રોહાના સ્ટેશન સુધી મારો ડબો સાવ ખાલીખમ હતો. ટ્રેન ઉભી રહી અને ડબામાં એક યુવતી ચઢી. તેને મૂકવા તેનાં માતા પિતા આવ્યા હતા.
“તને એકલી મોકલવા જીવ નથી ચાલતો. જો, ધ્યાન રાખજે. બારીમાંથી બહાર ડોકિયું કરતી નહિ, હોં કે! અને કોઈ અજાણ્યા માણસ સાથે વાત ન કરતી. કોણ જાણે કેવા કેવા લોક ટ્રેનમાં ચઢતા હોય છે અને એકલ દોકલ પૅસેન્જરને…”
“ડૅડ, મમ્મા! તમે ખોટી ચિંતા કરો છો! હવે હું નાની બેબલી થોડી રહી છું? અને આજે ક્યાં પહેલી વાર ટ્રેનમાં જઉં છું?”
“એવું નથી, પણ ધ્યાન રાખજે!”
ટ્રેન ચાલવા લાગી. મારી વાત કહું તો હું અંધ છું. ડબાના એક અંધારા ખૂણામાં બેઠો હતો. મને તો કેવળ અજવાળાં કે અંધારાનો અણસાર આવતો. બાકી બધી રીતે મારી આંખની બૅટરીઓ ગૂલ હતી! આવી સ્થિતિમાં આ યુવતી દેખાવમાં કેવી હતી તે કેવી રીતે જાણી શકું? અત્યાર સુધી મને તો ફક્ત તેના રબરનાં સ્લિપરનો સટાક-પટાક અવાજ અને તેના અવાજની મીઠાશ સંભળાયા હતા. સાચું કહું તો મને તેનો અવાજ તો ગમ્યો જ પણ તેના સ્લિપરના અવાજમાં પણ માધુર્ય સંભળાયું!
એન્જીને સીટી વગાડી. ટ્રેન ચાલવા લાગી.
આપણે મુસાફરી કરતા હોઈએ ત્યારે સાથી પૅસેન્જર સાથે સામાન્ય વાતચીત થાય તેમ મેં તેને પૂછ્યું, “ક્યાં, દહેરાદૂન જાવ છો?”
એક તો હું ખૂણામાં બેઠો હતો અને ડબામાં થોડું અંધારૂં હતું તેથી મારો અવાજ સાંભળી યુવતી ચમકી ગઈ. પણ બીજી જ ક્ષણે તેણે આશ્ચર્યમિશ્રીત અવાજમાં કહ્યું, “અરે! ડબામાં બીજું કોઈ છે તેની મને ખબર નહોતી!”
હું કેવળ હસ્યો. ઘણી વાર તો સાજી - સારી આંખ વાળા લોકો તેમના વિચારમાં એટલા ડૂબેલાં હોય છે, તેમની નજર સામેની વસ્તુઓ જોઈ શકતા નથી. આ યુવતીની કદાચ આવી જ હાલત હોવી જોઈએ! મારા જેવી ચક્ષુહિન વ્યક્તિ તો તેમની બાકીની ચાર ઈન્દ્રિયોની મદદથી ઘણી વસ્તુઓ સાંભળી - સમજી શકતા હોય છે. મારૂં મિથ્યાભિમાન કહો કે લઘુતાગ્રંથિ, હું આંધળો છું તે મારે આ મધુર અવાજની યુવતીને જાણવા દેવું નહોતું. હું જ્યાં બેઠો હતો ત્યાં જ ભરાઈ રહ્યો.
“હું તો ફક્ત સહારનપુર સુધી જ જઉં છું. મારાં માસી મને લેવા સ્ટેશને આવવાના છે,” તેણે કહ્યું.
“ઓહ, એમ કે! જબરી માસી કે વહાલી માસી? મારાં મોટાં માસી જબરાં કડક હતાં!” મેં હસીને કહ્યું.
“તમે ક્યાં જાવ છો?” તેણે પૂછ્યું.
“હું દહેરાદૂન જઉં છું. ત્યાંથી આગળ મસુરી.”
“કેટલા નસીબદાર છો તમે! મને તો પહાડો બહુ ગમે. અૉક્ટોબરમાં પહાડોમાં વાતાવરણ કેટલું ખુશનુમા હોય છે!”
“ખરૂં. આ સમયે મોસમ બહુ સરસ હોય છે," મેં કહ્યું.
મારી દૃષ્ટિ જતાં પહેલાંના મારા અનુભવનો મેં લાભ ઉઠાવ્યો. “આ મહિનામાં તો આખા પહાડમાં વનરાજિ એવી ખીલી ઉઠે છે! મોટા ભાગનાં સહેલાણીઓ પાછા તેમના વતનમાં ગયા હોય છે તેથી જંગલી ડેલિયાનાં ફૂલોથી સજેલા ડુંગરાઓ જોવાની મજા અનેરી હોય છે. પહાડોએ જાણે રંગીન ફૂલોનો પોશાક પહેર્યો હોય તેવું લાગે. સાંજે ઢળતા સુરજનાં કોમળ કિરણોનો આસ્વાદ લેતાં સૂર્યાસ્ત જોવાનો, ત્યાર પછી ફાયરપ્લેસની સામે બેસીને બ્રાન્ડીનો ગ્લાસ… હા, તમારી વાત સાચી છે. અૉક્ટોબરમાં મસુરી અદ્ભૂત જગ્યા થઈ જાય છે,” મેં કહ્યું.
મારી દૃષ્ટિ જતાં પહેલાંના મારા અનુભવનો મેં લાભ ઉઠાવ્યો. “આ મહિનામાં તો આખા પહાડમાં વનરાજિ એવી ખીલી ઉઠે છે! મોટા ભાગનાં સહેલાણીઓ પાછા તેમના વતનમાં ગયા હોય છે તેથી જંગલી ડેલિયાનાં ફૂલોથી સજેલા ડુંગરાઓ જોવાની મજા અનેરી હોય છે. પહાડોએ જાણે રંગીન ફૂલોનો પોશાક પહેર્યો હોય તેવું લાગે. સાંજે ઢળતા સુરજનાં કોમળ કિરણોનો આસ્વાદ લેતાં સૂર્યાસ્ત જોવાનો, ત્યાર પછી ફાયરપ્લેસની સામે બેસીને બ્રાન્ડીનો ગ્લાસ… હા, તમારી વાત સાચી છે. અૉક્ટોબરમાં મસુરી અદ્ભૂત જગ્યા થઈ જાય છે,” મેં કહ્યું.
યુવતી એકદમ ચૂપ થઈ ગઈ. મને થયું હું કંઈ વધારે પડતું બોલી ગયો અને મારી વાતને તેણે કદાચ ઉચ્છૃંખલ ધારી હશે. મને અપરાધભાવ થઈ આવ્યો. તેની શાંતિ જોઈ મને થયું તે હવે બારીમાંથી બહારનું દૃશ્ય જોઈ રહી હતી. મારે તેના સહવાસનો લાભ લેવો હતો તેથી પૂછ્યું, “બહાર કેવું દેખાય છે?”
તે રૂષ્ટ થઈ હોય તેવું લાગ્યું. “તમે પોતે જોઈ લો ને?”
મેં ફંફોસીને બારીની કળ શોધી અને બારી ખોલી. બહાર જોયાનું ઢોંગ કરી મેં કહ્યું, “જોયું? બહાર તારના થાંભલા સ્થિર છે પણ એવું લાગે છે જાણે તે ભાગે છે અને ગાડી સ્થિર છે,” મેં જુની યાદો તાજી કરીને કહ્યું.
“હા, આવું તો હંમેશા થતું હોય છે,” યુવતીએ કહ્યું.
થોડો સમય અમે બન્ને ફરી ચૂપ રહ્યા. મેં તેની દિશામાં જોઈને કહ્યું, “તમારો ચહેરો એક કિતાબ જેવો છે! તમારા મનના ભાવ તમારા ચહેરા પર સાફ વાંચી શકાય તેવા છે.”
યુવતી ખડખડાટ હસી પડી. હસવું રોકાયું ત્યારે તેણે કહ્યું, “અત્યાર સુધી મને જે મળે છે, મને કહે છે હું બહુ રૂપાળી છું! ફક્ત તમે એવા નીકળ્યા જેણે પહેલી વાર મારા ચહેરાને પુસ્તક સાથે સરખાવ્યો! આભાર.”
“તમારો ચહેરો સુંદર પણ છે!” મેં પુસ્તી જોડી.
“તમે પણ ખરા ખુશામદખોર છો!” તે ફરીથી હસી પડી.
હું વિચારમાં પડ્યો. તેના હાસ્યમાં મને હવે પર્વતમાંથી ખળખળ કરીને વહેતા ઝરણાંના અવાજની મીઠાશ જણાઈ. કેવી વિવિધ ખુબીઓ ધરાવતી આ યુવતી છે!
આવી ટૂંકી વાતોમાં બે કલાક કેવી રીતે નીકળી ગયા, ખબર ન પડી. હવે એન્જીનની સીટી વાતાવરણને ચીરતી અમારા ડબા સુધી પહોંચી.
“થોડી વારમાં તમારૂં સ્ટેશન આવી જશે,” મેં કહ્યું.
“હાશ! મને ટ્રેનનો પ્રવાસ નથી ગમતો. બે-ત્રણ કલાકથી વધુ ટ્રેનમાં બેસવાનું થાય તો હું કંટાળી જાઉં,” તેણે કહ્યું.
એન્જીને ફરી સીટી વગાડી અને ટ્રેનની ગતિ ધીમે ધીમે ઘટવા લાગી. દસ-પંદર મિનીટ બાદ આંચકા સાથે ટ્રેન રોકાઈ. સહારનપુર આવી ગયું. સ્ટેશન પર મજુરોની બૂમાબૂમ, પૅસેન્જરોની દોડધામ અને ફેરિયાઓનાે ઘોંઘાટ મને ન સંભળાયો. હું તો મારા હૃદયમાં ઉદ્ભવેલી શૂન્યતાનો શાંત સૂસવાટ સંાભળી રહ્યો હતો. કેટલા ઓછા સમયનો આ સંગાથ હતો અા અદ્ભૂત યુવતીનો! પણ તેની વિદાય મને શા માટે અસહ્ય લાગી રહી હતી? મેં તો તેનું નામ પણ નહોતું પૂછ્યું.
પ્લૅટફોર્મ મારી તરફ હતું અને દરવાજો મારી નજીક હતો. યુવતી ધીમે ધીમે મારી પાસેથી નીકળી. બારણા પાસે એક ક્ષણ રોકાઈને તે હળવાશથી બોલી, “આવજો!”
તેના ‘આવજો’ની સાથે તેના કેશમાંથી પમરાતી ખુશબૂ મારી નાસિકામાં પ્રવેશી. મને તેના વાળનેા સ્પર્શ કરવાની ઊર્મિ થઈ આવી, પણ મહામુશ્કેલીએ તે મેં રોકી. મારે તેના સહવાસની સુગંધી, સૌંદર્યમય ઘડીઓને ચિરસ્મણીય સ્વરૂપ આપવું હતું. એક એક ક્ષણ હું વાગોળતો હતો. એક નિ:શ્વાસની જેમ મારા મુખેથી “આવજો’ જેવાે શબ્દ નીકળ્યો અને તે નીચે ઉતરી. તેની વિદાયના વિચારમાં હું ઉદાસી અનુભવું તે પહેલાં એક મુસાફરે જોરથી દરવાજો ખોલ્યો, અંદર આવીને જોરથી બંધ કર્યો. મારી વિચારધારામાં આંચકા સાથે ભંગ પડ્યો.
“મારી ધમાચકડી માટે મને માફ કરજો!” તે બોલ્યો. પછી ઝંખવાણા અવાજમાં તેણે કહ્યું, “હમણાં ઉતરી તે તમારી સહપ્રવાસીની અત્યંત સુંદર હતી. હવે પછીનો તમારો પ્રવાસ આ અણઘડ અને કદરૂપા જણ સાથે તમારે કરવાનો છે,” કહીને તે હસી પડ્યો.
“મને એક વાત કહેશો? તેના કેશ કેવા હતા? લાંબા હતા કે બૉબ્ડ?” મેં આગંતુક પ્રવાસીને પૂછ્યું.
“સૉરી, તેના વાળ તરફ મારૂં ધ્યાન ન ગયું, પણ હા, મેં તેની આંખો જોઈ. આવી મોટી, હરણી જેવી સુંદર આંખો કોઈ યુવતીમાં મેં ભાગ્યે જ જોઈ છે. પણ કુદરતની કરણી જુઓ! આંખોનો તેને કશો ઉપયોગ નહોતો. બિચારી આંધળી હતી.”
No comments:
Post a Comment