Follow by Email

Saturday, April 4, 2009

ચવીંડા પહેલાંનું કાશ્મીરનું પહેલું યુદ્ધ!

પશ્ચાદભૂ: ૨૨મી અૉક્ટોબર ૧૯૪૭ના ગોઝારા દિવસે પાકિસ્તાને કાશ્મીર પર હુમલો કર્યો. સશસ્ત્ર કબાઇલીઓએ કાશ્મીરની ખીણમાં ઘુસી કત્લેઆમ શરૂ કર્યો.

ફીલ્ડ માર્શલ માણેકશૉ કહે છે:
“બપોરના લગભગ અઢી વાગે જનરલ સર રૉય બુચર મારી અૉફિસ રૂમમાં આવ્યા અને કહ્યું, ‘તારે વી.પી. મેનન સાથે શ્રીનગર જવાનું છે. વિમાન ચાર વાગે ટેક-અૉફ કરશે.’
“મેં પુછ્યું, “મારૂં ત્યાં શું કામ છે?
“સર રૉયે કહ્યું, ‘ત્યાં મિલીટરી વિષયક પરિસ્થિતિ ચિંતાજનક થઇ છે. વી.પી. મેનન મહારાજા અને મહાજન (કાશ્મીરના મુખ્ય પ્રધાન) પાસેથી વિલીનીકરણને દસ્તાવેજ લેવા જઇ રહ્યા છે.’
“હું તે વખતે ડાયરેક્ટોરેટ અૉફ મિલીટરી અૉપરેશન્સમાં કર્નલના પદ પર હતો અને સમગ્ર ભારત, વેસ્ટર્ન ફ્રન્ટિયર, પંજાબ અને અન્ય સ્થળોમાં ચાલનારા અભિયાનોની જવાબદારી મારી પાસે હતી. કાશ્મીરમાં જે પરિસ્થિતિ હતી તેનાથી હું વાકેફ હતો. હું જાણતો હતો કે શરૂઆતમાં પાકિસ્તાનીઓનો આધાર લઇને કબાઇલીઓ કાશ્મીરમાં ઘુસી આવ્યા હતા. આપણા અને કાશ્મીરના સદ્ભાગ્યે આ કબાઇલીઓનાં આ ટોળાં લશ્કરી કારવાઇ કરવાને બદલે રસ્તામાં પડતા ગામોમાં લૂંટફાટ, સ્ત્રીઓ પર બળાત્કાર કરવામાં મશગુલ હતા. બારામુલ્લા પહોંચીને તેમણે કર્નલ ટૉમ ડાઇક્સને મારી નાખ્યા. ટૉમ અને હું સરખી સિનિયોરીટીના હતા અને અમારા પહેલા વર્ષનું અૅટેચમેન્ટ લાહોરમાં રૉયલ સ્કૉટ્સ રેજીમેન્ટ અમે સાથે કર્યું હતું. ટૉમ અને તેનાં પત્ની બારામુલ્લામાં રજા ગાળી રહ્યા હતા ત્યાં આ ઝનુની ટોળાંએ તેમની બન્નેની હત્યા કરી.
“મહારાજાની સેનામાં તે સમયે ૫૦ ટકા મુસ્લીમ અને ૫૦ ટકા હિંદુ ડોગરા રાજપુત સૈનિકો હતા. આમાંના મુસ્લીમ સૈનિકોએ દેશદ્રોહ કર્યો અને પાકિસ્તાનીઓને જઇ મળ્યા. આ હતી તે સમયની સામરીક પરિસ્થિતિ. અમને મળેલી માહિતી મુજબ પાકિસ્તાનીઓ શ્રીનગરથી ૭ થી ૯ કિલોમીટર દૂર હતા. શ્રીનગર જઇ યુદ્ધની દૃષ્ટીએ સમગ્ર પરિસ્થિતિનું વાસ્તવિક અવલોકન કરી કમાન્ડર ઇન ચીફને તેનો અહેવાલ આપવાની કામગિરી મને સોંપવામાં આવી હતી. આમ તો અમને પહેલેથી જ ખ્યાલ આવી ગયો હતો કે કાશ્મીરમાં અમારે સૈન્ય મોકલવાની જરૂર પડે તો વિમાન માર્ગે જ મોકલવું પડશે. તેથી આની પૂર્વ તૈયારીમાં અમે થોડા દિવસ પહેલાં જ વિમાનો તથા સૈનિકોને તૈયાર કરી રાખ્યા હતા.
“પરંતુ જ્યાં સુધી કાશ્મીર રાજ્યનું ભારતમાં વિલીનીકરણ ન થાય ત્યાં સુધી આપણી સેનાને કાશ્મીર મોકલી શકાય તેવું નહોતું, તેથી રાજકીય કક્ષા પર સરદાર પટેલ અને વી.પી. મેનન મહાજન તથા મહારાજા સાથે વાતચીત કરી રહ્યા હતા. વી,પી. મેનનને તથા મને શ્રીનગર મોકલવા પાછળ સરદારનો ઉદ્દેશ સાફ હતો. મેનન મહારાજા પાસેથી વિલીનીકરણના દસ્તાવેજ (Instrument of Accession) મેળવે, જ્યારે મારૂં કામ હતું કાશ્મીરમાં પ્રવર્તતી યુદ્ધની હાલતનું સામરીક દૃષ્ટીએ નિરીક્ષણ કરી રણનીતિ તૈયાર કરવાનું. યુદ્ધની સ્થિતીને લગતો અહેવાલ મારે સરકાર પાસે રજુ કરવાનો હતો. બીજી તરફ આપણા સૈનિકો કાશ્મીર જવા દિલ્લીના અૅરપોર્ટ પર તૈયાર હાલતમાં ખડા પગે હતા. અૅર ચીફ માર્શલ એમહર્સ્ટ તે સમયે વાયુસેનાના વડા હતા. તેમણે અૅરફોર્સ તથા ખાનગી કંપનીઓના હવાઇ જહાજ તૈયાર કરી રાખ્યા હતા.
“અંતે વી.પી. મેનન અને હું વિમાનમાર્ગે શ્રીનગર પહોંચ્યા. રાજમહેલમાં પહોંચીને ત્યાં જોયું કે અહીંં જેટલી અવ્યવસ્થતા અને દોડભાગ ફેલાઇ હતી એટલી મેં આ પહેલાં ક્યાંય જોઇ નહોતી! મહારાજા મહેલના એક કક્ષમાંથી બીજા કક્ષમાં દોડી રહ્યા હતા. આ ઓરડાઓમાં જેટલા અલંકારો - મોતીના કંઠા, લાલ રત્ન - મહેલમાં ઠેર ઠેર વેરાયેલા પડ્યા હતા. મારા સમગ્ર જીવનમાં મેં કદી આટલું જરજવાહર જોયું નહોતુ! મહેલના કમ્પાઉન્ડમાં વાહનોનો મોટો કાફલો તૈયાર ઉભો હતો.
“મહારાજા એક રૂમમાંથી નીકળી બીજી રૂમમાં જઇ રહ્યા હતા અને બબડતા હતા, ‘ભલે ત્યારે. જો હિંદુસ્તાન મને મદદ કરવા તૈયાર ન હોય તો હું જાતે જઇને મારા સૈનિકોની સાથે રહી દુશ્મન સાથે લડી લઇશ.’
“મારાથી રહેવાયું નહિ. મેં મહારાજાને કહ્યું, ‘સર, આપની વાત સાચી છે. આપના સૈનિકોના આગેવાન થઇ આપ પોતે લડવા જશો તો આપના સૈનિકોનું મનોબળ જરૂર વધી જશે!’
“અંતે મને સોંપાયેલી કામગિરી મેં પૂરી કરી. મને જણાઇ આવ્યું કે પાકિસ્તાની ટ્રાઇબલ્સ શ્રીનગરના એરોડ્રોમથી કેવળ ૭ થી ૯ કિલોમીટર જ દૂર હતા. અહીં મારી રણસંગ્રામ અંગેની તપાસ ચાલી રહી હતી, તો મહેલમાં મહારાજા અને તેમના પ્રધાન મહાજન વી.પી. મેનન સાથે ચર્ચા કરી રહ્યા હતા. અંતે મહારાજાએ વિલીનીકરણના દસ્તાવેજ પર સહિ કરી અને મોડી રાતે અમે દિલ્લી જવા એરોડ્રોમ પર ગયા. તે જમાનામાં શ્રીનગરના હવાઇઅડ્ડામાં રાતે વિમાનના ઊડ્ડયન કે ઉતરવાની સુવિધા નહોતી. રાતે અમારૂં વિમાન ઊડ્ડયન કરી શકે તે માટે હવાઇ પટ્ટીને પ્રકાશીત કરવા શેખ અબ્દુલ્લા, કાસીમ સાહેબ, સાદીક સાહેબ, બક્ષી ગુલામ મોહમ્મદ (આ બધા આગળ જતાં કાશ્મીરના મુખ્ય મંત્રી થયા હતા), ડી.પી. ધર - બધા હાથમાં જલતી મશાલ લઇને ઉભા રહ્યા. તે સમયે રાતના ૩ કે પરોઢના ૪ વાગ્યા હતા.
“દિલ્લી પહોંચતાં વેંત મેં સર રૉય બુચરને કાશ્મીરની પરિસ્થિતિનો અહેવાલ આપ્યો. તેમણે મને કહ્યું, ‘અલ્યા, સાંભળ! ઘેર જઇ દાઢી-બ્રશ કરી તૈયાર થા. નવ વાગે કૅબીનેટની મીટીંગ છે. હું તને લેવા આવીશ.’
“કૅબીનેટ મીટીંગના અધ્યક્ષ પદે લૉર્ડ માઉન્ટબૅટન હતા. મીટીગમાં જવાહરલા નહેરૂ, સરદાર પટેલ, સરદાર બલદેવસિંહ તથા અન્ય મંત્રીઓ હાજર હતા.
“હું સરદાર બલદેવસિંહને ઓળખતો હતો - તેઓ અમારા રક્ષા મંત્રી હતા. સરદાર પટેલને પણ હું સારી રીતે ઓળખવા લાગ્યો હતો કારણ કે તેમણે હંમેશા આગ્રહ રાખ્યો હતો કે જ્યાં જ્યાં વી.પી. મેનન જાય, મારે તેમની સાથે જવું. એટલું જ નહિ, રોજ સવારે સરદાર પટેલ પોતાના બંગલામાં વી.પી., એચ. એમ. પટેલ તથા મને બોલાવતા. સરદારનાં પુત્રી મણીબેન - જેઓ તેમના સેક્રેટરીનું કામ કરતા - જમીન પર પલાંઠી વાળીને બેસી અમારી ચર્ચાની નોંધ કરતાં!
“કેબીનેટ મીટીંગમાં વી.પી. મેનને વિલીનીકરણનો દસ્તાવેજ રજુ કર્યો. લૉર્ડ માઉન્ટબૅટને પાછા વળીને મને પુછ્યું, ‘બોલ માણેકજી (તેઓ મને માણેકશૉને બદલે માણેકજી કહીને બોલાવતા!), યુદ્ધની દૃષ્ટીએ કાશ્મીરની હાલત કેવી છે?’
“મેં તેમને સમગ્ર હાલતનો ખુલાસો કર્યો અને કહ્યું કે જો આપણે તાત્કાલીક આપણી સેનાને વિમાનમાર્ગે નહિ મોકલીએ તો શ્રીનગર હાથથી ગયું સમજી લેવું. સડકમાર્ગે સેનાને મોકલવામાં એટલો સમય લાગશે કે ત્યાં સુધીમાં કબાઇલીઓ શ્રીનગરના હવાઇ અડ્ડા પર કબજો કરી લેશે. ત્યાર પછી આપણે શ્રીનગરમાં સેનાને ઉતારી નહિ શકીએ.
“આ વાત થતી હતી ત્યાં નહેરૂ યુનાઇટેડ નેશન્સ, રશિયા, આફ્રીકા અને બાપરે બાપ, આખી દુનિયાની વાત કરવા લાગી ગયા. નહેરૂનો બકવાદ સાંભળી સરદાર પટેલ ગુસ્સે થઇ ગયા. તેમણે કહ્યું, ‘જવાહરલાલ, તમને કાશ્મીર જોઇએ છે કે નહિ? કે પછી પાકીસ્તાનને આપી દેવું છે?’
“આ સાંભળી નહેરુ બોલી પડ્યા, ‘અલબત્, મને કાશ્મીર જોઇએ છે.’
“આ સાંભળી સરદારે કહ્યું, ‘તો પછી તે પ્રમાણે હુકમ આપો,’ અને નહેરૂ કંઇ પણ કહે તે પહેલાં સરદારે મને કહ્યું, ‘તમને હુકમ મળી ગયો છે. કારવાઇ શરૂ કરો.’
“હું તરત મીટીંગમાંથી બહાર નીકળી ગયો અને ૧૧ કે ૧૨ વાગે વાગે આપણી સેનાને હવાઇમાર્ગે શ્રીનગર મોકલવાનું શરૂ કર્યું. હું ધારૂં છું કે કર્નલ રણજીત રાયની આગેવાની નીચે તેમની સિખ રેજીમેન્ટને અમે પહેલાં મોકલી.....”
(ઉપર દર્શાવેલ વાતચીત 'રેડીફ'ના સૌજન્યથી આપવામાં આવેલ છે. મૂળ લેખો જોવા માટે પ્રથમ અહીં ક્લીક કરશો અને ત્યાર બાદ ભારત રક્ષકની વેબસાઇટ પર ક્લીક કરશો.)

આમ શરૂ થયું કાશ્મીરનું પહેલું યુદ્ધ! અને કાશ્મીરને ભારતનો હિસ્સો બનાવનાર કોણ હતું તે આપ જ નક્કી કરશો!

tatto media
tatto media