Wednesday, December 30, 2015

૨૦૧૫નું વર્ષ નવાઈ લાગે એટલી ત્વરાથી વહી ગયું!  વિતેલા વર્ષનું વિહંગાવલોકન કરતાં ખ્યાલ આવશે કે આપને અનેક સિદ્ધીઓ પ્રાપ્ત થઈ હતી. સુંદર અનુભવો આવ્યા હતાં, અને આજે જ્યારે નુતન વર્ષની સંધ્યાએ નવા વર્ષના આગમનની ઘડીઓ ગણીને રાતના બારના ટકોરા સાંભળતા હશો ત્યારે Auld Lang Syneના ગીતો સાથે ટેલિવિઝન પર અનેક પાટનગરોમાં ઉજવાતી આતશબાજી જોવા મળશે.  આપને તેમાં આગામી વર્ષના પથ પર પડતો આશાનો પ્રકાશ પણ  દેખાશે. તે સમયે કદાચ ગયા વર્ષના યાદગાર પ્રસંગોની ઝાંખી પણ થશે.

વિતેલા વર્ષને અલ વિદા કહી ૨૦૧૬નું વર્ષ આપને આરોગ્યદાયી અને આનંદમય નીવડે એવી શુભેચ્છા સાથે આ વર્ષનો  છેલ્લો અંક રજુ કરું છું.

આવતા વર્ષમાં આપની સેવામાં વર્ષો પહેલાં જિપ્સીએ  સ્વ. નિર્મલા દેશપાંડેએ લખેલી મરાઠી નવલકથા 'બંસી કાહેકો બજાયી'નું લેખિકા તથા પ્રકાશકની લેખિત પરવાનગીથી કરેલ ગુજરાતી ભાષાંતર પ્રસ્તૂત કરીશું. આજના અંકમાં અનુવાદકનું નિવેદન રજુ કર્યું છે, જેના પરથી લેખિકાની પ્રતિભાનો અને પુસ્તક વિશે આપને ખ્યાલ આવશે.
***
મરાઠી સાહિત્યમાં નિર્મલાબહેન દેશપાંડેનું સ્થાન વિશીષ્ઠ અને માનપૂર્ણ ગણાય છે. જેમ ખાનોલકરે કોંકણ અને ગ.દિ. માડગુળકરે દેશની ખુશ્બૂ તેમના સાહિત્યમાં રજુ કરી, તેમ નિર્મલાબહેને તેમની જન્મભુમિ - બુંદેલખંડની ધરતીની સુગંધને મરાઠી પૈઠણીની પોતમાં સુલભ અને સુંદર રીતે વણી લીધી છે. તેનો આહ્લાદદાયક પમરાટ, ત્યાંની વ્યક્તિઓ અને તેમના વાસ્તવ્યની જમીનનું દર્શન વાચક વર્ગને જરૂર મોહી લેશે. બુંદેલખંડની સુજલા અને સુફલા ધરતી તથા તેમાં વસતા નિર્દોષ અને સરળ મનના લોકોની એવી જ નિર્મળ કથા એટલે 'બંસી કાહેકો બજાયી'. કથાની નાયિકા ચંદ્રાવતી છે. તેની સહનાયિકા છે નાજુક હૃદયની કિશોરી જામુની. પુસ્તક વાંચતાં ચંદ્રાવતીના મનની સંવેદનાઓને અનુભવીએ અને તેની ભાવનાઓના projectionનો અહેસાસ થાય ત્યાં જામુનીનું પારદર્શક, પ્રામાણિક અને લાગણી-સભર વ્યક્તિત્ત્વ આપણા માનસપટલ પર આગમન કરે છે.

જામુની. આંખોને આંજી નાખે તેવી પ્રતિભાશાળી કિશોરીનું આ નવલકથામાં આગમન
સામાન્ય લાગશે. લગભગ દુર્લક્ષ્ય કરવા જેવું. જેમ જેમ લેખિકા જામુનીના વ્યક્તિત્વના પાસાઓ પર પ્રકાશ પાડે છે, તેમ તેમ એક દુર્લભ હીરામાંથી નીકળતા પ્રકાશની હજારો જ્યોતિઓની જેમ ઝળહળી ઊઠે છે તેની નિર્દોષ બાલીશતા, કૌમાર્યની કુમાશભરી પ્રેમભાવના અને યુવાવસ્થાએ પહોંચતાં પહોંચતા તેણે જીવનના વાસ્તવિક સત્યનો કરેલો સ્વીકાર. એક ગ્રામકન્યા હોવા છતાં તેણે જીવન દર્શનનો જે સાક્ષાત્કાર કર્યો અને તેનો તે જે રીતે ખુલાસો કરે છે, તે ચંદ્રાવતી જેવી આધુનિક યુવતિને અને વાચકોને આશ્ચર્યચકિત કરી નાખે છે. જામુનીએ ગાયેલાં ગીતોને પોતાના જીવન સાથે તેણે એવી સહજતાથી વણી લીધા છે તે સાંભળીને - વાંચીને આપણા મનમાં જેવી કસક ઉપજશે, તેના પ્રત્યે જે આત્મભાવ જન્મશે તે અનન્ય અનુભવ સાબિત થશે.

મૂળ નવલકથામાં નિર્મલાબહેને લખેલા કેટલાક હિંદી સંવાદ બને ત્યાં સુધી તેવાં જ રાખ્યા છે જેથી ત્યાંની માટીની મહેક આપણે અનુભવી શકીએ. એક અન્ય મજાની વાત જોવા મળશે કે આપણી માતૃભાષાને પરદેશમાં પણ જાળવવાનો પ્રયત્ન કરવા છતાં જ્યાં આપણે વસ્યા છીએ, ત્યાંના શબ્દપ્રયોગ કે વ્યાકરણ આપોઆપ આપણી ભાષામાં આવી જતા હોય છે. ઉદાહરણ તરીકે 'હું જઉં છું' કહેવાને બદલે હિંદીભાષીક પ્રદેશોમાં બોલાતાં 'મૈં જા રહા હું'નું ગુજરાતીકરણ 'હું જઈ રહ્યો છું' આપોઆપ થતું હોય છે. નિર્મલાબહેને આવા વાક્યપ્રયોગ ઠેરઠેર કર્યા છે, તે આપણા ભાષાંતરમાં પણ રાખ્યા છે.

અંતમાં એક વાત કહીશ: લંડનમાંના મારા રહેવાસ દરમિયાન વેમ્બલીની લાઈબ્રેરીમાં ગુજરાતી પુસ્તકોનો વિભાગ છે તે જાણવા મળ્યું ત્યારે હું કિશનસિંહ ચાવડાનું 'અમાસના તારા' લેવા ગયો. પુસ્તક તો કોઈ લઈ ગયું હતું, પણ તપાસ કરતાં ગુજરાતી પુસ્તકોની બાજુમાં કેટલાક મરાઠી પુસ્તકો જોવા મળ્યાં. તેમાં 'બંસી કાહેકો બજાયી' જોયું. પહેલાં તો તેની ઉપેક્ષા કરી, કારણ કે 'અમાસના તારા'માં કિશનસિંહજીની આ જ શિર્ષકની એક પહાડી બાલિકાની સુંદર વાર્તા હતી. જો નિર્મલાજીનું પુસ્તક શિર્ષકને અન્યાય કરનારૂં નીવડે તો મનમાં ઉદ્ભવનારી નિરાશા સહન કરવા મન માનતું નહોતું. તેમ છતાં પુસ્તક લીધું, વાંચ્યું અને તેની મારા માનસ પર એવી તીવ્ર અસર પડી કે તેનું ભાષાંતર કર્યા વગર રહી ન શકાયું. લેખિકાને પત્ર લખી તેમની રજા મેળવી. કમભાગ્યે 'જિપ્સી'ને પ્રકાશક ન મળ્યા અને વર્ષો સુધી તેની હસ્તપ્રત પડી રહી. વીસ વર્ષ બાદ જુનો સામાન ઉખેળતાં 'બંસી...' હાથ લાગી અને તે આપની સમક્ષ રજુ કરવાનું મન થયું. આશા છે આપને તે ગમશે.

ફરી એક વાર આપ સૌને નુતન વર્ષાભિનંદન અને સાલ મુબારક.

Monday, September 28, 2015

આસપાસ - ચોપાસ (૫) - કાહે કો બ્યાહી બિદેસ

ગીત વિવિધા :  દાદા હો દીકરીનાં ગીતો 

હાલમાં જ દેશ પરદેશમાં ‘પુત્રી દિન’ ઉજવાયો.
સાચું કહીએ તો વિશ્વની પરંપરામાં પુત્રી દિનની ઉજવણી તેના જન્મથી જ માતા પિતાના જીવનમાં દરરોજ ઉજવાય છે! આ ઉત્સવ ભારતમાં સહેજ જુદો હોય છે : આપણે ત્યાં મા-દીકરીનો સંબંધ તો સ્વર્ગથી રચાઈને આવે છે! દીકરીના જન્મ બાદ પણ તેમની વચ્ચેની સૂક્ષ્મ umbilical cord કદી કપાતી નથી. પહેલાં દીકરી રમકડું હોય છે, ત્યાર પછી જીવનભરની સાહેલી. બીજી તરફ બાપ - દીકરીનો સંબંધ એવો જ અજબ હોય છે. ફેર એટલો હોય છે કે બાપ તેની ભાવનાઓને વાચા નથી આપી શકતો! બસ, એ તો દીકરીને હેતભરી દૃષ્ટીથી જોઈ તેના અંતરની અમિવર્ષા તેના પર વરસાવતો રહે છે. પરાકાષ્ઠા ત્યારે આવે છે જ્યારે દીકરીને સાસરિયે વિદાય કરવાનો પ્રસંગ આવીને ઉભો રહે છે. તે સમયે દીકરીના જીવનના પ્રસંગો એવાં શ્રેણીબદ઼ધ સ્વરૂપે પિતાની આંખ સામે તાજાં થાય છે અને ક્યારે તેની આંખો અને હૃદય સજળ થાય તેનો તેને ખ્યાલ નથી રહેતાે. સામાન્ય માણસ તેની ભાવનાઓમાં ખોવાય છે જ્યારે કવિહૃદયી પિતા તેની ભાવનાઓને તેની નોંધપોથીમાં શબ્દો ટપકાવીને અંજલિ આપે છે.

જુના જમાનામાં દીકરીનાં લગ્ન લેવાનો માબાપ વિચાર કરતાં, ત્યારે લગ્ન ક્યાં કરવા છે તે વિશેની અંતરની વાત દીકરી મા પાસે કરતી. ક્યાં નથી કરવા તે બાપને કહેતી! આપે ‘દાદા હો દીકરી’ સાંભળ્યું છે! આ ગીત આપણે સૌ યાદ કરીએ. મનમાં પ્રશ્ન થયો, આવાં ગીતો ભારતના બીજા પ્રદેશોમાં પણ ગવાય છે કે? આજના અંકમાં આ પ્રશ્નના જવાબમાં મળેલાં ગીતોની વાત કરીશું. 

સૌ પ્રથમ આપણું પરંપરાગત ગીત જે હંમેશા આપણી યાદગિરીમાં તાજું રહ્યું છે તેની વાત કરીશું. ‘બાપુ, મારાં લગ્ન વાગડમાં ના કરશો. ત્યાંની સાસુઓ વઢકણી હોય છે…' વાગડમાં જવા ન માગતી દીકરીઓ માટે બીજું કારણ હતું વાગડના ઉજ્જડ પ્રદેશમાં વર્તાતી પાણીની અછત. દૂર દૂર સુધી હેલ્ય ભરવા વહુવારૂઓને પગ દાઝે એવી ગરમીમાં જવું પડતું અને ઘેર આવતાં વેંત વઢકણી સાસુનાં મહેણાં ટોણાં સાંભળવાના! આશાજીએ ગાયેલું ગીત દીકરીની ભાવનાને મૂર્ત સ્વરૂપ આપે છે 

દાદા હો દીકરી


***
લગ્ન ક્યાં નથી કરવા તેની ફરિયાદ કહો કે મીઠો તકાજો દીકરી બાપ પાસે જ કરે ને! ગુજરાતની જેમ ઉત્તરાંચલના કુમાઁયૂં પ્રદેશમાં પણ આવું જ એક ગીત પ્રચલિત છે. આપ નૈનીતાલ, ભીમતાલ, રાનીખેત અને અલ્મોડા જેવા પ્રેક્ષણીય સ્થળોએ ગયા હશો. જિપ્સી મિલિટરીમાં હતો ત્યારે તેને તથા તેના સાથીઓને આ પહાડોમાં પ્રશિક્ષણ માટે જવાનું થયું હતું. એક સ્થળે તેણે એક કિશોરીને તેના વાછરડા પાછળ દોડતી જોઈ. વાછરડું કિશોરી સાથે ગેલ કરતું હતું અને પૂંછડું ઉંચું કરીને ભાગતું હતું અને ઓઢણી પહેરેલી આ કિશોરી એટલી જ ચપળતાથી ડુંગરાઓમાં તેની પાછળ દોડતી હતી. અમે સૌ તેનો આ ખેલ જોતાં રહ્યાં અને જ્યારે તેણે વાછરડાને પકડ્યું, સૌએ તાળીઓ વગાડી. પહાડોમાં સહેલાઈથી દોડતી, ઘાસ કાપીને મોટા ભારા ઉપાડીને ઘર ભણી દોડતી યુવતીઓને બાપનું ઘર છોડી જવાની ઈચ્છા થતી નથી. પિતા દીકરીને સખત મહેનત ન કરવી પડે તે માટે દૂર આવેલા સપાટ ખીણનાં ગામમાં દીકરીને પરણાવવાની વાત કરે છે. બાપુજીનું ઘર છોડી જવું નથી તેથી દીકરી બહાનાં કાઢીને દૂર ખીણમાં લગ્ન ન કરવા વિનવણી કરે છે. આવી એક ખીણનું નામ છે ચાના બિલોરી. દીકરી ગીતમાં પિતાને આર્જવતાપૂર્વક કહે છે, ‘મને ચાના બિલોરીની ખીણના ગામમાં પરણાવશો મા!’ અને તે કારણો આપે છે તે સાંભળીને હસવું પણ આવે! 

અહીં રજુ કરેલા ગીતના ગાનાર છે ગૌરવ પાંડે - કુમાઁયૂંના આધુનિક ગાયક. કેવળ પિયાનોના સાથમાં તેમણે આ લોકગીત ગાયું છે એવી જ પહાડી સરળ, મધુર શૈલીમાં. ગીતની સાથે અંગ્રેજી સબટાઈટલ્સ છે, તેમ છતાં તેનો સાર અહીં આપ્યો છે.
Chaana Bilauri:
બાઉજ્યૂ (બાપુજી) મને ચાના બિલોરીના ગામમાં ના પરણાવતા. ત્યાંનો તડકો મને સહન નહિ થાય! ત્યાંની આવી ગરમીમાં ઘાસ કાપવા દાતરડું પણ હાથમાં નહિ પકડાય. રોટલા તો મારે ત્યાં પણ ચૂલામાં શેકવાના છે, પણ માથા પર પડતી સખત ગરમીમાં આ કેમ કરીને હું કરી શકીશ? બાપુજી, મને ચાના બિલોરીમાં ના પરણાવશો. તમે (એવા પ્રેમથી મને ઉછેરી છે જેથી) મારો ચહેરો ફૂલ જેવો છે તો ચાના બિલોરીની ગરમીમાં તેના શા હાલ થશે? મને ચાના બિલોરી ના પરણાવતા! 


***
ઉત્તર પ્રદેશ અને બિહારની કન્યાઓનાં ગીતો પાછળ એક હૃદયસ્પર્શી ઈતિહાસ છે. ત્યાંની અસહ્ય ગરીબાઈમાં કામધંધો ન મળવાને કારણે યુવાનોને વતન છોડી દૂર કોલકાતા, મુંબઈ, દિલ્હી જેવા સ્થળોએ જવું પડતું - પડે છે. લગ્ન કરીને ગયેલી વહાલી દીકરીને સાસરિયામાં સાસુ-સસરાની સેવામાં કષ્ટ કરવા પડતાં, જ્યારે પતિ દૂર દેશમાં મહેનત મજુરી કરતો હોય. દીકરીઓનાં ગીતો તેમની વિદાયગિરીના સમયથી શરૂ થઈ શ્રાવણ મહિનામાં પિયર જવાની ઝંખનામાં, પતિને મળવાની ખેવનામાં, પિયુના વિરહમાં - સઘળી સ્થિતિમાં ગવાતાં રહ્યાં છે. આ ગીતોનું વૈવિધ્ય ગજબનું છે : નૈહર છૂટવાનો ગમ, ઓણ શ્રાવણમાં તો બાપુ, ભાઈને મોકલી મને પિયર બોલાવી લો! અને પછી તેમના હૃદયમાંથી વહે છે હોરી, કજરી, બસંતનાં ગીતો. આ ગીતોમાંનું સૌથી પ્રખ્યાત નૈહર ગીત તો લખનૌના છેલ્લા નવાબ વાજીદ અલી શાહનું ‘નૈહર છૂટો જાય’ સ્વ. કુંદનલાલ સાયગલના સ્વરમાં આપે અનેક વાર સાંભળ્યું હશે. આજે થોડું ઓછું સાંભળેલું ગીત અનુભવીશું. તેરમી સદીના સૂફી સંગીતકાર અમીર ખુશરોએ લખેલું ગીત “કાહે કો બ્યાહી બિદેસ, અરે લખિયા બાબુલ મોરે, કાહે કો બ્યાહી બિદેસ…” આઠસો વર્ષ પહેલાં પણ દીકરી બાપુ પાસે ફરિયાદ કરતી હતી તે આજે પણ આપણે અનુભવીએ છીએ. પરણીને અમેરિકા કે અૉસ્ટ્રેલિયા જતી દીકરીના અંતરમાંથી નીકળતું આ ગીત આપણે ક્યાં નથી અનુભવ્યું?
આજે આ ગીતના ભાવ રજુ કર્યા છે;


આ ગીત એટલું તો ભાવનાસભર છે, તેનો કડીબદ્ધ ભાવાર્થ ઉતાર્યા વગર રહી ન શકાયું. 

"અમને પરદેશ શા ને વળાવ્યાં, બાપુ, શા માટે અમને પરદેશમાં પરણાવ્યાં?

અમે તો, બાપુ, તમારી વેલની એક કળી છીએ. અમને તો (આસપાસના) ઘર ઘરથી માગાં આવતાં હતાં, તેમ છતાં તમે મને પરદેશ વળાવી?

અમે તો બાપુ, તમારા પીંજરાની મેના છીએ. સવારે કિલ્લોલ કરતાં ખુલ્લામાં ચણવા જઈએ ને સાંજે પાછા ઘેર આવીએ. (હવે તો તમે) અમનેપરદેશ વળાવી. કેમ કરી પાછાં આવીશું?

અમે તો બાપુ, ખિંટીએ બાંધેલી ગૌ સમાન છીએ. જ્યાં દોરીને લઈ જાવ ત્યાં જઈએ, પણ પરદેશ?

અમારા ઓરડામાં ગોખલાે ભરીને ઢિંગલીઓ રાખી છે, તેને પણ મૂકીને જવું પડે છે. એટલું જ નહિ, અમારી અગાશી હેઠેથી અમારી વેલ (પાલખી) નીકળી ત્યારે ભાઈલો બેભાન થઈને પડ્યો તે તમે જોયું, બાપુ?

ભાઈલાને તો બાપુ, તમે બે માળની હવેલી આપી, પણ અમને તો તમે પરદેશ (દેશ નિકાલ) આપ્યો."

અંતમાં બાપ ખુશરૂના શબ્દોમાં કહે છે:
"ખુશરૂ કહે છે, હે મારી લાડલી, હું તો તને સૌભાગ્યવતી જોવા માગું છું! તારૂં લગ્નજીવન ભાગ્યશાળી નિવડે એ જ મારી તને દુઆ છે!
***
આવું જ એક પ્રચલિત પંજાબી ગીત છે. ભારત અને પાકિસ્તાનના પંજાબની દરેક મા તેની દીકરીને આ ગીત શીખવે. સૌથી પ્રખ્યાત રજુઆત સુરિંદર કૌરની હતી. અહીં રિમિક્સમાં હર્ષદીપ કૌરનું ગીત મૂક્યું છે.
લગ્ન પછી આણું વાળવા (જેને હિંદી અને પંજાબીમાં ‘મૂકલાવા’ કહેવાય છે) જમાઈ આવે છે અને તેની પાછળ હૃદયનો કટકો પિતાનું ઘર છોડીને જાય છે. દીકરીના અંત:કરણમાં પિતૃગૃહ છોડતી વખતે જે દર્દ થાય છે, તેનું આ ગીતમાં જુદી રીતે નિરૂપણ કરીને દીકરી ગાય છે - તે પણ એકલતામાં. પતિ એકલો આવે છે. પત્નીને કસૂર (હાલ પાકિસ્તાનનું શહેર)ની પ્રખ્યાત નવી નક્કોર મોજડી (જેને કસુરી જૂતી કહેવાય છે) પહેરાવે છે. વાપર્યા વગરની મોજડી હજી કડક છે અને પગમાં ડંખે છે. આવામાં તેને લેવા આવેલો પતિ ચાલીને લઈ જાય છે. જતી વખતે તો દીકરી કશું કહેતી નથી, પણ આખે રસ્તે તેના હૃદયમાં અને બંધ ન બેસતી જૂતી પહેર્યા બાદ જે તકલીફ થાય છે તે આ ગીતમાં પિતાને ઉદ્દેશીને ગાય છે.

જૂતી કસૂરી, પૂરી પહેરી પણ નહોતી અને હે ભગવાન, અમને તો (લાંબું) ચાલવું પડ્યું.
(જીવનમાં આવેલા) જે રાહનો સાર અમે જાણ્યો નહોતો ત્યાં અમારે વળવું પડ્યું.

સાસરિયાંને ગામ જવાનો રસ્તો લાંબો છે અને ઉતાવળે ચાલવું પડ્યું છે. આટલે દૂર જવું છે તો પણ
‘એણે’ તો ભાડેથી ઘોડાગાડી પણ ન કરી! અને જુઓ, મને પગે ચલાવીને લઈ જાય છે. આવું તે આણું કોઈ વળાવતું હશે? 
એ તો સડક પર (ઝપાટાબંધ) જઈ રહ્યો છે
મને દર્દ થાય છે તે હું કહી પણ નથી શકતી
(કેમ કે) હું અંતરનું દુ:ખ કહેતાં શરમાઉં છું. 
પગમાં તો લાડુ જેવડા ડંખ ફૂલી ગયા છે,
અને તેની સાથે સાથે ચાલી પણ નથી શકતી.
મારૂં કુમળું યૌવન, અને ઉપર સખત બપોરનો તડકો
અને આ મારો પ્રિયતમ, એને તો મારી દયા પણ નથી આવતી!
પગમાં સખત ડંખ પડી ગયા છે, ચહેરો મારો કરમાઈ ગયો છે
પણ મારો વાલીડો તો બસ, આગળ આગળ નીકળી જાય છે
અને મારે તેની પાછળ પાછળ જવું પડે છે.
(શું કરીએ?) કસૂરી જૂતી પૂરી પહેરી નથી 
અને ઓ ભગવાન, અમારે ચાલવું પડ્યું છે.
જે મારગનો અમે સાર પણ જાણ્યો નથી
ત્યાં અમારે વળવું પડ્યું છે!
‘જૂતી કસૂરી’નું આ રિમિક્સ ગાયું છે હર્ષદીપ કૌરે. અભિનેતાઓએ ગીતના ભાવને ન્યાય આપવા પૂરો પ્રયત્ન કર્યો છે.

***

અંતમાં રજુ કરીશું એક પિતાનો દીકરીને વળાવતી વખતે થતો તેના હૃદયનો આર્તભાવ. ગીત ગાયું છે અમિતાભ બચ્ચને અને સંગીત આપ્યું છે સ્વ. આદેશ શ્રીવાસ્તવે. ગીતના રેકૉર્ડીંગ વખતની વાત છે. ગીત શરૂ થયાનું છે કે પૂરૂં થયાનું, સ્ટુડિયોમાં બેઠેલા અમિતજીના ચહેરા પરના ભાવમાં સમસ્ત ગીતનો આત્મા ટપકતો જાય છે. સાંભળનાર તો બસ, સાંભળતો રહે છે.






Friday, September 25, 2015

જિપ્સીની ડાયરી: આસપાસ ચોપાસ (૪) : ક્યારે'ક વાંચેલી વાર્તા - સહપ્રવ...

જિપ્સીની ડાયરી: આસપાસ ચોપાસ (૪) : ક્યારે'ક વાંચેલી વાર્તા - સહપ્રવ...: રોહાના સ્ટેશન સુધી મારો ડબો સાવ ખાલીખમ હતો. ટ્રેન ઉભી રહી અને ડબામાં એક યુવતી ચઢી. તેને મૂકવા તેનાં માતા પિતા આવ્યા હતા. “તને એકલી મોક...

આસપાસ ચોપાસ (૪) : ક્યારે'ક વાંચેલી વાર્તા - સહપ્રવાસિની

રોહાના સ્ટેશન સુધી મારો ડબો સાવ ખાલીખમ હતો. ટ્રેન ઉભી રહી અને ડબામાં એક યુવતી ચઢી. તેને મૂકવા તેનાં માતા પિતા આવ્યા હતા.
“તને એકલી મોકલવા જીવ નથી ચાલતો. જો, ધ્યાન રાખજે. બારીમાંથી બહાર ડોકિયું કરતી નહિ, હોં કે! અને કોઈ અજાણ્યા માણસ સાથે વાત ન કરતી. કોણ જાણે કેવા કેવા લોક ટ્રેનમાં ચઢતા હોય છે અને એકલ દોકલ પૅસેન્જરને…”
“ડૅડ, મમ્મા! તમે ખોટી ચિંતા કરો છો! હવે હું નાની બેબલી થોડી રહી છું? અને આજે ક્યાં પહેલી વાર ટ્રેનમાં જઉં છું?”
“એવું નથી, પણ ધ્યાન રાખજે!”

ટ્રેન ચાલવા લાગી. મારી વાત કહું તો હું અંધ છું.  ડબાના એક અંધારા ખૂણામાં બેઠો હતો. મને તો કેવળ અજવાળાં કે અંધારાનો અણસાર આવતો. બાકી બધી રીતે મારી આંખની બૅટરીઓ ગૂલ હતી! આવી સ્થિતિમાં આ યુવતી દેખાવમાં કેવી હતી તે કેવી રીતે જાણી શકું? અત્યાર સુધી મને તો ફક્ત તેના રબરનાં સ્લિપરનો સટાક-પટાક અવાજ અને તેના અવાજની મીઠાશ સંભળાયા હતા. સાચું કહું તો મને તેનો અવાજ તો ગમ્યો જ પણ તેના સ્લિપરના અવાજમાં પણ માધુર્ય સંભળાયું!
એન્જીને સીટી વગાડી. ટ્રેન ચાલવા લાગી.
આપણે મુસાફરી કરતા હોઈએ ત્યારે સાથી પૅસેન્જર સાથે સામાન્ય વાતચીત થાય તેમ મેં તેને પૂછ્યું, “ક્યાં, દહેરાદૂન જાવ છો?”
એક તો હું ખૂણામાં બેઠો હતો અને ડબામાં થોડું અંધારૂં હતું તેથી મારો અવાજ સાંભળી યુવતી ચમકી ગઈ. પણ બીજી જ ક્ષણે તેણે આશ્ચર્યમિશ્રીત અવાજમાં કહ્યું, “અરે! ડબામાં બીજું કોઈ છે તેની મને ખબર નહોતી!”
હું કેવળ હસ્યો. ઘણી વાર તો સાજી - સારી આંખ વાળા લોકો તેમના વિચારમાં એટલા ડૂબેલાં હોય છે, તેમની નજર સામેની વસ્તુઓ જોઈ શકતા નથી. આ યુવતીની કદાચ આવી જ હાલત હોવી જોઈએ! મારા જેવી ચક્ષુહિન વ્યક્તિ તો તેમની બાકીની ચાર ઈન્દ્રિયોની મદદથી ઘણી વસ્તુઓ સાંભળી - સમજી શકતા હોય છે. મારૂં મિથ્યાભિમાન કહો કે લઘુતાગ્રંથિ, હું આંધળો છું તે મારે આ મધુર અવાજની યુવતીને જાણવા દેવું નહોતું. હું જ્યાં બેઠો હતો ત્યાં જ ભરાઈ રહ્યો.
“હું તો ફક્ત સહારનપુર સુધી જ જઉં છું. મારાં માસી મને લેવા સ્ટેશને આવવાના છે,” તેણે કહ્યું.
“ઓહ, એમ કે! જબરી  માસી કે વહાલી માસી? મારાં મોટાં માસી જબરાં કડક હતાં!” મેં હસીને કહ્યું.
“તમે ક્યાં જાવ છો?” તેણે પૂછ્યું.
“હું દહેરાદૂન જઉં છું. ત્યાંથી આગળ મસુરી.”
“કેટલા નસીબદાર છો તમે! મને તો પહાડો બહુ ગમે. અૉક્ટોબરમાં પહાડોમાં વાતાવરણ કેટલું ખુશનુમા હોય છે!”
“ખરૂં. આ સમયે મોસમ બહુ સરસ હોય છે," મેં કહ્યું. 
મારી દૃષ્ટિ જતાં પહેલાંના મારા અનુભવનો મેં લાભ ઉઠાવ્યો.  “આ મહિનામાં તો આખા પહાડમાં વનરાજિ એવી ખીલી ઉઠે છે! મોટા ભાગનાં સહેલાણીઓ પાછા તેમના વતનમાં ગયા હોય છે તેથી જંગલી ડેલિયાનાં ફૂલોથી સજેલા ડુંગરાઓ જોવાની મજા અનેરી હોય છે. પહાડોએ જાણે રંગીન ફૂલોનો પોશાક પહેર્યો હોય તેવું લાગે. સાંજે ઢળતા સુરજનાં કોમળ કિરણોનો આસ્વાદ લેતાં સૂર્યાસ્ત જોવાનો, ત્યાર પછી ફાયરપ્લેસની સામે બેસીને બ્રાન્ડીનો ગ્લાસ… હા, તમારી વાત સાચી છે. અૉક્ટોબરમાં મસુરી અદ્ભૂત જગ્યા થઈ જાય છે,” મેં કહ્યું.

યુવતી એકદમ ચૂપ થઈ ગઈ. મને થયું હું કંઈ વધારે પડતું બોલી ગયો અને મારી વાતને તેણે કદાચ ઉચ્છૃંખલ ધારી હશે. મને અપરાધભાવ થઈ આવ્યો. તેની શાંતિ જોઈ મને થયું તે હવે બારીમાંથી બહારનું દૃશ્ય જોઈ રહી હતી. મારે તેના સહવાસનો લાભ લેવો હતો તેથી પૂછ્યું, “બહાર કેવું દેખાય છે?” 
તે રૂષ્ટ થઈ હોય તેવું લાગ્યું. “તમે પોતે જોઈ લો ને?”
મેં ફંફોસીને બારીની કળ શોધી અને બારી ખોલી. બહાર જોયાનું ઢોંગ કરી મેં કહ્યું, “જોયું? બહાર તારના થાંભલા સ્થિર છે પણ એવું લાગે છે જાણે તે ભાગે છે અને ગાડી સ્થિર છે,” મેં જુની યાદો તાજી કરીને કહ્યું.
“હા, આવું તો હંમેશા થતું હોય છે,” યુવતીએ કહ્યું.
થોડો સમય અમે બન્ને ફરી ચૂપ રહ્યા. મેં તેની દિશામાં જોઈને કહ્યું, “તમારો ચહેરો એક કિતાબ જેવો છે!  તમારા મનના ભાવ તમારા ચહેરા પર સાફ વાંચી શકાય તેવા છે.”
યુવતી ખડખડાટ હસી પડી. હસવું રોકાયું ત્યારે તેણે કહ્યું, “અત્યાર સુધી મને જે મળે છે, મને કહે છે હું બહુ રૂપાળી છું! ફક્ત તમે એવા નીકળ્યા જેણે પહેલી વાર મારા ચહેરાને પુસ્તક સાથે સરખાવ્યો! આભાર.”
“તમારો ચહેરો સુંદર પણ છે!” મેં પુસ્તી જોડી.
“તમે પણ ખરા ખુશામદખોર છો!” તે ફરીથી હસી પડી.
હું વિચારમાં પડ્યો. તેના હાસ્યમાં મને હવે પર્વતમાંથી ખળખળ કરીને વહેતા ઝરણાંના અવાજની મીઠાશ જણાઈ. કેવી વિવિધ ખુબીઓ ધરાવતી આ યુવતી છે!

આવી ટૂંકી વાતોમાં બે કલાક કેવી રીતે નીકળી ગયા, ખબર ન પડી. હવે એન્જીનની સીટી વાતાવરણને ચીરતી અમારા ડબા સુધી પહોંચી.
“થોડી વારમાં તમારૂં સ્ટેશન આવી જશે,” મેં કહ્યું.
“હાશ! મને ટ્રેનનો પ્રવાસ નથી ગમતો. બે-ત્રણ કલાકથી વધુ ટ્રેનમાં બેસવાનું થાય તો હું કંટાળી જાઉં,” તેણે કહ્યું.
એન્જીને ફરી સીટી વગાડી અને ટ્રેનની ગતિ ધીમે ધીમે ઘટવા લાગી. દસ-પંદર મિનીટ બાદ આંચકા સાથે ટ્રેન રોકાઈ. સહારનપુર આવી ગયું. સ્ટેશન પર મજુરોની બૂમાબૂમ, પૅસેન્જરોની દોડધામ અને ફેરિયાઓનાે ઘોંઘાટ મને ન સંભળાયો. હું તો મારા હૃદયમાં ઉદ્ભવેલી શૂન્યતાનો શાંત સૂસવાટ સંાભળી રહ્યો હતો. કેટલા ઓછા સમયનો આ સંગાથ હતો અા અદ્ભૂત યુવતીનો! પણ તેની વિદાય મને શા માટે અસહ્ય લાગી રહી હતી? મેં તો તેનું નામ પણ નહોતું પૂછ્યું.

પ્લૅટફોર્મ મારી તરફ હતું અને દરવાજો મારી નજીક હતો. યુવતી ધીમે ધીમે મારી પાસેથી નીકળી. બારણા પાસે એક ક્ષણ રોકાઈને તે હળવાશથી બોલી, “આવજો!”

તેના ‘આવજો’ની સાથે તેના કેશમાંથી પમરાતી ખુશબૂ મારી નાસિકામાં પ્રવેશી. મને તેના વાળનેા સ્પર્શ કરવાની ઊર્મિ થઈ આવી, પણ મહામુશ્કેલીએ તે મેં રોકી. મારે તેના સહવાસની સુગંધી, સૌંદર્યમય ઘડીઓને ચિરસ્મણીય સ્વરૂપ આપવું હતું. એક એક ક્ષણ હું વાગોળતો હતો. એક નિ:શ્વાસની જેમ મારા મુખેથી “આવજો’ જેવાે શબ્દ નીકળ્યો અને તે નીચે ઉતરી. તેની વિદાયના વિચારમાં હું ઉદાસી અનુભવું તે પહેલાં એક મુસાફરે જોરથી દરવાજો ખોલ્યો, અંદર આવીને જોરથી બંધ કર્યો. મારી વિચારધારામાં આંચકા સાથે ભંગ પડ્યો.

“મારી ધમાચકડી માટે મને માફ કરજો!” તે બોલ્યો. પછી ઝંખવાણા અવાજમાં તેણે કહ્યું, “હમણાં ઉતરી તે તમારી સહપ્રવાસીની અત્યંત સુંદર હતી. હવે પછીનો તમારો પ્રવાસ આ અણઘડ અને કદરૂપા જણ સાથે તમારે કરવાનો છે,” કહીને તે હસી પડ્યો. 

“મને એક વાત કહેશો? તેના કેશ કેવા હતા? લાંબા હતા કે બૉબ્ડ?” મેં આગંતુક પ્રવાસીને પૂછ્યું. 

“સૉરી, તેના વાળ તરફ મારૂં ધ્યાન ન ગયું, પણ હા, મેં તેની આંખો જોઈ. આવી મોટી, હરણી જેવી  સુંદર આંખો કોઈ યુવતીમાં મેં ભાગ્યે જ જોઈ છે. પણ કુદરતની કરણી જુઓ! આંખોનો તેને કશો ઉપયોગ નહોતો. બિચારી આંધળી હતી.”

Tuesday, September 22, 2015

આસપાસ ચોપાસ - (૩) : એક ગુજરાતી, એક અંગ્રેજી...

ભાવનગરના નુતન વિદ્યાલયમાં ભણતો ત્યારે નિશાળે જવા રાજ્યના શિક્ષણ નિયામક ગજાનન ભટ્ટના બંગલા પાસેથી નીકળતો. શિક્ષણ વિભાગમાં ભટ્ટજી તેમના દબદબા માટે જાણીતા હતા તેના કરતાં વધારે પ્રખ્યાત તેઓ તેમણે લખેલ એક પુસ્તક “માનવકથા” માટે હતા. સદ્ભાગ્યે મને ૧૯૪૭માં તે વાંચવા મળેલું અને તેમાંની કેટલીક વાતો હંમેશ માટે યાદ રહી ગઈ. આજે આ પુસ્તકમાંની વાત ફરી યાદ કરીને રજુ કરૂં છું.
***
ભાવનગર રાજ્યના એક નાનકડા ગામની વાત છે. ગામમાં એક ખેડૂત પરિવાર રહે. તેમાંના મોટા ભાઈ સંત પ્રકૃતિના અને અપરિણીત. આખો દિવસ પ્રભુભક્તિમાં અને ભજન કિર્તનમાં ગાળે. ગામે ગામથી લોકો ભગતને ભજન ગાવા બોલાવે. સાંજે ભગત જે જાય તે ઠેઠ બીજા દિવસે પાછા આવે. કોઈ વાર દૂર ગામના લોકો ગાડું મોકલે અને ન મોકલે તો ભગત ચાલતા આવે ને જાય. 

નાના ભાઈ કુટુમ્બની જમીન ખેડે. રાત દિવસ મહેનત કરે. વરસે પાક ઉતરે તેમાંથી રાજભાગ આપી બાકીની ઉપજમાંથી મોટા ભાઈ કહે તેમ દાનધરમ કરે અને બાકી બચે તેમાંથી કુટુમ્બનું ગુજરાન ચલાવે. ભગવાનની કૃપા એવી, કોઠીમાંનું ધાન કદી ઓછું ન પડે. નાનકડો તેમનો પરિવાર. ભગત પણ નાનાભાઈ, ભાભી અને તેમનાં સંતાનોને આશિષ આપી પોતાની પ્રવૃત્તિમાં મશગુલ રહે. કોઈ કોઈ વાર ભગત નાનાને કહે પણ ખરા, “ભાઈલા, આવો, આજ સત્સંગમાં બેસો!” થાક્યો પાક્યો ભાઈ કહે, “ભગત, આજે તો રે’વા દ્યો. રાતના રખોપું કરવા જાવું છે. ફરી કો’ક દિ.”
ભગતે કહ્યું, “હશે, ભાઈલા.”
“ભગત બસ તમારા આશિષ અમારા માથા પર રે’વા દેજો. જે ભગતિ કરો છો ઇમાં ભગવાનને કહી અમારો ભાગ રાખજો. ભગવાનને હાથ જોડીને કે’જો કે તમારી ભેળાં અમને પણ તમારા પગ પાંહે જગ્યા આપજો!”

ભગતે હસીને કહ્યું, “ભાઈ, તમે કે'દિ અમારી ભગતિમાંથી જુદા રિયા છો? અમારા કરતાં તમારી ભગતિ વધારે હોય છે!”

નાનાભાઈ તનતોડ મહેનત કરી સૌને રોટલા ભેગા કરે છે. સંસાર સુખી છે. 

એક દિવસ ખેતરે પાક લણી નાનાભાઈ સાંજે ગાડું જોતરી ઘરભણી આવતા હતા ત્યાં ગામને પાદર આવેલી નદીના કાંઠે ભગત એક ગાડામાં બેઠાં હતા. ગાડું ઉભું હતું અને ભગત જાણે નાનાભાઈની વાટ જોઈને બેઠાં હતા. નાનાભાઈએ આવું ચમકતું ગાડું પહેલાં જોયું નહોતું. ભગતને તો ગામે ગામથી લોકો બોલાવે. ગાડાંનો શણગાર જોઈને નાનાભાઈ જાણી ગયા કે આ ગાડું નક્કી દરબાર સાહેબે મોકલ્યું લાગે છે! ગાડાંના ચાલકના શિરે મોટું ફાળિયું અને કપાળે મોટું ટિલું હતું અને ભગતની સાથે તે હસીને વાત કરતો હતો. બેઉના ચહેરા પર હરખ વર્તાતો હતો. 

નાનાભાઈને જોઈને ભગત બોલ્યા, “રામ રામ, નાનાભાઈ. તમારી વાટ જોઈને બેઠા’તા. આજે હાલો અમારી ભેગા. આજનો સત્સંગ ખોવા જેવો નથી.”
નાનાભાઈએ કહ્યું, “ના, ભગત. આજે અમે બહુ થાકી ગયા છીએ. ફરી કો’ક દિ. તમતમારે એ’ય ને મજેથી ભજન કરજો. કાલે મળશું. રામે રામ,” કહી નાનાભાઈ ઘર ભણી નીકળ્યા.

દસે'ક મિનીટમાં પટેલ ઘરે પહોંચ્યા અને ડેલીએ મોટું ટોળું જોયું. સ્ત્રીઓ રડતી હતી. ડેલીમાંથી ગામના મુખી બહાર નીકળ્યા અને નાનાભાઈ પાસે જઈને બોલ્યા, “પટેલ, ભગત એક કલાક પે’લાં મોટા ગામતરે પુગી ગ્યા. બસ, હાથમાં તંબૂરો લઈને તાર મેળવતા’તા અને જીવતરના તાર કાયમ સાટુ પરમાત્મા સાથે સંધાઈ ગ્યા!"

મોટા ગામતરે જતાં પહેલાં ભગત નાનાભાઈને આપેલું વચન પાળવા રોકાયા હતા! નાનાભાઈ નિ:શ્વાસ મૂકીને બોલ્યા, "ધન છે ભગત અને ધન છે તમારી ભક્તિ! અને આપેલું વચન પણ પાળવા રોકાણાં હતા!"

***
આજની બીજી વાત છે અૉસ્કર વાઈલ્ડની વાર્તાઓમાંની. અૉસ્કર વાઈલ્ડ મેધાવિ લેખક અને બૌદ્ધીક વ્યક્તિ હતા. તેમનું વ્યક્તિત્વ એવું તો પ્રતિભાશાળી હતું, તેમના પરિચયમાં આવેલ દરેક વ્યક્તિ તેમની અસાધારણ બુદ્ધિમત્તાથી અંજાઈ જતી. તેમણે લખેલી નવલકથા "ધ પિક્ચર અૉફ ડોરિયન ગ્રે" અને નાટક "ઈમ્પૉર્ટન્સ અૉફ બીઈંગ અર્નેસ્ટ", "લેડી વિંડરમીયર્સ ફૅન" તથા લઘુકથાઓ "સેલ્ફીશ જાયન્ટ", "ધ હૅપી પ્રિન્સ" ઘણા લોકપ્રિય થયા હતા. આમાંની છેલ્લી બે વાર્તાઓ અમારા શાળાના અભ્યાસક્રમમાં હતી.  વિશ્વમાં જ્યાં જ્યાં અંગ્રેજી સાહિત્ય શીખવવામાં આવે છે, ત્યાં અૉસ્કર વાઈલ્ડનાં પુસ્તકોનો અભ્યાસ જરૂર થાય છે.  
***
"લૉર્ડ આર્થર સેવિલ્સ ક્રાઈમ" - લે. અૉસ્કર વાઈલ્ડ

લંડનમાં હાલમાં જ આવેલ આ જ્યોતિષી ટૂંક સમયમાં જ પ્રખ્યાત થઈ ગયા હતા. તેમણે ભાખેલ ભવિષ્ય હંમેશા સચોટ નીકળતા. કેટલીક વાર તો જેમનો હાથ તેમણે જોયો હોય તેના જીવનમાં બે દિવસ બાદ શું થવાનું છે તે પણ કહી શકતા હતા! લંડનના ઉમરાવ વર્ગમાં તો તેઓ એવા લોકપ્રિય થઈ ગયા હતા કે ન પૂછો વાત. નહોતા પ્રભાવિત થયા બુદ્ધિજીવી લૉર્ડ આર્થર સેવિલ.

ઉચ્ચ વર્ગના વર્તૂળોમાં જ્યારે ફૅશનેબલ સ્ત્રી પુરુષોનાં ટોળાં જ્યોતિષીને હાથ બતાવવા ઊંચા નીચા થતા હોય, લૉર્ડ સેવિલ દૂરથી તેમને જોઈ હસે. તે વખતે કાં તો તેમના હાથમાંની પ્યાલીમાંથી આસવની ચૂસકી લેતા હોય કે સિગારનો કશ લેતા હોય. તેઓ કદી આ જ્યોતિષી પાસે ન ગયા કે ન કદી તેની ભવિષ્યવાણીમાં રસ લીધો.

એક દિવસ જ્યોતિષીથી રહેવાયું નહિ. તેઓ લૉર્ડ સેવિલ પાસે પહોંચી ગયા અને પૂછ્યું, "લોકોનાં હાથ જોઈને હું જે કહું છું તે તમને મજાક લાગે છે?"
"મજાક નહિ તો બીજું શું? તમે કહો અને તે થાય એ શક્ય જ નથી."

જ્યોતિષી ગુસ્સે થયા.

"એક વાર તમારો હાથ મને જોવા દો. હું કહું છું તેમાંનો એક પણ શબ્દ ખોટો હોય તો આ કામ કાયમ માટે મૂકી દઈશ," કહી તેણે જબરજસ્તીથી તેમનો હાથ ખેંચી તેના પર નજર નોંધી. થોડી વારે તેમના ચહેરા પર ચિંતાનો ભાવ પ્રગટ્યો.
"લૉર્ડ સૅવિલ, પહેલી વાત તો એ છે કે હાલમાં જ તમે એક તરૂણીના પ્રેમમાં પડ્યા છો. એટલું જ નહિ,તેના પર બેસુમાર પ્રેમ કરો છો. તેના વગર જીવવું તમને શક્ય લાગતું નથી. બીજી વાત, તમારા હાથે એક ગંભીર ગુનો થવાનો છે. એટલી હદ સુધી ગંભીર કે તે મોટી લૂંટ કે માનવહત્યા પણ હોઈ શકે છે. જ્યાં સુધી તમારા હાથે ગુનો નહિ થાય, તમારા લગ્ન થઈ નહિ શકે. 

"તમને લાગતું હશે આવા ગંભીર ગુનાની સજામાં અનેક વર્ષની કેદ થઈ શકે તો લગ્ન કેવી રીતે થશે? આ બાબતમાં તમને એક સારા સમાચાર આપું છું કે તમે કરેલો ગુનો કોઈ ઉકેલી નહિ શકે. કોઈને ખબર નહિ પડે કે આ ગુનો તમે કર્યો છે."

લૉર્ડ સેવિલ હસી પડ્યા.

જ્યોતિષીએ તેમને કહ્યું, "ભલે હસો. પણ એક અઠવાડિયામાં તમારા હાથે ખૂન થવાનું છે. ત્યાર પછી તમારા જ્યારે પણ લગ્ન થાય, મને યાદ કરી લેજો," કહી જ્યોતિષી ત્યાંથી નીકળી ગયા.
***
તે વખતે તો સૅવિલ હસ્યા હતા, પણ જ્યોતિષી ગયા બાદ ચિંતામાં પડ્યા. તેમના પ્રેમ સંબંધ વિશે તેમની પ્રેયસી અને તેમના સિવાય બીજા કોઈને જાણ નહોતી. તેમના ખાસ મિત્રને પણ નહિ.  આ જ્યોતિષીને તેની કેવી રીતે જાણ થઈ? 

હવે તેમનું ધ્યાન જ્યોતિષીની બીજી ભવિષ્યવાણી પર ગયું. મોટો ગુનો કર્યા વગર લગ્ન નહિ થાય, એવું તેણે કહ્યું હતું ને? તેઓ પેલી તરૂણીના પ્રેમમાં એટલા ડૂબ્યા હતા, તેના વગર જીવન વ્યર્થ છે તેની તેમની ખાતરી હતી. 

સેવિલ માટે લૂંટ ચલાવવાનો વિચાર હાસ્યાસ્પદ હતો. તેઓ પોતે એટલા સીધા અને સરળ માર્ગી હતા, તે વિશેની યોજના કરવી તેમના માટે શક્ય નહોતું. બીજો ગંભીર ગુનો...? ખૂન? આ કરવા માટે તેમની નૈતિકતા તેમને કદી રજા ન આપે.

તેઓ હવે ચિંતામાં એટલા ડૂબ્યા, રાતની ઊંઘ ઉડી ગઈ. રાતે તેઓ હવે બહાર ફરવા નીકળી પડવા લાગ્યા. મધરાતના જે નીકળે, પરોઢિયે પાછા આવે. આમ ને આમ છ દિવસ નીકળી ગયા. 
એક રાતે તેઓ વેસ્ટમિન્સ્ટર બ્રિજ પર નીકળ્યા. ટાઢ ભયંકર પડી હતી. ટેમ્સ નદીનું ધુમ્મસ આખા પુલ પર છવાઈ ગયું હતું. સામાન્ય રીતે આ વિસ્તારમાં એકાદો બૉબી (પોલીસ) લટાર મારવા નીકળે, પણ આજે ત્યાં કોઈ નહોતું. પૂલના છેડે કોઈ વાર ભિખારી કે હોમલેસ માણસ બેઠા હોય. સૅવિલ ધીમે ધીમે પુલ પર આગળ વધ્યા. અચાનક તેમને એક ઓળો દેખાયો! એક માણસ પુલ પર નદી તરફ ઝુકીને એવી રીતે ઉભો હતો, જાણે આપઘાત કરવાનો વિચાર કરતો હોય! સેવિલે વિચાર કર્યો, જે મરવા માગતો હોય તેને મરવામાં મદદ કરવાથી એક પંથ દો કાજ થઈ જશે! આ જણને સહેજ ધક્કો મારવાથી તે ત્રીસ ફૂટ નીચે પાણીમાં પડી જશે અને તરત મરી જશે. આ પુણ્યનું કામ થશે, અને કહેવાતો 'ગંભીર ગુનો' પણ થઈ જશે. એક પંથ દો કાજ... વિચાર કરતાં કરતાં તેઓ પેલા હોમલેસ માણસ પાસે પહોંચ્યા, અને સહેજ ધક્કો માર્યો. નદીમાં પડતા પેલા માણસની ચીસ પણ હવામાં ઠરી ગઈ. લૉર્ડ સેવિલ ખુદ તે સાંભળી ન શક્યા. તેમણે હવે ચારે બાજુએ જોયું. આસપાસ કોઈ નહોતું. તેઓ ધીમે ધીમે ત્યાંથી નીકળી ગયા અને ચેલ્સીમાં આવેલા તેમના ફ્લૅટમાં પહોંચી ગયા. ઘેર તેમના બટલરે ફાયરપ્લેસ ચેતાવી રાખી હતી. તેની સામેની તેમની પ્રિય આરામખુરશી પર બેઠાં. તેમના હાથે ગંભીર ગુનો થઈ ગયો હતો અને તે કોઈએ જોયો નહોતો! એક 'મહાન' કામ થઈ ગયા પછી ચિંતામુક્ત થયેલા લૉર્ડ સેવિલ ખુરશીમાં બેઠાં બેઠાં જ સુઈ ગયા. છ દિવસે તેમને સરસ નિંદર આવી ગઈ. સાત - આઠ કલાક ત્યાં જ સૂઈ રહ્યા. આટલી સરસ ઊંઘ તેમને ઘણા સમયથી નહોતી મળી.

જ્યારે તેઓ જાગ્યા, બટલર તેમના માટે ટ્રેમાં ગરમાગરમ ચા અને ટોસ્ટ લઈ આવ્યો. ટ્રે પર હંમેશની જેમ ઈસ્ત્રી કરી રાખેલ તે દિવસનું અખબાર હતું. આજે ઊઠતાં વેંત ચ્હાનો ઘૂંટડો લેવા ટેવાયેલા લૉર્ડ સેવિલે પહેલાં અખબાર લીધું. તેમણે પોલિસ રિપોર્ટનું પાનું ખોલ્યું અને નાનકડા કૉલમમાં કોઈ હોમલેસ માણસના મૃત્યુના સમાચાર છે કે નહિ તે જોયું, પણ તેવું કશું દેખાયું નહિ. કદાચ કાલે... તેમણે ઉચ્ચ સોસાયટીના સમાચાર પ્રસિદ્ધ થાય તે પેજ થ્રી તરફ નજર કરી અને ચોંકી ગયા. ત્યાં મોટા અક્ષરોમાં લખ્યું હતું:
"આજે સવારના પહોરમાં શહેરના ઉચ્ચભ્રુ ગણાતા સમાજના પ્રખ્યાત જ્યોતિષીનું શબ ટેમ્સ નદીમાં મળી આવ્યું. પોલિસનું માનવું છે કે તેમણે આત્મહત્યા કરી..."

લૅાર્ડ આર્થર સેવિલ ખડખડાટ હસી પડ્યા. તેમનાે બટલર તેમને નવાઈની નજરે જોતો જ રહી ગયો.
બે અઠવાડિયા બાદ લૉર્ડ સેવિલનાં લગ્ન તેમની પ્રેયસી સાથે ઉત્સાહથી ઉજવાયાં જે કહેવાની આવશ્યકતા ખરી?  



Sunday, September 20, 2015

આસપાસ - ચોપાસ કંઈક વાંચેલું (૨)

૧. નાતાલની તે રાત

હું અૉક્સફર્ડ યુનિવર્સીટીમાં અભ્યાસ કરતો હતો ત્યારની વાત છે. મૉડલેન (આની જોડણી તેના ઉચ્ચારથી ‘સહેજ’ જુદી છે : Magdalen) કૉલેજમાં મારો પરિચય એક સ્કૉટીશ વિદ્યાર્થી સાથે થયો. સમય જતાં અમે ગાઢ મિત્રો થયા. એક વર્ષના ડિસેમ્બરમાં તેણે મને પૂછ્યું, “આ વર્ષે નાતાલની રજામાં તું ક્યાંય જવાનો છે?”
મેં ના કહી. 
“અરે, નાતાલનો તહેવાર તો પરિવાર સાથે ગાળવાનો હોય. તું આ વર્ષે અમારે ઘેર આવ. મજા પડશે. અમારી ક્લૅનના લોકો આ વર્ષે અમારે ત્યાં આવવાના છે. તારો પણ સમય સારી રીતે વિતી જશે.”
હું તૈયાર તો થયો, પણ વિચાર આવ્યો, તેના પરિવારના લોકો આવવાના હોય તો મારા માટે તેના ઘરમાં જગ્યાની સંકડાશ….”
“એની ચિંતા ના કરીશ. તારી વ્યવસ્થા થઈ જશે.,” તેણે કહ્યું.
હું તેને ગામ પહોંચ્યો અને તેનું 'ઘર' જોઈને ચકરાઈ ગયો! તેનું ઘર એટલે એક મોટો પુરાતન કિલ્લો હતો! મને ત્યારે ખબર પડી કે તેના પિતા સ્કૉટીશ લૉર્ડ હતા. તેણે મારી ઉતરવાની વ્યવસ્થા પહેલા માળની ડાબી પાંખમાં કરી હતી. તેના એક અનુચરે મારી બૅગ લીધી અને મને તેની પાછળ જવાનું કહ્યું. હું તો જોતો જ રહી ગયો. એક વિશાળ દાદરાનાં પગથિયાં ચઢતી વખતે દિવાલ પર મિત્રના વડવાઓનાં મોટાં તૈલચિત્રો હતાં. લૉબીમાં જુના જમાનાનાં Knightsનાં પુરાં બૉડી આર્મર (આખું શરીર ઢંકાય તેવા લોખંડના બખ્તર), બાજુમાં લાંબા ભાલા અને જુના હથિયાર ગોઠવ્યાં હતાં. લૉબીની બન્ને બાજુએ કમરા હતા. મને મળેલો કમરો ખાસ્સો મોટો હતો અને તેમાં જબરજસ્ત પલંગ અને કિમતી ફર્નીચર હતું.

મિત્રના ઘેર ઉજવાયેલો નાતાલનો ઉત્સવ અનોખાે હતો. ૨૪મીની રાતે કિલ્લામાં આવેલા નાનકડા ચૅપલમાં મધ્યરાત્રીએ ભગવાન ઈસુના જન્મ પ્રસંગની સામુહિક પ્રાર્થનામાં અમે સૌએ ભાગ લીધો. બીજા દિવસે - નાતાલના દિવસે એકબીજાને ભેટ આપી અને ભવ્ય લંચ પાર્ટી થઈ.

ત્યાર પછીના દિવસોમાં અમે મિત્રની એસ્ટેટની મુલાકાત લીધી. સ્કૉટલન્ડમાં સારો એવો બરફ પડ્યો હતો, તેમ છતાં ત્યાંનું સૌંદર્ય અદ્ભૂત હતું. હવે આવી નુતન વર્ષ અગાઉની સંધ્યા. 

તે રાત્રે કિલ્લાના ડાન્સ હૉલમાં ફૅન્સી ડ્રેસ પાર્ટી હતી. નૃત્યમંદિરમાં પ્રથમ બૅગપાઈપ્સ વગાડતા પાઈપર્સ આવ્યા અને તેમની પાછળ મિત્રના માતા- પિતા લેડી અને લૉર્ડ XXX આવ્યા. ત્યાર બાદ જેમ જેમ મહેમાન આવતા ગયા, તેમનો માસ્ટર અૉફ સેરીમનીઝ  તેમનાં નામ પોકારતો ગયો. સૌએ વિવિધ પ્રકારના એટલે સત્તરમી અને અઢારમી સદીમાં ઉમરાવો પહેરતા તેવા, તો કોઈએ ફ્રેન્ચ ઉમરાવના પોશાક પહેર્યા હતાં. હું મારી સાથે જોધપુરી બંધ ગળાનો કોટ, સુરવાલ અને જયપુરી સાફો લઈ ગયો હતો, તે પરિધાન કર્યાં.  સઘળા મહેમાનો આવી ગયા બાદ શરૂ થયા સ્ટ્રીંગ બૅન્ડના સૂર. યુગલોએ જોડી જોડીમાં બૅન્ડના સૂર-તાલમાં બૉલરૂમ-નૃત્ય કર્યાં. કેટલાક લોકો બારમાં બેસી પીણાં સાથે નૃત્ય જોતાં હતા.

મધરાત થઈ. નવા વર્ષનું આગમન જાહેર કરતા ઘડિયાળના ડંકા વાગ્યા અને અમે સૌએ Auld lang syne
ગાયું - જે તેના અર્થ સાથે આપ અહીં સાંભળી શકશો.


 હું થાકી ગયો હતો. મિત્રની માફી માગી હું મારા કમરા તરફ જવા નીકળ્યો. દાદરાનાં પગથિયાં ચઢી મારા કમરા તરફ વળ્યો ત્યાં સામેના ઓરડામાં પ્રવેશ કરવા જતા એક સજ્જન દેખાયા. ફૅન્સી ડ્રેસ પાર્ટી હતી તેથી તેમણે બ્રિટનના રાજા પ્રથમ ચાર્લ્સની ફૅશનમાં બનાવેલો પોશાક પહેર્યો હતો. મેં તેમનું અભિવાદન કર્યું. તેમણે સ્મિત કરીને જવાબ આપ્યો. 
“થાકી ગયા?” તેમણે પૂછ્યું. જેવો જુના જમાનાનો પોશાકની તેવી ભાષા જુના જમાનાની શૈલીની. આ અહીંના લોકોની ખુબી છે. અનુકરણ કરવું તો પૂરી રીતે! 
“સાચું કહું તો મને કંટાળો આવ્યો હતો. બહાનું કાઢીને આવતો રહ્યો. આપ?” મેં પૂછ્યું.
“હું પણ કંટાળી ગયો છું. બધા નૃત્યમાં એટલા મશગુલ છે, કોઈને વાત કરવાનો સમય નથી, અને હું ગપ્પાં મારવાના મૂડમાં છું.”
“તો આવો ને મારા કમરામાં! મારો પણ સમય નીકળી જશે,” મેં કહ્યું.
અમે એક બીજાને અમારો પરિચય આપ્યો. સજ્જને તેમનું નામ જીમ કહ્યું. જીમ એટલે જેમ્સનું ટૂંકું, હુલામણું નામાંતર. અમે ઘણી વાતો કરી. રાતના બે ક્યારે વાગી ગયા તેની ખબર ન પડી. મને હવે ઉંઘ આવવા લાગી હતી. મારી સ્થિતિ જીમ સમજી ગયો હોય તેવું લાગ્યું. તેણે તેના જૅકેટની લાંબી બાંયમાં ગડી કરી રાખેલો રૂમાલ કાઢ્યો અને બગાસું રોકવાનો પ્રયત્ન કરતો હોય તેમ રૂમાલ મોઢા સુધી લઈ જઈને બોલ્યો, “ તમારો ઘણો સમય લીધો. મારે પણ હવે જવું જોઈએ. આવજો ત્યારે. ગુડ નાઈટ!”

જીમ ઉભો થયો અને બારણાની નજીક ગયો ત્યારે મને ખ્યાલ આવ્યો કે બારણાંની ફ્રેમ કરતાં જીમ ઘણો લાંબો હતો.
‘ઓહ, જીમ, જરા માથું સંભાળજો. બારસાખ નીચી છે. ધ્યાન નહિ રાખો તો માથું ભટકાશે,” મેં કહ્યું.

“ચિંતા ના કરશો. બારસાખ નીચી હોય તો હું આમ નીકળું છું, “ કહી જીમે જમણા હાથ વતી પોતાનું ગળું પકડ્યું અને આબાદ રીતે વિજળીનો ગોળો ઉતારતો હોય તેમ માથું ઉતાર્યું અને ડાબા હાથની હથેળી પર રાખ્યું. તેના હાથ પરના તેનાં માથાએ મારા તરફ જોઈ તેની આખી બત્રીસી બતાવતું સ્મિત કર્યું અને ક્ષણાર્ધમાં તે મારા કમરામાંથી હવાની જેમ અદૃશ્ય થઈ ગયો. મારા મોઢેથી ચિસ નીકળી ગઈ. 

એકાદ-બે મિનીટ બાદ મારો મિત્ર અને તેની સાથે એક નોકર મારા કમરામાં દોડતા આવ્યાં. હું હજી ડરના માર્યાં ધ્રુજતો હતો. તેણે મને સાઈડબોર્ડ પર રાખેલી બાટલીમાંથી સ્કૉચનો શૉટ ગ્લાસમાં રેડ્યો અને ગટગટાવી જવા કહ્યું. સ્વસ્થ થયા બાદ ધીમે ધીમે મેં તેને જીમની વાત કરી તો તેણે હસીને કહ્યું, “આેહ, મારે તને અમારા પૂર્વજ સર જેમ્સના ભૂતની વાત કરવી જોઈતી હતી. તારી રૂમ બહારની કૉરીડોરમાં તેમનું અપાર્થિવ શરીર કોઈ કોઈ વાર ભટકતું હોય છે. તું ગભરાઈ જઈશ એટલે તને કહ્યું નહોતું. સર જેમ્સ સાવ નિર્દોષ અને ભલા સજ્જન હતા. તેમના રાજકીય દ્વેષીએ તેમના સમયની રાણી એલિઝાબેથ પ્રથમ પાસે ખોટી ચાડી ખાઈ તેમનો શિરચ્છેદ કરાવ્યો હતો. કોઈ વાર તારા જેવો સાલસ માણસ મળી જાય તો તેની સાથે વાત કરવા રોકાતા હોય છે! આમ જોવા જઈએ તો તું ભાગ્યશાળી કહેવાય. સર જેમ્સને મળવાનું સૌભાગ્ય મને હજી સુધી પ્રાપ્ત નથી થયું!”

***
મારો થરથરાટ હજી ઓછો થયો નહોતો. મારા મિત્રે હવે તેના ગ્લાસમાં વિસ્કી રેડી અને એક ઘૂંટડો લઈને વાત માંડી.

તેં વુધરીંગ હાઈટ્સ વાંચી છે તેથી યૉર્કશાયરના આ moorsના વેરાન પ્રદેશોના વર્ણનથી વાકેફ હોઈશ. આ વગડામાં અમારા દૂરના કાકાનું કન્ટ્રી હાઉસ છે. તેમને મળવા લંડનથી એક સંબંધી ગયા. તેમણે સ્ટેશન પર ગાડી મોકલવા માટે કરેલો તાર તેમના યજમાનને મળ્યો નહોતો, તેથી તેમણે ચાલતાં જવાનું નક્કી કર્યું. હવેલી પાંચ માઈલ જ દૂર હતી. ચાંદની રાત હતી અને વાતાવરણ ખુશનૂમા. સ્ટેશનના ક્લોકરૂમમાં સામાન મૂકી તેઓ નીકળતા હતા ત્યાં સ્ટેશનમાસ્તરે કહ્યું, ‘અહીંના મોસમનો ભરોસો નથી. ગમે ત્યારે વરસાદ, કરા અને બરફ પડવા લાગે છે. આવું થાય તો એક વાતનો ખ્યાલ રાખજો. તમે જાવ છે તે દિશામાં જનારી કોઈ બગ્ગી કે ઘોડાગાડી જતી હોય તો તેને રોકતા નહિ. તમને જોઈ તે રોકાય તો પણ તેમાં બેસતા નહિ.’

મહેમાન શહેરવાસી હતા. તેમણે આ વાત પર ધ્યાન ન આપ્યું અને ચાલવાનું શરૂ કર્યું, તેઓ માંડ બે માઈલ ગયા હશે ત્યાં અચાનક વરસાદ અને કરા પડવા લાગ્યા. આમ તો પાનખર ઋતુ હતી પણ હવે બરફ પડવા લાગ્યો અને તેની સાથે વાવાઝોડું શરૂ થયું. આ શહેરી જણ હેરતમાં પડી ગયા. હવે તો આગળનો રસ્તો પણ વર્તાતો નહોતો. તેવામાં તેમણે ઘોડાંઓનાં ગળામાં બંધાતા ઘૂઘરાંઓનો અવાજ સંાભળ્યો. તેઓ રસ્તાને કિનારે ઉભા રહ્યા અને જોયું તો તેઓ જે જગ્યાએ જઈ રહ્યા હતા તે દિશામાં જઈ રહેલી ચાર ઘોડાંની બગ્ગીના ઓળા દેખાયા. બગ્ગી નજીક આવી ત્યારે તેમણે રસ્તાની વચ્ચે ઉભા રહી તેને રોકવા હાથ હલાવ્યો. ગાડી ઉભી રહી. તેમણે ઝડપથી દરવાજો ખોલ્યો અને અંદર બેસી ગયા. બાજુમાં બેઠેલા સજ્જનનો આભાર માનવા તેમની તરફ જોયું અને તેમનો શ્વાસ થંભી ગયો. કાળા પોશાકમાં બેઠેલા આ ‘સજ્જન’ અને તેમના બે સાથીઓ મૃત વ્યક્તિઓ હતી! બધાં પૂતળાંની જેમ જડ હાલતમાં ફાટી આંખોએ નાકની સામેની દિશામાં જોતી બેઠી હતી. શું કરવું તે સમજાય તે પહેલાં બગ્ગી જાણે હવામાં ઉડતી હોય તેમ ભારે ગતિએ દોડવા લાગી.

“શહેરી પ્રવાસી એક ક્ષણ વિકળ થઈ ગયા. માણસને જ્યારે ભયાનક ડર લાગે, તે થીજી જતો હોય છે. શરીર ઠરીને નિષ્ક્રિય થઈ જાય તે પહેલાંં તેમણે સમયસૂચકતા દાખવી. તેમણે ઝટ દઈને ગાડીનંુ બારણું ખોલ્યું અને બહાર કૂદી ગયા. જમીન પર પડતાં વેંત તેઓ બેભાન થઈ ગયા. બીજા દિવસે તેમને ભાન આવ્યું અને જોયું તો તેઓ તેમના યજમાનની હવેલીની બેડરૂમમાં હતા અને તેમની પાસે ઉભેલા ડૉક્ટર તેમના હાથની નાડી તપાસી રહ્યા હતા.
“તેમના યજમાને કહ્યું, ‘ખરાબ હવામાનને કારણે તમારો તાર અમને મોડો મળ્યો, પણ અમે તરત અમારી લૅન્ડ રોવર મોકલી. તમને રસ્તાના કિનારે પડેલા જોયા અને અમારો શૉફર અને તેનો સાથી તમને ઉંચકીને અહીં લઈ આવ્યા. રસ્તામાં શું થયું કે તમે બેભાન થઈ ગયા?’

“તેમણે જ્યારે વિસ્તારથી વાત કરી ત્યારે તેમણે કહ્યું, ‘આ ભૂતિયા બગ્ગીની આખ્યાયીકાથી અહીંના સઘળાં લોકો વાકેફ છે. સોએક વર્ષ પહેલાં આવું ઘણી વાર થતું અને રસ્તાની પાસે બગ્ગીમાંથી કૂદીને બહાર પડેલા લોકોનાં શબ મળી આવતા. પણ છેલ્લા પચીસ-પચાસ વર્ષથી આવું બન્યું નથી. તમે ભાગ્યશાળી છો કે તમે બચી ગયા!”
***
મારી પોતાની વાત કરૂં તો મારા મિત્રની ‘કથા’ઓ સાંભળી તેના કિલ્લામાં એક દિવસ પણ વધારે રહેવું મારા આરોગ્ય માટે અહિતકર લાગ્યું. બીજા દિવસે સવારના પહોરમાં તેની રજા લઈ હું પાછો અૉક્સફર્ડ જતો રહ્યો. 
હવે તમે જ કહો. આ અનુભવ પછી મારા મિત્રની મહેનમાનગતિ માણવાનું આમંત્રણ મારે સ્વીકારવું જોઈએ?

***
ઉપરની પ્રસંગ કથાઓ ૧૯૫૬ કે ૫૭માં ઈલસ્ટ્રેટેડ વિક્લી અૉફ ઈન્ડિયામાં ‘રોમેશ’ તખલ્લુસથી લખતા એક લોકપ્રિય લેખકની Causerie નામની કટારમાં પ્રસિદ્ધ થઈ હતી. જિપ્સી તે ભુલી શક્યો નથી. બહુુશ્રુત અને વિદ્વાન એવા રોમેશનું સાચું નામ કોઈ જાણી શક્યું નહિ, પણ તેમની વાતો પરથી એવું લાગતું હતું કે તેઓ કદાચ ICS અફસર હતા.


  

Tuesday, August 25, 2015

લાગણીસભર સંગીત

આજના અંકની શરૂઆતમાં એક વાત કહેવાનું મન થાય છે. 
શાસ્ત્રીય સંગીતના મર્મજ્ઞ અને જાણકારોને ‘તાનસેન’ કહેવાય છે! જ્યારે શાસ્ત્રીય સંગીતના ક્ષેત્રમાં અનભિજ્ઞ એવા જિપ્સી જેવા અનેક ચાહકો છે જેમને સંગીતશાસ્ત્રનું જરા જેટલું પણ જ્ઞાન નથી, પણ સંગીત પરના પ્રેમ અને તેની ચાહતને કારણે આ દિવ્ય સરિતાના અબાધિત અને અમૃતમય આનંદનો લાભ લઈ શકતા હોય છે. સંગીતના આવા ચાહકોને ‘કાનસેન’ કહેવાય છે. તેઓ તો બસ, આંખ મિંચીને અદ્ભૂત સંગીત સાંભળતા રહે છે અને તેના શ્રવણના આનંદમાં રમમાણ થતા હોય છે.
શાસ્ત્રીય સંગીતના જાણકારો કોઈ પણ રાગ કેટલાક સૂર સાંભળીને સહજ રીતે કહી શકે છે કે તે દિવસના કયા સમયે ગાઈ શકાય, તેનો રસ કયા પ્રકારનો છે, તેમાં કયા સૂર વાદી - સંવાદી, તીવ્ર, મધ્યમ, કોમલ કે અતિ કોમલ છે. તબલાંના ક્યા તાલ ત્રિતાલ, ઝપતાલ કે કહેરવાનાં છે. જિપ્સી તો પહાડી ઠુમરી સાંભળીને કુમાયૂં કે હિમાચલના પહાડમાં વસતા લોકોઓનાં હૃદયમાંથી નીકળતી ઉર્મિઓ અનુભવે છે. ખુલ્લા મેદાનમાં  ચાલતી વખતે અચાનક વરસતી શ્રાવણની હેલીમાં મલ્હારનાં સૂર અનુભવે છે
સંગીતના કેટલાક અંગ એવાં હોય છે, જે કોઈ રાગમાં હોય કે ન હોય, જેને લોક સંગીત કહીને મોકળા થવાતું હોય છે. આવાં ગીત ગાનારાં સ્ત્રી-પુરુષો તેમાં તન્મય અને રત થઈને ગાતાં હોય છે અને તે સાંભળનારા શ્રોતાઓનાં મન ભાવનાસભર થઈ જતા હોય છે. આવાં ગીતોને લાગણી સભર સંગીત કહી આપની સમક્ષ રજુ કરવાની રજા લઈશ.
આજનું પ્રથમ ગીત છે રામદેવ પીરનો હેલો. 
જુના જમાનામાં રાવણહત્થો નામનું વાદ્ય લઈ ભજનીકો અને ભક્તો જાત્રાએ નીકળતા અને ઘેર ઘેર જઈ રામદેવ પીરનો હેલો ગાતાં. જજમાન તેમની શક્તિ પ્રમાણે તેમને સીધું કે પૈસા આપે અને યાત્રીકો તેમના ગંતવ્ય પર પ્રસ્થાન કરે. ભારતના સિને જગતના ઉમદા ગાયક મન્ના દે સાહેબને કોલકાતાના એક કાર્યક્રમમાં પૂછવામાં આવ્યું, ‘આપે અન્ય ભાષાઓમાં અનેક ગીતો ગાયાં છે. તેમાંનું આપનું પ્રિય ગીત કયું છે?”
મન્ના’દાએ એક ક્ષણના વિલંબ વિના કહ્યું, ‘ગુજરાતી ગીત, જેને ત્યાંના લોકો હેલો કહે છે.’ હેલાના વર્ણનમાં તેમણે બંગાળીમાં કહ્યું, ‘આ એવું ગીત છે, જે ગાતી વખતે મનમાં અદ્ભૂત કંપન અને ભાવના ઉત્પન્ન થતી હોય છે,’ કહી તેમણે હેલો ઉપાડ્યો!

રામદેવ પીરનો હેલો અનેક ગાયકોએ ગાયો છે. હેલો કોઈ પણ ગાયક ગાય, પણ તે સાંભળનારના હૃદયમાં કંપન જરૂર ઉત્પન્ન કરશે.  


આખ્યાયિકા મુજબ રામદેવ -ઉર્ફે રામાપીર વિષ્ણુનો અવતાર હતા. રાજસ્થાનની રણુજા રિયાસતના રાજા અજમલજીને બે પુત્રીઓ હતી, પણ કોઈ પુત્ર નહોતો. તેમની પ્રાર્થના સાંભળી વિષ્ણુએ તેમને ત્યાં રામદેવજીના સ્વરૂપે જન્મ લીધો હતો. તેમનાં બાદ નાના ભાઈ વિરમદેવનો જન્મ થયો. રામાપીરનો હેલો ગવાય તેમાં તેમના પિતા અજમલજી, માતા મિનલદેવી, ભાઈ વિરમદેવનાં નામ અચૂક આવે.

રામાપીર વિશે એવી માન્યતા છે કે સંકટમાં તેમના નામનો પોકાર કરનારા ભક્તોને સહાય કરવા તેઓ લીલા રંગની ઝાલર અને લીલા પલાણથી શણગારાયેલા ઘોડા પર બેસીને પહોંચી જાય છે. ઘોડાને દૂરથી જોનારને આ લીલો રંગ દેખાતો હોવાથી ‘લીલૂડા ઘોડલાના અસવાર’ તરીકે તેમની ઓળખાણ થવા લાગી.  અહીં રાજસ્થાની બોલીમાં ગવાતા ગીતનું વર્ઝન એટલા માટે ઉતાર્યું છે કે તેમની એક આખ્યાયિકાને નાટ્યસ્વરૂપ અપાયું છે.



***
બંગાળ…

લોકગીતોનાં ભાવની ભિનાશનો અનુભવ લેવા દૂર જવું પડતું નથી. જ્યાં જવાનું થાય ત્યાં લોકગીતો સાંભળવા મળશે. બંગાળના લોકગીતોમાં ભક્તિપંથનો ભાવ કિર્તન અને બાઉલ કવિઓની રચનાઓમાં રજુ થયો અને ગાયકોએ બન્ને પરંપરાનાં ગીતો ગંગા - પદ્મા - બ્રહ્મપુત્રના પાત્રમાં નૌકા ચલાવતા નાવિકોની ભઠિયાલી શૈલીમાં ગાયો. કિર્તનમાં વૈષ્ણવ, શાક્ત અને શૈવ પંથના અનેક ગીતો રચાયાં અને હજી ગવાય છે. આજે રજુ કરીશું કવિ ગોવિંદ અધિકારી રચિત બંગાળનું જગપ્રસિદ્ધ વૈષ્ણવ કિર્તન : વૃંદાવન વિલાસીની, રાઈ આમાદેર! વૃંદાવનમાં રાચતી અમારી રાધા!

બંગાળી અને મહારાષ્ટ્રનાં લોકગીતોમાં રાધાને ‘રાઈ’ કહેવાય છે. અહીં રજુ કરેલા કિર્તનમાં શુક (પોપટ)  અને સારિકા (મેના) વચ્ચે મીઠા ઝઘડાનો સંવાદ છે. શુક કહે છે, મારો કૃષ્ણ જ શ્રેષ્ઠ! પ્રણયના દેવ કામદેવ જેવા મદનમોહન તે અમારા કૃષ્ણ છે! જવાબમાં સારિકા કહે છે, ‘હા, પણ પ્રણય વગર કામદેવની શી કિંમત? તેમ રાધાના પ્રણયને કારણે કૃષ્ણ પ્રણયના દેવ બને છે.’ રાધા વગર પ્રેમ ક્યાં? અને પ્રણય વગર કામદેવને કોઈ અસ્તીત્વ ખરૂં? આખા કિર્તનમાં આમ કૃષ્ણ અને રાધાનાં ગુણોની તુલના કરવામાં શુક અને સારિકા વચ્ચે આ ઝઘડો ચાલતો રહે છે!
અહીં રજુ થયેલા કિર્તનનાં ગાયિકા છે અદિતી મુન્શી અને તેમને સાથ આપી રહ્યા છે મણીપુરી નૃત્યશૈલીની કોલકાતાની સંસ્થાની નર્તકીઓ. અદિતીના આખા કાર્યક્રમમાં અનેક વિશિષ્ટતાઓ છે. કોરસની ગાયિકાઓ તથા નર્તકીઓએ તન્મયતાપૂર્વક તેમના કિર્તનમાં રંગ પૂર્યાં. તેમને સાથ આપનારા વાદકોમાં સુદ્ધાં એક અદ્ભૂત સંયોગ જોવા મળશે. વિડિયોમાં મણીપુરી ઢોલક, જેને ખોલ કહેવામાં આવે છે તેનાં બે વાદકો છે. બન્નેનાં વાદનમાં એવી સુંદર એકસુત્રતા છે, જાણે બન્નેનાં આત્મા અને કલા એક ઢાંચામાંથી નીકળ્યાં હોય! હકીકત પણ એવી જ છે! આ પિતા-પુત્રીની જોડી છે! અદિતીના ગીતના સમાપનમાં પ્રસ્તુતકારે  એક વાત કહી: ‘અદિતી, આપનું કિર્તન કાન નહિ, આત્મા સાંભળતો હોય છે. રાધાની મહત્તાનું આપનું કિર્તન સાંભળી એવી અનુભૂતિ થઈ કે આજે જો રાધા જન્મ લે તો તે આપના જેવી હશે!’


આ કિર્તનનો આનંદ માણવા તેનું અંગ્રેજી ભાષાંતર નીચેની લિંકમાં આપ્યું છે:


અહીં નમૂદ કરવું જરૂરી છે કે આ વિડિયો આપણા જાણીતા સાહિત્યકાર શ્રી. હરનીશ જાનીના સૌજન્યથી પ્રાપ્ત થયો છે, જે માટે તેમનો જિપ્સી આભાર માને છે.

***

અંતમાં સાંભળીશું મહારાષ્ટ્રના સંત તુકારામનો અભંગ. ગાયિકા છે લતાદિદિ અને સંગીત આપ્યું છે વડોદરાના સંગીતકાર સ્વ. શ્રીનિવાસ ખળે સાહેબે :

कमोदिनी काय जाणें, परिमळ…

પહેલાં તેનો અર્થ જાણીએ. કુમુદના પુષ્પની સુગંધ કેવળ ભ્રમર પારખી શકે છે, ખુદ કુમુદ નહિ. તેથી ભમરો કુમદના સૌરભનો પૂરો આનંદ માણી શકે છે. એવી જ રીતે, હે પ્રભુ, આપ જાણતા નથી આપનો મહિમા કેટલો વિશાળ છે, આપની કૃપા કેટલાં મહાન છે. એ તો અમે આપની નિ:સીમ કૃપાનો લાભ લેતા રહ્યાં છીએ. ગાય લીલુંછમ ઘાસ ખાઈને દૂધ ઉત્પન્ન કરે છે તેનો તેને ખુદને કશો ઉપયોગ નથી, પણ તેનું બાળક  - વાછરડું તેની માતાનો કૃપા પ્રસાદ આરોગીને આરોગ્ય પ્રાપ્ત કરે છે. તે રીતે હે તુકારામ, છિપના ગર્ભમાં સંતાયેલા મોતીનો છિપને કશો ઉપયોગ નથી પણ તેનો આનંદ તો તેને જોનાર વ્યક્તિઓ મેળવતા હોય છે, તે તું જાણ! 

પરમાત્મા નિર્વિકાર, નિરંતર, નિ:સીમ છે. તેમની શક્તિઓ તેમણે નિસર્ગના નિયમોમાં વિખેરી છે જેનો અનુભવ અને આનંદ અમે પામર પ્રાણીઓ માણતાં હોઈ છીએ. સંત તુકારામના આ સુંદર અભંગનો આસ્વાદ લઈએ!



આવતા અંકમાં એક નવો વિષય, નવી વાત, નવી વાનગી લઈને હાજર થઈશું.

Monday, August 17, 2015

આસપાસ - ચોપાસ : કંઈક વાંચેલું, કંઈક સાંભળેલું: ૧ - સૌથી જુનો વ્યવસાય

૧. કલકત્તાની એ સાંજ:

એક જમાનામાં કલકત્તાના એસ્પ્લેનેડ મેદાનમાં લોક નાટ્ય ‘જાત્રા’ (આપણે ત્યાં થતી ભવાઈ જેવી કલા), બાઉલ ગાયકો અને લોકવાર્તા કહેનાર કલાકારો ડાયરો જમાવતા. લોકો ટોળે વળી તેમને સાંભળવા એકઠા થાય. તે દિવસે હું એક મોટા ટોળામાં સામેલ થયો અને વાર્તાકારે શરૂ કરેલી કથા એકાગ્ર ચિત્તે સાંભળવા લાગ્યો. તેણે કહેલી વાત જેવી સાંભળી તેવી જ અહીં ઉતારી છે.

"રાયબહાદુરની કલકત્તામાં આવેલી રાજબાડીના જલસાઘરમાં સંગીત રસિકો હકડેઠઠ થઈને બેઠાં હતા. પ્રસંગ જ એવો હતો. બનારસ ઘરાણાંના રાજેશ્વરીદેવીના અગ્રગણ્ય શિષ્ય પંડિત ઉમાપ્રસાદનો રાગદારીનો કાર્યક્રમ હતો. દિલ્હી, કાનપુર, મેરઠ અને લખનૌની સંગીત સભાઓમાં સુવર્ણનાં બિલ્લા જીતી આવેલા પંડિતજીનો અવાજ કસાયેલો હતો. તાલિમ પણ એટલી જ જબરજસ્ત. આજે તો જલસાઘરના ઉપરના ભાગમાં અાવેલી ગૅલેરીમાં ચિકના પડદા ગોઠવાયા હતા અને તેની પાછળ રાજબાડીની મહિલાઓ બેઠી હતી. આજનાે કાર્યક્રમ રાયબહાદુરના પાટવીપુત્ર બિનૉયબાબુના માનમાં રાખવામાં આવ્યો હતો. 

"રાયબહાદુરની સરકારમાં સારી વગ હતી. વિલાયતની અગ્રગણ્ય કંપનીઓની એજન્સીઓ તેમને મળી હતી. બિનૉયબાબુ બનારસમાં રાયબહાદુરના વ્યાપારની શાખાના સંચાલક હતા. ત્યાં જ તેમણે સ્નેહ લગ્ન કર્યાં અને પત્ની સાથે કલકત્તા પહેલી વાર આવ્યા હતા તેથી ઘરમાં ખુશીની હવા દોડી રહી હતી. 

તાનપુરાનાં તાર ઝંકારાયાં. પંડિતજીએ તેમના ધીર ગંભીર અવાજમાં ગાવાની શરૂઆત કરી. જેમ જેમ કાર્યક્રમ અાગળ વધતો ગયો, શ્રોતાઓ મંત્રમુગ્ધ થતા ગયા. કાર્યક્રમના અંતરાળ બાદ કોઈએ પંડિતજીને વિનંતી કરી : તેમનાં ગૂરૂમાતા રાજેશ્વરી દેવીની પ્રિય ‘ચીજ’ સંભળાવો! 

વિલંબીતમાં પંડિતજીએ એવી મજાની હવા બાંધી, રસિયાઓ ‘વાહ વાહ’ કરતા થાકતાં નહોતાં. ત્યાર પછી શરૂ થયો દ્રુત અને તબલાંની સંગતમાં રાગ બરાબર જામ્યો. અચાનક શું થયું કોણ જાણે, પંડિતજી સમ ચૂકી ગયા. તેમણે ફરી એક વાર તાનનાં આવર્તન ગાયાં અને - ફરીથી સમ પર આવી ન શક્યા. બધા આશ્ચર્યમાં પડી ગયા! પંડિતજીને તાનનું ફરી એક વાર આવર્તન કરવાની વિનંતી કરતાં તબલચીએ ફરી તબલાં પર થાપ મારી અને અચાનક રાણીવાસના ચીક પાછળથી તાન સંભળાઈ! રાગની બારીકીઓ રજુ કરીને ગાયિકાએ તબલાંની છેલ્લી ‘તિરકીટ ધા!’ પર તાન પૂરી કરી.

જલસાઘરમાં બેઠેલો ભદ્રગણ અવાચક થઈ ગયો. 

પંડિતજીએ રાણીવાસ તરફ જોઈ બેઉ હાથ જોડ્યાં અને બોલ્યા, “ધન્ય! ધન્ય!”

રાય બહાદુરનો ચહેરો અચાનક લાલ થયો. તેમણે પંડિતજી તરફ નજર કરી અને ઉપરના માળ પર લગાવેલા ચિક તરફ તીવ્રતાથી જોયું.

“માફ કરજો, રાય સાહેબ! આ રાગ પર આટલી માલિકી રાજેશ્વરી દેવી સિવાય ફક્ત એક જ વ્યક્તિમાં હતી. તેમનાં પુત્રી ઉમા મહેશ્વરી દેવી. તેમનાં સિવાય આટલા અધિકારથી ગાનાર અન્ય કોઈ વ્યક્તિ હોઈ જ ન શકે. દસ વર્ષના મારા શિક્ષણમાં મેં એવા કોઈ ગાયક કે ગાયિકા નહોતાં જોયાં જેમને આ રાગમાં માહિરીયત તો ઠીક, પણ તે વિશે ઊંડાણમાં માહિતી હોય. આપની રજા હોય તો હું તેમનાં દર્શન કરી શકું? તેમનાં ચરણસ્પર્શ કરીને હું ધન્ય થઈશ!”

રાય બહાદુરે તેમના વૃદ્ધ નોકરને ઉપર દોડાવ્યો. તે પાછો અાવ્યો ત્યારે તેના ચહેરા પર દુ:ખની છાયા હતી. તેણે રાય બહાદુરના કાનમાં કશું કહ્યું. લાકડીના ટેકા પર વૃદ્ધ રાય સાહેબ એકદમ ઉભા થઈ ગયા. તેમનો હાથ અને લાકડી, બન્ને ધ્રુજતાં હતા. પુત્ર તરફ જોઈ તેમણે કડક સ્વરે કહ્યુંં, “અબ્બી હાલ તેને કાઢી મૂકો. ભરી સભામાં કૂળને લાંછન લગાડતાં તેમને શરમ ન આવી? અને તમે, તમે અમારાથી આ વાત છુપાવી? એક બાઈજીની દીકરી…?”
***
વાર્તાકાર અચાનક થંભી ગયો. તેમના શ્રોતાઓ પણ વાર્તાના અંતના વિસ્મયમાંથી બહાર આવ્યા નહોતા. એક ભોળા યુવાને પૂછ્યું, “ તો શું ગાયિકા રાય સાહેબનાં પુત્રવધુ…?“ અને રોકાઈ ગયો.

“તો પછી તેમનું શું થયું?” મેં પુછ્યું.


વાર્તાકારે ટોળામાં ઉભેલા તિરછી ટોપી પહેરેલા, ગળામાં રંગીન ચટાપટાવાળું રેશમી મફલર પહેરેલા, ગલોફાંમાં પાન નાખેલ લુંગીધારી માણસ તરફ જોયું. તે મારી પાસે આવ્યો અને બોલ્યો, “સિર્ફ સો રૂપિયા! સાથે સાથે રવીંદ્ર સંગીત, રાગદારી, ગજ્જલ, ઠુમરી - જે સાંભળવું હોય તે પણ સાંભળવા મળશે.”

***
૨. આગ્રાની એ રાત...
પહેલી કથા વાંચી તેના લગભગ તે જ અરસામાં આ નવલિકા એક મરાઠી સામયિકમાં વાંચી હતી. લેખક છે મહારાષ્ટ્રના સુપ્રસિદ્ધ લેખક શ્રી. રણજીત દેસાઈ.
***
મુંબઈની એક પ્રખ્યાત પરદેશી કંપનીની શાખામાં હું મૅનેજર હતો. કામ પ્રસંગે મારે ઉત્તર ભારતના શહેરોમાં હંમેશા જવું પડતું. ઉત્તરમાં મારૂં સૌથી પ્રિય શહેર હતું આગ્રા! પહેલી વાર ગયો તે રાતે પુનમ હતી. પૂર્ણિમાની રાતમાં તાજનાં દર્શન કરવા એક અમૂલ્ય લહાવો છે જે મને તે રાત્રે મળ્યો. ત્યાર પછી જ્યારે પણ મારે ઉત્તર ભારતની સફર પર જવાનું થાય ત્યારે એવો પ્રયાસ કરતો કે અજવાળિયાંની એક રાત આગ્રામાં ગાળી શકું અને રાત્રે ચંદ્રના પ્રકાશમાં તાજના સાન્નિધ્યનો આનંદ માણી શકું.


આ વખતે શરદપુનમની રાત હતી. મિટીંગ મોડેથી પૂરી થઈ. હૉટેલ પર જઈ સ્નાન કર્યું, અને કુર્તા-પાયજામામાં હું બહાર જમવા ગયો. જમી કરીને નજીકની પાનની દુકાનમાં ગયો અને બનારસી ઝર્દાનાં મઘઈ પાનની જોડી બનાવવાનો અૉર્ડર આપ્યો. ચૌરસિયાજી ગીત ગણગણતાં મઘઈના નાજુક પત્તાં પર એવી જ નજાકતથી ચૂનો-કાથો લગાડતા હતા, ત્યાં રેશમી સાડીમાં બની ઠનીને એક સ્ત્રી આવી. પાલવ ઓઢવાની ઢબ અને તેણે કરેલા શૃંગાર પરથી તે સ્થાનિક રહેવાસી હતી અને કયા વ્યવસાયની હતી તેનો તરત અણસાર આવ્યો. મેં તેના તરફ દુર્લક્ષ્ય કર્યું, પણ ચૌરસિયાજીએ તેની તરફ આંખ મિંચકાવીને પૂછ્યું, “ક્યોં ચમેલી, પાન ખાઓગી?” 
હવે મેં તેની તરફ જોયું. યુવતીની ઉમર ચોવીસ - પચીસ સાલથી વધુ નહોતી. આંખના ખૂણામાંથી મારી તરફ તિરછી નજર ફેંકી તેણે ચૌરસિયા તરફ સ્મિત કર્યું. તેના હાસ્યમાં તેની ધવલ દંતપંક્તિ દુકાનના ફાનસના અજવાળામાં પણ ચમકી ઉઠી. આ મધુર હાસ્ય સાથે તેણે ચૌરસિયાને કહ્યું, “કોઈ ખિલાને વાલા હો તો ક્યોં નહિ, ભૈયા?” અને આંખના ખૂણામાંથી મારી તરફ મારકણી નજરે જોઈને પૂછ્યું, “ક્યા ખયાલ હૈ બાબુ, આપ ખિલાઈયેગા?” બાઈની વાણીમાં રહેલી તહેજીબ જોઈ મને ખરેખર નવાઈ લાગી. હવે મેં ચમેલી તરફ વધુ ધ્યાનપૂર્વક જોયું. તેના શ્યામ ચહેરા પર કોણ જાણે કેમ મને તેની ચરિત્રકથા અંકાયેલી લાગી. તેના હાસ્યના પડદા પાછળ એક કારૂણ્ય હતું. એક પ્રકારની અસહાયતા, લાચારી તો દેખાયાં પણ તેના વાર્તાલાપમાં તેની બુદ્ધિમતા, વિનોદી પ્રકૃતિ અને એક પ્રકારની શિષ્ટતા જણાઈ આવ્યાં - બધાં એકી સાથે. મને વિચાર આવ્યો, કોણ હતી આ અભાગિની, જેને 'આ' વ્યવસાયમાં આવવું પડ્યું હતું? 

હું પરિણીત છું અને પત્ની પર મને અત્યંત પ્રેમ છે. કોણ જાણે કેમ, આ વખતે મને ચમેલી પ્રત્યે સહાનુભૂતિની ભાવના થઈ આવી. આગ્રામાં રહીને પણ તેણે તાજમહાલ જોયો હતો કે નહિ તે વિચાર આવ્યો. વળી આજે તો પુનમની રાત હતી.

“પાન તો ખિલાઉંગા, પહલે યહ બતાઓ, ચાંદની રાતમેં કભી તાજ દેખા હૈ?” મેં પૂછ્યું.

ચમેલી ખડખડાટ હસી પડી. તેણે માથું હલાવ્યું અને તેના વાળની એક લટ તેના ગાલ પર સરકી પડી. તેણે કહ્યું, “મજાક તો નહિં કર રહે બાબુજી? હમરે પેશેમેં રાત કો ભલા કોઈ કભી તાજ દેખને તો ક્યા, કમરે કે બહાર ભી નિકલતા હૈ?”

મેં ખિસ્સામાંથી સોની નોટ કાઢીને તેને આપી અને કહ્યું, “બસ, એક કલાક મારી સાથે તાજના સાન્નિધ્યમાં બેસવાના આ પૈસા છે. આવીશ?” તે જમાનામાં સો રૂપિયા આખા મહિનાનો પગાર ગણાતો!

ચમેલી તૈયાર હતી. ઘોડાગાડી કરી અમે તાજ મહાલ જોવા ગયા. ચંદ્રના પ્રકાશમાં રૂપાના મહેલ જેવા દમકતા તાજ મહેલના ઉદ્યાનમાંની એક બેેન્ચ પર બેસી અમે તાજનાં દર્શન કરતા રહ્યા. અમારી બન્નેની વચ્ચે સારૂં એવું અંતર રાખીને હું બેઠો હતો. અત્યાર સુધી ઘોડાગાડીમાં પણ હું ચમેલીથી દૂર બેઠો હતો. અર્ધો -પોણો કલાક અમે શરદ પુનમની ચાંદનીના પ્રકાશમાં તાજનાં દર્શન અમે અપલક રીતે કરતાં રહ્યાં. મારી વાત કરૂં તો અંતરમાં એક એવી અનુભૂતિ થઈ, જાણે ચાંદનીના પ્રકાશ દ્વારા મુમતાઝ મહાલ તેના હૃદયનો સ્નેહ ઉદ્યાનમાં હાજર રહેલ બધી વ્યક્તિઓ પર વરસાવતી હતી. મને ખ્યાલ ન રહ્યો ક્યારે ચમેલીએ મારી નજીક આવી મારા ખભા પર માથું ટેકવ્યું. મારૂં તેની તરફ ધ્યાન જતાં તેનાથી દૂર ખસવા જતો હતો ત્યાં તેણે કહ્યું, “બાબુજી,રહેવા દો! પણ અમને ગલત ન સમજતા. આજ દિવસ સુધી અમે તાજને દૂરથી જોયો. કદી નજીક જવાનો મોકો ન મળ્યો. આજે ચાંદની રોશનીમાં તાજના અદ્ભૂત રૂપનાં દર્શન આટલી નજીકથી કરાવીને આપે અમારી જીંદગી પ્રત્યેની નજર બદલી નાખી છે. આજે કશું કહેવા માટે મારી પાસે શબ્દ નથી. બસ, અત્યારે ફક્ત એક ખ્વાહેશ છે : અહીં બેઠાં બેઠાં આજની રાતમાં આખી જીંદગી વિતી જાય!”

એક ઊંડો શ્વાસ લઈ તેણે મારી તરફ જોયું અને કહ્યું, "એક મહેરબાની કરશો, બાબુ સાહેબ? આપે આપેલા  પૈસા હું નહિ રાખી શકું. આપની જે ઈચ્છા હોય…”
મેં તેના તરફ જોઈ મારા હોઠ પર આંગળી મૂકી ચૂપ રહેવા નિશાની કરી. એક કલાક ત્યાં બેસી રહ્યા બાદ ઘોડાગાડી કરી અમે ચૌરસિયાની પાનની દુકાને ગયા. એ તો દુકાન બંધ કરીને ચાલ્યો ગયો હતો, પણ ચમેલીને ત્યાં ઉતારી હું મારી હૉટેલ પર ગયો. બીજા દિવસે વહેલી સવારની ટ્રેનથી મુંબઈ પાછો. 

ત્રણેક મહિના બાદ મારે પાછા આગ્રા જવાનું થયું. આ વખતે ફક્ત એક દિવસની ટ્રિપ હતી. સાંજની ટ્રેનથી મારે દિલ્હી જવાનું હતું તેથી મિટીંગ બાદ નજીકની રેસ્ટરાંમાં ભોજન પતાવી પેલી પાનની દુકાને ગયો. દુકાનદાર મને ઓળખી ગયો. આમ પણ પાનવાળાઓની સ્મરણશક્તિને દાદ આપવી જોઈએ! તેણે કહ્યું, “ક્યા નોશ ફરમાઓગે, સાહેબ? મઘઈ-જોડી, બનારસી ઝર્દા?” મેં હસીને હા કહી. હું આગળ કશું કહું તે પહેલાં તે બોલ્યો, “સાહેબ, આપે ચમેલી પર શો જાદુ કર્યો કોણ જાણે. બીજા દિવસે તે મારી પાસે આવી, અને કહ્યું, ‘ભૈયા, હું મારે વતન પાછી જઉં છું. ગઈ કાલે રાતે ચાંદનીમાં તાજનાં દર્શન કરાવીને પેલા બાબુજીએ જીવન પ્રત્યે જોવાનો મારો દ્રષ્ટિકોણ બદલી નાખ્યો. જીવનની સામાન્ય જરૂરિયાતોને પેલે પાર પરમાત્માની સૃષ્ટિમાં અને માનવ નિર્મીત કલાકૃતિમાં જે સૌંદર્ય છે તે નિરખવાની શક્તિ પેલા શરીફ માણસે મને તે રાતના બે કલાકમાં મારા શરીરને સ્પર્શ પણ કર્યા વગર આપી. ગઈ કાલ રાતની ચાંદનીમાં નહાઈને મારૂં શરીર શુદ્ધ થયું તેને હવે કલંકિત નહિ કરૂં. બસ, હવે કશાની અપેક્ષા રહી નથી,’ કહીને તે જે ગઈ, પાછી આવી નથી. બિચારી કોઈ સારા ઘરની હોય તેવું લાગ્યું. કોણ જાણે કઈ મજબુરી...?

હું કશું બોલ્યો નહિ. ચૌરસિયાજીની વાત સાંભળી મનમાં ગ્લાનિ ઉપજી. તેમને પાન-જોડી બાંધી આપવા કહી, તે લઈ હું ત્યાંથી નિકળી ગયો. એક વાત સાચી. ચમેલીને લાંબા સમય સુધી હું ભુલી ન શક્યો.


***

Wednesday, July 8, 2015

સંગીત તારૂં વિશ્વ રૂપાળું!

સંગીત એવી દિવ્ય ઔષધી છે જે માનવીને કાળ અને સ્થળનાં તાપ અને ભીષણ શીતના પર્યાવરણમાં પણ આનંદની અનુભૂતિ તરફ લઈ જાય છે. આજે આપના દરબારમાં ત્રણ એવી કૃતિઓ એવી શ્રદ્ધા સાથે રજુ કરીએ છીએ, જે આપને અપૂર્વ આનંદ આપશે! અાજના અંકમાં પૂર્વ અને પશ્ચિમના સૂરસંગમમાં એક સુંદર ઈન્દ્રધનુષ્ય જોવા મળશે જેમાં રહેલું સૌંદર્ય આપ સહજતાથી નિહાળી શકશો.
***
દક્ષીણ ભારતના આ કલાકારનો સ્વર મખમલ સમાન મૃદુ છે, અને તેમાંથી ઉભરતું સંગીત આ મખમલ પરના રેશમના ભરતકામ જેવું વૈવિધ્યપૂર્ણ છે. તેમને સાંભળનાર શ્રોતા તો બસ, આંખ મિંચીને સાંભળતા જ રહે. કલાકારનો જન્મ ભલે ખ્રિસ્તી પરિવારમાં થયો હોય, તેમણે મા સરસ્વતિને ચરણે બેસી સંગીત સાધના કરીને અપૂર્વ કક્ષા પ્રાપ્ત કરી. તેમની કલાનો અનુપમ દરજ્જો જોઈ તેમને ગુરૂવયૂર જેવા સનાતન ધર્મના પવિત્ર આંગણમાં પરમાત્માની સ્તુતિ ગાવા ત્યાંના પૂજારીઓએ તેમને ખાસ નિમંત્રણ આપ્યું હતું. શાસ્ત્રીય સંગીત ઉપરાંત તેમણે મલયાલમ, તમિળ, તેલુગુ અને હિંદી ફિલ્મોમાં અનેક ગીતો ગાયાં અને તે ચિરસ્મરણીય થઈ ગયા.

સંગીતના વિશ્વમાં તેમણે પચાસ વર્ષ પૂરા કર્યાં ત્યારે તેમને અભિનંદન આપવા અનેક કાર્યક્રમો યોજવામાં આવ્યા. તેમાંના મુખ્ય કાર્યક્રમમાં દેશના મહાન સંગીતકારો હાજર રહ્યા અને તેમણે પોતે તેમને શ્રદ્ધાંજલી આપવા પોતાની કલા દ્વારા અંજલિ આપી. આજના અંકમાં તેમાનું એક રત્ન રજુ કરીશું. આ સમારોહમાં ભારતભરનાં શ્રેષ્ઠ કલાકારો તેમને અભિનંદન આપવા એકઠા થયા હતા. તે સમયે શ્રેયા ઘોષાલે તેમની સાથે એક ગીત ગાયું. અહીં આ ગીત રજુ કરીએ છીએ. અને હા, કલાકારનું નામ છે યેસુદાસ! ગીત છે, “સૂર-મયી અઁખિયોંસે, નન્હા મુન્ના એક સપના દે જા રે…”



***

રશિયન લેખક બોરીસ પાસ્તરનાકે એક હૃદયંગમ નવલકથા લખી - ડૉક્ટર ઝિવાગો. રશિયામાં તો તે પ્રસિદ્ધ થતાં જ ત્યાંની સામ્યવાદી સરકારે તેના પર પ્રતિબંધ લાદ્યો હતો. ચોરી છૂપીથી તેની અસંખ્ય નકલો વેચાઈ અને પશ્ચિમ યુરોપનાં દેશોમાં પહોંચી ગઈ. આ પહેલાં પાસ્તરનાકની કવિતાઓ પણ પ્રસિદ્ધ થઈ હતી. રાજકીય વંટોળિયાથી બચવા સાહિત્ય માટેનું નોબેલ પ્રાઈઝ પાસ્તરનાકને ડૉ. ઝિવાગોને બદલે તેમની કવિતાઓ માટે એનાયત થયું, પણ વિશ્વની જનતા જાણતી હતી કે આ પારિતોષીક તેમને ડૉ. ઝિવાગો માટે આપવામાં આવ્યું હતું. રશિયાની સામ્યવાદી સરકારનું દબાણ કહો કે તેમના દમનની ભિતી, પાસ્તરનાકે નોબેલ પ્રાઈઝ સ્વીકારવાનો ઈન્કાર કર્યો. નવલકથા ડૉ. ઝિવાગો અમેરિકામાં પ્રસિદ્ધ થઈ, અને વર્ષો બાદ તેના પર ફિલ્મ બની. આ ફિલ્મની નાયિકા લારા પર એક Theme song લખાયું અને સંગીતબદ્ધ થયું. લાંબા સમય સુધી આ ગીત વિશ્વના રેડિયો સ્ટેશનેથી પ્રસ્તૂત થતું રહ્યું. 

આપ સૌ જાણો છો કે પૂર્વાંચલની સપ્તકન્યા - seven sisters ગણાતા સાત રાજ્યોમાં મેઘાલય તેની રાજધાની શિલૉંગને કારણે સુપ્રસિદ્ધ છે. આ રાજ્યમાં ખ્રિસ્તી ધર્મના પ્રાદુર્ભાવની સાથે પાશ્ચાત્ય સંગીતનાં પગરણ મંડાયા હતાં. અંગ્રેજ શાસનકર્તાઓએ શિલૉંગને હિલ સ્ટેશન ઉપરાંત પ્રદેશની રાજધાની બનાવી. યુરોપીયન પરિવારોમાં પ્રચલિત ગણાતી સંગીત સભા - જેને Chamber Music કહેવાય છે, તેની પરંપરા શિલૉંગમાં શરૂ થઈ. અંગ્રેજો ગયા બાદ પણ આ કલા વિકસી. એક અવેનત સંસ્થા સ્થપાઈ - Shillong Chamber Choir. સંસ્થાના નવ-કલાકારોએ તેમાં દેશી લોકપ્રિય સંગીત જોડ્યું અને fusionનો પ્રયોગ શરૂ થયો.  શિલૉંગ કૉયર દેશભરમાં પ્રસિદ્ધી પામ્યું અને તેના કલાકારોને વિવિધ સ્થાનોએથી નિમંત્રણ મળવા લાગ્યાં. ત્યાર બાદ આ ગાયકોએ દેશભરમાં ખ્યાતિ પ્રાપ્ત કરી. આજે ‘કૌન બનેગા કરોડપતિ’થી માંડી સંગીતની સ્પર્ધાઓમાં ઈનામ જીતનાર આ સંગીત મંડળીનું એક ‘ફ્યુઝન’ ગીત રજુ કરીશું. ગીત તો આપ જાણો છો, પણ તેમાં આ ગાયકોએ ઉપર જણાવેલ લારાનું Lara's Song તરીકે ઓળખાતું ગીત આબાદ રીતે જોડ્યું અને આખી પ્રસ્તુતીને અદ્વિતીય કરી. તે સમયે ભારતમાં અૉસ્ટ્રીયાના ‘વિયેના ચૅમ્બર ઓરકેસ્ટ્રા’ના વાદકો, જે ભારતના પ્રવાસે આવ્યા હતાં, તેમનો એક કાર્યક્રમ જોધપુરના રાજમહેલ ‘ઉમેદ ભવન’માં યોજાયો. શિલૉંગના ગાયકોએ 'દિલ તડપ તડપકે કહ રહા હૈ'ની સાથે ડૉ. ઝિવાગોની નાયિકા લારા પર યોજાયેલ ગીત - જે ફિલ્મનું signature music છે, પ્રસ્તુત કર્યું. વાદક-ગણ છે વિયેના ચૅમ્બર ઓરકેસ્ટ્રાનાં અને ગાયકો છે શિલૉંગ ચૅમ્બર કૉયરના. આમાં જે પુરૂષ ગાયક છે તેના અવાજને પાશ્ચાત્ય સંગીતમાં tenor કહેવામાં આવે છે!


લેખના અંતમાં ડૉ. ઝિવાગોની clip રજુ કરીશું - 'Somewhere, my love...' જેના વગર ઉપરનો વિડિયો કદાચ અધૂરો રહેશે.



બને તો આ નવલકથા વાંચશો, અને જો તે લાંબી લાગતી હોય તો આ ફિલ્મ જરૂર જોશો. મુખ્ય ભૂમીકા - ડૉ. ઝિવાગોની ઓમાર શરીફે અને લારાની ભૂમિકામાં કામ કર્યું છે જુલી ક્રિસ્ટીએ. તેમના પર ફિલ્માયેલ આ ગીતના સૂર લાંબા સમય સુધી મનના ખૂણામાં સંઘરાયેલા રહેશે.

આ સૂરો સાથે આજનો અંક અહીં સમાપ્ત કરીશું.



Wednesday, June 17, 2015

FATHERS' DAY SPECIAL - હાથીનું કબ્રસ્તાન

 પાત્રો:

સૂત્રધાર: આ એકાંકિ નાટિકાના પ્રસ્તુતકર્તા. 
મઝે: બાપુજી. સ્વાહિલી ભાષાના આ શબ્દનો અર્થ છે ‘પૂજનીય વડીલ’. ઉમર: ૯૭
બા: માની ઓળખાણ આપવાની જરૂર ખરી? વય: ૯૩.
જીજી: મઝેનાં સૌથી મોટાં પુત્રી. ન્યુ જર્સીમાં લગભગ ૪૦ વર્ષથી રહે છે.
જીજાજી: જીજીના પતિ. સ્ટ્રક્ચરલ એન્જીનીયર અને સફળ બિલ્ડીંગ કૉન્ટ્રેક્ટર.
સૂ: સાચું નામ સુશીલા. જીજીની દીકરી.
મોટાભાઇ: મઝેનાં સૌથી મોટા પુત્ર, પણ જીજી કરતાં નાના. હાલનો વ્યવસાય: બે મોટેલ અને એક લીકર સ્ટોર (દારૂની દુકાન)ના માલિક.
મોટાં ભાભી: જન્મ અને સિનિયર કેમ્બ્રીજ સુધીનું શિક્ષણ પૂર્વ આફ્રિકામાં. મોટાભાઇના બીઝનેસમાં ભાગીદાર.
ટોટી: સ્વાહિલીમાં બાબાને ‘ટોટો’ તથા બેબીને ‘ટોટી’ કહેવાય છે. ટોટી મઝેની વહાલી દીકરી, મોટા ભાઇના જન્મ બાદ ઘણા વર્ષે જન્મી હતી. તેમની આફ્રિકન આયા તેને આ નામથી બોલાવતી, તે કાયમ માટે રહી ગયું. વ્યવસાયે ડાયેટીશીયન.
નાનાભાઇ: મઝેનું સૌથી નાનું સંતાન. વ્યવસાય ડેન્ટીસ્ટ.
નાનાં ભાભી: જન્મ અને કેળવણી ભારતમાં. ફાર્મસીસ્ટ.
જૅગ: મૂળ નામ જગદીશ. મોટાભાઇનો મોટો પુત્ર. સફળ કૉર્પોરેટ અૅટર્ની.
મીની: જૅગની પત્ની. મૂળ નામ મીનાક્ષી. જન્મ USમાં. તેને નોકરી કરવાની જરૂર નથી.
કિટ: નાનાભાઇનો પુત્ર - અસલ નામ કિરીટ.
ભૈલો અને ભૈલી: મઝેનો વચેટ દીકરો તથા તેની પત્ની. આ સૂચિત પાત્રો છે. છેલ્લા પંદરેક વર્ષથી અૅડલેડ (અૉસ્ટ્રેલીયા)ની કૉલેજમાં ઇંગ્લીશ લિટરેચરના પ્રોફેસર છે. ભૈલીનું નામ ભૈરવી છે, પણ ભાઇબહેનોએ તેનું મજાકમાં જે નામ પાડયું તે રહી ગયું.




પ્રવેશ ૧.


સુત્રધાર: આપણા જીવનમાં આવનાર કેટલીક વ્યક્તિઓને આપણે ભૂલી શકતા નથી. તેમાંના કેટલાક પરિવાર આપણાં એટલા નિકટ આવતા હોય છે કે તેઓ આપણા જીવનના અવિભાજ્ય અંગ સમાન બની જાય છે. હું આજે તમને મારા જીવનમાં આવેલ અસામાન્ય લોકોના અંતરંગનું દર્શન કરવા લઇ જઇશ. આપણા માટે આ પ્રવાસ અદ્ભૂત નીવડશે - કારણ કે ત્યાં આપણે સ્થૂલરૂપે નથી જવાના.
(સુત્રધાર કેટલીક સેકન્ડ ચૂપ રહે છે.)

અરે! મેં તો તમને આશ્ચર્યચકિત કરી મૂક્યા! કોઇના ઘેર અાપણે સૂક્ષ્મરૂપે કેવી રીતે જઇ શકીએ, એવો વિચાર આવી ગયોને? કેમ નહિ? તમને મિસ્ટર સ્ક્રૂજ યાદ છે ને? ચાર્લ્સ ડિકન્સના “ક્રિસ્ટમસ કૅરલ”ના પ્રખ્યાત મિસ્ટર સ્ક્રૂજ? નાતાલનો આત્મા સૂક્ષ્મરૂપે તેમને તેમના આપ્તજન, વાણોતર વિગેરેના ઘરમાં લઇ ગયો હતો. ત્યાં તેમને જીવનનાં અંતર્દ્વંદ્વ, વ્યથા, અલ્પને પૂર્ણ ગણી સંતોષ માનનારા લોકોનાં દર્શન કર્યાં હતા.
આજના પ્રવાસમાં અાપણે ન્યુ જર્સી જઇશું. જતાં પહેલાં એક ચેતવણી આપીશ. આ પ્રવાસમાં તમને કોઇક વાર કોઇના નિ:શ્વાસોની ભયંકર ઠંડી લાગશે. કોઇના ક્રોધની ઝાળ પણ વરતાશે. આપણે બસ, ચૂપચાપ તેમને નિહાળવાના છે. એક ચેતવણી પણ આપી દઉં. તેને એક નાટિકા તરીકે જ વાંચશો. કોઈ ભળતી જ વ્યક્તિઓનું સિરદર્દ શા માટે વહોરી લેવું?

ચાલો ત્યારે, શરૂ કરીએ આપણો પ્રવાસ?
(પડદાની પાછળ જાય છે, અને પડદો ખુલે છે.)
***
સમય: ઉનાળાની સાંજ.
સ્થળ: જીજીના ભવ્ય મકાનનો એટલો જ ભવ્ય ફૉર્મલ બેઠક ખંડ. અહીં જીજાજીના પ્રાઇડ અૅન્ડ જૉય સમું મોંઘું રાચરચીલું ગોઠવાયું છે: લેધર સોફા, દેશથી ખાસ મંગાવેલ સંખેડાની ખુરશીઓ અને અન્ય ફર્નીચરની વચ્ચે દસ હજારનો ઇરાની ગાલીચો. લેધર સોફાની પાસે કાશ્મીરથી મંગાવેલ અખરોટના લાકડામાંથી કંડારેલ સાઇડ ટેબલ મૂક્યાં છે. હૉલમાં સાઇડબોર્ડ છે જેમાં સિંગલ મૉલ્ટની સ્કૉચના વિવિધ બ્રાન્ડની બાટલીઓ ઉપરાંત કિયાન્ટી, વરમાઉથ, કૉન્યૅક તથા અન્ય કિમતી શરાબના શીશા ગોઠવાયા છે. દિવાલ પર પીછવાઇ, કલમકારી ચિત્રોની સાથે મૅનહટનની કોઇ પિક્ચર ગૅલરીમાંથી લીધેલ બે-એક અૉઇલ પેન્ટીંગ પણ ટંગાયા છે.

પડદો ખુલે છે ત્યારે હૉલમાં સૂત્રધારે જણાવેલા પાત્રોમાંથી મઝે, બા, નાનાભાઇ અને નાનાંભાભી તથા ભૈલો-ભૈલી સિવાય બધા હાજર છે. મોટાભાઇ અને મોટાંભાભી થ્રી-સીટર સોફા પર બેઠા છે. જીજાજી અને જીજી લેધરની ચૅર પર જ્યારે બાકીના બધા ગાલીચા પર પાથરેલી ગુલાબી રંગની ચાદર પર બેઠાં છે. ઉનાળો હોવાથી યુવક-યુવતિઓએ ટી શર્ટ અને શૉર્ટ્સ પહેરી છે. સ્ત્રીઓ પંજાબી ડ્રેસ જ્યારે પુરુષોએ રાલ્ફ લૉરેન/એમ્પોરીયા આમાની/વેરસાચીનાં પોલો શર્ટ અને જીન્સ પહેરી છે. પુરુષો જરા હળવા સ્વરે ગણગણે છે, જ્યારે સ્ત્રીઓ લેટેસ્ટ હિંદી ફિલ્મોની વાત કરે છે. બધા વારે વારે દરવાજા તરફ જુએ છે - જાણે કોઇની રાહ જોતા ન હોય! અચાનક બધા શાંત થઇ જાય છે. ગાલીચા પર ટાંકણી પડે તો પણ સંભળાય! નાનાભાઇ તથા નાનાંભાભી પ્રવેશ કરે છે.

જીજાજી: આવો, આવો, સંત દૂર-વાસા! અમે તો ક્યારના તમારી રાહ જોઇએ છીએ!
નાનાભાઇ: (મ્લાન હાસ્ય કરીને) કેમ, જીજાજી, આજે તો કાંઇ રમુજી મૂડમાં લાગો છો ને તમે! પણ ગુસ્સાવાળા ઋષીનો ખિતાબ મને શા માટે?

જીજાજી: અરે નાનાભાઇ! ગુસ્સાવાળા છો એટલે નહિ, પણ અમારાથી દૂર રહેવા ગયા છો એટલે દૂરના વાસી... આજે કેટલા દિવસે અમારે ત્યાં આવ્યા છો! તે પણ તમે ફૅમિલી મીટીંગ બોલાવી તેથી, નહિ તો તમે અહીં ક્યાંથી?

નાનાભાઇ: I am sorry for being late. બધા આવી ગયા?

મોટાભાઇ: (ખોંખારો ખાઇને) હા. ફક્ત તમારી બન્નેની રાહ જોવાતી હતી.

જીજાજી: અરે સૂ, તારા મામા-મામી માટે ડ્રીંક લઇ આવ તો!

નાનાભાઇ: Can you get me a Diet Coke, please, Sue? જીજાજી, Let’s start.

મોટાભાઇ: નાના, આજની ફૅમિલી મિટીંગ તેં બોલાવી છે. બોલ, તારે શું કહેવું છે?

નાનાભાઇ: થૅંક યૂ, મોટાભાઇ. જીજી, ટોટી, તમને બધાને તો ખબર છે કે....

જીજાજી: Sorry for the interruption. નાનાએ આજે ગંભીર વિષય પર વાત કરવા સૌને ભેગા કર્યા છે, તેથી મિટીંગની કાર્યવાહી પર નિયંત્રણ લાવવા કો’કને Moderator બનાવીએ તો કેવું? નહિ તો વળી પાછા બુમાબુમ કરવા લાગી જઇશું. આપણી ફૅમિલીમાં બધા ભેગા થાય અને કોઇ સિરીયસ વાત નીકળે ત્યારે ઇન્ડીયાના મચ્છીબજાર જેવી સ્થિતિ થતી હોય છે...

નાનાભાઇ: (જરા ઉંચા સ્વરે) તમારો ઇશારો કોની તરફ છે તે હું જાણું છું, જીજાજી! હું એકલો કંઇ બુમો નથી પાડતો. આ ટોટી કંઇ ઓછી નથી!

જીજાજી: ના ભાઇ, એવી કોઇ વાત નથી. હું તો કહું છું કે...

નાનાભાઇ: OK, OK, અમે સૌથી નાના છીએ તેથી સૌને જાણે હક્ક છે કે મને ...

જીજાજી: (નિ:શ્વાસ નાખીને) Here we go again! નાના, મારી પૂરી વાત સાંભળીશ કે નહિ? મારે ફક્ત એટલું કહેવું છે કે આજની વાત સિરીયસ છે. તેથી કોઇ નિર્ણય પર આવવું હોય તો વાતચીતને formal રાખવા અને તેને યોગ્ય દિશા આપવા કોઇ મૉડરેટર હોય તો સારૂં.

નાનાભાઇ: તમે કોને સભાપતિ બનાવવા માગો છો?

જીજાજી: મારી દૃષ્ટીએ જૅગ થાય તો સારૂં. અહીંની કિવાનીઝનો ચૅરપર્સન છે તેથી સભા સંચાલનનો તેને સારો અનુભવ છે.

નાનાભાઇ: વાહ જીજાજી! જૅગ મોટાભાઇનો દીકરો છે તેથી? તમારી સૂ કે મારો કિટ કેમ નહિ?

જીજાજી: I give up. નાના, ચાલ તું કહે તેને ચૅર બનાવીએ. તારે થવું છે....?

નાનાભાઇ: (લુખું હસીને) ના જીજાજી, હું તો ફરિયાદી છું. હું કેવી રીતે જજ બની શકું?

કિટ: ડૅડ, please..... અંકલ, હું તમને second કરૂં છું. જૅગ upright અને impartial છે.

સૂ: (હાંસી ઉડાવતાં) જૅગને ચૅર બનાવશો તો તમારી સભાના બાર વાગી ગયા સમજજો! એ તો એની સેક્રેટરીને પણ કન્ટ્રોલ નથી શકતો તો આ સિંહોના ટોળાને કેવી રીતે tame કરી શકશે? (હસે છે.)

કિટ: રહેવા દે સૂ. Jag is a gentleman. તારા જેવીને ચૅર બનાવીએ તો...

જીજાજી: તમે youngsters જરા ચૂપ રહેશો કે? જૅગ, take the Chair, please.

જૅગ: Thank you, Uncle. (બધા સામે એક નજર નાખે છે.) OK, મિટીંગ શરૂ થાય છે. You have the floor, નાનાકાકા.

નાનાબાઇ: (પરાણે આવેશમાં આવીને) તમે બધા જાણો છો કે છેલ્લા બાવીસ-ત્રેવીસ વર્ષથી બા અને મઝે મારી સાથે સતત રહે છે. મેં અને મારી બાયડીએ તેમની ઘણી સેવા-ચાકરી કરી. હવે અમે થાકી ગયા છીએ. પૅરેન્ટ્સ કાંઇ મારા એકલાની જવાબદારી નથી.

મોટાભાઇ: અમે કોઇએ ના પાડી છે કે? આ પહેલાં.....

નાનાભાઇ: Do you mind મોટાભાઇ? I have the floor. મને finish કરવા દો.

મોટાભાઇ: I am sorry. Carry on...

નાનાભાઇ: હા, હું કહેતો હતો કે બા અને મઝે મારા એકલાની જવાબદારી નથી. તમે બધાંએ મળી આખી જીંદગી આ જવાબદારી મારા માથા પર ઠોકી બેસાડીને મોજ-મઝા કરી છે. હવે ટાઇમ આવ્યો છે કે મોટાભાઇએ તેમને લઇ જવા જોઇએ. આમે’ય તે મા-બાપની જવાબદારી મોટા દીકરાની હોવી જોઇએ, પણ મોટાભાઇ પરણીને આવ્યા અને નોકરી કરવા ભાભી સાથે ન્યાસાલૅન્ડ ભાગી ગયા! મઝે એ જ વખતે રિટાયર થયા હતા પણ મોટાભાઇ, તમે જવાબદારીમાંથી કેવા છટકી....

મોટાભાઇ (નાનાને અધવચ્ચે રોકીને) એ’ય નાના, What is your problem, હેં? તું આજે ન્યુક્લીઅર વૉર કરવાના ઇરાદાથી આવ્યો છે કે શું? છેલ્લા વીસ-પચીસ વર્ષમાં ક્યારે’ય નહિ અને હવે આજે જ આ પ્રૉબ્લેમ કેમ ઉભો થયો છે? તારો સૌથી નાનો દીકરો હવે યુનિવર્સિટીમાં જાય છે તેથી કે શું? ગરજ સરી...

જૅગ: પ્લીઝ ડૅડ, let Nanakaka finish. તમારો ટર્ન આવે ત્યારે તમારે જે કહેવું હોય તે કહેજો.

નાના: Thank you, Jag. મોટાભાઇ, that is unfair. મારી વાત બરાબર સાંભળો. બા અને મઝેની વીસ-પચીસ વર્ષ સુધી સંભાળેલી જવાબદારીના ભારથી અમે કંટાળી ગયા છીએ. અરે, મોટાભાઇ તો શું, મારી બન્ને મોટી બહેનોનાં મનમાં પણ કદી મારો ભાર હળવો કરવાનું સૂઝયું નથી. મોટાભાઇની ચમચાગિરીમાંથી ઉંચા આવે ત્યારે ને?

જીજી અને ટોટી (એક સાથે): જીજી: નાના, હવે તું rubbish બોલવા લાગી ગયો છે..
ટોટી: કોની અને કેવી ચમચાગિરી કરી અમે? મોટાભાઇએ અમને શું બાંધી આપ્યું કે તેમની ચમચાગિરી..

જૅગ: Ladies, ladies, please! મહેરબાની કરીને તમે શાંત રહેશો કે?

નાના: જોયું? Truth always hurts! તમે બધા તો દૂરથી તમાશો જોતા હતા. કો’ક કો’ક વાર બા અને મઝેને મળવા આવો છો, કો’ક વાર ખાવાનું લાવો છો, ખવડાવો છો અને ભાગી જાવ છો. જાણે જવાબદારી પૂરી થઇ ગઇ. પણ રોજની ગદ્ધા મજુરી તો અમારા માથે જ...

ટોટી: બોલ, બોલ નાના. હવે તો બોલી જ નાખ, કોણે કેવી ગદ્ધા મજુરી કરી.

નાના: અરે, ડોસાએ તો મારી જીંદગી ત્રાહી મામ્ કરી નાખી. સવારે કામે જવા નીકળું તો ટોકે, બ્રેકફાસ્ટ કર્યો કે નહિ? બપોરે લંચ માટે ઘેર આવું તો સાથે જમવા માટે રાહ જોઇને બેઠા હોય. અરે, મને શાંતિથી ખાવા તો દો? પણ ના! અને સાંજે થાકીને ઘેર આવી ઉપર જઇ થોડો આરામ કરવાનો વિચાર કરૂં તો ડર લાગે કે હમણાં મઝે બોલાવશે. તેમને હજાર વાર કહ્યું છે કે સાંજે મારી સાથે માથાકૂટ કરવી નહિ, પણ માને તો મઝે શાના?

(બધા સ્તબ્ધ થઇને સાંભળી રહ્યા છે. નાનાભાઇ કોકાકોલાના કૅનમાંથી એક ઘૂંટડો લે છે.)

નાના: અને બા? ઘરમાં આવું તો એમનાં ઓરડામાંથી ચશ્માં નીચા કરી દયામણી નજરે મારી તરફ એવી રીતે જુએ કે મને લાગે કે હું કોઇ અપરાધી છું. મારો તો હવે જીવ ગુંગળાવા લાગ્યો છે. શાંતિથી શ્વાસ પણ નથી લઇ શકતો. (ફરીથી કોકાકોલા પીએ છે.)

જૅગ: Have you finished, Nana Kaka?

નાના: ના! Not yet. Let me be blunt: હવે તો મારી દશા પેલા સિંદબાદ જેવી થઇ છે. એક સફરમાં તેણે દયા ખાઇને એક બુઢ્ઢાને ખભા પર બેસાડ્યો, અને એ તો એવો જામી ગયો કે ઉતરવાનું નામ જ ન લે. મને એવું જ લાગે છે કે મઝે મારા ગળામાં ટાંટીયા ભરાવીને....

જીજી: (લગભગ ચીસ પાડીને) Stop it નાનકા! મઝે માટે આવું બોલતાં તને શરમ નથી આવતી?
ટોટી: (જીજીની સાથે જ) You ungrateful twit...

નાના: (ભોંઠપમાં પણ થોડી આક્રમકતા સાથે) જીજી તમે તો બોલતા જ નહિ. તમારા પાંચ બેડરૂમ-ચાર બાથરૂમના મહેલ જેવા મકાનમાં મિયાં-બીબી અને સૂ એકલાં જ રહો છો. આટલા વરસમાં તમને એક વાર પણ એવું થયું કે બા અને મઝેને એકા’દ બે મહિના બોલાવીને નાનાને break આપીએ? તમારી પાસે બે સ્પૅર બેડરૂમ છે તેમાં તમારા ફ્રેન્ડ્ઝને entertain કરો છો. એક બેડરૂમ બા અને મઝેને આપતાં શું થાય છે? શરમ તો તમને અાવવી જોઇએ...

ટોટી: Oh God!

જીજી: (ગુસ્સામાં) નાના! તું મારી શરમની વાત કરે છે? અમે અનેક વાર બાને કહ્યું છે અમારે ત્યાં આવીને રહો. તારી સામે જ બાએ કહ્યું હતું કે જમાઇને ત્યાં જઇને રહીએ તો અત્યાર સુધી કમાવેલી આબરૂ ઘરડે ઘડપણ કોડીની થઇ જાય. દેશમાં કોઇને મોઢું બતાવવા લાયક ન રહીએ.

ટોટી: નાના, જીજી સામે મ્હોં સંભાળીને વાત કર...

જીજી: મારે શું કરવું જોઇએ તે કહેવાં કરતાં તેં શું કર્યું છે તે કહીશ તો તું અને નાનાં ભાભી શરમથી મરી જશો. 

નાના: (ગુસ્સામાં લગભગ ભાન ગુમાવ્યું હોય તેમ) જીજી, તમે તમારૂં ડહાપણ...

ટોટી: (તીવ્ર સ્વરે) નાના, જીજી સાથે respectથી વાત કર. એ ના ભુલતો કે જીજી અને જીજાજીની sponsorshipને લીધે તું અને આપણો આખો પરિવાર આજે અમેરિકામાં છે. ત્રણ ત્રણ વરસ તું જીજીના ઘરમાં રહ્યો અને તને અહીં ડેન્ટીસ્ટનું qualification મેળવવામાં મદદ કરી. જીજાજીના મહેમાન તરીકે ત્રણ વર્ષ રહ્યો, એમની કાર વાપરી અને હવે prosperous થયો. બોલ જોઉં, આફ્રિકામાં રહીને તું દસ જીંદગીમાં પણ તારા તબેલામાં એકી સાથે મર્સેડીસ, બીમર અને લેક્સસ રાખી શક્યો હોત? You should apologize to Jiji.

જૅગ: જીજી, ટોટી આન્ટી, please! અને નાનાકાકા, તમે શાંતિથી કેમ વાત નથી કરતા? જીજી, તમે નાના કાકાને finish કરવા દો. આજે તેમને પહેલી વાર પોતાનું હૈયું ખોલીને વાત કરવાનો ચાન્સ મળ્યો છે. Let him have his say today. (નાના કાકા તરફ વળીને) અને કાકા, તમે મહેરબાની કરીને મુદ્દાની વાત કરો તો સારૂં.

(નાનાંભાભી નાનાભાઇના કાનમાં કંઇક કહે છે.)

નાનાકાકા: (નરમ સ્વરે) I am sorry, Jiji, Jijaji. I apologize. મારે તો એક જ વાત કહેવી છે. Long and short of it, આજે મારે મઝે અને બાની સમસ્યાનો નિકાલ કરવો છે. હું હવે તેમને એક દિવસ પણ મારી સાથે રાખવા તૈયાર નથી. મારી બાયડીએ તેમની વીસ વરસ અથાગ સેવા કરી છે, જ્યારે તમે બધા તેમાંથી conveniently છટકી ગયા છો.

(એક મિનીટ સ્મશાન શાંતિ ફેલાઇ જાય છે.)

જીજી: જૅગ, નાનાએ ફિનીશ કર્યું હોય તો હવે મારે....

જૅગ: જીજી, મને લાગે છે તમે કશું કહો તે પહેલાં મારા ડૅડીએ મઝેના મોટા દીકરા તરીકે આ બાબતમાં ખુલાસો કરવો જોઇએ. ડૅડ, યૉર ટર્ન.

મોટાભાઇ: જીજી, ટોટી, તમને યાદ છે મઝેએ નાનાને લંડન શા માટે મોકલ્યો હતો? નાનાને બ્રિટન જઇ ડૉક્ટર થવું હતું. તેણે વિચાર ન કર્યો કર્યો કે મઝે રિટાયર થયા હતા અને તેમની પાસે means નહોતા કે નાનાનો લંડનનો ખર્ચ કરી શકે. નાનાએ મઝેને વચન આપ્યું હતું કે જો મઝે તેનો દાકતરીનો અભ્યાસ કરવાની જવાબદારી લે તો તે બા અને મઝેને જીંદગીભર સંભાળશે...

ટોટી: હા, મને યાદ છે. લંડન જવા માટે નાનો તો ભુખ હડતાલ પર ઉતરી ગયો હતો...

મોટાભાઇ: નાનાનો લંડનનો ખર્ચ પૂરો પાડવા મઝેને રીટાયર થયા બાદ કમ્પાલામાં નાનજીભાઇ માધવાણીને ત્યાં નોકરી કરવી પડી હતી. ફૅમિલીમાં હોંશિયાર તો હું હતો. મને બૅરીસ્ટર થવા માટે લંડન મોકલવાને બદલે મઝેએ મને ઇન્ડીયાની થર્ડ રેટ યુનિવર્સીટીમાં એલએલ.બી. કરવા મોકલ્યો હતો, અને આ ડફોળને લંડન મોકલ્યો!

નાના: I beg your pardon, મોટાભાઇ! તમે ફૅમિલીમાં સૌથી હોંશિયાર હતા? what a joke!

જૅગ: નાનાકાકા, તમે પ્લીઝ વચ્ચે બોલશો મા. You had your say.

મોટાભાઇ: ઇન્ડીયામાં મેં મોટર સાઇકલ પર કામ ચલાવ્યું જ્યારે આ નાનાએ તો પહેલા વર્ષમાં જ કાર લીધી. મેં તો LL.M. કર્યું, જ્યારે આ નાનો મેડીકલમાં નાપાસ થતો ગયો. આખરે કિંગ્સ્ટન પોલીટેક્નીકમાં જઇ ડેન્ટીસ્ટ્રીમાં માંડ માંડ ક્વૉલીફાય થયો!

નાના: અને તમે, મોટા ભાઇ? તમે પણ LL.B અને LL.M કરવા પાછળ દસ વરસ લીધા! તમારી કૉલેજના પ્રિન્સીપલને પગાર મળતો તેનાથી વધુ પૈસા મઝે તમને દર મહિને મોકલતા. તમારી lifestyle જોઇ ત્યાંના સ્ટુડન્ટ્સ તમને પ્રિન્સ અૉફ યુગાન્ડા કહેતા તે અમસ્તું કે?

જૅગ: નાનાકાકા, please, અત્યારે ડૅડનો વારો છે. તેમની વાત પૂરી થવા દો...

નાના: તારા ડૅડ જુઠું બોલે છે તેથી મારે વચ્ચે બોલવું પડે છે. (મોટા ભાઈ તરફ વળીને) મોટાભાઇ, દસ વરસ તમે લહેર કરી. અૅંગ્લો ઇન્ડીયન છોકરીઓ સાથે મજા કરી. અંતે અાફ્રિકા પાછા આવતાં પહેલાં લગન કરી લીધા અને આવતાં વેંત મઝેને મદદ કરવાને બદલે ભાભીને લઇ માલાવી જતા રહ્યા હતા, યાદ છે? મઝેને એક રાતો સેન્ટ પણ મોકલતા નહોતા. આ તો ઠીક છે કે મને સ્કૉલરશીપ મળી હતી....

ટોટી: (ખડખડાટ હસે છે) Really, મોટા ભાઇ, નાના, તમારા જેવા જુઠ્ઠા લોકો મેં જીંદગીમાં જોયા નથી! નાના, તું હવે પચાસનો થવા આવ્યો. હવે તો સાચું બોલ! આપણી ફૅમિલીમાં સ્કૉલર તો એકલો ભૈલો હતો. એણે તો જાત મહેનતથી અૉક્સફર્ડની સ્કૉલરશીપ મેળવી હતી. ઇંગ્લીશ લિટરેચરમાં પીએચ.ડી થયો. તને તો દર વરસે પાસ થવાની અને કમ્પાલાના જનરલ હૉસ્પીટલમાં પાંચ વરસ સેવા આપવાની શરતે સરકારે ગ્રાન્ટ આપી હતી, સ્કૉલરશીપ નહિ. તે પણ યુગાન્ડાના એજ્યુકેશન સેક્રેટરી મઝેના ભાઇબંધ હતા તેથી. તેમાંની એક પણ શરત તું પૂરી કરી શક્યો નહોતો. તું ફેલ થતો જતો હતો અને ગ્રાન્ટ બંધ પડતી હતી તે ભુલી ગયો કે?

જીજી: અને તારી બર્સરી બંધ થતી હતી ત્યારે ટોટી તેના પગારમાંથી પૈસા મોકલતી હતી એ પણ ભુલી ગયો? મેડીકલ મૂકી ડેન્ટીસ્ટ થવા ગયો અને આખા processમાં તેં દસ વરસ લીધા! કેટલી વાર તું ફેલ થયો હતો એ તો તને પણ યાદ નહિ હોય!

ટોટી: અને મોટાભાઇ, તમને યાદ છે, એક વાર નાનો ફેલ થયો અને તેને ફી ભરવા પૈસા જોઇતા હતા? મઝેએ તમારી પાસે લોન માગી ત્યારે તમે લિલૉંગ્વેથી કાગળમાં શું લખ્યું હતું? (મોટાભાઇના અવાજની નકલ કરતાં) “મઝે, એ ગધેડાને કહો કે મહેનત કરીને પાસ થા. જોઇએ તો રેસ્તોરાંમાં વેટરનું કામ કર, પણ કુટુમ્બ પર બોજ ન થા!” મેં અને ભૈલાએ તને અૉસ્ટ્રેલીયાથી પૈસા મોકલ્યા ત્યારે...

નાના: (લગભગ બૂમ પાડીને) Stop this nonsense! તમે મારા બાયડી-છોકરાં વચ્ચે મારૂં અપમાન કરવાનું કાવત્રું કરીને આવ્યા છો કે શું? મુખ્ય વાત બાજુએ મૂકીને મારી માનહાનિ કરવી હોય તો અમે આ ચાલ્યા. (ઉભા થવાનો પ્રયત્ન કરે છે.)

જીજી અને જીજાજી: (એક સાથે) નાના, I apologize on behalf of Toti. પ્લીઝ બેસી જા. અને ટોટી, તું જરા ચૂપ બેસીશ કે?

કિટ: પાપા, તમે તો અમને કહેતા હતા કે તમે સ્કૉલર હતા! આમાં સાચું શું છે?

જીજાજી: Leave it Kit. It is not important. ટોટી કદાચ સાચી વાત નહિ જાણતી હોય...

ટોટી: (મોટેથી)  Et tu, જીજાજી? તમે પણ?

જીજાજી: ટોટી, જરા ગમ ખાતા શીખ.

જૅગ: ટોટી આન્ટી, Do you mind? (મોટાભાઇ તરફ વળીને) OK Dad, carry on!

મોટાભાઇ: હા, તો હું કહેતો હતો કે મઝે લગભગ ૭૦ વર્ષના થયા ત્યાં સુધી નાનાને ભણાવવા નોકરી કરતા રહ્યા. એમણે તો પોતાનું વચન પાળ્યું, અને નાનાના વચનને શ્રવણનું વચન માનતા રહ્યા. તારી પાછળ ખર્ચ કરવામાં તેઓ એક રાતો સેન્ટ પણ બચાવી ન શક્યા. અમેરિકા આવ્યા પછી મેં બા અને મઝેને મારે ત્યાં આવીને રહેવા માટે ઘણી વાર કહ્યું હતું. તેઓ ન આવે તેમાં મારો શો વાંક?

નાના: It’s a lie! તમારી પાછળ મઝેએ લાખો ખર્ચ્યા. મારી પાછળ થોડા’ક શિલીંગ ખર્ચીને મઝેએ મારા પર કોઇ મોટો ઉપકાર નથી કર્યો. વળી તમે બા-મઝેને રહેવા બોલાવ્યા હતા કે નહિ તે કોણ જોવા આવ્યું છે?

મોટાભાઇ: તમે લોકો મને ભલે insensitive કહે, પણ એક વાત તો જરૂર કહેશે કે હું કદી ખોટું બોલતો નથી. અમારી સાથે આવવાની તેમણે શા માટે ના પાડી હતી તેનું કારણ બધા જાણે છે. દર બે વરસ બાદ અવતરેલા તારા ચાર છોકરાંઓનું બેબી-સીટીંગ બા અને મઝે કરતા હતા.

નાના: છેલ્લા દસ વરસથી અમે દર વર્ષે વૅકેશન પર જતા ત્યારે પણ તમે તેમને ક્યાં કદી રહેવા લઇ ગયા હતા?

મોટાભાઇ: ના, નહોતા લઇ ગયા, કારણ કે તમારી ગેર હાજરીમાં તારા જર્મન શીપડૉગને અને ભાભીની બે indoor બિલાડીઓને બે વખત ખવડાવવાનું, તેમની ગંદકી સાફ કરવાનું અને તમારા મકાનનું હાઉસ-સીટીંગ કરવાની જવાબદારી તમે બા અને મઝેને આપી જતા હતા.

નાના: આ તો બહાનાં છે. એવા તો ઘણા પ્રસંગ હતા....

મોટાભાઇ: (ગુસ્સાથી) હા, એવા બે પ્રસંગ મને હજી યાદ છે. યાદ છે પેલી સપ્ટેમ્બરની સાંજ? મઝેને ગમે તેવી ગાળો આપીને તેં તેમને વરસતા વરસાદમાં ‘ગેટ આઉટ અૉફ માય હાઉસ’ કહ્યું હતું? તેમણે મને ફોન કર્યો અને હું તેમને મારા ઘરે લઇ ગયો હતો. બા ન આવ્યા કારણ કે તારી દિકરી લતિકા માંદી હતી... how conveniently do you forget..?

નાના: (ઉભા થતાં) That’s enough! હવે તો હદ થઇ ગઇ. જીજાજી, અમને અહીં બોલાવીને તમે અમારૂં બહુમાન કર્યું તે માટે thanks. કિટ, તું તારી મમીને અને બહેનને આપણી BMWમાં લઇ આવજે. હું મારી મર્કમાં જઉં છું.
(નાનાભાઇ ચાલવા લાગે છે. હાજર લોકોમાં કોલાહલ થાય છે. નાનાભાઇની પાછળ જીજી, જીજાજી અને કિટ જાય છે. એકાદ મિનીટમાં જીજાજી તેમને લઇ પાછા આવે છે.)

કિટ: જૅગ, મિટીંગ પર જરા કન્ટ્રોલ રાખને ભાઇ? પાપાને મહા મુશ્કેલીથી પાછા લાવ્યા છીએ.

જૅગ: (જરા સખત અવાજમાં) ડૅડ, ટોટી આન્ટી, તમારે બધાએ જો જુની વાતો ઉખેળવી હોય તો આ મિટીંગ ચાલુ રાખવામાં કશો ફાયદો નથી. It is not fair કે દાદી અને મઝે - જેમના વિશે તમે આ ચર્ચા કરો છો તેમને તમે અહીં હાજર રહેવા દીધા નથી અને તેમના futureનો નિર્ણય કરવા તમે અંદરોઅંદર લડો છો.

(સૂ હાથ ઉંચો કરે છે.)

જૅગ: હા, સૂ, you want to say something?

(જીજી કંઇક બોલવા જાય છે)

સૂ: (જીજીને ઉદ્દેશીને) મૉમ, excuse me. મને સ્ટૉપ ન કરતા. જૅગ, how naive you all people are? તમે બધા beating about the bush કરો છો. મિટીંગનો મતલબ સાફ છે કે નાનામામાને હવે મઝે અને મોટી બાને પોતાના ઘરમાં રાખવા નથી..

નાના: સૂ, મારે શું જોઇએ એ નક્કી કરનારી તું કોણ...?

સૂ: નાનામામા, will you PLEASE excuse me? I have the floor now. નાનામામા મોટી બા અને મઝેને ઘરમાં રાખવા માગતા નથી. અહીં બધાનો ટાઇમ વેસ્ટ કરવા કરતાં નાનામામાને carte blanche અાપી દો કે તેમને જે કરવું હોય તે કરે અને આ અર્થહિન ચર્ચાનો અંત લાવો.

(બધા ચૂપ થઇ જાય છે.)

સૂ: બે વરસ પહેલાં ભૈલામામા અૅડલેડથી બા અને મઝેને લઇ જવા આવ્યા હતા. તેમણે નાનામામાને કરગરીને વિનંતી કરી હતી, પણ નાનામામા, તમે ઘસીને ના પાડી હતી. (નાનામામાની નકલ કરતાં) “No ભૈલા, મઝેને જીવનભર સંભાળવાની જવાબદારી મારી છે. હું તેમને કોઇ પણ સંજોગોમાં Down Under જવા નહિ દઉં!” બાને તમે તમારી લતિકાના સમ આપ્યા હતા તે ભુલી ગયા? અને મોટામામા? તમે શું કહ્યું હતું તે કહું?

(અચાનક સનસનાટી ફેલાઇ જાય છે.)

મોટાભાઇ: (ખોંખારો ખાઇને) That is very rude, Sue. You have no right to speak like that. તારે મોટાંઓની માફી માગવી જોઇએ.

સૂ: I apologize, પણ મારે આ કહેવું જ પડ્યું.

જૅગ: નાનાકાકા, તમે મિટીંગ બોલાવી છે તેથી તમારી પાસે કોઇ solution તો હશે. તમારે કંઇ કહેવું છે?

નાના: મેં તો મારી બાજુ રજુ કરી. બા અને મઝેને હું હવે મારા ઘરમાં રાખવાનો નથી. આ પરિવારનો મામલો છે, તેથી બધાએ મળીને તેમને ક્યાં રાખવા તેનો નિર્ણય લેવા માટે આ મિટીંગ બોલાવી છે.

મોટાભાઇ: (પોતાની પત્નિ તરફ જોઇને) હું તો મઝે અને બાને આજે જ લઇ જવા તૈયાર છું...(ફરી એક વાર પત્ની તરફ બે-ત્રણ સેકંડ જુએ છે, અને તેની પહોળી થયેલી આંખો જોઈ માથું હલાવે છે) હા, આજે જ. પણ મારી સ્પૅર બેડરૂમમાં on suite ટૉઇલેટ નથી. મઝેને દર અર્ધા કલાકે બાથરૂમ જવું પડે છે. નવી બાથરૂમ બનાવવા માટે મને ઓછામાં ઓછા છ-એક મહિના તો જોઇએ. અત્યારે મારી બધી લિક્વીડીટી ઇન્વેસ્ટ થઇ છે. તેમાંથી દસેક હજાર કાઢવા પડે તેમ છે, પણ માર્કેટની સ્થિતિ જોતાં....

ટોટી: મોટાભાઇ, તમે બા અને મઝેને લઇ જવા તૈયાર હો તો દસ પંદર હજાર ડૉલર હું આપીશ. તમારી સ્પૅર બેડરૂમનું રીમોડેલીંગ કરવા માટે વાપરજો. હા, મને તેનું વ્યાજ જોઇતું નથી અને પાંચ વરસ સુધી તમારે તે પાછા આપવાની જરૂર પણ નથી. ન આપી શકો તો પણ ચાલશે.

જીજાજી: મોટાભાઇ, તમે સિરિયસ હો તો નવી બાથરૂમનું બાંધકામ હું મફત કરાવી આપીશ. તમારે ફક્ત બિલ્ડીંગ મટેરિયલ્સની કૉસ્ટ આપવાની રહેશે. ટોટી પાસેથી તમારે ત્રણ-ચાર હજારથી વધુ લેવાની જરૂર નહિ પડે.

ટોટી: મોટાભાઇ, કહો તો હું ચેક લખી અાપું... (પોતાની હૅન્ડબૅગ ખોલવા જાય છે.)

મોટાભાઇ: (એકદમ હેબતાઇને) ના, ના, ના,  ટોટી! ફૅમિલી સાથે પૈસાનો કે બિઝનેસનો વહેવાર કરવો મારા સિદ્ધાંતની વિરૂદ્ધ છે. તારી કે જીજાજીની અૉફર હું સ્વીકારી શકીશ નહિ.

નાના: (ઉપહાસ, હાસ્ય સાથે) આ વીસ વરસમાં મોટાભાઇ પાસેથી આ નવું બહાનું સાંભળ્યું! આનો અર્થ એવો જ ને, કે I am stuck with મઝે અને બા? No brother. આજે મારે ફેંસલો કરવો જ છે. તમારા નવા બેડરૂમ-બાથરૂમમાં મને ઇન્ટરેસ્ટ નથી.

જીજી: તો પછી તેં જે નક્કી કર્યું છે તે બોલી નાખને?

નાના: મોટાભાઇ, બા અને મઝેને તમે બે દિવસમાં નહિ લઇ જાવ તો હું તેમને Old People’s Homeમાં લઇ જવાનો છું. નાનાંભાભીએ કાઉન્ટી સોશિયલ વર્કર સાથે મળીને બધું નક્કી કર્યું છે. બિચારીએ દોડધામ કરીને એક હોમ પણ નક્કી કર્યું છે. (પત્નિ તરફ જોઇને) તું બધી detail આપ જોઉં!

(નાનાભાઇ-ભાભી સિવાય સહુ સ્તબ્ધ થઇ જાય છે.)

નાનાંભાભી: (ક્ષીણ હાસ્ય સાથે) હું શું કહું? (નાનાભાઇ તરફ જોઇને) મને તો ‘એમણે’ નકામી સંડોવી છે. હું તો ચિઠ્ઠીની ચાકર. મને ‘એ’ કહે એ તો કરવું જ પડે ને? આ બધું તમારા ભાઇએ નક્કી કર્યું છે!

(ટોટી ખડખડાટ હસવા લાગે છે.)

નાનાંભાભી: (ઝંખવાણા થઇને, પણ ભારપૂર્વક) હા ટોટી બહેન, તમારા ભાઇએ જ આ બધું નક્કી કર્યું છે. મને તો એ કહે એ કરવું જ પડે. મેં જોયેલું હોમ ઘણું સારૂ છે. આપણો એક ઇન્ડીયન ભાઇ ત્યાં મૅનેજર છે. મારા ગામનો જ છે. એ બા અને મઝેનું ખાસ ધ્યાન રાખશે. હોમ થોડું મોંઘું છે, તેથી તમે બધા ભાઇ-બહેનો મળીને ખરચો સરખા ભાગે વહેંચી લેશો તો કોઇને ભારે નહિ પડે.

નાનાભાઇ: જુઓ, બા અને મઝેને મેં વીસ-પચીસ વરસ સંભાળ્યા છે તેથી અમારી પાસેથી contributionની કોઇએ આશા રાખવી જોઇએ નહિ, તેમ છતાં હું અમારો ભાગ આપવા તૈયાર છું. મોટાભાઇ, ભૈલા પાસેથી અૉસ્ટ્રેલિયાથી પૈસા મંગાવવાની જવાબદારી તમારે લેવાની છે. તમે અમારા મોટા ભાઇ ખરા ને! એને કહેજો કે અમેરિકામાં રહેનારા અાપણે બધા ભાઇ-બહેનોએ મળીને સહિયારો નિર્ણય કર્યો છે.

ટોટી: નાના, મઝે અને બાને ઘરમાંથી કાઢવાનું તો તેં અને ભાભીએ પહેલેથી જ નક્કી કરી રાખ્યું છે તો હવે અમને આમાં શું કામ સંડોવે છે? તેમને વીસ વરસ રાખ્યા તેમાં તેં એમના પર ઉપકાર નહોતો કર્યો. તેમને મળતાં સોશિયલ સિક્યોરિટીના બધા પૈસા તમે વાપર્યા, તેનાથી તમારા છોકરાંઓને પ્રાયવેટ સ્કૂલમાં મોકલ્યા. તેમણે તારા ચારે છોકરાંઓનું બેબી-સીટીંગ કર્યું. અરે તમે તો તમારા કૂતરાં બિલાડાંની પણ તેમની પાસેથી સેવા કરાવી. બા તમારી બધાની ત્રણ વખતની રસોઇ બનાવતા. તમારી ગરજ પતી એટલે મઝેને પંચાણું વર્ષની ઉમરે હોમમાં મોકલવા નીકળ્યા છો? તમારા બન્નેમાં conscience જેવી ચીજ છે કે નહિ?

નાના: ટોટી, મારો ઇમોશનલ બ્લૅકમેલ ના કરીશ. મારે જે કહેવાનું હતું તે કહી દીધું. તમારે જે કરવું હોય તે કરજો.

ટોટી: Really, નાના, તારા જેવો નપાવટ...

નાના: ખબરદાર, ટોટી. હવે એક પણ અપશબ્દ બોલીશ તો આપણો સંબંધ આજથી ખતમ સમજ.

ટોટી: હવે જા, જા! ગઇ કાલ સુધી તને તારી ચડ્ડીનાં બટન બંધ કરતાં નો’તાં આવડતાં તે હું કરી આપતી હતી. હવે મને કહે છે, ‘તારા મારા કિટ્ટા!’ એક વાત તું પણ સાંભળી લે. જે દિ’ તું બા અને મઝેને હોમમાં મોકલીશ, તે દિ’થી આપણો સંબંધ ખલ્લાસ સમજી લેજે.

નાના: જૅગ, અમે અમારો નિર્ણય જણાવી દીધો છે. અમે ઘેર જઇએ છીએ. તને ફાવે ત્યારે મિટીંગ close કરજે. બાય્ બાય્.

(નાનાભાઇ, ભાભી અને કિટ જાય છે. બાકીના પરિવારના સભ્યો હજી પણ આઘાતપૂર્ણ હાલતમાં બેઠા છે. કો’ક “બાય્” બોલ્યું, પણ અસ્પષ્ટ લાગે એવા ધીમા અવાજમાં. ક્ષણ ભર શાંતિ ફેલાય છે.)

મોટાભાઇ: Good Lord! That was terrible!

ટોટી: It is not terrible. It is diss-guss-ting. જીજી, જીજાજી હું પણ જઉં છું. કાલે મઝેને સમજાવીશ કે આજના જમાનામાં દિકરીને ત્યાં રહેવામાં કશો વાંધો ન હોવો જોઇએ. ૯૫ વરસની ઉમરે ‘હોમ’માં જવા કરતાં દિકરીને ત્યાં જવામાં નાનમ નથી. ભગવાનને પણ આવી સજા આપવા માટે એકલા મઝે અને બા મળ્યાં? (ટોટીની આંખમાં આંસુ આવે છે. પર્સમાંથી ટિશ્યૂ કાઢી આંખ લૂછે છે.)

મોટાભાઇ: નાનાએ તો કમાલ કરી. તેણે હવે નક્કી કરી જ નાખ્યું છે ત્યાં આપણે શું કરીએ?

ટોટી: (મોટાભાઇ તરફ તુચ્છતા ભરી નજર નાખી જીજી અને જીજાજી તરફ જુએ છે.) What can YOU do, મોટાભાઇ? તમારાથી કંઈ નહિ થાય. હું જઉં છું. આવજો જીજી. બાય્ જીજાજી.

( મોટાભાઇ કે ભાભીની તરફ જોયા વગર ટોટી નીકળી જાય છે.)

મોટાભાઇ: (અત્યાર સુધી જાણે કશું થયું જ નથી તેવા ભાવવિહીન અવાજમાં) જીજાજી, what a day! નાનો મઝે અને બાને ‘હોમ’માં હમણાં ને હમણાં જ મૂકવા માગતો હોય તો આપણે શું કરી શકીએ? જો એ છ’એક મહિના રોકાતો હોત તો હું તેમને મારે ઘેર લઇ જવા તૈયાર હતો.

મોટાંભાભી: અમે તો તેમને અમારી સાથે રાખવા હંમેશા તૈયાર છીએ. જુઓ ને, દિવાળી, દશેરા જેવા દિવસે અમે તેમને નથી લઇ જતા day spend કરવા? આ લોકો તો એક દિવસ પણ રાહ જોવા તૈયાર નથી તો અમે પણ શું કરીએ?

(જીજી અને જીજાજી એકબીજા તરફ જુએ છે. મોટા ભાભી હૉલમાં ટાંગેલી પુરાતત્વની ઘડીયાળ તરફ જુએ છે. મોટાભાઇ બારણા તરફ. હૉલમાં બાકી રહેલા યુવાન-યુવતિઓ હૉલમાં હાજર રહેલા બાકીના વડીલો સામે જુએ છે.)

જીજાજી: મોટાભાઇ, ડ્રીંક લેશો? તમને ભાવતી ગ્લેન લિવેટ સિંગલ મૉલ્ટ સ્કૉચ આણી છે. નહિ તો બેઇલીઝની સાથે કૉફી...?

મોટાભાઇ: સ્કૉચ ચાલશે. આ સિરીયસ ચર્ચા બાદ થોડા રિલૅક્સ થઇશું.

(જીજાજી સાઇડબોર્ડ તરફ જાય છે.)

જૅગ: Sorry, Uncle. મિટીંગ થોડી out of hand થઇ ગઇ. તમે આપણા પરિવારના senior-most member છો. આજની સભાનો ભાર તમારે લેવો જોઇતો હતો. Any way, જે થવાનું હતું તે થઇ ગયું. હું પણ જઉં છું. ચાલ મીની આપણે નીકળીએ.

(જૅગ અને મીની જાય છે. જીજાજી ટ્રેમાં બે ગ્લાસ લઇને મોટાભાઇ તરફ જાય છે અને પડદો પડે છે.)


પ્રવેશ ૨
પડદો ખુલે છે.
દૃશ્ય: નાનાભાઇના મકાનનું આલીશાન લાઉન્જ. અમેરિકામાં વસેલા શ્રીમંત ભારતીયોનું રાબેતા મુજબનું મોંઘું રાચરચીલું. જમણી તરફ બહાર જવાનો દરવાજો છે. દરવાજાની નજીક ત્રણ સૂટકેસ, નાનકડો ટી.વી. સેટ, ચાર પ્લાસ્ટીકની કૅરીઅર બૅગ્ઝ છે. મઝે વીલ-ચૅરમાં બેઠા છે, જ્યારે બા તેમની નજીક લાકડાની ખુરશી પર. તેમની બાજુમાં ઝિમર ફ્રેમ. મઝે અને બા, બન્નેને સાવ ઓછું દેખતું હોઇ જાડા લેન્સના ચશ્માં પહેર્યાં છે. મઝેને સાંભળવાની પણ તકલીફ છે, તેથી કોઇ તેમની સાથે વાત કરે ત્યારે જમણો હાથ જમણા કાન પાસે લઇ જતા હોય છે. હૉલમાં નાનાભાઇ, તેમનાં પત્નિ અને ચારે બાળકો હાજર છે. ટોટી જમીન પર બેસી એક બૅગમાં કપડાં ગોઠવે છે. જીજી બા પાસે ઉભા છે. બાના પગ પાસે એક બિલાડી બેઠી છે.

નાનાભાઇ: (મઝેના કાન પાસે ઝુકીને) મઝે, તમને હોમમાં ગમશે. ત્યાં તમારૂં ચોવીસે કલાક ધ્યાન રાખવા માણસો હોય છે. અને જમવાનું પણ અત્યંત સ્વાદીષ્ટ, ઘર જેવું હોય છે,

મઝે: (ઝીણા અવાજે) એમ કે? સારૂં, સારૂં.

નાનાંભાભી: (મોટેથી) તમે ચિંતા ના કરતા, હોં કે! અમે તમને મળવા રોજ આવતા રહીશું.

મઝે: એમ કે? સારૂં, સારૂં.

(હવે કિટ મઝે પાસે આવે છે)

કિટ: તમારી CDs અને પ્લેયર પેલી પીળી પ્લાસ્ટીકની બૅગમાં છે. ન્યુ યૉર્કથી તમારા ભાઇબંધે મોકલાવેલી CD તેમાં જ રાખી છે.

મઝે: એમ કે? રમણભાઈએ સાયગલનાં ગીત મોકલ્યાં છે. આપણને નીકળવાની વાર હોય તો એકાદ ગીત સંભળાવીશ?

નાનાભાઇ: ના, મઝે. આપણે હમણાં જ નીકળવાનું છે. કિટ, દિકરા, આપણી મર્સેડીસમાં સામાન મૂકવા લાગ તો!

જીજી: નાના, તું સામાન મૂકે, અને બાને ગાડીમાં બેસાડ, ત્યાં સુધી મઝે ભલે સાંભળતા. આમ પણ સીડી પ્લેયર પોર્ટેબલ છે તો મઝે ખોળામાં રાખીને સાંભળશે. તને તો ખબર છે તેમને સાયગલ કેટલા પ્રિય છે!

(ટોટી સીડી પ્લેયર કાઢી, તેમાં સીડી મૂકી ચાલુ કરે છે. નાનાંભાભી બાને ઝિમર ફ્રેમ આપી તેમની સાથે ધીમે ધીમે બહાર જવા નીકળે છે. કિટ અને તેના ભાઇ બહેન સામાન ઉંચકીને બહાર જવા લાગે છે.)

કૅસેટ પ્લેયરમાંથી સાયગલનાં ગીતના સ્વર સંભળાય છે: અંધેકી લાઠી તુ હી હૈ, તુહી જીવન ઉજીયારા...

પડદો પડે છે.

પ્રવેશ ૩
દૃશ્ય: નાનકડો ઓરડો. તેમાં ત્રણ-ચાર ફીટના અંતર પર રાખેલી બે પથારીઓ છે. દરેક બેડ પાસે નાનકડાં બેડસાઇડ ટેબલ. બન્ને ટેબલ પર પાણીની બૉટલ, પ્લાસ્ટીકનો ગ્લાસ, નાનકડો ટેબલ લૅમ્પ અને દવાની બે-ત્રણ શીશીઓ. રૂમના એક છેડે ૩’x૩‘નું ડાઈનીંગ ટેબલ અને બે ખુરશીઓ. તેમાંની એક ખુરશી પર મઝે બેઠા છે. ટેબલ પરના સીડી પ્લેયરમાં સાયગલનું ગીત વાગે છે: “નૈન-હિનકો રાહ દિખા પ્રભુ, પગ પગ ઠોકર ખાઉં મૈં....”

મઝે બા તરફ જોઇ હાથ વડે ‘પાણી પીવું છે’ એવો ઇશારો કરે છે. બા બેડમાંથી ધીમે ધીમે ઉભા થઇ પાણીની બૉટલ અને ગ્લાસ ઉપાડે છે ત્યાં મીની પ્રવેશ કરે છે. તેણે જીન્સ અને ટી-શર્ટ પહેર્યાં છે. હાથમાં રફીયાની મોટી બૅગ છે.

મીની: (મોટેથી) કેમ છો મઝે? બા? હું મીની... બા, લાવો મઝેને હું પાણી આપું છું. (બાને hug કરે છે, તેમને બેડ પર બેસાડી મઝેને પાણી આપવા જાય છે.)

મઝે: (ચશ્મા ઉંચા કરતાં) કોણ? મીની, બેટા? આવ, આવ! કેમ છે તું? જૅગ અને તારો નાનકો, બધા મજામાં છે ને?

મીની: હા, મઝે. (બૅગમાંથી થર્મસ ફ્લાસ્ક અને સ્ટેનલેસ સ્ટીલનો ડબો હાઢે છે) જુઓ મઝે, આજે બા અને તમારા માટે મુઠીયાં અને મસાલાની ચા લાવી છું. આજે કેવું લાગે છે?

મઝે: સારૂં છે, દિકરી. હવે તો ઘરડા થયા એટલે નાનું મોટું ચાલ્યા કરે.. જો ને, ગઇ કાલે બાજુની રૂમનો ટૉમ ડૉનોવન ગુજરી ગયો. બહુ દુ:ખી હતો બિચારો. નસીબ સારાં કે ઉંઘમાં જ ગયો. એક વરસથી એને કોઇ મળવા આવતું નહોતું. હું જતો એની સાથે ગપ્પાં મારવા...

મીની: (વાત બદલતાં) મઝે, ગયે વખતે આવી હતી ત્યારે તમે મને Elephants’ Graveyardની વાત કહેવાના હતા, તે આજે કહો ને?

મઝે: અરે! તને હજી યાદ છે?

મીની: હા, મઝે. શું ખરેખર હાથીઓનું કોઇ ગુપ્ત કબ્રસ્તાન હોય છે?

મઝે: દીકરી, આ વિશેની ઘણી લોકકથાઓ છે. હું તને જે કહેવાનો છું તે મારા જીવનમાં બની ગયેલી સાચી વાત છે. ઘરમાં આજકાલ અમારા બુઢિયાંઓની વાત સાંભળવાનું કોઇને ગમતું નથી. કહેવા જઇએ તો કહે છે, “ફરી કો’ક દી!” (હસે છે.)

મીની: મને તો ટાઇમ જ છે. આજે તમારી વાત જરૂર સાંભળીશ.

મઝે: જો ત્યારે, સાંભળ. એક વાર મારી બદલી રવાન્ડાને અડીને આવેલા ડીસ્ટ્રીકટમાં થઇ હતી. એ જમાનામાં એ દેશનું નામ રૂઆન્ડા-ઉરુન્ડી હતું. ઘણાં ગીચ જંગલ હતાં ત્યાં. એક દિવસ મને મળવા પ્રખ્યાત અંગ્રેજ શિકારી મિ. સ્ટુઅર્ટ હંટર આવ્યા. ઇન્ડીયાના જીમ કૉર્બેટની જેમ તેણે જમીન પર ઉભા રહીને તેની મૉઝર રાઇફલથી man-eater સિંહોનો શિકાર કર્યા હતા.

મીની: કેમ મઝે? માંચડા પર ચઢીને safetyનો વિચાર કેમ ન કર્યો?

મઝે: એના કહેવા પ્રમાણે શિકારી અને તેના શિકારને જીવવા-મરવાનો બરાબર ચાન્સ હોવો જોઇએ. ઝાડ પર ચઢીને કોઇ પ્રાણીને મારવામાં કે જમીન પર બેસેલા પક્ષીને ગોળીથી મારવામાં કાયરતા છે એવું કહેતો. એની વાત પણ સાચી છે.

મીની: પછી?

મઝે: સ્ટુઅર્ટે પણ હાથીના કબ્રસ્તાનની વાત સાંભળી હતી. મને કહે, “બાના હાકીમુ, મેં સાંભળ્યું છે કે અહીંના જંગલમાં હાથીનું કબ્રસ્તાન છે. તમે અહીંના jungle loreનો ઉંડો અભ્યાસ કર્યો છે એવી તમારી ખ્યાતિ છે. મને થોડી tips આપો તો હું જંગલમાં તે શોધવા જઇશ. આ વાત સાચી હોય તો હાથીદાંતનો મોટો જથ્થો મળી આવે.

મીની: મઝે, તેણે તમને બાના હાકીમુ કેમ કહ્યું? તમે તેને રસ્તો બતાવ્યો, મઝે?

મઝે: કિસ્વાહિલીમાં મૅજીસ્ટ્રેટને બાના હાકીમુ કહેતા! જો ને, આફ્રિકામાં હું ૧૯૩૦થી રહેતો હતો, તેથી સરકારી ખાતાઓમાં મારૂં આ નામ પડી ગયું ! મને વન્યજીવન પરત્વે ઘણો શોખ હતો. એક naturalist તરીકે ત્યારથી ત્યાંના જંગલોમાં નેટિવ લોકો સાથે ઘણું ભટક્યો હતો. એકા’દ અઠવાડિયું ટાંગાનિકાના સેરેંગેટીમાં મસાઇ લોકો સાથે પણ રહ્યો હતો. હાથીના કબ્રસ્તાનની વાત મેં સાંભળી હતી અને તેની ઉંડી તપાસ કરી હતી. મને તેનું સત્ય સમજાયું હતું, પણ તેની કોઇને વાત કરી નહોતી. કો’ક દિવસ આને લખી પ્રસિદ્ધ કરવાનો વિચાર કર્યો હતો, પણ આંખોની નબળાઇ.....

મીની: (ઉત્સાહથી) તો તમને હાથીદાંતના ઢગલા જડ્યા? તેથીજ તમે કોઇને તેની વાત ન કરી?

મઝે: (હસીને) સાંભળ દિકરી. વાસ્તવમાં હાથીનું આવું કોઇ કબ્રસ્તાન છે જ નહિ! હાથી જ્યારે ઘરડો થાય અને તેનું મૃત્યુ નજીક આવે ને, ત્યારે તેને અંત:પ્રેરણાથી તેની જાણ થતી હોય છે. હાથીઓનાં ધણમાં બુઢ્ઢા હાથી-હાથણીઓનું ધ્યાન જુવાન હાથી રાખતા હોય છે. હવે જેનું મૃત્યુ નજીક આવ્યું હોય તેવા હાથી યુવાનોને બોજ થવાને બદલે ધણ છોડી જતા હોય છે.

મીની: હવે જે જગ્યાએ હાથી મરવા જતા હોય એ એમનું કબ્રસ્તાન ન કહેવાય?

મઝે: ના, મીની. હાથીઓનાં ટોળાં તો હંમેશા ભટકતા જ રહે છે. એમનું કોઇ એક સ્થાન નિશ્ચીત નથી હોતું. ઉનાળામાં પાણીની શોધમાં સેંકડો માઇલ ચાલતા જાય છે. આવામાં મરવા પડેલો હાથી ક્યાં જઇને પડે તે નક્કી થોડું હોય?

મીની: તો પછી?

મઝે: મરણને આરે આવેલો હાથી ચૂચાપ બધાંને છોડી એવી નિર્જન, પ્રાણીવિહીન જગ્યાએ જતો હોય છે, જ્યાં તે કોઇના ઉપર બોજ થયા વિના શાંતિથી પ્રાણ ત્યાગી શકે. એવી જગ્યાએ, જ્યાં કોઇ પ્રાણી, પક્ષી સાથે માયા ન બંધાય. ઉંચા ઘાસ વાળા બીડમાં તે બેસી જાય છે અને અકાલ પુરુષની રાહ જુએ છે. તેનો જીવ ગયો એટલે તે પણ છૂટ્યો અને તેનું ધણ પણ.. (પાણીનો ઘૂંટડો લે છે).

મઝે: એક નવાઇની વાત કહું? કોઇ વાર પાણીની શોધમાં નીકળેલા હાથીના ધણને માર્ગમાં પડેલા કોઇ પણ હાથીનું હાડપિંજર દેખાય, તો તેમાંનો દરેક હાથી આ મહાકાયના અવશેષ પાસે કેટલીક ક્ષણ ઉભો રહે છે. Even બચ્ચાં પણ. જાણે મૂક શ્રદ્ધાંજલિ આપતા ન હોય? ત્યાર પછી તેઓ આગળ વધે છે.

(મીની સ્તબ્ધ થઇને સાંભળતી રહે છે. આ વખતે તે કશું બોલી નહિ.)

મઝે: મીની, દિકરા, હાથીનું કબ્રસ્તાન એક આફ્રિકન રૂપક છે. આ દુનિયામાં અનેક જગ્યાએ Elephants’ Graveyards પડેલા છે. આપણા બધા ઘરડાં વડીલો આજના હાથીઓ છે. તેઓ પોતાનું જીવન બાળકો માટે જીવતા હોય છે. અમારી વાત કરીએ તો અમે હાથી જેવા વિશાળ હૃદયનાં નથી. અમે તો એવો વિચાર કરતા રહીએ છીએ કે અંત સમયે આપણા કબીલાને છોડીને ક્યાં જવું? ક્યા રણપ્રદેશમાં જવું? આપણા ધણને ભારરૂપ થયા વગર ક્યા Elephants’ Graveyardમાં જવું?

મીની: મઝે! I am sorry...

મઝે: ના, ના દિકરી, you should not be sorry! હાથીના કબ્રસ્તાનનું રહસ્ય અમને યુગાંડામાં જ સમજાઇ ગયું હતું. માયા અને પ્રેમસંબંધમાં અમે તેને ભુલી ગયા. સાચી વાત તો એ છે કે તારી બા અને મને આ ‘હોમ’માં આવ્યાનો જરા પણ ક્ષોભ કે દુ:ખ નથી. હા, દેશમાં પાછા જવાનો કે અહીં આવી જગ્યાએ આવવાનો વિચાર અમે ઘણાં વર્ષો પહેલાં કરવો જોઇતો હતો. જો ને, નાનાને, ટોટીને, તારા સાસુ-સસરા - બધાંને અમે હેરાન કરી નાખ્યા?
(મઝે બોલતાં બોલતાં થાકી ગયા છે. એકા’દ ક્ષણ રોકાઇને) મીની દિકરા, મને પાણીનો ગ્લાસ આપીશ?

(મીની પાણી આપે છે. પાણીનો ખાલી ગ્લાસ મીનીને આપતી વખતે તેઓ જુએ છે કે તેની આંખોમાંથી આાંસુ છલકે છે.)
મઝે: અરે, મીની, મેં તો તને રડાવી! I am so sorry....

મીની: મઝે, please આવું ન બોલો. You know that we all love you. તમે તો અમારા આધાર છો. આજે તમને ખાસ ખુશ ખબર આપવા આવી છું. જૅગ અને અમે એક ઘર વેચાતું લીધું છે. ડૅડ-મૉમના ઘરથી થોડે દૂર. સિંગલ લેવલનું ચાર બેડરૂમનું મકાન છે. અમે તમને અને બાને અમારી સાથે રહેવા લઇ જવાના છીએ. કાયમ માટે. તમારો અને બાનો મોટો બેડરૂમ પૅટીયોમાં પડે છે. ત્યાંથી બૅકયાર્ડમાં જવાય એવું છે. બૅકયાર્ડ એટલું મોટું છે અને open છે કે તેમાં હરણાં લૉનનું ઘાસ ચરવા આવતા હોય છે! તમને ખુબ મજા પડશે.

મઝે: એમ કે? congratulations, દિકરી! જૅગને અમારા આશીષ કહેજે.

મીની: એ તો કહીશ, પણ મઝે, તમે મને હમણાંને હમણાં promise આપો કે તમે અમારી સાથે રહેવા આવશો. બા કહેતા હતા કે દિકરીને ઘેર રહેવા ન જવાય, પણ અમે તો તમારા દીકરા છીએ!

મઝે: (હસીને) અરે, મીની! તારે ત્યાં તો જરૂર આવીશું! ફરી વાર અમને મળવા આવીશ તો તારા બાબાને લઇ આવજે. હું તેને મજાની સિમ્બાની અને કિબોકોની વાર્તા કહીશ!

મીની: પણ પહેલાં મને વચન આપો!

મઝે: OK, બેટા, promise!

મીની: (ખુશ થઇને) Oh! I am so happy! ચાલો, આ મુઠિયાં ખાઇ લો. હજી ગરમ છે. અને ચા!
(ડબો ખોલે છે)
પડદો પડે છે.

પ્રવેશ ૪.

સૂત્રધાર: મિત્રો! જીવનના આ નાટકનો હવે અંત આવે છે. ચાલો પાછા, આપણાં હુંફાળા ઘરોમાં. ઘેર જઇને ભુલી જઇએ હાથીઓને અને તેમનાં કબ્રસ્તાનોને. તમે િફકર ના કરતા. હું તો મઝે જેવા અનેક ગજરાજોને મળ્યો છું. તેમને આનો નથી કોઇ રંજ કે નથી કોઇ ફરિયાદ. જીવન એક ઝરણાં જેવું છે. એ તો વહેતું જ રહે છે અને આવા કબ્રસ્તાનમાં આવીને સુકાઇ જાય છે. આજના યુવાનો અૉસ્કર વાઇલ્ડના ડોરિયન ગ્રેની જેમ પોતાના આત્માને તેમની યુવાનીની છબીમાં કેદ કરી ચૂક્યા છે. તેમને લાગે છે કે ડોરિયન ગ્રેની જેમ તેઓ ચિર-યુવાન છે. તેમને ખબર નથી કે તેમનું પણ કબ્રસ્તાન દૂર નથી.

એક પ્રેક્ષક: પણ મઝેનું શું થયું? મીનીના ઘેર તેઓ ગયા કે નહિ?

સૂત્રધાર: અફસોસ! મઝે તેમનું વચન પાળી ન શક્યા. મીની સાથેની મુલાકાતના એક અઠવાડિયા પછી એક દિવસ તેમને સ્ટ્રોક આવ્યો અને સીધા પરમાત્માને દરબાર પહોંચી ગયા.

બીજો પ્રેક્ષક: Oh God! અને બા?

સૂત્રધાર: (ઊંડો શ્વાસ લઇને) મઝે ગયા પછી મોટાભાઇ અને નાનાભાઇએ નક્કી કર્યું કે બાનો ભાર બન્ને દિકરાઓએ વારાફરતી ઉપાડવો જોઇએ. છ મહિના એક ભાઇને ત્યાં તો છ મહિના બીજાને ઘેર. આ કેવી રીતે કરવું તેના માટે પહેલાં જેવી મિટીંગ બોલાવવામાં આવનાર હતી, પણ તે પહેલાં જ બા ખુરશીમાં બેઠાં બેઠાં મઝે પાસે પહોંચી ગયા. (થોડું રોકાઇને) ચાલો ત્યારે, બાના! હવે નીકળીએ. ક્યારે’ક મઇલા તો મઇલા, પણ અત્યારે તો આવજો. સલામુ, બાના!

* * * * * * * * *


Disclaimer: આ નાટિકાના પાત્રો અને તેમાં વર્ણવેલા પ્રસંગ તદ્દન કાલ્પનિક છે. આ કોઇ પણ જીવિત કે મૃત્યુ પામેલ વ્યક્તિ પર આધારીત નથી. ૧૯૩૦માં કોઇ પણ ભારતીય બૅરિસ્ટર કે જજ યુગાંડામાં હતા જ નહિ! વળી આ પ્રસંગ ભારત, બ્રિટન, કૅનેડા કે અમેરિકા - કોઈ પણ દેશમાં થયો નથી એવી લેખકની માન્યતા છે. ઉપજાઉ, છતાં શક્ય એવી વાત છે આ.

બીજી વાત: કૅપ્ટને લખેલી આ નાટિકા આ અગાઉ “અખંડ આનંદ”માં પ્રસિદ્ધ થઇ હતી, જેની આ સુધારેલી આવૃત્તિ છે. સૂત્રધાર કેન્યામાં જન્મેલા ગુજરાતી છે, તેથી ત્યાં જેવી ભાષા વપરાતી, તે તેમણે વાપરી છે. આ નાટિકા બ્રિટનમાં ચક્ષુતેજ વિહીન આપણા ભાઇબહેનો માટે ચાલતા “કિરણ” નામના બોલતા અખબારના સ્વયંસેવકોએ ‘રેડીયો નાટિકા’ તરીકે ભજવી હતી. કોઇને સાંભળવાની ઇચ્છા હોય તો આવતા કોઇ અંકમાં તે પ્રસિદ્ધ કરીશું. ખાસ વાત. નાટિકામાંના પાત્રો કોઈ વ્યક્તિ કે વ્યક્તિઓને મળતાં આવે તો તે કેવળ આકસ્મિક છે. ૧૯૩૦માં કોઇ પણ ભારતીય બૅરિસ્ટર કે જજ યુગાંડામાં હતા જ નહિ!