Follow by Email

Thursday, July 14, 2011

નવા 'સોશિયલ વર્કર'નો પહેલો કેસ: મિસ્ટર જી.

બ્રિટનની સોશિયલ સર્વિસીઝનું ઘડતર ઓગણીસમી સદીના અંતમાં શરૂ થયેલ ઉદારમતવાદી Social Policyના આધારે થયું છે. આના પુરોગામી હતા સિડની વેબ તથા તેમનાં પત્નિ બીટ્રીસ વેબ. અત્યારે આ દેશની સોશિયલ વર્કની પ્રથા તથા તેના ઇતિહાસની વાત નહિ કરૂં, જો કે એટલું કહેવું જરૂરી છે કે આપણા દેશમાં ખાદીના ઝભ્ભા-લેંઘાધારી, ખભા પર શબનમ થેલો લટકાવીને નીકળી પડતા ‘સમાજસેવક’ વિશે જે ખ્યાલ બંધાયો છે તેવું અહીં, એટલે કે યુરોપ-અમેરીકાના દેશોમાં નથી.
યુરોપ-અમેરીકામાં જનહિત માટે ઘડાયેલા કાયદામાં કરવામાં આવેલી જોગવાઇઓનું પાલન કરવા માટે સોશિયલ વર્કર્સને જવાબદારીઓ સોંપવામાં આવી છે. તેઓ તેમની જવાબદારી પૂરી કરી શકે તે માટે તેમની પાસે CQSW સર્ટીફીકેટ અૉફ ક્વૉલીફીકેશન ઇન સોશીયલ વર્ક તથા તે ઉપરાંત વિશેષ પ્રશિક્ષણ મેળવવું જોઇએ. આ સર્ટીફીકેટ મેળવવા માટે તેમણે અધિકૃત યુનિવર્સીટી કે સંસ્થામાં બે વર્ષનો ફૂલટાઇમ કોર્સ તથા તેમણે પસંદ કરલા ક્ષેત્રમાં ઇન્ટર્નશીપ કરવી જરૂરી હોય છે. છેલ્લા ચાલીસ-પચાસ વર્ષથી ભારતમાં પણ આ નુતન ‘પ્રોફેશનલ સોશિયલ વર્કર’નું વિશેષ પ્રશિક્ષણ શરૂ થયું છે.
જીપ્સીની નીમણૂંક 'અનક્લૉલીફાઇડ' એશિયન સ્પેશીયાલિસ્ટ સોશિયલ વર્કરના હોદ્દા પર થઇ, કારણ કે તેની પાસે CQSWનું સર્ટિફિકેટ નહોતું.
અમારી કાઉન્સીલમાં ભારતીય ઉપખંડમાંથી આવેલા નાગરિકોની સંખ્યા સારી એવી હતી. તેમાં ભારતીય (મૂખ્યત્વે ઇસ્ટ આફ્રિકાથી આવેલા ગુજરાતી), મીરપુર/કોટલી/નીલમ જેવા પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરીઓ હતા. હવે માનસિક બિમારી, બાળઉછેર તથા બાળકોને લગતી સમસ્યાઓ, વિકલાંગ અને અપૂરતા બૌદ્ધીક વિકાસને કારણે અક્ષમતા અનુભવતા નાગરિકો તથા વૃદ્ધો માટે ઘડાયેલા કાયદા જેને CSDP (ક્રૉનીકલી સિક અૅન્ડ ડિસેબલ્ડ પર્સન્સ અૅક્ટ)નો અમલ કરવામાં આપણી સાંસ્કૃતીક જરુરિયાતો લક્ષ્યમાં લેવાય તે માટે તેમને સલાહ તથા સહાયતા આપવા ‘એશિયન સ્પેશીયાલિસ્ટ’ની નીમણૂંક કરવામાં આવી હતી. આમ બાળકોનું શારીરીક અને માનસીક ઉત્પીડન થયું હોય, કે માનસિક બિમારી અંગેનું નિદાન કરવાનું થાય તેવા કેસ અનક્વૉલીફાઇડ સોશિયલ વર્કરના સ્વતંત્ર ‘કેસ’ ન અપાય. આવા કેસ CQSW પ્રશિક્ષીત સોશિયલ વર્કર પાસે હોય. એશીયન સ્પેશીયાલીસ્ટ તેમના સલાહકાર તરીકે કામ કરે. આ ઉપરાંત તેની પાસે તેનો સ્વતંત્ર કેસલોડ પણ રહે. તેમાં કોઇ માર્ગદર્શન જોઇએ તો તે તેની ટીમલીડર પાસેથી મળે.

જીપ્સીની ટીમમાં બે મહત્વની વ્યક્તીઓ હતી તેની ટીમલીડર લિઝ વેબ તથા ટીમ અૅડમીનીસ્ટ્રેટર પૅટ હૅમ્પસન. આ ઉપરાંત પાંચ ક્વૉલીફાઇડ સોશિયલ વર્કર્સ, એક અૉક્યુપેશનલ થેરાપીસ્ટ, એક હોમ કૅર કો-ઓર્ડીનેટર, ફૅમિલી એઇડ તથા બાળકો માટે કાઉન્સીલ દ્વારા ચલાવાતી વિનામૂલ્ય ડે-કૅર નર્સરીમાં પ્રવેશ આપવા માટેનું આકલન કરવા માટે બે કાર્યકરો હતા.

જીપ્સી કામ પર હાજર થયો ત્યારે તેને જણાયું કે આ જગ્યા લગભગ એક વર્ષથી ખાલી પડી હતી. પેન્ડીંગમાં પડેલા સાત કેસીસ એવા હતા જેને તાત્કાલીક રીતે મદદ કરવાની વારે વારે જરૂર પડતી હતી, અને આ કામ ડ્યુટી સોશિયલ વર્કર કરે. સોશિયલ વર્કમાં મહત્વની વાત હોય છે સાતત્ય. ફૅમીલી ડૉક્ટરની જેમ સોશિયલ વર્કર પરિવારની સાથે એટલી જ ઘનીષ્ઠતાથી સંકળાય છે. તેમના ક્લાયન્ટ્સના પરિવારમાં કેટલા સદસ્યો છે, તેમનો એકબીજા સાથે કેવો સંબંધ છે તે વિશે જાણવા લાગે છે.

સોશિયલ સર્વિસીઝ પાસે આવતા કેસવર્કના બે મુખ્ય પ્રકાર હોય છે. Crisis intervention, એટલે કોઇ પરિવાર કે અથવા વૃદ્ધ, બિમાર, ક્ષતિગ્રસ્ત વ્યક્તિ પર એવી આપત્તિ કે કઠણ પરિસ્થિતિ આવી પડે જેને કારણે તેમનો પરિવાર ભાંગી પડવાની અણી પર આવે તેમને મદદ કરવી. એકાકિ વ્યક્તિની બાબતમાં તે પોતાનું ધ્યાન ન રાખી શકે અથવા તેનું જીવન જોખમમાં આવી પડે, તેને મદદ કરવી. જ્યારે પરિસ્થિતિ પાટા પર ચઢી જાય તેમનો કેસ ‘ક્લોઝ’ કરવો. બીજો પ્રકાર હોય છે કોઇ પરિવાર કે ક્લાયન્ટ સાથે લાંબા ગાળાનું કામ કરવાની (ongoing support આપવાની) જરૂર પડે. જો કે આ વાતો મને બાદમાં જાણવામાં આવી.
કામ પર હાજર થયો ત્યારે ટીમ અૅડમીન પૅટ હૅમ્પસને મને એશિયન સ્પેશીયાલિસ્ટના કેસલોડની ફાઇલોની કૅબીનેટ બતાવી. તેમાં પંદર જેટલી કેસ ફાઇલ્સ હતી. બધી ફાઇલો કાઢીને એક પછી એક જોવાની શરૂઆત કરી. અમારે ત્યાંની કેસ ફાઇલ પદ્ધતિમાં કેસ ક્લોઝ કરવામાં આવે અથવા કોઇ સોશિયલ વર્કર નોકરી છોડીને જાય ત્યારે કેસની ‘ક્લોઝીંગ સમરી’ લખે. ત્રણ કે ચાર પૅરેગ્રાફમાં લખવામાં અાવે કે આ કેસમાં શું કામ કરવામાં આવ્યું અને શા માટે કેસ ક્લોઝ કરવામાં આવ્યો છે. મારા કેસલોડમાં દસ પાકિસ્તાની પરિવાર હતા. કેસ ફાઇલ્સ જોઇ રહ્યો હતો ત્યાં મારાં ટીમલીડર લિઝ વેબ મારી પાસે આવ્યા અને કહ્યું, “Naren, may I have a word with you?” હું તેમની અૉફિસમાં ગયો.
“તમે મિસ્ટર જીની ફાઇલ જોઇ? મિસ્ટર જીના ઘરમાં ફાયર અૅક્સીડન્ટ થયો છે અને મિસેસ જીની હાલત ગંભીર છે એવો મને હમણાં પોલીસનો ફોન આવ્યો. મિસ્ટર જી અંગ્રેજી નથી જાણતા. અા crisis interventionનો કેસ છે. સૉરી, કામના પહેલા દિવસે તમને deep endમાં ધકેલું છું. ત્યાં જઇને બને એટલી મદદ કરશો. કોઇ તકલીફ જણાય તો મને ફોન કરજો. તમારી સહાયતા માટે હું ક્રિસ્ટીનને મોકલીશ.” ક્રિસ્ટીન અનુભવી સોશિયલ વર્કર હતી.
સવારના જ મેં મિસ્ટર જીની ફાઇલ ઉતાવળમાં જોઇ હતી. તેમની જરૂરિયાતોનું એસેસમેન્ટ કરવા તેમને મળવા જવાનો વિચાર કરતો જ હતો. ટૂંકમાં કહીએ તો તેમની ઉમર ૭૫; આખું નામ “ મિસ્ટર અહેમદજી”. પરિવારમાં પત્નિ અને ૧૬ વર્ષનો પુત્ર. અમારી ટીમ ક્લાર્કે “અહેમદજી”ના ‘જી’ને અટક સમજી ફાઇલ પર નામ લખ્યું ‘મિસ્ટર જી’. મને લાગ્યું કાકા ગુજરાતના હશે. કામ થોડું આસાન થશે!
મિસ્ટર જી કાઉન્સીલના મકાનમાં પરિવાર સાથે રહેતા હતા. ત્યાં જઇને જોયું તો તેમના ઘરની બહાર પોલીસની રોવર અને ફાયર બ્રિગેડનો બંબો હતો. પોલિસના એક સાર્જન્ટ અને એક કૉન્સ્ટેબલ બહાર ઉભા હતા.
“મિસ્ટર જીના ઘરમાં આગ લાગી હતી. મિસેસ જી ઘરમાં એકલા હતાં. ઘરમાંથી ધુમાડાના ગોટા નીકળતા જોઇ તેમનાં પાડોશીએ ફાયર બ્રિગેડ બોલાવી. અમને પણ આની સૂચના મળી. અફસોસ છે કે મિસેસ જીનું હૉસ્પીટલ પહોંચતા પહેલાં જ અવસાન થયું. મિસ્ટર જી મસ્જીદમાં હતા, તેમને અમે હૉસ્પીટલ પહોંચાડ્યા છે, પણ તેઓ અમારી વાત સમજી શકતા નથી અને અમે તેમની વાત. અમારે તેમને રાબેતા મુજબના સવાલ પૂછી અમારો રિપોર્ટ તૈયાર કરવાનો છે. તમે અમારી મદદ કરી શકશો? મિસ્ટર જીને હજી ખબર નથી કે તેમનાં પત્નિનું અવસાન થયું છે. આ દુ:ખદ સમાચાર પણ તમારે તેમને આપવાના છે. મને આશા છે કે તમે આ મુશ્કેલ પરિસ્થિતિ સંભાળી શકશો.” સાર્જન્ટે કહ્યું.
પોલીસની રોવરમાં બેસી અમે હૉસ્પીટલ ગયા. ત્યાં રિસેપ્શન હૉલના ખુણામાં મિસ્ટર જી બેઠા હતા. અમને જોઇ તે ઉભા થયા. છ ફીટ ઉંચા, સફેદ દાઢી-મૂછ, માથા પર કાશ્મીરી ટોપી અને જાડી ફ્રેમના ચશ્મા પહેરેલા કાકાના ચહેરા પર ચિંતાની લકીર સ્પષ્ટ દેખાતી હતી. મેં તેમને અસ્સલામુ-આલેઇકૂમ કહી ઉર્દુમાં વાત શરૂ કરી અને મારો પરિચય આપ્યો. તેમણે વાલેઇકૂમ અસ્સલામ કહી સવાલ પૂછ્યા ત્યારે જીપ્સી ચકરાઇ ગયો: તેઓ મીરપુરીમાં વાત કરતા હતા. કાશ્મીરમાં નોકરી કરી હોવાથી હું ગુજ્જર જાતિની ખાનાબદોશ ભરવાડ કોમના સમ્પર્કમાં હતો તેથી થોડા ઘણા ગુજરી શબ્દો જાણતો હતો. તેનું મિશ્રણ ગામઠી પંજાબીમાં કરી જોતાં જણાયું કે તેઓ મારી વાત સમજી શકતા હતા અને અનુમાનથી તેમની વાત પણ સમજવા લાગ્યો. પ્રથમ તો પોલિસની કારવાઇ પૂરી કરી અને ત્યાર બાદ તેમને દુ:ખદ સમાચાર આપ્યા. જૈફ વયે પહોંચેલા મિસ્ટર જી હચમચી ગયા. આ એવી ઘડી હતી જ્યાં વય, સ્થાન, ધર્મ, રાષ્ટ્રીયતા વિલય પામ્યા. બચી ગયા હતા કેવળ માનવ. મિસ્ટર જી મારા ખભા પર માથું મૂકી રડી પડ્યા. હું તેમની પીઠ પર હાથ ફેરવતો રહ્યો. પેલા પોલિસ સાર્જન્ટથી રહેવાયું નહિ. તેઓ જલદીથી જઇ પાણીનો ગ્લાસ લઇ આવ્યા. થોડી વારે સ્વસ્થ થયા બાદ ચશ્માં ઉતારી, કાચ સાફ કરી, આંખો લૂછી તેમણે મને કહ્યું, “પટેલ સા’બ, મારા નાના પુત્તર સજ્જાદને ગમે તેમ કરી બોલાવી આપો. તેની માનો એ બહુ વહાલો દિકરો હતો.”
બ્રિટનમાં સ્ટીરીયોટાઇપ અત્યંત સામાન્ય હકીકત છે. આપણા લોકો પણ તેમાંથી બાકાત નથી. ગુજરાતી માણસ પટેલ જ હોવો જોઇએ! તેથી બિન-ગુજરાતી ભારતીય-પાકિસ્તાની આપણા લોકોને પટેલ જ ધારે. મિસ્ટર જીએ મારૂં નામાભિધાન કર્યું તે અમારા સંબંધ વચ્ચે કાયમનું સંબોધન બની ગયું. હૉસ્પીટલના સ્ટાફના સૌજન્યથી મેં તેમનો ટેલિફોન વાપર્યો અને ક્રિકલવૂડની મસ્જીદમાં સ્થપાયેલ “આઝાદ કાશ્મીર એસોસિએશન”ના અગ્રણી સાથે વાત કરી. તેમને વિનંતી કરી કે તેઓ સજ્જાદને પણ લઇ આવે. એકાદ કલાક પછી સજ્જાદ અને તેમની કોમના અગ્રણી મિસ્ટર અક્રમ મલીક આવી પહોંચ્યા. અક્રમ મલીકની વાત કરવાની છટા અને ચહેરા પરના ભાવ જોઇ તરત જણાઇ આવ્યું કે તેમને ભારતીય લોકો પ્રત્યે ખાસ પ્રેમ નથી. “તમે ઇન્ડીયનો અમારા માટે કશું કરી શકવાના નથી. ભલે તમે સોશિયલ વર્કર હશો, પણ જ્યાં સુધી અમારા જેવા કાશ્મિરીઓ પ્રત્યે.....”
મેં તેમની વાત ત્યાં જ કાપી અને તેમને કહ્યું, “જુઓ, હું આપણી એશીયન કોમ માટેનો સોશિયલ વર્કર છું. અહીં હું સોશિયલ સર્વીસીઝના પ્રતિનિધિ તરીકે આવ્યો છું. અત્યારે મિસ્ટર જીને રહેઠાણની જરૂર છે, અને તે પૂરી કરવા મારે કાઉન્સીલના ખર્ચે હોટેલમાં રહેવાનો બંદોબસ્ત કરવા જવું પડશે. બાકી ફ્યુનરલ વિગેરેની વ્યવસ્થા કાલે કરીશ, કારણ કે પોસ્ટ મોર્ટમ કાલે થવાનું છે.” કાયદા પ્રમાણે ‘હોમલેસ’ વ્યક્તિને કામચલાઉ રહેઠાણ આપવાની જવાબદારી કાઉન્સીલની હોય છે તે હું જાણતો હતો. અહેમદજીનું ઘર આગને કારણે રહેવા લાયક રહ્યું નહોતું.
મિસ્ટર મલીક થોડા ઝંખવાણા પડી ગયા. “અરે પટેલ, તમે તો નારાજ થઇ ગયા. જુઓ, અહેમદજીને તેમનો મોટો દીકરો વાજીદ થોડા દિવસ માટે લઇ જશે. ત્યાં સુધીમાં તમારે જે વ્યવસ્થા કરવાી હોય તે કરજો. બાકી રહી ફ્યુનરલની વાત. આ કામ અમારી મસ્જીદ તરફથી કરીશું. આ અમારી કોમનો મામલો છે, બીજી વાતો માટે તમારા ડીપાર્ટમેન્ટ તરફથી જે કરવું હોય તે કરજો. અને યાદ રાખજો, તમારો એરીયા મેનેજર મારો દોસ્ત છે.” આ કહેવાનો મતલબ હતો, કામમાં કોઇ ખામી રહી જાય તો ‘ઠેઠ ઉપર સુધી’ વાત જશે. વસાહતવાદી (Colonial) મનોવૃત્તિનો આ ઉત્તમ નમૂનો હતો!
જીપ્સીએ એલ્ડર્સ ગ્રુપમાં કરેલા કામ દરમિયાન સમાજ કલ્યાણ વિષયક કાયદાઓનો ઝીણવટથી અભ્યાસ કર્યો હતો. હાઉસીંગ, ક્રૉનિકલી સિક અૅન્ડ ડીસેબલ્ડ પર્સન્સ અૅકટ જેવા કાયદાઓ દ્વારા સમાજ માટે જે જોગવાઇ કરવામાં આવી છે તેના આધારે અહેમદજીનું કામ ઝડપથી પૂરૂં થયું. અહેમદજીને બે દિવસમાં જ ટેમ્પરરી ફ્લૅટ મળી ગયો. રાશન,ગૅસ, વિજળી વિગેરેની બધી વ્યવસ્થાઓ થઇ ગઇ. ત્રણે’ક મહિનામાં કાઉન્સીલે તેમનો મૂળ ફ્લૅટ રિપૅર કરી આપ્યો. અમે તેમને નવું ગૅસ કૂકર તથા અન્ય ઉપકરણો મેળવી આપ્યા. સજ્જાદ સાથે તેઓ પોતાના ઘરમાં રહેવા ગયા ત્યારે મેં તેમનો કેસ ‘ક્લોઝ’ કર્યો. જો કે તેઓ મને અવારનવાર મળવા આવતા રહ્યા.
આ હતો મારો પહેલા દિવસની ડ્યુટીનો પહેલો કેસ! મિસ્ટર જીની વાત અહીં પૂરી નથી થતી. જેમ જેમ આપણી વાત આગળ વધશે, તેમનો જીક્ર કરતો રહીશ.
હવે પછી વાત કરીશું જીપ્સીના બીજા કેસની.