શીલાને ઘેર જવા માટે ચંદ્રાવતી તૈયાર થવા લાગી. અરીસાની સામે ઊભા રહી તેણે વાળ સમાર્યા અને પીઠ પર એક ચોટલો છોડી, પાવડર - કંકુ લગાડી સરસ મજાની સાડી પરિધાન કરી અને વિચાર કરવા લાગી. ‘ગયા એક મહિનાથી વિશ્વાસ સાથેનું આપણું રહસ્ય આજ સુધી શીલાથી છુપાવી રાખ્યું છે. વચ્ચે બે - ત્રણ વાર વાંચવા માટે બેઉ બહેનપણીઓ વચ્ચે મુલાકાત થઈ હતી ત્યારે હોઠે આવેલી વાત હૈયામાં તેણે છુપાવી રાખી હતી. હવે તો તેને બધું કહેવું જ પડશે. બધું પાકા પાયે નક્કી થઈ ગયું છે…’
અરીસામાં ફરી એક વાર પોતાનું પ્રતિબિંબ નિહાળી શરમાઈ ગઈ. તેણે ઝટપટ પુસ્તકો ઉપાડ્યા અને બહાર જઈ ઘોડાગાડીમાં બેસી ગઈ.
શીલાના ઘર પાસે ઘોડાગાડી ઊભી રહી. શીલાનાં બા ઓટલા પર બેસી ચોખા સાફ કરી રહ્યાં હતાં. બાજુમાં લાકડાના પાટિયા પર બેસી દિઘે માસ્તર કશું’ક ડ્રૉઈંગકામ કરતા હતા.
“આવ, આવ, ચંદા. શીલા ઉપર મેડીમાં એની રુમમાં વાંચવા બેઠી છે. તું આવવાની છો એવું તેણે અમને સવારે કહ્યું હતું,” શીલાની બા બોલ્યાં.
ચંદ્રાવતી ધીરેથી ઉપરના માળે જવા દાદરો ચઢવા લાગી. દાદરાની બાજુની દીવાલ પર માસ્તરસાહેબે દોરેલા ચિત્રો ફ્રેમ કરીને લટકાવ્યાં હતા. ચંદ્રાવતીએ હળવા પગલે શીલાની રુમમાં પ્રવેશ કર્યો. વાંચતાં વાંચતાં ઝોકું ખાઈને સૂતેલી શીલા તેનાં પગલાં સાંભળી ઝબકીને જાગી ગઈ. ત્યાર પછી અર્ધો - પોણો કલાક ચોપડીઓ અને નોટબૂકોનાં ઢગલા વચ્ચે બન્નેનું વાચન થયું.
“તું બેસ. હું નીચે જઈને ચા બનાવી લાવું,” શીલાએ કહ્યું.
“અલી, બેસને જરા! નિરાંતે ચા બનાવજે. અત્યારે બેસીને ગપ્પાં મારીશું.”
“અરે હા! આજે સવારે તારા દિનકરરાવ મળ્યા હતા.”
“મારા દિનકરરાવ?”
“તારા જ તે વળી, બીજા કોના?
“ચલો, આગે બોલો!”
“નજીક ચૌધરીની વાવ નજીક શિંગ તોડવા ગઈ હતી ત્યારે તે સામેથી જતા હતા. મને જોઈ પાછા આવ્યા અને પૂછવા લાગ્યા, ‘પન્નાજીનો અભ્યાસ કેમ ચાલે છે? બે દિવસ પર તેમના બંગલે ગયો હતો, પણ તેમનો કોઈ પત્તો નહોતો’. અલી, ક્યાં ગઈ’તી તું?”
“તે દિવસે હું ગણેશ બાવડી દર્શન કરવા ગઈ હતી.”
“એટલે જ! મ’કું, બિચારાને તેમનાં પન્નાજીનાં દર્શન થયા લાગતા નથી તેથી જ આટલા બેચૈન હતા!” કહી શીલા હસવા લાગી.
“કોણ જાણે કેમ, પૂર્વ જન્મના ક્યા કર્મથી એક વાર શાળાના નાટકમાં મેં પન્ના દાઈનું કામ કર્યું કે ત્યારથી તેઓ મારી પાછળ ‘પન્નાજી, પન્નાજી’ કરતા ફરે છે. છી!”
“એમાં ‘છી’ કરવા જેવું શું છે? તારા પ્રત્યે તેમને ઘણું…માન છે. તારા પર તો..”
“અલી, છોડ હવે!”
“ચોપડીઓના સપ્લાયનાં તેમનાં રાઉન્ડ હજી ચાલુ જ છે કે?”
“પૂર જોશમાં.”
“મને કહે તો, તમે લોકોને ચોપડીઓમાં એવું તે શું મળે છે કે આખો દિવસ બસ વાંચ-વાંચ કર્યા કરો છો?”
“શું કહું તને? આધુનિક, પ્રગતિશીલ વિચારોથી અવગત થવા પુસ્તકો કેટલો અગત્યનો ભાગ ભજવે છે તે તને ખબર છે? ના.સિ. ફડકેની સંુંદર નાયિકાઓનાં ઉદાત્ત પ્રેમની કથાઓ, વિ.સ. ખાંડેકરની ધ્યેયવાદી નાયિકાઓની કથાઓ વાંચવા ઉપરાંત પેઢીઓથી અજ્ઞાનના અંધકારમાં ડૂબેલી સ્ત્રીઓને પ્રકાશનો અવાજ સંભળાવા લાગ્યો છે. દેશ પ્રેમ, સ્વાતંત્ર્ય - આ બધું પુસ્તકો દ્વારા જ તો જાણવા મળે છે. તું વિભાવરી શિરુરકર, ખાંડેકર જેવા લેખકોનાં પુસ્તકો વાંચી જો. ‘કળીઓનાં નિ:શ્વાસ’ એક વાર વાંચીશ તો તું પણ કહીશ…”
“આવી ચોપડીઓ મને કોણ લાવી આપે? તેમાં’ય તે વળી આપણને તો ભૈ વાંચવાનો કંટાળો આવતો હોય છે. તારે ત્યાં તો આમે’ય તે ઘણા સામયિક આવતા હશે.”
“અમારે ઘેર ફક્ત બે માસિક આવે છે - ‘કેસરી’ અને ‘સ્ત્રી’. તેમાં પણ બા હવે ‘સ્ત્રી’ બંધ કરવાની છે. કહે છે, તેના મુખપૃષ્ઠ પર સ્ત્રી-પુરુષો એકબીજાની સાથે સાવ અડીને બેઠાં હોય તેવા ચિત્રો હોય છે. અંદરના પાનાંઓમાં કર્વેની સમાજ-સ્વાસ્થ્ય, ગર્ભ નિયંત્રણ અને કામ શાસ્ત્રની જાહેરાતો આવતી હોય છે. બા ને તો તે જરા પણ ગમતાં નથી. મેં તેનું લવાજમ બંધ કરવાની ના પાડી તો છેડાઈ ગઈ. સાચું કહું તો તો આ સામયિકમાં ઘણી રોચક અને માહિતીપૂર્ણ ચર્ચાઓ આવતી હોય છે.”
“કેવી ચર્ચા?”
“એમ કે કુલીન સ્ત્રીઓએ નૃત્ય શીખવું કે નહિ, તેમણે નોકરી કરવી કે નહિ, એટલું જ નહિ, પણ તેમાંની વાર્તાઓમાં મુંબઈના યુવાન - યુવતીઓ બહાર ફરવા જતા હોય છે તેનાં વર્ણન હોય છે. અમારા બા સાહેબને લાગે છે ‘સ્ત્રી’ના સંપાદકનો આશય યુવાન છોકરીઓને બગાડવાનો છે!”
“મને તો લાગતું હતું કે જાનકીકાકીને વાચનનો શોખ હશે.”
“બા અને વાચન?” કહી ચંદ્રાવતી હસી પડી ; “અલી, બાનું વાચન એટલે શિવલીલામૃત, હરિવિજય અને ભક્તિવિજય પૂરતું જ.”
“વાહ રે બાઈ તારી વાત! તારી તો ભૈ લહેર છે! તને છે વાચનનો શોખ અને દિનકરરાવને હોંશ છે તારી હોંશ પૂરી પાડવાની.”
“શીલા, શું કહું તને? કોઈ કોઈ વાર તો તેઓ પુસ્તકમાં ચિઠ્ઠી મૂકતા હોય છે. કાગળના કકડા પર ‘ફ્લાવર અૉફ માય હાર્ટ’, ‘ગોલ્ડન ફિશ’ મસ મોટા અક્ષરે લખી પુસ્તકમાં મૂકતા હોય છે. એક વાર તો મેં તેમની નજર સામે આવી એક ચિઠ્ઠી ફાડી નાખી હતી. તેમ છતાં તેઓ મને એકલીને જોઈ નાજુક સ્વરમાં કહેતા હોય છે, ‘જાંબુડા રંગની સાડીમાં બાપુ તમે ઘણાં સુંદર દેખાવ છે’ અથવા ‘આજે તો શું વાળ ધોયા લાગે છે ને!’ ‘કાનમાં મોતીનાં કાપ અને ગળામાં સોનાની ચેઈન પહેરો છો ત્યારે તમે શાંતા આપ્ટે જેવા દેખાવ છો! એક વાર તો મારી સામે મખમલની ડબી ખોલી તેમાં રાખેલી માણેક જડિત સોનાની સાડી પિન બતાવી. કંઈ કહેવા જાય તે પહેલાં બા આવી પહોંચ્યા તેથી તેમણે તે ઝડપથી ખિસ્સામાં મૂકી દીધી. બોલ, હવે આને શું કહેવું?”
“આના કરતાં તો દિનકરરાવે તને સીધા ‘મારી સાથે લગ્ન કરીશ કે’ એવું પૂછવું જોઈએ.”
“આવું કંઈ પૂછે એ બીકથી તો જ્યારે તેઓ અમારે ઘેર આવે ત્યારે શેખરને મારી પાસે જ બેસાડી રાખું છું. વળી અમારા બેવકૂફ સિકત્તરને ક્યાંથી ખબર પડી જાય છે, તેઓ આવે એટલે અમારી બાજુમાં આવી ફર્નિચર સાફ કરવા લાગી જાય કે ચોપડીઓ ગોઠવવા કે ફૂલદાનીમાંનું પાણી બદલવા લાગી જતો હોય છે.”
“તો પછી તું દિનકરરાવને ખુલ્લમ્ ખુલ્લા ના કેમ કહી દેતી નથી?”
“શું કહું? માણસ સ્પષ્ટ વાત કરે તો તેનો સ્પષ્ટ જવાબ આપી શકાય. આવું કરું તો તેમના પરિવાર સાથેનો સંબંધ તૂટી જાય. આ હું કેવી રીતે કરી શકું? એક તો તે આપણી જ્ઞાતિના છે અને તેમના મોટા ભાઈ અને મારા બાબા કૉલેજના સમયથી એકબીજાનાં દોસ્ત છે. ક્લબમાં હંમેશા મળતા હોય છે, અને પ્રસંગોપાત અમે એકબીજાને ઘેર પણ જતાં હોઈએ છીએ. પણ દિનકરરાવને મરવા દે. આજે તને એક મહત્ત્વની વાત કહેવા માટે ખાસ આવી છું અને આપણે દિનકર-પુરાણ ખોલી બેઠાં. તું વિશ્વાસ પવારને ઓળખે છે? કેવો માણસ છે?”
“માણસ તરીકે સારો છે! નાકના ઠેકાણે નાક, કાનની જગ્યાએ કાન, ખભા પર મસ્તક, હાથ - પગ…”
“અલી મશ્કરી છોડ. તેનો સ્વભાવ…તેનામાં થોડો અભિમાનનો અંશ ખરો કે?”
“એ તો બધા મરાઠા ઉમરાવોમાં હોવાનો જ!”
“એમના ઘરની એકંદર સ્થિતિ?”
“આપણે તો બાબા, તે વિશે કંઈ જાણતા નથી. તેના ઘરમાં આપણાં વયની કોઈ છોકરી નથી નહિ તો થોડી ઘણી માહિતી મળી જાત. એની મોટી બહેનનાં લગ્ન થઈ ગયાં છે અને હાલ સાસરિયે છે. પણ તું આટલી કસી કસીને તપાસ શા સારુ કરે છે?”
ચંદ્રાવતીએ શીલાને અથ થી ઈતિ સુધીની બધી વાત કહી.
“સાંભળ, શીલા. ગઈ કાલે અચાનક અમે ગણેશ બાવડી પર મળ્યા. ગણેશજીના મુકુટ પર હાથ મૂકી અમે એકબીજાને લગ્નનાં આણ-વચન આપ્યાં. બધું પાકું થઈ ગયું છે. આ બધી વાત તને ક્યારે કહું એવું થઈ ગયું હતું.”
“તારા ઘરના લોકોને આ બધું કેમ કરીને પસંદ પડશે? એ લોકો મરાઠા સરદાર છે અને આપણે પ્રભૂ જ્ઞાતિનાં.”
“જાત - પાતનો વિચાર કરવાના દિવસ હવે ગયા, પણ ઘરના વિરોધનો સામનો કેવી રીતે કરવો એ મોટો સવાલ છે. બા તો એવો કોલાહલ કરશે ! તેના આકરા વિરોધનો મને ડર લાગે છે.”
“ચંદા, આ પ્રશ્ન તો તારે જ ઉકેલવો પડશે. જ્યાં મારો સવાલ છે, મારાથી બનતી બધી મદદ કરીશ. તે પણ મર્યાદિત હશે, મારા બાપુજી સુદ્ધાં કોઈ ખાસ સુધારક વિચારના નથી,” શીલાએ કહ્યું.
“મને તો ચાર બાજુએથી ગુંગળામણ થાય છે. મન તો બળવો કરવા તૈયાર છે, પણ…”
“તો પછી વિશ્વાસને સીધું કહી દે કે મારાથી આ નહિ બને. તોડી નાખ સંબંધ. એક ઘા ને બે કટકા. તારાથી ન બને તો હું વિશ્વાસને કહીશ. બોલ, કહું કે?”
“ના, માડી રે! એવું તે કંઈ કહેવાતું હશે? હવે હું પીછેહઠ કરીશ તો વિશ્વાસ કંઈકનું કંઈક કરી બેસશે. એ મારા વગર જીવી નહિ શકે. અમારો એકબીજા પરનો સ્નેહ ઉત્કટ છે. અમે તો ગણપતિના મુકુટ પર હાથ રાખીને એક બીજાને સોગંદ અને વચન આપ્યાં…”
“હવે જવા દે આવા સોગંદ અને વચન! તારી જગ્યાએ હું હોત તો આવી માથાકૂટમાં પડત જ નહિ.”
“અલી, પહેલેથી નક્કી કરીને કોઈ કોઈના પ્રેમમાં થોડું પડતું હશે? તું કોઈના પ્રેમમાં પડી નથી એટલે સહેલાઈથી બોલી ગઈ કે તોડી નાખ સંબંધ…”
“ચંદા, મારી બહેન, રિસાઈ ગઈ? મારાથી બનશે એટલી મદદ કરીશ એવું મેં કહ્યું ને? સાચ્ચે જ, મારાથી બનશે તે બધું કરીશ.”
No comments:
Post a Comment