Saturday, February 28, 2009

આક્રમણની પૂર્વ તૈયારી...

૩૮ કલાકના સતત રસ્તા પરના પ્રવાસમાં એક ક્ષણ ભર પણ બિસ્તરા પર અંગ ટેકવ્યા વગર અમને અપાયેલ ફરજ પૂરી કરીને જ્યારે ગુપ્તા અને હું કંપની હેડક્વાર્ટરમાં પહોંચ્યા ત્યારે રાતના લગભગ બે વાગ્યા હતા. સૅમી હવે કંપનીનો સેકન્ડ-ઇન-કમાંડ હતો, તેથી મેં તેને રીપોર્ટ આપ્યો: મારી ચાર ગાડીઓ રસ્તામાં ખરાબ થઇ હતી, અને તેના પર રીપેરીંગ ચાલી રહ્યું હતું. સવારના ચારે’ક વાગ્યા સુધી કંપનીમાં આવી જશે એવું મિકૅનીકે કહ્યું હતું, તે સૅમીને જણાવ્યું.

“નરેન, if I were you, હું તો અત્યારે જ જઇ મારી ગાડીઓ લઇ આવું. Tow કરીને લાવવી પડે તો પણ ગાડીઓ હું લઇ આવું.” અંગ્રેજો જેવી હિંદી-અંગ્રેજીમાં સૅમી બોલ્યો.

“સૅમી, તું મને અૉર્ડર આપે છે કે સલાહ આપે છે? તારે જે કહેવું હોય તે સ્પષ્ટ કહે. મેં મારી ગાડીઓ પાસે આપણા URO (યુનિટ રિપૅર અૉર્ગેનાઇઝેશન)ના મિકૅનીક મૂક્યા છે. તને મેં હમણાં જ કહ્યું કે ચાર વાગ્યા સુધીમાં ગાડીઓ આવી જશે.”

“ઠીક ત્યારે, આને મારો હુકમ સમજ. ગાડીઓ લેવા હમણાં જ નીકળી જા!”

ગુપ્તા હજી જીપમાં જ હતો. હું તરત જીપમાં બેઠો અને તેને જીપ મારી મૂકવાનું કહ્યું.

અમારી હિલચાલ ગુપ્ત રાખવાની હોઇ રાતે વાહનોની બત્તી બંધ રાખીને જ ગાડી ચલાવવાની હતી. હું સાંબા-પઠાનકોટ રોડ પર જવા લાગ્યો. રસ્તામાં કઠુઆ પાસે લાંબો પુલ છે. પુલ પાર કરી પાંચે’ક કિલોમીટર ગયો અને જોયું તો ત્યાં લગભગ ત્રણસો વાહનો કતારબંધ ખડા હતા. હું મારી ગાડીઓને શોધી રહ્યો હતો, ત્યાં અમારી આર્મર્ડ બ્રિગેડ માટે દારૂગોળાનું વહન કરનારી અમારી બટાલિયનની ચાર્લી કંપનીના ટૅંક માટેના દારૂગોળા ભરેલા અને બ્રાવો કંપનીના ટૅંક્સ માટેના ખાસ હાઇ અૉક્ટેન પેટ્રોલ ભરેલા લગભગ ૧૦૦થી વધુ ટ્રક અને અન્ય યુનિટોના વાહનો ઉભા હતા. મેં ચાર્લી કંપનીના કૉન્વૉય કમાન્ડર સુબેદારસાહેબને પુછ્યું કે તેઓ ત્યાં શા માટે રોકાયા છે, તો તેમણે કહ્યું, “સાબ, કઠુઆ બ્રીજ પર દુશ્મન કા કબઝા હે. હમ ગાડી આગે નહિ લે જા સકતે.” મને નવાઇ લાગી, કારણ કે આ પુલ પરથી વીસ મિનીટ પહેલાં જ ગુપ્તા અને હું જીપ ચલાવીને લઇ આવ્યા હતા.

પરિસ્થિતિ ગંભીર હતી. વહેલી સવારના છ વાગે અમારી ડિવીઝન પાકિસ્તાનમાં કૂચ કરવાની હતી. દારૂગોળા અને હાઇ-અૉક્ટેન પેટ્રોલ વગર ટૅંક્સ વીસે’ક માઇલથી આગળ જઇ ન શકે. રાતના ત્રણ વાગી ગયા હતા. આ બધા ટ્રક તરત પ્રયાણ ન કરે તો આર્મર્ડ ડિવિઝન પેટ્રોલ અને દારૂગોળા વગર પાકિસ્તાનના રસ્તામાં જ અટકાઇ પડે અને પાંખ અને પગ વગરના બતકની જેમ દુશ્મનનો કોળીયો બની જાય તેમ હતું. મેં નિર્ણય લીધો.

મેં કૉન્વૉય કમાન્ડરોને હુકમ આપ્યો, “હું આગળ જઉં છું. મારી જીપની પાછળ ત્રણસો મીટરનું અંતર રાખી તમારો કૉન્વૉય ચલાવો. પુલની નજીક હું પહેલાં પહોંચીશ. જો ત્યાં દુશ્મન હશે તો તમને ગોળીબારનો અવાજ સંભળાશે. આવું થાય તો તમે તમારી ગાડીઓના સંરક્ષણ માટે રાબેતા મુજબ તમારી સાથેના સૈનિકોને ‘ડીપ્લૉય’ કરશો. તે જ ઘડીએ એક ગાડીને માધોપુર બ્રીજ મોકલી ત્યાંની વાયરલેસ ડીટેચમેન્ટ દ્વારા બ્રિગેડને અહીંની હાલતના સમાચાર ધિવિઝનલ હેડક્વાર્ટરને આપજો. જો ફાયરીંગનો અવાજ ન આવે તો મારી રાહ જોશો. હું પુલ સીક્યોર છે કે નહિ તેની તપાસ કરી પાછો આવીશ. જો અર્ધા કલાકમાં હું પાછો ન આવું તો સમજી લેજો કે હું દુશ્મનના અૅમ્બુશમાં સપડાઇ ગયો છું. તેથી પહેલાં આપેલા હુકમ પ્રમાણે બચાવની કારવાઇ કરશો. કોઇ પણ હિસાબે હું પાછો આવીશ અને કૉન્વૉયને અૅસેમ્બ્લી એરિયા સુધી લઇ જઇશ. ત્યાર પછી તમે તમારા યુનિટના મિલન સ્થાન (મિલીટરીની ભાષામાં RV- rendezvous)પર નીકળી જજો. હુકમ સમજવામાં કોઇ શક છે?”

કૉન્વૉય કમાન્ડરે હુકમ સાંભળી, મને સૅલ્યુટ કરી પોતાના કૉન્વૉય તરફ ગયા. હવે જીપ હું ચલાવવા લાગ્યો. કઠુઆ બ્રીજની નજીક પહોંચ્યો કે તરત મશીનગન કૉક થવાનો અવાજ સાંભળ્યો. સાથે સાથે “થોભો: કોણ આવે છે?”નો ધીમેથી પણ કર્કશ અવાજનો હુકમ આવ્યો. મેં ગુપ્તાને ડ્રાઇવરની સીટ પર બેસવાનું કહ્યું અને ગાડીનું એન્જીન ચાલુ રાખવાની સૂચના આપી. ગોળી છૂટવા લાગે તો જીપ 'યૂ ટર્ન' કરી કૉન્વોય તરફ લઇ જવાનો હુકમ અાપ્યો.

મેં સેન્ટ્રીને જવાબ આપ્યો, “મિત્ર.”

“જીપસે નીચે ઊતરો, હાથ ઉપર કરો ઔર આગે બઢો,” સામેથી બીજો હુકમ આવ્યો.

જીપમાંથી ઉતરીને જેવો હું સેન્ટ્રીની નજીક ગયો કે સડકની બન્ને બાજુએ પોઝીશન લઇને બેઠેલા સૈનિકો બેયોનેટ લગાવેલ રાઇફલ તાણીને મારી નજીક આવ્યા. તેમના નાયકે મારું નામ, યુનિટની માહિતી અને આયડેન્ટીટી કાર્ડ માગ્યાં. મેં મારી માહિતી અને ઓળખપત્ર બતાવ્યા. મેં ગાર્ડ કમાન્ડરને કહ્યું, “હું અર્ધા કલાક પહેલાં આ પુલ ક્રૉસ કરીને આવ્યો ત્યારે અહીં કોઇ નહોતું. તમે ક્યારે પુલ ‘સીક્યોર’ કર્યો? કોઇ ખાસ કારણ છે? ”

“સાબ, અા પુલ પર પાકિસ્તાનના કમાંડો ઘુસી આવ્યા હતા. તેમણે મોટર સાયકલ પર સંદેશ લઇને જતા પુના હૉર્સના એક ડીસ્પૅચ રાઇડરને મારી નાખ્યો અને તેની પાસેની ટપાલ લઇને નાસી ગયા છે. અમે દસ મિનીટ પહેલાં આવીને પુલને ‘સીક્યોર’ કર્યો છે. અહીંથી પસાર થનાર દરેક વાહન તપાસવાનો અમને હુકમ છે.”

મેં તેને આખી વાત સમજાવી અને કહ્યું કે પુલની પાછળ રોકાયેલા દારુગોળા, પેટ્રોલ અને અન્ય રસદના ત્રણસો ટ્રક્સના કૉન્વૉયને ફૉર્વર્ડ એરિયામાં પહોંચાડવાનો છે. સન્ત્રીએ મને ‘અૉલ ક્લીયર’ અાપ્યો. હું પાછો કૉન્વોય પાસે ગયો અને કૉન્વૉય કમાન્ડરને મારી પાછળ ગાડીઓ લાવવાનો હુકમ આપ્યો. સૌ પ્રથમ મારા અટકાયેલા ટ્રક્સને મોખરા પર લઇ જઇ બાકીના લોકોને હિંમત આપી. આખા કૉન્વૉયને મેં સુરક્ષીત રીતે ડિવીઝનના માર્ચીંગ એરીયામાં ચાર વાગ્યા સુધીમાં પહોંચાડી આપ્યો.

આ પ્રસંગ બન્યો ત્યારે રોકાયેલા ટ્રક્સ વિશે મેં ઊંડો વિચાર નહોતો કર્યો. પરંતુ લડાઇ જીત્યા બાદ અમારી બટાલિયનની મુલાકાતે આવેલા અમારા ડિવીઝનના જનરલ-અૉફિસર-કમાંડીંગ (GOC) જનરલ રાજિંદરસિંઘ સ્પૅરોએ અમારી બટાલિયનના અફસર અને જવાનોને બે વાતો કહી ત્યારે મને મારા સરદાર અને જવાનોએ યુદ્ધકાર્યમાં અાપેલા ફાળા વિશે ખરે જ ખુશી અને કૃતાર્થતાનો અહેસાસ થયો. તેમણે કહ્યું, “તમારા ટ્રુપ કૅરિયર અફસરે રેકૉર્ડ ટાઇમમાં દિવસ રાતની પરવા કર્યા વગર ૩૮ કલાકમાં આખી લૉરીડ બ્રિગેડને એસેમ્બ્લી એરિયામાં પહોંચાડી આપી તેથી મારી surprise strikeની રણનીતિ સફળ થઇ. તમે કર્તવ્યપરાયણતા દર્શાવી, અસાધારણ તેજીથી આ કામ પૂરૂં કર્યું તેથી આપણે નિર્ધારીત સમયે આક્રમણ શરૂ કરી શક્યા.
“બીજી ખાસ વાત: ટૅંક્સને સાતત્યતાપૂર્વક આક્રમણ ચાલુ રાખવા જરુરી હતા તેવા પેટ્રોલ અને દારુગોળો લાવનારા વાહનો રોકાઇ પડ્યા હતા, તે અણીને વખતે આવી પહોંચ્યા તેથી H-Hour પર મારી આર્મર્ડ બ્રિગેડ કૂચ કરી શકી. તમારી બટાલિયનનું આપણી વિજય યાત્રામાં આ બીજું મોટામાં મોટું યોગદાન હતું. હું તમારી સેવાપરાયણતાને બિરદાવું છું.”

Friday, February 27, 2009

સમરાંગણે....

દક્ષીણ પંજાબમાં કૅમ્પ કરીને રહેલી ૩૫૦૦ અફસરો-સૈનિકો ધરાવતી બ્રિગેડને જમ્મુ કાશ્મિરમાં આવેલ સાંબા જીલ્લાની બાજપુર તહેસીલમાં આવેલી ભારત-પાકિસ્તાન સીમા પરના રામગઢ વિસ્તારમાં મારે ૪૮ કલાકમાં પહોંચાડવાની હતી. મારા કમાંડ નીચે બે પીઢ અને અનુભવી નાયબ સુબેદાર હતા. તેમને મેં કહ્યું, “લગભગ અશક્ય જેવું કામ આપણે બધાએ મળી શક્ય કરવાનું છે. આજથી આપણા માટે દિવસ દિવસ નથી અને રાતનું અસ્તિત્વ નથી. દિવસ રાત મહેનત કરી આપણે બ્રિગેડને રામગઢ પહોંચાડવાની છે. આ કરવા માટે આપણે એક સળંગ કૉન્વોય ન કરી શકીએ તો ચાલશે, પણ દરેક ઇન્ફન્ટ્રી બટાલિયનને તેમના અૅસેમ્બ્લી એરિયામાં સમય પહેલાં પહોંચાડવાની છે.”

લડાઇનો જુસ્સો એવો હોય છે કે તેમાં સૈનિકો પોતાના અંગત આરામ, સુખ કે ખાવા-પીવાનો વિચાર કરતા નથી. પહેલા તબક્કામાં મેં 5/9 ગોરખા રાઇફલ્સ અને 5મી જાટની પૂરી બટાલિયન તથા 8મી ગઢવાલ રાઇફલ્સની બે કંપનીઓ અને બટાલિયન હેડક્વાર્ટરને મારી ૭૫ ગાડીઓમાં ચડાવ્યા અને પઠાણકોટ, માધોપુર બ્રીજ, કઠુઆ, સાંબા અને બાજપુર થઇ રામગઢ પહોંચાડ્યા. રામગઢમાં એક કલાકનો આરામ કરી અમે બધાં ફરી પાછા પંજાબના કપુરથલા શહેરમાં આવેલા બ્રિગેડ હેડક્વાર્ટર જવા નીકળ્યા. કલાકોના સતત પ્રવાસ બાદ અમે બ્રિગેડ હેડક્વાર્ટરમાં પહોંચ્યા અને તરત 8 ગઢવાલ રાઇફલ્સની બાકીની કંપનીઓ તથા બ્રિગેડના અૉપરેશનલ કમાંડ હેડક્વાર્ટરને લઇ નીકળ્યા. અમારા જવાનો અને સરદારો-કોઇએ નિંદરની પરવા ન કરતાં સતત ૩૮ કલાક ગાડીઓ ચલાવી બ્રિગેડને પાકિસ્તાનમાં કૂચ કરવા માટે નક્કી કરેલા વિસ્તારમાં પહોંચાડી. ગુપ્તા અને હું વારા ફરતી જીપમાં બેઠા બેઠાં ઝોકાં ખાઇ લેતા હતા અને એકબીજાને આરામ આપી ગાડી ચલાવતા હતા. કૉન્વૉયનું નિયંત્રણ કરવા માટે, ખરાબ થયેલો ટ્રક ક્યાં અટકાયો છે, તેની તપાસ કરી આર્મર્ડ વર્કશૉપ ડીટેચમેન્ટને ખબર કરવા હું ૩.૫ લીટરની રૉયલ એન્ફીલ્ડ મોટર સાયકલ પર પુરપાટ ‘ઉડતો’ જ જતો હતો. ભગવાને મહેર કરી. તેમની કૃપાથી જે કામ અમારે ૪૮ કલાકમાં પૂરૂં કરવાનું હતું તે અમે ૩૮ કલાકમાં પૂરૂં કરી શક્યા. તે પણ અકસ્માત વગર!

અૉપરેશન નેપાલને હું કદી નહિ ભૂલી શકું.

૧૯૬૫ની લડાઇ વિશે અનેક પુસ્તકો લખાયા છે. ભાર્ગવ, માણકેકરનાં આધારભૂત પુસ્તકો તમે વાંચ્યા હશે, તેથી તેમણે સંશોધન કરીને કહેલી વાતોનું અહીં પુનરાવર્તન ન કરતાં જાતે અનુભવેલા પ્રસંગો કહીશ.

અમારી ડિવિઝનને રણ મોરચા પર જવાનો હુકમ મળ્યો ત્યારે અમારી ટૅંક્સને ટ્રેનમાં રાતના અંધકારમાં ટ્રેનના ખાસ રેક પર ચઢાવી, તેના પર તાડપત્રી ઢાંકવામાં આવી. ફક્ત ટૅંક્સની તોપનું નાળચું બહાર દેખાતું હતું. ટ્રેનોને ગુરદાસપુરના રસ્તે સીધી પઠાણકોટ લઇ જવાને બદલે વાયા અમૃતસરના લાંબા રસ્તે મોકલવામાં આવી.

પાકિસ્તાનના જાસુસો અમારી સમગ્ર હિલચાલ પર ધ્યાન રાખી રહ્યા હતા. જ્યારે ટ્રેન અમૃતસર પહોંચી ત્યારે સમગ્ર પ્રજાને લાગ્યું કે રાજાસાંસી એરપોર્ટનું રક્ષણ કરવા અૅન્ટી-એરક્રાફ્ટ તોપ આવી પહોંચી છે. જાસુસોએ તે મતલબના સંદેશ પાકિસ્તાન પહોંચાડી દીધા. પાકિસ્તાનને લાગ્યું આપણી આર્મર્ડ ડિવીઝનનો ઇરાદો અમૃતસરથી લાહોર પર હુમલો કરવાનો હતો. અમને ખબર પડવાનું સાધન હતું બોર્ડર પર થતા વાયરલેસ સંચાર પર નિગરાણી રાખવા અને પાકિસ્તાનમાં પસાર થતા સંદેશાઓનું ‘મૉનીટરીંગ’ કરવા ભારતીય સેનાના કોર અૉફ સિગ્નલ્સના ચતુર નિષ્ણાતો. અમૃતસરથી મોટા ભાગની સેન્ચુરીયન ટૅંક્સને ૩૨ પૈડાં વાળી વાહક ગાડી “Mighty Antar”માં ચઢાવવાને બદલે પોતાના ટ્રૅક (પાટા) પર ચાલીને ઠેઠ બાજપુર અને રામગઢ સુધી પહોંચી ગઇ. દુશ્મનને જરા પણ ખબર ન પડી કે આર્મર્ડ ડિવીઝન સાંબા જીલ્લામાંથી પાકિસ્તાનમાં પ્રવેશ કરવાની છે.

અમારા ‘કૉન્સેન્ટ્રેશન એરિયા’માંથી અમે અમારી ગાડીઓમાં લૉરીડ બ્રિગેડને લઇ જતા હતા ત્યારે રસ્તામાં પડતા પંજાબના એકે એક ગામડાનાં અને શહેરના નાકા પર તોરણો અને ફુલ માળાઓથી સજાવેલી કમાનો અમે જોઇ. મોટાં હોર્ડીંગ્ઝ પર “ભારતી સેના ઝીંદાબાદ” ના સંદેશ લખાયા હતા. સડકની બન્ને બાજુએ અસંખ્ય લોકોની ભીડ અમને - સૈનિકોને પુરી, પરાઠાં અને તૈયાર શાક અને રાંધેલી સુકી દાળનાં પૅકેટ્સ આપતા હતા. સૌના મુખમાંથી અવાજ નીકળતો હતો, ‘જય હિંદ’, ‘ભારતી સેના ઝીંદાબાદ’, ‘જય જવાન, જય કિસાન’. સ્ત્રીઓ મોટેથી ઉચ્ચારતી હતી, ‘વીરજી, જંગ જીતકે અૌણાં..” (મારા વીર, મારા ભાઇ, લડાઇ જીતીને આવજો). હજારો દેશવાસીઓને અામ અમને પોરસ ચઢાવવા આવેલા જોઇ અમારો જુસ્સો અનેક ગણો વધી ગયો. અમારી પાછળ આખો દેશ સોએ સો ટકા ખડો છે તે જાહેર કરવા લોકોને આમ રસ્તા પર આવેલા જોઇ અમારી છાતી ગજ ગજ ફુલી હતી. સૈનિકોને તો હવે એક જ લગની લાગી હતી. દેશવાસીઓ અમારી સાથે હોય તો તેમની રક્ષા માટે સો વાર પણ બલિદાન આપવું પડે તો પણ અમે તૈયાર હતા. આ દૃશ્ય મારા મનમાં કાયમ માટે કોતરાઇ ગયું છે.

આજે આ પ્રસંગને યાદ કરૂં છું ત્યારે આંખ ભીની થાય છે. આવો હતો મારો દેશ!

મને પૂછશો મા કે હું અહીં ભૂતકાળ કેમ વાપરૂં છું. જવાબ આપતાં ઘણું દુ:ખ ઊપજશે. હું સહન નહિ કરી શકું.

Thursday, February 26, 2009

યુદ્ધનાં એંધાણ - "અૉપરેશન નેપાલ"

બૉર્ડર પર તંગદીલી વધતી જતી હતી. પાકિસ્તાનના ઘૂસણખોરો કાશ્મીરમાં આતંક મચાવી રહ્યા હતા. સાચી વાત તો એ હતી કે પાકિસ્તાને તેના સૈન્યના અફસરોની આગેવાની હેઠળ ત્રાસવાદીઓને મિલીટરી ટ્રેનીંગ આપી મોટી સંખ્યામાં કાશ્મિરમાં ઘૂસાવ્યા હતા. આ યોજનાને તેમણે ‘અૉપરેશન જીબ્રૉલ્ટર’ નામ આપ્યું હતું. તેમને સોંપાયેલી કામગિરી કાશ્મીરમાં જઇ છંબ, અખનુર, બારામુલ્લા અને અન્ય ચાવીરૂપ વિસ્તારો પર કબજો કરી, અલગતાવાદી સ્થાનિક લોકોના મોરચાની મદદ વડે ભારતીય સેનાને પરાસ્ત કરી કાશ્મીર પર કબજો કરવાની હતી.

સરહદ પર પાકિસ્તાનના સૈનિકો મન ફાવે તેમ આપણા સૈનિકો અને ગ્રામવાસીઓ પર નિષ્કારણ ગોળીબાર કરતા હતા. આવા હજારોની સંખ્યામાં આવેલા હથિયારબંધ પાકિસ્તાની ઘુસણખોરોના હુમલા અને તેમણે કરેલી આપણા જવાનોની હત્યાને કારણે પરિસ્થિતિ એટલી ખરાબ થઇ ચૂકી હતી કે અૉગસ્ટમાં આપણા વડા પ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીએ રાષ્ટ્ર પ્રતિ સંદેશ આપ્યો. તેમણે પાકિસ્તાનને ચેતવણી આપી કે તેમણે જે રીતે તેમના નાગરિકોએ ભારતમાં પ્રવેશ કરીને આતંક ફેલાવીને ભારતની સામે યુદ્ધ જાહેર કર્યું છે, તેમ ભારત પણ યુદ્ધનો જવાબ યુદ્ધથી આપી શકે છે. આજે, ૪૪ વર્ષનો સમય થઇ ગયો હોવા છતાં રેડિયો પર સાંભળેલા શાસ્ત્રીજીના શબ્દો મારા કાનમાં હજી પણ ગુંજે છે: “ They have declared war on us. Let it be known that we can and will fight this war in their country at the time and place of our own choosing.” ભારત સ્વતંત્ર થયા બાદ તે દિવસે પ્રથમ વાર મને મારા વડા પ્રધાન પ્રત્યે અભિમાન અને ગૌરવની ભાવના થઇ. નહેરૂએ પોતાની અંગત પ્રતિષ્ઠા અને વિશ્વના શાંતિવાદી નેતા બનવા તેમણે ૧૯૪૮થી પાકિસ્તાનની અનેક થપ્પડો ખાધા બાદ ૧૯૬૨માં પોતાની વૈચારીક નિષ્ઠાના ભાઇ ચીનનો તમાચો ખાઇ દેશને શરમની ખાઇમાં ધકેલ્યો હતો. આવા અપમાનની આગમાં ભારતીય સેના હજી પણ તમતમતી હતી. દુશ્મનોની શરમવિહીન આડોડાઇને કારણે ભારતીય સેનાનો ક્ષોભ અને ક્રોધ ચરમ સીમા પર હતો. અમે ભારતની પ્રતિષ્ઠાને પાછી લાવવા તત્પર થઇ રહ્યા હતા. વડા પ્રધાનના વક્તવ્યથી અમારાં શિર ફરી એક વાર ઉન્નત થયા. આમાં અૉગસ્ટ વિતી ગયો.

સપ્ટેમ્બરની બીજી તારીખ હતી. રાત્રે મેસમાં જમીને સૅમીની સાથે હું મારા કૅરેવાન તરફ જતાં પહેલાં તેના ટ્રક પાસે રોકાયો. સાંજ ઘણી ખુશનુમા હતી તેથી હું તેની સાથે બેસી વાત કરતો હતો ત્યાં એક અણધારી વાત થઇ.

અમારા કૅમ્પની આસપાસ એક-બે કિલોમીટરના અંતર પર ત્રણ ગામ હતા. અચાનક આ ત્રણે ગામનાં લગભગ ૪૦-૫૦ કૂતરાં અમારા કૅમ્પના રમતગમતના મેદાનમાં કોણ જાણે કોઇ કુદરતી સંકેત થયો હોય તેમ ચારે બાજુથી આવ્યા, લગભગ એક કુંડાળું કર્યું અને સામુહિક રીતે રૂદન કરવા લાગ્યા.

મારી આંખ સામે મારૂં બચપણ ઉભું થયું. હું નવ વર્ષનો હતો. પિતાજી હિંમતનગરના મહારાજાના ‘મહેકમા ખાસ’માં અફસર હતા. સાંજનો સમય હતો. તેઓ હજી ઘેર નહોતા આવ્યા. અચાનક એક કુતરૂં અમારા ઘરની સામે આવીને પોક મૂકીને રડવા લાગ્યું. હું ગભરાઇ ગયો હતો. બાને તે વખતે પણ ઓછું સંભળાતું હતું, તેથી તેમની નજીક જઇ મેં બહાર શું થઇ રહ્યું હતું તે કહ્યું. બાએ તરત ભગવાન આગળ દીવો પેટવ્યો, પ્રાર્થના કરી અને મને કહ્યું, કૂતરાને હાંકી કાઢ. મેં તે પ્રમાણે કર્યું, પણ થોડી વારે તે પાછું આવ્યું. ફરી પાછું એ જ...
આઠ દિવસમાંજ બાબા’સાનું અવસાન થયું હતું. સૌરાષ્ટ્રમાં માન્યતા છે કે કૂતરાં યમરાજના સંદેશવાહક હોય છે અને પોતાના આગમનની સૂચના તેઓ કૂતરાના રૂદન દ્વારા કરતા હોય છે.

આજે આટલા બધા કૂતરાંઓનું રુદન સાંભળી મેં સૅમીને કહ્યું, “લડાઇ શરુ થાય છે. આ વખતે તો ભિષણ યુદ્ધ થવાનું છે. એંધાણ સારા નથી....”

વાત પૂરી કરૂં ત્યાં બટાલિયન હેડક્વાર્ટર્સમાંથી રનર (સંદેશવાહક) આવ્યો. આ વખતે તો તે ખરેખર દોડતો હતો.
“સર, સીઓ સાહેબે અબ્બી હાલ બધા અફસરોને યાદ કર્યા છે.”
સૅમી અને હું દોડતા જ હેડક્વાર્ટરમાં પહોંચ્યા.
કર્નલ રેજી ગૉને ટૂંકા પણ સાફ શબ્દોમાં હુકમ સંભળાવ્યો. “આપણી ડિવિઝન કાલે ઝીરો-ફાઇવ હંડ્રેડ કલાકે (પરોઢિયે પાંચ વાગે) અૅસેમ્બ્લી એરિયા તરફ કૂચ કરશે. આલ્ફા કંપનીના ‘troop carriers’ની સંખ્યા ઓછી હોવાથી તે ત્રણ તબક્કામાં લૉરીડ બ્રિગેડને અૅસેમ્બ્લી એરિયામાં લઇ જશે. બાકીની કંપનીઓ તેમના અૉપરેશનલ અૉર્ડર મુજબ deploy થઇ જશે. વિગતવાર હુકમ તમારા કંપની કમાંડર આપશે.”

મારી કંપનીમાં હવે ચાર અફસર રહ્યા હતા. છેત્રીની બદલી થઇ ગઇ હતી. 'આલ્ફા' કંપનીમાં મેજર લાલ, કૅપ્ટન ઇન્દ્રકુમાર, સૅમી અને હું હતા. નિયમ પ્રમાણે એક ઇન્ફન્ટ્રી બટાલિયનને ‘લીફ્ટ’ કરવા માટે ૩૦ ટ્રક જોઇએ. તેથી બ્રિગેડનું વહન કરવા માટે અમારી પાસે ૧૨૦ થ્રી-ટન ટ્રક હોવા જોઇએ તેને બદલે કેવળ ૭૫ ટ્રક્સ હતા. કંપની હેડક્વાર્ટરમાં ગયા બાદ મેજર લાલે હુકમ આપ્યો, “યુનિટમાં અફસરોની કમી હોવાને કારણે મારે બટાલિયન હેડક્વાર્ટરમાં રહેવું પડશે. ઇન્દ્રકુમારને ડેલ્ટા કંપનીમાં ડ્યુટી આપવામાં આવી છે, તેથી સૅમી કંપની હેડક્વાર્ટરમાં રહેશે.

"નરેન, હું તને મોટી જવાબદારી આપું છું. તું ૭૫ ટ્રક્સ લઇ બ્રિગેડ હેડક્વાર્ટર્સમાં રિપોર્ટ કરીશ. ત્યાં ગયા બાદ તને જણાવવામાં આવશે કઇ બટાલિયનને ક્યા સ્થાને પહોંચાડવાની છે. બ્રિગેડ મેજર તને વિસ્તારથી અૉપરેશનલ હુકમ આપશે, અને તારે તે પ્રમાણે તેનું પાલન કરવાનું છે. બ્રિગેડને નિયત સ્થળે પહોંચાડવાનું કામ તારે એકલાએ કરવાનું છે. બ્રિગેડને બૉર્ડર પર પહોંચાડ્યા બાદ કંપનીમાં પાછા આવીને મને રિપોર્ટ આપવાનો છે. Carry on!”

મારે કોઇ પણ કામ પર જવાનું હોય - ભલે તે એક દિવસ માટેનું કેમ નહોય, હું મારી જીપમાં પીવાના પાણીની બે-ત્રણ બૉટલ્સ, નાસ્તાના - ખાસ કરીને અમારી કૅન્ટીનમાં મળતા ટીનમાં પૅક કરેલ દાલમોઠના ડબા, પનામા સિગરેટનું કાર્ટન (તે વખતે હું કોઇ વાર ધુમ્રપાન કરતો! છી!!!), એક ડઝન દિવાસળીના બાકસ અને ટેવ નહોતી તેમ છતાં રમની બે બૉટલ્સ રાખતો. રાતની ટાઢમાં ગરમાવો અને શરીરમાં શક્તિ જાળવી રાખવા આગલું ભોજન ક્યાં અને ક્યારે મળે, કોને ખબર? મારા અંગત સામાનની હંમેશા તૈયાર રહેતી બૅગને જીપમાં નાખી હું ૭૫ થ્રી-ટન ટ્રક્સ લઇને નીકળ્યો. જીપ ચલાવનાર મારો ડ્રાઇવર હતો બિહારના હાજીપુર જીલ્લાનો શીવ પ્રસાદ ગુપ્તા. ૪૩ વર્ષના વાયરા વાયા, પણ મને તેનું નામ હજી પણ યાદ છે!

લડાઇમાં એક અનુભવી મેજરનો હોદ્દો ધરાવતા કંપની કમાંડરે કરવાનું કામ જ્યુનિયર-મોસ્ટ અફસર સેકન્ડ લેફ્ટનન્ટ, એટલે હું બ્રિગેડ હેડક્વાર્ટર્સમાં સવારે ચાર વાગે પહોંચ્યો ત્યારે બ્રિગેડ મેજર ચકિત થઇ ગયા. તેમણે કહ્યું, ‘તારા કંપની કમાંડરની જગ્યાએ તને મોકલ્યો છે? મને આશા છે કે તને જે જવાબદારી સોંપવામાં આવી છે તે તું હોંશિયારીપૂર્વક પાર પાડી શકીશ. ગુડ લક, યંગ મૅન.”

Monday, February 23, 2009

પડાવ...

ઝાંસી છોડીને લગભગ ૨૪ કલાક થયા હશે અને'મિલીટરી સ્પેશયલ'પંજાબના ‘ફ્લૅગ સ્ટશન’ જેવા બિઆસ સ્ટેશન પર રોકાઇ. અમારો પહેલો પડાવ જંડિયાલા ગુરુ નજીક આવેલા બાબા બકાલા નામના નાનકડા ગામડા પાસે હતો. અહીં જવાનો માટે તંબુ તાણવામાં આવ્યા. મેં થ્રી-ટન ટ્રકમાં કૅમ્પ-બેડ નાખ્યો અને તેમાં રહેવા લાગ્યો. જવાનોએ ટ્રકની નજીક બાથરૂમનો 40-pounder નાનકડો તંબુ બાંધ્યો અને બાજુના ખેતરમાં ‘ડીપ ટ્રેન્ચ ટૉઇલેટ’ બનાવ્યું. મારાથી પચાસેક મીટર દૂર સૅમીનો ‘કૅરેવાન’ હતો. બીજો હુકમ મળે ત્યાં સુધી અમારે અહીં રહેવાનું હતું.

બે અઠવાડિયા બાદ અનુરાધા અને બાના પત્રો આવ્યા. અનુરાધા વ્યવસ્થિત રીતે અમદાવાદ પહોંચી ગઇ હતી.

લડાઇ માટે અમે તૈયાર હતા. બસ, આગેકૂચના હુકમ મળવાની અમે રાહ જોઇ બેઠા હતા. રજા પર હજી બંધી હતી, ત્યાં એક મહિના બાદ અનુરાધાનો પત્ર આવ્યો. તેણે મને તાત્કાલિક અમદાવાદ બોલાવ્યો હતો.

અનુરાધાનાં પત્રો નિયમીત રીતે આવતા હતા. એક પત્રમાં તેણે જણાવ્યું કે તેની ડિલીવરી નવેમ્બરની આખરે આવે તેવું ડૉક્ટરે કહ્યું હતું. રિવાજ પ્રમાણે પહેલી ડિલીવરી પિયર થવી જોઇએ. “પિયર” આફ્રિકામાં હતું તેથી અનુરાધાને તેની મોટી બહેન કુસુમબહેને બોલાવી હતી. અનુરાધાના બનેવી બેલગામમાં આવેલ મરાઠા લાઇટ ઇન્ફન્ટ્રી સેન્ટરના ડેપ્યુટી કમાંડંટ હતા. તેમને મિલીટરી હૉસ્પીટલના ડૉક્ટર્સ સારી રીતે ઓળખતા હતા, તેથી અનુરાધા માટે બેલગામ સારું રહેશે એવું તેમણે જણાવ્યું હતું. હું પત્ર લખી ત્યાં જવાની મારી અશક્તિ જાહેર કરવાનો હતો ત્યાં જુલાઇની શરુઆતથી રજા પરનો પ્રતિબંધ ઉઠી ગયો. મને દસ દિવસની રજા મળી.

અનુરાધાની પ્રથમ ડિલીવરી અમારે ઘેર થાય એવી બાની ઇચ્છા હતી, પણ બે રૂમ-રસોડાવાળા અમારા મકાનમાં આટલા મોટા પરિવારની વચ્ચે અનુરાધાની ડિલીવરીમાં બધાને અગવડ થાય તેવું હોવાથી અમે બેલગામ જવાનું નક્કી કર્યું. મુંબઇમાં અમારા સગાંને ઘેર એક રાત રોકાઇ અમે બેલગામ ગયા. અનુરાધાના બહેન અને બનેવી - કર્નલ મધુસુદન- અમે તેમને ભૈયાસાહેબ કહેતા - અત્યંત પ્રેમાળ અને સજ્જન દંપતિ હતા. કર્નલસાહેબ જુની બ્રિટીશ આર્મીની પરંપરાના, બર્માના મોરચે બીજા વિશ્વયુદ્ધમાં જાપાની સેના સામે લડી આવેલા અફસર હતા. તેમની ‘બ્રધર અૉફિસર’ની ભાવના ખરેખર પ્રશંસનીય હતી. બેલગામ એક દિવસ રહી હું પાછો પંજાબ જવા નીકળ્યો.

એક તરફ પંજાબના મેદાનોમાં લડાઇની હાલતમાં રહેવાનું, બીજી તરફ બાની ચિંતા અને હવે અનુરાધા તેમનાથી દૂર બેલગામમાં કેવી રીતે રહેશે તેના વિચારોથી મન વ્યગ્ર થયું. સૂનાં લગ્ન થઇ ગયા હોવા છતાં આ વાતને ગુપ્ત રાખવાની હોઇ તે અમારી સાથે જ રહેતી હતી. એટલું જ નહિ, તે મંગળસૂત્ર પણ પહેરી શકતી ન હતી. અમારા કેટલાક આપ્તજન હજી પણ અમારાથી અતડા રહેતા હતા. આ જાણે ઓછું હોય, મારા માટે હવે ત્રણ ‘એસ્ટાબ્લીશમેન્ટ’ થયા હતા. અમદાવાદ, અનુરાધા બેલગામ હતી તેથી તેનો અંગત ખર્ચ અને મારો પોતાનો ખર્ચ. નસીબ અમને કઇ દિશામાં લઇ જશે, આગળ જતાં સૂનું શું થશે, તેના સાસુ-સસરા તેને સ્વીકારશે કે નહિ તેની ચિંતા અને વિચારોમાં ૩૬ કલાકનો પ્રવાસ પૂરો થયો. બિયાસ સ્ટેશન ક્યારે આવ્યું તેની ખબર ન પડી.

સ્ટેશન પર મુવમેન્ટ કન્ટ્રોલનો સાર્જન્ટ મારી પાસે આવ્યો. મારા યુનિટ વિશે તેને પૂછતાં તેણે જણાવ્યું કે મારી બટાલિયને બાબા બકાલાથી નીકળી જાલંધર નજીકના વગડામાં પડાવ નાખ્યો હતો. તેણે મને વળતી ટ્રેનમાં જાલંધર કૅન્ટ સ્ટેશનના મુવમેન્ટ કન્ટ્રોલ અૉફિસરને રીપોર્ટ કરવાનું કહ્યું.

સાંજના સમયે બટાલિયનમાં પહોંચ્યો. મારા અૉર્ડર્લીએ મારા ઉતારો તૈયાર કરી રાખ્યો હતો: એક ઝાડની નીચે મારો ટ્રક - “સિગરામ” હતો. બાજુમાં નાનકડા તંબુમાં બાથરૂમ બનાવી હતી. કૅરેવાનની પશ્ચિમ દિશામાં સારો છાંયડો જોઇ તેણે ત્યાં કૅમ્પ સ્ટૂલ અને કૅમ્પ ચૅર ગોઠવી હતી. ઉપર આકાશ, સામે ખુલ્લી જમીન અને ધીરે ધીરે પ્રકટ થતા તારક સમૂહને જોઇ વિમાસી રહ્યો હતો એકાકિ જીવ.

આજે પહેલી વાર મારી જાતને મેં એક જીપ્સી તરીકે જોઇ.

Saturday, February 21, 2009

કૌન દેસ હૈ જાના?

િમલીટરી સ્પેશીયલ ટ્રેન સૈનિકોથી ખીચોખીચ ભરાયેલી હતી. અપરિણીત અફસરો એક બીજા સાથે મજાક કરી રહ્યા હતા. કેટલાક સિગરેટની ધુમ્રસેરનો આધાર લઇ પોતાની ભાવના, પોતાના વિચારોને તન અને મનમાંથી બહાર કાઢવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. એટલામાં હરીશ શર્મા અને તેનાં પત્નિ અમારી પાસે આવ્યા અને અમને કોઇ વાતની ચિંતા ન કરવા કહ્યું. હરીશે કહ્યું કે તેના વૃદ્ધ માતા પિતા જોધપુરથી એક બે દિવસમાં ઝાંસી આવી પહોંચવાના હતા. અનુરાધાનું અને મિસેસ શર્માનું તેઓ દીકરીની જેમ ધ્યાન રાખશે તેથી મારે મારાં પત્નિની ચિંતા કરવાની નથી તેવું કહ્યું. એટલામાં ઇન્દ્રકુમાર પણ ત્યાં પહોંચ્યો અને જણાવ્યું કે એક અઠવાડીયામાં અફસરોની પત્નિઓને ઘેર જવા માટે ખાસ રીઝર્વેશન મળી જશે, અને અમારા ઓર્ડર્લીની સાથે અનુરાધાને ઠેઠ અમદાવાદ સુધી મોકલવામાં આવશે. એટલામાં પહેલી સીટી વાગી, અને ટ્રેન કમાંડરે સૌને ટ્રેનમાં ચઢવાનો હુકમ આપ્યો. હવે ગાર્ડે સિટી વગાડી. મિલીટરી સ્પેશીયલ માઇલો લાંબા પ્લૅટફોર્મને છોડી અજાણ્યા સ્થળે જવા નીકળી પડી.

ડબાના દરવાજામાં ઉભા રહી અનુરાધાનો ચહેરો લુપ્ત થાય ત્યાં સુધી હું હાથ હલાવી તેને વિદાય આપતો રહ્યો. ત્યાર બાદ લાંબા સમય સુધી હું ટ્રેનના બારણામાં ઉભો ઉંડા વિચારમાં ખોવાઇ ગયો. માણસ પૃથ્વી પર આવે તે પહેલાં તે શું અને કોણ હોય છે? ધરતી પર અવતરતાં પહેલાં પણ તે અવકાશમાં વિહરતો આત્મા હોય છે. સાંભળ્યું છે કે વ્યક્તિનો જન્મ થતાં પહેલાં તેના આત્મા પર કર્મ તથા સંબંધોના આવરણ ચઢી જતા હોય છે. નહિ તો અમુક જ પરિવારમાં તે શા માટે જન્મતો હોય છે? મનુષ્યના જન્મ પહેલાં તેના જીવાત્મામાં ઉમેરાય છે સ્નેહ સંબંધ, ઋણ સંબંધ, અપેક્ષા સંબંધ અને કમનસીબે જો અવતરેલો આત્મા સ્ત્રી તરીકે જન્મે તો તેના પર ચાર ગણા ભારનું આવરણ ચઢતું હોય છે. કન્યાની વાત કરીએ તો તેને હંમેશા એક વાતનો અહેસાસ કરાવાતો હોય છે કે તે પારકું ધન છે, દીકરી એટલે સાપના ભારા...... બાની જ વાત જુઓને! જન્મ્યા ત્યારથી તેમણે કેટકેટલા ભાર ઉઠાવ્યા હતા! પાંચ વર્ષની વયે પિતાનું અવસાન, ૧૮-૧૯ વર્ષનાં થયા ત્યારે માતાનું છત્ર ખોયું અને ૨૯મા વર્ષે વૈધવ્ય. ચાર સંતાનોને ઉછેરવાની જવાબદારી તેર વર્ષ સુધી એકલા પંડે ઉપાડી હતી. અને અનુરાધા? પરદેશમાં જન્મેલી આ યુવતિ દારેસલામમાં માતા-પિતા અને ભાઇબહેનોનો મોટો પરિવાર છોડીને એકલી ભારતમાં આવી હતી. હમણાં જ અમારા લગ્ન થયા હતા, અને હવે? હું તેને મિત્ર-પત્નિના આશ્રય પર છોડીને જઇ રહ્યો હતો. અમદાવાદ સુધીનો ચોવિસ કલાકનો પ્રવાસ તે એકલી કેવી રીતે કરી શકશે? ત્યાં ગયા પછી તે કેવી રીતે રહેશે તેનો વિચાર કરવાની મારામાં હિંમત નહોતી. અંતે ડબાનું બારણું બંધ કરી મારા સાથીઓ પાસે જઇ બેઠો.

ટ્રેન પુરપાટ ઝડપે જઇ રહી હતી. મારા એકલાના જ નહિ, બા, અનુરાધા, મારી બહેનો, બધાનાં જીવનની એક નવી યાત્રા શરૂ થઇ હતી. જીવનના રેલપથ પર એક ડબાના પ્રવાસીઓની જેમ ભલે સાથે પ્રવાસ કરતા લાગે, પણ પરમ સત્ય તો એ છે કે દરેક માણસ માટે જીવન પોતાની વ્યક્તિગત યાત્રા હોય છે. દરેકનો આખરી પડાવ જુદો હોય છે. ‘ઉતરવાના સ્ટેશન’ના વિચારમાં સહયાત્રીઓના સંગાથમાં રહીને પણ દરેક માણસ એકાકિ હોય છે. મારા પરિવારની વાત કરું તો અમારા પ્રવાસની મંઝીલ ક્યાં છે તેનો ન તો મને ખ્યાલ હતો, ન મારા પ્રિયજનોને.

અત્યારે તો હું એક અજાણ્યા પથ પર એકલો પ્રવાસ કરી રહ્યો હતો. મને મારા ગંતવ્યસ્થાનની સુદ્ધાં જાણ નહોતી. મને બાબા સા’-મારા પિતાજીના રૅકોર્ડ્ઝના સંગ્રહમાંનું પંકજ કુમાર મલ્લીકનું સાંભર્યું - કૌન દેસ હૈ જાના બાબુ, કૌન દેસ હૈ જાના?

... ખરે જ, આ જીવ ક્યાંથી આવ્યો હતો અને ક્યાં જઇ રહયો હતો?

Friday, February 20, 2009

"કૂચ કરો આગે...."

યુદ્ધ માટે કૂચ કરવાનો હુકમ સાંભળી મારૂં મન રોમાંચીત થયું. જે સ્વપ્ન લઇને હું િમલીટરીમાં જોડાયો હતો તે આટલી ત્વરાથી સત્ય બનીને મારી સામે આવશે એવી કદી કલ્પના નહોતી કરી. બીજું સત્ય અમારા ઘરમાં બાળકનું આગમન થવાનું હતું તે એટલું જ અનપેક્ષીત હતું.

ઉનાળાની સખત ગરમીમાં ઝાંસીના ઉજ્જડ પ્લૅટફોર્મ પર વિદાય આપવા અફસરોની તથા જવાનોની પત્નિઓ આવી હતી. આપણે સિનેમામાં જોઇએ તેનાથી તદ્દન જુદું આ દૃશ્ય હતું. અહીં નહોતું ભાવપ્રદર્શન, નહોતું એક બીજાને અપાતું ‘છેલ્લું આલિંગન' કે રણ મેદાને જતા પતિને કરાતું કંકુ-ચોખાનું તિલક! “મારા કેસરભીના કંથ હો, સિધાવોજી રણવાટ” કે ભાવનગરના કૅપ્ટન જોરાવરસિંહજી બીજા વિશ્વયુદ્ધમાં ગયા તે વખતે ગવાયેલ ‘જોરૂભા સાયેબ, જરમર જીતીને વે’લા આવજો’ જેવાં ગીત ગવાતા ન હતા. સૈનિકની ઉચ્ચતમ પરીક્ષાની ઘડી યુદ્ધ હોય છે. તેના માટે ખાસ યુનિફૉર્મ અને હેલ્મેટ પહેરેલા, ભાવવિહીન લાગતા સૈનિકના મનમાં શું ચાલી રહ્યું છે એ તો ફક્ત પરમાત્મા અને - સૈનિક જ જાણે. અહીં ભલે મેં સૈનિકની વાત કરી, પણ તેને વિદાય આપવા આવેલ તેમની પત્નિઓના મનમાં શું ચાલતું હતું તેને કોણ પામી શક્યું હશે? નવવધુઓ, ગોદમાં ધાવણા બાળકને લઇ આવેલી સૈનિક પત્નિઓ અને તેમનાં ઘરડાં મા બાપ આ બળબળતી બપોરના વૃક્ષહિન ઝાંસીના સ્ટેશન પર તે સમયે ગંભીરતાપૂર્વક ઉભા હતા. તેઓ ઉર્મિપ્રદર્શન કરી તેમના પતિ કે પુત્રના મનમાં કમજોરીનો ઓછાયો પણ આવવા દેવા માગતા નહોતા. બધા શાંત હતા. હિંદી શબ્દપ્રયોગ "આંસુ પીના" મને ત્યારે સમજાયો.

૨૪મી એપ્રીલ ૧૯૬૫: અમારાં લગ્નને ફક્ત અઢી મહિના થયા હતા અને વિખુટા પડવાના સંજોગ અચાનક આવી ગયા. પ્લૅટફૉર્મ પર અમે બન્ને જણા મૂક હતા. અમારા લગ્નજીવનમાં ઉભા થઇ રહેલા પ્રસંગો એવી ત્વરીત ગતિથી બની ગયા કે અમે યુદ્ધની ભયંકરતા તથા કાયમનો બની શકે તેવા વિયોગનો વિચાર સુદ્ધાં કરી ન શક્યા. લડાઇમાં મને કશું અજુગતું થાય તો દિલાસો આપવા તેના માતાપિતા હજારો માઇલ દૂરથી કદાચ આવી પણ ન શકે - આ બધી વાતો અનુરાધાની સમજમાં આવી નહોતી. તે એવી આઘાતજન્ય સ્થિતિમાં હતી કે મિલીટરી ટ્રેનમાં અમને ‘રવાના’ કરવાનો વિધી તે જોઇ તો રહી હતી, પણ તેના પરિણામોનો તેને જરા સુદ્ધાં અહેસાસ નહોતો. લડાઇની ભયાનકતા, અને તેની સાથે ઉદ્ભવતી જીવનની અનિશ્ચીતતાનો, એક પુત્રવધુ તરીકે તેના પર આવનારી જવાબદારીનો તેને કોઇ ખ્યાલ હતો કે નહિ તે કહેવું મારા માટે અશક્ય હતું. એ તો વિસ્મયના સાગરમાં ડુબી ગઇ હતી. હું પણ મારા જવાનોની સંખ્યા, કેટલા લોકો હાજર છે તેનું લિસ્ટ બનાવવામાં, મારી પ્લૅટુનની ગાડીઓ રૅક (સપાટ ડબાઓ) પર ચડાવાઇ છે કે નહિ તેની તપાસમાં, અને તેનો રીપોર્ટ કંપની કમાંડરને આપવાની ભાંજગડમાં એવો રોકાયો હતો કે અનુરાધાના મનમાં શું ચાલી રહ્યું છે, તેને હિંમત અાપવાની જરૂર છે આ વાતોનો વિચાર કરવા માટે હું અસમર્થ હતો. આ દેશમાં આમ જોવા જઇએ તો તે લગભગ એકાકિ હતી. તેની માતા, તેનાં ભાંડુઓ અને બાકીનો પરિવાર- બધાં દારેસલામ હતા. અલબત, અનુરાધા માટે બા હતા પણ બાકીના મારા પરિવાર માટે તે સાવ અજાણી વ્યક્તિ હતી. તે સમયે મને આ વાતોનો જરા જેટલો વિચાર નહોતો આવ્યો.

આજે ચાળીસ વર્ષનાં વહાણાં વાયા બાદ આ લખવા બેઠો ત્યારે તેનો વિચાર કરું છું, અને મનમાં ધિક્કારની લાગણી ઉભી થાય છે: તે વખતે શું હું એટલો પાષાણ હૃદયનો હતો કે ઝાંસીના સ્ટેશન પર એકાકિ એવી અનુરાધાની ભાવનોઓનો મને લગીરે વિચાર ન આવ્યો? ઝાંસીના પ્લૅટફૉર્મ પર શું થઇ રહ્યું છે તે અમદાવાદમાં બેઠેલાં બાને જાણવા મળશે તો તેમને કેટલો આઘાત લાગશે? પોતાનો એક માત્ર સૈનિક દીકરો લગ્નના બે-ત્રણ મહિનાની અંદર જ યુદ્ધના મોરચે જવા નીકળ્યો હતો તેની માહિતી મળતાં તેમની સ્થિતિ કેવી થશે તેનો પણ વિચાર મને તે વખતે આવ્યો નહોતો. શું હું એટલો naive હતો કે મારી કંપની, મારી જવાબદારી, મારી ફરજનો વિચાર કરવામાં મને મારી માતા અને પત્નિનો પણ ખ્યાલ ન આવ્યો? મારૂં મન ક્યાં પરોવાયું હતું?

Wednesday, February 18, 2009

૧૯૬૫: જીવનનો સંગ્રામ

લંગર ગપ સાચી નીવડી!

સામાન્ય રીતે અફસરોના એક યુનિટમાં પોસ્ટીંગ ત્રણ વર્ષ માટે થતા હોય છે. મારી બદલી ભારતની શિરમોર અને ગૌરવશાળી ગણાતી ફર્સ્ટ્ આર્મર્ડ ડિવિઝન - Black Elephant Divisionની Troop Carrier કંપનીમાં થઇ. તે જમાનામાં આપણી સેનામાં APC (આર્મર્ડ પર્સનેલ કૅરીયર) એટલે લડાઇમાં આક્રમણ કરતી ટૅંક્સની સાથે પાયદળના જવાનોને લઇ જવા માટેની હળવી બખ્તરબંધ ગાડીઓ નહોતી. મારી ટ્રુપ કૅરીયર કંપનીનું કામ ‘થ્રી-ટન’ ટ્રકમાં ઇન્ફન્ટ્રીના ૩૦૦૦ સૈનિકોને લઇ, દુશ્મનના આગ ઝરતા બૉમ્બાર્ડમેન્ટની પરવા કર્યા વગર તેમને લક્ષ્ય સુધી લઇ જવાનું હતું. યુદ્ધમાં મારી કંપની ઇન્ફન્ટ્રી બ્રિગેડનું એક અવિભાજ્ય અંગ હતી.

રણક્ષેત્રમાં ‘બ્લૅક એલીફન્ટ’ના નામ માત્રથી દુશ્મનોનાં હાંજા ગગડી જતા. આનું મુખ્ય કારણ હતું તેમાં રહેલા વિશ્વ વિખ્યાત રિસાલા - પુના હૉર્સ, હડસન્સ હૉર્સ, ૧૬મી કૅવેલ્રી, ૬૪મી કૅવેલ્રી તથા આપણા ગુજરાતના જનરલ રાજેન્દ્રસિંહજીની સેકન્ડ લાન્સર્સ. તેમની ભારે સેન્ચ્યુરીયન ટૅંક્સના અવાજમાત્રથી દુશ્મન ગર્ભગલિત થઇ જતા. આપણા ટૅંક કમાંડરોની નિશાનબાજી અપ્રતિમ હોઇ તેમની સામે લડવા આવવા કોઇની હિંમત ચાલતી નથી. આ ડિવિઝનના કોઇ પણ યુનિટમાં પોસ્ટીંગ પર મોકલવામાં આવતા અફસરની કાબેલિયત પૂરી રીતે ચકાસવામાં આવતી. મારા માટે આ બદલી પરમાત્માની કૃપા સમાન હતી.

નવા યુનિટમાં રીપોર્ટ કરતાં પહેલાં મને લગ્ન માટે એક મહિનાની રજા મળી. ૭ ફેબ્રુઆરીના રોજ અનુરાધા સાથે મારાં લગ્ન થયા.
ગ્વાલિયર છોડતાં પહેલાં મને સમાચાર મળ્યા હતા કે મારી કંપની ઇન્ફન્ટી બ્રિગેડ સાથે યુદ્ધના પ્રશિક્ષણ માટે ઝાંસીથી દૂર શુષ્ક પ્રદેશમાં હતી, તેથી અનુરાધાને ઘેર મૂકી હું એકલો ઝાંસી ગયો. અૉફિસર્સ મેસમાં સામાન મૂકી હું પ્રશિક્ષણ વિસ્તારમાં આવેલા કૅમ્પમાં પહોંચી ગયો અને મારા કંપની કમાંડર મેજર લાલ પાસે ડ્યુટી માટે રજૂ થયો. મેજર લાલ એક ખુશમિજાજ અફસર હતા. શિકાર, સ્વાદિષ્ટ ભોજન અને બ્રીજ તથા જીનની રમતમાં તેમને વિશેષ રૂચિ હતી. અમારી કંપનીમાં મારા સાથીદારો કૅપ્ટન ઇન્દ્રકુમાર, રમાશંકર સમદ્દદર ઉર્ફે સૅમી અને છેત્રીને મળ્યો. બધા જ સારા અફસર હતા. બ્રધર અૉફિસર્સ.

યુદ્ધની સ્થિતિમાં આર્મર્ડ ડિવીઝનનું કામ દુશ્મન પર ત્વરીત અને ઓચિંતો હુમલો કરી દુશ્મનને અચંબામાં નાખી તેને પરાસ્ત કરવાનું હોય છે. આપણી ભારે સેંચ્યુરીયન ટૅંક્સના અવાજ માત્રથી દુશ્મન ભયગ્રસ્ત થઇ જતા. ભારતની પહેલી આર્મર્ડ ડિવીઝને બીજા વિશ્વયુદ્ધમાં આવી જ ખ્યાતિ પ્રાપ્ત કરીને “ફખ્ર-એ-હિંદ”- ભારતનું ગૌરવનું બિરુદ પ્રાપ્ત કર્યું હતું. અમારી ડિવીઝને વિજળીની જેમ દુશ્મન પર ત્રાટકી, દુશ્મનને પરાસ્ત કરી, તેજ ગતિથી આગળ વધવાનું, અને એક રણક્ષેત્રમાંથી બીજા ક્ષેત્રમાં ઝડપથી વધવાનું કામ કરી બતાવ્યું હતું. આ કાર્ય કુશળતાપૂર્વક થઇ શકે તે માટે અમારી આર્મર્ડ ડિવિઝન શાંતિના સમયમાં સતત પ્રૅક્ટીસ કરતી હોય છે.

મિલીટરીના કોઇ પણ યુનિટમાં આવતા નવા અફસરોની વૈયક્તિક અને યુદ્ધના સમયમાં પોતાના સૈનિકોને નેતૃત્વ પૂરૂં પાડવાનું પ્રશિક્ષણ આપવાની જવાબદારી ૧૫-૨૦વર્ષના અનુભવી અને યુદ્ધ કળામાં પૂરી રીતે નિપૂણ થયેલા કંપની કમાંડરની હોય છે. આના માટે તેમણે મક્કમતાપૂર્વક નવા અફસરોને અક્ષરશ: પલોટવા પડે છે. યુદ્ધ માટે તૈયાર રહેવા માટે લડાઇ જેવી સ્થિતિ ઉભી કરી ચડાઇ, આક્રમણ, સંરક્ષણ વિગેરે જેવા પ્રયોગ કરાવવામાં આવે છે. આવી મોટા પાયા પરની - દસ હજાર સૈનિકોની સંયુક્ત ‘એક્સરસાઇઝ’ વર્ષભર ચાલતી જ હોય છે. તેમાં ખાસ કરીને અફસરોને તો યુદ્ધ માટે જરૂરી ‘બૅટલ ડ્રીલ’ અને ‘બૅટલ પ્રોસીજર’ નો પ્રયોગ ઉંઘમાં પણ કરી શકે એટલી હદ સુધી તૈયાર કરવામાં આવે છે. અહીં તેમને તલવારની ધાર જેવી તીક્ષ્ણ સંગ્રામ વૃત્તિ, તેજ પ્રતિઘાત કરવા માટે જરૂરી પ્રસંગાવધાન અને પરિસ્થિતિ પર ઝડપથી કબજો કરવાની કેળવણી મળતી હોય છે.

અમારી પ્લૅટૂનો ‘રણમેદાન’માં હતી, તેથી હું પણ અન્ય અફસરો સાથે કંપની હેડક્વાર્ટરમાં કમાંડરના બ્રીજ ક્લબમાં જોડાયો. સવારે બ્રેકફાસ્ટ બાદ બ્રીજ, બપોરે લંચ અને ત્યાર પછી આખો દિવસ બ્રીજ! મારા નવા યુનિટના ‘મજેદાર’ વાતાવરણથી હું ખુશ થઇ ગયો હતો! પણ તેનું નુકસાન મને જ થયું. યુદ્ધની સ્થિતિમાં મારે શું કરવું જોઇએ તેનું મને જ્ઞાન ન મળ્યું. કંપનીમાં સૅમી મારો ‘કોર્સ-મેટ’ હતો. અમે પુનામાં સાથે ટ્રેનિંગ કરી હતી. સેનામાં જોડાતાં પહેલાં તેણે બ્રિટનની બ્રિસ્ટલ યુનિવર્સિટીમાં ત્રણ વર્ષ રહી વેટેરિનરી સાયન્સમાં અભ્યાસ કર્યો હતો, તેથી અંગ્રેજી ફાંકડા ઉચ્ચારથી બોલતો. ગમે તે હોય, હું તેને મારો ગાઢ મિત્ર માનવા લાગ્યો.

એક મહિનાની એક્સરસાઇઝ પૂરી થયા બાદ અમે ઝાંસીમાં આવેલા અમારા કૅન્ટોનમેન્ટમાં ગયા. આ સમયમાં અમારી રેજીમેન્ટની પુનર્રચના થઇ. આર્મર્ડ ડિવિઝનને મુખ્ય ‘લૉજીસ્ટીકલ સપોર્ટ’ આપવાનું કામ અમારી ચાર સ્વતંત્ર કંપનીઓનું હતું. નવી યોજનામાં આ ચારે કંપનીઓને એક બટાલિયનમાં સંગઠીત કરવામાં આવી. ડિવીઝનલ કમાંડરના લૉજીસ્ટીકલ સલાહકાર કર્નલને નવી બટાલિયનના CO (કમાંડીંગ અૉફિસર) બનાવવામાં આવ્યા. અમારા નવા કમાંડર આયરીશ-ભારતીય કર્નલ રેજીનૉલ્ડ (રેજી) ગૉન હતા. મારી કંપનીનું નવું નામકરણ થયું ‘આલ્ફા’ કંપની.
થોડા સમયમાં મને ફૅમિલી ક્વાર્ટર મળ્યું, પણ અમદાવાદમાં સૂ-અરૂણના કારણે નિર્માણ થયેલી કૌટુમ્બીક પરિસ્થિતિને લીધે બાએ અમારી સાથે આવવાની ના કહી. તેઓ સૂ તથા ડૉલીને અમદાવાદમાં એકલા મૂકીને આવવા તૈયાર નહોતા. મારૂં એક મહિના પર લગ્ન થયું હોવાને કારણે બાએ અનુરાધાને મારી સાથે જવાની રજા આપી. અમારી સાથે બા ન આવી શક્યા તેનું મને અત્યંત દુ:ખ થયું, પણ બીજો કોઇ રસ્તો નહોતો. ૧૦મી માર્ચ ૧૯૬૫ના રોજ અમે ઝાંસી પહોંચ્યા.

આર્મર્ડ ડિવિઝનની પ્રશિક્ષણની બધી પ્રક્રિયાઓ પૂરી થઇ હતી તેથી અફસરો અને જવાનો માટે હવે શાંતિનો સમય આવ્યો હતો.

૨૨મી એપ્રીલ ૧૯૬૫ના રોજ સવારે યુનિટમાં જતાં પહેલાં અનુરાધા અને હું બ્રેકફાસ્ટ કરવા બેઠા હતા ત્યાં મોટર સાયકલ પર મારંમાર કરતો ડીસ્પૅચ રાઇડર અમારા બંગલા પર આવ્યો. મને સૅલ્યુટ કરી કહ્યું, “સર, આપને કંપની કમાંડર સાહેબે તાત્કાલિક યાદ કર્યા છે. એક અર્જન્ટ મિટીંગ છે.” હું તરત હેડક્વાર્ટર્સ પર પહોંચ્યો. મિટીંગમાં મેજર લાલે અમને હુકમ સંભળાવ્યો:

"આર્મર્ડ ડિવિઝન હવે પછી જાહેર કરાનારા યુદ્ધક્ષેત્રના વિસ્તારમાં જશે. આપણી બટાલિયન ઝાંસી સ્ટેશનેથી ૨૪મી એપ્રીલના રોજ અજાણ્યા સ્થળે જવા રવાના થશે. જે અફસરોની ફૅમિલી ઝાંસીમાં છે તેઓ તેમના ક્વાર્ટર્સમાં રહી શકશે. જેમને પોતાને વતન જવું હોય તેમનું રીઝર્વેશન તથા ઘર સુધી રક્ષક મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી છે. સાંજ સુધીમાં મને રીપોર્ટ જોઇએ કે તમારી પ્લૅટૂનના જવાનો, તેમના હથિયાર, પ્લૅટૂનની ગાડીઓ અને સામગ્રી યુદ્ધ માટે કૂચ કરવા પૂરી રીતે તૈયાર છે."

તે દિવસે અમારા લગ્નને બરાબર અઢી મહિના થયા હતા.

Sunday, February 15, 2009

હળવી પળો અને લંગર ગપ...

મિલીટરીમાં આવતી કાલની ખબર નથી હોતી, તેથી હાસ્ય, મજાક અને આનંદ-પ્રમોદની જેટલી તક મળે, પૂરા ઉત્સાહથી ઉજવવામાં આવે છે.ગ્વાલિયર આવીને મિત્રોને મેં મારા લગ્નાનુબંધના સમાચાર આપ્યા તો તેઓ ખુશ થઇ ગયા. બે દિવસ સુધી પાર્ટીઓ ચાલતી રહી.

ગ્વાલિયરમાં તે સમયે લગ્નસરા ચાલતી હતી. ગ્વાલિયરના રાજપરિવાર તથા તેમના ગરાસદારો તરફથી યોજાતા લગ્ન સમારંભના કાર્યક્રમોમાં મિલીટરીના અફસરોને નિમંત્રણ મળતું. મારા યુનિટમાં સુરેશ નંદ ધસ્માના નામના અતિ સજ્જન ગઢવાલી અફસર હતા. એક દરબાર સાહેબના પુત્રના લગ્નમાં ભાગ લેવા માટે અમને નોતરું મળ્યું. રાત્રિ ભોજન બાદ મુજરાનો કાર્યક્રમ થયો. નૃત્ય કરનારાં બહેન બક્ષીસ લેવા માટે એક પછી એક દરેક અામંત્રીત પાસે જતાં, તેમની સાથે થોડા નખરાં કરી, ઇનામ લઇ આગળ વધતાં. જ્યારે તેઓ અમારી પાસે પહોંચ્યા,ધસ્માના પોતાની જગ્યા પરથી ઊઠી ગયા. બે પગલાં પાછળ હઠી તેમણે બન્ને હાથ જોડી નર્તકીને કહ્યું, “દેવી, દૂર રહો! હમ ઇનામ ભીજવા દેંગે!!” મુજરામાં હાજર રહેલ એકે એક વ્યક્તિ - પેલાં નર્તકી બહેન પણ ખડખડાટ હસી પડ્યા! બીજા દિવસે આ વાત આખા કેન્ટોનમેન્ટમાં ફેલાઇ ગઇ અને અમારા યુનિટમાં કોઇ આવે તો પૂછતા, “વહ ‘દેવી દૂર રહો’વાલે લેફ્ટનન્ટ કહાં હૈં?"

આવી જ રીતે અમારા કૅમ્પમાં મનોરંજનના કાર્યક્રમ અૉફિસર્સ ઇન્સ્ટીટ્યૂટમાં યોજાતા. કાર્યક્રમમાં હાજર થવા માટે અફસરો માટે ‘ડ્રેસ કોડ’ જાહેર કરવામાં આવતો. સિંધિયા રાજપરિવારના સદસ્ય આવવાના હોય ત્યારે સૂટ, અને બાકીના કાર્યક્રમોમાં ગ્રે ફલૅનલની પૅન્ટ, રેજીમેન્ટલ ટાય અને સર્જના કાપડનો ભુરા રંગનો બ્લેઝર પહેરવાનો રિવાજ હતો. એક વાર અચાનક કાર્યક્રમ યોજાયો અને અર્ધા કલાકમાં અમારે ઇન્સ્ટીટ્યૂટમાં પહોંચવાનું હતું. તે દિવસે અમારા મિત્ર કાછુ મુકરજી પોતાનો બ્લેઝર યુનિટમાં ભુલી આવ્યો હતો. તેનું કંપની હેડક્વાર્ટર એક માઇલ દૂર હતું. તેણે તેના નવા ગોરખા અૉર્ડર્લીને બોલાવીને કહ્યું, “સૂર્જા બહાદૂર, આપણું કંપની હેડક્વાર્ટર ક્યાં છે તે તું જાણે છે?”
“જી શાબ.”
“સાંભળ, કંપની અૉફિસમાં મારો નીલા રંગનો કોટ લટકે છે...”
“તપાઇકો (આપનો) બ્લેઝર?”
“હા, તું ત્યાં જઇ બ્લેઝર લઇ આવ. અને જો, ઉતાવળ છે તેથી મારી સાઇકલ લઇ જા, અને મારંમાર પાછો આવ."

વીસ મિનીટ થઇ, પણ સૂર્જા બહાદુરનું ઠેકાણું નહોતું. અહીં કાછુ ઉંચો નીચો થતો હતો. અંતે તેણે બહાર જઇને જોયું તો દૂરથી સૂર્જા બહાદુરને એક ખભા પર સાઇકલ અને બીજા ખભા પર બ્લેઝર રાખી દોડીને આવતાં જોયો. જ્યારે તે હાંફતો હાંફતો અમારી પાસે પહોંચ્યો ત્યારે કાછુએ પૂછ્યું, “તુમ સાઇકલ પર બૈઠકે ક્યું નહિ આયા?”
“શાબ, હમારેકો શાઇકલ ચલાના નહિ આતા.”
“તો ફીર સાઇકલ ક્યું લે ગયા?
“શાબ, આપને હુકમ કિયા શાઇકલ લે કે જાના, હમ શાઇકલ લે ગયા.”

* * * * * * * * *

સિંગલ અૉફિસર્સ મેસમાં અમારી સાથે મિલિટરી હૉસ્પીટલના ડૉક્રટરો રહેતા. કોઇ વાર સાંજે તેમને મળવા અમે હૉસ્પીટલ જતા. આર્મી મેડીકલ કોરના નર્સીંગ આસિસ્ટંટ તથા જનરલ ડ્યુટી સિપાહી મુખ્યત્વે દક્ષીણ ભારતના હોય છે. તેમાં પણ તામિલનાડુ અને કેરળના જવાનોની સંખ્યા વધારે. ફિલ્મોમાં તેમના હિંદી ઉચ્ચાર પર ઘણા વિનોદ કરવામાં આવે છે અને તેમાં થોડું ઘણું સત્ય છે.
મિલીટરી હૉસ્પિટલમાં જવાન, નૉનકમીશન્ડ અૉફીસર (NCO) તથા જ્યુનિયર કમીશન્ડ અૉફિસર્સ (JCO) માટે જુદા ભોજન ખંડ હતા. તે પ્રમાણે પાટિયાં ચિતરીને હૉલની બહાર ટાંગવામાં આવતા. JCOsને ફોજમાં સરદાર કહેવામાં આવે છે. તેમની મેસ પર એક હિંદી ભાષીક સૈનિકે ચિતરેલું બોર્ડ, “सरदारोंका खाना खानेका कमरा”। જુનું થયું હતું. નવું બોર્ડ બનાવવાનો હુકમ થયો અને કામ લીધું કેરળના જવાને.

તેણે બનાવેલું નવું પાટીયું હતું, “सरदारोंका काना कानेका कमरा” મલયાલમમાં ‘ખ’નો ઉચ્ચાર નથી.

દસે’ક દિવસ બાદ હું મિલિટરી હૉસ્પિટલમાં ગયો તો ત્યાં એક જવાન નવું પાટિયું લખી રહ્યો હતો. લખનાર તામિલ જવાન હતો. તામિલમાં ‘ગ’નો ઉચ્ચાર ‘ક’ થાય છે - જેમકે ત્યાંના અર્થશાસ્ત્રના લેખકનું નામ છે “અારોકિયાસ્વામી” જે “આરોગ્યસ્વામી”નો તમીળ ઉચ્ચાર છે. નવા ચિત્રકારે અતિશુદ્ધતા લાવવા ‘ક’નો સાચો ઉચ્ચાર ‘ગ’ છે સમજી નવું પાટિયું બનાવવા લીધું - “सरदारोंका गाना गानेका कमरा”. મેં ડ્યુટી મેડિકલ અૉફિસર કૅપ્ટન ગોખલેને આ બોર્ડ બતાવ્યું. તેઓ ખડખડાટ હસી પડ્યા અને પાટિયું ફરીથી ચિતરાવ્યું!

આવી જ રીતે પંજાબની ગુરમુખી લિપીમાં જોડાક્ષર નથી હોતા. આના કારણે તેમના અંગ્રેજી શબ્દોના ઉચ્ચારણમાં ઘણા છબરડા થતા. અમારા પુનાના ઇન્સ્ટ્રક્ટર કર્નલ રંધાવા ‘સપોર્ટ કંપની’નો ઉચ્ચાર ‘સ્પોર્ટ કંપની’ કરતા. ‘સ્કૅટર્ડ’નો ઉચ્ચાર ‘સકૅટર્ડ’ અને ‘કર્નલ સ્ટૅન્લીને’ ‘સટૅન્લી’! આવા ઉંધા-ચત્તા ‘સ’ના જોડાક્ષરનો નમુનો ભુજમાં જોવા મળ્યો: માધાપુર રોડ પરના આર્મી ‘સપ્લાય ડેપો’નું એક સિખ સિપાઇએ મોટું બોર્ડ બનાવ્યું “સ્પલઇ ડીપુ”! આવા ઉચ્ચારણને કારણે મારા કૅડેટ-કાળમાં મને એક વાર શિક્ષા મળી હતી.

અમારા કૅડેટ સાર્જન્ટ મેજર સંધનવાલીયા નામના અમૃતસરના સિખ હતા. સાંજે હુકમ સંભળાવતી વખતે તેમણે કહ્યું, “સિક્રિબિલીંગ અૉન વિઝીટર્સ બૂક ઇઝ નૉટ પરમિટેડ”. હું હસી પડ્યો.

“વ્હાટ ઇઝ ફન્ની, સેવન્ટી-ફાઇવ? લટ્ટ અસ હીયર ધી જોક.”
“સર, તમે જે શબ્દ વાપર્યો તે સમજાયો નહિ. તમારો મતલબ ‘scribbling’ હતો?”
જવાબમાં મને દસ ગલોટિયાં ખાવાની મજા મળી હતી.

મિલીટરીમાં જવાનોના કિચનને ‘લંગર’ કહે છે. ફોજમાં કોઇ અફવા ઉડે તો તેની શરૂઆત લંગરમાં થતી હોય છે, તેથી તેને ‘લંગર ગપ’ કહેવામાં આવે છે. નવાઇની વાત તો એ છે કે તેમાંની ૯૦ ટકા ‘ગપ’ સાચી નીવડતી હોય છે.

એક દિવસ લંગર ગપ આવી કે અમારા યુનિટના ઘણા અફસર અને જવાનોના બદલીના હુકમ આવી રહ્યા છે!

આ ગપમાં કેટલું તથ્ય હતું તે અમે આતુરતાથી જોવા લાગ્યા.

Tuesday, February 10, 2009

વ્યથા

બરેલીમાં કોર્સ પૂર જોશમાં ચાલતો હતો. મારી પ્રગતિ સારી હતી અને અમારા DS (ડાયરેક્ટીંગ સ્ટાફ) મારા કામ પર ઘણા ખુશ હતા. તેવામાં મને પ્રિયદર્શિની અને મારા common friend બૅપ્સી ઇલાવિયાનો પત્ર આવ્યો. તેમણે લખ્યું હતું કે દર્શિનીને હું પહેલી વાર મળ્યો તે પહેલાં તેમના જીવનમાં એક કરૂણ બનાવ બની ગયો હતો.

૧૯-૨૦ વર્ષની વયે દર્શિનીનાં વેવિશાળ તેમની જ્ઞાતિના એક યુવકની સાથે નક્કી થયા હતા. લગ્નનાં થોડા દિવસ પહેલાં આ યુવાન કારણ આપ્યા વગર બીજી સ્ત્રીને પરણી ગયો હતો. દર્શિનીનું સમગ્ર અસ્તિત્વ છિન્નભિન્ન થઇ ગયું હતું. કેમે કરીને તેઓ આ આઘાતમાંથી બહાર આવ્યા, આગળ અભ્યાસ કર્યો અને ગ્રૅજ્યુએટ થયા બાદ અમારી અૉફિસમાં કામે લાગ્યા હતા. તેમને સ્વપ્ને પણ ખ્યાલ નહોતો કે તેમના જીવનમાં બીજો યુવાન આવશે, અને લગ્નની વાત કરશે. 'હૅવમોર'માં મારી તેમની સાથે થયેલી મુલાકાત બાદ તેઓ ફરી એક વાર ભાંગી પડ્યા હતા.

બૅપ્સીનો પત્ર વાંચી મારૂં હૃદય વિદીર્ણ થઇ ગયું. દર્શિનીની હાલત માટે હું પોતે જવાબદાર હતો તે વિચારથી મારૂં મન અત્યંત અસ્વસ્થ થયું. આખા ‘કોર્સ’ દરમિયાન તેમાંથી મને કળ ન વળી. શરૂઆતમાં હું યંગ અૉિફસર્સ કોર્સમાં પ્રથમ બે ‘સ્ટુડન્ટ અૉફિસર્સ”માં આવતો હતો. બૅપ્સીના પત્ર બાદ પાછળ પડતો ગયો અને અંતિમ ટર્મમાં સામાન્ય કક્ષા મેળવી શક્યો. મૈત્રી, અપેક્ષા, નિરાશા અને અજાણતાં મારાથી થયેલ મિત્રદ્રોહની ભાવનાના વમળમાં ડૂબવાથી નિપજેલી ઉદાસિનતાએ પરોક્ષ રીતે મારી કારકિર્દી પર પરદો પાડ્યો હતો. મારા ખાસ મિત્ર અને ‘હરીફ’ લેફ્ટનન્ટ મીર યાસુબ અલી પ્રથમ આવ્યા અને તેમને prize posting મળ્યું - આર્મી હેડક્વાર્ટર્સમાં! તેમની આખી સર્વિસમાં ફક્ત બે પોસ્ટીંગ ફીલ્ડ ફૉર્મેશનમાં સ્ટાફ અફસરનો ટેન્યોર કરી બાકીનો પૂરો સમય તેઓ દિલ્લીમાં રહ્યા અને બ્રિગેડીયરના હોદ્દા પર રીટાયર થયા!

જીપ્સી માટે શું આ પ્રેમગાથા હતી? પ્રેમભંગ હતો? તે વખતે મને લાગ્યું હતું કે અમારા સંબંધમાં પરિપક્વ મૈત્રીભાવ હતો. અહીં infatuationનો અંશ સુદ્ધાં નહોતી. પરસ્પર આદર અને સ્નેહની ભાવના હતી. સ્ત્રીઓ કહેશે, અહીં જ સ્ત્રી-પુરુષ વચ્ચેના સંબંધ અંગેના સ્ત્રીઓના અને પુરુષોના દૃષ્ટીકોણમાં જમીન-આસમાનનો ફેર જણાઇ આવે છે. પુરુષ તેને સમજદારી અને મૈત્રી કહીને છૂટી પડશે, પરંતુ આવા સંબંધમાં સ્ત્રીના હૃદયને અને તેની ભાવનાના અંતરંગને જાણવા પુરુષ કદી સમર્થ નહિ બની શકે. હું પણ તે સમજી ન શક્યો. દર્શિનીને આહત કરવા માટે મારા હૃદયમાં દુ:ખની અને દોષની ભાવના લાંબા - ઘણા લાંબા સમય સુધી રહી.

આવી હાલતમાં મારી ટ્રેનિંગ પૂરી થઇ અને મારી બદલી ગ્વાલિયરના એક યુનિટમાં થઇ.

નવા યુનિટમાં ઘણી મહેનત કરી દુ:ખને ભુલવાનો પ્રયત્ન કર્યો. વારા પ્રમાણે મને બે મહિનાની રજા મળી. બાને મેં પત્ર લખીને જણાવ્યું કે કઇ ટ્રેનથી હું અમદાવાદ પહોંચું છું. હું કાળુપુર સ્ટેશન પર ઉતર્યો ત્યારે હંમેશની જેમ બા કે મારી બહેનો ન આવી. તેમના સ્થાને મારો પરમ મિત્ર અરૂણ આવ્યો હતો. અમે એકબીજાને પ્રેમથી ‘મોશાઇ’ કહીને બોલાવતા. તેને જોઇ મને આશ્ચર્ય થયું, કારણ કે તે અમદાવાદ બહારની મેડીકલ સ્કૂલના છેલ્લા વર્ષમાં હતો, અને તેને રજાઓ નહોતી. સ્ટેશનમાંથી બહાર નીકળતાં તેણે જે કહ્યું તે સાંભળી હું અવાક્ થઇ ગયો.

અરૂણ મારાથી ત્રણ-ચાર વર્ષ નાનો હતો. હાઇસ્કુલમાં હતો ત્યારથી તેના પિતા તેને ડૉક્ટર બનાવવા માગતા હતા. જ્યારે તે એસએસસીમાં હતો તે સમયે બા અને બહેનોને હું ભાવનગરથી અમદાવાદ લઇ અાવ્યો હતો. સૂ અને દીદી બન્ને એસએસસીમાં હતા અને હું તે વખતે નોકરીની સાથે બી.કૉમ.ની છેલ્લા વર્ષની પરીક્ષાની તૈયારી કરતો હતો. અરૂણના પિતાજીનું ઘર મોટું હતું. તેમાં જુદો સ્ટડી રૂમ હોવાથી ત્યાં અમે ભાઇ-બહેનો અને મારો ‘વિદ્યાર્થી’ અરૂણ સાથે વાંચવા બેસતા. પરીક્ષાઓ પતી ગઇ, બધા પાસ થયા. તે દરમિયાન કે ત્યાર પછી અરૂણ અને સૂ વચ્ચે કોણ જાણે ક્યારે આકર્ષણ નિર્માણ થયું અને તેનું પ્રેમમાં રુપાંતર થયું મને ખબર નહોતી પડી. આમ જોવા જઇએ તો અમદાવાદના કોટ વિસ્તારમાં આવેલા રહેણાકના વિસ્તારોમાં આવું કંઇ થાય તો તેની વાત દાવાનળની જેમ ફેલાઇ જતી હોય છે. આ બન્ને એટલા ચાલાક નીકળ્યા કે તેમના પ્રેમ સંબંધની જાણ કોઇને વર્ષો સુધી પડવા દીધી નહિ. હું મિલીટરી ટ્રેનીંગમાં ગયો, અફસર થઇને આવ્યો - અને ગયો તોય મને તેની જાણ થઇ નહિ. ભોટ તે ભોટ જ રહ્યો.

અરૂણ-સૂના પ્રેમ-પ્રકરણની વાત વર્ષો બાદ - એટલે હું રજા પર આવ્યો તેના થોડા દિવસ પહેલાં બહાર આવી. અમારા મહોલ્લામાં હાહાકાર મચી ગયો.

અરૂણના પિતાજી શહેરના પ્રખ્યાત ડૉક્ટર હતા. જેટલા તેઓ પોતાના વ્યવસાયમાં બાહોશ હતા, તેનાથી વધુ તેઓ પરગજુ સજ્જન હતા. અમારા વિસ્તારના અનેક કુટુંબીજનોનો તેમણે વિનામૂલ્યે ઉપચાર કર્યો હતો. દૂર આવેલ તેમના દવાખાનાના ગરીબ દર્દીઓને પ્રસંગે દવા મફત આપતા અને વિઝીટની ફી પણ નહોતા લેતા. તેઓ ધનાઢ્ય હતા, જ્યારે મારો પરિવાર ભલે ઉચ્ચ કૂળ અને પરંપરાનો હોય, પણ તે સમયે અમારી નાણાંકિય સ્થિતિ સાવ નાજુક હતી. અરૂણાના મમી અત્યંત સુસ્વભાવી, માયાળુ મહિલા હતા, પણ તેમને લાગ્યું કે મેં જાણી જોઇને અરૂણને સૂની નજીક લાવવાનું કાવત્રું કર્યું હતું જેથી સૂ મોટા ઘરમાં દાયજો આપ્યા વગર મોટી વહુ બને. તેમને થયું કે તેમનો વિશ્વાસ જીતી, મેં વિશ્વાસઘાત કર્યો હતો. આ હતું તેમની નારાજીનું કારણ. આમાં તેમનો જરા પણ દોષ નહોતો. તેમના સ્થાને અન્ય કોઇ મહિલા હોત તો તેણે આવું જ ધાર્યું હોત.

તેમની નારાજી જોઇ અમારા ઘનીષ્ટ સંબંધીઓ - અરે, રવિ’દા જેવા મારા ભાઇ પણ અમારી સામે પડી ગયા હતા. મારી ગેરહાજરીમાં અમારાં સગાંઓના મારા પરિવાર સાથેના સંબંધો લગભગ મૃત:પ્રાય થઇ ગયા. બાનું સમાજમાં ઘણું ઊંચું સ્થાન હતું, પણ હવે તેમની અવહેલના થવા લાગી. હું મિલીટરીમાં ડ્યુટી બજાવી રહ્યો હતો તેથી ઘરમાં અને મહોલ્લામાં પ્રવર્તતી પરિસ્થિતિનો મને સ્વપ્ને પણ ખ્યાલ નહોતો. હું વ્યથિત ન થઉં તે માટે બાએ મને કદી પત્રમાં આની જાણ નહોતી કરી. ઘેર પહોંચતાં વેંત આ વિષમ પરિસ્થિતિની ઝાળ મને ભસ્મ ન કરે તે માટે અરૂણમોશાઇ મને સ્ટેશન પર ચેતવવા આવ્યો હતો.

મોશાઇની વાત સાંભળી હું હેબતાઇ ગયો. ક્ષણભર શું કરવું તેનો વિચાર પણ ન કરી શક્યો. અંતે રિક્ષા કરી ઘેર ગયો.

Monday, February 9, 2009

યંગ અૉફિસર્સ કોર્સ

બરેલીમાં આવેલી ASC Schoolમાં મારા ગ્રુપમાં ત્રીસ અૉફિસર હતા. અહીં આવીને અમને પ્રથમ ફટકો લાગ્યો હોય તો તે અમારા એક મહિનાના પગારની કિંમતનો ખાસ ‘બર્થિયા’ નામનો સર્વિસ ડ્રેસ પહેરવાનો હુકમ હતો. તેમાંથી કળ વળે ત્યાં બીજો ‘મહા’ ખર્ચ નીકળ્યો અૉફિસર્સ મેસના બીલનો. બરેલીમાં અમારૂં ટ્રેનિંગ સેન્ટર અખીલ ભારતીય કક્ષાનું હોવાથી અહીં ઘણા મહેમાનો આવતા. વળી અહીંના કૅન્ટોનમેન્ટમાં માઉન્ટન ડિવિઝનનું હેડક્વાર્ટર હોવાથી જુદી જુદી રેજીમેન્ટમાં પાર્ટીઓ થાય, જેમાં અમારા કમાન્ડન્ટને તથા અન્ય સિનિયર અફસરોને નિમંત્રણ મળતું. તેથી અમારે પણ ‘જવાબી પાર્ટી’ આપવી પડે. ફેર એટલો હતો કે બહારની પાર્ટીઓમાં અમારા જેવા સેકન્ડ લેફ્ટનન્ટસ્ બાકાત રહેતા! પરંતુ જવાબી પાર્ટીનો ખર્ચ આવે તેમાં અમારે ‘પ્રો રાટા’ ફાળો આપવો પડતો. અમારો અર્ધાથી વધુ પગાર મેસ બીલમાં જતો. અંગત ખર્ચ કાઢતાં જે રકમ બચતી, જેને ઘેર મોકલતાં પણ સંકોચ થાય. પરીણામે ઘણા અફસરો પોતાની અંગત જરુરિયાતોના ખર્ચમાં કરકસર કરીને પણ ઘેર પૈસા મોકલતા.

એક દિવસ અમારા સિનિયર ઇન્સ્ટ્રક્ટર સાથે અમારી અનઅૌપચારિક વાત કરતી વખતે દત્તાત્રેય નામના અમારા એક સાથીએ પોતાની વ્યથા વ્યક્ત કરી. “સર, અમે જ્યારે અફસર થયા ત્યારે મારાં કુટુમ્બીજનોને હાશ થઇ હતી કે હવે ઘરકામ કરવા માટે નોકરાણી રાખી શકીશું. આજે એ હાલ છે કે હું અકોલાની મ્યુનીસીપાલીટીમાં અૉડીટર તરીકે જેટલો પગાર ઘરમાં આપતો હતો, તેનાથી અર્ધો પણ હવે નથી મોકલી શકતો. આજે પણ મારાં પત્નિને કપડાં-વાસણ હાથે જ કરવા પડે છે. આવી પાર્ટીના ખર્ચા અમને પોસતા નથી. આના માટે કંઇ થઇ શકે?”
“My dear friend, જો તમે પૈસા કમાવવાના હેતુથી ફોજમાં આવ્યા હશો તો જાણી લેજો કે તમે ગલત વ્યવસાયમાં આવ્યા છો. આ ટ્રેનીંગ એસ્ટાબ્લીશમેન્ટ છે. અહીં તો આવા ખર્ચ થવાના જ. તમે તમારા યુનિટમાં જશો તો ત્યાં પણ તેમાંથી તમે બચી નહિ શકો.”

મિલીટરીના અફસરો માટેનું અજાણ્યું સત્ય જાણી હું વિસ્મય પામ્યો.

ભારતીય સેના બ્રિટીશ પરંપરા પર ઘડાયેલી છે. ખાસ કરીને અફસર વર્ગ પર તેની છાપ એટલી ઘેરી હોય છે કે તેનો જાત અનુભવ વગર ખ્યાલ ન આવે. આનું એક ઐતિહાસીક કારણ છે. જુની અંગ્રેજી ગિરાસદારીમાં વારસા પદ્ધતિ -primogeniture- મુજબ આખો ગરાસ પરિવારના સૌથી મોટા પુત્રને મળે. આથી પિતાના મૃત્યુ બાદ મર્હ્ુમને ત્રણ પુત્રો હોય તો સૌથી મોટાને પૂરી જમીન-જાગીર મળે. બાકીની રોકડ અને અન્ય માલમિલ્કતના ભાગ મરનાર પોતાના મૃત્યુપત્રમાં લખે તે મુજબ મળે. તેમાંથી થતી આવક અપૂરતી હોય તો બ્રિટનની પરંપરા મુજબ બાકીના પુત્રોમાંથી એક સેનામાં અફસર થવા સૅંડહર્સ્ટની રૉયલ મિલીટરી અૅકેડેમીમાં દાખલ થતો. મિલીટરી ટ્રેનીંગ બાદ રાજા કે રાણી તરફથી બ્રિટીશ સેનામાં અફસરની નીમણૂંકનો ‘પાર્ચમેન્ટ’ (દસ્તાવેજ) તૈયાર કરવામાં આવતો, જેમાં તેને રાજા તથા દેશની સેવા માટેનો હુકમ જેને ‘કમીશન’ કહેવામાં આવતું-તે વિધીસર આપવામાં આવતો. ત્રીજો પુત્ર બહુધા દેવળ (ચર્ચ)માં જોડાઇ કોઇ મોટા હોદ્દા પર નીમાતો. આમ સેનામાં આવતા આવા ઉમરાવ ઘરાણાના અફસરોને પોતાની ખાનગી આવક હોવાથી અૉફિસર મેસમાં ભવ્ય મેળાવડા અને ભોજન સમારંભ યોજાતા. અૉફિસર્સ મેસની રચના પણ કોઇ રજવાડાના દરબાર હૉલ કરતાં ઓછી ભવ્ય નથી હોતી! સમય જતાં સેનામાં મધ્યમ અને સામાન્ય વર્ગમાંથી આવનારા અફસરોમાં વધારો થતો ગયો, પરંતુ મેસમાં થતી ‘રેજીમેન્ટલ ડિનર નાઇટ્સ’, ‘બૅટલ અૉનર’ની તથા ‘રેજીમેન્ટલ ડે’ની પાર્ટીઓ, નવા અફસરના આગમનની ‘ડાઇનીંગ-ઇન’ અને બદલી થઇને જનારા અફસરો માટે ‘ડાઇન-આઉટ’ પાર્ટીઓની જુની પરંપરા ચાલુ રહી. આમાંની મોટા ભાગની પાર્ટીઓમાં ડિવીઝન કે બ્રિગેડના અફસરો તથા તેમની પત્નિઓને નિમંત્રણ આપવામાં આવતું, જેનો ખર્ચ બટાલિયનના અફસરોને ભોગવવો પડતો. પરિણામે દત્તાત્રેયને જ નહિ, પણ અમારા જેવા અનેક અફસરોને આર્થિક ભીંસ ભોગવવી પડતી હતી.

અમે આ કોર્સ કરતા હતા તે વખતના અમારા કમાન્ડન્ટને તુક્કો સુઝ્યો: મિલીટરીમાં અમારી કોરના અફસરોને આરામપ્રિય અને ‘ફિઝીકલ ફીટનેસ’માં ઇન્ફન્ટ્રી કે તોપખાનાના અફસરો કરતાં થોડા નબળા ગણવામાં આવતા તેની છાપ દૂર કરવી. આ માટે તેમણે હુકમ આપ્યો કે યંગ અૉફિસર્સ કોર્સમાં આવનાર અફસરોએ ફરજીયાત ૨૬ માઇલની મૅરેથોન દોડવી. અમારી ટે્રનિંગ દરમિયાન અમે પાંચ અને દસ માઇલની દોડ તો નિયમીત રીતે નિયત સમયમાં પૂરી કરતા. હવે બાકીની ‘કમી’ પૂરી કરવા અમને ’ફીલ્ડ સર્વિસ માર્ચીંગ અૉર્ડર’નો યુનિફૉર્મ તથા ઇક્વીપમેન્ટ પહેરીને મૅરેથોન દોડાવવામાં આવ્યા! જો કે આ દોડને પરીક્ષા ગણવામાં આવી નહોતી તેથી અમે આરામથી દોડ્યા અને ચાર કલાકમાં દોડ પૂરી કરી. મારો સિવિલિયન અૉર્ડર્લી રામખિલાવન દોડની અંતિમ રેખા પાસે બાટલીમાં લિંબુનું શરબત અને બરફ લઇને મારી રાહ જોઇને બેસી રહ્યો હતો. “સાબજી, ઇસમેં થોડા કાલા નમક ડાલા હૈ, જીસસે આપકા બૅલેન્સ ઠીક રહેગા!” કોણ જાણે તે ક્યાંથી બૅલેન્સ વિશે માહિતી કાઢી આવ્યો હતો.

બરેલીની મારા માટે પહેલી મુલાકાત હતી. અહીંનો સુરમો પ્રખ્યાત હોવાથી બહેનો માટે ‘મોતી કા સુરમા’ લેવા ગયો. ભયંકર ગરમી પડી હતી તેથી રસ્તામાં અૅર કન્ડીશન્ડ રેસ્ટોરાઁતમાં અમે વિસામો લેવા ગયા. મિત્રોએ સાદા કોલ્ડડ્રીંક મગાવ્યા. મને થયું અહીંની કોઇ સ્થાનિક ‘સ્પેશીયાલીટી’ મંગાવીએ. મેન્યૂ કાર્ડમાં ઠંડા પીણામાં એક ‘આઇટમ’ હતી - “શિકંજવી” અને કિંમત અન્ય પીણાં કરતાં લગભગ ત્રણ ગણી. મને થયું ફાલુદા કે ખાસ જાતની લસ્સી જેવો કોઇ પ્રકાર હશે. વટમાં આવીને મેં તેનો અૉર્ડર આપ્યો. ‘શિકંજવી’ આવી અને તેનો એક ઘૂંટડો લીધો ત્યારે ખબર પડી કે આ તો લિંબુનું શરબત હતું! મેં મારા લખનવી સાથીને વાત કરી ત્યારે તેઓ હસી પડ્યા. “મેરે દોસ્ત, યહાં તો ગધેકો ભી માલુમ હોતા હૈ નિંબુ-પાનીકો ઉર્દુમેં ‘શિકંજવી’ કહેતે હૈં! મેં કહ્યું, ‘તારી વાત સાચી છે, પણ અહીંના ગધેડાઓને ‘શિકંજવી’નું અંગ્રેજી આવડતું ન હોય તો મેન્યૂ કાર્ડ અંગ્રેજીમાં શા માટે બનાવે છે?’ બધા હસી પડ્યા.

Friday, February 6, 2009

સેકન્ડ લેફ્ટનન્ટ નરેન્દ્ર

૨૬ ડીસેમ્બર ૧૯૬૪!

આ દિવસની પ્રથમ મિનીટ પર અમને સેકન્ડ લેફ્ટનન્ટના પદ પર કમીશન મળવાનું હતું. આ પ્રસંગ માટે એક વિશાળ અને ભવ્ય ‘પાસીંગ આઉટ પરેડ’ થઇ. આ માર્ચ પાસ્ટની અમે એક મહિનાથી પ્રૅક્ટીસ કરતા હતા. ૨૫મી જાન્યુઆરીની સવારે પરેડ, અને ત્યાર પછી ટી-પાર્ટી. રાત્રે ભોજન સમારંભ. ભોજન બાદ રાતના બાર વાગીને એક મિનીટ પર પ્રજાસત્તાક દિનનું આગમન થયું ત્યારે અમારો અફસર થવાનો વિધી સમ્પન્ન થયો! આ કાર્યક્રમ જોવા માટે મેં બા, મારી બહેન સૂ, મારા બચપણના ખાસ મિત્ર સદાનંદ તથા તેમનાં પત્નિને આમંત્રણ આપ્યું હતું. સૂ તો આવી ન શકી, પણ તેના સ્થાને મારી સૌથી નાની બહેન ડૉલી આવી. ભોજન સમારંભ બાદ રાતના બાર વાગીને એક મિનીટે બાએ અને ડૉલીએ મારા એક ખભા પર અને સદાનંદ અને તેનાં પત્નિ વૈજયન્તિએ બીજા ખભા પરના એપૉલેટ પર સેકન્ડ લેફ્ટનન્ટનો એક એક તારક લગાવ્યો. લાઉડ સ્પીકર પર બ્રિગેડિયર આપજી રણધીરસિંહજીએ અમને બધાને ભારતીય સેનામાં કમીશન્ડ અૉફિસરના પદ પર નીમણૂંક થઇ છે તેની જાહેરાત કરી અભિનંદન આપ્યા. જીવનનો એક અધ્યાય પૂરો થયો.

અમારા બન્ને ખભા પર ભલે એક-એક તારક હતો, પણ તેના પ્રકાશમાં અમારા જીવનનું નુતન અભિયાન શરૂ થયું. પ્રશિક્ષણ દરમિયાન અમારા નાગરી જીવનની સુખાસીનતા, આરામથી કામ કરો, કામમાં થોડી ઘણી ઢીલ કે અપૂર્ણતા ‘ચાલી જાય’ અને ‘હોતા હૈ ચલતા હૈ’ની વૃત્તિને અમારી રગેરગમાંથી કાઢી નાખવામાં આવી હતી. અમારી કામ કરવાની વૃત્તિમાં થોડી પણ ભુલ થાય તો અસંખ્ય સૈનિકોનો જીવ જોખમમાં આવી જાય, એવું હતું. અમારા રોમેરોમમાં ઠસાવવામાં આવ્યું હતું કે હવે અમે ‘સિવિલિયન’ નહોતા રહ્યા. અમારી ચાલવાની ઢબથી માંડી દરેક કામમાં ચુસ્તી, ઝડપ અને કોઇ પણ કામ કરો, તે એવી યોજનાબદ્ધ કાળજીથી કરો કે તે પહેલા પ્રયત્ને જ ઉત્તમ દરજ્જાનું હોય: Get it right the first time. કોઇ પણ કાર્ય હોય તેની ઝીણામાં ઝીણી વિગત પર પૂરું ધ્યાન આપવું તેને અમારી સહજ વૃત્તિ બનાવવામાં આવી.

આનો અર્થ એવો નથી કે અમે ‘સુપરમૅન’ બન્યા હતા. અમારા કામમાં અમે જેટલી ચોકસાઇ અને યોજના કરીએ એટલી - કે કદાચ તેનાથી વધુ ચોકસાઇ સર્જન, શિક્ષક, આર્કીટેક્ટ અને હસ્તકૌશલ્યના કારીગરને રાખવી પડતી હોય છે. પરંતુ અમારા પ્રશિક્ષણનો અંતિમ ધ્યેય તો એ હતો કે અમે એવા યોદ્ધા બનીએ જેની નિર્ણયશક્તિ પર અનેક સૈનિકો પોતાના જીવનની જવાબદારી સોંપી શકે. તેમના વિશ્વાસને પાત્ર બની, યુદ્ધની કપરામાં કપરી સ્થિતિમાં તેમની સફળ આગેવાની કરી શકીએ. અમારા કાર્યમાં પ્રામાણિકતા, નૈતિકતા, નિષ્ઠા, નિ:સ્વાર્થ નેતૃત્વ અને વફાદારીને સર્વોચ્ચ મહત્વ આપવામાં આવ્યું હતું. દેશની સુરક્ષા અમારી પ્રથમ જવાબદારી હતી. ત્યાર પછી અમારૂં કર્તવ્ય હતું અમારા હાથ નીચે કામ કરતા જવાનોની સલામતિ અને તેમની સુખાકારી. અમારી અંગત સુરક્ષા અને આરામનો વિચાર છેલ્લે - અને સાવ છેલ્લે કરવાની અમે પ્રતિજ્ઞા લીધી હતી. અમારૂં વર્તન દેશના શ્રેષ્ઠ નાગરિક જેવું વિનયશીલ હોવું જોઇએ. આ વાતનું મહત્વ ભારતીય સેનાના અફસરોને પ્રશિક્ષણ વખતે તેમના રક્ત અને શ્વાસમાં સમાવવામાં આવે છે. તેથી જ તેમને Officer and Gentleman કહેવામાં આવ્યા છે. અમને એક વધુ વાત સમજાવવામાં આવી કે આ એવી ઉમદા વિચારધારા છે, જેની અંતર્ગત એક બીજા માટે અમે હતા ‘brother officers’. સેનાના હજારો અફસરો સાથે અમારો ભાઇનો સંબંધ બંધાયો છે. એક અફસર પોતાના ‘બ્રધર અૉફિસર’ સાથે કદી દગો ન કરી શકે. જે આદર્શ અને ધ્યેયને લક્ષ્ય બનાવી સેનામાં ભરતી થવા આવ્યો હતો, તે મને અહીં પૂર્ણ રુપે પ્રાપ્ત થતા લાગ્યા. એક નવા વિશ્વમાં - સર ટૉમસ મોરના યુટોપિયા તરફ પગલાં ભર્યા હોય તેવું લાગ્યું. એક આદર્શવાદી યુવાનને આનાથી વધુ શું જોઇએ?

મારા મોટા ભાગના સાથીઓને પોતપોતાની રેજીમેન્ટમાં જવાનો હુકમ મળ્યો. આર્મી સર્વિસ કોરમાં પસંદ કરવામાં આવેલા અફસરો સાથે મને યંગ અૉફિસર્સ કોર્સ માટે બરેલી જવાનો હુકમ મળ્યો.

અૉલિવ ગ્રીન યુનિફૉર્મ, ખભા પર ચળકતા પિત્તળના તારક, ચમકતા બૂટ અને પીક્્ડ કૅપમાં મને બાએ જોયો ત્યારે તેમની આંખમાં હર્ષના અશ્રુ આવી ગયા. અઢારમી સદીની આખરમાં અમારા એક પૂર્વજ ગાયકવાડ સરકારના સેનાપતિ હતા. ત્યાર બાદ ઓગણીસમી સદીના અંતમાં બ્રિટીશ સરકારના પોલીટીકલ એજન્ટ (વેસ્ટર્ન ઇન્ડીયા સ્ટેટ્સ એજન્સી) સૌરાષ્ટ્રના પ્રથમ ભારતીય પોલિસ સુપ્રીન્ટેન્ડન્ટ થવાનું શ્રેય મારા દાદાજીને મળ્યું હતું. તેમના પૌત્રને - એટલે મને ભારતીય સેનાના કમીશન્ડ અૉફીસરનો યુનિફૉર્મ પહેરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું તેથી બા ઘણાં ખુશ હતા.

પાસીંગ આઉટ પરેડ બાદ મને બે અઠવાડિયાની રજા મળી અને હું ઘેર આવ્યો. બા હવે મારાં લગ્ન માટે આગ્રહ કરવા લાગ્યા. અમારી પરિસ્થિતિ જોઇએ તો મારી બે નંબરની બહેન સૂ હવે ઉમરલાયક થઇ હતી. તેના માટે મુરતિયો શોધવાનો હતો. સૌથી નાની ડૉલી હાલમાં જ કૉલેજમાં દાખલ થઇ હતી. ત્રણે’ક વર્ષ સુધી તેનાં લગ્નનો સવાલ ઊઠતો નહોતો. આવી હાલતમાં હું લગ્ન માટે તૈયાર નહોતો. એટલું જરૂર કહીશ કે યુવાનીની ઘેલછામાં એક વાર લગ્ન કરવાની અણી પર આવી ગયો હતો. ત્યાર પછી લગ્નનો વિચાર છોડ્યો હતો. OTSમાં જવાના એક વર્ષ પહેલાં મારો પરિચય પ્રિયદર્શીની નામની યુવતિ સાથે થયો હતો. તેમનો મૃદુ સ્વભાવ, તેજસ્વી બુદ્ધીમતા, શાલિનતા અને graceથી હું તેમના તરફ આકર્ષાયો હતો. મને જોઇ તેમનો ચહેરો આનંદથી પ્રકાશી ઊઠતો પણ તેમની મારા પ્રત્યેની ભાવના હું જાણી શક્યો નહોતો. દર્શિની અમારે ઘેર આવી ગયા હતા, અને બાને તેમનો સ્વભાવ ગમ્યો હતો. તેમની સાથે અમે જીવન આનંદથી વ્યતિત કરી શકીશું એવી મને ખાતરી હતી, પણ જ્યાં સુધી મારી કારકિર્દીમાં પ્રગતિ ન થાય, અને સૂના લગ્ન ન થાય ત્યાં સુધી હું લગ્ન કરવા તૈયાર નહોતો. સદ્ભાગ્યે હું હવે મિલીટરીમાં અફસર થયો હતો. બરેલી જતાં પહેલાં મેં દર્શિનીને મળી લગ્નનો પ્રસ્તાવ મૂકવાનો વિચાર કર્યો. તેઓ સંમત હોય અને સૂનાં લગ્ન સુધી રોકાવાની તૈયારી હોય તો તેમના માતાપિતાને મળવા જઇ શકું કે કેમ તે પૂછવા હું દર્શિનીને મળ્યો.

તે દિવસની બપોર હું કદી ભૂલી નહિ શકું. રેસ્ટોરાંતના ક્યુબીકલમાં બેસી મેં તેમની સાથે વાત કરી. દર્શિનીની આંખમાંથી અશ્રુની ધારાઓ વહેવા લાગી. હા, તેઓ મને પસંદ કરતા હતા, તેમ છતાં કોઇ પણ સંજોગોમાં તેઓ મારી સાથે લગ્ન કરવા અસમર્થ હતા. તેમના સમાજના નિયમો એટલા સખત હતા કે તેમની જ્ઞાતિ અને ગ્રામ્ય-સંકૂલની બહાર કોઇ ક્ન્યા લગ્ન કરે તો તેમના પરિવારની બાળાઓનાં વિવાહ અશક્ય થઇ જાય. મેં તેમને કહ્યું કે હું તેમના માતા-પિતાને મળી તેમને સમજાવવાનો પ્રયત્ન કરીશ. તેમણે ના કહી. પરિવારના વડીલો સાથે આ વિષયમાં વાત કરીશ તો તેમને ઘરની બહાર જવાની પણ રજા ન મળે એવું હતું.

ભગ્ન હૃદયે હું ‘યંગ અૉફિસર્સ કોર્સ’ માટે બરેલી ગયો.

Thursday, February 5, 2009

પરિક્રમા..

અમારી મીડ-ટર્મ પરીક્ષાઓ પહેલાં અમારા સિનીયર કૅડેટ્સની પાસીંગ આઉટ પરેડ હતી. કૅડેટસ્ માટેની સંસ્થાઓમાં એક પરંપરા હોય છે: જે સિનિયર કૅડેટ્સ અમને શિક્ષા કરતા હતા, એક્સ્ટ્રા ડ્રીલ આપતા હતા, તેમના અૅકેડેમીના વાસ્તવ્યના છેલ્લા દિવસે તેમનું રૅગીંગ કરવાનો જુનિયરોને અધિકાર હતો. અમારા બાકીના સિનિયર - અંડર અૉફિસર, કંપની સાર્જન્ટ મેજર તથા ક્વાર્ટરમાસ્ટર સાર્જન્ટનો અમારા પ્રત્યે વર્તાવ પ્રમાણમાં સારો હતો. પણ બહાદુરસિંઘ? તેને કોણ છોડે?

પાસીંગ આઉટની આગલી રાત્રે અમે બધા તેની રુમની બહાર પહોંચી ગયા. અમને જોઇને જ બહાદુરસિંઘ રડી પડ્યો. ‘તમને બધાને હું મારા દીકરાની જેમ માનતો હતો, અને હવે તમે મારંુ, આ બહાદુરસિંઘનું રૅગીંગ કરવા આવ્યા છો?” ડુસકાં ખાતાં ખાતાં આ બહાદુર (!) સાર્જન્ટ કહેવા લાગ્યો.

આ વખતે કોઇએ તેને છોડ્યો નહિ. તેની પાસે ઢઢ્ઢુ ચાલ કરાવી, ફ્રન્ટ રોલ કરાવ્યા. અંતે તેનાં આંસુ અને ડુસકાં જોઇ તેને જવા દીધો.

મિડ ટર્મની પરીક્ષાઓ થઇ અને હું પાસ થયો. અમને એક અઠવાડિયાની રજા મળી. ત્રણ મહિનાની સખત મહેનત કર્યા બાદ બાના હાથનું ભોજન ખાવા મળશે તે વિચારથી જ મન પુલકિત થઇ ગયું. ઘેર આવી બાએ બનાવેલ પુરણપોળી, મસાલા-ભાતની મિજબાની જમીને ઉંઘી ગયો, અને સવાર થઇ ત્યાં રજા પૂરી થઇ ગઇ એવું લાગ્યું. સુખના દહાડા કેટલા જલદી પૂરા થઇ જતા હોય છે! કૅમ્પમાં પાછા જવાનો દિવસ આવ્યો અને બા તથા બહેનો મને ફરી સ્ટેશન પર મૂકવા આવ્યા. આંસુભરી આંખે અમે ફરી એક વાર વિદાય લીધી.

બીજી ટર્મમાં અમે પોતે જ સિનિયર હતા, તેથી નીડરતાથી પ્રશિક્ષણ પર ધ્યાન કેન્દ્રીત કરી શક્યા. આનો અર્થ એ નથી કે ઇન્સ્ટ્રક્ટર વર્ગ તરફથી કૅડેટ્સ પ્રત્યે કોઇ પણ જાતની ઢીલ બતાવવામાં આવી હોય. અમે ડ્રીલ સ્ક્વેર પાસ કર્યો હોવા છતાં અમારા ‘ટર્નઆઉટ’ની ચકાસણી પહેલાં કરતાં વધુ સખત બની. દર સોમવારે સવારે થતી ડ્રીલમાં અમે વાળ કપાવ્યા છે કે નહિ તે ખાસ જોવામાં આવતું.

એક રવિવારે આઉટપાસ પર રવિંદર અને હું પુના શહેરમાં ગયા હતા. સિનેમા જોઇને બહાર આવ્યા તો બજારમાંની ‘હૅર કટીંગ સલૂન’ બંધ થઇ ગઇ હતી. અમે ઉતાવળે કૅમ્પમાં પહોંચ્યા તો ત્યાંની બાર્બર શૉપ પણ બંધ હતી. વાળ કપાવ્યા વગર ડ્રીલમાં જઇએ તો સુબેદાર મેજર ઓછામાં ઓછી પાંચ ‘એક્સ્ટ્રા ડ્રીલ’ આપ્યા વગર ન રહે. મારા ફળદ્રુપ ભેજામાં વિચાર ઝબક્યો: બેરી (beret) પહેરીને ટોપીની કિનારની નીચેના વાળ સેફ્ટી રેઝર વડે સાફ કરી નાખીએ તો કેવું? રવિંદરને મારો વિચાર ગમ્યો, અને અમે એક બીજાને અક્ષરશ: ટોપી પહેરાવી, વાળ સાફ કરી નાખ્યા!

બીજા દિવસે ઇન્સ્પેક્શનમાં સુબેદાર મેજરે આખી કંપની સમક્ષ મને અને રવિંદરને લાઇનમાંથી એક કદમ આગળ આવવા કહ્યું અને હુકમ કયર્યો, “ઇન દો જીસી કો દેખો. કલ ઇનકી તરહ સબકા ‘હેર કટ હોના ચાહીયે!” તે દિવસે અમને બન્નેને કંપનીના ૯૬ કૅડેટ્સની જેટલી ગાળો સાંભળવા મળી, એટલી જીંદગીમાં આ પહેલાં એક જ વાર - કર્નલ વિષ્ણુ શમર્માના ક્લાસમાં સાંભળી હતી!

સેનામાં અપાતા હુકમ સ્પષ્ટ અને સરળ હોવા જોઇએ જેથી તેના અમલમાં જરા જેટલી શંકા ન રહે. આનું પ્રાત્યક્ષીક અમને ડગલેને પગલે અપાતું. દાખલા તરીકે અમારા ઉસ્તાદજી અમને કોઇ શિક્ષા આપે, તો તેમનો હુકમ આ પ્રમાણે હોય:
“જીસી. આપકે પૂરા બાયેં, સૌ ગજ, કિકર કા દરખ્ત. દેખા?” દરખ્ત વૃક્ષ માટેનો ઉર્દુ શબ્દ છે. કિકર એટલે બાવળ.
“જી હાં, ઉસ્તાદ.”
“આપ દૌડકે ઉસકે દાયેંસે જા કર બાયેંસે અપની જગહ પર વાપિસ આયેંગે. કોઇ શક?” કોઇ શક એટલે હુકમ સમજવામાં કોઇ શંકા છે?
એક વાર મને શિક્ષા થઇ. સાર્જન્ટે પુછ્યું, “સેવન્ટી ફાઇવ, સામને, દો સો ગજ, કિકર. દેખા?”
મને મજાક કરવાનો વિચાર આવ્યો. મેં કહ્યું, “જી હાં, ઉસ્તાદ. ક્યા મૈં ઉસકે દાયેંસે જા કર બાંયેસે દૌડકે આઉં?”
ઉસ્તાદ પણ જાય તેવા નહોતા. તેમણે કહ્યું, “આપને બિલકુલ દુરુસ્ત સમઝા જીસી. આપને અકલ કા ઠીક ઇસ્તેમાલ કિયા હૈ, ઇસ લિયે આપ ઉસકા ચક્કર દો બાર કાટેંગે!”

અમારી ટ્રરેનીંગની અંતિમ પરીક્ષા હતી ‘એક્સરસાઇઝ પરિક્રમા.’ આમાં અમારે સાત દિવસમાં રાઇફલ અને ૨૫ કિલોના વજનની ઇક્વીપમેન્ટ ઉપાડી સો માઇલનું માર્ચીંગ કરવાનું હતું. ટ્રેનીંગ દરમિયાન અમે શીખેલ યુદ્ધશાસ્ત્રની દરેક ક્રિયાનું ‘પરિક્રમા’માં પ્રાત્યક્ષીક કરી બતાવવાનું હતું. તેમાં આક્રમણ, સંરક્ષણ, આખા દિવસના લાંબા માચર્ચીંગ બાદ રાત્રીના સમયે કરવાનો હુમલો, પેટ્રોલીંગ વિગેરે આવી જતા હતા હતા. અમારી કંપની જ્યારે સંરક્ષણ માટેની ખાઇ ખોદીને બેસે ત્યારે રાતના ગમે ત્યારે બીજી કંપની અમારા પર હુમલો કરે, જેના માટે અમારે તૈયાર રહેવાનું હોય. રાતના સમયે દરેક કૅડેટે બે કલાકની સેન્ટ્રી ડ્યુટી કરવાની આવે, અને ડ્યુટી પૂરી થાય કે બે કલાક આરામ, અને ત્યાર પછી ફરી બે કલાકની ડ્યુટી. તે વખતે ચોમાસું બરાબરનું જામ્યું હતું અને પુનાની નજીક આવેલ દીઘીના પથરાળ ડુંગરાઓમાં ખાઇઓ ખોદી થાક્યા પાક્યા ગ્રાઉન્ડશીટ અને એક કામળો પાથરી તેના પર સુવાનું, શરીર પર બીજો કામળો ઓઢવાનો, અને મુસળધાર વરસાદમાં કામળા ન ભીંજાય તે માટે કામળા પર રેન કોટ મૂકવાનો. ડુંગરાના ઢાળ પર સૂવાનું હોવાથી વરસાદ પડે ત્યારે અમારી ઉપરથી અને નીચેથી ધોધમાર પાણી વહેતું હોય. અમે એટલા થાકી જતા કે અમને ખડકાળ જમીનમાં સૂવાનું કે ઉપર-નીચેથી વહેતા પાણીનું પણ ભાન નહોતું રહેતું! તેવામાં સેન્ટ્રી ડ્યુટીનો વારો આવતાં અમને જગાડવામાં આવે ત્યારે કલ્પના કરજો અમારી કેવી સ્થિતિ થતી હશે!
સો માઇલની પરિક્રમાને અંતે અમારે પરોઢિયે હુમલો કરવાની કામગિરી કરવી પડી. તેમાં અમારું ‘Battle Inoculation’ કરવામાં આવ્યું. આનો અર્થ અમને ખાઇઓ અને મોરચાઓમાં બેસાડી અમારા પર જીવતા કારતુસની હજારો ગોળીઓ છોડવામાં આવી. આક્રમણનો અભ્યાસ કરતી વખતે અમારી સુરક્ષાનો ખ્યાલ રાખી અમારા માથા ઉપરથી અને આજુબાજુથી મશીનગનની ગોળીઓ છોડવામાં આવી, અને સલામત અંતર પર અમારી આજુબાજુ ટુ-ઇંચ અને થ્રી ઇંચ મોર્ટરના બૉમ્બની વરસાવવામાં આવ્યા. સાચી લડાઇમાં અમારા પર દુશ્મનની ગોળીઓ અને બૉમ્બ પડે તો તેનો ડર ન લાગે તે માટેની આ ‘ભય-વીરોધી રસી’ હતી.

‘પરિક્રમા’ દરમિયાન મારું એક સુંદર સ્વપ્ન સિદ્ધ થયું! તે વખતે આશા પારેખ અત્યંત પ્રસિદ્ધ ‘સ્ટાર’ હતા. મૂળ સૌરાષ્ટ્રના હોવાથી કે કેમ, મારાં તેઓ પ્રિય અભિનેત્રી હતાં. અમે માર્ચીંગ કરી રહ્યા હતા, ત્યારે સામેથી ખુલ્લી કન્વટર્ટીબલમાં આશાબહેન આવી રહ્યા હતા. મારાં સદ્ભાગ્યે મારી નજીક આવ્યા અને તેમના ડ્રાઇવરે ગાડી ધીમી કરી. બાકીના બધા કૅડેટ તો તેમની તરફ જોતા રહ્યા, પણ મેં તેમની તરફ હાથ હલાવી અભિવાદન કર્યું. તેમણે મારી તરફ એવું તો મધુર સ્મિત કર્યું અને જવાબમાં હાથ હલાવ્યો કે મારી તો પરિક્રમા ત્યાં જ સફળ થઇ ગઇ. મારા સાથી બોલી ઉઠ્યા, ‘અબે સેવન્ટીફાઇવ, આશાને તુઝમેં ઐસા ક્યા દેખા, તેરે અકેલેકો ઇતની મીઠી મુસ્કાન દી?”
“યે તો પર્સનલ ચાર્મકી બાત હૈ ભાઇ!” મેં જવાબ આપ્યો.
આમ ‘પરિક્રમા’ પતી ગઇ, અને જે દિવસની રાહ જોઇને અમે બેઠા હતા, તે આવી લાગ્યો.

Wednesday, February 4, 2009

બ્રેનગન અને બ્રેકફાસ્ટ....

સૈન્યમાં સેક્શન સૌથી નાની પણ પાયાની ટુકડી હોય છે. સેક્શનનું સૌથી ભારે હથીયાર Bren Gun અથવા LMG - લાઇટ મશીનગન હોય છે. અમારા માટે તેનું પ્રશિક્ષણ અતિ મહત્વનું ગણાતું. અા ટ્રેનીંગમાં બ્રેનગન ચલાવવા ઉપરાંત તેના નાનામાં નાના હિસ્સા-પૂજર્જા ખોલી, સાફ કરી તેમની બે થી ત્રણ મિનીટમાં અૅસેમ્બ્લી કરવાની કૂશળતા પર ઘણો ભાર મૂકાતો. ઘણી વાર અમારા ‘ઉસ્તાદજી’ અમને પલોટવામાં એટલા મશગુલ થઇ જતા કે તેમને સમયનું ભાન ન રહેતું. એક વાર LMGનો વર્ગ બ્રેકફાસ્ટ પહેલાં લેવાયો. પીટી કયર્યા બાદ અમે બૅટલ ડ્રેસ પહેરી સીધા વેપન ટ્રેનીંગ એરિયામાં ગયા. ક્લાસનો સમય પૂરો થયો પણ ઉસ્તાદજી અમને છોડવાનું નામ ન લે! અમે બધા ભૂખથી વ્યાકુળ થઇ રહ્યા હતા, પણ ઉસ્તાદજી તો મંડી પડ્યા હતા અમને પલોટવામાં! હવે અહીં જે કામ દરેક કૅડેટે કરવાનું હતું તે પૂરૂં થયા બાદ તેણે ‘રીપોર્ટ’ આપવાનો હોય છે: “નંબર વન બ્રેન.. ઠીક!” “નંબર ટૂ બ્રેન.. ઠીક!” વિ.
અમારા સાથી કૅડેટ બચૈંતસિંઘનો વારો આવ્યો ત્યારે તેણે થાકેલા પણ પડછંદ અવાજમાં રીપોર્ટ આપ્યો:
“નંબર વન... બ્રેકફાસ્ટ........ ઠીક!”
આખો સ્ક્વૉડ ખડખડાટ હસી પડ્યો. ઉસ્તાદજી ઝંખવાણા પડી ગયા અને ક્લાસને રજા આપી!

આવી હાલતમાં સૅંડ મોડેલ રૂમમાં આવેલા વર્ગમાં બેઠાં પછી ‘થિયરી’ના લેક્ચરમાં ઘણા કૅડેટ્સ થાકીને ક્લાસમાં જ ઝોકાં ખાતા અને ઉંઘી પણ જતા. તેમના પર કોઇ પ્રશિક્ષકની નજરે પડી જાય તો તત્કાળ સૌની સામે તેને ગલોટિયાં ખાવાની શિક્ષા. એકથી વધુ કૅડેટ્સ ઝોકાં ખાતાં દેખાય તો આખા ક્લાસને સામુહિક રીતે સખત મેદાનમાં ઇક્વીપમેન્ટ સાથે ૨૦-૨૫ ગલોટીયા ખાવા પડે!

એક દિવસ અમારો ક્લાસ ગોરખા રાઇફલ્સના કર્નલ વિષ્ણુ શમર્મા લેતા હતા. બસો કૅડેટ્સના ક્લાસમાં ઝોકું ખાનારાઓમાં હું જ પકડાઇ ગયો. બૂમ પાડી તેમણે મને ઉભો કયર્યો, અને પૂછ્યું, ‘પ્લૅટુનમાં કેટલા ‘ટુ-ઇંચ મોર્ટર બૉમ્બ હોય છે?’
એક તો હું ઉંઘતો હતો, તેમાં વળી પકડાઇ ગયો. જેમ સવાલ બૂમ પાડીને પૂછાય તેમ અમારે જવાબ પણ બૂમ પાડીને આપવાનો હોય. હું ગુંચવાઇ ગયો હતો તેમ છતાં ઘાંટો પાડીને જવાબ આપ્યો, “ટ્વેન્ટી ફોર, સર!’ - જે સાવ ખોટો હતો. કર્નલ સાહેબનો પારો એકદમ ચઢી ગયો, અને તેમણે આખા વર્ગને ક્લાસરૂમમાંથી બહાર કાઢી સો ગજ સુધી ગલોટિયાં ખાવાનો હુકમ કયર્યો. દરેક ગલોટિયે એકસો નવાણું અવાજ નીકળતા હતા, “સા... સેવન્ટીફાઇવ!

આ જાણે ઓછું હોય તેમ બૅરેકમાં પાછા જઇએ ત્યાં અમારા સિનીયરો અમને ‘રગડવા’ તૈયાર હોય. ડગલેને પગલે તેઓ તાત્કાલિક શિક્ષા - જેમાં તેમને ‘ઢઢ્ઢુ ચાલ’ અત્યંત પ્રિય હતી - તે અમારી પાસેથી કરાવતા જ રહેતા. ‘બ્લડી ફૂલ’ અમારા સિનિયરોનો પ્રિય ઉદ્ગાર! દિવસમાં આ શબ્દનો જેટલી વાર પ્રયોગ કરતા એટલી વાર તેમણે ભગવાનનું નામ લીધું હોત તો તેઓ સદેહે સ્વર્ગમાં જઇ શક્યા હોત!
આવા સખત કાર્યક્રમ - અને શિક્ષાઓથી હેરાન થઇને ઘણા કૅડેટ એક અઠવાડિયામાં જ OTS છોડીને જતા રહ્યા હતા. અહીં એક નિયમ હતો કે જે લોકો એક અઠવાડિયામાં જતા રહે તેમને કોઇ દંડ ભરવો નહોતો પડતો. ત્યાર બાદ દરેક દિવસ દીઠ નિયત કરેલા દરે ટ્રેનિંગનો ખર્ચ આપવો પડે. આ કારણસર ઘણા જીસી એક અઠવાડિયામાં જ OTS છોડીને પાછા જતા રહ્યા હતા.

હું ગુજરાત-સૌરાષ્ટ્રના વાતાવરણમાં ઉછયર્યો હતો. આપણા સભ્ય સમાજના લોકો ગાળાગાળી નથી કરતા. ગુસ્સો આવે કે કોઇએ ગમે એટલી મોટી ભુલ કરી હોય તો પણ અપશબ્દ બોલાતા નથી. અહીં તો ટ્રકમાંથી ઉતરતાં વેંત અપમાન, ગાળો અને અકારણ અપાતી શિક્ષાને કારણે મારો જીવ ઉકળી ઉઠ્યો હતો. મારા ચારિત્ર્યનું ઘડતર એવી રીતે થયું હતું કે હું કદી અન્યાય કે જુઠો આરોપ સહન કરી શકતો નહોતો. અકારણ મળતી સજાને કારણે એક દિવસ હું અત્યંત દુ:ખી થયો. મન ઉદાસીનતાથી ભરાઇ ગયું. મારા સાથીઓ બપોરના સમયે બૅરેકમાં આરામ કરતા હતા. હું અૅન્ટીરૂમમાં જઇ ગમગીન થઇને બેઠો હતો, તેવામાં અમારી મેસના બટલર, મિસ્ટર ભોંસલેએ મને જોયો. જાણે કોઇ psychic હોય તેમ તેઓ મારી પાસે આવ્યા.
“સાહેબ, ઘણા પરેશાન દેખાવ છો. પાછા જવાનો વિચાર તો નથી કરતા ને?”
“તમે કેવી રીતે જાણ્યું?”
“હું અહીંનો સૌથી જુનો મૅનેજર-કમ-બટલર છું. તમારી સૌની વ્યથા હું જાણી શકું છું. મારે તમને એક જ વાત કહેવી છે. ‘બહુત ગઇ થોડી રહી’. તમને ખબર પણ નહિ પડે કે બાકીના દિવસો કેવી રીતે નીકળી ગયા. બીજી વાત: તમે દેશની રક્ષા કરવાના ઉદ્દેશથી અહીં આવ્યા છો. ગમે તે થાય, હવે પાછી પાની કરતા નહિ. શિવાજી મહારાજ અને રાણા પ્રતાપને તમારા આદર્શ બનાવો. તમે તેમના અફસર છો એવો વિચાર કરશો તો તમારો ઇરાદો વધુ મજબૂત થશે. કંઇ પણ થાય, પાછા જવાનો વિચાર કરશો મા.”

મિસ્ટર ભોંસલેની વાત સાંભળી હું ભોંઠો પડી ગયો. મેં નિશ્ચય કયર્યો કે જે ઉદ્દેશથી હું અહીં આવ્યો છું, તે પૂરો કયર્યા વગર નહિ રહું.

OTSમાં આમ તો આખી પ્લૅટુનના કૅડેટ્સ મારા મિત્ર બન્યા, પણ તેમાં બે ખાસ હતા - હોમી દારા શ્રૉફ અને રવિંદર કોહલી. હોમી મુંબઇના કફ પરેડમાં રહેતા ધનાઢ્ય પરિવારનો યુવાન હતો. તેની સાથે ગુજરાતીમાં વાત કરવાની તક મળતી. મિલીટરીની બાબતનો તે જાણકાર હતો. આમ પણ ભારતીય સેનામાં જનરલ, એડમીરલ અને એર ચીફમાર્શલ જેવા ઉચ્ચ પદ પર પારસીઓએ સારી પરંપરા જાળવી છે. હોમીના ઘણા સગાં-સંબંધીઓ મિલીટરીમાં ઉચ્ચ પદ પર હતા, અને તેણે સેનાના અૉફિસર-કાડર વિશે સારો અભ્યાસ કયર્યો હતો. એક દિવસ મેં તેને પૂછ્યું, ‘હોમી, આપણે અહીં અફસર થવા આવ્યા છીએ, તો આપણી સાથે આપણા સિનિયર, આપણાથી ઉતરતા પદના સુબેદાર અને હવાલદાર આપણી સાથે આટલું ગંદું વર્તન શા માટે કરે છે? આપણી ડીગ્નીટીનો કચરો થતો કેમ કરીને સહેવાય?”

“સાંભલ, સેવન્ટીફાઇવ. આય એવણનો pschological પ્લાન છે. આપરી સુંવાલી સિવિલિયન જીંદગીની સૉફ્ટનેસ કાઢી ટફ અને સખત પર્સનાલિટીવાલા, સ્ટૅમીનાવાલા સોલ્જરમાં બડલવા માટે આ ટ્રેનીંગ ડેવેલપ કરી છે. સમજ, તું નરમ માટીનો રહીશ તો કમીશન્ડ ઓફિસર થયા પછી તારા જવાનોને લડાઇમાં કડક થાઇને કેમનો લીડ કરવાનો? બસ, આ છ મહિના તું ભુલી જા તું કોન હુતો, અને યાદ રાખ કે આગલ જતાં તું શું બનવાનો છે.”

મિસ્ટર ભોંસલે અને હોમીની વાત સાંભળીને મારો સમગ્ર દૃષ્ટીકોણ બદલાયો. મેં મારા અભ્યાસમાં પૂરી રીતે મન પરોવ્યું. શારીરિક ક્ષમતા વધારી અને હવે ૨૫ કિલો વજનની ઇક્વીપમેન્ટ અને રાઇફલ ઉંચકીને એક કલાકમાં પાંચ માઇલ અને પોણા બે કલાકમાં દસ માઇલની દોડ પણ સહેલાઇથી પૂરી કરવા લાગ્યો. પૂરી 'ઇક્વીપમેન્ટ'વાળા "ઘાયલ" સૈનિકને ખભા પર ઉંચકી, તેની અને મારી રાયફલ બીજા ખભા પર લટકાવી બસો ગજની દોડ બે મિનીટમાં પૂરી કરવા લાગ્યો.

સાંજે દોડ પૂરી કરીને આવ્યા બાદ કૅન્ટીનમાં પચાસ પૈસામાં મળતી કોકાકોલાની બૉટલ અને એટલી જ કિંમત પર મળતા એક બુંદીના લાડુની જ્યાફત ઉડાવતા ત્યારે એવી સુખદ ભાવના થતી!

આમ દિવસ વિતતા જતા હતા.....

Tuesday, February 3, 2009

"જીસી સેવન્ટીફાઇવ"

પુનામાં થયેલી બીજી હોનારત - મારા OTSમાં પહોંચ્યાના બીજા દિવસથી અમારી ટ્રેનિંગ શરુ થઇ ગઇ!

ચાર વાગે ઉઠીને સૌ પ્રથમ મોટો મગ ભરીને ‘બેડ ટી’ અને બિસ્કીટનો નાસ્તો. ત્યાર પછી દાઢી, બ્રશ અને બાથરુમમાં જઇ પ્રાતર્વિધી પતાવી કસરતનો - એટલે પી.ટી. (ફિઝીકલ ટ્રેનિંગ)નો યુનિફોર્મ પહેરી બૅરેકની બહાર પ્લૅટુન-વાર લાઇનબંધ ઉભા રહી જવાનું. હવે સાર્જન્ટ બહાદુરસિંઘ આવી અમારો ‘ટર્ન-આઉટ’ (પહેરેલો પોશાક, બુટ પૉલીશ વિ.) ચેક કરે. તેમાં કોઇ ઉણપ હોય કે ન હોય, "યૂ બ્લડી ફૂલ્સ, આઇ હૅવ નાટ્ટ સીન જોકર્સ લૈક યૂ." અને 'તમારા દેદાર જોઇ મને શરમ આવે છે' વિ.વિ. કહી અમારામાંથી કેટલાકનાં નંબર બોલી, નોંધી લે. જેમનો નંબર નોંધાયેલો હોય, તેમણે રાતના ભોજન બાદ સજા ખાવા મેદાનમાં જવાનું. અહીં અમને ‘ફ્રન્ટ રોલ’ (ખરબચડી જમીન પર ગુંલાટિયા ખાવાના), બૅક રોલ (ઉંધા ગુંલાટિયા), અમારા ઘૂંટણ, સાથળ અને પગની ઘૂંટીનો સત્યાનાશ કરનારી ‘ઢઢ્ઢુ ચાલ’ (અંગ્રેજી: frog march) અને છેલ્લે ‘ચિત્તા ચાલ’ - એટલે જમીન પર ચત્તા સુઇ, ચિત્તાની જેમ ઘસડાતા જઇ ૫૦-૧૦૦ ગજનું અંતર કાપવાનું - એવી સજા મળે. આને સજા ન કહેતાં ‘extra drill’ કહેવામાં આવતી. એક્સ્ટ્રા ડ્રીલનું ઉર્દુ નામ ‘પિઠ્ઠુ પરેડ’. પિઠ્ઠુ એટલે પીઠ પર લગાડવાનો થેલો (અં: Haversack), જેમાં કૂચ કરતી વખતે તેમાં સુચિ પ્રમાણે ત્રણે’ક કિલોગ્રામના વજનની વસ્તુઓ રાખવાની હોય છે. જો કે પિઠ્ઠુ પરેડમાં નિયત વસ્તુઓને બદલે આ થેલામાં તેનું વજન પૂરૂં કરવા પત્થર અને ઇંટ મૂકવામાં આવે. બહાદુરસિંઘ તેને ‘પેટી પરેડ’ કહેતા. અા ‘પરેડ’નો એક વણલખ્યો નિયમ એવો હતો કે ત્રણથી ઓછી “પેટી પરેડ” કોઇને ન અપાય! મારી પ્લૅટુનના ઓરિસ્સાના કૅડેટ પૂર્ણચંદ્ર પરીજાને એટલી એક્સ્ટ્રા ડ્રીલ મળી હતી, કે ટ્રેનિંગ પૂરી કરી, સેકન્ડ લેફ્ટનન્ટ થઇને પોતાની રેજીમેન્ટમાં ગયો ત્યારે તેના નામે અગિયાર એક્સ્ટ્રા ડ્રીલ બાકી રહી હતી!

પ્લૅટુન સાર્જન્ટ બહાદુરસિંઘની ‘બહાદુરી’ બાદ અમે પીટી કરવા જઇએ. રોજ સવારે ‘રોડ-વૉક-અૅન્ડ-રન’માં બે માઇલની દોડ કરી આવવાનું. ત્યાર બાદ બ્રેકફાસ્ટ. હવે પછીનો પિરીયડ લશ્કરી કવાયત-ડ્રીલનો. બ્રેકફાસ્ટ બાદ કવાયતનો ખાસ યુનિફૉર્મ પહેરી ડ્રીલ સ્ક્વેરમાં જવાનું. બે ટ્રેનીંગ વિસ્તાર વચ્ચેનું અંતર એક-દોઢ કિલોમીટર હતું, અને અમારે ત્યાં દોડતા જવાનું હતું. વળી જ્યાં સુધી ડ્રીલની પરીક્ષા પાસ ન કરીએ ત્યાં સુધી અમને કૅમ્પમાંથી બહાર જવાનો ‘આઉટ પાસ’ ન મળે, અને અમારા બૂટને પૉલીશ કરી, બાકીના સામાનને તૈયાર કરી આપવા માટે અૉર્ડલર્લી ન મળે. ડ્રીલમાં ‘લેફ્ટ-રાઇટ’ કરવા ઉપરાંત ‘Ceremonial Parade’ (તમે ૨૬મી જાન્યુઅારીની પરેડ જોઇ હશે, તેમાં જે રીતે પરેડ કમાંડર તલવાર લઇને માર્ચ કરતા હોય છે, સલામી શસ્ત્ર અને ‘Beating the Retreat’ કરતા હોય છે, તે બધી વિધી શીખવી પડતી હોય છે.) ડ્રીલમાં સૌથી વધુ અગત્યતા અપાય છે પોશાકને. શર્ટના કૉલર કે બાંયમાંથી સૂતરનો એક પણ તાંતણો ડોકિયું કરતો હોય તો જીસી ‘ફેઇલ’. પૉલીશ કરેલા બૂટમાં સુબેદાર મેજરને પોતાનો ચહેરો ન દેખાય તો પણ તમે ‘ફેઇલ’. લાંબા મોજાની ઉપરની કિનારમાંથી પતંગિયાના આકારના લાલ અને ભૂરા રંગના ‘garter flash’ની લંબાઇ પણ નિયમ પ્રમાણે હોવી જોઇએ. અમારા ડ્રિલ સાર્જન્ટને અંગ્રેજી આવડતું ન હોવાથી ગાર્ટર ફ્લૅશને ‘ગટરફ્લાય’ કહેતા! ટોપી - એટલે બેરી (beret) ડાબી આંખની ભમરથી બે આંગળ કરતાં ઉંચી કે નીચી હોય તો પણ તમે ‘ગયા’. વાળ એવા કપાયેલા હોવા જોઇએ કે બેરીની પાછળના ભાગમાં એક પણ વાળ દેખાવો ન જોઇએ. આ તો શરુઆત. ત્યાર બાદ દરેક હલન ચલન, સૅલ્યુટ કરવાની રીત, પગ ઉપાડીને પછાડવાની ઢબ - જવા દો, આ બધું યાદ આવે છે અને ફરી ડ્રીલ સ્ક્વેરના (પરીક્ષાના) નામથી ધ્રુજારી છૂટે છે. હું ડ્રીલ સ્ક્વેરમાં બે વાર ‘ફેલ’ થયો હતો. પહેલી વાર મારા કૉલરમાંથી એક મિલીમીટરના ૧૦૦મા ભાગ જેટલું તાંતણું સુબેદાર મેજરની નજરે ચઢ્યું તેથી ફેઇલ. બીજી વાર મારી આંખમાં આંખ પરોવીને તેમણે જોયું ત્યારે મારી આંખનું પોપચું એક મિલીમીટરના હજારમા ભાગ જેટલું હલી ગયું તેથી નાપાસ! કોઇ પણ કારણ હોય, પણ રીપોર્ટમાં ફક્ત એટલું લખાયું કે ‘સેવન્ટી ફાઇવ ડ્રીલ સ્ક્વેરમાં બે વાર ફેલ થયો છે, જે દશર્શાવે છે કે તે ડ્રીલમાં સાવ કાચો છે અને તેની ડ્રીલ સાવ ખરાબ છે.’ આ રીપોર્ટ વાંચીને મારી એકલાની એવી બારીકાઇથી પરીક્ષા લેવાઇ, જાણે સુબેદાર મેજર હાથમાં સુક્ષ્મદર્શક યંત્ર લઇને મારો યુનીફોર્મ, બૂટ પૉલીશ, બેલ્ટ, બકલ, બેરી પરનો બૅજ ચકાસી રહ્યા હતા. ત્યાર પછી ડ્રીલની “પત્રકે સાથ સૅલ્યૂટ કરના” જેવી એકે એક વિધી મારી પાસેથી કરાવી, અને છેલ્લે મારા ચહેરાથી એક સેન્ટીમીટર પર પોતાનો ચહેરો લાવીને જોયું કે મારી આંખ સીધી લાઇનમાં જોઇ રહી છે કે તેમની તરફ. અંતે તેમણે મને પાસ થયાનો હુકમ ‘કૅરી અૉન’ આપીને કહ્યું, ‘સેવન્ટી-ફાઇવ’ આપકી ડ્રીલ બહુત બહેતર હુઇ હૈ. કોઇ કસર નહિ. કૅરી ઓન’. આના જવાબમાં શિરસ્તા પ્રમાણે હું ઉંચા સાદે એક જ શબ્દ બોલી શકું: “સર!”
મારા હોઠ પર શબ્દ આવ્યા હતા, ‘આપને મેરી ડ્રીલ કબ દેખી થી જો અબ બહેતર હુઇ?’ પણ આવું કશું કહેવાય નહિ, અને કહીએ તો દસ થી ઓછી એક્સ્ટ્રા ડ્રીલ મળ્યા વગર ન રહે! આ વખતે મને સૌથી વધુ દુ:ખ થયું હોય તો શાળા કે કૉલેજ દરમિયાન એનસીસીમાં ન જોડાયો તેનું હતું. OTSમાં જે શિક્ષણ મેળવી રહ્યો હતો તે મને એનસીસીમાં મળ્યું હોત તો અહીંની ટ્રેનિંગ મને વસમી ન લાગત.

પીટી અને ડ્રીલ કરીને થાકી ગયા બાદ ‘વેપન ટ્રેનિંગ’ (રાઇફલ, લાઇટ મશીનગન, સ્ટેન ગન અને પિસ્તોલ ચલાવવાનું શિક્ષણ તથા આ હથિયારોના હિસ્સાઓ ખોલી, સાફ કરી ઝપાટાબંધ ફરી ‘ફીટ’ કરી નાખવા- વિ.), ક્લાસરૂમમાં બેસીને યુદ્ધશાસ્ત્ર, યુદ્ધનો ઇતીહાસ, ભારતીય સેનાનાં જુદા જુદા વિભાગોની સંઘટના, મૅપ રીડીંગ વિગેરેનો અભ્યાસ, વાયરલેસ સંચાર વિજ્ઞાન વિગેરે શીખવાનું. બપોરના ભોજન બાદ એકા’દ કલાક આરામ કરી સાંજે ખેતર કે વગડામાં દોડવાનું - ક્રૉસ કંટ્રી રન, રમત ગમત અને ફરજીયાત અૉબ્સ્ટેકલ કોર્સ . આ બધું પતાવીને નાહી-ધોઇ, સૂટ પહેરી મેસમાં જવાનું. રાતે ભોજન કરી, નસીબ સારા હોય અને બહાદુરસિંઘે ‘પેટી પરેડ’ આપી ન હોય તો સૂઇ જવાનું. સવાર પડે અને બ્યુગલર ‘રવાલી’ના સૂર વગાડે, જે અમારા માટે “જાગો મોહન પ્યારે!” હતા.

Monday, February 2, 2009

હોનારત.....

જુલાઇ ૧૯૬૩: જેન્ટલમન કૅડેટ ‘ઇલેવન સેવન્ટી-ફાઇવ’.

આખરે આમર્મી હેડક્વાર્ટર્સમાંથી મને OTS -અૉફિસર્સ ટ્રેનિંગ સ્કૂલ- પુનામાં હાજર થવાનો હુકમ આવી ગયો.

મારા એક મિત્ર - કૅપ્ટન ભદ્રીના કહેવા પ્રમાણે ૬ જુલાઇના રોજ પુનામાં બે હોનારતો થઇ. આ જ તારીખે, ત્રણ વર્ષ પહેલાં પુનાની નજીક મુળા-મૂઠા નદી પરનો પાનશેત બંધ ભાંગી પડ્યો હતો, અને તેમાં અર્ધું પુના શહેર વહી ગયું હતું. બીજી હોનારત - નરેન મિલીટરીમાં અૉફિસર થવા પુના સ્ટેશન પર પહોંચ્યો ત્યારે થઇ!

અમને મળેલા લેખીત હુકમ પ્રમાણે સૌ પ્રથમ મુવમેન્ટ કન્ટ્રોલ ઓફિસર પાસે મેં હાજરી આપી અને નામ નોંધાવ્યું. વેઇટીંગ રુમમાં મારા જેવા અનેક યુવાનો ભેગા થયા હતા. થોડા સમયમાં અમને લેવા ત્રણ-ચાર થ્રી-ટન ટ્રક આવ્યા. તેની સાથે જીપમાં ગ્રેનેડીયર રેજીમેન્ટના કૅપ્ટન ચંદર નાગરાની આવ્યા. તેમનો રુવાબદાર યુનિફૉર્મ, કૅપ પર લગાવેલ સફેદ પીંછાનું હૅકલ અને હાથમાં છડી જોઇ અમે અંજાઇ ગયા. અમે પણ તેમના જેવા અફસર બનવાના છીએ એ ખ્યાલથી અપૂર્વ ઉત્સાહ સાથે અમે જાણે અત્યારથી જ અફસર થઇ ગયા તેવા રૉફથી ટ્રકમાં ચઢ્યા અને કુલી પાસેથી ટ્રંક અને બિસ્તરો અંદર મૂકાવ્યો. અમારી ખુમારી ક્ષણભંગુર નીકળશે તેનો અમને જરા પણ ખ્યાલ નહોતો. જેવા અમારા ટ્રક્સ OTS (અૉફિસર્સ ટ્રેનિંગ સ્કૂલ)માં પહોંચ્યા, અમારું ‘સ્વાગત’ કરવા સાવ ઝીણા કાપેલા વાળ, સ્માર્ટનેસ અને સખ્તાઇથી સભર ચહેરા અને સફેદ શર્ટ, ભૂરી ફ્લૅનલની પૅન્ટ, ગળામાં સ્કાર્ફ અને બ્લેઝરમાં સજ્જ એવા અમારી પહેલાંની બૅચના પાંચ કે છ જેન્ટલમેન કૅડેટ્સ હાજર હતા. તેમનાથી થોડે દૂર બે મેજર અને ચાર કૅપ્ટન ઉભા હતા.

અમે ટ્રકમાંથી નીચે ઉતયર્યા અને અમારો ટ્રકમાંથી સામાન ઉતારવા કુલી કે પોર્ટરની રાહ જોવા લાગ્યા. તેવામાં વિજળીના કડાકા જેવી ગર્જના સાંભળી.

“યૂ બ્લડી ફૂલ્સ...તમારો સામાન ઉતારવા કોણ તમારા પૂર્વજ આવવાના છે? ઉતારો સામાન. અને યાદ રાખજો, અહીં ચાલવાની મનાઇ છે. બધું કામ દોડીને કરવાનું છે,” બુલ ડૉગ જેવા લાગતા જેન્ટલમેન કૅડેટ તાડુક્યા. અમે ધડાધડ સામાન ઉતાયર્યો અને આગલા હુકમની રાહ જોવા લાગ્યા. અમને એક લાઇનમાં ઉભા રહેવાનું કહેવામાં આવ્યું, અને નંબર વાર અમારી જુદી જુદી કંપનીઓમાં વહેંચણી કરવામાં આવી. મારો નંબર Arjun ઉર્ફ 'આલ્ફા' કંપની અને તેની 'સી' પ્લૅટૂનમાં મૂકવામાં આવ્યો. ત્યાર બાદ અમને ચેસ્ટ નંબર અપાયા. મારો નંબર ‘આલ્ફા-૧૧૭૫’ હતો. હવે પછી અમારૂં સામાન્ય નામ થયું જી.સી. - એટલે જેન્ટલમન કૅડેટ, અને મારૂં વિશેષ નામ થયું “ઇલેવન સેવન્ટીફાઇવ” - ટૂંકમાં 'સેવન્ટી-ફાઇવ'. અમને ટ્રેનિંગ આપનારા હવાલદાર, નાયબ સુબેદાર અને સુબેદાર અમને જીસી - અને માન આપવાનો વિચાર થાય તો ‘સર’ કહીને બોલાવે, પણ વર્તન અત્યંત કડક. હવાલદારોને અમારે ‘ઉસ્તાદ’ કહીને સંબોધવાના. નાયબ સુબેદાર, સુબેદાર અને સુબેદાર મેજરને ‘સા’બ’ કહી બોલાવવાના.

બીજો હુકમ મળતાં અમે ભારે ભારે ટ્રંક અને બિસ્ત્રાઓ ઉંચકીને અમને બતાવાયેલી બૅરેકમાં લગભગ દોડતા ગયા. ત્યાં સામાન મૂક્યો કે તરત અમને ક્વાર્ટરમાસ્ટર સાર્જન્ટે બોલાવ્યા. તેમણે પણ અમને ‘બ્લડી ફૂલ’ની વધામણી સાથે આવકાર આપ્યો અને અમને કૅડેટના યુનિફોર્મ આપ્યા. ત્યાર બાદ અમને અમારા પ્લૅટુન સાર્જન્ટ બહાદુરસિંઘનો પરિચય અપાયો. હવેથી તેઓ અમારા વાલી છે, તેવું કહેવામાં આવ્યું. આનો અર્થ એ હતો કે તે અમને ગમે ત્યારે સજા આપી શકતા હતા, ગમે ત્યારે - મધરાતે પણ - બૅરેકની બહાર ‘ફૉલ ઇન’ એટલે લાઇનબંધ થવાનો હુકમ આપી શકતા હતા. અમારી કોઇ ફરિયાદ હોય તો તેમને જ રીપોર્ટ કરવાનો, પણ બહાદુરસિંઘની આજ્ઞા હતી કે ફરિયાદ કરવી હોય તો અમારા જોખમે જ કરવી. શુદ્ધ પંજાબી-હિંદી (આવી કોઇ ભાષા છે તેની મને અગાઉ જાણ નહોતી!) માં તેમણે કહ્યું, “સુણો બ્લડી ફૂલો, ફરિયાદ કરણ-વાળે રોતી સૂરત લોગાંસે મૈંનું સખ્ત નફરત હૈ. કમ્પ્લેન્ટ કરન-તૂં પહિલાં સૌ બાર સોચણાં.” અહીં ‘બ્લડી ફૂલો’ મૂળ શબ્દના બહુવચન તરીકે વપરાયો હતો!

આ કાર્યવાહી પૂરી થઇ ત્યાં સાંજ પડી ગઇ અને અમને મેસમાં ભોજન માટે જવાનો હુકમ અપાયો. મેસમાં સૂટ અને ટાય વગર જવાય નહિ. મેસ બે ભાગમાં વહેંચાયેલી હોય છે. લાઉન્જ - અથવા Ante Room - એન્ટી રૂમ અને તેની પાછળ ડાઇનીંગ રુમ. ભોજનકક્ષમાં દરેક નવા કૅડેટની સાથે એક એક સિનિયરને બેસાડવામાં આવ્યો. તેમનું કામ હતું અમને ‘Table Manners’ શીખવવાનું! તેમાં છરી કાંટા કેવી રીતે વપરાય તેનો પણ અભ્યાસ કરાવાયો. મારી કંપનીમાં મોટા ભાગના ‘નવા’ જીસી પંજાબ અને હરિયાણાના ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા હતા. ત્યાર બાદ નંબર આવે રાજસ્થાન અને ઉત્તર પ્રદેશના ગ્રામ્ય વિસ્તારના કૅડેટ્સનો. બંગાળ, મહારાષ્ટ્ર અને દક્ષીણ ભારત અને ઓરિસ્સાથી આવતા લગભગ બધા કૅડેટ્સ શહેરી વિસ્તારના હતા. મોટા ભાગના જીસીઓએ આ અગાઉ કદી પણ છરી-કાંટા-ચમચા વડે ભોજન કર્યું નહોતું.
અહીં રાજ્ય વાર આવતા કૅડેટ્સનું વર્ણન કર્યું. તમે પૂછશો, ગુજરાતના કૅડેટ્સની વાત કેમ ન કરી?

અહીં એક મજાની વાત કહું. OTS પુનાના કમાન્ડન્ટ બ્રિગેડિયર આપજી રણધીરસિંહજી હતા. જોધપુરના રાજવી પરિવારના સૅન્ડહર્સ્ટથી કિંગ્ઝ કમીશન લઇ આવેલા આપજીનાં લગ્ન સૌરાષ્ટ્રના રાજપરિવારમાં થયા હતા. તેઓ ગુજરાતી જાણતા હતા. અમારી ટ્રરેનિંગના છેલ્લા દિવસે તેમણે આપેલા પ્રવચનમાં કહ્યું કે અમારા OTSના વાસ્તવ્ય દરમિયાન અમને ઘણી શિક્ષા ભોગવવી પડી હતી, પણ ગુજરાતની કહેવત ‘સોટી વાગે છમ છમ, વિદ્યા આવે ઘમ ઘમ’નું અહીં સારૂં પરિણામ આવ્યું છે, કહી તેમણે અનાયાસે પુછ્યું, ‘અહીં ગુજરાતના કેટલા કૅડેટ્સ છે?”
હાજર રહેલા મારા કોર્સના અને નવા આવેલા કૂલ ૧૫૦૦ કૅડેટ્સમાંથી ફક્ત એક હાથ ઉંચો થયો હતો - મારો!

Sunday, February 1, 2009

"...રાઇટ": યોગ્ય પગલું?

અમદાવાદ ખાતે લેવાનારા પ્રાથમિક ઇન્ટરવ્યૂ માટે વધુ રાહ જોવી પડી નહિ. અમારા મિત્ર મંડળમાંથી મારો વારો પહેલાં આવ્યો હતો. તે વખતે સમજાયું નહોતું કે આ મુલાકાતમાં બે મેજર અને એક કર્નલના ‘બોર્ડ’ દ્વારા ઊમેદવારનું વ્યક્તિત્વ, તેનું bearing, તેનું સામાન્ય જ્ઞાન તથા રાજકીય અને સામાજીક હાલત વિશેની ચચર્ચા દ્વારા તેની અંગ્રેજીમાં સંભાષણ કરવાની આવડત ચકાસવામાં આવી હતી. બે અઠવાડિયા બાદ અમદાવાદની મિલીટરી હૉસ્પિટલમાં પ્રાથમિક દાક્તરી તપાસ માટે બોલાવવામાં આવ્યો, જેમાં હું પાસ થયો.

અત્યાર સુધી મેં બાને મિલીટરીમાં જોડાવા અંગેના મારા વિચારની વાત કરી નહોતી. મને ખબર હતી કે બાનો મારા પર પોતાના પ્રાણથી વધુ સ્નેહ હતો અને મિલીટરીમાં મોકલવામાં તેમને અત્યંત દુ:ખ થશે. મારી ટેવ હતી કે દરરોજ સાંજે બા પાસે બેસીને આખા દિવસ દરમિયાન શું થયું તેની વાત કરતો. મારી મેડીકલ ટેસ્ટ થયા બાદ તે સાંજે મેં બાને પૂછ્યું, “બા, મારે મિલીટરીમાં જોડાવું છે. મને ઓફિસરની જગ્યા મળે તેમ છે તમે રજા આપો તો જઉં. તમને તો ખબર છે કે ચીને ભારત પર હુમલો કર્યા બાદ આપણા દેશને આપણી સેનામાં અફસરોની તાતી જરુર છે. આપણા જેવા લોકો ફોજમાં નહિ જાય તો બીજું કોણ જશે?”
બા એક ક્ષણ શાંત રહ્યા. તેમની આંખ ભિંજાઇ આવી. મારા ખભા પર હાથ મૂકી તેમણે ગળગળા સ્વરે કહ્યું, “ભાઇ, તારી વાત બરાબર છે. સેનામાં જોડાવાની તારી અંતરની ઇચ્છા હોય તો હું આડે નહિ આવું. મારો તો તું આધાર છે, તેમ છતાં દેશની સેવા કરવા માટે તું મોરચા પર જઇશ તો વીર પુત્રની માતા થવામાં ગૈારવ અનુભવ કરીશ. તું ખુશીથી જા, બેટા. મારી તને રજા છે.”
બાએ મારા મસ્તક પર વહાલથી હાથ ફેરવ્યો.

ત્રણ મહિના બાદ મને જબલપુરના સર્વિસીઝ સીલેક્શન બોર્ડમાં અંતિમ સીલેક્શન માટે હાજર થવાનો હુકમ મળ્યો. સાથે રેલ્વેનો પાસ પણ મોકલવામાં આવ્યો હતો. વિતેલા ત્રણ મહિના દરમિયાન મારા કેટલાક મિત્રોએ સાંભળેલી અનેક અફવાઓના આધાર પર મને મિલીટરીમાં ન જવા વિશે સલાહ આપી. રિલીફ રોડ પર આવેલ એક સિનેમા થિયેટરના મૅનેજરને એમર્જન્સી કમીશન માટે સીલેક્ટ કરવામાં આવ્યા હતા, પણ તેમનાથી સખત ટ્ર્ેનિંગ જીરવાઇ નહિ. એક અઠવાડિયામાંજ તેઓ ઘેર પાછા આવી ગયા હતા. આવા જ સમાચાર મેં ગુજરાતમાંથી અફસરની ભરતી માટે ગયેલા અન્ય યુવાનો વિશે સાંભળ્યા. મારી અૉફિસના કેટલાક લોકો તો એમ પણ કહેવા લાગ્યા, “ભાઇ, આપણા લોકોનું આ કામ નથી. અૉફિસર થવા જાવ તો છો, પણ નામોશી લઇને અડધેથી પાછા આવશો તો કોઇને મોઢું દેખાડવાને લાયક નહિ રહો!” તેમ છતાં મારો નિશ્ચય અડગ રહયો. જબલપુર જવાનો હુકમ મળવાથી મારો ઉત્સાહ વધી ગયો.

જબલપુરનું સર્વિસીઝ સિલેક્શન બોર્ડ - SSB - ઘણું સખત છે તેની માહિતી જબલપુર સ્ટેશન પર પહોંચતાં વેંત મળી! પ્રથમ વર્ગના વેટીંગ રૂમમાં મને કેટલાક અસફળ થઇ ઘેર પાછા જવા નીકળેલા ઉમેદવારો મળ્યા. અત્યંત મુશ્કેલ એવી શારીરિક કૌશલ્યની, ‘સ્ટૅમીના’, IQ તથા psychological Testની લેખિત પરીક્ષાઓ તથા ટીમ-વર્ક અને લીડરશીપની કઠણ પરીક્ષાઅો વિશે તેમણે વાતો કહી. “SSB પાસ કરના ઐસે-વૈસેકા કામ નહિ,” કહી તેઓ ટ્રેનમાં બેસી ગયા. તેઓ ગયા ત્યારે વેટીંગરૂમના ખુણામાં શાંત બેઠેલ એક પંજાબી યુવાને મને પોતાની પાસે બોલાવ્યો અને કહ્યું, “સુનો યાર, નાહિંમત કરાને વાલે લોગોંકી ઇસ દુનિયામેં કમી નહિં. તુમ સિર્ફ પૉઝીટીવ ઍટીટ્યુડ રખના. જો ભી સવાલ પુછા જાય, ચાહે સાઇકોલોજીકલ ટેસ્ટકી લેખિત ઇમ્તેહાન હો યા પર્સનલ ઇંટરવ્યૂ, હિંમતસે પૉઝીટીવ જવાબ દેના. ફૈાજ કો હિંમતસે લીડ કરનેવાલે અફસર ચાહિયે. યે બાત યાદ રખોગે તો તુમ્હેં સીલેક્ટ હોનેસે કોઇ નહિ રોક સકતા!”

આ વાત ચાલતી હતી ત્યાં સિલેક્શન બોર્ડનો ટ્રક લઇને એક અમલદાર આવ્યા. સ્ટેશનના વેટીંગ રુમમાં રાહ જોઇ રહેલા ઉમેદવારોમાં હું એકલો ગુજરાતી યુવાન હતો. બધા ઉમેદવારોને તેઓ જબલપુર કેન્ટોનમેન્ટ લઇ ગયા, અને અમને એક બૅરૅકમાં ઉતારો આપ્યો. બીજા દિવસથી જે કાર્યક્રમ અંકાયા હતા તેની તેમણે પૂર્ણ રુપરેખા આપી. ત્યાર પછીના ચાર દિવસ કેવી પરીક્ષાઓ લેવામાં આવશે તેનો મને સ્વપ્ને પણ ખ્યાલ નહોતો. જો કે મને તેની ચિંતા નહોતી. મારા મનમાં જે વાત ચાલતી હતી તેનું વર્ણન ઉર્દુના એક જ શબ્દમાં કરી શકું: જુનુન. જબલપુરના ઇંટરવ્યૂનો પત્ર આવ્યો ત્યારથી જ મનમાં ઝંખના જાગી હતી કે મારા શરીરમાં અને આત્મામાં ઘુમી રહેલ શક્તિના પ્રત્યેક બિંદુને એકાગ્ર કરી સિલેક્શન બોર્ડની દરેક પરીક્ષા, શારીરિક ક્ષમતા અને માનસિક દૃઢતાની ચકાસણીને પાર કરવી. તે વખતે મને જરા પણ ખ્યાલ નહોતો કે વાસ્તવમાં આ બધી પરીક્ષાઓ કેટલી સખત હતી. એક તરફ મારા જેવા અનેક યુવાનો સીધા સર્વિસીઝ સીલેક્શન બોર્ડમાં જતા હતા, જ્યારે પંજાબમાંથી આવતા ઉમેદવારો ચંડીગઢમાં ચાલતી દિઓલ એકેડેમી જેવી સંસ્થાઓમાં ભારે ફી આપીને બોર્ડમાં લેવાતી પરીક્ષાઓની તાલિમ લઇને જતા. લશ્કરી અધિકારીઓના પુત્રો તેમના પિતાની રેજીમેન્ટમાં ‘ઓબ્સ્ટેકલ કોર્સ’માં નૈપૂણ્ય પ્રાપ્ત કરી આવતા. આ એક એવી પરીક્ષા છે જેમાં નિયત સમયમાં ઉમેદવારે ૩૦ ફીટ ઉંચા દોરડા પર ચઢી જવાનું, ૮ ફીટ પહોળો, પાણી-પત્થરથી ભરેલ ખાડો કૂદી જવાનું, વીસ-પચીસ ફીટના અંતરે આવેલા બે ઉંચા વૃક્ષો પર ત્રીસેક ફીટ ઉંચે બાંધેલા દોરડાના પૂલને પાર કરવાનું, ૧૫ ફીટ ઉંચાઇ પરથી જમીન પર ભુસકો મારવા જેવી ઘણી પરીક્ષાઓ હોય છે. થોડી શરતચૂક થાય તો હાથ કે પગ તૂટ્યા વગર ન રહે! મેં અમદાવાદમાં સ્વ. વસંતરાવ હેગિષ્ટેએ શરુ કરેલ વ્યાયામશાળામાં કરેલ કસરત અને રમતગમતમાં વષર્ષો સુધી ભાગ લીધો હતો તેનો મને ઘણો ફાયદો થયો. અન્ય પરીક્ષાઓમાં બૌદ્ધીક અને માનસિક ક્ષમતા તથા નેતૃત્વ અને યોજના - (leadership and planning) જેવા વિષયો હતા. સૌથી છેલ્લે હતી સખત દાકતરી તપાસ. શરીરનું એકેએક અવયવ બરાબર કામ કરે છે કે નહિ તે જોવા ઉપરાંત પગની હાલત પર ખાસ ભાર આપવામાં આવ્યો હતો. આમાં જે ઉમેદવારના પગની પાની સપાટ (Flat feet) હોય કે બન્ને ઘૂંટણ એકબીજાને અડતા હોય (knock-knee) હોય તો તેને તરત ગેરલાયક ગણવામાં આવે છે. મારી બૅચના ચાલીસ ઉમેદવારોમાંથી કેવળ બે યુવાનો સીલેક્ટ થયા. તેમાં મારું નામ આવેલું જોઇ હરખનો પાર ન રહ્યો!

અમદાવાદ પહોંચીને મેં બાને સમાચાર આપ્યા ત્યારે તેમને અત્યંત આનંદ થયો. જો કે ચીન સામે થયેલી લડાઇમાં શહિદ થયેલા મિલીટરીના જવાનોની વાતો હજી પણ અખબારોમાં આવતી હતી, તેથી તેમની ચિંતા કાંઇ ઓછી થઇ નહોતી, પણ તેમણે તેનો ઓછાયો પણ મને દર્શાવ્યો નહિ.
હવે હું આમર્મી હેડક્વાર્ટર્સના પત્રની રાહ જોવા લાગ્યો.

પ્રથમ પગલું - "લેફ્ટ..."

ગુજરાતને ફોજ સાથે લેણાદેણી ઓછી!

આપણે ત્યાં એવી માન્યતા રૂઢ થઇ હતી કે ‘માર્શલ લૉ’ જાહેર થાય અને મિલીટરી આવી કે સમજવું કે દેશમાં કોઇ જરા જેટલું તોફાન કરે એટલે મિલીટરી ગોળીબાર કરી તોફાનીઓને સીધા દોર કરી નાખે. તેમના કાયદા કાનુન સખત અને તેનું પાલન કરવામાં તેઓ એવી સખતાઇ કરે કે તેમની હાજરીથી જ લોકોના હાંજા ગગડી જાય. અમદાવાદમાં જ્યારે કોમી હુલ્લડ થતા અને મિલીટરીને બોલાવવામાં આવતી ત્યારે શહેરના સૌથી વધુ ખુનખાર ગણાતા વિસ્તારમાં ચકલુંયે બહાર ફરકી શકતું નહિ, એવી સેનાની ધાક હતી. સાચું કહું તો તે વખતે અમને કોઇને સૈન્યમાં ઇન્ફન્ટ્રી, આટર્ટીલરી, કોર અૉફ સિગ્નલ્સ જેવા જુદા જુદા વિભાગ હોય છે તેની માહિતી નહોતી! ‘સોલ્જર’ કહ્યો એટલે એવો માણસ જેણે યુનિફૉર્મ પહેરી, હાથમાં રાઇફલ લઇ રણક્ષેત્રમાં જઇ દુશ્મનનો પ્રતિકાર કરવાનો. તેમાં હાથોહાથની લડાઇ કરવી પડે, શહીદ થવું પડે તો તેના જેવું મરણ તો કાશીનું પણ નહિ, એવો અમારો ખ્યાલ હતો. મિલીટરીના કૅમ્પમાં સિવીલિયનોને પેસવા નથી દેતા, અને કોઇ જાય તો તેની ખેર નથી રહેતી, આવા સેના વિશેના ખ્યાલ હોવાથી કોઇની કૅમ્પમાં જવા માટે પણ હિંમત ચાલતી નહોતી. સદ્ભાગ્યે તે સમયે મારા મોટાં બહેન ભાનુ’દીના પતિ અમદાવાદમાં મિલીટરી એન્જિનિયરીંગ સર્વિસીઝમાં કાર્યરત હતા. હું તેમને માનથી અણ્ણાસાહેબ કહીને બોલાવતો. એક દિવસ કૅમ્પમાં જઇ હું તેમને મળ્યો અને સેનામાં સિપાહીની ભરતી કેવી રીતે થાય છે તે પૂછ્યું. જ્યારે તેમને ખબર પડી કે મને અને મારા મિત્રોને સેનામાં ‘સોલ્જર’ તરીકે જોડાવું છે, ત્યારે તેમણે કહ્યું, “અરે, તમે બધા ગ્રૅજ્યુએટસ્ છો તો એમર્જન્સી કમિશન્ડ અૉફિસર માટે શા માટે અરજી નથી કરતા? ટર્ેનિંગ તો સિપાહી અને અફસર બન્ને માટે સખત હોય છે. એક સરખી મહેનત કરવાથી તમે અફસર બની શકતા હો, તો મારી સલાહ છે કે તમે બધા એમર્જન્સી કમીશન્ડ અૉફિસર માટેનું ફૉર્મ ભરો. સરકારે વય મયર્યાદા પણ ૩૦ વર્ષની કરી છે તેનો લાભ તમારે જરૂર લેવો જોઇએ. એટલું જરૂર કહીશ કે અૉફિસર્સનું સીલેક્શન ઘણું કડક અને અઘરું હોય છે, પણ તમને વાંધો નહિ આવે.”

અણ્ણાસાહેબની વાત સાંભળીને હું વિચારમાં પડી ગયો. થોડા સમય પહેલાં અમારા મકાનની સામે પંજાબ રેજીમેન્ટના મેજર ધારકર રહેવા આવ્યા હતા. તેમનું ભવ્ય વ્યક્તિત્વ, કડક ઇસ્ત્રીનો યુનિફૉર્મ, ચકચકતા પૉલિશ કરેલા બૂટ, છાતી પરના ડાબા ખિસ્સાની ઉપર રંગબેરંગી મેડલ-રિબન અને તેમનો દબદબો જોઇ અમારો આખો લત્તો અંજાઇ જતો. આ જાણે ઓછું હોય, સવારે તેમને લેવા જીપ આવતી, અને જેવા મેજર સાહેબ ઘરની બહાર નીકળતા, જીપનો ડ્ાઇવર અને તેમને લેવા આવેલ સિપાહી એક લયમાં પગ પટકી શિસ્તબદ્ધ સલામ કરતા તે જોઇ અમને થતું, મિલીટરીમાં જનારા લોકો કોઇ જુદી જ દુનિયાના માનવી હોય છે. ‘આપણા જેવા લોકોનું મિલીટરીમાં કામ નહિ,’ એવી બધાની ખાતરી થઇ ગઇ હતી! તેમાં પણ મેજર ધારકર જેવી ભવ્ય ‘પર્સનાલિટી’ વગર આપણને કોઇ અફસર તરીકે સીલેક્ટ કરશે કે કેમ, એવો વિચાર મારા મનમાં આવી ગયો. એકવડીયા બાંધાનું મારા મિત્રોનું અને મારું શરીર હોવાથી ઉંચાઇ, વજન વિગેરે મિલીટરીની જરુરિયાતમાં ‘ફિટ’ થઇશું કે નહિ એવી દ્વિધામાં અમે પડી ગયા.

મારી પોતાની વાત કરૂં તો મને એક વધારાની ચિંતા હતી. બા- અને બહેનોની સંપૂર્ણ જવાબદારી મારા પર હતી. મીનાદીદીનાં લગ્ન લોન લઇને પાર પાડ્યાં હતા. બીજી બે નાની બહેનો - સૂ અને ડૉલીનાં લગ્ન ન થાય ત્યાં સુધી લગ્ન કરવાનો મારો વિચાર નહોતો. હું અઠ્યાવીસ વર્ષનો થઇ ગયો હતો, પણ આ કારણવશાત્ મેં લગ્ન કયર્યા નહોતા. એક તરફ મારી ઉમર વધતી જતી હતી. એક રાષ્ટ્રીયકૃત નિગમમાં હું આસિસ્ટન્ટના પદ પર હું pen-pushing કરતો હતો જેમાં હું સંતુષ્ટ નહોતો. મારે ગાડરીયા પ્રવાહમાંથી બહાર નીકળવું હતું. મહત્વપૂર્ણ જવાબદારીવાળા કોઇ પણ ક્ષેત્રમાં મને પ્રવેશ મળે તો મારા પોતાના અને મારી આસપાસના લોકોના જીવનમાં થોડી ઉન્નતિ લાવી શકીશ એવો ગુરૂજનોના આશિવર્વાદથી આત્મવિશ્વાસ કેળવ્યો હતો.

મારો પ્રથમ પ્રયાસ સાહિત્યના ક્ષેત્રમાં પ્રવેશ કરવાનો હતો. કટાર કરતાં કલમ વધુ શક્તિશાળી છે આ કહેવત પર મારો વિશ્વાસ હતો. સ્વ. ચાંપશીકાકા ઉદ્દેશીને મારૂં લેખન ગમ્યું હતું. તેમણે મારા ત્રણ લેખ “નવજીવન”માં પ્રસિદ્ધ કયર્યા હતા, જો કે અન્ય સ્થળે સફળતા મળી નહિ. સારા પગારની નોકરી છોડી અમદાવાદના એક દૈનિકમાં ‘સબ-એડીટર’ની જગ્યા માટે અરજી કરી હતી અને તેમના તંત્રી અને પ્રસિદ્ધ કટાર લેખક શ્રી. અશોક હર્ષ પાસે ઇન્ટરવ્યૂમાં ગયો હતો. સફળતા ન મળી. જીવનમાં નોંધપાત્ર કામ કરી છૂટવા માટે બીજા પયર્યાય હોય છે એવી મને શ્રદ્ધા હતી, પણ ત્રીસીને આરે આવીને મારા જીવનનું વિહંગાવલોકન કર્યું તો મને સ્પષ્ટ જણાયું કે મારી કારકિદર્દીને કોઇ દિશા નહોતી. મારા મનની ભાવનાત્મક સ્થિતિ અત્યંત દ્વિધા ઉપજાવનારી હતી. દેશ પ્રેમ, રાજકીય વિચારો અને આદશર્શો મને મિલીટરીમાં ભરતી થવા માટે પ્રવૃત્ત કરતા હતા. અણ્ણાસાહેબે સહજતાથી કહ્યું કે હું અફસર બની શકીશ, તેથી મારા મનમાં આશા જાગી. ભાગ્ય સાથ આપે અને હું સેનામાં અફસર તરિકે સીલેક્ટ થઉં તો મારી મહેચ્છા તથા આદર્શ એક સાથે ફળીભૂત થઇ શકે તેવું હતું.

આ પહેલાં મને આફ્રિકા અને ઇંગ્લંડ જવાના મોકા આવ્યા હતા, ત્યારે મારી કૌટુમ્બીક સમસ્યા સંબંધે મારા નિકટના સંબંધીઓ સાથે વાત કરી હતી. બન્ને વખતે મને સ્પષ્ટ શબ્દોમાં કહેવામાં આવ્યું હતું, “આફ્રિકા જઇને તને ‘બ્લૅક વૉટર ફીવર’ જેવું કશું થાય તો બા અને બહેનોની જવાબદારી અમે નહિ લઇ શકીએ.” મિલીટરીમાં જવાથી - અને તે પણ ચીન સાથેની લડાઇ બાદ, મારા માટે કોઇ ભયાનક પ્રસંગ અવશ્ય ઉભો થાય તેમાં શંકાને કોઇ સ્થાન નહોતું. આમ છતાં મેં તેમની સાથે વાત કરી. જે જવાબ મળ્યો, અપેક્ષીત હતો.

મારા માટે આ કઠણ સમસ્યાનો કોઇ હલ નીકળે તેવું ન હતું, તેથી એક દિવસ હું ભાનુ’દીને ઘેર ગયો અને અણ્ણાસાહેબ સાથે મારી મુંઝવણ વિશે વાત કરી.

“નરેન, મારી વાત ધ્યાનપૂર્વક સાંભળ. યુદ્ધમાં જનારા બધા જ સૈનિકો કંઇ મરતા નથી. બીજી વાત. અત્યારે સેનામાં અફસરોની ભારે કમી છે અને તે પૂરી કરવા માટે સરકારે એમર્જન્સી કમીશન્ડ અફસરોની ખાસ ભરતી શરુ કરી છે. બીજા વિશ્વયુદ્ધ બાદ પ્રથમ વાર આવી ભરતી થઇ રહી છે. આવી તક તને ફરી કદી નહિ મળે. અફસરોના સીલેક્શન માટે શારીરિક સ્વસ્થતા અને પરિશ્રમ કરવાની ક્ષમતાની સાથે જે ચીજ પર ભાર આપવામાં આવે છે તે ‘Officer-like Quality’-OLQ- હોય છે. OLQમાં ઉમેદવારનું સામાન્યજ્ઞાન, તેનું શિક્ષણ, સંસ્કાર, તેના પરિવારની સૈનિક પરંપરા, વર્તન, પ્રામાણિકતા અને વફાદારીની ભાવનાની સાથે સાથે નેતૃત્વ કરવાની લાયકાતનો સમાવેશ થાય છે. તમારી પાસે OLQ છે કે નહિ તે ઇન્ટરવ્યૂ અને સર્વિસીઝ સીલેક્શન બોર્ડની બધી પરીક્ષાઓમાં વરતાઇ આવશે. હું તો ખાતરીપૂર્વક કહીશ કે તમને આ બાબતમાં વાંધો નહિ આવે. બાકી શારીરિક ‘ફિટનેસ’ માટે અત્યારથી વહેલી સવારે દોડવાનું અને કસરત કરવાનું શરુ કરો.”

મેં આ વાત મારા મિત્રોને કરી. અમે બધાએ ફૉર્મ ભયર્યા અને ઇન્ટરવ્યૂની રાહ જોવા લાગ્યા.

(બીજું પગલું "રાઇટ..." આવતી કાલે!)