Monday, July 12, 2021

યુદ્ધની શરૂઆત!

    અમેરિકાએ આપેલ ભરપુર સામગ્રીને કારણે પાકિસ્તાને ભારતની એક આર્મર્ડ ડિવિઝનનો મુકાબલો કરવા બે આર્મર્ડ ડિવિઝનો ખડી કરી હતી. લાહોરના મોરચે તેમની પહેલી આર્મર્ડ અને સિયાલકોટ ક્ષેત્રમાં ખારિયાં કૅન્ટોનમેન્ટમાં છઠી આર્મર્ડ ડિવિઝન હતી. જ્યારે આપણી આર્મર્ડ ડિવિઝન જાલંધર પાસે છાવણી નાખીને બેઠી હતી ત્યારે તેમણે ભારતીય સેનાના ડાબા પડખામાં ઘા કરવાના ઇરાદાથી  છઠી આર્મર્ડ ડિવિઝનની મોટા ભાગની ટૅંક રેજિમેન્ટ્સ ખારિયાંથી ખસેડી પંજાબના ફિરોઝપુરની ઉત્તર દિશામાં મૂકી. તેમનું હવાાઇ દળ, જેમની પાસે આધુનિકતમ F-104 સ્ટાર ફાઇટર તથા ઼F-86 વિમાનો હતા તેના રૉકેટ્સ આપણી ટૅંકોને વિંધી શકે તેવા હતા. આ ઉપરાંત પાયદળના સૈનિકોનો સંહાર કરવા તેમના વિમાનો પાસે ૫૦ મિલિમિટરની જાડાઇવાળી ગોળીઓની મશિનગન, સ્ફોટ થવાથી લોખંડની કરચથી વિંધી નાખનાર બૉમ્બ તથા આગ લગાડનાર (incendiary) નેપામ બૌમ્બ  હતા. વિએતનામના નાગરિકો અને સૈનિકોને જીવતાં બાળી નાખનાર આ નેપામ બૉમ્બ, રૉકેટ્સ તથા 50 મિલિમિટરની મશિનગનથી સજ્જ આ વિમાનો અમારો સામનો કરવા તૈયાર બેઠા હતા.

***
    પાકિસ્તાનની હદમાં પ્રવેશ કરતાં જ એક અજબ પ્રકારનો રોમાંચ થયો. ૧૯૪૮થી અત્યાર સુધી આપણા દેશની સામે પાકિસ્તાનનું આક્રમણ અને અતિક્રમણ ચાલુ જ હતાં. તેમણે અનેક વાર આપણા દેશના પડખામાં ઘોંચ પરોણા કર્યા હતા. આપણા રાજકર્તાઓની શાંતિપ્રિયતાને કારણે અને UNની નીતિને કારણે તે સમયે ભારતીય સેના કોઇ કાર્યવાહી કરી શકતી નહોતી. આ પહેલો પ્રસંગ હતો જેમાં પાકિસ્તાને શરૂ કરેલા પરોક્ષ યુદ્ધ (proxy war)નો જવાબ આપવા આપણે ખરેખર તેમના પ્રદેશમાં પ્રવેશ કર્યો હતો!
    પાકિસ્તાનની ભુમિમાં અમે ત્રણેક માઇલ ગયા હશું કે તેમના F 86 સેબર જેટના ત્રણ વિમાન આવ્યા. બાળકના હાથમાંનું મિઠાઇનું પડીકું ઝુંટવી લેવા આકાશમાં ઉડતી સમળી તીરની જેમ આવીને ત્રાટકે, તેમ પાકિસ્તાન ઍર ફોર્સના વિમાનો અમારા પર ત્રાટક્યા.  

રૉકેટ્સથી સજ્જ સેબર જેટ


   તેમનું પહેલું ચક્કર, જેને sortie કહેવાય છે, તેમાં તેમણે આપણી ટૅંક્સ પર રૉકેટ્સ છોડી અમારા કૉન્વૉય પર આવ્યા, અને અમારા પર 50 mmની ગોળીઓનો મારો શરૂ કર્યો. વળતી કાર્યવાહીમાં મારા કૉન્વૅયના રક્ષણ માટે  તોપખાનાની (બીજા વિશ્વ યુદ્ધના જમાનાની) L-60 અને L-70 Anti Aircraftની ત્રણ તોપો  હતી તેમણે તથા ટૅંક પર ચઢાવેલી મિડિયમ મશિનગન્સે ફાયરિંગ શરૂ કર્યું. 
L-70 Anti Aircraft Gun

    આધુનિક સેબર જેટની ગતિ એટલી તેજ હતી કે તેમના પર આપણા આ ગોળીબારની અસર ન થઇ. મારા કૉલમની સમાંતર પાંચમી જાટ બટાલિયનની ટ્રક્સ હતી. તેમાં ૧૯૬૨ના ચીન સામેના યુદ્ધમાં વીર ચક્ર જીતેલા એક બહાદુર કૅપ્ટન હતા, તેમણે તેમની જીપ બહાર નીકળી LMGથી પાકિસ્તાનના સેબર જેટ પર ગોળીઓ ચલાવવાનું શરૂ કર્યું, પણ કમનસીબે આ બહાદુરી ડૉન કિહોટે (Don Quixote) જેમ ઘરડા ઘોડા પર બેસી, હાથમાં ભાલો લઇ પવનચક્કી પર હુમલો કરવા ધસી ગયા હતા, તેના જેવું હતું. સેબર જેટના વળતા ગોળીબારમાં તેઓ અને તેમના બે સાથીદારો અસલ યુદ્ધ શરૂ થતાં પહેલાં જ મૃત્યુ પામ્યા. આ નજરે જોયેલ પ્રસંગ છે.
    PAF દ્વારા થતા હુમલામાં ત્રણ પ્રકારના શસ્ત્રાસ્ત્ર ઉપયોગમાં લેવાતા હતા. રૉકેટ્સ, મશિનગન તથા બે પ્રકારના બૉમ્બ. વિસ્ફોટકથી ભરેલા અને આગિયા (incendiary) એવા બે પ્રકારના ગોળા અત્યંત ઘાતક હોય છે. 
     રૉકેટનો ખાસ ઉપયોગ ટૅંક્સના બખ્તરને ભેદી તેમાં બેસેલા સૈનિકો તથા તેમાંના દારૂગોળાને નષ્ટ કરવા માટે થાય છે. સ્ફોટક બૉમ્બની રચના સહેજ જુદી હોય છે. તેનું બહારનું કવચ ભરતરના લોખંડનું હોય છે અને અંદર high explosive પદાર્થ જેમ કે આમાટોલ વિ. ભરાય છે. તેમાં બે પ્રકારના ફ્યુઝ હોય છે. ટાઇમર વાળા અને કોઇ સપાટી પર અથડાતાં સળગી ઉઠે તેવા (impact fuse). આ ફાટતાં બહારના કવચના ધારદાર ટુકડાઓની એક-એક કિલોગ્રામના વજનની કરચ (splinter) એટલી તેજ ગતિથી ફાટે કે તેના સ્ફોટની આજુબાજુનાં સૈનિકો જીવતા બચી ન શકે. હળવા વાહનોને પણ તે ચિરી શકે. ટાઇમર ફ્યુઝવાળા બૉમ્બ છોડવામાં આવ્યા બાદ નિયત સેકંડોમાં ફાટે - ખાસ કરીને જમીનથી વીસે'ક ફિટ ઉંચે હોય ત્યારે, જેથી તેની બે - ત્રણ રતલ વજનની ધારદાર કરચ વરસાદની જેમ સૈનિકો પર વરસે જેમાંથી કોઇ બચી ન શકે. બીજા બૉમ્બ - નેપામ - અત્યંત ક્રૂર પ્રકારના સ્ફોટક હોય છે. તેમાં પેટ્રોલ, તેલ જેવી ચિકણાશવાળું કેરોસિન તથા જેટ વિમાનોનું બળતણ, સાબુની પાઉડર અને સફેદ ફૉસ્ફોરસ હોય છે. નેપામ બૉમ્બ જમીનથી થોડી ઉંચાઇ પર હોય ત્યારે તેના ફ્યુઝથી બૉમ્બનો સ્ફોટ થાય. તે ફાટતાં તેમાંનો ફૉસ્ફોરસ હવાના સંસર્ગમાં આવે અને સળગી ઉઠે જેથી તેમાંથી નીકળતું પેટ્રોલ આગનો ભડકો કરે. સળગતું કેરોસિનથી તરબતર થયેલ ડિટર્જન્ટ પાઉડર માણસના શરીર પર ચોંટી જાય અને... આવા અનેક બૉમ્બનો વરસાદ અમેરિકાએ વિએટનામમાં વરસાવ્યો હતો અને તેનાથી બળી રહેલા બાળકોની છબિઓએ વિશ્વમાં અમેરિકા પ્રત્યે સૂગ અને ધિક્કારની ભાવના ફેલાવી હતી.
    PAFના વિમાનો આ સઘળા દારૂગોળાથી સજ્જ થયેલા હતા. અમેરિકા પાસેથી વિનામૂલ્ય મળેલા આ દારૂગોળાનો તેમણે છુટથી ઉપયોગ કર્યો હતો. 
    સૌ પ્રથમ ટૅંક્સ પર રૉકેટનો મારો કરી  અમારા અન્ય વાહનો તથા પાયદળના સૈનિકો પર તેમની મશીન ગનની ગોળીઓ વરસી. આ તેમની પહેલી sortie હતી. આવેલા માર્ગેથી પાછાં વળતાં તેમની બીજી સૉર્ટી શરૂ થઇ..
   અમારી પાસે કેટલીક સેકંડોનો જ સમય હતો, જેમાં અમારે અમારા વાહનોને સડકથી ઉતારી આજુબાજુના ખેતરોમાં એકબીજાથી દૂર રાખવાનો પ્રયત્ન કરવો પડે જેથી તેમની એક સીધી લાઇનમાં ચાલતી ગોળીઓની અસરમાંથી બચી જવાય. બીજી સૉર્ટી શરૂ થાય તે પહેલાં અમે આસપાસ વિખરાઇ ગયા અને ગોરખા બટાલિયન સેબર જેટના strafing (મશિનગનના મારા)માંથી બચી ગઇ. પરમાત્માની કૃપાથી જિપ્સી પણ સહેજમાં બચી ગયો. ન બચ્યા અમારા પાંચ ટ્રક્સ, જેમાં બટાલિયનની ચાર દિવસની ભોજન સામગ્રી - રાશન, પાણી, રસોઇ કરવાના મોટા સ્ટવ તથા વાસણ હતા. આ વાહનો અમારા કૉલમના સૌથી છેલ્લા ભાગમાં હતા, જેમને યુદ્ધ વિસ્તારની બહાર B Echelon નામથી ઓળખાતા એડમિનિસ્ટ્રેશન વિસ્તારમાં પડાવ નાખવાનો હોય છે. આ શું હોય છે તે આગળ જતાં જણાવીશું. 
     પાકિસ્તાન ઍર ફોર્સ (PAF)  ત્રીજી સૉર્ટી શરૂ થઇ ત્યાં પઠાનકોટના આપણા ઍરબેઝથી નાનકડા પણ ડંખીલા Gnat (નૅટ) ફાઇટર્સનું ત્રણ વિમાનોનું જુથ અમારી ઉપર ઉડતું નજરે પડ્યું.  
ભારતીય વાયુસેનાનું ટચૂકડું નૅટ વિમાન


    સેબર જેટથી નાનાં પણ ઘાતક શસ્ત્રોથી સજ્જ આપણા નૅટ વિમાનોની સેબર સાથે અમારા કૉલમથી લગભગ ૫૦૦-૭૦૦ ફિટની ઉઁચાઇ પર  Dogfight શરૂ થઇ ગઇ. અમે આ યુદ્ધ જોઇ રહ્યા હતા! હવાઇ યુદ્ધમાં આપણી વાયુસેનાના અચૂક મારામાં એક સેબર જેટનો ધ્વંસ થયો, તેથી તેમના બાકી રહેલા બે વિમાનોએ તેમના પ્રદેશમાં પાછા જવાનો પ્રયત્ન કર્યો અને આપણા વિમાનોએ તેમનો પીછો કર્યો. અહીં એક વાત કહીશું, જે વારંવાર સાચી સાબિત થઇ છે. મશિન ગમે એટલું આધુનિક અને ચઢિયાતી ક્ષમતાવાળું હોય, પણ વિજય તો મશિન ચલાવનાર વ્યક્તિ અને તેમાં તેણે હાંસલ કરેલ પ્રાવીણ્ય પર આધાર રાખે છે. આનો પ્રથમ પરિચય આપ્યો ભારતીય પાઇલટ્સે. સેબર જેટમાં પ્રતિસ્પર્ધીના વિમાનોને નષ્ટ કરવા માટેના યંત્રો જટિલ હતા. તે આપણા વિમાનો પર નિશાન સાધવા યંત્રોમાં માહિતી (data) ચઢાવે તે પહેલાં આપણા વાયુદળના અફસરોએ તેમની ટ્રેનિંગથી કાર્યવાહી પૂરી કરી શકતા હતા. આ જ વાત ટૅંક યુદ્ધમાં સાબિત થઇ.
***
    આપણે ખોલેલો મોરચો પાકિસ્તાનની સામરિક પરિયોજનાની કલ્પના બહારના વિસ્તારમાં હતો. તેમનાં મુખ્ય દળો કાશ્મિરના છંબ - જૌડિયાં અને અખનૂર પર હુમલો કરવામાં રોકાયા હતા. બીજો વિશાળ પાયા પરનો હુમલો ફિરોઝપુર વિસ્તારના ખેમ કરણ સેક્ટરમાં હતો. અમારી સામે તેમની 6 Armoured Divisionના ખારિયાં કેન્ટોનમેન્ટમાં રહેલા કેટલાક અંગ જેમ કે તેમની ખ્યાતનામ 25 Cavalry, 10 Cavalry તથા એક ઇન્ફન્ટ્રી ડિવિઝન આવી.  
   આગળ શું થયું એ તો આપ સૌ જાણો છો, પણ સૈનિકોને પ્રત્યક્ષ કેવી કેવી પરિસ્થિતિનો સામનો કરવો પડે છે તેની વિગતો  આવતા પ્રકરણમાં!
 

4 comments:

  1. 'જીતને તારે ગગન મેં , ઉતને શત્રુ હોય કૃપા હુએ રઘુનાથ કી, બાલ ના બાંકો હોય.. સટિક ઉદાહરણ-' જિપ્સ પણ સહેજમાં બચી ગયો
    સાથે -'પીછો કર્યો. અહીં એક વાત કહીશું, જે વારંવાર સાચી સાબિત થઇ છે. મશિન ગમે એટલું આધુનિક અને ચઢિયાતી ક્ષમતાવાળું હોય, પણ વિજય તો મશિન ચલાવનાર વ્યક્તિ અને તેમાં તેણે હાંસલ કરેલ પ્રાવીણ્ય પર આધાર રાખે છે.'સત્યનુ ઉતમ ઉદાહરણ
    આગળ શું થયું એ તો આપ સૌ જાણો છો, પણ સૈનિકોને પ્રત્યક્ષ કેવી કેવી પરિસ્થિતિનો સામનો કરવો પડે છે તેની વિગતોની રાહ

    ReplyDelete
  2. This comment has been removed by the author.

    ReplyDelete
  3. This comment has been removed by the author.

    ReplyDelete
  4. યુદ્ધની શરૂઆત ! શબ્દથી જ જે ભયાવહ વાતાવરણનું ચિત્ર માનસ પર ઊભું થાય ત્યારે વિચાર આવે કે એવા ભયાવહ વાતાવરણનો સામનો જે ફોજી કરતા હશે એમની માનસિક- શારીરિક સ્થિતિ કેવી હશે?

    ReplyDelete