Follow by Email

Tuesday, April 14, 2009

ફૅરવેલ, માય ફ્રેન્ડ હરીશ...

૨૭મી તારીખે મારા પોતાના CO કર્નલ રેજી ગૉન ગોરખા બટાલિયનમાં આવ્યા અને કર્નલ ગરેવાલને મારા જવાનોની અને મારી કામગિરી વિશે રીપોર્ટ માગ્યો. કર્નલ ગરેવાલે અમને - તેમના ‘પોતાના ટ્રુપ કૅરીયર્સ’ને ખુબ બિરદાવ્યા અને ખાસ કરીને મને બહાદુરી માટે સેના મેડલની શિફારસ કરવાનું કહ્યું. મેં મારા ત્રણ જવાનોને વીરતા પદક મળે તેવી શિફારસ કરી. કર્નલ ગૉને હેડક્વાર્ટરમાં જઇ મેજર લાલને મારા જવાનોનું અને મારું citation લખવાનો આદેશ આપ્યો. મેજર લાલ પાસે અમારી આલ્ફા કંપની કમાન્ડર નો ચાર્જ હોવા ઉપરાંત બટાલિયનના સેકન્ડ-ઇન કમાન્ડનો ચાર્જ હોવાથી તેઓ ડિવિઝનના અૅડમિનિસ્ટ્રેશન એરીયામાં હતા. આથી મારી પ્લૅટૂનની કામગિરીનો અહેવાલ મારી પાસેથી લઇને મારા જવાનોનું અને મારૂં 'સાઇટેશન' મોકલવાનું નક્કી કર્યું. યુદ્ધવિરામ બાદ મને બટાલિયન હેડક્વાર્ટર બોલાવવામાં આવ્યો ત્યાં સુધીમાં સાઇટેશન મોકલવાની તારીખ વિતી ગઇ. મારા કોઇ જવાનને ૧૯૬૫ની લડાઇની કામગિરી માટે ગૅલન્ટ્રી એવૉર્ડ ન મળ્યો.

અૉક્ટોબરની બે તારીખના રોજ ‘battle fatigue’ - "યુદ્ધનો થાક" ઉતારવા મને બટાલિયન હેડક્વાર્ટરમાં બોલાવવામાં આવ્યો. સાંજે બટાલિયન હેડક્વાર્ટર પહોંચ્યો અને મને માઠા સમાચાર મળ્યા. મારા મિત્ર કૅપ્ટન હરીશ શર્માના.

આ એ જ કૅપ્ટન હરીશ શર્મા હતા જેમણે ઝાંસી છોડતી વખતે પોતાનાં પત્નિની સાથે અનુરાધાની તેમના ઘેર રહેવાની સગવડ કરી હતી. અનુરાધાને તેમનાં પત્નીએ ઘણો સ્નેહ આપ્યો હતો, કોઇ વાતની ચિંતા ન કરવાની હિંમત આપી હતી. મને, એક નવપરિણીત અફસરને હરીશે ઘણી હિંમત આપી હતી. કહેતા હતા, 'યુદ્ધનાં વાદળ તો ઘેરાતા હોય છે, પણ ક્વચિત જ વરસતા હોય છે. આ સમય પણ વરસાદ વગર વિતી જશે."

આ વખતે વાદળ વરસ્યા. યુદ્ધ શરૂ થયું અને જ્યારે આ દાવાનળે ભયાનક સ્વરૂપ ધારણ કર્યું, ત્યારે હરીશ શર્માની ડ્યુટી હતી આગળ લડતી સેનાને દારુગોળો અને અન્ય સામગ્રી પહોંચાડવાની. આ માટે તેઓ ફ્રન્ટ પર ગયા હતા. તેઓ તેમના ‘અૅમ્યુનીશન પૉઇન્ટ’ પર ગયેલી દારૂગોળાની રસદ લેવા રિસાલા તથા ઇન્ફન્ટ્રીની ટુકડીઓને સામગ્રી આપતા હતા ત્યાં પાકિસ્તાનના સ્ટારફાઇટર જેટ્સ આવ્યા. રૉકેટ્સ અને મશીનગનથી ‘strafing’ કર્યા બાદ તેમણે નેપામ બૉમ્બ વરસાવ્યા. સામાન્ય રીતે દુશ્મનના વિમાનો દેખાય ત્યારે આપણા OP (અૉબ્ઝર્વેશન પોસ્ટ) ચેતવણી આપવા 'મેટ્રોપોલીટન વ્હીસલ'થી ખાસ ભયસૂચક ધ્વનિ વગાડતા હોય છે. આમ થાય ત્યારે બધા સૈનિકોએ સપ્લાય પૉઇન્ટની આજુબાજુ ખોદેલી ખાઇઓમાં 'પોઝીશન' લેવાનો હુકમ હોય છે. હરીશની ટુકડીનો એક સૈનિક પોતાની ખાઇ સુધી પહોંચે, તેને ગોળી વાગી અને તે પડી ગયો. હરીશ તેને બચાવવા પોતાની ખાઇમાંથી બહાર નીકળી તેની નજીક ગયા અને પોતાની ખાઇ સુધી તેને ખેંચે તેવામાં એક નેપામ બૉમ્બ તેમના પર જ પડ્યો. હરીશના આખા શરીર પર આગની લપેટ ફેલાઇ ગઇ. હવાઇ હુમલો પતી ગયા બાદ તેમને હેડક્વાર્ટર પહોંચાડ્યા, અને ત્યાંથી મિલીટરી હૉસ્પીટલ. દસ દિવસ હૉસ્પીટલમાં રહ્યા બાદ તેમનું અવસાન થયું.

આ શોકજનક સમાચાર સાંભળી મને પારાવાર દુ:ખ ઉપજ્યું. વિચાર આવ્યો, પરમાત્માએ હરીશ શર્માને શા કારણસર પસંદ કર્યા હશે?

દુનિયામાં મહાન લોકોની કમી નથી, કમી તો સારા માનવોની હોય છે. હરીશ સજ્જન, સુચરીત અને પરગજુ યુવાન હતા. તેમનો શાંત, હસમુખ ચહેરો હજી પણ મારી આંખ સામે તરવરે છે. તેમનાં પત્ની તથા બાળકોની છબી મારી આંખ સામે તાદૃશ છે. ઝાંસીમાં અમારા બંગલાની સામે જ તેમનો બંગલો હતો. તેમની છ વર્ષની દીકરી અને ચાર વર્ષનો પુત્ર અમારે ત્યાં ઘણી વાર આવતા. બાળકોનો વિચાર આવતાં મન ઉદ્વિગ્ન થયું. હૈયું ફાટી ગયું. અમને કોઇને સ્વપ્ને પણ ખ્યાલ નહોતો કે હરીશ શર્મા જેવા મૃદુભાષી અને સુસ્વભાવી યુવાન શહીદ થશે. મનોમન તેને “ફૅરવેલ માય ફ્રેન્ડ. રામ રામ. બનશે તો ઉપર ક્યાંક અને ક્યારેક જરૂર મળીશું ત્યારે સુખ દુ:ખની વાત કરીશું,” કહી તેને બે આંસુની અંજલી આપી શક્યો.

બીજી વાત: અમારી બટાલિયનના ફક્ત એક અૉફિસરને વીરતા પુરસ્કાર મળ્યો. મારી કંપનીના મારા સાથી સૅમીને! તે પણ હેડક્વાર્ટર્સની સુરક્ષીત કિલ્લેબંધીની બહાર ગયા વગર! અમારા કંપની કમાંડર મેજર લાલે તેને ‘દુશ્મનના હવાઇદળના પ્રત્યક્ષ આક્રમણ સામે પોતાના જીવની પરવા કર્યા વગર બહાદુરી દર્શાવવા’ માટે સેના મેડલની શિફારસ મોકલી હતી. સેના મેડલના બદલે તેમને ‘મેન્શન્ડ-ઇન-ડીસ્પૅચીસ’ એનાયત થયો. જે હોય તે, અંતે તો એ વીરતા પુરસ્કાર હતો! બટાલિયનના અૉફિસરો કહેતા હતા, મેજર લાલે તેના માટે ‘વિશીષ્ટ સેવા મેડલ’ ની શિફારસ કરવી જોઇતી હતી કારણ કે લડાઇ ચાલતી હતી ત્યારે તેણે બહાદુરીપૂર્વક મેજર લાલની ઉત્તમ સેવા કરી હતી.

યુદ્ધ શરૂ થતાં પહેલાં મને ગુજરાતનો અફસર કહી આપણી કહેવાતી ‘યુદ્ધ-વિરહીત પરંપરા’ની મજાક ઉડાવનાર ‘લડાયક કોમ’ના એક મેજરસાહેબ લડાઇના મેદાનથી પચાસ માઇલ પાછળ હતા, તેમ છતાં ટૉઇલેટ જવા માટે દસ સૈનિકોના ગાર્ડની ટુકડીને સાથે લઇ જતા! શાળામાં સંસ્કૃત શીખવતા અમારા શાસ્ત્રી સાહેબે એક શ્લોક શીખવ્યો હતો: દૈવાયત્તમ્ કૂલે જન્મમ્, મદાયત્તમ્ તુ પૌરૂષમ્ - ક્યા કૂળમાં જન્મ આપવો એ તો દૈવને આધિન છે, પણ પુરુષાર્થ તો મારે પોતાને આધિન છે, મહાભારતમાં આમ કહી ગયા હતા દાનવીર કર્ણ. કોઇ કોમને stereotype કરી તેની મજાક ઉડાવવી યોગ્ય નથી, તે પેલા મેજરસાહેબને કોણ કહે?

લડાઇ પૂરી થઇ. અમે પાકિસ્તાનમાં કબજે કરેલી જગ્યા છોડી સરહદ પર સાંબા તહેસીલના રામગઢ પાસે પડાવ નાખ્યો. ફરી એક વાર જીપ્સી સાંજના સમયે તેના બંકરની બહાર બેસીને વિચાર કરતો, યુદ્ધનો, યુદ્ધમાં શહીદ થનારા સૈનિકોનો, અમારા અને તેમના શહીદોના પરિવારોનો... આપણા અને પાકિસ્તાનના ગામોમાં રહેનારા નિર્દોષ લોકોનો - જેમને રાજકારણ સાથે કોઇ લેવાદેવા નહોતી, પણ તેમને પોતાનાં ઘરબાર છોડીને જવું પડે છે. યુદ્ધવિરામ બાદ તેઓ પોતાનાં ભાંગી પડેલા ઘર તો સમારી શકશે, પણ ભગ્ન થયેલા હૃદય?

અને વિચાર આવતો મારા મિત્ર હરીશનો અને તેના પરિવારનો....

tatto media
tatto media