Tuesday, January 19, 2016

બંસી કાહેકો બજાઈ - પ્રકરણ ૧૩

બપોર થઈ. 
હંમેશ મુજબ રામરતન ઘોડાગાડીમાં પહેલાં શેખરની નિશાળે જઈ તેને લઈ ગામની કન્યાશાળામાં જામુની અને મિથ્લાને લેવા ગયો. ત્યાંથી સૌને લઈ બંગલે આવ્યો હતો. ચોપડીઓ - દફતર વરંડામાં નાખી છોકરીઓએ બંગલામાં જ ધામા નાખ્યા હતા. હરિયાલી તીજ ત્રણ દિવસ પર આવી પહોંચી હતી. બન્ને બહેનોનાં શરીરમાં ઉત્સાહનું ભૂત ભરાયું હતું. જામુની રાધા અને મિથ્લા ગોપી બનવાની હતી. બન્ને બહેનોમાં લડાઈ ન થાય એટલા માટે દર વર્ષે મિથ્લાને પણ નવાં ઘાઘરા - ચોળી અપાય છે.
બેઉ છોકરીઓનાં નવા પોશાક માટે કાપડ બજારમાંથી રેશમી કાપડ આવી ગયું હતું.  હિંડોળાના કોરા દોરડાનો દડો વરંડાના ડાબા ખૂણામાં સિકત્તરની સૂવાની જગ્યાએ પડ્યો હતો. બહુ અગત્યના કામમાં પડ્યો હોય તેમ સિકત્તર આવતાં - જતાં હિંડોળાના પાટિયા પર રંધો મારતો હતો અને હથોડીથી ઠોકાઠોક કરી રહ્યો હતો. સત્વંતકાકી ઘરકામમાંથી સમય કાઢી મુરલીધરના મુકુટ પર મણી અને ચાંદલિયા મઢવાનું નકશીકામ કરી રહ્યાં હતાં. ઘરથી બંગલે અને બંગલેથી ઘેર એમ જામુની - મિથ્લાની દોડાદોડી ચાલુ હતી. ‘જીજી, છોટી કૈંચી દો….જીજી મોતી કમ પડ રહે હૈં…રેશમકા ડોર ચાહિયે…”ની ફરમાયેશ આખો દિવસ ચાલુ રહેતી હતી.
બપોરે ડૉક્ટરસાહેબનું ભોજન પતી ગયા બાદ જાનકીબાઈ રાધા- ગોપીનાં ઘરેણાંનો પતરાંનો ડબો લઈ તેમાંની એક એક વસ્તુ સમી કરતાં હતાં. મોતીની તૂટેલી સેર, ઢીલું પડી ગયેલું પેન્ડલ, કુંડલના પેચ, બિંદીનાં મોતી, કમરપટ્ટા, કંકણ….
પાછળના આંગણામાં ઘઉં પર તેલ - પાણી લગાડીને સૂકવવા મૂક્યા હતા. આનો રવો બનશે. હરિયાલી તીજના દિવસે હિંડોળાનો કાર્યક્રમ પાર પડ્યા બાદ આજુબાજુનાં બાળગોપાળને મુરલીધરની પ્રસાદીમાં દહીં અને પેંડા ઉપરાંત ‘હલુઆ - પૂડી’ (શિરા - પૂરી)નું જમણ આપવાનું હોય છે! હિંડોળા પર બિરાજેલા મુરલીધરને નૈવેદ્યમાં તાજું માખણ ધરવામાં આવે છે.
અહીં માળીના દીકરા સાથે ગિલ્લીદંડો રમવામાં શેખર મશગૂલ હતો. બંગલામાં થતા વાર - તહેવારના સમારંભ, વ્રત, અપવાસ વિગેરેની તેના પર નહિવત્ અસર થતી.
“જય હો કિશન ભગવાનકી!” વરંડામાંથી શેખર તરફ આંખો મટકાવીને સિકત્તરે હાથ જોડ્યા અને મશ્કરીમાં પૂછ્યું, “તુમ્હારી રાધાજી કિત્તૈ? અબ દેખો દોઉ જનોંકી જોડી કૈસી પ્યારી લગેગી!”
“ચલ હટ! રાધાજીકી ઐસી કી તૈસી,” કહી શેખરે દંડો ઉગામ્યો અને બૂમ પાડી, “બા, જો ને, આ સિકત્તર મને છંછેડી રહ્યો છે.”
“બાલકદાસ! શું ચાલી રહ્યું છે? મારા દીકરાનો દિમાગ ખાવાનું છોડ, સમજ્યો?” જાનકીબાઈએ સિકત્તરને તતડાવ્યો.
“જી નહિ, બાઈજી, હું તો ભગવાનના નામનું રટણ કરી રહ્યો હતો,” કહી સિકત્તર હિંડોળાના પાટલા પર હથોડી ઠોકવા મંડી પડ્યો.
બડેબાબુજીએ બે દિવસ પહેલાં ટીપણું જોઈ, પાટી પર આંકડા માંડી ગણત્રી કરીને મુરલીધરની મૂર્તિની નવા હિંડોળા પર સ્થાપના કરવાનું મૂરત કાઢ્યું હતું. આજે બીલીવૃક્ષની પ્રદક્ષિણા કરવા આવેલાં સત્વંતકાકી પૂજા - અર્ચના પતાવી બંગલે ડોકિયું કરવા આવ્યાં હતાં. છોકરીઓનાં ઘાઘરા - ચોળી હજી વેતરાયાં નહોતાં. હજી હાલ જ ચંદ્રાવતીએ મુરલીધરના નીલા રેશમી અંગરખા પર મુહૂર્તના બખિયા મારવાની શરુઆત કરી હતી. સીલાઈ મશીનના પેડલ પાસે બેસીને જામુની અને મિથ્લા તાકીને ચંદ્રાવતી તરફ જોઈ રહ્યાં હતાં.
“જીજી, મેરા ઘાગરા પહેલે સીના. મૈં રાધા જો હું!” જામુની બોલી.
“ના જીજી, પહેલાં મારી ઘાઘરી સીવવાની છે! ગોપી કદી રાધાથી કમ દરજ્જો ધરાવતી હતી?” જામુનીની સામે જાણે શિંગડાં ભરાવતી હોય તેમ મિથ્લાએ કહ્યું.
“આમ શું કરવાને બાધો છો બેઉ જણીઓ? એક તો મારું ચિત્ત ઠેકાણે નથી અને ઉપરથી તમારો બન્નેનો ઝઘડો…”
“અરી ચંદર, ઈન ચૂડૈલોંકે કપડે કબ તૈયાર હોંગે? દોઉ જની મેરા કલેજા ખાતી હેંગી. પર સાલ તો કિત્તે જલ્દી બના ડાલે થે!”
ચંદ્રાવતી ચાંદલિયા તરફ જોતી, ગુમસુમ થઈને બેઠી હતી. 
“અરી, મૈં કા પૂછત હૂં તો'સે? આજકલ ચંદરકો કા ભૌ? ગુમ્મ - સુમ્મ રહે હૈ? પરીચ્છા પાસ કર લી, અચ્છે લમ્બર મિલે, કિસીસે હસૈ નાહિ, બોલૈ નાહિ, ઈ કા બાત?” સ્વગત બોલતાં સત્વંતકાકી રસોડા તરફ ગયાં. 
“શી ખબર? અમે પણ કેટકેટલી વાતોની ચિંતા કરીએ, કહો તો સત્વંતી?” ચંદ્રાવતી સાંભળે તે રીતે જાનકીબાઈએ ઊંચા સાદે જવાબ આપ્યો.
બાનો ચઢેલો અવાજ સાંભળી ચંદ્રાવતીએ રસોડાની ભિંત પર કાન લગાડ્યા.
“બડી બાઈજી, એક અરજી કરું તો  બૂરા જિન માનિયો. આપ ચંદરકે સાદી કી કાહે નાહિ સોચત? જુઆન મોડી! કિત્તે દિન રહ સકત માં - બાપ કે ઘર?”
“શ્રાવણ - ભાદરવો જવા દે. દિવાળી પહેલાં અથવા તેના તહેવાર ઉજવીને અમે મુંબઈ જઈશું. પણ આ લડાઈના સમયમાં જરા જેટલી ગડબડ થાય તો ચંદાના બાપુજી અમને મુંબઈ નહિ જવા દે.”
“બાઈજી, ગામના વકીલસાહેબનો ભાઈ ક્યાં બૂરો છે? આપની જ્ઞાતિનો છે. આપને ત્યાં હંમેશા આવતો - જતો હોય છે. તેની સાથે ચંદરનાં લગન કરાવી નાખો. દીકરી આપની નજર સામે તો રહેશે!” જાનકીબાઈના કાનમાં સત્વંતકાકી બોલ્યાં.
“દિનકર? તેને અમે અમારી દીકરી કેવી રીતે આપીએ? એ તો મૅટ્રિક પાસ છે અને ફક્ત તહેસીલકક્ષાની વકિલાત કરવાની પરીક્ષા પસાર કરી છે. સરકારી વકિલની પણ પરીક્ષા તે પાસ થઈ શક્યો નથી. અમે તો ચંદા માટે ઈજનેર, ડૉક્ટર, આઈસીએસ શોધી લઈશું.”
“હાય રામ! આઈ સી એસ વળી નવું સાંભળ્યું. તે શું હોય છે?”
“અંગ્રેજ સરકારનો તે સૌથી મોટો અફસર હોય છે. તેની પરીક્ષા પાસ કરવા વિલાયત જવું પડે છે.”
“વિલાયત સારંગપુરથી કેટલું દૂર છે?”
“ત્યાં જવા સાત સમુદ્ર પાર કરવા પડે છે.”
“તબ તો વિલાયત પાતાલ જા બસો!” સત્વંતકાકી હેરતથી ચિબૂક પર હાથ મૂકીને બોલ્યાં.
ચંદ્રાવતીનાં કાન હજી રસોડાની ભિંત પર ચોંટ્યા હતા.
“આઈસીએસ! અમારા માતુશ્રી તેમની લાડકી દીકરીનાં લગ્ન અંગ્રેજોના ગુલામ સાથે કરવા નીકળ્યાં છે! વાહ! અને દિનકરરાવ? એ તો ફક્ત અહીં બંગલા સુધી પુસ્તકો લાવી આપે છે, અને આપણે તે વાંચીએ છીએ - બસ એટલા પૂરતો સંબંધ. આગળ વાત ખતમ. બીજી તરફ વિશ્વાસ જુઓ! એ તો સીધો બાબા પાસે ગયો હતો. દિનકરરાવે પુસ્તકોમાં ચિઠ્ઠીઓ સરકાવવા સિવાય બીજું શું કર્યું? અને દૂરથી સાડી-પિન બતાવવા ઉપરાંત બીજું કંઈ કરવાની તેમનામાં હિંમત ક્યાં હતી? વિશ્વાસનો રૉફ, તેનો આત્મવિશ્વાસ, તેની મરદાનગી, સ્પષ્ટવક્તાપણું - અરે, તેનો તો અહંકાર સુદ્ધાં કોઈ પણ છોકરીને મોહી નાખે એવો…”
વિચારમાં ને વિચારમાં કૃષ્ણનું અંગરખું તૈયાર થવા આવ્યું હતું. ઘેર જતાં પહેલાં તેની રુમમાં આવીને સત્વંતકાકી બોલ્યાં. “અરી ચંદર બિટિયા, તનિક હસો, ખેલો, બાત બતિયાઓ! આજકલ તુમ્હારી હઁસી કિતૈ ખો ગઈ હેંગી? અત્યાર સુધી વાત વાતમાં ખડખડાટ હસતી રહેતી હતી. અરે અમારે તો તને ટોકવી પણ પડતી કે જુવાન મોડીને આટલું બધું હસવું ન શોભે! હવે તો સાવ વિલાયેલું મોઢું કરીને બેસી રહે છે!”
“મૈં ઠીક હૂઁ ચાચી,” રીલ પર સૂતર લપેટતાં ચંદ્રાવતી બોલી.
“અમારે ઘેર હવે તો આવતી - જતી નથી. તને શાનો ડર છે? આ શનિવારે અમારે ઘેર આવજે. તારી નજર ઉતારીશ,” કહી તેઓ બહાર ગયાં.
સત્વંતકાકીની વાત કરવાની ઢબથી ચંદ્રાવતી સહેજ ચોંકી. ‘સત્વંતકાકીને આ વાતની ખબર તો નહિ પડી હોય ને?’ આ વિચાર આવ્યો અને કૃષ્ણના અંગરખાને જરીની કિનારી લગાડતાં તેની આંગળીમાં સોયની અણી પેસી ગઈ. આંગળીની ટોચ પર લોહીનું ટીપું ઊપસી આવ્યું અને…આંખો ભીની થઈ ગઈ.
‘સત્વંતકાકીને જાણ થઈ ગઈ લાગે છે…પણ કેવી રીતે?’
જામુની અને મિથ્લા હજી ચંદ્રાવતીના પગ પાસે બેસીને તેની તરફ એક ટશે જોઈ રહી હતી.
‘કાલે વહેલી પરોઢમાં અહિંથી પ્રસ્થાન કરવાનું…જે બંગલામાં હાસ્યની છોળો વચ્ચે, આનંદમાં સોળ વર્ષ ગાળ્યાં એ જ બંગલાની કાયમ માટે રજા લેવાની…એક તરફ બાના ત્રાસમય સામ્રાજ્યમાંથી છૂટવા અધીર થયેલું મન અને બીજી તરફ એ જ બા અને બાબાને છોડી જવાના વિચારથી હૈયું કેટલું ભરાઈ આવે છે…’ આ વિચારોમાં તે જામુનીની ચોળી પર મશીનની ટીપ મારતાં ચંદ્રાવતીની આંખમાંથી બે આંસુ ટપકી પડ્યાં. ‘આ મશીનને આજે આખરી રામ રામ કરવાના… આ મશીન બાબાએ ખાસ મારા માટે મુંબઈથી મંગાવ્યું હતું અને ગામમાંથી માદરપાટનો તાકો ખરીદી આણ્યો હતો. કહેતા હતા, જે કાંઈ સીવવું હોય તે સીવજે દીકરા! જેવું આવડે તેવું. છોકરીની જાતને સીવણ - ભરતકામ આવડવું જોઈએ…
‘નવું નક્કોર મશીન મળ્યાના આનંદમાં મેં ઓશીકાનાં ગલેફ વાંકાંચૂંકા સીવ્યા હતા! શેખરના લેંઘાનો એક પગ લાંબો તો બીજો ટંૂકો અને બા માટે સીવેલાં પોલકાં ડગલા જેવા લાગતા હતા…આગળ જતાં જામુની - મિથ્લાના ફરાક…’
“જીજી, આપ રો રહીં હૈં?” મશીનના પૅડલ પર રહેલા ચંદ્રાવતીના પગ પર હાથ મૂકી જામુનીએ ચિંતાના સ્વરમાં પૂછ્યું.
“નહિ, તો! સિર દર્દ હૈ,” ચંદ્રાવતીએ જામુનીના અરીસા જેવી સ્વચ્છ આંખોમાં ડોકિયું કરતાં જવાબ આપ્યો.
‘મારી વહાલી જામુનીને છોડીને હું કેવી રીતે જઈ શકીશ? મિથ્લાને કેવી રીતે ત્યાગી જવાશે? હરિયાલી તીજ આ આવી પહોંચી તેવામાં ઘર છોડીને કેવી રીતે જવાય? આવતી કાલે નિશાળે જતી વખતે શેખર પૂછશે ‘તાઈ ક્યાં ગઈ’ તો બા તેને શો જવાબ આપશે? આજકાલ મારો ભાઈલો ગિલ્લી દંડાની રમતમાં કેટલો મગ્ન હોય છે. રમતમાં આટલું ધ્યાન હોવા છતાં પરીક્ષામાં હંમેશા પહેલો નંબર લાવે છે. તેથી જ તો પહેલાંની જેમ તેને લેસન કરવા માટે કોઈનાં વેણ સાંભળવા નથી પડતા…બા અને હું સામાન્ય વાત કરતાં હોઈએ તો પણ ઘણી વાર તે દોડીને આવે છે અને પૂછે છે ‘બા, તાઈ, તમે શાની વાત કરો છો?’ બા અને મારી વચ્ચે હંમેશા વાદવિવાદ ચાલતા હોય છે એની તેને હંમેશા ચિંતા રહે છે. આજ કાલ શેખરને બહાવરો થઈને બંગલામાં ભટકતો હોય છે. તેને મારા નાસી જવાનો અણસાર તો નહિ ને આવ્યો હોય?
‘ગયા ચાર દિવસની વાત જવા દો, પણ હંમેશા જમતી વખતે બાબાની સામે ઉભા રહીને તેમને કઈ વાનગી જોઈએ છે તેનું ધ્યાન તેમની વહાલી દીકરીએ રાખવું જોઈએ એવો આગ્રહ રાખનારા બાબાને મારું આમ નાસી જવું કેવું લાગશે? હૉસ્પિટલમાં હવે ઉન્નત શિરે તેઓ કેવી રીતે જઈ શકશે? અને બા…એની હાલતનો વિચાર કરતાં જ થરથરી જવાય છે… સત્વંતકાકી, બડેબાબુજી, દદ્દા, સિકત્તર, માળી, ગામનાં લોકો…’
જામુની - મિથ્લાનાં ચણિયા સીવાઈ ગયા હતા. તેમાંથી લટકતા ધાગા દાંત વડે તોડી ચંદ્રાવતી મશીન પાસેથી ઊભી થઈ ગઈ. કબાટ ઉપર રાખેલી નાની બૅગ કાઢી તેમાં તેણે રોજિંદી જરુરિયાતની થોડી’ક ચીજો મૂકી હળવેથી બૅગ બંધ કરી. બૅગને પલંગની નીચે સરકાવી તે મશીનની સામે પાછી બેસી ગઈ.
રાતના સાડા અગિયાર વાગ્યા હતા.
“અલી બસ કર હવે! કેટલી વાર સુધી સીવણકામ કરતી રહીશ? હવે સૂઈ જા. બાકીનું કામ કાલે કરજે,” ચંદ્રાવતીના કમરામાં ડોકિયું કરતાં જાનકીબાઈ બોલ્યાં.
“છોકરીએાનાં ચણિયા સીવાઈ ગયા છે. તેમાંના દોરા કાપ્યા એટલે પત્યું”
“કેટલા દિવસથી કાપડ આવીને પડ્યું’તું. આજ દિવસ સુધી કશું સીવ્યું - કર્યું નહિ અને હવે ઉતાવળ કરવા લાગી ગઈ છો. તરસ લાગી એટલે મંડી કૂવો ખોદવા!”
“શું કરું બા? સવાર ક્યારે ઉગે અને ક્યારે આ નવા કપડાં પહેરું એવું થઈ ગયું છે આ જામુની - મિથ્લાને. જોયું ને, કેવો જીવ ખાઈ ગઈ છે બેઉ જણી?”
“ચાલ, દીકરી, હું બેસું છું તને સથવારો દેવા.”
“બા, આખો દિવસ કામ કરીને તું થાકી ગઈ હઈશ. તું સૂઈ જા. હું આ પતાવું જ છું.”
“તું પણ સૂઈ જા, બેટા! પોતાની કેવી દશા બનાવી લીધી છે તેં!” ડૉક્ટરસાહેબના શયનકક્ષ તરફ જતાં જાનકીબાઈ તરફ જોઈ ચંદ્રાવતીએ ડૂસકું દબાવ્યું.
‘બધાં સગાવહાલાં - શાંતા ફોઈ, મોટાં કાકી, મામી - બધાં મળીને મારી બા ને ડંખ મારી મારીને કચડી નાખશે. દીકરી ઘરમાંથી ભાગી જાય એનો શો અર્થ? તેઓ તો કહેશે મા-બાપ આંખે પાટા બાંધીને બેઠા હતા કે શું?
‘ગયા આઠ દિવસમાં બાબા મારી સાથે એક અક્ષરે’ય નથી બોલ્યા. મારું નામ સુદ્ધાં તેમણે ઉચ્ચાર્યું નથી…બાબાના આ જાતના વલણ વિશે બાએ મને કેમ કદી કશું પૂછ્યું નહિ? એ તો બિચારી બાબાને ખુશ રાખવા કેટલી ખબરદારીપૂર્વક મહેનત કરી રહી છે! આ જાણે ઓછું હોય, સાવન - તીજની તૈયારી પણ તે કરી રહી છે…મારા નાસી જવાના આઘાતમાં બા માંદી પડી જશે. અમારી ત્રણ જણાની માંદગી વખતે અમારી સેવા - ચાકરી કરનારી બાની માંદગીમાં તેની ચાકરી કોણ કરશે?
‘પણ મારે આમ ઢીલા પડીને નહિ ચાલે. અૅન મોકા પર આવા વિચાર મગજમાં આવવા ન જોઈએ. આપણા ભવિષ્યનો વિચાર આપણે પોતે જ કરવો જોઈએ કે નહિ? હું જ આમ હિંમત ખોઈ બેસીશ તો વિશ્વાસને મારા સિવાય બીજું કોણ છે? મને કહેતો હતો, અમારું ઘર હવે આપને હવાલે છે. અમારું ઘર લાઈન પર લાવજો. અમારાં મા’સાહેબને સુખી કરજો…
જામુની - મિથ્લાનાં ચણિયાનાં દોરા કાપતાં કાપતાં ચંદ્રાવતી મનોમન સરદાર ખાસે સાહેબ પવારની હવેલીના દરેક ભવ્ય ઓરડામાં ફરી આવી. તેમના ગામમાં આવેલ ઘઉં - ચણાનાં ખેતરોમાં ચક્કર પણ મારી આવી!
રાતના સાડા ત્રણ વાગ્યા.
મશીન સામેની ખુરશી પર બેઠાં બેઠાં જ તેણે પેન અને નોટપેપર લઈ તેણે ચિઠ્ઠી લખી.
“પ્રિય બા અને બાબા,
તમને બધાંને છોડી જતાં મારા કાળજાનાં ટૂકડા થઈ રહ્યા છે, તેમ છતાં હું અહીંથી ચાલી જઉં છું. મારા જીવનનો આગળનો પ્રવાસ હવે મારે સ્વતંત્ર રીતે કરવો છે.
હું વિશ્વાસની સાથે જઉં છું. કાલે તમને આ ચિઠ્ઠી મળશે ત્યારે અમે અહીંથી બહુ દૂર ગયા હઈશું. જ્યાં હઈશું ત્યાંથી તાર કરીશું. મારી ચિંતા કે મારી શોધખોળ કરશો મા.

- ચંદા”
તેણે ચિઠ્ઠીને મશીનની સોયમાં ખોસી. દીકરી હજી સુધી કેમ ઊઠી નથી તે જોવા સવારે નવ - સાડા નવના સુમારે બા તેની રુમમાં દાખલ થતાં જ તેને આ ચિઠ્ઠી દેખાય તેવી રીતે ગોઠવી.
ખુરશી પરથી ઊઠી ચંદ્રાવતીએ મોઢું ધોયું અને ચહેરા પર પાઉડર - કંકુ લગાડવા માટે અરીસાવાળા કબાટની સામે ઉભી રહી. રાત્રે કબાટમાંથી ચૂપચાપ કાઢીને પથારીની નીચે રાખેલી લીંબોડી રંગની ચંદેરી સાડી પહેરી. અરીસામાં પોતાનું સ્વરુપ નિહાળતાં જ તેની આંખોમાંથી ચોધાર આંસુ વહેવા લાગ્યા. ‘આજે મારાં લગ્ન છે. આજે તો મોટા મામા તરફથી અપાનારી અષ્ટપુત્રી સાડી પરિધાન કરવાની હોય!’
કબાટ પરના અરીસા પર ચહેરો ટેકવી, બન્ને હાથે કબાટને બાથમાં લેતી હોય તેમ તે થોડો વખત ત્યાં ઉભી રહી. કબાટથી થોડે દૂર રાખેલી ગણપતિની મૂર્તિને તેણે નમસ્કાર કર્યા અને બારીમાંથી બહાર ડોકિયું કર્યું. આકાશ ઘેરા નીલા રંગે રંગાયું હતું. આભમાં તારલાઓ ઝગમગતા હતા. હવામાં ઠંડી જામી હતી. ઝાડ - પાન છાનામાનાં થઈને સ્થિર બેઠા હતા. વૃક્ષોનો સર - સર કરતો અવાજ પણ સાવ થંભી ગયો હતો. ફિક્કી થયેલી ચંદ્રની કોર પશ્ચિમ તરફ ઝૂકી હતી. ચંદ્રાવતીના હૃદયનાં ધબકારા હવે ઢોલની જેમ જોર જોરથી ધબૂકી રહ્યા હતા. એક હાથમાં ચંપલની જોડી અને બીજા હાથમાં તૈયાર કરી રાખેલી નાની બૅગ લઈ તે બંગલાના પગથિયાં ઉતરવા લાગી.
સિકત્તર ગાઢ નિંદરમાં હતો. 
આ સિકત્તર…સાચે જ ઊંઘે છે કે પછી…?
ચંદ્રાવતી આગળ વધી. બીલીવૃક્ષના થડા પાસે ક્ષણભર થંભીને તેણે વૃક્ષને મનોમન નમસ્કાર કર્યા અને બગીચાના ખૂણામાં આવેલી બોગનવિલિયાની નીચે જઈને ઊભી રહી. વેલની જાળી પાછળથી બંગલાનું છેલ્લી વાર દર્શન કર્યું ત્યારે તેની છાતી પરનો પાલવ આંસુથી તરબોળ થઈ ગયો.
એટલામાં ક્યાંક મોટરકાર રોકાયાનો અસ્પષ્ટ અવાજ ચંદ્રાવતીને સંભળાયો. હળવે’કથી તે કમ્પાઉન્ડની દીવાલ તરફ આગળ વધી.

***

No comments:

Post a Comment