બીજા દિવસે સાંજના છ - સાડા છના સુમારે રાવરાજાની સફેદ મોટર હૉસ્પિટલની પોર્ચમાં ઊભી રહી. દવાખાનાના નોકરવર્ગમાં ખળભળાટ થઈ ગયો. આજુબાજુના લોકોનાં “જૈ રામજીકી” અને “અસ્સલામુ આલેયકૂમ” હસતે મોઢે સ્વીકારતો વિશ્વાસ ડૉક્ટરસાહેબની ચેમ્બર પાસે ગયો. અંદર ડૉક્ટરસાહેબ એક પેશન્ટ સાથે વાત કરી રહ્યા હતા. તેમની વાત પૂરી થતાં સુધી વિશ્વાસ બહાર ઊભો રહ્યો. દર્દી બહાર નીકળતાં તે અંદર ગયો અને ડૉક્ટરસાહેબને નમસ્કાર કર્યા. તેને અચાનક આવેલો જોઈ ડૉક્ટરસાહેબ નવાઈ પામ્યા. તેમણે ખડા થઈ વિશ્વાસને આવકાર આપ્યો.
“પધારો વિશ્વાસરાવ, બેસો. આ તરફ આવવાનું કેમ થયું? ખેરિયત છે ને? કોઈ નવાજુની?”
“બધું ઠીકઠાક છે,” ખુરશી પર બેસતાં વિશ્વાસે કહ્યું.
“રાવરાજાના પગે હવે કેમ છે?”
“હજી દુ:ખે છે.”
“અમે તેમને ઘોડેસ્વારી કરવાની અને ટેનિસ રમવાની મનાઈ કરી છે, પણ તેઓ સાંભળતા જ નથી.”
કેટલોક સમય આવી સામાન્ય વાતો ચાલતી રહી અને અંતે કોઈ વિષય ન રહેતાં થોડો સમય શાંતિ વ્યાપી રહી. થોડી વારે ડૉક્ટરસાહેબની આંખ સાથે આંખ મિલાવીને વિશ્વાસ બોલ્યો, “ડૉક્ટરસાહેબ, આજે આપની સાથે એક મહત્વની વાત કરવી છે. અમે આપની દીકરીનો હાથ માગવા આવ્યા છીએ.”
ડૉક્ટરસાહેબ ચોંકી ગયા. તેમણે કહ્યું, “એટલે? શું તમે મારી દીકરીનું માગું લઈને આવ્યા છો?”
“જી.”
“ચંદા આ વિશે જાણે છે?”
“એમની સલાહ મુજબ જ અમે આપની સાથે વાત કરવા આવ્યા છીએ,” વિશ્વાસ એક શ્વાસમાં બોલી ગયો.
કમરામાં ફરી એક વાર દીર્ઘ શાંતિ ફેલાઈ ગઈ.
“તમારી માગણી હું પૂરી નહિ કરી શકું, વિશ્વાસરાવ,” ડૉક્ટરસાહેબે મક્કમ સ્વરે કહ્યું.
“કેમ?”
“ચંદાનાં બા આ સંબંધથી ખુશ નહિ થાય.”
“કેમ?”
“તેઓ જુની ઘરેડનાં છે અને જાતપાતમાં માને છે.”
“આપ તેમને સમજાવી શકશો.”
“મુશ્કેલ છે.”
“કેમ? અમારામાં કોઈ ખોટ કે ઊનપ છે?”
“વિશ્વાસરાવ, આમાં ખોટ કે ઊણપનો પ્રશ્ન નથી. આપનાં ખોરડાં ઘણાં ઊંચા છે. આપની જાયદાદ, હવેલીઓ, સાંતી-બંધ જમીનો - ચંદાનાં બા બધું જાણે છે. આજે તમે રાવરાજાના કમ્પૅનિયન છો. કાલે એ.ડી.સી. થશો અને આગળ જતાં રાજ્યના દીવાન પણ થશો. તમે યુવાન છો અને અત્યંત હોનહાર છો. પરમાત્માએ તમને મર્દાનગી અને ખુબસુરતી બક્ષી છે. આ બધું હોવા છતાં ચંદાની બાને મનાવવાં મુશ્કેલ છે. દીકરીને પરજ્ઞાતિમાં કોઈ પણ સંજોગોમાં નહિ પરણવા દે. ત્રાગાં કરશે. કદાચ પોતાની જિંદગીનું ભલું - બૂરું પણ કરી બેસશે. હું તે નહિ સહી શકું. વર્ષો પહેલાં અમારી પૈતૃક હવેલીમાંથી હું અને ચંદાની બા પહેરેલે કપડે નીકળી પડ્યા હતા તે કેવળ તેમની હિંમત અને બળના સહારે. તેમના સિવાય મારું ઘર કદાપિ ટકી નહિ શકે.”
“અમે ચંદાનાં માસાહેબને મળીએ કે? અમે તેમને સમજાવીશું.”
“ના. હાલ તેમને આ વાતની ખબર પણ પડવી ન જોઈએ.”
“તો પછી રાનીમાને કહું તેમને બોલાવીને સમજાવવા?”
“રાણીસરકારને આ વાતની જાણ છે?”
“રાવરાજાએ તેમને આ વાતથી વાકેફ કર્યા છે.”
“જવાબમાં તેમણે શું કહ્યું?”
“સાંભળ્યું છે, તેમણે ફક્ત આછું સ્મિત કર્યું.”
“એ જ તો!”
“પન રાવરાજા અમને પૂરી રીતે મદદ કરવાના છે.”
“રાવરાજાને આ બાબતમાં શી ખબર પડે? તમે બડે સરકારનો વિચાર કર્યો?”
“એમનો આ વાત સાથે શો સંબંધ?”
“એમનો જ તો આમાં સંબંધ આવે છે! સરકારને તેમના ઉમરાવના પુત્રનાે મિશ્ર વિવાહ કદી પણ પસંદ નહિ પડે. મારી નોકરી જશે, એટલું જ નહિ, પણ સારંગપુરમાં રહેવાનું પણ અમને ભારે થઈ પડશે. આ પાકટ ઊમરમાં હું ક્યાં જઊં? મુંબઈમાં મારો નિભાવ ન થાય. તમારા પિતાજીને પણ આનો ભારે આઘાત લાગશે એ ભુલતા નહિ. બડે સરકાર નારાજ થાય તો તમારી જાગિર, ખેતર અને વાડીઓ - બધું ખાલસા કરશે. દેશી રજવાડામાં હમ કહે સો કાયદા એવું છે. તમારા પિતાજીને ઘેર ગાડાં ભરી ભરીને સગાવહાલાંઓ આવતા રહ્યા છે અને તેમણે તેમને સૌને આખી જિંદગી પોષ્યા છે. હવે ગામમાંના થોડાં ખેતર સિવાય ખાસેસાહેબ - તમારા પિતાજી પાસે શું બચ્યું છે? આ બધું જતું રહે તો તેઓ કેવી રીતે તમારા સગાંઓને પોષી શકશે?”
“પન મોટા સરકારે પોતે…”
“બડે સરકારે તો અનેક ધંધા કર્યા ; અને હજી તે ચાલુ જ છે. રાજ્યમાં યુવાન છોકરીઓ ઘર બહાર નીકળી શકતી નહોતી. આખું રાજ્ય જાણે છે. પણ સરકારે પોતે લગ્ન તો જાતમાં જ કર્યા ને! છન્નું કૂળના રાજસી ખૂનમાં કહેવાતા 'ઉતરતા' લોહીની ભેળ સેળ ન થવી જોઈએ, એટલા માટે જ તો!”
“પન આ લગ્ન તો અમે અમારી અંગત જવાબદારી પર કરી રહ્યા છીએ. તેમાં આપને, અમારા પિતાજીને કે બડે સરકારને શી લેવા દેવા?
“વિશ્વાસરાવ, આ તો તમારી માન્યતા છે. અહીં, આ રિયાસતમાં પિતાનો માન મરતબો પણ સરકારના ચોપડે નોંધાતો હોય છે અને તેમની મરજીથી ચાલુ રહે છે અથવા ડૂબી જાય છે.”
“આપની રજા લઈશ.”
“તમને દુ:ખ પહોંચાડતાં મને ભારે દુ:ખ થાય છે. સંજોગો સામે આપણે ગરદન ઝુકાવવી જ પડે છે. આવજો.”
“સંજોગોથી ડરીએ તો તે વાઘ થઈને ભરખી જ જાય…” બબડતો વિશ્વાસ ડૉક્ટરસાહેબની ચેમ્બરમાંથી ધસમસતો બહાર નીકળી ગયો.
ડૉક્ટરસાહેબ લાંબા સમય સુધી આઘાતપૂર્ણ સ્થિતિમાં ખુરશી પર બેસી રહ્યા.
No comments:
Post a Comment