સત્વંતકાકીને ઘેર જન્માષ્ટમીનો ઉત્સવ પૂરો થતાં જાનકીબાઈ અને ચંદ્રાવતી સિકત્તરની સાથે બંગલે પાછા આવ્યા ત્યારે રાતનો એક વાગી ગયો હતો. ડાઈનિંગ-રુમમાં દીવો બળતો હતો. ટેબલ પર એક ઊંધા ગ્લાસની નીચે ખુલ્લું તારનું પીળું કવર હતું. પ્રસાદીનો દડિયો ટેબલ પર મૂકી ચંદ્રાવતીએ તાર વાંચવા લીધો.
“કોનો તાર છે?” જાનકીબાઈએ પૂછ્યું.
“શાંતાફોઈનો. કાલે અહીં આવી પહોંચે છે.”
“આવીશ, આવીશ કહેતાં હવે ત્રણ વર્ષે અમારાં નણદલબા આવી રહ્યા છે,” જાનકીબાઈના શબ્દેશબ્દમાં ઉત્સાહ વરતાતો હતો. “ફોઈ તો આવે છે ને! તારાં મોટાં કાકીને તો અહીં આવવા જેવું લાગતું નથી.”
“તું વળી ક્યાં તેમને ખાસ કરીને મળવા ઈંદોર ગઈ છો? બાબા પણ ત્યાં જતા નથી.”
“એવું ન સમજતી કે તેઓ ઈંદોર નથી જતા તેથી પૂર્વજોની હવેલી પ્રત્યે એમને પ્રેમ નથી!”
“તો પછી હવેલી છોડીને તમે ત્યાંથી શા માટે ચાલી નીકળ્યા હતા?”
“શું કહું, ચંદા! એ સમય જ એવો હતો…”
“તારે જે કહેવું હોય તે કહે, બા, પણ જ્યારે જ્યારે કાકા અને કાકી અમને મળે છે, અમારા ખૂબ લાડ લડાવતા હોય છે.”
“બાઈ રે બાઈ! હું શું લેવા કંઈ કહું? એક તરફ છોકરાંઓનાં લાડ લડાવવાનાં, પણ તેમની મા સાથે કશી લેવા દેવા ન હોય એવી રીતે વર્તવાનું! આ રીત છે તારાં કાકીની!”
“પણ તમે હવેલી છોડીને અહીં સારંગપુર આવ્યા જ શા માટે? બંગલો ઈંદોરમાં નહોતાં બંધાવી શકતા?”
“હશે! મરદ લોકોની વચ્ચે કંઈક થયું હશે. બૈરાંઓએ પુરુષોની લડાઈમાં પડવું ન જોઈએ.”
“તો પછી આપણે કેમ ઈંદોર નથી જતાં? ત્યાં કોઈના લગ્ન કે જનોઈ જેવો પ્રસંગ હોય તો જ આપણે ત્યાં જઈએ છીએ, અને પ્રસંગ પતે કે તરત બીજા દિવસે પાછા આવતાં રહીએ છીએ.”
“તમારા મોટાં કાકી આપણી સાથે સરખી રીતે વર્તે કે વાત કરે તો ને? પુરુષો ભલે આપસમાં એકબીજાનાં માથાં ભાંગે, પણ પરિવારને એકત્ર કરી રાખવાનું કામ તો સ્ત્રીઓએ જ કરવાનું હોય છે, તે આ ‘મોટી બા’ને ક્યાં સમજાય છે?”
“શાંતા ફોઈ કેટલું રોકાવાની છે?”
“કેમ પૂછે છે’લી?”
“અમસ્થું જ,”
“રહેશે ચારે’ક દિવસ. પહેલાં તો દર રાખી પૂર્ણિમાએ અહીં આવતાં. હવે સરખાઈ નહિ આવતી હોય. તેમનોે પણ પરિવાર વધતો જાય છે… જો, તેમને લેવા સ્ટેશન પર તારે જવાનું છે. બાલકદાસને કહે જે રામરતનને વરધી આપે. કહેજે, ઘોડાગાડી લઈને સ્ટેશન પર જવાનું છે.”
“મારે નથી જવું સ્ટેશન પર. શેખરને મોકલજે.”
“એ કેવી રીતે જાય? એને નિશાળ, હોમ વર્ક નથી?”
“એની નિશાળ અગિયાર વાગે શરુ થાય છે અને ટ્રેન સવારના નવ વાગે આવે છે.”
“તું સમજતી કેમ નથી? એને કેટલું બધું લેસન હોય છે?”
“સાતમા ધોરણમાં તે વળી કેટલું લેસન હોય છે તે જાણે અમે નથી જાણતા! કરો લાડ…બગાડો તેને..” ચંદ્રાવતી બબડતી તેના કમરામાં ગઈ. તેનું મન ફરી વિચારોના ચકડોળે ચઢ્યું.
‘તમારું મન ગમે એટલું વ્યાકુળ હોય, માનસિકરીતે તમે ભાંગી પડવાની અણી પર આવ્યા હો તો પણ રોજનાં નિતનેમ, વાર - તહેવાર, સમારંભ, મહેમાનગતિ - આ બધું સુસંગતરીતે પાર પડવું જ જોઈએ! આ ક્યાંનો ન્યાય છે? મનમાં વાવંટોળ ઊઠતા હોય, વિચારો ઉત્પાત મચાવતા હોય તો પણ ચહેરા પર ખોટા આનંદનો લેપ ચઢાવી, ખુશીનો ઢોંગ કરીને નાચવું જ પડે! હું કહું છું, બીજા કોઈને આ વાત ભલે ન સમજાય, પણ ખુદ પોતાની જન્મદાત્રી માએ દીકરીની અંતર્વેદના સમજવી જોઈએ કે નહિ? ‘છોકરીની જાત અને નકામી ચર્ચા ના જોઈએ’નો એકતારો વગાડીને અમારાં માતુશ્રી છૂટી પડતાં હોય છે…’
***
સવારની ચ્હા પીતાં પીતાં ડૉક્ટરસાહેબે પત્ની તરફ જોઈને કહ્યું, “શાંતા માટે ગામમાં જઈ સારી મજાની સાડી લઈ આવજો.”
“હવે સાડી - બાડીની શી જરુર છે?” શાંતા ફોઈ બોલ્યાં. “દર વર્ષે તું ભાઈબીજના પૈસા મોકલે છે એ કાંઈ ઓછું છે?”
“તમે પિયર આવ્યાં છો! સાડી નથી જોઈતી એવું ન કહેવાય!” જાનકીબાઈ નારાજીભર્યા સ્વરમાં બોલ્યાં.
“એકા’દ વરસ દિવાળીમાં ઈંદોર આવતાં શું થાય છે? એકની એક બહેન છું. ભાઈ નથી આવતો એનું અમને નહિ લાગી આવતું હોય?”
“તું જ કહે, શાંતા, દિવાળીમાં હું ઈંદોર કેવી રીતે આવી શકું? આ દિવસોમાં મહારાજસાહેબની સાથે આસપાસનાં રજવાડાંઓમાં જવું પડતું હોય છે. ઈંદોર આવવાનું થાય તો તને મળવા નથી આવતો કે?”
“હા, આવે તો છે, પણ મહારાજસાહેબની સાથે મોટ્ટી હૉટેલમાં ઉતરતો હોય છે! બસ, ઊભાં ઊભાં મોઢું બતાડવા હવેલીએ જાય છે અને પાંચે’ક મિનિટ માટે મારે ઘેર પણ આવતો હોય છે. બહુ થયો આ દેખાવ!”
“આવું તો ચાલ્યા જ કરે છે. રજવાડાની નોકરી એટલે આખી જિંદગીની તાબેદારી. તેમ છતાં ગમે તેમ કરીને, સમય કાઢીને તમારે ઘેર આવું છું તે તમે લોકો ભુલી જાવ છો,” કહી ડૉક્ટરસાહેબ ઊઠ્યા. હૅટ સ્ટૅન્ડ પર લટકાવેલી હૅટ અને ચાંદીની મૂઠની સીસમની લાકડી લઈ તેઓ ધીરી ચાલથી બહાર ફરવા નીકળ્યા. શેખર નિશાળે જવાની તૈયારી કરી રહ્યો હતો. જામુની - મિથ્લા દફતર લઈને બંગલાના પગથિયાં પાસે રાહ જોઈને બેઠાં હતાં.
“કહે છે, ‘તમે લોકો!’ જાણે અમે પારકા છીએ,” રકાબીમાં ચ્હા રેડતાં શાંતાફોઈ બોલ્યાં.
“આવડી અમથી વાતનું તમે શા માટે ખોટું લગાડી રહ્યા છો, નણંદજી? આજકાલ એમનો સ્વભાવ થોડો’ક ચીઢકણો થયો છે.”
“એનો સ્વભાવ પહેલેથી જ એવો છે. હવે તો એની તબિયત પણ બરાબર દેખાતી નથી. તેનું વર્તન પણ જરા અલિપ્ત થઈ ગયું છે.”
“કામના બોજાને કારણે આવું થયું લાગે છે. રાજપરિવારના અંગત ડૉક્ટર તરીકે નીમણૂંક થયા પછી તો હવે પૂછવા જેવું રહ્યું જ નથી. ત્યાં દૂર ઓરછા શહેરમાં કમલારાજેના દીકરાને છીંક આવે તો બોલાવો ડૉક્ટરસાહેબને!” સમજાવટના સૂરમાં જાનકીબાઈ બોલ્યાં.
“દોઢ વરસ પહેલાં મોટાભાઈની સુમીના લગ્નમાં તમે આવ્યા, અને મંગળફેરામાં ચોખાના ચાર દાણાં સુમીના માથા પર નાખીને જતા રહ્યા હતા. ભાઈ તો આશિર્વાદ આપવા પણ ના આવ્યો.”
“હું એ જ તો કહી રહી છું ને! એમની પાસે વખત ક્યાં છે? મારી વાત કરવાની થઈ તો હું સ્પષ્ટ કહીશ કે એમને એકલા મૂકીને હું ક્યાં’ય ન રહી શકું.”
“એટલે જ તો બધાં વાત કરે છે, ‘આ’ બંગલાવાળાંઓને જુની હવેલીમાં ક્યાંથી ચેન પડે? હેં? મારા કાન પર આ બધી વાતો આવે છે. નથી કહેવાતું કે નથી સહેવાતું. મને તો ચારે બાજુથી મોત આવે છે.”
“હેં ફોઈ, આટલી વાર મોત આવ્યા પછી આ તારો કેટલામો પુનર્જન્મ છે?” ચંદ્રાવતીએ હસીને ટાપસી પૂરી.
“ઈંદોર આવ એટલે તને બતાવીશ આ મારો કેટલામો પુનર્જન્મ છે!” ખુરશી પરથી ઊભાં થતાં ખોટો ગુસ્સો બતાવતાં શાંતાફોઈ બોલ્યાં. ત્યાર પછી જાનકીબાઈ તરફ વળીને કહ્યું, “ભાભી, ચંદાને ઈંદોર ક્યારે મોકલો છો? મોટાભાઈ અને મોટાં ભાભી તેને જોઈને ઘણાં રાજી થશે.”
“લઈ જાવ ને! તમે જાણો અને તમારી ભત્રીજી જાણે!”
“ભાભીએ તો રજા આપી. હવે ચાલ ચંદા, મારી સાથે ઈંદોર જવાની તૈયારી કર,” શાંતાફોઈએ ચંદાની પાછળ પાછળ તેની રુમમાં જતાં કહ્યું.
“હમણાં નહિ, ફોઈ. દિવાળીમાં આવીશ. સાચે જ!”
“મને ખબર હતી કે તું ના પાડવાની છો. એટલે તો લોકો કહે છે આ બંગલાવાળાઓને…”
“કહેવા દો, એમને. આવા લોકોની કોણ પરવા કરે?”
“શોભે છે ખરી મારા ભાઈની દીકરી!”
“કેવી રીતે?”
“કેવી રીતે એટલે એના જેવી તીખા મિજાજની.”
“બાબાએ વળી શું તીખાપણું બતાવ્યું?”
“કંઈ નહિ…”
“ફોઈ, મને નહિ કહે? આવું કેમ કરે છે?”
“મોટાભાઈ કંઈક બોલ્યા હશે કે તારી દાક્તરીના ભણતર પાછળ આટલો બધો ખર્ચ થયો છે તેથી તને પારિવારીક મિલ્કતમાંથી સોનું - ઘરેણું કે રોકડ નહિ મળે.”
“પછી?”
“પછી શું? એણે તો ટ્રંકમાંથી લગ્નમાં ભાભીને અપાયેલો ચંદ્રહાર, સોનાનાં કડાં - બધા ઘરેણાં કાઢી પૂજાઘરમાં કુલસ્વામિનીની સામે મૂક્યાં અને ઈંદોર છોડી દીધું - કાયમ માટે. તારો જનમ નહોતો થયો ત્યારની વાત છે. હોલકર મહારાજા તેને સારી નોકરી આપતા હતા, તે ન લીધી અને અહીં, આટલે દૂર નોકરી કરવા આવ્યો.”
“તો એમાં કોનું શું બગડ્યું?”
“શું બગડવાનું હતું? અહીં મોટો બંગલો બાંધ્યો, ભાભીને ગૌરીની જેમ ઘરેણાંથી સજાવી પણ પરિવાર સાથેનાં સંબંધ તોડ્યાં.”
“કોણ કહે છે સંબંધ તોડ્યાં?”
“અલી, તોડ્યા એટલે એની મેળે તૂટી ગયા. તમે ઈંદોર આવતા - જતા હો તો…”
“તો શું?”
“તો અત્યાર સુધીમાં તારાં પણ લગ્ન થઈ ગયા હોત. મોટા ભાઈની સુમીનાં થઈ ગયાં ને? સુમીથી તું ફક્ત બે મહિને નાની, પણ છો વધુ રૂપાળી!”
“અહીં કોને લગ્ન કરવા છે?”
“તો શું બેગમ થઈને રહેવાની છો કે શું?”
“શાંતા ફોઈ, બધાએ લગ્ન કરવા જોઈએ એવો કોઈ કાયદો છે?”
“અલી, ભાઈની તબિયતનો તો વિચાર કર! પહેલાં કેવો ગાજર જેવો લાલ-ચટક હતો…હવે તો સફેદ પૂણી જેવો થઈ ગયો છે.”
“હવે ઢળતી ઉમરમાં બાબા પહેલાં જેવા કેવી રીતે દેખાય?”
“કેમ ન દેખાય? ગયા વરસ કરતાં ઓણ તો એ ઘણો લેવાઈ ગયેલો દેખાય છે. કોણ જાણે તેના મનમાં શાની રટ લાગી છે! થાય છે, એને પૂછું, ભાઈલા, મને વાત તો કર! બોલ તારા મનમાં કોઈ વાતનું દુ:ખ છે? પણ એને કશું પૂછવાની મારી તો બાઈ, હિંમત નથી ચાલતી. ભાભીને પૂછ્યું તો તે પણ કોઈ વાતની ખબર પડવા દેતાં નથી. એટલી જાણ થઈ છે કે તારા લગનને લઈને જ એનો જીવ મુંઝાય છે.”
ચંદ્રાવતી ચિંતામાં પડી. તો શું શાંતા ફોઈના કાન સુધી પણ મારી વાત પહોંચી?
ચહેરા પર પરાણે શાંત ભાવ લાવીને તેણે કહ્યું, “ફોઈ, સાચે જ, લગ્ન કરવાની મને ઈચ્છા થતી નથી.”
“અભદ્ર, મૂઈ! તો રહે આખી જિંદગી બાવી થઈને. માડી રે! સારું થયું તે ચોખવટ કરી, નહિ તો તારાં લગ્નની વાતમાં અમે મધ્યસ્થ થયા હોત તો અમારી આબરુના કાંકરા જ થયા હોત ને!”
“એમ કેમ?”
“ઈંદોરના દીવાનસાહેબ તેમના દીકરા માટે ‘એમની’ પાસે તારા વિશે પૃચ્છા કરતા હતા. બી.એ. પાસ છે તેમનો દીકરો. તેમને તું બહુ ગમી ગઈ હતી,” શાંતાફોઈ ઉત્સાહમાં આવીને બોલ્યાં.
“કોણ, હું?”
“ના! હું ગમી ગઈ હતી, ચાંપલી ક્યાંની! પણ મેં ‘એમને’ કહી દીધું કે દીવાનસાહેબને કહો, તેઓ પોતે મોટા હોદ્દેદાર છે અને તમે લોકો છો મોટા બંગલાવાળા. બન્ને પક્ષ આપસમાં ફોડી લેશે. તમે વચ્ચે ના પડશો.”
“સારું કર્યું. ગમે તે હોય, આખરે મારી ફોઈ છે તો બુદ્ધિમાન!”
“ભગવાન આપે છે ચાર હાથે, પણ તે લેવામાં કરમ આડે આવે, એવી વાત થઈ. બીજું શું?”
“આ કહેવત મને બરાબર લાગુ પડી, હોં કે!” આંસુભરી આંખે ચંદ્રાવતી કૃત્રિમ હાસ્ય કરીને બોલી.
“તે આમ દાંત શા સારુ કાઢે છે?”
“મારી ફોઈ રિસાઈ ગઈ!”
“હું વળી રિસાનારી કોણ? તારા પર મારો એટલો જીવ છે શું કહું? એટલે જ તને કહું છું. અલી, રસ્તા પર ચાલનારા કોઈ પણ માણસ ઉપાડીને લઈ જાય એવું રુપ છે તારું. ઉપરથી બાપ પાસે આટલી ધન દોલત!”
“ખરી વાત છે, તારી. રસ્તા પરનો ‘માણસ’ ખરેખર મને ઉંચકીને ન લઈ ગયો…” કરુણ સ્મિત સાથે ચંદ્રાવતીએ કહ્યું.
“આ ખાદીની જાડી, ખરબચડી સાડી શું પહેરી રાખી છે, ને કેવા દેદાર કરી બેઠી છો! તારા મા બાપને તો આ બધું ચાલે. આમાં વચ્ચે બોલીને ચિબાવલા થનારા અમે વળી કોણ?” શાંતાફોઈની આંખો ભરાઈ આવી. ચંદ્રાવતી તેની ફોઈને વિંટળાઈ ગઈ. બન્ને યુવતીઓની આંખોમાંથી અશ્રુધારાઓ વહેવા લાગી.
થોડી વારે સ્વસ્થ થતાં ફોઈએ કહ્યું, “મને કહે જોઉં, આ સ્વદેશીનું પાગલપણ તારા મગજમાંથી ક્યારે નીકળવાનું છે? ઘરમાં આટલી મીઠાઈ અને પકવાન રંધાય છે પણ તેં પરદેશથી અાવે છે તેથી ખાંડ ખાવાનું બંધ કર્યું. શું તમારા ગાંધીબાબા એવું કહે છે કે તમે ખાદી પહેરો, ખાંડ છોડો અને જનમભર કુંવારા રહો?”
“ઊઠો હવે વહાલાં ફોઈ મા! નાહી ધોઈને તૈયાર થઈ જાવ. આપણે ગામમાં જવાનું છે. ચંદેરીવાળા પાસેથી તારા માટે જરી - બૂટાની સુંદર સાડી લઈશું. કોકમના રંગની સાડી તને ખૂબ શોભશે. તું આવવાની હતી તેથી તારા માટે મેં પહેલેથી આ સાડી જોઈ રાખી છે.”
“હોંશિયાર બાપની હોંશિયાર દીકરી! મુદ્દાની વાત કરતી નથી. સાડી પર વાત ટાળી નાખી!”
“ઊઠો હવે, મારી મા!”
***
No comments:
Post a Comment