Saturday, July 24, 2021

ચવિંડાનું યુદ્ધ : વીરતા, વિવાદ અને વિશ્લેષણ

    ૧૯૬૫માં આપણી પશ્ચિમ સેનાનું લક્ષ્ય સિયાલકોટ-લાહોરના ધોરી માર્ગનેકાપવાનુંહતું. તે સિદ્ધ કરવા પાછળનો ઉદ્દેશ હતો કાશ્મિર પર હુમલો કરી રહેલ શત્રુ સેનાને પોતાનો દેશ બચાવવા ભારત પર હુમલો કરવાનું છોડી પાછા પંજાબ ક્ષેત્રમાં આવવાની ફરજ પડે. પાકિસ્તાને અત્યાર સુધી કરેલા ભારત પરના હુમલા, પરોક્ષ યુદ્ધ (proxy war) તથા ઘોંચ પરોણાનો જવાબ ભારત આપી શકે છે તેનો પાઠ શીખવવાની વાત પણ તેમાં સામેલ હતી. 

    દેશના ભાગલા થયા બાદના સમયથી સામરિક દૃષ્ટિએ ભારતની ભૂમિકા ઉદાસિનતાભરી - passive રહી હતી. આઝાદીની ચળવળના સમયથી આપણી માનસિકતા પર'અહિંસા'નું તત્વજ્ઞાન ભારપૂર્વક ઠસાવવામાં આવ્યું હતું. તે એટલી હદ સુધી કે આપણે આઝાદી પણ તકલી-પૂણી અને ચરખો ચલાવી ચલાવીને જ મેળવી હતી. આ વિશે ભારે ચર્ચા અને વિવાદ થઇ શકે છે, પણ અહીં નહીં. હાલ પૂરતું તો એક સામાન્ય સૈનિકની જે અનુભવકથા છે તેના પર જ ધ્યાન કેન્દ્રિત કરીશ. હા, તો કહેવાનું કે સેનાના ઘડતર અને તેને આધુનિક બનાવવા પાછળ સરકારની મનોવૃત્તિ નરમ અને ઔદાસિન્ય ગણી શકાય તેવી હતી. એક તો ભારતીય સંસ્કૃતિનો પરંપરાગત ઉદ્દેશ પરોપકાર અને નિ:સ્વાર્થ સહકારનો રહ્યો છે. તેથી જ ભારતે કદી પરાયી ભૂમી પર સામ્રાજ્ય ફેલાવવાનો પ્રયત્ન કર્યો નહીં. પરંતુ તેમ કરવા જતાં આપણે એ વિચાર ન કર્યો કે અન્ય રાષ્ટ્રો ભારતની સમૃદ્ધ ભૂમિ પર કબજો કરી આપણી પ્રાકૃતિક અને ઐહિક સમ્પદાનું શોષણ કરવાનો પ્રયત્ન કરશે અને તે માટે આક્રમણ કરી શકશે. આ કારણસર આપણે કદી આપણી સેનાને સંરક્ષણાત્મક વ્યૂહનીતિ માટે તૈયાર ન કરી. ભારત સ્વતંત્ર થયા બાદ તરત જ  - ૧૯૪૭-૪૮માં થયેલા આક્રમણની લપડાક બાદ પણ આપણે બીજો ગાલ જે આવે તેની સામે ધરવા લાગ્યા હતા. ૧૯૬૨ની ચીન સામેની લડાઇ આનું સ્પષ્ટ સ્વરૂપ છે. નવાઇની વાત તો એ નીકળી કે ૧૯૬૨ બાદ પણ આપણે...  

૧૯૬૫નું યુદ્ધ પાંચ મોરચા પર થયું હતું. સૌ પ્રથમ કચ્છ. અહીં પહેલ કરી હતી પાકિસ્તાને. તેમની ટૅંકોએ છાડ બેટ પર હુમલો કરી તેના પર કબજો કર્યો હતો. આ સીમાનું રક્ષણ કરવા ગુજરાત સરકારની પોલીસ ચોકીઓ હતી, અને તેનો પહેરો ભરવા આપણી SRP - સ્ટેટ રિઝર્વ પોલીસ હતી. હથિયારમાં લાઠીઓ અને થોડી હથિયારખાનામાં તાળા-ચાવીમાં બંધ કરાયેલી રાઇફલ. બીજી તરફ રાજસ્થાનમાં. અહીં પણ મુનાવાવ પર હુમલો કરનાર હતી તેમની સેના. ત્રીજો મોરચો પંજાબના ખેમકરણ વિસ્તારમાં. અહીં પણ તેમની (પાકિસ્તાનની) 1 Armoured Division દ્વારા હુમલો થયો હતો. ચોથો મોરચો, છમ્બ-જૌડિયાં - અખનૂર પર, જેના પર તેમણે જ હુમલો કર્યો હતો. પાંચમો મોરચો સિયાલકોટ ક્ષેત્રમાં - આપણી 1st Armoured Division દ્વારા, જેમાં આપણે પહેલ કરી હતી. આનું શ્રેય કોઇને આપવું હોય તો તે સૌ પ્રથમ આપણા વડા પ્રધાન સ્વ. લાલ બહાદુર શાસ્ત્રીને, તથા તેમના હુકમને સફળતાના પંથે પહોંચાડનાર લેફ્ટેનન્ટ જનરલ હરબક્ષ સિંહને. તેમના વિશે વાત કરીશું ૧૯૬૫ના યુદ્ધના સર્વાંગીણ વિશ્લેષણમાં - આગળ જતાં. આ વાતો અગાઉના બ્લૉગમાં કે "જિપ્સીની ડાયરી" પુસ્તકમાં પણ કરવામાં આવી નહોતી. હાલ પૂરતું તો વર્ણન કરીશું ચવિંડાના યુદ્ધનું.

    પાકિસ્તાનની સેનાએ આપણી સેનાને રોકવા પ્રથમ ફિલ્લોરા અને ત્યાર બાદ ચવીંડામાં રક્ષાપંક્તિ બનાવી હતી. આપણે આક્રમણ કરી રહ્યા હતા. ગયા અંકમાં જોયું કે આર્મર્ડ બ્રિગેડના રિસાલા પુના હૉર્સ તથા હડસન્સ હૉર્સની સાથે લૉરીડ બ્રિગેડની અમારી ગોરખા અને જાટ બટાલિયને ફિલ્લોરાની રક્ષાપંક્તિ પર હુમલો કરીને જીત હાંસલ કરી હતી. આ બન્ને રેજિમેન્ટના ઘણા સૈનિકો મૃતક/ઘાયલ થયા હતા તેથી ચવીંડા પર હુમલો કરવા માટે આપણી આર્મર્ડ બ્રિગેડના 17 Poona Horse, તથા 4 Horse (Hodson's)ની સાથે અમારી લૉરીડ ઇન્ફન્ટ્રી બ્રિગેડની 8મી ગઢવાલ રાઇફલ્સને મોકલવામાં આવી. સાથે સાથે આપણી 6th માઉન્ટન ડિવિઝન તથા 14th ઇન્ફન્ટ્રી ડિવિઝન હતી. ભારતીય સેનાને મળેલી માહિતી મુજબ ચવીંડામાં આપણો સામનો કરવા પાકિસ્તાનની છઠી આર્મર્ડ ડિવીઝનના ચાર રિસાલા - 20th લાન્સર્સ, 25th કૅવેલ્રી તથા ૩૧ અને ૩૩મા ટૅંક ડીસ્ટ્રોયર યુનિટ્સ (TDUs) આવી પહોંચ્યા હતા. તેમને સાથ આપવા તેમની ૮મી ઇન્ફન્ટ્રી ડિવિઝન આવી પહોંચી હતી - જેમાં તેમના કૂલ ૧૫૦૦૦ જેટલા સૈનિકો હતા.

    ૧૪મી સપ્ટેમ્બર ૧૯૬૫ના રોજ થયેલું ચવીંડાનું યુદ્ધ ભારત-પાકિસ્તાનના ઇતિહાસમાં વિશીષ્ઠ સ્થાન ધરાવે છે. ૧૯૬૫ના યુદ્ધની પરાકાષ્ટા સમાન લડાઇમાં બન્ને પક્ષે વીરતાની ઘણી વાતો બહાર આવી. તેમાં ભારતીય સેનાના સિયાલકોટ મોરચા પર આપણા અફસરો અને સૈનિકોએ દાખવેલા અપ્રતિમ શૌર્ય અને બલિદાનના પ્રસંગો ૧૯૬૫ની લડાઇના કાશ્મિર મોરચા પર અદ્વિતિય ગણાયા છે. 

    જુના જમાનામાં કોઇ સેના આક્રમણ કરે તો સૌ પ્રથમ તેના ઘોડેસ્વાર સૈનિકો ધસી જતા. તેમની પાછળ પાછળ દોડીને જતા પાયદળના સૈનિકો. આ ક્રમનું રૂપાંતર થયું તે ઘોડેસ્વાર રિસાલાના સ્થાને ટૅંક્સ આવી. જુના જમાનાની ઘોડેસ્વાર રેજિમેન્ટ્સને બીજા વિશ્વયુદ્ધમાં ટૅંક આપવામાં આવી, જો કે રેજિમેન્ટનાં નામ એ જ રહ્યા. 17th Poona Horse, Hodson's Horse (જે 4 Horseના નામે ઓળખાય છે), 2 Lancers (જે ગાર્ડનર્સ હૉર્સ કે સેકન્ડ રૉયલ લાન્સર્સના નામથી પણ જાણીતી છે, જેના સૌથી પહેલા ભારતીય કમાંડિંગ ઑફિસર જામનગરના મહારાજ શ્રી રાજેન્દ્રસિંહજી, DSO, હતા!). આ ત્રણે રિસાલાઓએ ચવિંડાના હુમલામાં ભાગ લીધો હતો.

    આ હુમલામાં સૌથી મોખરે હતી ગુજરાતી ભાષી કર્નલ અરદેશર (અદી) બરજોરજી તારાપોરની 17 Poona Horse. તેમને સાથ આપી રહી હતી 8 Garhwal Rifles- જેના કમાંડિંગ ઑફિસર હતા મરાઠી ભાષી યહુદી અફસર કર્નલ જેરી જેરાથ. મરાઠી ભાષી યહુદી કહેવાનું કારણ ઐતિહાસિક છે, જેમનો ઇતિહાસ પણ પારસીઓ જેવો જ રસપ્રદ છે જેના વિશે કોઇ વાર વાત કરીશું.

    ચવિંડામાં ભારે હિંસક લડાઇ થઇ. જેમ અશ્વોને નામ અપાય છે, તેમ કર્નલ તારાપોરની ટૅંકને પણ નામ હતું -'ખુશાબ'. ભારત-ઇરાન વચ્ચે ૭ ફેબ્રુઆરી ૧૮૫૭ના રોજ ખુશાબ નામના યુદ્ધક્ષેત્રમાં થયેલી લડાઇમાં આ રેજિમેન્ટે અતૂલ્ય વીરતા દર્શાવી હતી જેનું Battle Honour Khushab તેમને અપાયું હતું. તેની યાદગિરીમાં કર્નલ તારાપોરની ટૅંકને આ નામ અપાયું હતું. ચવિંડામાં 'ખુશાબ'ની અગ્રેસરતામાં પાકિસ્તાનની ૧૧ પૅટન ટૅંક્સનો પુના હૉર્સે સંહાર કર્યો. કર્નલ તારાપોર બુરી રીતે ઘાયલ થયા હતા, અને તેમને તેમના બ્રિગેડ કમાંડરે હુકમ કર્યો કે સેકન્ડ-ઇન-કમાંડને રેજિમેન્ટનો ચાર્જ સોંપી તેઓ સારવાર માટે પાછા ફરે. "મારા ઘણા સ્વાર જખમી થયા છે, જેમાંથી એક પણ સારવાર લેવા પાછળ જવા તૈયાર નથી. સૌ પોતપોતાના ઘા પર ઍન્ટિસેપ્ટિક ફિલ્ડ ડ્રેસિંગ લગાવીને આગેકૂચ કરવાની રજા માગી રહ્યા છે, હું તેમની સાથે જઇ રહ્યો છું," કહી કર્નલ તારાપોર મુખ્ય સેનાથી માઇલો આગળ બુટૂર ડોગરાં'દી નામના ગામમાં પહોંચી ગયા અને તેના પર હુમલો કરીને કબજો કર્યો. અત્યંત જખમી હાલતમાં હતા અને ટૅંકમાં બેસીને અકડાઇ ગયેલા કર્નલ 'ખુશાબ' બહાર નીકળ્યા. તેઓ પોતાના ઘા તપાસી રહ્યા હતા ત્યાં તેમના એક સૈનિકે તેમના માટે સફેદ મગમાં ચા બનાવીને આપી. 'આભાર' કહીને તેમણે એક ઘૂંટડો લીધો અને...  


કમભાગ્યે આ ગામમાં દુશ્મનનો FOO સંતાયો હતો. તેણે આ 'અમૂલ્ય' તકનો લાભ લીધો અને 'ખુશાબ' પર તેમની આર્ટિલરીના ગોળા વરસાવ્યા. કર્નલ તારાપોર ત્યાં જ ઢળી પડ્યા. કોણ જાણે તેમને પોતાના મૃત્યુની પૂર્વ સૂચના મળી હતી, એક દિવસ પહેલાં જ તેમણે તેમના સેકન્ડ-ઇન-કમાંડને કહ્યું હતું, "જો આ લડાઇમાં હું કામ આવી જઉઁ તો મારો અગ્નિસંસ્કાર કરાવજો. અમારા પરંપરાગત પારસી રિવાજ મુજબ નહીં."

   

લેફ્ટેનન્ટ કર્નલ તારાપોર

કર્નલ તારાપોરને ભારતીય સેનાના યુદ્ધમાં અપાતું પરમોચ્ચ શુરવીરતાનું પદક
 પરમ વીર ચક્ર મરણોપરાંત અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા.

    યુદ્ધ ચાલતું હોય ત્યારે ટૅંક રેજિમેન્ટ તથા તેમના ઘટક - જેને સ્ક્વૉડ્રન કહેવામાં આવે છે, તેમની સાથે ઇન્ફન્ટ્રીની ટુકડીઓ જોડવામાં આવે છે. ટૅંક્સ દુશ્મનની હરોળને નષ્ટ કરી શકે, પણ જ્યાંથી દુશ્મનને હઠાવવામાં આવે છે, તે જમીન પર મોરચાબંધી કરી તેનું રક્ષણ કરવાની જવાબદારી ઇન્ફન્ટ્રીની હોય છે. આ ઉપરાંત રાતના સમયે ટૅંક્સ છુટી છવાઇ રાખી શકાતી નથી. તેના ઘણાં કારણ હોય છે, જેમાંનું મુખ્ય કારણ છે તેમની સુરક્ષા. એક ટૅંકમાં ત્રણ થી ચાર સૈનિકો હોય છે, જેમાં એક ટૅંક કમાંડર, એક ચાલક, એક તોપ ચલાવનાર અને એક તોપની ચૅમ્બરમાં ગોળો ચઢાવનાર સૈનિક. હોય છે. ત્રણ ટૅંકના સમૂહને 'Troop' કહેવાય છૈ અને તેના કમાંડર સેકન્ડ લેફ્ટેનન્ટ કે કૅપ્ટન હોય છે. બાકીની બે ટૅંક્સનો કમાંડ એક રિસાલદાર કે નાયબ રિસાલદાર અને એક સિનિયર દફેદાર પાસે હોય છે. આમ એક ટ્રુપમાં કેવળ બાર જેટલા સૈનિકો હોય છે. રાતના સમયે દુશ્મનની ટૅંક્સનો રિકૉઇલલેસ રાઇફલ કે stream grenadeથી ધ્વંસ કરવા માટે ખાસ ટુકડીઓ - જેને Tank Hunting Party કહેવામાં આવે છે, તેમના રક્ષણ માટે ઇન્ફન્ટ્રીની ટુકડીઓને  તહેનાત કરવામાં આવે છે. 17 Poona Horseની સાથે 8 ગઢવાલ રાઇફલ્સને સંલગ્ન કરવામાં આવી હતી. કર્નલ તારાપોરની સાથે તેમની તથા બાકીની સ્કવૉડ્રન સાથે ગઢવાલી સૈનિકોની ટુકડીઓ હતી. 

    ૧૬મી સપ્ટેમ્બર ૧૯૬૫. કર્નલ જેરથને પુના હૉર્સની બે સ્કવૉડ્રન સાથેે ચવિંડા પર વહેલી સવારે હુમલો કરવાનો હુકમ મળ્યો. કર્નલ જેરથ આ લક્ષ્યની નજીક પહોંચ્યા અને  હુમલો કરવાનો હુકમ આપવાની તૈયારી કરી રહ્યા હતા ત્યાં ડિવિઝન હેડક્વાર્ટરથી હુકમ મળ્યો કે ચવિંડા પર હુમલો કરવાને બદલે ચવિંડા અને પસરૂર શહેરને જોડતી ધોરી સડક પર આવેલા બુટુર ડોગરાં દી પર હુમલો કરવો અને આ ધોરી સડક પર કબજો કરવો. આમ કરવાથી લાહોર સુધીનો રસ્તો આપણી સેનાના હાથમાં આવે. બુટુર ડોગરાં દીમાં શત્રુની એક બ્રિગેડ - ત્રણ બટાલિયનો હતી અને ત્યાંની રક્ષા પંક્તિ મજબૂત હતી. વળી તેને વધુ શક્તિશાળી કરવા પાકિસ્તાનની 25 Cavalryની પૅટન ટૅંક્સની એક સ્ક્વૉડ્રન હતી. કર્નલ જેરથે હુમલો શરૂ કરતાં જ તેમના પર ભારે માત્રામાં તોપના ગોળા વરસાવા લાગ્યા. એક ગોળો સીધો તેમની નજીક પડ્યો અને તેમના બન્ને પગ કપાઇ ગયા. જમીન પર પડતાં પડતાં તેમણે તેમના જમણા ખભા પરનો રક્ત રંજિત Lanyard - કાઢી, હાથમાં રાખી જે ઉંચે ફરકાવ્યો અને બૂમ પાડીને કહ્યું, "યહ રસ્સીકી શાન કે લિયે કુરબાન હોને સે બઢ કર કોઇ ઔર બાત નહીં હોતી..."


 સેનાપતિ પોતે જ ઘાયલ થાય તેની ખબર સર્વત્ર ફેલાતી હોય છે. સૈનિકોને આઘાત લાગે પણ તેની બે પ્રકારની પ્રતિક્રિયા થઇ શકે છે. પહેલી અસર પાણીપતના બીજા અને ત્રીજા યુદ્ધમાં થઇ તેવી. પાણીપતના બીજા યુદ્ધમાં દિલ્હીના સમ્રાટ હેમુ વિક્રમાદિત્ય, જેઓ હાથી પર બેસી આક્રમણકારી જલાલ-ઉદ્દીન મોહમ્મદ અકબર સામે યુદ્ધનું મોખરા પર સંચાલન કરી રહ્યા હતા અને જીતના આરે હતા, ત્યારે અચાનક એક બાણ તેમની આંખમાં વાગ્યું અને તેઓ બેભાન થઇને ઢળી પડ્યા. તેમને પડેલા જોઇ તેમના સૈનિકોનું મનોબળ ભાંગી પડ્યું અને ભારતનો ઇતિહાસ બદલાઇ ગયો. તે જ રીતે પાણીપતના ત્રીજા યુદ્ધમાં મરાઠા સેનાપતિ સદાશિવરાવ ભાઉ અને પેશ્વાના પુત્ર વિશ્વાસ રાવ ઘાયલ થઇને પડ્યા, અને મરાઠા સૈન્યનું મનોબળ ભાંગી પડ્યું હતું. 

    વર્ષો  વિત્યા. ભારતીય સેનાની વિચારધારા અને રણનીતિ બદલાઇ. મરણમુખે આવેલ સેનાપતિ પોતાના સૈનિકોને અંતિમ ક્ષણ સુધી લડી લેવા ઉત્સાહ વધારતા હોય છે. તેમનું સૈન્ય આહત સેનાપતિના બલિદાનનો બદલો લેવા ત્યારે જ અંતિમ પરિણામ સુધી લડી લેતા હોય છે. 

   

લેફ્ટેનન્ટ કર્નલ જેરથ

કર્નલ જેરથે જે 'રસ્સી'ની વાત કરીને ગઢવાલીઓનો ઉત્સાહ વધાર્યો તે હતું તેમના જમણા ખભા પર પહેરાતું Lanyard. ભારતીય સેનાના યુનિફૉર્મમાં લેન્યાર્ડ - રસ્સી -નું મહત્વ સૈનિકોને મળતા બહાદુરીના  ઇલ્કાબ જેટલું જ મહત્વનું હોય છે. સામાન્ય રીતે લેન્યાર્ડ ડાબા ખભા પર પહેરવામાં આવે છે. કેવળ કેટલીક જ રેજિમેન્ટ્સ, જેમની યુદ્ધમાં પરંપરા કેવળ અને કેવળ બહાદુરીની પરાકાષ્ઠાની રહી છે, જેને તેમના રાજકર્તા તેમની અંગત  'શાહી' - Royal - રેજિમેન્ટ' તરીકે જાહેર કરી હોય, તેમને જ આ લૅન્યાર્ડ જમણા ખભા પર પહેરવાનો અધિકાર આપવામાં આવે છે. જિપ્સીની માહિતી પ્રમાણે ભારતીય સેનાની ઇન્ફન્ટ્રીમાં આ બહુમાન કેવળ ત્રણ રેજિમેન્ટ્સને આપવામાં આવેલ છે, જેમાં ગઢવાલ રેજિમેન્ટ અગ્રસ્થાન પર છે. 

    દુશ્મનનો બૉમ્બ કર્નલ જેરથની એટલો નજીક પડ્યો હતો કે તેમના બન્ને પગ કપાઇને જુદા થઇ ગયા હતા. કેટલી યાતના થતી હશે તેની કલ્પના જ ન થઇ શકે, પણ  તેમણે પોતાનું લૅન્યાર્ડ ખેંચી કાઢ્યું, અને હાથમાં લઇ હાથ ઉંચો કર્યો અને આસપાસ રહેલા જવાનોને કહ્યું, "યહ રસ્સીકી શાનકી ખાતિર લડને જૈસી ગૌરવકી બાત ઔર કોઇ નહીં હો સકતી," અને ગઢવાલ રેજિમેન્ટનો યુદ્ધઘોષ કર્યો, "બોલો બદરી વિશાલ-લાલ કી જય"! અને બેભાન થઇ ગયા.

    બટાલિયને શત્રુ પર જબરજસ્ત આક્રમણ શરૂ કર્યું. બટાલિયનનો કમાંડ હવે કર્નલ જેરથના ઉપસેનાપતિ મેજર અબ્દુલ રફી ખાનના હાથમાં હતો. તેમની આગેવાની હેઠળ ગઢવાલી સૈનિકોએ તેમની સામે ફ્રન્ટિયર ફોર્સ તથા તેમની સહાયે ગયેલ ૧૦મી કૅવેલ્રીની ટૅંક્સ પર હુમલો શરૂ કર્યો. ટૅંકની ઉપરનું ચઢી, તેના cupolaનું ઢાંકણું (hatch) ખોલી, તેમાં ગ્રેનેડ નાખી અંદરના શત્રુ તથા ટૅંકના એન્જિનને નષ્ટ કર્યા. 

    હવે પાકિસ્તાની સેનાની એક મોટી સેના - Corpsનું તોપખાનું ત્યાં આવી પહોંચ્યું હતું. કૂલ લગભગ ૧૦૦થી વધુ હૉવિત્ઝર શ્રેણીની ૧૦૫ મિલિમિટરના નાળચાવાળી તોપ. તેમણે આખા ચવિંડાના મોરચા પર ગોળા વિંઝવાનું શરૂ કર્યું. બટાલિયનનો હુમલો કરવા આગળ વધી રહેલ મેજર અબ્દુલ રફી ખાન આ તોપના       

મેજર અબ્દુલ રફી ખાન, VrC
ગોળાના વરસાદમાં શહીદ થયા. તેમની સાથેના સિપાહી બલબીરસિંહ બિષ્ટથી  સહન ન થયું. તેણે રિકૉઇલલેસ રાઇફલ  ઉઠાવી તે ટૅંક પર રૉકેટ ચલાવીને તેને ઉડાવી. નજીકની એક ટૅંકે આ જોયું અને બલબીરસિંહ પર મશિનગનનો મારો કર્યો જેમાં તે શહીદ થયો. ગઢવાનું શૌર્ય ગજબનું હતું. તેમના કાનમાં તેમના કર્નલના શબ્દો ગુંજતા હતા. બુટુર ડોગરાં દીની લડાઇમાં ૪૮ ગઢવાલી સૈનિકોએ પરમોચ્ચ બલિદાન આપ્યું. ૧૯૬૫ની લડાઇમાં આ કેવળ એક જ ઉદાહરણ છે કે કેવળ એક બટાલિયનમાં ઘાયલ થયેલા સૈનિકો કરતાં બલિદાન આપનાર સૈનિકોની સંખ્યા વધુ હતી. બટાલિયનને Battle Honour Butur Dogran-di એનાયત કરવામાં આવ્યું. બટાલિયનનો ઉત્સાહ પણ કેવો! હાથોહાથની લડાઇમાં તેઓ દુશ્મનની હરોળની પાછળ પહોંચી ગયા હતા, જેના કારણે દુશ્મન પણ ચોંકી ગયા હતા. તેમ કરવામાં તેઓ આપણી મુખ્ય સેનાથી જુવ અળગા પડી ગયા હતા. તેમને પાછા વળવાનો આદેશ આપવામાં આવ્યો.

    યુદ્ધનો આ અંતિમ હિસ્સો ગણાયો. ચવિંડા પર કબજો ન થયો, પણ આપણી સેના સિયાલકોટથી કેવળ ૭ કિલોમિટર દૂર સુધી પહોંચી હતી અને તેની નજીકનું અલહર સ્ટેશન સર કર્યું હતું.

    પાકિસ્તાનના પ્રસિદ્ધી ખાતાએ આ યુદ્ધ વિશે સાવ જુદી વાત કહી છે. તેમણે જાહેર કરેલી વાતો  - જેમાંની મોટા ભાગની અતિશયોક્તિ ભરેલી છે. જે આગળ જતાં આપીશું. તેમ છતાં એટલું તો આપણે જરૂર સ્વીકારવું જોઇશે કે આપણી શક્તિશાળી 1 Armoured Divisionની આગેકૂચને ચવિંડામાં રોકી.

    

    અહીં એક વિડિયો રજુ કરીએ, જેમાં 17 Poona Horseની આ લડાઇ વિશે કેટલીક માહિતી મળશે.





6 comments:

  1. 'આપણે એ વિચાર ન કર્યો કે અન્ય રાષ્ટ્રો ભારતની સમૃદ્ધ ભૂમિ પર કબજો કરી આપણી પ્રાકૃતિક અને ઐહિક સમ્પદાનું શોષણ કરવાનો પ્રયત્ન કરશે અને તે માટે આક્રમણ કરી શકશે. આ કારણસર આપણે કદી આપણી સેનાને સંરક્ષણાત્મક વ્યૂહનીતિ માટે તૈયાર ન કરી'
    ત્યારે અમે પણ આવુ માનતા!
    ;આપણા વડા પ્રધાન સ્વ. લાલ બહાદુર શાસ્ત્રીને, તથા તેમના હુકમને સફળતાના પંથે પહોંચાડનાર લેફ્ટેનન્ટ જનરલ હરબક્ષ સિંહને. તેમના વિશે વાત કરીશું
    આ સાચી વાત નીતિવાન સૈનિક જ કરી શકે-
    લેફ્ટેનન્ટ કર્નલ તારાપોર
    લેફ્ટેનન્ટ કર્નલ જેરથ
    મેજર અબ્દુલ રફી ખાન જેવા અનેક શહીદોને સલામ
    17 Poona Horse બે વાર માણી
    ધન્યવાદ

    ReplyDelete
  2. અજબ ગજબ હકીકતો માટે ખૂબ આભાર.
    અજાણી વાતોની માહિતી આપવા માટે ધન્યવાદો'
    વધારે સાંભળવા માટે આતુર - ક્નકભાઈ

    ReplyDelete
  3. સૌ શહીદ વીરોને પ્રણામ

    ReplyDelete
  4. રૂંવાડાં ઊભાં થઈ જાય એવું વર્ણન છે. જે તે સમયે ત્યાં મોરચા ઉપર તો કેવું વાતાવરણ રહ્યું હશે!

    ReplyDelete
  5. ખુબ સાહસ થી ભરપૂર
    શબ્દો ઓછા પડે આવા વીરો નાં સન્માન માં કંઈ લખવાં માટે 🙏
    કારગિલ વિજય ની આપને શુભકામનાઓ🌹

    ReplyDelete
  6. આ સર્વે વીરોને કોટી કોટી વંદન!

    ReplyDelete