લડાઇ દરમિયાન બન્ને પક્ષે તોપનો ઉપયોગ ભારે માત્રામાં થયો હતો. પાકિસ્તાનમાં પ્રવેશ કરતાં જ અમારા પર બૉમ્બ વર્ષા થઇ, અને આપણી તોપોએ પાકિસ્તાનના સૈનિકોએ પોતાનાં ગામડાંઓની નજીક ખોદેલા મોરચાઓને ઉદ્ધ્વસ્ત કરવા ગોળા વરસાવ્યા હતા. પાકિસ્તાનના ગામડાંઓની રચના આપણા ગ્રામ્યવિસ્તાર જેવી છે, ફેરફાર માત્ર નાની વિગતનો છે: દરેક ગામમાં મંદીરના સ્થાને મસ્જીદ અથવા ઇદગાહ છે, અને સ્મશાનને બદલે કબ્રસ્તાન. બૉમ્બવર્ષામાં કેટલીક મસ્જીદોને નુકસાન થયું હતું. ‘હિંદુ સૈનિકોએ અમારી મસ્જીદો તોડી અને ઉધ્વસ્ત કરી’ એવો જુઠો પ્રચાર પાકિસ્તાન ન કરે એટલા માટે આ મસ્જીદોના સમારકામની અને ચૂનાથી ધોળાવવાની જવાબદારી મને મળી. મારા મતે યુદ્ધમાં મને મળેલી જવાબદારીમાં આ સૌથી મહત્વની કામગિરી હતી. મારા જવાનોને લઇ હું આ કામ કરાવતો. જવાનો કામ કરે ત્યારે હું કબ્રસ્તાનની મુલાકાત લેતો. ઘણી વાર મને કબ્રસ્તાનમાં વેરવિખેર પડેલ કુરાનનાં પાનાં મળતાં, જે હું ભેગા કરી, સરખી રીતે ગોઠવી સુરક્ષીત સ્થાને મૂકતો. અહીં સુતેલા આત્માઓ માટે પ્રાર્થના કરી લેતો કે જ્યારે તેમનો ક્યામતનો દિવસ આવે, પરમાત્મા તેમને ચિરશાંતી બક્ષે. મારી સાથે આપણી આર્ટીલરીના જવાનો પણ હતા. તેમાંના એક સિખ સાર્જન્ટ ઉર્દુ સાહિત્યનો વિદ્યાર્થી હતો. અમે ધોળાવેલી મસ્જીદોની દિવાલ પર સુંદર નીલા અક્ષરે પંજાબી મુસ્લીમ સંત બુલ્લેશાહ - જેમણે પોતાના નામની સાથે તેમના વ્યાપારી હિંદુ ભક્તની અટક ‘શાહ’ જોડી તેનું પણ નામ અમર કર્યું હતું, તેમની સર્વ ધર્મ સમભાવ તથા પરસ્પર પ્રેમની વાણી લખી.
પાકિસ્તાનના ગામડાંઓમાં લોકોનાં રહેઠાણ જોઇ હું અત્યંત પ્રભાવિત થયો. ગારાથી સુંદર લીંપેલા, બેઠા ઘાટના ધાબાવાળા મકાનોની અંદર રસોડાનાં ચૂલાઓની આજુબાજુ સુશોભન કરવામાં આવેલું જોયું. રસોડાં પણ એકદમ સ્વચ્છ, છાણ-ગારાથી લીંપેલા! જે રીતે આપણી બા-બહેનો ગામડાંઓમાં આપણાં મકાનો સજાવે તેવા જ! અભરાઇઓ પર આપણાં ઘરોની જેમ ચકચકતા પિત્તળના વાસણો ગોઠવેલા જોયા. રસોડાની અંદર જ ઇંટ-ગારાની ભીંતમાં ચણેલી કોઠીઓ હતી, જેમાં ઘઉં ભરેલા હતા. દરેક રસોડામાં ખનીજ મીઠાના નારિયેળ જેવડા મોટા સ્ફટીક (rock salt) હોય જ! કેટલાક ગામોમાં તો ચૂલા પર પિત્તળની હાંડીમાં બળેલા ભાત અને દાળ જોવા મળ્યા. રસોઇ કરતી ત્યાંની બહેનોને પાકિસ્તાની સત્તાવાળાઓએ ખબર પણ નહોતી કરી કે યુદ્ધ શરુ થયું છે. ત્યાંના ગ્રામવાસીઓએ જ્યારે આપણી ટૅંકોનો અવાજ સાંભળ્યો અને બન્ને સેનાઓ તરફથી એકબીજા પર ગોલંદાજી શરૂ થઇ ત્યારે તેઓ ઉતાવળે રસોઇ અર્ધી મૂકી, ઘર છોડી નાસી ગયા હતા. કેટલાક ગ્રામવાસીઓ પોતાના ગામમાં છુપાઇ રહ્યા હતા, જેમને અમે નિર્વાસિત કૅમ્પમાં મોકલ્યા
એક દિવસ અમારી બટાલિયનમાં અમારા Corps Commander જનરલ પૅટ્રીક ડનના સ્ટાફ અફસર કર્નલ મોહમ્મદ ગુફ્રાન આવ્યા. ૧૯૪૮માં કાશ્મિરમાં કબાઇલીઓ સામે લડતાં શહીદ થયેલ બ્રિગેડિયર ઉસ્માનના તેઓ નાના ભાઇ. તેમણે અમને કહેલી એક વાત મારા મનમાં કાયમ માટે વસી ગઇ: “ જેન્ટલમન, માનવીના આચરણમાં પ્રામાણિકતા અને અપ્રામાણિકતા ઉત્તર અને દક્ષીણ ધ્રુવ સમાન હોય છે. આ બે સત્યોની વચ્ચે ત્રીજું કોઇ પરિમાણ નથી. કાં તો તમે પ્રામાણિક હશો અથવા અપ્રમાણીક. તમે કદી પણ એવું નહિ કહી શકો કે સામાન્યત: હું પ્રામાણિક છું. કોઇક જ વાર મારા હાથે અપ્રમાણીક કામ થઇ જાય છે. જ્યારે કદી તમારી સામે પ્રામાણીકતા તથા અપ્રમાણીકતાનો દ્વંદ્વ ઉભો થાય ત્યારે તમારો આત્મા જ તમને કહેશે કે તમારે શું કરવું જોઇએ. એક Officer and gentlemen તરીકે તમારે શું કરવું, તે તમે જ નક્કી કરજો. સાચા માર્ગનું અવલંબન integrity છે.”
કર્નલ ગુફ્રાને અમારી ડિવિઝનના એક ઉંચા અફસરના સંદર્ભમાં આ વાત કરી હતી તે મને બાદમાં જાણવા મળ્યું. લડાઇ બાદ તરત જ તેમને રીટાયર કરવામાં આવ્યા હતા તેથી તેમણે આચરેલી વાતોને મહત્વ નથી રહ્યું. હા, એટલું જરૂર કહીશ કે રીટાયર થયા બાદ તેમણે રાજકારણમાં પ્રવેશ કર્યો, પંજાબના ધારાસભ્ય તરીકે ચૂંટાયા અને ઘણા સ-ફળ થયા હતા. ભારતના રાજકારણમાં સફળ થવા માટે પ્રામાણિકતા બાધક હોય છે તે સૌ જાણે છે. લાલ બહાદુર શાસ્ત્રી કે આપણા પોતાના ઇંદુલાલ યાજ્ઞિક જેવા પ્રામાણીક રાજપુરુષો આવ્યા અને ભુલાઇ ગયા. બાકીના લોકો રાજકીય નેતૃત્વને પોતાની વંશપરંપરાગત જાગીર બનાવી વિમાનઘર, રાષ્ટ્રીય સન્માનના ચંદ્રક, રસ્તાઓ - બધાની સાથે પોતાના વંશનું નામ જોડી અમર થવાનો પ્રયત્ન કરતા રહે છે. ફ્રાન્સની ભુખથી ટળવળતી જનતા શા માટે રમખાણ કરે છે તેના જવાબમાં મહારાણી મૅરી એન્ટોઇનેટને કહેવામાં આવ્યું કે તેમને રોટી નથી મળતી.. સાંભળી તેણે કહ્યું, “તેમને રોટી નથી મળતી તો તેના બદલે તેઓ કેક શા માટે નથી ખાઇ લેતા?” તથા “Every man has his price” કહેનારા ઇંગ્લંડના વડાપ્રધાન વૉલ્પોલ- જેવાનાં નામ પણ અમર થયા છે, પણ કયા સંદર્ભમાં એ તો કેવળ ઇતિહાસના અભ્યાસુઓ જ જાણે છે....
લડાઇ બાદ મારા CO કર્નલ રેજી ગૉનની પ્રમોશન પર બદલી થઇ. તેમની જગ્યાએ કર્નલ ચૌધરી (આ તેમનું સાચું નામ નથી) નામના અફસર આવે છે તેવું જાણવા મળ્યું.
કહેવાય છે કે માણસની ખ્યાતિ તેના આગમન પહેલાં જ પહોંચી જતી હોય છે.
tatto media
tatto media
આ વખતે તમારો બ્લોગ ખોલવા માં મારો નંબર પહેલો છે.તેનો મને આનંદ છે.સુંદર ચેપ્ટર બન્યું છે.કર્નલ ગુફાનની વાતોની જેમ થોડા ગ્યાનના અમી છાંટણાં કરતા રહો તો લખાણમાં જુદો રસ ઉમેરાશે.લખાણ રસિક બન્યું છે."શાહ"અટક ઇરાનમાંથી નથી આવી?
ReplyDeleteટમે નસિબદાર કે તમારા હાથે મસ્જીદનું સમારકામ આવ્યું.પાકિસ્તાની ગામડાંના ઘરોનું વર્ણન બહુ સુંદર લખ્યું છે.આ બધું વાંચતાં યુધ્ધ તો સમજાય છે પણ કેપ્ટંસાહેબ તમારું પણ કેરેક્ટર છતું થાય છે-જે ખૂબ જ ઊજળું છે.
@ આભાર હરનીશભાઇ. જી હા, શાહ અટક ફારસીમાંથી આવી છે. આપણે ત્યાં મહારાજાઓને 'શ્રીમંત" કહીને સંબોધવામાં આવતા, તેમ ફારસીમાં શ્રીમંતોને અને મહારાજાઓને 'શાહ' કહેવામાં આવતા. શ્રીમંતીને કારણે પંજાબમાં નગરશેઠને 'શાહજી' સંબોધવામાં આવતા.
ReplyDeleteજ્ઞાનની વાત કરીએ તો 'જીપ્સી'એ તે મેળવવામાં ધન્યતા અનુભવી છે. હિંદીમાં કહેવત છે, "પ્રસાદ તો બાંટકે હી ખાના ચાહીએ' તેમ મેળવેલું જ્ઞાન પ્રસાદીની જેમ ન વહેંચું તો જીવન એળે ગયું ગણાય ને?
Nice to know what goes beyond the actual fighting...your heart as a HumanBeing is diplayed in this Post ! Will wait for the next Post. Narenbhai !
ReplyDeleteChandrapukar/Chandravadan.