Follow by Email

Sunday, July 17, 2011

સોશિયલ વર્કરની નોંધપોથીમાંથી: બોલતું અખબાર!

અમારી ટીમમાં રિવાજ હતો કે લંચના સમયે સૅન્ડવીચ લેવા કોઇ બહાર જાય તો બાકીના સભ્યોને પૂછે કે તેમના માટે કોઇ ચીજ લાવવી છે કે કેમ. એક દિવસ પૅટ હૅમ્પસને જીપ્સીને કહ્યું, “આજે લંચના સમયે આપણે સાથે જઇએ તો કેવું? તમને અમારો 'ટૉકીંગ ન્યુઝપેપર'નો સ્ટુડીયો પણ બતાવીશ. આવશો?”
તે દિવસ સુધી ‘ટૉકીંગ ન્યુઝપેપર‘ નામની કોઇ વસ્તુ હોય છે એવું કોઇએ કહ્યું હોત તો હસવું આવે એવી જીપ્સીની સ્થિતિ હતી. તેમ છતાં ઠાવકું મોઢું રાખી અમે સ્ટુડીયોમાં ગયા. પૅટ તથા ક્રિસે મળીને તેમનો સ્ટુડીયો તથા કાર્યપદ્ધતિ બતાવી તે જોઇ અચરજનો પાર ન રહ્યો. આવી પણ કોઇ સેવા હોઇ શકે છે તેનો સ્વપ્ને પણ ખ્યાલ નહોતો.
ટૂંકમાં કહીએ તો જનતા માટે જરૂરી કેટલીક સેવાઓ એવી હતી જે પૂરી પાડવાની કાઉન્સીલની કાયદેસરની જવાબદારી નહોતી, પણ કોઇ સ્વયંસેવક સંસ્થા ખાસ કરીને વિકલાંગ, દૃષ્ટીહિન અથવા ઉપેક્ષીત જનસમૂહના કલ્યાણ માટે કોઇ સેવા શરૂ કરવા માગે, તો કાઉન્સીલ તેમને ગ્રાન્ટ અને ઉલલબ્ધ હોય તો કાઉન્સીલનું મકાન આપે. જીપ્સી સોશિયલ વર્કર બન્યો તેના ત્રણેક વર્ષ અગાઉ અમારી ટીમમાં સ્કૉટ પિયર્સન નામનો એક અંધ સોશિયલ વર્કર હતો. તેણે પૅટ હેમ્પસન સાથે મળી અંધજનો માટે ‘ટૉકીંગ ન્યુઝ પેપર’ શરૂ કર્યું હતું. બ્રિટનમાં આવા કેટલાક ‘અખબાર’ ચાલતા હતા. સ્થાનિક સમાચાર તથા કાઉન્સીલ તરફથી જાહેર જનતા માટેની માહિતીઓ સ્થાનિક સમાચાર પત્રિકામાં છપાય. પણ એકલા રહેતા અંધજનો તે વાંચી ન શકે, તેથી કેટલીક સંસ્થાઓએ આવા સમાચાર અૉડીયો કૅસેટમાં ‘બોલતા અખબાર'તરીકે વાંચવાનું શરૂ કર્યું હતું. ૬૦ મિનીટની કૅસેટમાં આવી માહિતી તથા લોકોને પસંદ પડે તેવી નવલિકાઓ, નિબંધો વાંચીને રેકૉર્ડ કરવામાં આવે અને અંધજનોને મફત વહેંચવામાં આવે. પદ્ધતિ એવી હતી કે રેકૉર્ડ કરેલી કૅસેટ પ્લાસ્ટીકના પીળા padded કવરમાં મૂકીને મોકલવામાં આવે. કવરની બહાર પારદર્શક પાકીટ હોય, જેમાં સભ્યના અૅડ્રેસનું લેબલ હોય. આ લેબલની પાછળ સંસ્થાનું અૅડ્રેસ છાપવામાં આવે. સભ્યને કૅસેટ મળે, એટલે તે સાંભળી, પાકીટમાં મૂકી વેલ્ક્રોથી સીલ કરે. બહારના પાકીટમાંના અૅડ્રેસનું લેબલ ફેરવી ટપાલથી પાછું મોકલે. આવા કવર (કે અંધજન માટે મોકલવામાં આવતા કોઇ પાર્સલ) રૉયલ મેલ મફત મોકલે. અમારી કાઉન્સીલના વિસ્તારમાં લગભગ ૨૦૦ જેટલા અંધ કે 'લીગલી બ્લાઇન્ડ' હતા. તેમના માટે સ્કૉટ, પૅટ હૅમ્પસન તથા ક્રિસ લક નામના સ્વયંસેવકે મળીને અંગ્રેજીમાં અઠવાડીક શરૂ કર્યું હતું. તેઓ જે અૅપાર્ટમેન્ટ બ્લૉકમાં રહેતા હતા તેમાં આઠ ફ્લૅટ્સ હતા, તેમાંનો એક ફ્લૅટ હાઉસીંગ એસોસીએશને તેમને સ્ટુડીઓ તરીકે વાપરવા માટે મફત આપ્યો હતો. કાઉન્સીલે તેમને ગ્રાન્ટ આપીને સ્ટુડીઓ બનાવવા માટે સાઉન્ડ પ્રુફીંગ તથા રેકૉર્ડીંગના સાધનો વસાવી આપ્યા હતા. આ ઉપરાંત કૅસેટ, તેના કવર વ. માટે વાર્ષીક ફાળો આપવાનું શરૂ કર્યું.
“તમને આ બતાવવા પાછળ અમારો સ્વાર્થ છે!” પૅટે હસીને કહ્યું. “બે વર્ષથી અમે ગુજુરાટી અને અર્ડૂમાં બોલતું અખબાર શરૂ કરવાનો પ્રયત્ન કરીએ છીએ. તમારાં પહેલાંના એશીયન સ્પેશીયાલીસ્ટને તેમાં રસ નહોતો. અંગ્રેજીનું અમારૂં અખબાર છે તેના બે એશીયન મેમ્બર્સ છે, તેમને પણ કહી જોયું, પણ તેમના પરિચયમાં આવું કામ કરી શકે તેવા કોઇ સ્વયંસેવકો નહોતા તેથી કામ અટવાઇ ગયું છે. તમે આ દિશામાં કંઇ કરી શકો?” પૅટનો મતલબ હતો ગુજરાતી અને ઉર્દૂ!
“આ તો કમાલની સેવા છે!” મારાથી કહેવાયા વગર ન રહેવાયું. “આપણે પ્રયત્ન કરી જોઇશું.”
“તમે આ કામ કરવા તૈયાર થાવ તો અમારી સંસ્થા તરફથી તમને સો કૅસેટ, પચાસ પ્લાસ્ટીકના કવર અને દસ કૅસેટ પ્લેયર લોન તરીકે આપીશું. કૅસેટની જરૂર વધે તે પ્રમાણે વધારી આપીશું. કૅસેટ પ્લેયર તમારા સભ્યોને આપશો. શક્ય છે કે તેમની પાસે કૅસેટ સાંભળવાનું સાધન ન પણ હોય.”
જીપ્સીને પહેલાં યાદ આવી હોય તો તેના એલ્ડર્સ ગ્રુપનાં સાથી કલ્પના પટેલની. આ બહેન ઘણા ઉત્સાહી અને સેવાપરાયણ હતા. જરૂરતમંદ લોકોને મદદ કરવા સતત તૈયાર રહેતા, તે જીપ્સીએ તેમની સાથેના બે વર્ષના સંપર્ક દરમિયાન જોયું હતું. તે જો મદદ કરવા તૈયાર થાય તો અમારૂં કામ ઝડપથી થાય. જીપ્સીએ તેમને વાત કરી અને તે તરત તૈયાર થઇ ગયા. બીજી વાત કરી અનુરાધાને. અનુરાધા પણ અમારી કાઉન્સીલમાં કાર્યરત હતા. ‘મારાથી થાય તે જરૂર કરીશ!” તેણે કહ્યું.
એલ્ડર્સ ગ્રુપનો અનુભવ જીપ્સી માટે અમૂલ્ય હતો. તેમાં તેણે જે નકારાત્મક વસ્તુઓ જોઇ હતી તેની પુનરાવૃત્તિ ન થાય તે માટે ત્રણ વાતો જરૂરી હતી. એક તો સંસ્થાનું બંધારણ પારદર્શક હોવું જોઇએ, જેમાં દરેક અૉફીસ-બેરરની જવાબદારી સ્પષ્ટ લખવામાં આવે; બીજી મહત્વની વાત ગાંધીજીએ જાહેર સંસ્થા માટે કહી હતી. તેમણે કહ્યું હતું કે જાહેર જનતા પાસેથી મળેલી રકમની પાઇએ પાઇનો હિસાબ ચોક્ખો હોવો જોઇએ અને તે જાહેર કરવામાં આવે. એટલું જ નહિ, કોઇ પણ વ્યક્તિ ગમે ત્યારે હિસાબ જોવાની માગણી કરી શકે.
આ માટે અમે સ્થાનિક કમ્યુનિટી લૉ સેન્ટરના કો-ઓર્ડીનેટરની મુલાકાત લઇ અમારા માટે બંધારણ ઘડી આપવા વિનંતિ કરી. તેમણે બંધારણ ઘડી આપ્યું. તેમાં અન્ય વાતો ઉપરાંત ત્રણ કલમો પર ભાર મૂકવામાં આવ્યો: મૅનેજમેન્ટ કમિટી કે અૉફીસ બેરરના કોઇ સભ્ય સતત ત્રણ મિટીંગમાં હાજર ન રહે તો તેમને બરતરફ કરવામાં આવે. વર્ષમાં બે વાર જનરલ મિટીંગ તથા મૅનેજમેન્ટ કમિટીની ચાર મિટીંગ યોજાવી જોઇએ. AGMમાં ચૂંટણીઓ થાય, જેમાં ચાર્ટર્ડ અૅકાઉન્ટન્ટે અૉડીટ કરેલા હિસાબ પ્રસ્તુત કરવામાં આવે તથા સભ્યો પાસેથી તે મંજુર કરવામાં આવે. એક અન્ય મહત્વની વાત તેમાં મૂકવામાં આવી કે જેમના માટે આ બોલતું અખબાર શરૂ કરવાનું હતું તેમને સંસ્થાના વહીવટમાં ભાગ લેવાનો હક હોય. આ માટે બંધારણીય રીતે ઓછામાં ઓછા ત્રણ અંધજન હોય, અને મહિલાઓને યોગ્ય પ્રતિનિધિત્વ મળે તે માટે મૅનેજમેન્ટ કમિટીમાં ત્રણ બહેનો હોવી જોઇએ.
ત્યાર પછીનું બધું કામ કલ્પનાબહેને ઉપાડી લીધું. તેમણે અમારા વિસ્તારમાંના એશીયન અૉપ્ટોમેટ્રીસ્ટ્સને મળી અંધજનોનાં નામ સરનામાં મેળવ્યા તથા તેમને જાતે મળી આવ્યા. તેમની સાથે અમારા અભિયાન વિશે વાત કરી. સૌને વાત ગમી. જો કે કેટલાકે શંકા વર્તાવી કે આ સંસ્થા લાંબો સમય નહિ ચાલે.
પૅટ પાસેથી તેમના સભ્ય જતીશ માલદેનો નંબર મેળવ્યો અને પૂછ્યું કે તેને અા કામમાં જોડાવું છે કે કેમ. તે પણ તૈયાર થઇ ગયો. કલ્પના તરૂણ ગોહિલ નામના ૨૦ વર્ષના યુવાનને લઇ આવ્યા. ક્રિસ લકે તેને સાઉન્ડ રેકૉર્ડીગ કરતાં શીખવ્યું. હવે પ્રોફેશનલ ‘ન્યૂઝ રીડર’ની જરૂર હતી. આ કામ કરવા તૈયાર થયા અનુરાધા, કલ્પના, તેમની બહેનપણી નીલા અને જીપ્સી. જીપ્સી સિવાય કોઇએ પદ્ધતિસર ગુજરાતીનો અભ્યાસ નહોતો કર્યો, કારણ કે ત્રણે મહિલાઓનો જન્મ, કેળવણી અને ઉછેર ઇસ્ટ આફ્રિકાનાં. કામ તો શરૂ કરવું જ હતું, તેથી તારીખ નક્કી કરી. અમારી કાઉન્સીલના મેયર હિઝ વર્શીપ રોજર સ્ટોન તથા તેમનાં પત્નિએ ઉદ્ઘાટન તથા સ્વાગતનું પ્રવચન રેકૉર્ડ કર્યું. અખબારનું નામાભિધાન થયું “કિરણ”. પહેલા અંકમાં અમારી પાસે ફક્ત આઠ સભાસદ હતા. બ્રિટનના ગુજરાતી અખબાર ગરવી ગુજરાત તથા ગુજરાત સમાચારના તંત્રીશ્રીએ તેમના અખબારનો ઉપયોગ કરવાની રજા આપી એટલું જ નહિ,”કિરણ” વિશે પાંચ ઇઁચના કૉલમમાં રીવ્યૂ લખ્યો. પહેલા અંકમાં 'ગુજરાતમાં સારો વરસાદ પડ્યો'ને ઠેકાણે વંચાયું, "વરસાદ પડીયો". 'સુરતની મઘમઘતી મિઠાઇ'ને બદલે 'મધમધતી મિઠાઇ' વંચાયું, પણ શ્રોતાઓને તે બેહદ પસંદ પડીયું - માફ કરશો, પસંદ પડ્યું!
બસ, ત્યાર પછી આખા બ્રિટનમાંથી વિનંતિના પત્રો આવવા લાગ્યા. ‘અમને કિરણની કૅસેટ મોકલો.' સભ્યો વધતા ગયા. નાણાંની જરૂર પડવા લાગી તેમ તેમ સંસ્થાના શ્રી જયંત પટેલ, દીનેશ પુરોહિત, પ્રવીણા વંદ્રા જેવા પ્રમુખ તથા અમારા જેવા સામાન્ય સ્વયંસેવકોએ ફાળો એકઠો કરવાનું શરૂ કર્યું. એક જ વર્ષમાં સંસ્થા પગભર થઇ ગઇ. પૅટ હૅમ્પસનનું અંગ્રેજી અખબાર બંધ થવાની અણી પર આવ્યું ત્યારે આપણા ગુજરાતી અખબારે તેને નાણાં તથા સ્વયંસેવકો પૂરા પાડ્યા.
એપ્રિલ ૭, ૧૯૮૫ના રોજ શરૂ થયેલ ‘કિરણ’ ૨૫ વર્ષથી હજી ચાલે છે. અત્યારે તેની ૩૦૦ જેટલી કૅસેટ દર અઠવાડીયે શ્રોતાઓને મોકલવામાં આવે છે.
આ છે ગુજરાતના સ્વયંસેવકોની ધગશની વાત. દેશ હોય કે પરદેશ. ગુજરાતની અસ્મિતા હંમેશા પ્રકાશતી રહે છે.