૧૯૬૯માં દેશમાં તથા ગુજરાતની રાજકીય પરિસ્થિતિ અસાધારણ કહી શકાય તેવી હતી. કેન્દ્રમાં શ્રીમતિ ઇંદીરા ગાંધી વડા પ્રધાન હતા, પણ કૉંગ્રેસ પાર્ટીમાં ભંગાણ પડ્યું હતું. ગુજરાતમાં સ્વ. શ્રી. હિતુભાઇ દેસાઇની કૉંગ્રેસ (અૉર્ગેનાઇઝેશલ) સરકાર હતી, જે શ્રીમતિ ગાંધીની કૉંગ્રેસથી વિખુટી પડેલી સરકાર હતી. (આ માહિતીની યાદી આપવા માટે હું શ્રી. તુષારભાઇભટ્ટનો આભાર માનું છું.)
પોલીસ કમીશ્નરની અૉિફસમાં જામનગરની બ્રિગેડના વડા સ્ટાફ અૉફીસર મેજર ટેલરની અધ્યક્ષતા હેઠળ JOC -જૉઇન્ટ અૉપરેશનલ કન્ટ્રોલ સેન્ટર સ્થપાયું હતું. શહેરમાં ત્રણ વિભિન્ન દળો હોવાથી દરેક દળમાંથી એક LO - લિયેઇઝૉં અૉફિસરને આ JOCમાં રહીને કામ કરવાનું હતું.
શાંતિ સ્થાપવાના અૉપરેશન્સ માટે મેજર ટેલરે અમદાવાદને પાંચ ‘ભૌગોલિક’ સેક્ટર્સમાં વહેંચ્યું હતું. શહેરનો સૌથી હિંસાગ્રસ્ત વિસ્તાર કોટની રાંગની અંદરનો ભાગ હતો, જેમાં દરિયાપુર, કાળુપુર, શાહપુર, ખાનપુર, જમાલપુર, રાયપુર, ખાડિયા વિ.આવી જતા હતા. અહીં BSFની બટાલિયનોની ડ્યુટી હતી. કોટની રાંગ બહારના વિસ્તારમાં તથા સાબરમતી નદીની પાર મિલીટરીની બટાલિયનો તથા બે CRP - સેન્ટ્રલ રીઝર્વ પોલિસની બટાલિયનો ફરજ પર હતી.
મેજર ટેલર એક કાબેલ અફસર હતા. તેમણે JOCનું આયોજન અત્યંત કુશળતાપૂર્વક કર્યું હતું. એક ભીંત પર અમદાવાદ શહેરનો ૧ઇંચ બરાબર ૧ માઇલના સ્કેલનો નકશો લગાડી, તેના પર પારદર્શક પ્લાસ્ટીકનું કવર મઢ્યું હતું. શહેરના પાંચે વિભાગોને નકશામાં લાલ ચાઇનાગ્રાફ પેન્સીલથી સીમાબદ્ધ કરવામાં આવ્યા હતા. ત્રણ વિભાગની જવાબદારી બ્રિગેડની ચાર બટાલિયનો પાસે તથા કોટના વિશાળ ક્ષેત્રમાં બીએસએફની બટાલિયનોને સોંપવામાં આવી હતી. મિલીટરીના વિસ્તાર માટે તેમના ત્રણ અફસરો તથા ચાર નૉનકમીશન્ડ અૉફિસર્સ, CRPના બે અને BSFનો - એક માત્ર LO જીપ્સી હતો.
JOCની કાર્યપદ્ધતિ મેજર ટેલરે સરળ બનાવી હતી. કમીશ્નર અૉફિસના નીચેના હૉલમાં પોલીસ ખાતાનો કંટ્રોલરૂમ પ્રવૃત્તીથી ધમધમતો હતો. શહેરના કોઇ પણ વિસ્તારમાં હિંસક બનાવ બને તેની માહિતી સંબંધિત પોલીસ ચોકી દ્વારા બે-ત્રણ મિનીટમાં પોલીસ કંટ્રોલરૂમમાં પહોંચી જતી. ત્યાંથી તરત ‘incident report’ની બે નકલ મેજર ટેલર પાસે આવે. ક્યા સેક્ટરમાં આ બનાવ બન્યો છે તે નકશામાં જોઇ તેઓ JOCમાં કાર્યરત સંબંધિત સેક્ટરના LO તેની એક નકલ અાપતા. દરેક વિભાગના કમાંડરનો સંપર્ક સાધી શકાય તે માટે દરેક LOની સેક્ટર કમાન્ડર સાથે સીધી ટેલીફોન લાઇન હતી, અને JOCમાં જે સેક્ટર કમાંડરના નામનો ફોન હતો તે ઉપાડતાં જ તે કમાંડરના ટેલીફોનની ઘંટડી વાગે. ઘંટડી વાગતાં વેંત ત્યાંનો ડ્યુટી અફસર ફોન ઉપાડે અને તેને આપવામાં આવેલ માહિતી પર તે તરત કાર્યવાહી કરે. મેં એક વધારાની લાઇન માગી. આ લાઇન પોલીસ એક્સ્ચેન્જની હતી તે દ્વારા હું મારા સબ-સેક્ટર કમાન્ડર સાથે સીધો સંપર્ક કરી શકું.
બીએસએફના કોટ વિસ્તારમાં ચાર બટાલિયનો નિયુક્ત થઇ હતી. અમારી જવાબદારીના વિસ્તારમાં આવેલી કોઇ પણ જગ્યાએ હિંસક બનાવ બને તો ત્યાંના સેક્ટર કમાંડરને તરત જાણ કરવાનું કામ મારૂં હતું. તે સ્થળ પર કામગિરી થઇ છે કે કે કેમ તેને મૉનીટર કરી, તે પૂરી થતાં તેનો રીપોર્ટ મારે મેજર ટેલરને આપવાનો રહેતો.
હું અમદાવાદનો ભોમિયો હતો તેથી અમારા વિસ્તારમાં કોઇ પણ બનાવ બને તેની માહિતી એક પણ મિનીટનો વ્યય કર્યા વગર અમારા સેક્ટર કમાંડરને અને સ્થાનિક કમાંડરને “Conference Call” દ્વારા તે જ વખતે આપતો. ૧૯૬૯માં ટેલીફોનની પુરાતન પદ્ધતિ હતી તેથી કૉન્ફરન્સ કૉલ માટે બે ટેલીફોન પર એક સાથે વાત કરવી પડતી (જુઓ ફોટો!) પરિણામે બનાવના સ્થળે પાંચ મિનીટમાં જ અમારા સૈનિકો પહોંચી જતા અને હાલત પર કાબુ મેળવી લેતા.

(JOCમાં "કૉન્ફરન્સ કૉલ" (!) કરી રહેલ 'જીપ્સી' તથા અન્ય લિયેઇઝૉં અૉફિસર્સ)
પૂરી થયેલી કાર્યવાહીનો રીપોર્ટ મેજર ટેલરને આપતાં તેઓ ચકિત થઇ જતા. “આટલી જલદી તમે કેવી રીતે જવાબી કારવાઇ કરી શકો છો?” મેં જવાબ આપ્યો ત્યારે તેઓ ખુશ થઇ ગયા. આનું પરિણામ એ આવ્યું કે મિલીટરીની જવાબદારીના વિસ્તારમાં પણ કોઇ બનાવ બને, તો મેજર ટેલર મને તરત પૂછતા, “ભૈરવનાથ ક્યા સેક્ટરમાં છે?” હું તેમને સેક્ટર નંબર અને સેક્ટર હેડક્વાર્ટર (જે તે વિસ્તારના પોલીસ સ્ટેશનમાં સ્થાપવામાં આવ્યું હતું) તે જણાવતો. શરૂઆતમાં હું તેમને નકશામાં પોલીસ સ્ટેશન તથા ઘટનાનું સ્થાન બતાવતો, પણ જે ઝડપથી હું તેમને માહિતી આપતો તે જોઇ તેઓ મારી પાસેથી માહિતી મેળવી નકશામાં જોયા વગર સીધા સેક્ટર કમાંડરનો સંપર્ક સાધવા લાગ્યા. હવે અમદાવાદમાં સેના અને બીએસએફ ખરેખર ‘રૅપીડ અૅક્શન’ કરતા થયા. તોફાની ટોળાંઓને જાણ થઇ ગઇ કે તેઓ ક્યાંય અડપલું કરવા જશે તો પાંચ-છ મિનીટમાં બીએસએફ કે મિલીટરી ત્યાં પહોંચી જશે. આમ છતાં આખું શહેર ભડકે બળી રહ્યું હતું. શહેરમાં દર મિનીટે પાંચથી છ બનાવોમાં ખુન, આગ, કતલના સમાચાર આવી રહ્યા હતા. અમારામાંથી કોઇને એક મિનીટ શ્વાસ લેવાની પણ ફુરસદ નહોતી.
મારી ડ્યુટીના પહેલા દિવસે બપોરના ચાર વાગી ગયા પણ મને પાણીના ગ્લાસ સિવાય બીજું કશું મળ્યું નહોતું. અમારા એડી સાહેબ તો મને સાવ ભુલી ગયા હતા! હું નહાયો પણ નહોતો, અને દાઢી પણ કરી નહોતી! જમાલપુર, કાળુપુર, દરિયાપુર, બાપુનગર, સરસપુર, શાહપુર અને ખાનપુરમાં દર બે-ત્રણ મિનીટે હિંસાના પ્રસંગો બની રહ્યા હતા. હું ફીલ્ડ કમાન્ડરોને બનાવની ખબર આપી કાર્યવાહી કરવાની સૂચના આપતો હતો અને તેમણે લીધેલ પગલાંનો રીપોર્ટ મેળવતો હતો. સબ-સેક્ટર કમાન્ડર દ્વારા અપાતા વિગતવાર રીપોર્ટ સંાભળીને પણ કમકમાં ઉપજે. આખી રાતના ઉજાગરા બાદ બીજા દિવસે પરોઢિયે ચાર વાગે હું બાથરૂમમાં ગયો, અને ત્યાં અરીસા નજીક પડેલી ટૂથપેસ્ટ આંગળી પર લગાડી દાંત સાફ કર્યા. ભૂખથી હું બેહાલ થઇ ગયો હતો! અહીં ટેલીફોનની ઘંટડી એક ક્ષણ પણ શાંત નહોતી રહેતી.
આમ ને આમ બીજો દિવસ અને રાત વિતી ગયા. JOCમાં મિલીટરીના ચાર અફસરો હતા, અને તેઓ એકબીજાને દર ચાર-ચાર કલાકે રીલીવ કરતા હતા. તેમનો સ્ટાફ તેમને ચ્હા અને નાસ્તો લાવી આપતા હતા, પણ તેમણે મને પુછ્યું પણ નહિ કે ભાઇ તમે ચ્હા લેશો કે કેમ! હું ગુજરાતમાં હતો, પણ આપણા લોકો સાથે નહોતો. કિશોરાવસ્થામાં ૧૩-૧૪ વર્ષની વયે વૅકેશનમાં હું અમદાવાદથી ભાવનગર બા પાસે જતો ત્યારે ટ્રેનના પ્રવાસીઓ ભોજનના સમયે ડબા ખોલી એકબીજા સાથે ભાથું વહેંચીને જમતા. અહીં તો વાત જ જુદી હતી.
અહીં મને મિલીટરી દ્વારા બીએસએફ પ્રત્યેના દ્વેષભાવનો અનુભવ થયો. શા માટે આ દ્વેષ હતો તેની વાત આગળ જતાં કરીશ.
ˇ
tatto media