Follow by Email

Sunday, July 24, 2011

સોશિયલ વર્કરની ડાયરીમાંથી: 'ઓપન સર્જરી'

આ શસ્ત્રક્રિયાવાળી સર્જરીની વાત નથી! બ્રિટનમાં સર્જરી શબ્દ બે સંદર્ભમાં વપરાય છે. ‘ડૉક્ટર્સ સર્જરી’ એટલે અમેરીકામાં જેને ડૉક્ટર્સ અૉફીસ કહે છે તે; બીજી મેમ્બર અૉફ પાર્લમેન્ટ દ્વારા યોજાતી તેમના મતદાતાના ઇમીગ્રેશન જેવા અંગત પ્રશ્નોનો હલ લાવવા તેની સાથે ખાનગી (one-on-one) મીટીંગ. ઘણી વાર એમ.પી.ની ‘ઓપન સર્જરી’ એટલે નિયત સમયમાં અૅપોઇન્ટમેન્ટ વગર આવનારા લોકો માટે વહેલો તે પહેલોના આધારે યોજાય. આવી ‘સર્જરી’ને બહોળા અર્થમાં વાપરી સોશિયલ વર્કર દ્વારા યોજાતી વિકલાંગ વ્યક્તિઓના એસએસમેન્ટ કે બસ પાસ માટેની વિનંતિઓ સ્વીકારવા માટેના સત્રને ‘સર્જરી’ તરીકે ઓળખાવા લાગી.
અમારી ટીમમાં દર મંગળવારે ટીમ મિટીંગ થતી. એક મિટીંગમાં લિઝ વેબે જીપ્સીને કહ્યું, “તમારો વેલ્ફેર બેનીફીટ અંગેનો બહોળો અનુભવ જોતાં તમે આપણા એરીયામાં રહેનારા એશીયનો માટે અઠવાડીયામાં એક સવારે વેલ્ફેર બેનીફીટની સર્જરી શરૂ કરો તો કેવું? મારી જાણમાં આવ્યું છે કે સિટીઝન્સ અૅડવાઇઝ બ્યુરોમાં એશિયન ભાષામાં વાત કરનાર કાર્યકરો નથી તેથી આપણા વિસ્તારમાં રહેનારા એશિયનોને આ બાબતમાં ઘણી હાલાકી ભોગવવી પડે છે. તમે ઓપન સર્જરી રાખો. આવનાર માણસો રિસેપ્શનીસ્ટને રિપોર્ટ કરે એટલે તે તેમનાં નામ નોંધી એક પછી એક ક્લાયન્ટને તમારી પાસે મોકલશે. તમારો કેસલોડ ભારે છે તે જોતાં આ તમે કરી શકો કે નહિ તેનો વિચાર કરીને મને જણાવજો.”
જીપ્સીએ તરત અનુમતી આપી. રીસેપ્શન હૉલના નોટીસ બોર્ડ પર ગુજરાતી, હિંદી અને ઉર્દુમાં આની જાહેરાત કરી. પહેલા અઠવાડીયાથી જ લોકોએ આવવાની શરૂઆત કરી. મોટા ભાગના ક્લાયન્ટ્સ તેમને કાઉન્સીલ તરફથી આવેલા પત્રો વંચાવવા, તેના જવાબ લખાવવા અને બેનીફીટ્સના ફૉર્મ ભરાવવા આવતા હતા. જેટલી રસપ્રદ વ્યક્તિઓ આવી તેમની વાત અહીં જણાવીશ.
*
‘ડિસેબિલીટી’..
સર્જરીમાં આવેલા કલાબહેનના કહેવા પ્રમાણે તેમને ડીસેબિલિટી હતી. તેમનું નામ વિકલાંગ રજીસ્ટરમાં નોંધી તેમને મફત બસ અને અંડરગ્રાઉન્ડનો પાસ અપાવો તેવી વિનંતિ કરી.
જીપ્સીએ તેમને જણાવ્યું કે આ રજીસ્ટરમાં નોંધણી કરવા માટે કેટલીક શરતો હોય છે, જેમાંની એક છે વ્યક્તિમાં એવી વિકલાંગતા હોવી જોઇએ કે તે મદદ વગર ૧૦૦ ગજ કરતાં વધુ ચાલી ન શકે. આ બાબતનું સર્ટિફિકેટ ડૉક્ટર પાસેથી લાવે તો તેમને મદદ કરી શકાય. ડિસેબિલીટીની નોંધણી જુદું સેક્શન કરે છે, પણ તેઓ ડૉક્ટર પાસેથી સર્ટિફીકેટ લાવી આપે તો જીપ્સી તેમને જરૂર મદદ કરી શકશે.
“મારા ભાઇ, રહેવા દ્યોને આ બધી માથાકૂટ! આપણા માણસ થઇને આટલું ન કરી શકો? તમે જ લખી આપો ને કે હું ચાલી શકતી નથી!”
“કલાબેન, હું તો તમને કેવળ સલાહ આપીને તમારૂં કામ સહેલું કરી આપું. બાકી નોંધણીનું કામ ડિસેબિલીટી સેક્શન કરે. તમારી અરજી હું તેમને મોકલી આપીશ, અને તેઓ તેને નોંધી લેશે. પૂરતી તપાસ કર્યા બાદ તે નામંજુર થાય તો ફરીથી અરજી કરવાથી તેઓ વધુ તપાસ કરશે કે તમારી શારીરિક સ્થિતિમાં નોંધપાત્ર સારો કે ખરાબ ફેરફાર થયો છે કેમ. ફ્રી બસ-ટ્યુબ પાસ માટે કાઉન્સીલ લંડન ટ્રાન્સ્પોર્ટને દર વર્ષે વ્યક્તિ દીઠ સારી એવી રકમ આપે છે તેથી અહીં થોડી વધુ ચકાસણી થાય છે.”
“એમ, તો પછી તમારા રજીસ્ટરમાં મારૂં નામ ન લખતા. આગળ જતાં મને ક્યાંક ઉપાધિમાં ન પડવું પડે. હું જઉં છું,” કહી ઉતાવળથી જતા રહ્યા.
*
લાકડી...
કલાબેન બાદ એક કાકા આવ્યા. ડીઝાઇનર શર્ટ, ટાય, ટાય-પિનમાં સજ્જ.
“મને સૂ થૉર્નટને સ્પેશીયલ અૅલ્યુમિનિયમની લાકડી આપી હતી તે ખોવાઇ ગઇ છે. મને બીજી લાકડી અપાવો ને! આમ તો હું તેને સીધો ફોન કરૂં તો એ બિચારી મોકલી આપે છે. આ તો અહીંથી નીકળ્યો હતો તે થયું તમારા થકી રિક્વેસ્ટ મોકલી આપું.”
જીપ્સીએ તરત સૂને ફોન લગાડ્યો અને આ બાબતમાં પૂછ્યું. “હા, લાકડી છે. હું મારી આસીસ્ટંટને મોકલું છું. તમારા ક્લાયન્ટનું નામ શું છે? તેમનું નામ અમારા રજીસ્ટરમાં લખવું પડશે.”
જીપ્સીએ નામ કહ્યું તે સાંભળી સૂ ખડખડાટ હસવા લાગી. “The famous Mr. Narshi! ત્રણ મહિનામાં આ તેમના માટે અગિયારમી cane છે! બિચારા ભુલકણા છે. બસમાં નહિ તો ટ્રેનમાં, ક્યાંક ને ક્યાંક ભુલી આવે છે. ચિંતા ન કરશો, હું હમણાં જ બીજી કેન મોકલું છું.”
જીપ્સીએ શ્રી. કાનજી પાસે પૃચ્છા કરી. લાકડી વગર એક પગલું પણ ચાલી ન શકે તે માણસ બસમાં લાકડી ભુલી જાય, તે પણ દસ વાર, તે જરા મગજમાં ઉતર્યું નહિ.
“અરે જાવા દ્યો ને, બાના! આ તો ખાનામાં અમારા ભાઇબંધ હાટુ લઇ જઇએ છીએ. વેસ્ટમિન્સ્ટર બરો કાઉન્સીલના O.T. વાયડા છે. ડીસેબીલીટીના રૂલમાં ન બેસે તેમને તેઓ લાકડી નથી આપતા. આ તો આપણે ધરમનું અને ભલાઇનું કામ કરીએ છીએ!”
*

Word of Mouth Marketing અથવા buzz ને માર્કેટીંગની દુનિયામાં નાનકડું પણ અણમોલ સ્થાન છે. અમારી સર્જરીમાં દૂર દૂરથી લોકો આવવા લાગ્યા. તેમાંના એક હતા મહેશભાઇ. કંપનીના કામ માટે છેલ્લા કેટલાક વર્ષથી તેઓ નૈરોબીથી લંડન વર્ષે-બે વર્ષે આવતા હતા. આ વખતે કોણ જાણે કોણે તેમને અમારી બુધવારની ‘સર્જરી’ની વાત કરી, અને તેઓ જીપ્સી પાસે આવ્યા.
તેમની વાત કંઇક આવી હતી:
મહેશભાઇના સદ્ગત પિતાશ્રી દાયકાઓથી કેન્યામાં વસી ગયા હતા. તેમનો સારો એવો વ્યાપાર હતો. એક દિવસ અચાનક તેમનું અવસાન થયું. તેમણે વીલમાં ખેડા જીલ્લામાંની મોંઘી જમીનો તથા કેન્યામાંની મોટા ભાગની મિલ્કત મહેશના નામે કરી. તેના મોટા ભાઇને સાવ ઓછો ભાગ આપ્યો. મહેશના નામે બાપુજી એક પત્ર છોડી ગયા હતા: ‘બાનું ધ્યાન રાખજે.’
પિતાના મૃત્યુ વખતે મહેશ ભારત હતો. પિતાની મિલ્કતમાંથી ‘બેદખલ’ થવાથી મોટાભાઇ ગુસ્સે થયા. પરીક્ષાઓ પતાવી તે નૈરોબી આવે તે પહેલાં મોટાભાઇ બાને લઇ લંડન જતા રહ્યા.
“હું નૈરોબીથી આવું છું. મારાં બા અહીં તમારા બરોમાં મારા મોટાભાઇ સાથે રહે છે. મોટાભાઇ મારા પર ગુસ્સે થયા છે અને છેલ્લા સાત વર્ષથી તેઓ મને મારાં બા સાથે મળવા દેતા નથી. મારી કંપનીના કામે હું અહીં દર દોઢ-બે વર્ષે એક વાર અહીં આવું છું. મારે ફક્ત એક વાર મળીને જોઇ લેવા છે. બાને મળવામાં તમે મારી મદદ ન કરી શકો? તે સાવ ઘરડા થઇ ગયા છે. આ વખતે તેમને ન મળી શકું તો....” કહેતાં તે ઘણા ભાવવિવશ થઇ ગયા.
તેમની પાસે મોટાભાઇનો ટેલીફોન નંબર હતો તે લઇ જીપ્સીએ તેમને ફોન કર્યો તો તેમણે પ્રામાણીકતાથી કહ્યું કે તેમના નાનાભાઇની વાત સાચી છે. તેમનો મિલકત અંગે નાનાભાઇ સાથે ઝઘડો છે અને તેની સાથે સ્નાનસૂતકનો સંબંધ નથી. ‘તમે સોશિયલ વર્કર છો તેથી હું તમને એટલું કહી શકું કે બા હવે મારી સાથે નથી રહેતા. તેમને કાઉન્સીલે ફ્લૅટ આપ્યો છે તેથી તે સ્વતંત્ર છે. મહેશને મળવું હોય તો તે અૅડ્રેસ ખોળી લે અને બાને મળી લે. બાકી બાનું સરનામું હું કોઇને આપવા બંધાયો નથી.”
જીપ્સીએ તેમને કહ્યું, “જો એવું જ હોય તો અમે પોલીસ તથા અમારા એલ્ડર્સ ડીપાર્ટમેન્ટ થકી તપાસ કરાવીશું, કારણ કે ૮૦ વર્ષનાં વૃદ્ધા એકલાં રહે અને તેમને કંઇ થઇ જાય તો અમારી, એટલે સોશિયલ સર્વિસીઝની જવાબદારી બને.”
આવો એક કેસ અમારે ત્યાં થયો હતો. એકલા રહેનારા એક અંગ્રેજ વૃદ્ધ ગૃહસ્થ અવસાન પામ્યા હતા અને તેમનું મૃત શરીર પંદર દિવસ સુધી તેમના એક બેડરૂમના ફ્લૅટમાં પડી રહ્યું હતું. છાપાંઓમાં તે કાઉન્સીલની ઘણી ઝાટકણી થઇ હતી. ત્યારથી અમારે ત્યાં ખાસ ‘સેલ’ની રચના થઇ હતી. તેના કર્મચારીઓ એકલા રહેનારા ૬૫ વર્ષ ઉપરની ઉમરના નાગરિકો સાથે દર અઠવાડીયે ટેલીફોનથી સંપર્ક સાધતા અને મહિનામાં એક વાર અંગત મુલાકાત લેતા.
જીપ્સીની વાત સાંભળી મોટાભાઇ ચોંકી ગયા પણ ઉત્તેજીત સ્વરે કહ્યું, ‘તમારે જે કરવું હોય તે કરજો,’ કહી તેમણે ફોન મૂક્યો.
મહેશભાઇને બીજા દિવસની વહેલી ફ્લાઇટથી પાછા કેન્યા જવાનું હતું. નિરાશ હૃદયે તેઓ જતા રહ્યા.
કામ પર પહોંચ્યો કે તેમના મોટાભાઇનો ફોન આવ્યો. જીપ્સીને તેમણે એક સરનામું આપ્યું અને કહ્યું તેમને ત્યાં જઇને મળવું. આ તેમની બાનો ફ્લૅટ હતો. તેઓ બહાર ઉભા જીપ્સીની રાહ જોઇ રહ્યા હતા. તેમણે તાળું ખોલ્યું અને અમે અંદર ગયા. બા પાસે જીપ્સીને મૂકી થોડા સમય માટે બહાર ગયા. “તમારે જે પૂછવું હોય તે પૂછી લો.”
બાએ પણ એ જ વાત કહી. “બે ભાઇઓ વચ્ચેના ઝઘડામાં પડીને હું શું કરૂં? મને પણ બહુ થાય છે કે મહેશને મળું, પણ મોટાને નારાજ કેમ કરાય? મારૂં છેલ્લું કારજ તો મોટાએ જ કરવાનું છે ને! હું અહીં ઠીક છું. મોટો રોજ અટાણે આવે છે, કાઉન્સીલમાંથી જમવાનું આવશે એટલે મને જમાડીને એ જતો રહેશે તે ઠેઠ કાલે આવશે. હું અહીં ભગવાનનું નામ લઇને બેસી રહું છું.”
“તમે તેમની સાથે કેમ નથી રહેતા?”
“એની બૈરીને હું નથી ગમતી. તેને એવું લાગે છે કે મહેશના બાપુજીને મેં ચઢાવ્યા હતા જેથી કરીને તેમણે નડીયાદની જમીન મોટાને આપવાને બદલે મહેશને આપી. મને શું? મને તો મારો બેનીફીટ મળે છે તે મોટાને આપી દઉં છું. તેમાંથી એ મારો બધો ખરચો કરે છે, ગૅસ, વિજળી, પાણી, જમવાનું - બધું જ. ભાડું કાઉન્સીલ આપે છે. મને કશી તકલીફ નથી.”
એટલામાં મોટાભાઇ આવ્યા. “મીલ્સ અૉન વ્હીલ્સ વાળા આવી ગયા. હવે બાને જમાડીને હું જઇશ તે કાલે આવીશ.”
“તમે મહેશને એક વાર તો મળવા દેવો જોઇતો હતો.”
“ના, મારો હક્ક છીનવી લેવાની તેને મેં આ રીતે સજા આપી છે. આખી જીંદગી એ પસ્તાવામાં કાઢશે.”
મોટાભાઇને એ ખ્યાલ ન આવ્યો કે નાનાભાઇને માનસીક માર આપવા માટે તેઓ બાનો લાકડી તરીકે ઉપયોગ કરી રહ્યા હતા. જીપ્સીના સોશીયલ વર્કના અનુભવમાં આ એક માત્ર પ્રસંગ નહોતો.
આવા કેટલાક પ્રસંગોને વણી લઇને તેણે એકાંકી નાટક લખ્યું: “હાથીનું કબ્રસ્તાન”. કોઇક વાર અહીં પ્રકાશીત કરશે.