Thursday, July 29, 2021

1965 - 1968 : શાંતિ ?

  22 સપ્ટેમ્બર ૧૯૬૫. આ દિવસે કાશ્મિરનું બીજું યુદ્ધ સમાપ્ત થયું. નવાઇની વાત એ છે કે ૧૯૪૮માં શરૂ થયેલ કાશ્મિરનું પ્રથમ યુદ્ધ હજી સુધી -  આ 21મી સદીમાં પણ ચાલ્યા કરે છે અને હું વાત કરી રહ્યો છું કાશ્મિરના બીજા ુયુદ્ધની સમાપ્તિની! હકીકત એ છે કે આ બન્ને યુદ્ધોમાં સહેજ તફાવત છે : કાશ્મિરની પહેલી લડાઇ જે ૧૯૪૭-૪૮માં શરૂ થઇ, તે ઘોષિત યુદ્ધ - declared war - નહોતું. તે પરોક્ષ, એટલે અંગ્રેજીમાં જેને 'Proxy War' કહીએ તે હતું. .કાશ્મિરની બીજી લડાઇ  પાકિસ્તાને  યુદ્ધની ઘોષણા કર્યા વગર જ ભારતના છમ્બ - જૌડિયાં વિસ્તાર પર હુમલો કરીને શરૂ કરી હતી. અચાનક થયેલા આ હુમલામાં જનરલ અયૂબ ખાને પાકિસ્તાનની સેના તે ક્ષેત્રના સેનાપતિ મેજર જનરલ અખ્તર હુસેન મલિકને તેમના કમાંડ હેઠળ 'Chicken Neck' નામથી જાણીતા થયેલા કાશ્મિરના વિસ્તાર પર હુમલો કરી, કાશ્મિરને ભારતથી જોડનાર ધોરી નસ સમાન ચિનાબ નદીના પરના અખનૂર શહેર પર કબજો કરવાનો હુકમ કર્યો હતો. તેમનું લક્ષ્ય હતું ભારત - કાશ્મિરને જોડનારા ચિનાબ નદી પરનો આ પૂલ. તે સર કરવા જનરલ અખ્તર ખાન મલિક ભારતના છમ્બ - જૌડિયાઁ પર હુમલો કરીને ઠેઠ ચિનાબ નદીના સુધી પહોંચી ગયા હતા.  અખનૂરનો પૂલ તેમના હાથ વેંતમાં હતો. આ ક્ષણ એવી હતી કે ચિનાબના સામા કાંઠે ભારતની સેનામાં ભારે ખુવારી પહોંચી હતી અને આપણી સેનાને સમયસર કૂમક ન પહોંચે તો મેજર જનરલ મલિક ચિનાબ પાર કરી અખનૂરનો અકબંધ - ક્ષતિહિન પૂલ કબજે કરી શકે તેમ હતા. તેઓ આ તકનો લાભ લઇ નદી પાર કરવાની તૈયારી કરી રહ્યા હતા ત્યાં તેમને પાકિસ્તાનના રાષ્ટ્રપતિ અયુબ ખાને હુકમ કર્યો કે તેઓ તેમની સેનાનો કમાંડ જનરલ યાહ્યા ખાનને સોંપી Corps HQમાં પાછા ફરે. મલિક આ હુકમ સાંભળી અવાક થઇ ગયા. તેમણે જનરલ અયૂબ ખાનને મોકલાવેલ વાયરલેસ સંદેશ, "Why change the Horse in midstream?" હજી સુધી પાકિસ્તાનના સૈનિક ઇતિહાસમાં અવિસ્મરણીય રીતે કોતરાયા છે. એક સતત વહેતા, વણ-રૂઝાયેલા ઘાની જેમ. અયૂબ ખાને આ સંદેશનો જવાબ ન આપ્યો અને કેવળ તેમને જણાવ્યું કે યાહ્યા ખાન ઇસ્લામાબાદથી રવાના થઇ ચૂક્યા છે અને જેવા તેઓ ત્યાં પહોંચે, તેમને સમગ્ર અભિયાન (operation) સમજાવી, તેનો ચાર્જ સોંપી દે.

    પ્રેસિડેન્ટ અયૂબ ખાને આ નિર્ણય બે કારણસર લીધો હતો. મુખ્ય કારણ એ હતું કે જનરલ અખ્તર હુસેન મલિક અહેમદીયા - કાદિયાની પંથના હતા. કટ્ટર સુન્ની પંથના રાજકર્તા અને પાકિસ્તાનની બહુમતી સુન્ની પ્રજા કાદિયાની મુસલમાનોને મુસ્લિમ ગણતી જ નથી. એટલી હદ સુધી કે જ્યારે ઝુલફિકાર અલી ભુટ્ટો વડા પ્રધાન થયા, તેમણે કાયદો પસાર કરી કાદિયાની - અહેમદીયા પંથને બિન મુસ્લિમ જાહેર કર્યા અને તેમને હજ પઢવાના અધિકારમાંથી પણ વંચિત કર્યા. જો ઉપર જણાવેલ સંજોગોમાં જનરલ મલિક અખનૂરના પૂલ પર હુમલો કરીને તેના પર કબજો કરે તો સમગ્ર કાશ્મિરને "આઝાદ" કરવાનું શ્રેય એક કાદિયાનીને મળે. પ્રેસિડેન્ટ અયૂબ ખાનને તે મંજુર નહોતું. બીજું કારણ : અયુબ ખાન તેમના લાડિલા ઉત્તરાધિકારી મેજર જનરલ યાહ્યા ખાનને કાશ્મિરના તારણહાર બનાવવા માગતા હતા. તેમના મનમાં તો ખાતરી હતી કે અખનૂર બ્રિજ તો લગભગ હાથમાં આવી ગયો છે તેથી જનરલ અખ્તર હુસેનને હઠાવી તેમના સ્થાને યાહ્યા ખાનને મોકલી, તેમના હસ્તે પાકિસ્તાનનો ઝંડો ત્યાં લહેરાવી શકાય તેવી સ્થિતિ નિર્માણ થઇ હતી!

    જનરલ યાહ્યા ખાન મોરચા પર પહોંચે અને પૂરા અભિયાનનો 'ચાર્જ લે એટલામાં જે સમય વિત્યો, તે દરમિયાન ભારતીય સેનાની કૂમક અખનૂર પહોંચી ગઇ. વળી અસલ ઉત્તર અને ફિલ્લોરા-ચવિંડાના યુદ્ધમાં પાકિસ્તાને એટલી ટૅંક્સ ગુમાવી હતી કે અખનૂર પર કબજો કરીને ભારતના strategic અને vital ground પર પાકિસ્તાની  પહોંચે તો તેમની પાસે અતિ આવશ્યક ગણાય તેવું 'આર્મર' નહોતું. તેમ છતાં વિજયની આશામાં મત્ત બનેલા જનરલ યાહ્યાખાને ભારતીય રક્ષા પંક્તિ પર લગભગ ત્રીસ હજાર સૈનિક (બે ડિવિઝન) સાથે પ્રચંડ હુમલો કર્યો. તેમને ખબર નહોતી કે તેમની સામે સિંહ જેવા હૃદય અને અભિમન્યુ સમાન જુસ્સા સાથે લડનારી કેવળ ચાર હજાર ભારતીય સૈનિકોની એક બ્રિગેડને પરાજિત કરી શકાય નહીં. ભારતીય બ્રિગેડ પર અનેક વાર હુમલા કરવા છતાં યાહ્યા ખાનની સેના આપણા સૈનિકોને  અખનૂર વિસ્તારમાંથી હઠાવી શકી નહીં. Defensive Warની બહાદુરી ભરેલા આ યુદ઼્ધ ગાથાને પાકિસ્તાનની સેનાએ પણ બિરદાવી. (આ યુદ્ધ વિશે પાકિસ્તાનની સેનાના નિવૃત્ત અફસર મેજર હૂમાયૂઁ આગા અમિને વિસ્તારથી વર્ણન કર્યું છે.) 

    કાશ્મિર પર કબજો કરવાનું  અયૂભ ખાનનું સ્વપ્ન પૂરૂં ન થયું.

***

    ૧૯૬૫ની લડાઇમાં વિશ્વ સામે બે વાતો છતી થઇ. પ્રથમ : ૧૯૪૮ની જેમ ૧૯૬૫માં પણ હુમલો કરનાર દેશ પાકિસ્તાન હતો. બીજી વાત : આધુનિક-તમ શસ્ત્ર સામગ્રીથી સજ્જ પાકિસ્તાનની સેના સામે બીજા વિશ્વયુદ્ધના સમયના શસ્ત્ર-સામગ્રીથી લડી રહેલ ભારતીય સેના વિજયી એટલા માટે નિવડી કે આપણા સૈનિકોનું મનોબળ, તેમને મળેલ ટ્રેનિંગ અને તેમને નેતૃત્વ પૂરૂં પાડનાર અફસરોની સ્વાર્પણ, બલિદાન અને તેમના કમાંડ હેઠળના સૈનિકો પ્રત્યેની નિષ્ઠા અપ્રતિમ હતા. આનો અર્થ એ નથી કે પાકિસ્તાની સેના કંઇ ઓછી બહાદુર હતી. અંતિમ વિશ્લેષણમાં તો શ્રેષ્ઠતા તો એની જ ગણાય કે જેના શૌર્યમાં માનવતા અને વિજયમાં અહંકાર-વિહિનતા હોય. ભારતીય સેનાએ દરેક યુદ્ધમાં આ મૂલ્યો જાળવી રાખ્યા છે અને ઇતિહાસ તેનો સાક્ષી છે.

    યુદ્ધ પૂરૂં થતાં જિપ્સીના મનની વાત કરીએ તો તેના મનમાં એક સમાધાનની લાગણી હતી. જે ધ્યેય અને ધગશથી તે સેનામાં જોડાયો હતો, તે સિદ્ધ થયાનો સંતોષ હતો.

***

    શાંતિનો સમય : 

    ૧૯૬૫થી ૧૯૬૮ દરમિયાન જિપ્સીના અંગત જીવનમાં એક સુખદ અને એક દુ:ખદ એવા બે ચિરસ્મરણીય પ્રસંગો બની ગયા. પહેલો પ્રસંગ ૧૯૬૫માં જ તેના પરિવારમાં એક બાલિકાનો જન્મ થયો. ખાસ કરીને જિપ્સીનાં માતાનો આનંદ તો ગગન સુધી વ્યાપી ગયો! અલબત્ જિપ્સી અને તેનાં પત્નીની ખુશી તો અપરિમિત બની રહી. હજી સુધી!

    એક સામાન્ય સૈનિકને તેની ભાષામાં અલંકાર લાવવો શક્ય નથી. સાદી ભાષામાં કહીએ તો પૂર્ણિમા બાદ તેના જીવનમાં અમાસ આવી તે ૧૯૬૮ની સાલમાં. અમાસ પણ એવી અને એટલી લાંબી કે સમસ્ત અમાવાસ્યાની કદી પૂરી ન થનારી રાતમાં તારા પણ લુપ્ત થઇ ગયા હતા. પરોઢ થશે કે કેમ તે પણ શંકાસ્પદ હતું. તે વર્ષના મે માસમાં જિપ્સીનાં માતા અવસાન પામ્યાં. આ જાણે ઓછું હોય, તેનો ભારતીય સેનાનો સેવાકાળ પણ સમાપ્ત થયો હતો. 

    કહેવાય છે કે માણસે તેની અંગત વ્યથા એકલા પંડે જ ભોગવવી સારી; લોકો ભલે કહે કે આનંદ વહેંચવાથી બમણો થાય છે અને દુ:ખ વહેંચવાથી તે અર્ધું થાય છે. આ બધા વ્યર્થ, માણસના મનને ભોળવવાના શબ્દો છે. Cliché  કહો કે platitudes ; તેથી વધુ કંઇ હોતું નથી. આનો ખુલાસો કરવાની પણ જરૂર નથી કેમ કે તેની સત્યતા આપણે સૌએ અનુભવી છે. સૌ જાણે છે કે આજના કાળમાં કોઇને અન્ય વ્યક્તિઓના આનંદમાં કે દુ:ખમાં ભાગિદાર થવાનો સમય નથી. દરેક પોતપોતાની વ્યથા, ચિંતામાં એટલા અટવાયેલા હોય છે. તેથી આનંદ અને શોકની સ્થિતિ વ્યક્તિગત હોય છે, અને લોકો તેમને તેનું નિરાકરણ કરવા એકાંત અને સમય આપતા હોય છે. પશ્ચિમના દેશોમાં ઉદ્ભવેલી Individualismની વિચારસરણીએ આપણી જુની communalism (અહીં તેનો અર્થ જાતિવાદ કે ધાર્મિક જૂથબાજી નહીં, પણ community spiritની) ભાવનાનું સ્થાન લીધું છે, તેથી તેની અહીં ચર્ચા કે વર્ણન ન કરતાં આગળ વધીશું. 

    જિપ્સીની અંગત વાત કરીએ તો માતાજીના અવસાનથી તેના જીવનમાં જે શૂન્યતા જન્મી તે કાયમ માટે રહી

    માતાના અવસાનના ફક્ત બે માસ બાદ તેના જીવનમાં ત્રીજો ફેરફાર આવ્યો.

    જીવન વિમા કૉર્પોરેશનમાં પાછા જવાને બદલે તેણે ભારતીય સીમા સુરક્ષા દળ - બૉર્ડર સિક્યૉરિટી ફોર્સમાં કંપની કમાંડરની નીમણૂંકનો સ્વીકાર કરવાનું નક્કી કર્યું. 

    આની પાછળ વિધીનાં કોઇ લખાણ હતાં કે કેમ, તે તેને તે વખતે ન સમજાયું.

***

   

3 comments:

  1. ' Defensive Warની બહાદુરી ભરેલા આ યુદ઼્ધ ગાથાને પાકિસ્તાનની સેનાએ પણ બિરદાવી. (આ યુદ્ધ વિશે પાકિસ્તાનની સેનાના નિવૃત્ત અફસર મેજર હૂમાયૂઁ આગા અમિને વિસ્તારથી વર્ણન કર્યું છે.)'જ્યારે દુશ્મન પણ વખાણ કરે ત્યારે ધન્ય ધન્ય લાગે
    'જિપ્સીના મનની વાત કરીએ તો તેના મનમાં એક સમાધાનની લાગણી હતી. જે ધ્યેય અને ધગશથી તે સેનામાં જોડાયો હતો, તે સિદ્ધ થયાનો સંતોષ હતો.'મોટામા મોટી વાત છે
    માતા અવસાન દુઃખદ છે પણ મૃત્યુ ટાણે દેશ અને દીકરાની સિધ્ધીથી ધન્યતા અનુભવી તે સંતોષની વાત
    ' આની પાછળ વિધીનાં કોઇ લખાણ હતાં કે કેમ, તે તેને તે વખતે ન સમજાયું' વાતની રાહ

    ReplyDelete
  2. 'ખરો વિજેતા એ છે કે જેના શૌર્યમાં માનવતા અને વિજયમાં અહંકારહીનતા હોય.' આ વાક્ય તો માત્ર સૈનિકોને કે ખેલાડીઓને જ નહીં, કોઈ પણ ક્ષેત્રના સ્પર્ધકને લાગુ પડે છે.
    એ આજદિન સુધી જાળવી રાખનાર ભારતીય સેનાના દરેક સભ્યને અને એમના પતિનિધિ એવા આપને દિલથી સલામ. કાશ, નિમ્નતમ સ્તરે ઉતરી ગયેલા રાજકારણીઓ પણ આવું સમજતા હોત!

    ReplyDelete