Tuesday, April 21, 2009

૧૯૬૮: નવજીવન અને નવી સીમાઓ

ગઇ પોસ્ટમાં "દુકાન બંધ" કરવાનું પાટિયું મૂક્યું અને ઘણા મિત્રો નારાજ થયા. આપણાં ગામડાંઓમાં ચ્હાની રેંકડી હોય છે તેમ 'જીપ્સી'ની આ દુકાનમાં રોજ આવનાર પાંચ -દસ 'ઘરાકો' માટેનું આ મિલનસ્થાન હતું. તેમને નારાજ કરવાની શક્તિ ન હોવાથી "ભગતની ચા" જેવી આ દુકાન ચાલુ રાખવાનું નક્કી કર્યું છે.

જીવનના વ્યવહારમાં પણ નફો-નુકસાન તો થતા જ હોય છે. કોઇકને થતું નુકસાન બીજા માટે લાભકારક ઉદ્ભવી શકે છે.

૧૯૬૫ના યુદ્ધ સમયે જનરલ ચૌધરી ભારતીય સેનાના ચીફ અૉફ આર્મી સ્ટાફ હતા. લડાઇ બાદ તેઓ રીટાયર થયા અને તેમના સ્થાને જનરલ કુમારમંગલમ્ આવ્યા. તેમના મનમાં ખ્યાલ આવ્યો કે એમર્જન્સી કમીશન્ડ અૉફિસર્સને અપાયેલ ટ્રેનિંગ અપૂરતી હતી અને ભરતી માટેની લાયકાતમાં થોડી છૂટ આપવામાં આવી હોવાથી ઘણા ‘સબ-સ્ટાન્ડર્ડ’ ઉમેદવારોને કમીશન મળી ગયું હતું. અમુક અંશે તેમની માન્યતા સાચી હતી. તેમણે રાબેતા મુજબ એમર્જન્સી કમીશન્ડ અૉફીસર્સને કાયમી કમીશન આપવા માટે સર્વિસીઝ સીલેક્શન બોર્ડની રચના કરી. અન્ય વાતો ઉપરાંત સીલેક્શન માટે COના 'રેકમન્ડેશન' પર મોટો ભાર આપવામાં આવ્યો હતો. પરીણામે સી.ઓ.ના પ્રિય-પાત્ર એવા કેટલાક અફસરોને પર્મેનન્ટ રેગ્યુલર કમીશન મળી ગયું.

બીજી તરફ ૧૯૬૫ની લડાઇ બાદ ભારત-પાકિસ્તાન વચ્ચે જે સંધિ થઇ, તે અનુસાર આંતરરાષ્ટ્રીય સીમા પરથી બન્ને દેશોના સૈન્યો હઠાવી તેમની જગ્યાએ અર્ધલશ્કરી સશસ્ત્ર દળો મૂકવાનો કરાર થયો. આ માટે પાકિસ્તાન તરફથી ‘રેન્જર્સ’ અને ભારત સરકારના ગૃહખાતા હેઠળ બીએસએફ મૂકવાનું નક્કી થયું. આ પ્રમાણે ચીનની સરહદ પર ઇંડો-તિબેટન બૉર્ડર પોલિસ તથા અન્ય સ્થળોએ સીઆરપી માટે અફસરોની પૂર ઝડપે ભરતી થઇ રહી હતી. તેમના માટે સેનામાંથી ‘રીલીઝ’ થનારા એમર્જન્સી કમીશન્ડ અૉફિસર્સ જેવા યુદ્ધમાં પલોટાયેલા અને અનુભવી અફસરો મળવાના હતા. આવા અફસરોને તેમણે સેનામાં ગાળેલા વર્ષોની સિનિયોરીટી આપીને લેવાનું નક્કી કર્યું.

ભારત સરકારે બીએસએફના ડાયરેક્ટર જનરલ શ્રી.કે.એફ. રુસ્તમજી અને ગુજરાતના પોલિસ વડા રહી ચૂકેલા સીઆરપીના ડાયરેકટર જનરલ વી.જી. કાનેટકરની આગેવાની હેઠળ જૉઇન્ટ સિલેક્શન બોર્ડ સ્થાપ્યું. શ્રી.રૂસ્તમજી કાબેલ અને દીર્ઘદૃષ્ટિ ધરાવતા અફસર હતા. તેઓ જાણતા હતા કે લશ્કરી અફસરના કૌશલ્યની ખરી પરીક્ષા યુદ્ધ હોય છે. સીલેક્શનના વિધીમાં ભારતીય સેનાએ સારા અફસરો ગુમાવ્યા હતા તેમને બીએસએફ તથા સીઆરપીમાં સમાવી લેવાનું તેમણે અને શ્રી. કાનેટકરે નક્કી કર્યું. અફસરોની પસંદગી માટે તેમણે બે મુખ્ય વાતો પર ધ્યાન આપ્યું: અફસરોની યુદ્ધકાળની કામગિરી અને તે વર્ષનો તેમનો ખાનગી રિપોર્ટ - જેમાં તેમણે જોયું કે લડાઇના સંજોગોમાં આ અફસરોએ તેમના સૈનિકો તથા કમાંડરોનો પોતાની બહાદુરી તથા નેતૃત્વના જાતે દાખલો આપીને તેમનો વિશ્વાસ સંપાદન કર્યો હતો કે નહિ. બીજી વાત: બોર્ડના સામે થનારા ઇન્ટરવ્યૂમાં આ અફસર પોતાની પ્રતિભાની છાપ પાડી શકે છે કે નહિ.

શ્રી. રુસ્તમજીએ મારો રેકૉર્ડ જોઇ લડાઇ વિષયક ઘણી વાતો પૂછી. કયા ફોર્સમાં જવા ઇચ્છું છું એવું પૂછવામાં આવતાં મેં બીએસએફની પસંદગી દર્શાવી. શ્રી. રૂસ્તમજીએ મને તે જ ઘડીએ હું સીલેક્ટ થયો છું કહી અભિનંદન આપ્યા. થોડા દિવસ બાદ મને બનાસકાંઠાના દાંતિવાડા ડૅમ પાસેના કૅમ્પમાં આવેલી સેકન્ડ બીએસએફ બટાલિયનમાં હાજર થવાનો હુકમ મળ્યો.

જીવનમાં એક નવો અધ્યાય શરૂ થયો. અનુરાધા, અમારી નવજાત પુત્રી કાશ્મિરા અને હું દાંતિવાડા પહોંચ્યા.

ગુજરાતની માટીમાં એવો તે શો જાદુ છે, બીજા પ્રાંતમાંથી આવતા લોકો ગુજરાતની ધરતી અને ગુજરાતની પ્રજાના પ્રેમમાં રંગાઇ જાય છે. મારી દાંતિવાડા/સુઇગામમાં સેકન્ડ બીએસએફ બટાલિયનમાં નીમણૂંક થઇ તે સમયે ગુજરાતમાં બીએસએફની બે બટાલિયનો હતી. ફર્સટ્ બટાલિયન કચ્છ-ભુજમાં હતી. બન્ને બટાલિયનના અફસરો પોતાને “ગુજરાત અૉફિસર્સ” કહેવડાવવામાં ગૌરવ અનુભવતા હતા. સેના છોડ્યા બાદ ‘બ્રધર અૉફિસર’ની ભાવના મને અહીં તેના સુંદર અને ઘનીષ્ટ રૂપમાં જોવા મળી. અનુરાધા તથા કાશ્મિરાને લઇ હું દાંતિવાડા પહોંચ્યો ત્યારથી એક અઠવાડિયું અમને રસોઇ કરવી પડી નહોતી. બન્ને વખતના ભોજન માટે કોઇ ને કોઇ અફસર પરિવાર તરફથી અમને નિમંત્રણ મળતું. આ અહીંનો શિરસ્તો હતો. નવા આવેલા અફસરોને સ્થિર થવામાં ચાર-પાંચ દિવસ તો લાગી જતા હોય છે, તેનો બધાને અનુભવ હતો, તેથી અમારે ત્યાં આ પ્રથા શરૂ થઇ હતી. ગુજરાતની બટાલઇયનોની જવાબદારીનો વિસ્તાર હતો - કચ્છનું મોટું રણ.

કચ્છના રણ તરીકે ઓળખાતી ધરાનો વિસ્તાર વિશાળ છે. અહિંયા તમને મળશે ખારો પાટ - એટલે જમીન પર પંદરથી વીસ સેન્ટીમીટર જાડો અને સેંકડો ચોરસ કિલોમીટરમાં ફેલાયેલો મીઠાનો થર. હજારો વર્ષ પહેલાં અહીં સમુદ્ર હતો. દરિયો ખસતો ગયો અને તેના તળીયાની છિદ્રાળુ અને ભેજ-સભર જમીનમાં તેના ક્ષારના ભંડાર રહી ગયા. અતિ ઉષ્ણતાને કારણે પાણીની બાષ્પ થઇ અને પાણીમાં ઓગળેલા ક્ષારના થર થઇ ગયા.

કચ્છનું રણમાં વરસાદ નહિવત પડે છે. પાણીની સદા અછત. સૈનિકો માટે પચાસ-સાઠ કિલોમીટર દૂરથી આવતું પીવાનું પાણી પણ ખારું. આ ઉપરાંત રણમાં અનેક વિવિધતાઓ જોવા મળે. જંગલી ગધેડા - જે કલાકના ૪૦ કિલોમીટરની ગતિએ દોડી શકે છે, અને તેમને પાળવાના બધા પ્રયત્ન નિષ્ફળ ગયા છે, તે અહીં જોવા મળશે. નાનપણમાં આપણે જોડકણા સાંભળતા, તેમાં “રાતા બગલા રણે ચડ્યા, પાણી દેખી પાછા ફર્યા” સાંભળી નવાઇ લાગતી. બગલા રાતા હોતા હશે? પણ આ રાતા બગલા - ફ્લેમિંગો અમને કચ્છના રણમાં જ જોવા મળ્યા! આ પરદેશી મહેમાનો રણમાં છીછરા પાણી હોય ત્યાં શિયાળામાં ચાતુર્માસ માટે આવતા હોય છે! ત્યાં લાખોની સંખ્યામાં ઉપજતા નાનકડા જીંગા જેવા જીવડાંનો આહાર કરી, ઇંડાં મૂકી, પાછા ફરતી વખતે બચ્ચાંઓને લઇ પોતાના મલકમાં પાછા જતા હોય છે. ભુજના વિખ્યાર છબીકાર શ્રી. પોમલના Flamingo Cityનાં ચિત્રો જોયાં હશે. અહીં ક્લીક કરવાથી તમને આપણા રણપ્રદેશનો આછો ખ્યાલ આવશે.

રણમાં જ્યાં ખારો પાટ ન હોય ત્યાં જમીન સખત, લીસી અને ટેનિસ કોર્ટ, ક્રિકેટ કે હૉકીના મેદાન જેવી સમતળ હોય છે. પણ ખારો પાટ એટલે ખતરાનો પાટલો! ઉપરથી સખત લાગતા દૂધ જેવા સફેદ મીઠાના થરની નીચે કાળો કાદવ, અને ક્યાંક ક્યાંક કળણ - quicksand - જેનાં ઉંડાણ માપવા મુશ્કેલ છે. ઉપરથી સખત લાગતી જગ્યાઓ એવી ખતરનાક હોય છે કે તેમાં ભુલેચૂકે પ્રવેશ કરનાર માણસ તેમાં ગરક થઇ જાય તો તેમની કોઇ નિશાની જોવા ન મળે. રણના રેતીલા ભાગમાં આકડાના તથા કેરડાના બેસુમાર વૃક્ષો, અને હરણાંઓના ઝુંડ મળી આવે. આવી જમીનમાં રૂંછાદાર પૂંછડી વાળા ઉંદર, અને તેમનો આહાર કરી જીવતા અતિ વિષૈલ નાગ તથા ‘બાંડી’ નામથી ઓળખાતા અઢી-ત્રણ ફૂટ લાંબા sidewinder સાપ. નાગની જેમ ‘બાંડી’ ડંખ મારે અને તાત્કાલિક સારવાર ન મળે તો મૃત્યુ અટળ સમજવું! દરરોજ સવારે અને સાંજે કરવી પડતી કવાયતમાં અમારે જમીનમાં ખોદેલા મોરચા (trench)માં ઉતરતાં પહેલાં બૅટરીના પ્રકાશમાં જોવું પડતું કે તેમાં બાંડી તો પડી નથીને! દર ત્રીજે ચોથે દિવસે દરેક ચોકીની એકાદ ટ્રેન્ચમાં તો આ સર્પ દેવતા અચૂક પડેલા હોય.

સુઇગામ સેક્ટરમાં આવેલ એક ચોકી નાડાબેટમાં માતાજીનું સ્થાનક છે. હાજરાહજુર ગણાતા માતાજીએ સૈનિકો તથા ત્યાંના વતનીઓની રક્ષા કરી તેમણે પરમ માતૃત્વ શક્તિના અનેક પરચા આપ્યાની અનેક દંતકથાઓ ત્યાં પ્રવર્તે છે. રણમાં રાતે તરલ હોકાયંત્ર (liquid prismatic compass) સાથે નીકળીએ તો પણ ચોકીમાં પાછા પહોંચવાની આશા ન રખાય. હોકાયંત્ર જે અંશ બતાવે તેની સીધી લીટીમાં પણ ન જવાય. કઇ જગ્યાએ કળણ (quicksand) છે તે નકશા દેખાડતા નથી. કળણમાં ફસાયેલ માણસ તો ઠીક, ઊંટ પણ આખે આખો ગરક થઇ જાય તો પણ તેનું ચિહ્ન દેખાય નહિ.

રણની આખ્યાયિકાઓ જેટલી બેસુમાર છે, તે પ્રમાણે માતાજીએ સૈનિકોને બચાવ્યાના દૃષ્ટાંત પણ એટલા જ વિવિધ. વર્ષો પહેલાં રાત્રીના સમયે રણમાં ભુલી પડેલી સીઆરપીની ટુકડી અથડાતી, કૂટાતી ભટકી રહી હતી. એક તરફ ઘનઘોર અંધારું અને તેમની વૉટર બૉટલમાં પાણીનું ટીપું પણ બચ્યું નહોતું. થાકીને તેઓ બેસી ગયા. અચાનક તેમના સેક્શન કમાંડરને કોઇએ નાડાબેટનાં માતાજી વિશે વાત કરી હતી તે યાદ આવી. તેણે જવાનોને આની વાત કરીને સામુહિક પ્રાર્થના કરી. થોડી વારે તેમને નજીકથી ચાલી રહેલી લોબડી પરિધાન કરેલી વૃદ્ધા જોવામાં આવી. માજી તેમની પાસે રોકાયાં અને અર્ધી ગુજરાતી, અર્ધી હિંદીમાં તેમણે જવાનોને પુછયું, “બેટા, અટાણે ક્યાં જવા નીકળ્યા છો?”
“માઇ, હમે નાડા બેટ જાના હૈ, મગર રાહસે ભટક ગયે હૈં.”
“મારી ભેગા ચાલો. હું ત્યાંજ જાઉં છું,” કહી ડોશીમા તેમને માતાની દેરી સુધી લઇ ગયા. સીઆરપીનો નાયક તેમનો આભાર માને તે પહેલાં ડોશીમા અંતર્ધ્યાન! સીઆરપીની ટુકડીના આ હેડકૉન્સ્ટેબલ પાસેથી તેની ચોકીનો ચાર્જ લેનાર ગુજરાત એસઆરપીના અફસર શ્રી. રેડકરે આ વાત મને કહી હતી.

બુદ્ધીવાદીઓ આ વાત સાંભળીને જવાનોને અંધશ્રદ્ધામાં માનનાર વ્યક્તિ કહેશે. તેમને એક જ વિનંતી: રણમાં ફક્ત એક અઠવાડીયું રહી આવજો. રાતના સમયે જે જોવા મળશે, સાંભળવા મળશે તેનો અનુભવ લીધા પછી શું માનવું, શું ન માનવું તે નક્કી કરજો!

રણની આખ્યાયિકાઓની વધુ વાત હવે પછી કહીશ.

tatto media
tatto media

5 comments:

  1. કેપ્ટન સાહેબ -કચ્છની વાતો ગમી-વધુ આવવા દો-તમે કચ્છમાં હતા કે બનાસ કાંઠા? બે એક જ? થોડી થોડી ભૂગોળ સમજાવો તો સારું-
    બી એસ એફ અને સી આર પી વિષે વધુ વિગત આપી શકશો? એનો અર્થ શો? ક્યાં ક્યાં મુકવામાં આવ્યા હતા? વિ. લખવાનું ચાલુ કર્યું તે આનંદની વાત છે. "બે જણ પણ જો દિલથી મળે એને મહેફિલ કહેવાય."

    ReplyDelete
  2. તેમ 'જીપ્સી'ની આ દુકાનમાં રોજ આવનાર પાંચ -દસ 'ઘરાકો' માટેનું આ મિલનસ્થાન હતું. તેમને નારાજ કરવાની શક્તિ ન હોવાથી "ભગતની ચા" જેવી આ દુકાન ચાલુ રાખવાનું નક્કી કર્યું છે........
    Thatis nice.....Keep the Blog alive & nice to know about "Kachchha" in this Post.
    Chandrapukar ( Chandravadan! )

    ReplyDelete
  3. મજા આવી ગઈ બાપુ. યુધ્ધની વાતો ફર્સ્ટ ક્લાસ , તો આ ય સેકન્ડ ક્લાસ ની મજા માણી.
    મારા વીએવીજ ચોરી પકડવાના કામમાં લશકરના એક યુનીતની અમે સહાય લીધી હતી. એ ડીવીઝનનું નામ ભુલી ગયો છું . પણ લશ્કરી દીમાગના એના વડા સાથે ચારેક મીટીંગ થઈ હતી, તે યાદ આવી ગયું.

    ReplyDelete
  4. સોરી આ વીજ ચોરીની વાત પરથી ઓળખ્યો ને?
    - સુરેશ જાની

    ReplyDelete
  5. @ હા બાપુ, ઓળખી ગ્યો! તે 11 Infantry Division હતી અને'ગોલ્ડન કટાર ડિવીઝન'ના નામથી ઓળખાય છે. બનતા સુધી તમારા વખતે તેના જનરલ અૉફિસર કમાન્ડીંગ મેજર જનરલ સુંદરજી હતા. તેમના મુખ્ય સ્ટાફ અફસરો ગુજરાતના વતની - કર્નલ ચંદ્રસિંહજી (આગળ જતાં મેજર જનરલ ચંદ્રસિંહજી) અને કર્નલ શશિકાન્ત નાણાવટી હતા એવો ખ્યાલ છે.

    હરનીશભાઇ: કચ્છનું મોટું રણ પશ્ચિમમાં અરબી સમુદ્રના કિનારાથી શરૂ થઇ ઠેઠ રાજસ્થાન સુધી વિસ્તરેલું છે. રણના બે ભાગ છે: નાનું રણ અને મોટું રણ. નાનું રણ સૌરાષ્ટ્રની ઉત્તર દિશામાં દસાડા - ટિકર અને સુરજબારી પૂલ (અને કચ્છની દક્ષીણ)ના વિસ્તારમાં આવ્યું છે. આવતા અંકમાં તેનો નકશો આપીશ. જીપ્સી બનાસકાંઠામાં સુઇગામ, નાડાબેટ, રાઘાજીના નેસડા વિ. જગ્યાએ તેમજ કચ્છમાં નારાયણ સરોવર, લખપત, વિગોકોટ વિગેરે સ્થળોએ સેવા બજાવી આવ્યો છે. અહીં તેનું પાત્ર ગૌણ છે, અને સ્થળ તથા સ્થળની રક્ષા કરનાર જવાન મહત્વના છે, જે આવતા અંકોમાં જણાઇ આવશે.

    BSF તથા CRPની વિગતો આવતા અંકોમાં...

    ReplyDelete