Follow by Email

Wednesday, April 8, 2009

આમ પૂરૂં થયું કાશ્મીરનું પ્રથમ યુદ્ધ.....

ચવીંડાની વાત કરતો હતો ત્યાં કાશ્મીરના પ્રથમ યુદ્ધનું ‘બૅકગ્રાઉન્ડ’ અાપ્યું તેથી આપને વિષયાંતર થયેલું લાગશે. પરંતુ વાત અહીં જ રોકી ચવીંડા તરફ જઇશ તો કદાચ કાશ્મીરના પ્રથમ યુદ્ધમાં આપણા અફસરો અને સૈનિકોએ આપેલા બલિદાન પર પડદો નાખ્યા જેવું લાગશે. તેથી આજની ‘પોસ્ટ’માં ૧૯૪૭-૪૮માં થયેલ યુદ્ધની આછી રૂપરેખા આપવાનો પ્રયત્ન કરીશ.

દિલ્લીના સફદરજંગ એરોડ્રોમ પરથી કર્નલ દિવાન રણજીત રાયને તેમની ૧લી સિખ બટાલિયન તથા કુમાઉં રેજીમેન્ટની ડેલ્ટા કંપનીને તેના કંપની કમાન્ડર મેજર સોમનાથ શર્માની આગેવાની નીચે શ્રીનગર મોકલવાનો હુકમ અપાયો.

આના એક અઠવાડિયા અગાઉ મેજર સોમનાથના હાથનું ફ્રૅક્ચર થયું હતું. તેમનો હાથ પ્લાસ્ટરમાં હતો અને ડૉક્ટરે તેમને ડ્યુટી પર જવાની મનાઇ કરી. આવી મહત્વની કામગિરી પર પોતાના જવાનોને અજાણ્યા કંપની કમાન્ડર સાથે મોકલવા મેજર શર્મા તૈયાર નહોતા. તેમણે આગ્રહપૂર્વક વિનંતી કરી કે તેમને કોઇ પણ હિસાબે કાશ્મીર મોકલવામાં આવે. અંતે તેમની વિનંતીને માન આપી તેમને ડેલ્ટા કંપની (D Coy) કમાંડર તરીકે શ્રીનગર મોકલવામાં આવ્યા.

શ્રીનગર અૅરપોર્ટ પર ઉતરતાં તેમને જવાબદારી આપવામાં આવી કે કોઇ પણ હિસાબે શ્રીનગરના અૅરોડ્રોમનો બચાવ કરવો. આના માટે મેજર સોમનાથ શર્માએ અૅરપોર્ટની બે માઇલ આગળ દુશ્મનના માર્ગમાં અવરોધ નાખવા બડગમ ગામ પાસે પોતાની કંપનીની સંરક્ષણ હરોળ બનાવી. તેમને ‘સપોર્ટ’ આપવા માટે આપણી સેના પાસે આર્ટીલરીની તોપ તો શું, મૉર્ટર પણ નહોતી. બપોરે ત્રણ વાગે બડગમના મકાનોમાંથી તેમની કંપની પર ગોળીબાર શરૂ થઇ ગયો. ગામના નાગરિકો જખમી ન થાય તેથી મેજર શર્માએ જવાબી ફાયર ન કર્યો, પણ વાયરલેસ પર પોતાના બ્રિગેડ કમાન્ડર બ્રિગેડીયર એલ.પી.સેનને રીપોર્ટ આપતા રહ્યા. દુશ્મન તરફથી કોઇ હિલચાલ નહોતી તે સાંભળી બ્રિગેડીયર સેન તેમને અૅરપોર્ટ તરફ પાછા આવવાનો હુકમ આપે ત્યાં જ સોમનાથ શર્માએ તેમને જણાવ્યું કે તેમની પશ્ચિમ દિશામાં આવેલા ઢાળ પરથી લગભગ ૧૦૦૦ જેટલા પાકિસ્તાનીઓએ તેમના પર હુમલો કર્યો છે. મેજર સોમનાથની કંપનીમાં કેવળ ૧૦૦ સૈનિકો હતા, તેમના પર મૉર્ટર તથા અૉટોમેટીક હથિયારો વડે દુશ્મને ફાયરીંગ શરૂ કર્યું. સોમનાથ શર્મા અને તેમના સૈનિકો આખી રાત લડત આપતા રહ્યા. પરોઢિયે તેમનો છેલ્લો વાયરલેસ સંદેશ હતો, “દુશ્મન અમારી સંરક્ષણ હરોળ સુધી પહોંચી ગયો છે. અમે છેલ્લા સિપાહી અને છેલ્લી ગોળી સુધી લડતા રહીશું.” ત્યાર બાદ વાયરલેસ પર બ્રિગેડીયર સેને મોટો સ્ફોટ સાંભળ્યો. ત્યાર બાદ ફેલાઇ સ્મશાન શાંતિ.

મેજર સોમનાથ શર્મા તથા તેમના મોટા ભાગના સૈનિકો શહીદ થયા હતા. દુશ્મન હારીને ત્યાંથી હઠી ગયો. બ્રિગેડીયર સેને તેમના પુસ્તક Slender Was the Threadમાં લખ્યું છે કે આ લડાઇમાં પાકિસ્તાની સેનાપતિ ખુરશીદ ઘાયલ થયો હતો અને તેને બચાવી આ કબાઇલીઓ પાછળ હઠી ગયા હતા. તેમને લાગ્યું કે તેમનો સામનો મોટી ફોજ કરી રહી છે, અને કદાચ તેના પર ‘કાઉન્ટર-અૅટેક’ કરે.
જો બ્રિગેડીયર સેને દસ મિનીટ પહેલાં મેજર સોમનાથ શર્માને પાછા વળી અૅરપોર્ટ પર જવાનો હુકમ કર્યો હોત, કે દુશ્મને દસ મિનીટ બાદ હુમલો કર્યો હોત તો દુશ્મન માટે અૅરપોર્ટ સુધીનો માર્ગ મોકળો હતો, અને પરિણામ શું આવત તેનો વિચાર કરતાં પણ કાંપી જવાય .....

મેજર સોમનાથે અને તેમની આગેવાની નીચે તેમના બહાદુર સૈનિકોએ પ્રાણની પરવા કર્યા વગર તેમનાથી દસ ગણી સંખ્યામાં આવેલ કબાઇલીઓનો પ્રતિકાર કર્યો. અક્ષરશ: છેલ્લી ગોળી- છેલ્લા સૈનિક સુધી તેઓ લડતા રહ્યા અને શ્રીનગર અૅરપોર્ટ દુશ્મનના હાથમાં જતાં બચી ગયું. આમ ન થયું હોત તો શ્રીનગરમાં આપણી સેનાને હવાઇમાર્ગે કુમક મોકલવું અશક્ય થઇ ગયું હોત. આખી કાશ્મીર ખીણ દુશ્મનના કબજામાં હોત.

મેજર સોમનાથ શર્મા બડગમમાં અને કર્નલ રણજીત રાય બારામુલ્લાની લડાઇમાં શહીદ થયા.

બીજી તરફ પૂંચ વિસ્તારમાં ઝંગડ નામના મહત્વપૂર્ણ સ્થળને દુશ્મનના હાથમાંથી છોડાવનાર હતા બ્રિગેડીયર મોહમ્મદ ઉસ્માન અને તેમના ‘કમાન્ડ’ નીચેની પહેલી મહાર રેજીમેન્ટ. મોહમ્મદ ઉસ્માન એક outstanding અફસર હતા. મુસ્લીમ હોવાને કારણે પાકિસ્તાને તેમને મેજર જનરલના પદ પર પાકિસ્તાની સેનામાં જોડાવા આમંત્રણ આપ્યું હતું. એક સાચા ભારતીય તરીકે તેમણે આ ‘આમંત્રણ’ ઠુકરાવ્યું હતું અને ભારતીય સેનામાં રહ્યા. દુશ્મને કરલા હુમલાને ભારે હાનિ પહોંચાડી તેમણે પોતાનું યુદ્ધ કૌશલ્ય દાખવ્યું હતું. પાકિસ્તાની સેનાએ તેમની હત્યા માટે ૫૦,૦૦૦ રૂપિયાનું ઇનામ જાહેર કર્યું હતું. યુદ્ધમાં અગ્રિમ પંક્તિમાં રહી દુશ્મનનો સામનો કરતી વખતે તેમના પર મૉર્ટરનો બૉમ્બ પડ્યો અને તેમનું અવસાન થયું. તે પહેલાં તેમણે ઝંગડ જીતી લીધું હતું.

મેજર સોમનાથ શર્માને સર્વોચ્ચ સન્માન પરમ વીર ચક્ર અપાયું. બ્રિગેડીયર ઉસ્માન તથા કર્નલ રણજીત રાયને મરણોપરાન્ત મહાવીર ચક્ર એનાયત થયા.

યુદ્ધ ચરમ સીમા પર હતું. શ્રીનગરની હાલત અત્યંત ભયાનક હતી. ત્રણ વરીષ્ઠ અફસર તથા અનેક જવાનો શહીદ થયા હતા, ત્યારે શ્રીનગરની સ્થિતિ જોવા કોણ ગયું હશે?

જવાહરલાલ નહેરૂ?
જી, ના.

ભારતના ઉપ-પ્રધાનમંત્રી સરદાર વલ્લભભાઇ પટેલ પરિસ્થિતીનો અહેવાલ લેવા તાત્કાલીક શ્રીનગર ગયા.

સંરક્ષણ મંત્રી બલદેવસિંહ સાથે સરદાર વિમાન માર્ગે શ્રીનગર ગયા અને બ્રિગેડીયર સેન પાસે તે સમયે થયેલા યુદ્ધનો વિગતવાર રિપોર્ટ માગ્યો. તેમણે જે જે સામગ્રીની જરૂરિયાત હતી તે સરદારે નોંધી અને દિલ્લી જવા નીકળ્યા. નીકળતી વખતે સેન તેમને વિમાન સુધી મૂકવા જતા હતા ત્યાં સરદારે કહ્યું, “તમારે યુદ્ધને લગતા ઘણાં કામ કરવાના છે. અમને મૂકવા આવવાની જરૂર નથી....” અને ત્યાંથી તરત નીકળી ગયા.
બ્રિગેડીયર સેને તોપ, દારૂગોળા - જેની માગણી કરી હતી, તે સરદારે તાત્કાલિક ધોરણે પૂરી રીતે મોકલી આપી.

આપણી સેના બહાદુરી પૂર્વક લડી. આપણે તિથવાલ, ઉરી, ૧૦૦૦૦ ફીટની ઉંચાઇએ આવેલ નસ્તાચૂન ઘાટ કબજે કરી, તંગધાર જીતીને કૃષ્ણગંગા નદી સુધી પહોંચી ગયા. દુશ્મનને ‘નદી પાર’ કરી નાખ્યો. દુશ્મનનું છેલ્લું મુખ્ય મથક હતું મુઝફ્ફરાબાદ. આપણી સેનાએ તેના પર હુમલો કરવા તૈયારી કરી. આપણા સૈનિકોનો ઉત્સાહ હિમાલયની ઉંચાઇ સુધી પહોંચી ગયો હતો. મુઝફ્ફરાબાદ પર હુમલાની શરૂઆત કરવા માટેની ઘડીઓ ગણાતી હતી ત્યાં....

આપણા “લાડીલા” વડાપ્રધાન જવાહરલાલ નહેરૂએ યૂનાઇટેડ નેશન્સમાં કાશ્મીરનો ‘કેસ’ રજુ કર્યો અને આપણી સેનાને યુદ્ધશાંતિનો હુકમ આપી દીધો. મુઝફ્ફરાબાદ પરનો હુમલો રદ કરાયો. આપણા સૈનિકો અને સેનાપતિ નિરાશ થયા. સેનાને જ્યાં રોકાવું પડ્યું તે થઇ CFL - ‘સીઝ ફાયર લાઇન’. આમ થઇ ગયા કાશ્મીરના બે હિસ્સા. આ એ જ મુઝફ્ફરાબાદ છે, જ્યાં લશ્કરે તૈયબાનું મુખ્ય મથક છે. તેની આજુબાજુના જંગલમાં લશ્કરે તૈયબા, હિઝબુલ મુજાહીદીન વિ.ના આતંકવાદી પ્રશિક્ષણ કેન્દ્રો ચાલી રહ્યા છે. ત્યાંથી હજી પણ આતંકીઓ ભારતમાં પ્રવેશ કરી રહ્યા છે અને અસંખ્ય નિર્દોષ સ્ત્રી, પુરુષ અને બાળકોની કતલ કરી રહ્યા છે, આપણા સૈનિકોની પીઠ પાછળ ઘા કરી રહ્યા છે.

આ થઇ “પહેલા કાશ્મીરના યુદ્ધ”ની વાત.

આ એ જ કાશ્મીર છે જ્યાં દુશ્મને ૧૯૪૭-૪૮માં કાશ્મીરની જનતા પર અકથ્ય અત્યાચાર ગુજાર્યા હતા. તેમને બચાવવા મેજર સોમનાથ શર્મા, બ્રિગેડીયર મોહમ્મદ ઉસ્માન, લેફ્ટનન્ટ કર્નલ દિવાન રણજીત રાય તથા અનેક બહાદુર સૈનિકોએ પોતાનાં પ્રાણની આહુતિ આપી હતી અને હજી આપી રહ્યા છે. આ એ જ કાશ્મીર છે જ્યાંની જનતા હજી પોતાને ભારતનો ભાગ માનવા તૈયાર નથી. હજી તેઓ પાકિસ્તાનમાં જોડાવા માગે છે. હજી તેઓ પાકિસ્તાનને કોણ જાણે કઇ ‘વાટાઘાટ’માં સામેલ કરી ભારતથી જુદા થવા માગે છે. કાશ્મીરમાંના બૌદ્ધ તથા અન્ય ધર્મના લોકોને સમાન નાગરિક માનવા તૈયાર નથી. ચાર-પાંચ પેઢી પહેલાં ‘કૌલ’ અટક ધરાવતા બ્રાહ્મણના વંશજ ધર્મ બદલીને કાશ્મીરના મુખ્યપ્રધાન બન્યા, શેરે કાસ્મીર કહેવાયા, અને આજે પણ તેમના પૌત્ર - ત્યાંના મુખ્ય પ્રધાન બનેલા જનાબ ઓમર ફારૂખ મુંબઇમાં અને દિલ્લીમાં મિલ્કતો ધરાવે છે, પણ ભારતીયોને યાત્રા માટે કાશ્મીરની જમીનનો એક ચોરસ ગજ પણ આપવા તૈયાર નથી. “જો શહીદ હુવે હૈં ઉનકી જરા યાદ કરો કુરબાની” ગાતાં તેમને કે આપણા નેતાઓને લજ્જા નથી આવતી. કહેવાય છે કે નહેરૂ લતાજીને કઠે આ ગીત સાંભળીને રોઇ પડયા હતા!!!!

જીપ્સી જ્યારે સ્મૃતી-વનમાં ખોવાઇ જાય છે, તેને યાદ આવે છે અહીં વર્ણવેલા સ્થળો - પૂંચ-રજૌરી, નસ્તાચૂન પાસ, તંગધાર, કૃષ્ણગંગા નદીની - જ્યાં તે પોતે સેવા બજાવી આવ્યો છે. અહીંના દુર્ગમ પહાડો, જેનાં ચઢાણ એટલાં મુશ્કેલ છે, ત્યાં આપણા સૈનિકો દુશ્મનના અંગાર-વર્ષાસમા ગોળીબાર અને મોર્ટરના મારાની પરવા કર્યા વગર, પ્રાણની આહુતિ આપીને દેશને બચાવતા રહ્યા હતા અને હજી બચાવી રહ્યા છે. આ પવિત્ર ભુમિ પર ચાલી ગયેલા આપણા બહાદુર સૈનિકોનાં પગલે પગલે ચાલવાનું મહદ્ભાગ્ય ‘જીપ્સી’ને લાધ્યું તે શહીદોની યાદમાં કોઇક વાર તેની આંખ ભીની થઇ જાય છે.....

હા, એક સૈનિકને પણ ભાવ-વિવશ થવાનો અધિકાર છે!

tatto media
tatto media