો માન મળવું જોઇએ તેથી મારી સાથે સૅમી હતો તેના માટે મેં ભલામણ કરી હતી. યુદ્ધ વિસ્તારમાં તે એક કૉન્વૉય લઇ ગયો હતો તેથી તેને Mentioned in Despatches - જે સેના મેડલની નીચેનો પુરસ્કાર ગણાય તે મળ્યો છે. હવે તો શસ્ત્રસંધિ થઇ ગઇ  અને ઍવોર્ડ માટેની આખરી તારિખ ગયા અઠવાડિયે જ પૂરી થઇ. Any way, તેં ઘણી સારી કામગિરી બજાવી અને કંપનીનું નામ ઉંચું રાખ્યું તે માટે મારા હૃદયપૂર્વકના અભિનંદન."

    હું ત્રણ દિવસ માટે હેડક્વાર્ટરમાં હતો તે દરમિયાન મારા CO કર્નલ રેજીનાલ્ડ ગૉન (જેઓ આયરિશ-ભારતીય હતા) ગોરખા રેજિમેન્ટના CO કર્નલ ગરેવાલને મળવા ગયા હતા - એ જાણવા માટે કે તેમની બટાલિયન સાથે સતત રહેલ જિપ્સી તથા તેની પ્લૅટૂનનું કામ કેવું રહ્યું હતું. તેમણે જે વાત કહી તેના પરિણામરૂપે તે વર્ષમાં CO તરફથી દરેક અફસર માટે લખાતા Annual Confidential Report (ACR) માં જિપ્સીને બટાલિયનમાં સર્વશ્રેષ્ઠ ACR મળ્યો હતો. સૈન્યમાં લખાતા ACRના શેરામાં બે શબ્દો અતિ મહત્વના ગણાય છે : courageous તથા dependable. જિપ્સી માટે આ સર્વશ્રેષ્ઠ પુરસ્કાર હતો.

      

4 comments:

  1. ''તે વર્ષમાં CO તરફથી દરેક અફસર માટે લખાતા Annual Confidential Report (ACR) માં જિપ્સીને બટાલિયનમાં સર્વશ્રેષ્ઠ ACR મળ્યો હતો. સૈન્યમાં લખાતા ACRના શેરામાં બે શબ્દો અતિ મહત્વના ગણાય છે : courageous તથા dependable. જિપ્સી માટે આ સર્વશ્રેષ્ઠ પુરસ્કાર હતો.' જાણી/માણી આનંદ સૌને ધન્યવાદ અને શહિદ થયેલ માટે ઘણું દુઃખ થયું જે વિગલીત થઇ વીરોની શુરવીરતા માટે આનંદ અને ગૌરવ અનુભવાયુ.

    ReplyDelete
  2. આ વાંચ્યા પછી મારી જેવા અનેક વાચકોના તમારા માટેના માનમાં ભારોભાર વધારો થયો છે.

    ReplyDelete
  3. courageous તથા dependable
    - salute salute salute salute salute

    ReplyDelete