Saturday, July 30, 2011

સોશિયલ વર્કરની નોંધપોથીમાંથી: પહેલો સેમીનાર


Stereotype - બીબામાં ઢળાયેલા પૂર્વગ્રહનો સામનો


બ્રિટનમાં (અને અમેરિકામાં) વસતા મોટા ભાગના લોકોમાં વર્ણ, વંશ, વર્ગ અને જાતિ વિશે પ્રવર્તતા ખ્યાલથી જીપ્સી અજાણ્યો નહોતો. માણસના વિચારો પર પર્યાવરણ, શિક્ષણ તથા તેના peer groupના દબાણની ઘણી અસર પડે છે તે સહુ કોઇ જાણે છે. આવા દબાણોને કારણે એક વર્ગ, જાતિ કે વંશીય ઉચ્ચતાનો આભાસ ધરાવતા લોકો એક બીજાને ઉતરતા ગણી તેમના માટે દ્વેષપૂર્ણ અને કટુતાભર્યા શબ્દ વાપરતા હોય છે. બ્રિટનમાં વર્ણદ્વેષી શબ્દોનો ઉપયોગ કરવામાં એકલા અંગ્રેજોનો ઇજારો નથી. જેમ બધા એશીયનો (ભારત, પાકિસ્તાન. બાંગ્લાદેશી અને શ્રીલંકાવાસી) માટે તેમણે એક વિશાળ લેબલ ‘પાકી' અથવા 'પૅકી’ શબ્દ શોધ્યો અને શરૂઆતમાં પાકિસ્તાનથી આવેલા લોકો માટે વાપર્યો અને સમય જતાં સમગ્ર ભારતીય ઉપખંડના લોકો માટે વાપરવાની શરૂઆત કરી. આવી જ રીતે તેમણે અાફ્રીકન મૂળના તથા જ્યુઇશ લોકો માટે પણ શોધી કાઢ્યા હતા. વળી આખા જગતમાં સંસ્કાર-સંસ્કૃતી, નૈતિકતાના મૂલ્યોનો ઇજારો કેવળ ભારતીયો પાસે જ છે એવા અહંકારયુક્ત આભાસમાં આપણે રાચતા રહીએ છીએ એવો આક્ષેપ તેઓ આપણા માટે કરતા હતા. જો કે આ આરોપ આંશીક રીતે સાચો છે એવું જીપ્સીના જોવામાં આવ્યું છે! જ્યાં વર્ણદ્વેષી શબ્દોનો ઉપયોગ કરવાની વાત આવે છે, ત્યાં આપણા લોકો પણ જાય તેવા નથી. ગોરાઓ પ્રત્યે આપણામાંના ઘણા લોકોનાં મનનાં ઊંડાણમાં ભલે ગુલામીની કે હીનતાની ગ્રંથિ હોય, પણ તેમને અંદરોઅંદર અસંસ્કારી ‘ધોળીયા’ (અને ભણેલા લોકો તેમને riff raff) કહી સંતોષ માની લેતા હોય છે. જ્યાં આફ્રીકન લોકોનો સવાલ આવે છે, ત્યાં તેમને ‘કાળીયા’ કે તેથી પણ વધુ હલકા શબ્દોથી નવાજમાં આવતા હતા. આ stereotypesનો અભ્યાસ Race & Cultureના ખાસ વિભાગમાં કરવામાં આવ્યો. આ સંબંધે થતી ચર્ચામાં ભારતની વર્ણ અને જાતિ પ્રથા તથા પશ્ચિમની વર્ગ વ્યવસ્થા આવરી લેવાઇ. તેમાંની કેટલીક મહત્વની વાતો અભ્યાસ દરમિયાન જાણવા મળી.
આપણી વર્ણ વ્વવસ્થાની ચર્ચામાં પશ્ચિમના અને ખાસ કરીને ભારતના સામ્યવાદી ઇતિહાસકારોએ વર્ણાશ્રમ પદ્ધતિના મૂળ અંગે ઋગ્વેદના પુરુષ સુક્તનો ઉલ્લેખ કરી તેમાંની એક વાત પર ખાસ ભાર આપ્યો: બ્રાહ્મણોએ પોતાનું વર્ચસ્વ સ્થાપવા એવું કહ્યું કે તેમની પોતાની ઉત્પત્તિ બ્રહ્માના મુખમાંથી, ક્ષત્રીયોની ભુજામાંથી, વૈશ્યોની જંઘામાંથી અને શુદ્રોની બ્રહ્માના પગમાંથી થઇ. આ સામાન્ય અર્થઘટન એટલી વાર કહેવામાં આવ્યું કે તે ઘસાયેલી રેકર્ડની જેમ એક જગ્યાએ અટકાઇ ગયું. એ જ રીતે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની બાબતમાં, ખાસ કરીને મહેશ માટે પશ્ચીમમાં (અને ભારતમાં સુદ્ધાં) Shiva the Destroyerનું નિરૂપણ પ્રચલિત થઇ ગયું.
આ બાબતમાં જીપ્સીએ કરેલા ઘનીષ્ઠ સંશોધન દરમિયાન મળેલું ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણને આપેલ વિવરણ ઓછી પ્રસિદ્ધી પામ્યું હોવા છતાં જીપ્સીની જેમ આપ સૌને બુદ્ધિગ્રાહ્ય લાગશે.
પુરૂષ સુક્તમાં માનવસમાજને વિરાટ સમાજપુરુષની ઉપમા આપવામાં આવી છે. આ વિરાટ સમાજપુરૂષ’ના મુખમાંથી વેદવાણી કહેવાની, બાહુમાં સમાજનું સંરક્ષણ કરવાની, સાથળમાં સ્થિર રહેવાની ક્ષમતા તથા પગમાં સમાજની પુષ્ટિ અને આરોગ્ય માટે વિચરણ કરવાની શક્તિ છે. આમ સમાજપુરૂષના અંગના ભાગ એકબીજા વગર જીવીત રહી ન શકે.
વેદકાલીન વર્ણાશ્રમ પદ્ધતિમાં ચારે વર્ણોમાં social mobility હતી: કોઇ પણ વર્ણનો માનવી તેની આવડત, શોખ અને તેમાં મેળવેલી પ્રવીણતા અનુસાર કોઇ એક વર્ણમાંથી બીજા વર્ણમાં જઇ શકતો. આ વિધાન માટે ગ્રંથ સંદર્ભ (ગ્રંથ, પ્રકરણ, શ્લોકની કડી સહિત) ઉપલબ્ધ છે, પરંતુ બ્લૉગની સીમા જોતાં તે અહીં આપવામાં આવ્યા નથી.
એ જ રીતે પરમાત્માનું સ્વરૂપ એક છે. તે તત્વ જ્યારે નિર્માણનું કાર્ય કરે છે, તેને બ્રહ્મા તરીકે ઓળખાયું, સંવર્ધન અને નિભાવનું કાર્ય કરે છે ત્યારે વિષ્ણુ અને જ્યારે તેમણે નિર્મેલ જીવંત સૃષ્ટી - જીવ, જંતુ, વૃક્ષ જર્જરીત થતાં તેનો લય-વિલય કરવામાં તે જ તત્વ સહાયતા કરે છે તથા તેનું શિવ એટલે પરમ તત્વમાં રૂપાંતર કરનાર શક્તિને શંકર/રૂદ્ર કહેવાઇ. રાધાકૃષ્ણન્ આ ત્રિમૂર્તિ (Trinity)ને ‘The Creator, Sustainer and Judgment’ કહે છે. આનું સમાંતર ઉદાહરણ સ્ત્રી છે. વ્યક્તિ એક છે, પુત્રી, બહેન, પત્નિ અને માતા આ તેનાં સ્વરૂપ છે. જીપ્સીએ તેના સેમિનારમાં આ વિચાર રજુ કર્યો ત્યારે તેના પર ઘણી ચર્ચા થઇ, પ્રશ્નો પૂછાયા અને ખાસ કરીને Shiva the Destroyerની સમજુતિથી મોટા ભાગના સહાધ્યાયીઓના વિચારને નવું પરિમાણ મળ્યું એવું તેમણે લેખિત feedbackમાં કહ્યું.

આવી જ રીતે માનવની બુદ્ધિમતા, આવડત અને આભને આંબવાની શકતિ તે ક્યા વર્ણમાં જન્મ લે છે, એટલે biological origin સાથે સંબંધ નથી. આફ્રિકાના લોકોને શ્વેતવર્ણીય લોકો તો ઠીક, આપણા ભારતીયોએ પણ જંગલી, અસંસ્કૃત ગણ્યા. જ્યારે ઇતિહાસ અને આજનો કાળ સાહેદી પૂરે છે કે ઇજીપ્તની સંસ્કૃતી ભારતની સપ્તસિંધુની સંસ્કૃતી કરતાં વધુ પુરાણી નહિ તો તેની સમકાલિન તો જરૂર છે. જ્યારે આ સંસ્કૃતી મધ્યાહ્ને પહોંચી હતી, યુરોપમાં hunter-gatherersની ટોળીઓ વિચરતી હતી. ભગવદ્ગીતામાં ભગવાને 'વાસાંસિ જીર્ણાની'ના તત્વજ્ઞાનમાં અવિનાશી આત્મા જીર્ણ શરીર છોડીને નવા શરીરમાં પ્રવેશ કરવા વિશેનું સત્ય કહ્યું, ત્યારે તેમણે કોઇ ભેદ નહોતા પાડ્યા કે એક ભારતીયનો આત્મા કેવળ બીજા ભારતીય શરીરમાં જ પ્રવેશે! એ તો ગમે તે શરીર ધારણ કરી શકે છે, શ્વેત, અશ્વેત, વર્ણ કશાનો ભેદ રાખ્યા વગર. તેથી કોઇને તેના વર્ણ પરથી અપમાન કરવું, ઘૃણા કરવી પરમાત્માના વિધાનનું અપમાન કે અવહેલના કરવા સમાન છે, એ વાત નજરમાં આવ્યા વગર ન રહે.
કૉલેજના પ્રથમ વર્ષમાં થયેલી આવી ચર્ચાઓએ સોશિયલ વર્કર્સના માનસ અને વિચારસરણી પર ઘેરી અસર કરી. કદાચ આ કારણે જ બ્રિટનમાં સોશિયલ વર્કર્સમાં સંવેદનશીલતા અને અન્ય નાગરિકો પ્રત્યે આદરની ભાવના જોવા મળી. દરેક નિયમમાં અપવાદ હોય છે તેમ કેટલાક સોશિયલ વર્કર્સમાં તેમનો ઉંડો પૂર્વગ્રહ જઇ ન શક્યો. જો કે આવા ક્વચિત ઉદાહરણ જોવા મળ્યા.
હવે પછીના અંકમાં ‘પ્લેસમેન્ટ’ કે ઇન્ટર્નશીપના અનુભવ રજુ કરવાનો પ્રયત્ન થશે.

5 comments:

  1. આદરણીય કેપ્ટ. નરેન,
    આ લખાણ ની વાત વાંચી ને આપના માટે આદરમાં વધારો થયો..
    કારણ ઉગતી ઉંમરે આપે આ વિચરો તારવ્યા હશે અને તેને જીવવાનો નમ્ર પ્રયત્ન આદર્યો હશે/છે તે તાદ્રશ થાય છે..
    એકજ બ્રહ્મ/ચેતના માટે સ્ત્રી ના જુદી જુદી અવસ્થા ના જુદા જુદા નામ નું ઉદાહરણ આપી જે ખુલાશો કર્યો તે હમેશા યાદ રહેશે..
    અને "एकं सत्य विप्राः बहुधा वदन्ति" ને માટે એક જુદું ઉદાહરણ સાંપડ્યું /આનંદ માં વધારો થયો..
    હવે પછી ની વાત વાંચવા ની ઉત્સુકતા રહેશે..

    ReplyDelete
  2. like your blogs regular read old articals completely read...like it..
    may be visit at london with family in 2012-feb- to- july for family function ,

    ReplyDelete
  3. @ શૈલેષભાઇ:
    આપના સુંદર પ્રતિભાવ માટે હૃદયપૂર્વક આભાર. "મનુષ્ય યત્ન, ઇશ્વરકૃપા" સિવાય બીજું શું કહું!

    @ પટેલ સાહેબ
    Thank you for your support and taking time to write a comment! I currently live in the West Coast of the US. I may visit my family in London next summer. If that happens, it will be my pleasure to meet you!

    ReplyDelete
  4. કૉલેજના પ્રથમ વર્ષમાં થયેલી આવી ચર્ચાઓએ સોશિયલ વર્કર્સના માનસ અને વિચારસરણી પર ઘેરી અસર કરી. કદાચ આ કારણે જ બ્રિટનમાં સોશિયલ વર્કર્સમાં સંવેદનશીલતા અને અન્ય નાગરિકો પ્રત્યે આદરની ભાવના જોવા મળી. દરેક નિયમમાં અપવાદ હોય છે તેમ કેટલાક સોશિયલ વર્કર્સમાં તેમનો ઉંડો પૂર્વગ્રહ જઇ ન શક્યો. જો કે આવા ક્વચિત ઉદાહરણ જોવા મળ્યા.
    Narendrabhai,
    This Post delivers the "deeper message" of understandingthe Humanity better !
    DR. CHANDRAVADAN MISTRY
    www.chandrapukar.wordpress.com
    Inviting all to Chandrapukar !

    ReplyDelete
  5. ઇજિપ્ત કરતાં પણ કદાચ વધારે પ્રાચીન સંસ્કૃતિ સુદાન કે સહરાના દક્ષિણ ભાગમાં પણ હતી, એના અવશેષો પણ મળ્યા છે.

    ReplyDelete