Wednesday, January 6, 2016

બંસી કાહે કો બજાઈ : પ્રકરણ ૩

પ્રકરણ ૩.

વરંડાના પગથિયાં ચઢતાં ચઢતાં હૉલમાંના ટેબલ પર થાળી વાટકા ગોઠવતી દીકરી તરફ જોઈ ડૉક્ટરસાહેબ બોલ્યા, “ચંદા બેટી, આજે અમારી રવાનગી હૉલમાં શા માટે કરવામાં આવી છે?”
“બાએ પાપડ બનાવવા કાઢ્યાં છે. સત્વંતકાકી આવવાના છે, તેથી.” પિતા સામે જોયા વગર જ ચંદ્રાવતીએ જવાબ આપ્યો.
“અરે વાહ!”
“પણ એક મહિના પર મારી પરીક્ષા આવીને ઉભી છે!” થાળી વાટકા જોર જોરથી લૂછતાં ચંદ્રાવતીએ તોરમાં આવીને જવાબ આપ્યો.
“એક મહિનામાં જાણે તું દુનિયાને આમ થી તેમ પલટાવી નાખવાની છે! ખરું ને?” જાનકીબાઈ બોલ્યાં.
“હા! મોટી ઉથલ - પાથલ કરી નાખવાની છું,” ગરદનને ઝટકો આપી ચંદ્રાવતી બબડી.
“આજે મામલો કંઈ ગરમ દેખાય છે! શું થયું?” બાથરુમમાંથી બહાર આવતાં ડૉક્ટરસાહેબ દીકરી તરફ જોઈને બોલ્યા.
ચંદ્રાવતી જાણે ચટણી - કચૂંબર પીરસવામાં મશગુલ હોય તેવા ભાવથી ઉભી રહી.
“શું થયું, દીકરી? અમને નહિ કહે?” ખુરશી પર બેસતાં ચંદ્રાવતીના રિસાયેલા ચહેરા તરફ જોઈ તેમણે પૂછ્યું.
“બા વારેઘડીએ મારા પર ખિજાય છે. કામ કરવા પરથી, ગાયન ગાવા પરથી…અમારે શું ગીત પણ નહિ ગાવાનાં?”
“અલી, એ તો ચાલ્યા જ કરે. તે દિવસે આપણા બગીચાની પાછળ છોકરાંઓને ભેગાં કરી તેમને ‘ચરખા ચલા ચલા કે લેંગે સ્વરાજ લેંગે’ શીખવતી હતી તેથી તને ટોકી હશે. અરે, રેંટિયો ચલાવીને તે કદી સ્વરાજ મળવાનું છે? વળી આપણે રજવાડાના તાબેદાર. આ બંગલામાં અંગ્રેજ સરકાર વિરોધી ગીત ગવાય છે એવી વાત મહારાજના કાન સુધી પહોંચે તો મારી નોકરી પર આવી બને કે નહિ? રજવાડાંની નોકરી એટલે અળવીના પાંદડા પરનું પાણીનું ટીપું. ગમે ત્યારે દડી પડે, તેથી આપણે ખુબ સંભાળીને રહેવું પડે, દીકરા.”
ચંદ્રાવતી ફક્ત ‘હં’ કરીને ઉભી રહી.
“તારી બાનો ગુસ્સો બે મિનિટ પણ ન ટકે. એને ઘરકામમાં થોડી મદદ કરો કે તે ખુશ! અને હા, ગીતો પણ ગાવાં. કેમ નહિ, વારુ? ભગવાનનાં, દેવીદેવતાઓનાં ગીત જરુર ગાવાં. ઈંદોરની તારી શાંતાફોઈ છે ને? એને પણ ગાવાનો ભારે શોખ છે, હોં કે! પેલા રૂક્મિણી સ્વયંવરના ગીતો કેવી સુંદર રીતે ગાય છે! આજકાલમાં તે અહીં આવવાની છે. તેની પાસેથી ભજન, આરતી, ભૂપાળી શીખી લેજે.”
“ક્યારે આવવાનાં છૈ અમારાં ફોઈ-ધ-ગ્રેટ?”
“રક્ષાબંધન સુધીમાં આવી જશે.”
“સદ્ભાગ્ય અમારાં! અૅન પરીક્ષા વખતે ટપકી પડ્યાં હોત તો અમારા રિઝલ્ટના બાર જ વાગી જાત!”
ડૉક્ટરસાહેબે દીકરી તરફ ન જોતાં મનોમન હસીને જમવાનું શરુ કર્યું.

***
બંગલાની પાછળનું ફાટક ખોલીને સત્વંતકાકી રસોડામાં આવ્યાં. “તનિક બેરી ભઈ. દદ્દાકા અઉર ઈનકા ખાના લગા કર આઈ. દદ્દા પૂછત્તે, મોડીકી સાદી કબ રચા રઈ હેંગી ડાંગધરાઈન?” રસોડાની ચોકડીમાં હાથ ધોતાં સત્વંતકાકી હસીને બોલ્યાં. બુંદેલી બોલીમાં ‘મોડી’ એટલે આપણે ત્યાં ગામડાંમાં છોકરી માટે વપરાતાે અપભ્રંશ શબ્દ ‘છોડી’!
ચંદ્રાવતીએ ઊંડો શ્વાસ લીધો. ‘શરુ થઈ ગયો અા બન્નેનો પ્રિય વિષય!!’
‘તમારા બુંદેલખંડમાં અમારી બિરાદરીના સારા છોકરા ક્યાં છે, કહો તો? અમે દક્ષિણી કાયસ્થ. આને સોળમું પૂરું થવા આવ્યું. આમના બાપુજી તો બેઠા છે હૉસ્પિટલ સંભાળીને અને દીકરીને જોતરી છે મૅટ્રીકની પઢાઈમાં. આ જાણે ઓછું હોય, રાજમહેલના પણ અંગત ડૉક્ટર બનાવવામાં આવ્યા છે એમને. રાણી માને છિંક આવી, ચાલો મહેલમાં! મહારાજને ઊંઘ નથી આવતી, મોકલો મોટર ડૉક્ટરસાહેબને તેડવા. આવું બધું ચાલી રહ્યું છે. બોલો સત્વંતી, અમે કરીએ તો શું કરીએ?”
“સત્વંતીકાકીના હાથમાં શો જાદુ છે કોણ જાણે!” વિષયાંતર કરવા ચંદ્રાવતીએ રસોડામાં ડોકિયું કરીને કહ્યું. “કાકીના હાથના નાનકડા પંજા જેવડો પાપડ અંગારા પર મૂકતાંજ ફૂલીને તાવડી જેટલો મોટ્ટો થઈ જાય છે! અને હિંગ, કાળા મરી અને જીરાની સ્વાદિષ્ટ ફોરમ આખા બંગલામાં ફરી વળતી હોય છે. નરમ ભાત ઉપર માખણનું તાજું ઘી અને સાથે સત્વંતકાકીએ બનાવેલો પાપડ! વાહ! જમવાની મજા પડી જાય છે, હોં કે!”
ચંદ્રાવતીના માખણભર્યા વક્તવ્ય પછી જાનકીબાઈને કશું કહેવાપણું રહે?
જાનકીબાઈએ પાપડ બનાવવાની સામગ્રીની વસ્તુઓ સત્વંતકાકી સામે મૂકવા લાગ્યા. 
“કાહે ચિંતા કરત હો, બાઈજી? ઈશ્વરની કૃપાથી બધું વખતસર થઈ જશે,” કહી સત્વંતકાકી પાપડનો લોટ બાંધવા લાગ્યાં.
હાથ ધોઈ, સાડીનો પાલવ કમર પર ખોસી ચંદ્રાવતી ભિંજાયેલા લોટને પાટા પર મૂકી કૂટવાની તૈયારી કરતી હતી ત્યાં સત્વંતકાકીની દીકરીઓ - જામુની અને મિથ્લા - એક હાથે કપાળ પરની ભૂખરી લટ સમારતી અને બીજા હાથમાં રંગીન પાટલા-વેલણ સંભાળતાં વરંડામાં આવી પહોંચી.
“તુમ દોઉ જની કા કાજે ઈત્તે આઈ? ભાગો, ઘર જૈ કે ખેલો…” સત્વંતકાકી દબાયેલા અવાજમાં દીકરીઓને વઢ્યાં.
છોકરીઓનાં ચહેરા પડી ગયા અને બન્ને બહેનો દરવાજામાં જ થંભી ગઈ.
“રહેવા દે, સત્વંતી. એ બિચારી તારું શું બગાડે છે? આગળ જતાં બન્નેને આ જ કામ કરવાનું છે,” અને ચંદ્રાવતી તરફ વળીને જાનકીબાઈએ કહ્યું, “ચંદા, એમને આપ ને બે -ચાર લૂવા!”
આ નાની છોકરીઓને આટલી સહેલાઈથી પાપડ વણવાની રજા મળી તે ચંદ્રાવતીને ગમ્યું તો નહિ, પણ તે બહાને બા એ તેની સાથે વાત કરી તેનો તેને આનંદ થયો. બા રિસાય તો બે દિવસ સુધી અબોલા રાખે. આથી ચંદ્રાવતીને એટલું દુ:ખ થતું, ન પૂછો વાત. મેળામાં ખોવાઈ ગયેલા બાળકની જેમ મન દિશાહીન થઈને દોડતું હોય એવું તેને લાગ્યા કરતું.
“તમારા હાથ બતાવો તો!” પાપડનો લોટ કૂટતાં ચંદ્રાવતી બોલી.
ચાર ટચૂકડા હાથ તેની સામે રજુ થયા!
“છી! છી! કેટલા ગંદા હાથ છે તમારા! જાવ, સાબુથી સરખી રીતે હાથ ધોઈ આવો, પછી આવજો પાપડ વણવા.”
રસોડાની ચોકડીમાં ઘસી ઘસીને ધોવાયા બાદ ગોરા ગોરા હાથ ફરીથી ચંદ્રાવતી સામે પેશ થયા. ત્યાર પછી પાપડનો લોટ ખાતાં ખાતાં બે - ચાર જાડા, વાંકાચૂકા પાપડ વણાયા અને દરેક પર અદૃશ્ય નામ પણ લખાઈ ગયા. ‘આ દદ્દાનો, આ બાપુનો, આ બડે સાહબનો, આ સેખર ભૈયાનો…’ અને જમીન પર ચારે બાજુ લોટ વેરાતો ગયો.
એટલામાં રામરતનની ઘોડાગાડી આવી અને વરંડા પાસે રોકાઈ. તેનો અવાજ સાંભળતાં જ વેલણ - પાટલા ત્યાં જ મૂકી, ‘સેખર ભૈયા આવ્યા!’ ની બૂમો પાડતી જામુની અને મિથ્લા બહાર દોડી ગઈ.
જામુની અને મિથ્લા. દેખાવમાં બન્ને જોડિયા બહેનો જેવી. ફેર હોય તો એટલો કે જામુની થોડી વધુ ઊંચી અને પાતળી હતી જ્યારે મિથ્લા જરા ભારે શરીરની ; જામુની કરતાં વધુ ઉજળા વર્ણની પણ હાલ ચાલમાં ઢીલી. બન્ને બહેનો પોતાની નમણી, પાતળી ચિબુક, દાડમના દાણા જેવા દાંત, અને કોણ જાણે કઈ ધૂનમાં ખોવાયાં હોય તેવાં તેમનાં નયન, ગાઢ પાંપણ અને ભૂખરા રંગનાં વાળના કસીને બાંધેલા - વિંછીની પૂંછડી જેવા વળેલા ચોટલામાં સાવ જુદી તરી આવતી. તેમનો પોશાક પણ એવો જ વિશિષ્ટ. કોઈ વાર લાલ ચટક અથવા જર્દ પીળા રંગનાં ચણિયા-ચોળી પહેરે. ચોળીમાં બટનને બદલે પાછળ દોરીનાં બંધ અને પીઠ સાવ ખુલ્લી. કોઈ વાર માદરપાટના કૂર્તા-શલવાર પહેરીને આ બહેનો બંગલે આવતી.
ઘણી વાર સત્વંતકાકીની નજર ન હોય ત્યારે ચંદ્રાવતી આ છોકરીઓની વિંછીની પૂંછડી જેવા વાંકા, કડક ચોટલા ખોલી સરસ, ઢિલી વેણી બાંધી, તેમાં રિબન બાંધી તેનાં ફૂમતાં કરી આપે. ત્યાર પછી તેમનાં મ્હોં ધોઈ, સુગંધી પાઉડર લગાડીને સજાવે. કોઈ વાર તો તેમના માટે પ્રિન્ટેડ છિંટનું કાપડ લાવી બાના મશીન પર ફ્રૉક સિવી તેમને પહેરાવે! પોતાને બહેન નથી તે ક્ષતિનું દુ:ખ ભુલવા જામુની-મિથ્લાના ખૂબ લાડ લડાવતી - ખાસ કરીને જામુનીનાં.
દીકરીઓનું ‘બદલાયેલું’ સ્વરુપ જોઈ, બનાવટી ગુસ્સો કરતાં સત્વંતકાકી કહેતાં, “ઈત્તી ફૈસન કરકે કિત્તે જા રહી હેંગી દોઉ મેમ્સાબ?” પછી ચંદ્રાવતી તરફ જોઈને કહેતાં, “આ છોડીઓનાં આટલા લાડ કરીશ મા. ઘેર આવીને મારી સાથે ઝઘડો કરતી હોય છે કે તારી જેમ ઢિલા ચોટલા બાંધી આપો!”
જામુનીનું ખરું નામ બુંદેલખંડના બાદશાહ બાઝ બહાદુરની પ્રખ્યાત રુપસુંદરી રાણી પરથી રાખ્યું હતું - રુપમતી હતું. પણ તેનાં હોઠની સુંદર જાંબુડા રંગની કિનારી જોઈને ચંદ્રાવતીએ તેનું લાડકું નામ જામુની રાખ્યું. આ નામ તેની સાથે કાયમ માટે જોડાઈ ગયું.


બાળપણથી જ જામુની આ બંગલામાં મોટી થઈ. ડૉક્ટરસાહેબનો બંગલો અને બડેબાબુજીનું લાલ માટીનું બેઠા ઘાટનું મકાન છેલ્લા અઢાર-ઓગણીસ વર્ષથી જોડિયા ભાઈઓની જેમ પ્રેમથી એકબીજાને સાથ આપતા રહ્યા હતા. બેઉ મકાનો વચ્ચે વિશાળ હરિયાળી ફેલાયેલી હતી અને તેમાં આંબા, આમલી અને લીમડાનાં વૃક્ષો હતા. હરિયાળા ઘાસમાં વાંકીચૂકી પગદંડીઓ પડી હતી. દિવાળીના તહેવારે ચૌબળ પરિવાર તરફથી પૂરણપોળી અને ખાજાંના ઘૂઘરા પ્રેમપૂર્વક બડેબાબુજીને ઘેર જાય, તો ડૉક્ટરસાહેબને ત્યાં સત્વંતકાકીના હાથનાં બનેલા મંગોડા - મગની દાળના ગોટા - અને પકોડા કાંસાના કટોરામાં ભરીને પહોંચે. બન્ને પરિવાર એકબીજાના સુખ દુ:ખના સાથી અને દુ:ખ તકલીફમાં એકબીજા માટે દોડીને પહોંચી જનારા. જામુની-મિથ્લાને તાવ વધે તો જાનકીબાઈને બોલાવાય, અને શેખર-ચંદાને શરીરે અસુખ હોય તો સત્વંતકાકી લાલ મરચાં લઈને તેમની નજર ઉતારવા હાજર થઈ જતાં.
નાનપણથી જ બિમારી અને નાનાં નાનાં ઘા-જખમ, ઓરી, બળિયા શેખર-જામુની-મિથ્લા જાણે ભાગ હોય તેમ સાથે વહેંચીને મોટા થયાં. 
છોકરીઓની વાત કરીએ તો મિથ્લા કરતાં જામુની વધુ જીદ્દી હતી. ‘હમ કરે સો કાયદા’ જાણે તેનો મુદ્રાલેખ ન હોય! તેની ઈચ્છા વિરુદ્ધ કોઈ વાત થાય તો તરત મોટેથી રડવાનું શરુ થયું સમજવું. રિસાવું, ગુસ્સો કરવો કે મોઢું ફુલાવીને બેસી રહેવું એ જામુનીની ખાસિયત. અને વારે વારે રિસાતી જામુનીને ચીઢવવામાં શેખરને કેવો આસુરી આનંદ મળતો એ તો ભગવાન જાણે! શેખર ગિલ્લી દંડો રમવા લાગે કે જામુની તરત તેની રમતમાં ઘાલમેલ કરવા ત્યાં પહોંચી જાય. વળી રમતમાં તે હારી જાય તો શેખર સાથે લડવા લાગે, અને પછી થાય મારામારી, નખોરિયાં ભરવાનાં અને છેલ્લે મોટેથી ઘાંટો પાડીને રડવાનું. તેના કરતાં મિથ્લા થોડી ગરીબ સ્વભાવની.
ઉતરાણના સમયની આસપાસ શેખર અને તેના ભાઈબંધ બંગલાની અગાસી પર પતંગ ચગાવવા જાય ત્યારે જામુની ત્યાં અચૂક પહોંચે અને કહે, “સેખરભૈયા હમેં ભી સિખા દો પતંગ ઉડાના.”
“ચલ હઠ! છોકરીઓ પતંગ ન ચગાવે,” કહી શેખર તેને અગાસી પરથી ભગાવે. આક્રંદ કરતી જામુની સીધી જાય ચંદ્રાવતી પાસે અને શેખરની ફરિયાદ કરવા લાગી જાય. પછી ચંદ્રાવતીએ અગાસી પર જઈ શેખરને કહેવું પડે, “એને શીખવને, ભૈલા! સ્ત્રી અને પુરુષો વચ્ચે રમત ગમતમાં ભેદભાવ હોવો જોઈએ એવો કોઈ કાયદો છે?”
કચવાતા મને શેખર જામુનીના હાથમાં પતંગ આપે, અને ક્યાંક પતંગ અટવાઈ કે ફાટી જાય તો ફરી જામે બન્ને વચ્ચે મારામારી!
***
શેખર અને આ બન્ને ભવાનીઓને મહામુશ્કેલીએ દૂધ-રોટલી પીરસી ચંદ્રાવતી ચા બનાવવા માટે સ્ટવ સળગાવવા લાગી. બીજી તરફ જામુની અને શેખર વચ્ચે એકબીજાના કાનમાં કંઈક ગુફતેગો શરુ થઈ ગયો. થોડી વારે રસોડાના દરવાજા વચ્ચે શેખર આવીને ઉભો રહ્યો. કમર પર હાથ રાખી મોટી બહેનને જાણે આહ્વાન આપતો હોય તેવી મુદ્રામાં બોલ્યો, “અમે ઝૂલા પર હીંચવા જવાના. જવાના એટલે જવાના જ!”
“હમણાં કોઈએ ક્યાંય જવાનું નથી. બહાર લૂ વાય છે અને હિંચકાના દોરડાં સડી ગયાં છે. નકામા પડશો બડશો! જાવ, ચૂપચાપ ઘરમાં જ રમો જોઉં! ધ્યાન રાખજો, બાબા સૂતા છે,” સ્ટવ પર ચ્હા મૂકતાં ચંદ્રાવતી બોલી.
અહીં પાપડ વણતાં વણતાં સત્વંતકાકી અને જાનકીબાઈ વચ્ચે વાતો શરુ થઈ ગઈ.
“ચાલો, સારું થયું જામુનીનો જન્મ થયો અને દદ્દા તમારે ત્યાં આવવા લાગ્યા,” મનમાં ઘર ઘાલી બેઠેલા વિષયને વાચા આપતાં જાનકીબાઈ બોલ્યાં.
“શું કહું? આ ગામમાં ઘર બાંધવું અને ‘એમણે’ અહીં નોકરી કરવી દદ્દાને ક્યાં પસંદ હતું? તેઓ કહેતા, ‘મૅટ્રિક સુધી ભણીને અમારો નાનો ભાઈ પોતાને અંગ્રેજ સમજવા લાગ્યો છે. ઠાકુર જાતિનું નામ ધૂળધાણી કરી નાખ્યું છે એણે. બાપદાદાની હવેલીઓ ભિંડ-મોરેનામાં ખાલી પડી છે અને અમારા નાનાભાઈએ સારંગપુરમાં દિવાસળી ડાબલી જેવડું ઘર બાંધીને અહીં જુદા રહેવાની શી જરુર હતી?”
“દિવાસળીની ડાબલી જેવું કેમ વળી?” જાનકીબાઈ બોલ્યાં. “ખાસ્સું મોટું આંગણું, બેઠકનો મોટો ઓરડો, રસોડું, ઠાકુરઘર, ખૂણામાં બે-ત્રણ કમરા - આટલું મોટું ઘર છે અને દદ્દા કહે છે દિવાસળીની ડબી જેટલું…”
ચ્હા બનાવતાં ચંદ્રાવતી આ સંવાદ ધ્યાનપૂર્વક સાંભળવા લાગી.
“હા, પણ દદ્દા સામે કોઈનું કંઈ ચાલે ખરું? હવે જુઓ, એક સો વર્ષ અગાઉ અમારા બાપદાદાઓની જમીન એમનાં જ સગાંઓએ હજમ કરી. હવે દદ્દા તેનો બદલો લે છે. નાહક ખૂન-ખરાબો કરવા લાગ્યા છે. જામુનીના બાપુનો માર્ગ જુદો એ તો આપ ક્યાં નથી જાણતાં?”
“બડેબાબુજીનાે રસ્તો તો હું જાણું છું. પણ દદ્દાના રસ્તાની અમને શી પડી છે? હું તો કશું નથી જાણતી, સત્વંતી!” પાછળ ઉભેલી ચંદ્રાવતી તરફ નજર કરી, સત્વંતકાકીને આંખોથી ચૂપ રહેવાનો ઈશારો કરતાં જાનકીબાઈ બોલ્યાં.
અહીં ચંદ્રાવતી ચ્હાના કપ ભરવા લાગી તે જોઈ શેખર, જામુની અને મિથ્લા જાંબુડીના ઝાડ તરફ પલાયન કરી ગયા.
“આ ત્રિપુટી મારી નજર ચૂકવીને ઝૂલા પર પહોંચી ગઈ, જોયું!” ગળણીમાંથી કપમાં ચ્હા રેડતાં ચંદ્રાવતી બબડી, અને રસોડાની બહાર નજર કરીને જોયું તો ત્યાં શેખર અને જામુની વચ્ચે ઝૂલા પર પહેલાં કોણ બેસે તે વાત પર ઝપાઝપી જામી હતી.”
“અમારા દદ્દા તારા પિતાજી કરતાં ઘણા મજબૂત છે. તને એક તમાચાે જડી દેશે તો તું મરી જઈશ!”
“ચલ હટ, વાંદરી. ભાગ અહીંથી. આ હિંચકો મારો છે.”
“જા, જા હવે! મારા બાબુજીએ આ હિંચકો બાંધ્યો છે, સમજ્યો, છછુંદર?”
આમ ઝગડો ચાલતો હતો ત્યાં ચંદ્રાવતી પહોંચી ગઈ. બન્નેની પીઠ પર ધબ્બા માર્યા અને તેમને વરંડામાં લઈ ગઈ. મિથ્લા ત્યાં થાંભલાને અઢેલીને બેઠી હતી. ચંદ્રાવતી અંદર જવા લાગી ત્યાં તેની નજર ચૂકાવીને શેખર અને જામુની ત્યાંથી છટકીને હિંચકા પર પાછા પહોંચી ગયા.
***
 પાપડ, વણી, સૂકવી સત્વંતીકાકી ઘેર જવા નીકળ્યાં, પણ દીકરીઓ ક્યાંય દેખાઈ નહિ.
“તમે શા માટે ચિંતા કરો છો? હું તેમને મૂકવા આવીશ, પણ અંદર નહિ આવું.”
“કેમ વળી?”
“દદ્દા આવ્યા છે ને!”
“તે દદ્દા શું તને ખાઈ જવાના છે? અત્યાર સુધી તો તને કશો વાંધો નહોતો. તેઓ હોય તો પણ તું માલપૂવા બનાવવાનું શીખવા, નવી બંગડી લીધી હોય તો તે બતાવવા આવતી. હવે અચાનક શું થઈ ગયું?” કહી સત્વંતકાકી ગુસ્સામાં ત્યાંથી નીકળી ગયા.
તેમના ગયા પછી ચંદ્રાવતીએ બારીમાંથી બગીચા તરફ જોયું તો ફાટકની નજીક આવેલા શેતૂરના ઝાડની શાખાઓ પરથી શેખર, જામુની અને મિથ્લાના લટકતા પગ દેખાયા.
નીચું મ્હોં કરી ચંદ્રાવતી પોતાની રુમમાં ગઈ. વાળ પરથી કાંસકો ફેરવી, ઝપાટાબંધ સાડી બદલીને વિચાર કરવા લાગી કે બંગલાની ફાટક સુધી જવું કે નહિ. 
સાંજ પડી ગઈ હતી. ઠંડા પવનની લહેર વહેવી શરુ થઈ ગઈ હતી. બાગમાંના મોગરાની મહેક હવામાં પમરાતી હતી. ચંદ્રાવતીના તન મનમાં એક પ્રકારનો ઉલ્લાસ પ્રગટ્યો હોય તેવું તેને લાગ્યું. કેસરી - કિરમજી રંગનું આકાશ જાણે પૃથ્વિને આલિંગન આપવા ઝુકી રહ્યું હતું અને ક્ષિતિજની રેખા એટલી નજીક દેખાતી હતી, જાણે હાથ લાંબો કરી તેને અડી શકાય!
“‘બાગમાં જવું કે નહિ? ન જઉં તો આ ત્રણે જણા અંધારું થાય ત્યાં સુધી ઝાડ પર રમતા જ રહેશે અને શેખર તેનું હોમવર્ક પૂરું નહિ કરી શકે. બાબા પૂછશે કે શેખરનું લેસન તપાસ્યું કે નહિ, તો શો જવાબ આપીશ? આ છોકરીઓને તેમના ઘેર પહોંચાડવાની છે…શેખરનું આવતી કાલનું લેસન…” આ ગડભાંજમાં તેણે ફરી વિચાર કર્યો : ફાટક પાસે જવું કે નહિ. 
આ વિચાર કરવાનું મુખ્ય કારણ હતું તે સમયે રાવરાજા ઘોડેસ્વારી કરતાં કે રાજમહેલમાંથી ખુલ્લી મોટરમાં બેસી ઠંડી સડક પરથી બંગલાની સામે આવેલા ક્લબમાં જતા હોય અને તેમની સાથે કોણ જાણે તેમનો સગો-વહાલો કે ભાઈબંધ તેમની સાથે હોય. પોતાના રુમની બારીમાંથી બગીચામાંના વૃક્ષોની પાર તેઓ બન્ને નીકળતા ત્યારે તેમનાં અસ્પષ્ટ રુપ તેને દેખાતાં. છેલ્લા પાંચ-છ મહિનાથી વહેલી સવારે દૂરથી આવતા ઘોડાંઓનાં ડાબલાંઓનો અવાજ તે રોજ સાંભળતી અને બટન દબાવતાં વીજળીનું ઝૂમર ઝળકવા લાગે તેમ ઝબકીને તેની મીઠી નિંદરમાંથી જાગી જતી.  ત્યાર પછી મોઢું ધોઈ, પૂજા ઘરમાંથી પિત્તળની છાબડી લઈ ફૂલ ચૂંટવા જતી. કોઈ કોઈ વાર તો તેને એવો આભાસ પણ થતો કે તે બંગલાના ફાટક નજીક આવતાં જ બેઉ ઘોડાંઓની લગામ જાણે ઢીલી પડી છે, અને તેથી જ કે કેમ, ઘોડાંઓની ગતિ એકદમ મંદ પડી જાય છે. આ સાચું છે કે પછી તેનું પોતાનું મન તેની સાથે રમત કરે છે, રામ જાણે! ગમે તે હોય, પણ જ્યારે ઘોડાંઓનાં ડાબલાં બંગલાની ફાટક નજીક આવે કે તે તરત કોઈ એક ઝાડની પાછળ સંતાઈ જતી.
આ વિચારચક્ર પૂરું થતાં તેણે ટેબલ પરથી ફૂટપટ્ટી ઉપાડી અને હળવે પગલે બાગમાં ગઈ અને શેતૂરના ઝાડ પાછળ સંતાઈને જોવા લાગી બાળકો શું કરે છે. બાળકો ઘર ઘર રમતા હતાં. 
જામુની રોફથી હુકમ આપતી હતી, “દેખો, હમ બડી બાઈજી, સેખર તુમ ડાગધર સાહબ અને મિથ્લા, તુમ સિકત્તર!”
“ઠીક, બડી બાઈજી,” મિથ્લાએ જવાબ આપ્યો.
“સિકત્તર - નહિ - બાલકદાસ!” જામુનીએ સાદ પાડ્યો.
“જી હજુર, સિકત્તર અબ્બે હાલ આયા,” મિથ્લાએ જવાબ આપ્યો.
“જા, શહેરમાં જઈને શાકભાજી લઈ આવ!”
મિથ્લાએ શેતૂરનાં પાંદડાં તોડ્યાં અને જામુની સામે ધર્યાં. “લો બાઈજી!”
‘ડૉક્ટરસાહેબ’ - શેખર ઊંચ ડાળ પર બેસી પેશન્ટ તપાસતો હતો!
ચંદ્રાવતીએ દરવાજાના ફાટકની નજીક આવી અને હાથમાંની ફૂટપટ્ટી ઉગામીને બોલી, ”શેખર, જામુની, ઝાડ પરથી ઉતરો છો કે નહિ? કે પછી લગાવું એક ફટકો?”

એટલામાં બાગના લોખંડના ફાટકનો ખૂલવાનો અવાજ આવ્યો.


***

No comments:

Post a Comment