Friday, April 10, 2009

યુદ્ધવિરામ!

ચવીંડા એવું મહત્વનું સ્થાન હતું જ્યાંથી સિયાલકોટની ધોરી સડક પર કબજો કરી પાકિસ્તાનના પંજાબ પ્રાંતના બે કકડા કરી શકાય. ૧૭-૧૮ સપ્ટેમ્બર ૧૯૬૫ની રાતે આપણી લૉરીડ બ્રિગેડ તથા ૬ઠી માઉન્ટન ડિવીઝનની ૯૯મી બ્રિગેડે ચવીંડા પર જબરો હુમલો કર્યો. જીવ સટોસટની અને હાથોહાથની લડાઇ થઇ. દુશ્મને આપણી સેનાને રોકવાનો મરણીયો પ્રયત્ન કર્યો. દુશ્મનની ખાઇઓમાંથી મશિનગનની ધણધણાટી ચાલી રહી હતી. રાઇફલ પર બૅયોનેટ ચડાવી આપણા જવાનો દુશ્મન પર તુટી પડ્યા. હાથોહાથની લડાઇ એટલે દુશ્મનનાહાથમાં તેમનું હથિયાર અને તેના ગોળીબારની પરવા કર્યા વગર રાજપુતાના રાઇફલ્સના સૈનિકો તેમની રાઇફલ પર'ફિક્સ' કરેલા લાંબા છરા જેવા બૅયોનેટતો વાર કરવા દોડીને યુદ્ધ-નિનાદ કરી રહ્યા હતા "રાજા રામચન્દ્રકી જય", ગોરખાઓ "આયો ગોરખાલી"...

હારેલો પ્રદેશ પાછો મેળવવા પાકિસ્તાની સેનાએ ‘કાઉન્ટર અૅટેક’ કર્યો, પણ પાછા હઠે તે ભારતના સૈનિકો નહિ.

૨૨મી સપ્ટેમ્બર ૧૯૬૫ના દિવસે યુદ્ધવિરામ જાહેર થયો ત્યારે અમે - આપણી ફર્સ્ટ આર્મર્ડ ડિવીઝન, છઠી માઉન્ટન ડિવિઝન તથા ૧૪મી ઇન્ફન્ટ્રી ડિવીઝનના સૈનિકો દુશ્મનની ભુમિ પર ખડા હતા. ફિલ્લોરા, મહારાજકે અને અલ્હર રેલ્વે સ્ટેશન પર હજી ભારતનો તીરંગો લહેરાતો હતો. અહીંથી સિયાલકોટનું સ્ટેશન કેવળ દસ કિલોમીટર દૂર હતું.

પાકિસ્તાનના સરમુખત્યાર ફીલ્ડ માર્શલ અયુબ ખાને એવો પ્રચાર કર્યો હતો કે એક પાકિસ્તાની સૈનિક ભારતના દસ સૈનિક બરાબર છે. અાપણી સેનાને તેઓ ‘હિંદુઓંકી ફોજ’, “લાલોંકી ફોજ” (દુકાનદારોની ફોજ) તથા આપણા સૈનિકોને “ધોતી વાલે” અને “બોદી વાલે” - ધોતી અને ચોટલી વાળાઓની ફોજ કહી ઉપહાસ કરતા હતા! પાકિસ્તાનની “લડાયક” પ્રજા 'લાલા' કે ‘ચોટલીવાળા’થી કદી હારી જ ન શકે એવો mass hysteria ઉભો કર્યા બાદ અયુબખાન પોતાની પ્રજાને સત્ય કહી શકવાની સ્થિતિમાં નહોતા. આજે પણ તમે પાકિસ્તાનના કોઇ પણ વતનીને પૂછશો તો તે હજી કહેશે કે ૧૯૬૫ની લડાઇ તેમણે જીતી હતી.

આ વિશે આપણે પશ્ચિમના સ્વતંત્ર વિષ્લેષણકારોનો અભિપ્રાય લઇએ:

US Library of Congress Country Studies- Pakistan (આ પુસ્તક અમેરીકાના દરેક પુસ્તકાલયમાં મળી શકે છે. Country Studyમાં પાકિસ્તાન અને ભારત વિષેનાં પુસ્તકો લાઇબ્રેરીયન પાસે માગવાથી મળી જશે.) આ પુસ્તકમાં લખાયું છે કે:
"The (1965) war was militarily inconclusive; each side held prisoners and some territory belonging to the other. Losses were relatively heavy--on the Pakistani side, twenty aircraft, 200 tanks, and 3,800 troops. Pakistan's army had been able to withstand Indian pressure, but a continuation of the fighting would only have led to further losses and ultimate defeat for Pakistan. Most Pakistanis, schooled in the belief of their own martial prowess, refused to accept the possibility of their country's military defeat by "Hindu India" and were, instead, quick to blame their failure to attain their military aims on what they considered to be the ineptitude of Ayub Khan and his government."

અમેરીકાના TIME મૅગેઝિને લખ્યું, “ India held 690 square miles of Pakistan territory while Pakistan held 250 square miles of Indian territory in Kashmir and Rajasthan (અામાંનો મોટા ભાગનો- ૨૦૦ ચોરસ માઇલનો વિસ્તાર રાજસ્થાનના રણ અને ઢુવાઓનો હતો) , but had lost half its armour. ..... Cut off from U.S. and British arms supplies, denied Russian aid, and severely mauled by the larger Indian armed forces, Pakistan could continue the fight only by teaming up with Red China and turning its back on the U.N. ... India, by contrast, is still the big gainer in the war. Shastri had united the nation as never before....”

દુ:ખની વાત એ છે કે અમેરીકાના દબાણ હેઠળ યુદ્ધવિરામ કરવો પડ્યો. શાસ્ત્રીજી તાશ્કંદ ગયા અને ત્યાં જ તેમનું અવસાન થયું.
આપણા બે બાહોશ કમાંડીંગ અફસર - અદી તારાપોર તથા ૮મી ગઢવાલ રાઇફલ્સના કર્નલ જેરાથ શહીદ થયા. અહીં ધ્યાનમાં રાખવા જેવી વાત છે આમાંના અદી તારાપોર પારસી હતા અને કર્નલ જેરાથ જ્યુઇશ (યહુદી) હતા. ગોરખા પલ્ટનના સીઓ કર્નલ ગ્રેવાલ સિખ હતા, મારી ટ્રૂપ કૅરીયર બટાલિયનના CO કર્નલ રેજીનૉલ્ડ ચાર્લ્સ્ ગૉન (Gaughan) આયરીશ-ભારતીય ખ્રિસ્તી હતા! આમાંનો દરેક અફસર પ્રથમ ભારતીય હતો, ત્યાર પછી ભારતનો સિપાહી અને તેમનો અંગત ધર્મ - જેની તેમણે કદી જાહેરાત ન કરી, તેમની ખાનગી વાત હતી. આ છે આપણી સેનાની પરંપરા.

યુદ્ધવિરામના દિવસે અમારી રેજીમેન્ટના કૅપ્ટન કૌલને COએ જમ્મુ જરૂરી સમાન લાવા માટે મોકલ્યા. મેં તેમને વિનંતી કરી કે બાને મારા તરફથી એક તાર મોકલે કે હું સાજોસમો છું. તેણે મારૂં કામ કરી આપ્યું. જો કે મારી એ ભુલ હતી. સૈનિકોના પરિવારોને દુ:ખદ સમાચાર તાર દ્વારા જ મોકલવામાં આવતા હતા. બા પાસે અમદાવાદમાં તાર પહોંચ્યો ત્યારે રાતના અગિયાર વાગ્યા હતા. બધાં ગભરાઇ ગયા. તાર ખોલવાની તેમની હિંમત ન થઇ. તેઓ મારા મોટાભાઇ પાસે તાર ખોલાવવા ગયા. તાર ખોલતાં પહેલાં દાદા - મારા મોટાભાઇ - ચિંતાતુર થઇ ગયા. તેમણે કહ્યું, “આપણે પ્રાર્થના કરીએ કે આ નરેનની કૅઝ્યુઆલ્ટીનો તાર નથી.” બા તો અત્યંત મુંઝાઇ ગયા. અનુરાધાને સાતમો મહિનો ચાલતો હતો અને તેની હાલત તો વર્ણવી શકાય તેવી નહોતી. અંતે દાદાએ તાર ખોલીને વાંચ્યો ત્યારે સૌના ચહેરા પર સ્મિત આવ્યા! બીજે દિવસે બાએ અાખા મહોલ્લામાં મિઠાઇ વહેંચી.

આખી લડાઇમાં મારા દરેક જવાને અતુલનીય બહાદુરી દર્શાવી. મારી પ્લૅટુનના એક પણ જવાને પીછેહઠ ન કરી. એટલું જ નહિ, ભયાનક બૉમ્બવર્ષામાં પણ તેઓ ગોરખા જવાનોને આપણી ટૅંકોએ ‘ઓવર-રન’ કરેલ દુશ્મનોના મોરચાઓ સુધી લઇ જઇ ધીખતી ધરા પર કબજો કરીને દુશ્મનોના વળતા હુમલાઓ - counter attacksને પરાસ્ત કરવામાં બહાદુરી કરી રહ્યા હતા.

યુદ્ધવિરામના સમાચાર સાંભળી આપણા જવાન આનંદ પ્રગટ કરતા હતા. હારેલા દુશ્મને યુદ્ધવિરામની ઘોષણા બાદ પણ અમારા પર છેલ્લી વારનું બૉમ્બાર્ડમેન્ટ કરી લીધું.

આમ પૂરૂં થયું કાશ્મીરનું બીજું યુદ્ધ.

tatto media
tatto media

3 comments:

  1. કેપ્ટન સાહેબ-થેન્કયુ સરસ રીપોર્ટ.ચેપ્ટર વાંચતાં ભૂતકાળ ખડો થયો.તમારી એક વાત સાવ સાચી-શાસ્ત્રીજીએ દેશને એક કર્યો હતો.એ માણસ પાંચ ફૂટીયો જાયંટ હતો. મારી બા દર બુધવારે ભાત ન્હોતી રાંધતી અને કહેતી "શાસ્ત્રીજીએ ભાત રાંધવાની ના પાડી છે." મને શાસ્ત્રીજીનું એ ભાષણ યાદ છે.તેમણે કહ્યું હતું કે "અય્યુબસાબ ,હમ કયા આપકો મીલને નહીં આ શકતે હૈં ક્યા? " ત્યારે આપણી સેના લહોરના સિમાડામાં હતી. અને લાહોર શહેરની લાઇટો જોઇ શકાતી હતી.અને જ્યારે તાશ્કંદ કરાર થયા ત્યારે અમે બધાં કહેતા હતા-"શાસ્ત્રીજી સેનાને કામ કરવા દો.જે કામ આરંભ્યું છે તે પુરું કરવા દો". અને એ વીર અધુરું કામ મુકીને ચાલતો થયો--એ પ્રમાણિક માણસની પત્ની લલિતાદેવી,ટ્રેન્માં મુશાફરી કરતા-ટિકિટ પોતે કઢાવતા.દેશને આજે શાસ્ત્રીજી જેવા નેતાની જરૂર છે.

    ReplyDelete
  2. Dear Narenkaka,
    reminds me of childhood memories.
    Love ,
    Rohini

    ReplyDelete
  3. Enjoyed reading of the end of the Chaminda Battle of 1965.....waitng to read more in your next Post....
    Chandrapukar
    www.chandrapukar.wordpress.com

    ReplyDelete