Follow by Email

Sunday, July 17, 2011

સોશિયલ વર્કરની નોંધપોથીમાંથી: મિસેસ ચોકસી

સોશિયલ વર્કરની નોંધપોથીમાં અપાતી કેસવર્ક સ્ટડીઝમાં જગતના બધા સોશિયલ વર્કર્સ વતી જીપ્સીને એક વાત કહેવી છે.
જગતમાં માનવીને કોઇ પણ વ્યવસાય કરવો હોય તે માટે તેને કેળવણી લેવી પડે છે. પછી ખેતીકામ કરનાર ખેડૂત હોય કે શસ્ત્રક્રિયા કરનાર સર્જન, સહુને પોતપોતાના અંતરના કોલ પ્રમાણે કામ કરવાની શક્તિ કેળવવી પડે છે અને તેની સાથે જ્ઞાન મેળવવું પડે છે. કેળવણી પૂરી થતાં તે માનવતામાં શ્રદ્ધા અને તેણે મેળવેલા જ્ઞાનમાં ભક્તિ ઉમેરે તો તેને પૂરા કરેલા કાર્યમાં સંતોષ મળે છે. કદી તેનામાં ‘હું પણું’ કે ઉપકારવૃત્તિ નથી આવતી. હા, કોઇ વાર ઉદ્ગાર જરૂર નીકળી જાય, “આજનું વેતન કમાવ્યાનો મને આનંદ છે.”
આ ભાવનામાંથી સોશિયલ વર્કર્સ બાકાત નથી. તેમને મળતી કેળવણીમાં એક વાત પર ખુબ ભાર આપવામાં આવે છે: multi-disciplinary work. સોશિયલ વર્કર્સ એકલા કશું જ કરી શકતા નથી. તેમને શિક્ષકો, ડૉક્ટર્સ, નર્સ, હાઉસીંગ ખાતાના કાર્યકરો, અૉક્યુપેશનલ થેરાપિસ્ટની મદદ ન મળે તો તેઓ તેમના ક્લાયન્ટને તસુભર પણ મદદ ન કરી શકે. કોઇ પણ વ્યક્તિનું કામ પૂરૂં કરી તે કેસ ‘ક્લોઝ’ કરે, તેમાં તેનો ફાળો કેવળ દસ ટકા હોય છે. બાકીની મહેનત મલ્ટીડીસીપ્લીનરી ટીમની હોય છે. આ વાતનો અહેસાસ જીપ્સી તથા તેના સાથીઓને હંમેશા રહેતો અને હજી રહે છે. આથી વાચકોને વિનંતિ કે ‘નોંધપોથી’માં વર્ણવેલ કામનું સાચું શ્રેય અન્ય કાર્યકરોને જાય છે; જીપ્સી કેવળ નિવેદન - વાત કહેવાનું કામ કરે છે, એટલું યાદ રાખશો.
આજની વાત છે મિસેસ ચોકસીની.
એક દિવસ અમારી ટીમની અૉક્યુપેશનલ થેરપીસ્ટ સૂ થૉર્નટન જીપ્સી પાસે આવી. “હું હમણાં જ એક એશિયન મહિલાની મુલાકાત લઇને આવી છું. તેમને જોઇતી ઇક્વીપમેન્ટ અંગેનું અૅસેસમેન્ટ મેં કર્યું, પણ તેમની અંગત તથા પારિવારીક સ્થિતિ જોતાં મને લાગ્યું કે તેમને નડતી સમસ્યાઓ ઘણી ઊંડી છે. તેમનું રહેઠાણ તેમના રહેવા માટે જરાય યોગ્ય નથી. તમે તેમને મળી આવશો? તમને જે જણાય તેની ચર્ચા કરી મિસેસ ચોકસીને જોઇતી ઇક્વીપમેન્ટ, દાદરો ચઢવા ઉતરવામાં મદદ થાય તે માટે ચૅરલિફ્ટ વગેરે માટેનો અૉર્ડર આપીશું,” કહી તેણે તેમનું નામ અને સરનામું આપ્યું. (રાબેતા મુજબ આ બ્લૉગમાં આપેલા કેસ સ્ટડીઝમાં વર્ણવેલ વ્યક્તિઓ અને સ્થળોનાં નામ બદલવામાં આવ્યા છે.)
સૂ અત્યંત માયાળુ યુવતી હતી. આ અગાઉ તેણે આપણા એક ભાઇ ભુપતભાઇ મેરને મદદ કરી હતી. ભુપતભાઇનો કમરથી નીચેનો ભાગ બાળલકવા-ગ્રસ્ત થઇ ગયો હતો. યુગાંડાથી તેઓ જ્યારે બ્રિટન આવ્યા, જમીન પર બેસી, ઘસડાતા હરી ફરી શકતા. સૂ થૉર્નટને તેમને સૌ પ્રથમ વીલચૅર આપી, તેમને મળેલા કાઉન્સીલના ફ્લૅટમાં તેઓ સ્વતંત્રતાપૂર્વક ટૉઇલેટ, બાથરૂમ વ.નો ઉપયોગ કરી શકે તેની ટ્રેનીંગ અને ઉપકરણો વસાવી આપ્યા. જ્યારે ભુપતભાઇ ૧૮ વર્ષના થયા અને સ્વતંત્ર રહેવાની ઇચ્છા વ્યક્ત કરી, સૂએ હાઉસીંગ ડીપાર્ટમેન્ટની મદદથી તેમના માટે વીલચૅરમાં બેસીને રસોઇ બનાવી શકાય, બાથ ટબમાં જઇ શકાય અને સ્લાઇડીંગ ડોર વાળા બારણાં વાળો ખાસ ફલૅટ બંધાવી આપ્યો હતો. તે વખતે બ્રિટનની આર્થિક હાલત સારી હતી તેથી ધનરાશિ હતી, પણ નવાસવા આવેલા ‘ઇમીગ્રંટ’ માટે હજારો પાઉન્ડના ખર્ચે આવી ખાસ વ્યવસ્થા કરવા માટે સૂ જેવી મહિલાનુ હૃદય જોઇએ. તેના આ અનુભવને કારણે તેણે જીપ્સીને કાંતાબહેનનું રીફરલ આપ્યું હતું.
મિસેસ કાન્તા ચોકસીની અૅપોઇન્ટમેન્ટ લઇ જીપ્સી તેમને મળવા ગયો ત્યારે તેમની સ્થિતિ જોઇ ચકરાઇ ગયો.
તેમનો ફ્લૅટ એક દુકાનની ઉપર હતો. વીસ પગથિયાંનો દાદરો ચઢીને ઉપર ગયો તો પહેલાં જમણી તરફ મેઝેનાઇન ફ્લોર પર ટૉઇલેટ હતું. બીજા સાત સીધાં પગથિયા ચઢ્યા બાદ સામે એક બૉક્સ રૂમ હતી અને ડાબી તરફના હૉલવે અને તેને અડીને લાઉન્જ હતી. હૉલવેની નજીક જઇ મોટેથી ગુજરાતીમાં કહ્યું કે મિસેસ ચોકસીને મળવા સોશિયલ સર્વિસીઝમાંથી એશિયન સોશિયલ વર્કર આવ્યો છે.
બૉક્સરૂમનું બારણું અર્ધું ખુલ્લું હતું. અંદરથી અવાજ આવ્યો, “ભાઇ હું કાંતાબેન, મિસેસ ચોકસી અહીંયા આ રૂમમાં છું. અંદર આવ.”
આ હતી કાંતાબહેનની બેડરૂમ, બૉક્સરૂમ એટલે સાત ફીટ બાય પાંચ ફીટની ઓરડી. લંડનમાં આવા ‘બૉક્સરૂમ’નો ઉપયોગ બાળકના બેડરૂમ તરીકે અથવા ઘરનો ફાલતુ સામાન રાખવા માટે થાય. આ રૂમમાં રાખેલી ટ્વિન બેડમાં મિસેસ ચોકસી બેઠાં હતા. ઘણું ભારે શરીર, ગોરો વાન, કપાળમાં મોટો ચાંદલો, જેને જોઇ લલિતાદેવી શાસ્ત્રીની છબી યાદ આવી. લલિતાદેવી એટલે ભારતના બીજા પ્રધાનમંત્રી સ્વ. લાલબહાદુર શાસ્ત્રીનાં પત્નિ. ઉમર ૬૦ વર્ષથી વધુ. રૂમમાં તેમના પલંગ સિવાય ખુરશી રાખવા જેટલી જગ્યા નહોતી. એક નાનકડું સ્ટુલ બેડ પાસે હતું, જેના પર દવાની શીશીઓ રાખી હતી. એક ખૂણામાં તેમની સુટકેસ પડી હતી. પલંગની પાસે ટેકો આપવા માટે તેમની લાકડી.
“ભાઇ, માફ કરજે, તારા માટે બેસવા બીજી કોઇ જગ્યા નથી. અહીં મારી પડખે બેસ,” કહી મહા મુશ્કેલીથી બાજુએ ખસ્યા. એટલામાં બાજુના ઓરડામાંથી અવાજ આવ્યો, “બા, તારે આવવું હોય તો અહીં હૉલમાં આવ. હું અને બાપુજી બહાર જઇએ છીએ.”
“ના, ભૈલા. હું અહીં ઠીક છું.”
ભવ્ય વ્યક્તિત્વ ધરાવતા મિસેસ ચોકસીને પરિચય આપ્યા બાદ તેમની સાથે તેમની પરિસ્થિતિનો અંદાજ લેવા વાત શરૂ કરી કરી.
*
મિસેસ ચોકસી - કાંતાબેનને આર્થરાઇટીસની સખત પીડા હતી. તે ઉપરાંત હાઇપરટેન્શન અને ડાયાબીટીસ પણ હતા. શરીર ભારે હોવાથી બાથરૂમ જવા દરેક વખતે સાત પગથિયા ચઢવા-ઉતરવાના એટલા કષ્ટદાયક હતા, કે ઘૂંટણમાં થતું ભયંકર દર્દ તેમનાથી સહન નહોતું થતું. પેઇનકિલરની શીશી સામે જ હતી!
કૌટુમ્બીક પરિસ્થિતિ એવી થઇ ગઇ કે એક છતની નીચે રહેવા છતાં પરિવાર ભગ્ન થઇ ગયો. પતિ-પત્ની વચ્ચે ત્રણ-ચાર વર્ષથી બે શબ્દ બોલવા જેટલો પણ સંબંધ નહોતો. પતિ તથા પુત્ર જુદા અને કાંતાબેન તેમની નાનકડી કોટડીમાં. છેલ્લા એક વર્ષથી તેમણે જુદું પેન્શન લેવાનું શરૂ કર્યું હતું. પગમાં ભયંકર દર્દ હોવા છતાં દાદરો ઉતરી ગ્રોસરી ખરીદ કરવા જાતે જતા. કિચનમાં ફ્રિજ હતું તેમાંની એક શેલ્ફ તેમના દિકરાએ કે પતિએ તેમના માટે ફાળવી હતી અને રસોઇ કરવાનો સમય નક્કી કરી આપ્યો હતો.
તેમના પરિવારમાં પુત્ર ઉપરાંત ત્રણ દિકરીઓ હતી, જેમાંની બે ઇસ્ટ આફ્રિકામાં ધનાઢ્ય પરિવારોમાં પરણેલી. સૌથી નાનીએ આંતરજ્ઞાતીય લગ્ન કરેલા અને ઇસ્ટ લંડનમાં રહેતી હતી. પરિવાર હોવા છતાં એકલતા અને પારાવાર કષ્ટ ભોગવતા કાંતાબેનમાં હતાશાની તીવ્ર ભાવના હતી. વૃદ્ધાવસ્થાના આરે આવેલ કોઇ પણ વ્યક્તિ માટે આ પરિસ્થિતિનો હલ તરત કાઢવામાં ન આવે તો તે ક્રૉનીક ડીપ્રેશનનો ભોગ બને તો તેમની સ્થિતિ દારૂણ થાય. અહીં ત્રણ સમસ્યાઓનો ઉકેલ લાવવાનો હતો: તેમના માટે રહેઠાણ તદ્દન અયોગ્ય હતું. બીજો પ્રશ્ન હતો વૃદ્ધાવસ્થાને કારણે ઉદ્ભવતી અનેક સમસ્યાઓ, જેમાં તેઓ પોતાનું ભોજન રાંધવા પણ અસમર્થ હતા, એટલું જ નહિ, રસોડા તથા બાથરૂમનો સ્વતંત્ર ઉપયોગ કરી શકે તેમ નહોતા. ત્રીજો કઠણ પ્રશ્ન હતો માનસીક બિમારી ટાળવાનો.
જીપ્સીએ એલ્ડર્સ ગ્રુપમાં કરેલા કામ દરમિયાન હાઉસીંગ એસોશિએશન સાથેનો સમ્પર્ક તાજો હતો. ત્યાં સિનિયર સિટીઝન્સ માટે બંધાયેલા એપાર્ટમેન્ટ્સમાં આપણા વડીલો માટે ફાળવેલા પાંચ ફ્લૅટ્સમાંથી એકાદ ખાલી હોય તો કાંતાબહેન ત્યાં જવા તૈયાર થાય તો બધા પ્રશ્નોનો હલ આવે. સ્વતંત્ર બેડરૂમ, હૉલ, કિચન, બાથરૂમનો ફ્લૅટ, રોજ બપોરે ગરમ ભોજન મળે, અને કાઉન્સીલ તરફથી ગૅસ કૂકર મૂકવામાં આવેલું. પણ તેઓ પુત્રથી દૂર જવા તૈયાર થાય ખરા? પતિએ તો તેમને ત્યાગ્યા હતા.
જીપ્સીએ તેમની પાસે આ પ્રસ્તાવ મૂકતાં જ તેઓ તૈયાર થઇ ગયા. “દિકરા, મને આ દુર્દૈવી અવસ્થામાંથી છોડાવ! તું કહે તો આપણે કાલે જ ત્યાં જતા રહીએ.”
સદ્ભાગ્યે રૉબિન્સ કોર્ટમાં (ખરૂં નામ જુદું છે) એક ફ્લૅટ ખાલી હતો! તે જોવાની વ્યવસ્થા કરી ત્યારે ઇસ્ટ એન્ડથી તેમની પુત્રી ઇંદીરા આવી. સાવ નવો, સિંગલ લેવલનો અૅપાર્ટમેન્ટ તેમને બન્નેને જોતાં વેંત ગમી ગયો! મોટો, હવા ઉજાસથી ભરપુર પણ ડબલ ગ્લેઝીંગ કરેલો બેડરૂમ, મોટી લાઉન્જ અને મકાનમાં હરરવા ફરવા માટે આધાર આપવા ભીંત પર રેલીંગ્ઝ હતી. તેમણે તરત લીઝ પર સહિ કરી. કાંતાબેન બેનિફીટ પર હતા તેથી ભાડું માફ, પણ ગૅસ અને વિજળીનાં બિલ ભરવા પડે. તેમને મળતો બેનિફીટ પૂરતો હતો, તેથી તેમનો ગુજારો સારી રીતે થઇ શકે તેમ હતું. સૌથી સારી વાત તો ત્યાં ચોવીસે કલાક હાજર રહેનાર વૉર્ડન હતા, અઠવાડીયામાં એક દિવસ ડૉક્ટર તો આવે જ પણ તેમની સર્જરીમાં ‘on call‘ ડૉક્ટર બોલાવતાં જ આવી જતા. નર્સ, ચીરોપોડીસ્ટ, હૅરોમાં ચાલતી બ્યુટીશીયન/હૅર ડ્રેસર કૉલેજનાં છેલ્લા વર્ષના વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ નજીવી કિંમત લઇ વૃદ્ધ-વૃદ્ધાઓનાં કેશ કર્તન, કલરીંગ કરી આપવા ત્યાં આવતા. કાઉન્સીલના એશિયન કિચનમાંથી બપોરનું ‘ડાયાબીટીક પેશન્ટ્સ માટેનું લંચ’ પણ આવતું હતું.
રૉબિન્સ કોર્ટમાં બીજા ચાર ગુજરાતી પરિવાર હતા. સૌ મળીને વારાફરતી એકબીજાના ફ્લૅટમાં સત્સંગ અને ભજન કિર્તન અને વાર તહેવારે કોઇ ને કોઇ કાર્યક્રમ થતો, તેથી તેમનું સામાજીક જીવન ફરી શરૂ થયું. કાન્તાબેનની દિકરી તેમને મળવા દર વીકએન્ડમાં અને કાંતાબેન બોલાવે ત્યારે જતી.
કાંતાબેન સેટલ થઇ ગયા બાદ ડિપાર્ટમેન્ટે તેમનો કેસ ક્લોઝ કર્યો. જીપ્સીની મુલાકાત દરમિયાન કાંતાબેન તેને કોઇ કોઇ વાર તેમના જીવનકથા કહેતા. તેઓ સૌરાષ્ટ્રના એક તાલુકાના શહેરના સુખવસ્તુ પરિવારનાં હતા. દેખાવે રૂપાળાં હોવાથી ઇસ્ટ આફ્રિકાના પરિવાર તરફથી માગું આવતાં તેમના માતાપિતા તૈયાર થઇ ગયા. વચેટીયાઓએ આપેલી માહિતી અનુસાર મૂરતિયાનો માલાવીના પાટનગર લિલૉંગ્વેમાં શોરૂમ હતો. લગ્ન થઇ ગયા, અને જ્યારે તેઓ માલાવી પહોંચ્યા ત્યારે તેમને જાણ થઇ કે પતિ એક શોરૂમમાં કર્મચારી હતા!
“શું વાત કરૂં તને!” તેમણે જીપ્સીને કહ્યું, “ અમારી જ્ઞાતિમાં બે જાતના સોની હોય છે. ઘરેણાં સોની જે ઘરેણાંની ડિઝાઇન કરી સોનાની લગડીમાંથી દાગિનો ઘડે. તેમનાથી ઉતરતા હોય થીગડાં સોની, જે ભાંગેલા ઘરેણાંને રેણ કરી રિપૅર કરવાનું કામ કરે. મારા પતિ થીગડાં સોની નીકળ્યા! શો રૂમના માલિક લિલૉંગ્વેના મોંઘા વિસ્તારમાં રહે. અમે એક ‘છામ્બા’માં.”
છામ્બો એટલે સ્વાહિલીના ‘શામ્બા’નો અપભ્રંશ. શામ્બો એટલે ગામથી દૂર આવેલી વાડી, અને તેમાં બાંધેલા કાચા મકાનમાં કાંતાબેન પતિ સાથે રહેવા ગયા
કાંતાબેનનું જીવન નિરાશામાં ગયું. તેમનો પુત્ર ઘણો હોંશિયાર હતો. તેમની જ્ઞાતિની સ્કૉલરશીપથી લંડન જઇને એન્જીનીયર થયો, પણ કમભાગ્યે તેનાં લગ્ન અને જીવન બન્ને નિષ્ફળ નીવડ્યા. કાંતાબેનની ત્રણે પુત્રીઓ તેમના જેવી રૂપાળી હતી. તેમાંની બેને આફ્રિકાના જ સારા પરિવારના પતિ મળ્યા. તેમનો સુખી સંસાર જોઇ તેમના હૃદયને શાંતિ મળતી હતી. છેલ્લી ઇંદીરાને સારી નોકરી હતી અને તેમની નજર સામે હતી, અને જોઇએ ત્યારે મદદ કરવા હાજર હતી.
કેસ ‘ક્લોઝ’ કર્યાના દોઢે’ક વર્ષ બાદ જીપ્સીને ઇંદીરાનો ફોન આવ્યો. કાંતાબેનનું અવસાન થયું હતું. ફ્યુનરલ બાદ કાન્તાબેનના કાર્ય સાથે સંકળાયેલા સોશિયલ વર્કર, અૉક્યુપેશનલ થેરાપિસ્ટ, સ્વયંસેવકો અને પાડોશીઓ ઇંદીરાના ફ્લૅટ પર ભેગા થયા ત્યારે તેણે કાંતાબેનની નોટબુક બતાવી. “બાના જીવનમાં આવેલા માણસો માટે તેમણે એક સંદેશ લખ્યો છે, તે વાંચી સંભળાવોને!”
સંદેશ નાનકડો જ હતો.
“મારા અલ્પજીવનમાં મારા સદ્ભાગ્યે અનેક સજ્જનોનો સહવાસ મળ્યો. આફ્રિકા શું કે વિલાયત, જગતમાં સારા લોકોની કમી નથી. તેમના આધારે દુનિયા ચાલે છે. હવે મારો અંત સમય નજીક આવતો જણાય છે. હું રોજ પરમાત્માને પ્રાર્થના કરૂં છું, મને મુક્તિ ન આપશો. આ જગતમાં મને ફરી જન્મ આપજો. મારી બિમારીને કારણે મારે જગતના સારા માટે જે કરવું જોઇતું હતું તે કરી શકી નથી. આવતા જન્મમાં મને એવી શક્તિ અને સ્વાસ્થ્ય આપજો, જેથી હું લોક કલ્યાણનું કામ કરી શકું. જેમણે મને મદદ કરી છે તેમને સહાયરૂપ થઇ શકું. તમારા સૌના આભાર અને જય શ્રી કૃષ્ણ.”