Thursday, September 9, 2021

૧૯૭૧ - નવા મોરચા તરફ પ્રયાણ

      મિલિટરી કે પૅરામિલિટરી સૈન્યોમાં પંજાબના સૈનિકો સૌથી વધુ સંખ્યામાં જોવા મળે. પંજાબમાં આવેલી BSFની દરેક બટાલિયન અગાઉ પંજાબ આર્મ્ડ પોલીસની હતી, જેમાંની મોટા ભાગની BSFમાં સમ્મિલિત કરી લેવામાં આવી હતી. પંજાબમાં બધા યુનિટોમાં ફૅમિલી ક્વાર્ટર્સ હતા તેથી પંજાબની બટાલિયનોમાં પોસ્ટીંગ મેળવવા પંજાબી અફસરો હંમેશા પ્રયત્ન કરતા રહેતા! મને વણમાગ્યે પંજાબ મળ્યું હતું તેનું મને આશ્ચર્ય થયું હતું

    સપ્ટેમ્બર ૧૯૭૧ની એક મોડી સાંજે અમે અમૃતસર સ્ટેશન પહોંચ્યા. અમને લેવા એક સબ ઇન્સપેક્ટર આવ્યા હતા. સ્ટેશન પર ઘણા સૈનિકો જોવા મળ્યા. જો કે અહીં મિલિટરીના ડિવિઝનનું હેડક્વાર્ટર હતું તેથી સામાન્ય આવ-જા હશે એવું માની લીધુંઅમારૂં યુનિટ અમૃતસરથી ત્રીસે કિલોમીટર દૂર હતું. સ્ટેશનથી  અજનાલા જતાં અમારા ટ્રકની હેડલાઇટના પ્રકાશમાં સડકના કિનારા પર ભારતીય સેનાની ટૅક્ટીકલ સાઇન ( ખાસ સંજ્ઞા હોય છે)ના નાનાં બોર્ડ નજરે પડ્યા. ૧૯૬૫ના સમયથી તે વિશે હું જાણતો હતો તેથી તરત ખ્યાલ આવ્યો કે વિસ્તારમાં ઠેર ઠેર આર્ટીલરી, ઇન્ફન્ટ્રી, આર્મર્ડ રેજિમેન્ટ વિગેરેની છાવણીઓ હતી. રસ્તાના ખૂણા પરનાં નાનાં ચિહ્નો દર્શાતા હતા કે યુનિટ (મિલિટરીમાં યુનિટ એટલે બટાલિયન/રેજીમેન્ટ/ટુકડી)માં જવાનો માર્ગ અહીં દર્શાવેલી ટૅક્ટિકલ સાઇનની નજીક પડેલા ચીલા પર હતો. કેટલીક જગ્યાએ તો ટૅંક્સ ચાલવાનો અવાજ પણ સંભળાતો હતો

    પૂર્વ પાકિસ્તાનની સરહદ પર - આસામ, મેઘાલય, ત્રિપુરા, મણીપુર વિ. સ્થળોમાં સૈન્ય અને BSFની હિલચાલ (mobilisation) શરૂ થઇ ગઈ હતી તેની અમને જાણ હતી. પંજાબના મોરચે આટલા મોટા પાયા પર આપણી  સેના ઉતરી હતી તેનો મને જરા પણ અંદાજ નહોતો. અમૃતસર શહેર બહારના વિસ્તારમાં આવેલી સેના જોઇને મને તરત ખ્યાલ આવ્યો કે પરિવારને બૉર્ડર પર લઇ જવામાં મેં ભુલ કરી હતી

***

    આંતરરાષ્ટ્રીય સીમા પર આવેલી ચોકીઓમાંના કમાંડર્સની ખાસ જવાબદારી હોય છે કે સીમાને પેલે પાર 'સામે વાળા'ની સેના પર અને સીમા ક્ષેત્રમાં રહેનારા નાગરિકોમાં થતી હિલચાલ પર નજર રાખવી. કાર્ય માટે ઊંચા watch tower 

કે વૃક્ષ પર માંચડા બાંધી ત્યાં અમારો

OP (Observation Post)
 રાખવામાં આવે છેતેનું કામ છે સામેના વિસ્તારમાં ચોમેર નિરિક્ષણ કરવાનું. તેને દૂરબિન અને નોંધપોથી આપવામાં આવે છે. તેના જોવામાં જે જે આવે, તેની નોંધ કરી તેનો રિપોર્ટ પોસ્ટ કમાંડરને આપે. પોસ્ટ કમાંડર તેનું આકલન કરી ઉપરના હેડક્વાર્ટરને અહેવાલ મોકલે. અહેવાલને સિચ્યુએશન રિપોર્ટ કહેવામાં આવે છે - જેનું ટૂંકું સંસ્કરણ sitrep  હોય છે. રોજ સવારે અને સાંજે તે બટાલિયન હેડક્વાર્ટર્સમાં મોકલવામાં આવે. જો કોઇ ઘટના થઇ હોય તો ટૂંકમાં NTR - nothing to report નો સંદેશો મોકલાય. કોઇ અસાધારણ હિલચાલ દેખાય તો તેની કાર્યવાહી પ્રસંગ પ્રમાણે કરવામાં આવે છે. જો તેને સીમા પારના વિસ્તારમાં રહેતી જનતાના રોજીંદા જીવનમાં કોઇ અસામાન્ય ફેરફાર દેખાય તો તેના પર વધુ સૂક્ષ્મ દૃષ્ટીથી જોવામાં આવે છે. આવી ઘટનાઓમાં ગંભીર સંકેત હોય છે. આને સૈન્યની ભાષામાં Battle Indications કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો સીમા પરનાં ગામોના રહેવાસીઓને સામુહિક રીતે અન્ય કોઇ સ્થળે લઇ જવામાં આવે, કે સીમા પરની ચોકીઓમાં સામાન્ય રીતે રાખવામાં આવેલા સૈનિકોની સંખ્યામાં અચાનક વધારો થતો જાય અથવા તેમનું પેટ્રોલિંગ વધુ ઘનીષ્ઠ થાય તો તેઓ કોઇ 'પરાક્રમ' કરવાનો વિચાર કરતા હોય તેનાં એંધાણ હોય છે. આવી movementsનો રિપોર્ટ સીમા પરના કમાંડરે તેના હેડક્વાર્ટર્સમાં તરત મોકલવાના હોય છે, જેના આધારે આપણી સેનાના રણનીતિકારો નક્કી કરે કે આપણે કયા પ્રકારની વળતી તૈયારી કરવી જોઇશે. અમૃતસર સ્ટેશન તથા તેની આસપાસના વિસ્તારોમાં મિલિટરીના સૈનિકો અને વાહનોની અવરજવર જોઇને મને ખ્યાલ આવી ગયો કે પાકિસ્તાનની સીમામાં આવું કંઇક બની રહ્યું છે, જેના કારણે આપણી સેના આંતરરાષ્ટ્રીય સરહદની નજીક આટલા મોટા પ્રમાણમાં આવી પહોંચી છે. આનો જવાબ મળવામાં વાર લાગી.

    હેડક્વાર્ટર્સમાં એક અઠવાડિયું અનુરાધા અને બાળકોને સેટલ કર્યા બાદ મારે બટાલિયનની C કંપનીમા કંપની કમાંડરની ડ્યુટી બજાવવા સીમા પરના એક ગામડાની બહાર આવેલ બરલાસ નામના ગામડાની બહાર રહેવા જવાનું થયું

અમારી અજનાલા બટાલિયનની સીમાની રચના રસપ્રદ છે. અહીં અમારા ક્ષેત્રનું થોડું વર્ણન કરીશ. આગળ જતાં મારી વાતોમાં તેનો ઉલ્લેખ થશે તો અહીં અપાયેલા વર્ણનથી તેનો સંદર્ભ જળવાઇ રહેશે

    


અમારી બટાલિયનના પૂરા વિસ્તારમાં રાવિ નદી વહે છે. બટાલિયનની લગભગ બધી ચોકીઓ રાવિ નદીને પાર આવી હતી. અમારી જવાબદારીના વિસ્તારમાં આવેલી આંતરરાષ્ટ્રીય સીમાની હદને દરેક કંપની વચ્ચે વહેંચવામાં આવી હતી અને કંપનીઓએ તેની જવાબદારી પ્લૅટુનોમાં વહેંચી હતી. પંજાબની સરહદ સપાટ, સમતળ ભુમિ પર હોવાથી કેટલાક ભૌગોલિક ફેરફાર થતા હોય છે. સૌ પ્રથમ રાવિ નદીમાં પૂર આવે તો તેનાં જળ સીમા પરની ભૂમિ પર એવી રીતે ફરી વળે કે ખેતીની જમીન પર પાણી ફરી વળતાં ઉભા પાકને નુકસાન તો થતા , પણ ઘણી વાર તેનાં વહેણ એવાં પ્રખર કે ગામનાં ગામ વહી જતાં. જલપ્રલયની અસર ઓછી કરવા પંજાબ સરકારે રાવિ નદીના કિનારે પંજાબના ગુરદાસપુર જીલ્લાની દક્ષિણેથી અમૃતસર જીલ્લા સુધી આવી પાકિસ્તાનમાં વળી જાય ત્યાં સુધી લગભગ ત્રીસે' કિલોમિટર લાંબો બંધ બાંધ્યો છે. બંધ 'ધુસ્સી'ના નામથી ઓળખાય છેતેને અડીને વહે છે રાવિ નદી.

    રાવિ નદી એક અલ્લડ તરુણી જેવી છે. તેમાં પૂર આવે ત્યારે તે બેફામ થઇને એવી રીતે નૃત્ય કરતી હોય છે, જાણે તેની રંગભૂમિને કોઇ સીમા નથી. મન ફાવે ત્યાં તે ફરી વળે છે. ભારત- પાકિસ્તાન વચ્ચેની સીમા માનવ-નિર્મિત છે, જ્યારે રાવિ નિસર્ગ નંદિની. મન ફાવે ત્યારે તે બન્ને પ્રદેશોમાં વહીને પોતાનાં એંધાણ છોડતી જાય.

સ્વાતંત્ર્ય બાદ બેઉ દેશની સીમા આંકવા BP બાંધવામાં આવ્યા. રાવિને તેની તમા નથી. પાંચ-દશ વર્ષે તે પોતાનાં વહેણ બદલતી રહે છે અને કોઇક વાર આપણી ચોકીઓ જે રાવિની દક્ષિણે હતી, તે પૂર બાદ રાવિના વહેણની ઉત્તરમાં થઇ જાય. તેમાં મારી જવાબદારીની ચોકીઓની હાલત બૂરી થઇ ગઇ હતી ! મારી કંપનીની ત્રણે ચોકીઓ - બહેણીયાઁ. માઝીમેવાં અને શેરપુર રાવિ નદીને પાર હતી. એટલું નહીં, પણ ત્રણે ચોકીઓ એક લાઇનમાં હોવા છતાં રાવિનાં બદલાતાં વહેણને કારણે આંતરરાષ્ટ્રીય સીમા બે ચોકીઓની વચ્ચે આવી જતી હતી ! મારૂં કંપની હેડક્વાર્ટર ધુસી બંધની દક્ષિણે, તેથી મારે બહેણીયાઁ જવાનું થાય તો બે માઇલ ચાલીને રાવિ નદીના કિનારે રાખેલી નૌકા સુધી જવાનું, નદી પાર કરીએ તો એક વિશાળ બેટ આવે. લગભગ એક કિલોમિટર પહોળો અને પાંચ કિલોમિટર લાંબો. રાવિ પાર કરી આ બેટ પર પહોંચીએ અને સરકંડા (આઠ-દસ ફીટ ઊંચા ઘાસ)ના જંગલમાં એક કિલોમિટર ચાલ્યા બાદ એક તેજ ગતિથી વહેતું ઊંડું નાળું - ‘તન્ના નાલા’ આવે, જેને પાર કરી સરકંડાના જંગલમાંથી નીકળતી પગદંડી પર એક માઇલ ચાલીને ગયા બાદ પહોંચાય બહેણિયાં પોસ્ટ પર. તન્ના નાલા ખૂબ ઊંડાણ ભર્યું અને પાણીની ગતિ એટલી તેજ કે તે પાર કરવા માટેની નૌકા વહી જાય તે માટે તેના બન્ને કિનારા પર મજબૂત થાંભલા રોપવામાં આવ્યા હતા.  તેના પર જસતના તારનું દોરડું બાંધવામાં આવેલું. તેમાં એક કડી પરોવી, તેને દોરડા સાથે જોડી અમારી નાળું પાર કરવા માટેની હોડી સાથે કસીને બાંધવામાં આવેલી. અમારો નાવિક લાંબા વાંસડાને નદીની તળેટી પર મૂકીને હોડીને ધકેલી સામે પાર લઇ જાય. -૧૦ ફિટ ઉંચા સરકંડા (જેમાંથી મૂંઢાની ખુરશીઓ બનાવવામાં આવે છે)નું જંગલ પાર કરીને બહેણીયાં ચોકીમાં જવાય. અહીંથી બીજી ચોકી માઝી મેવાઁ સીધી લાઇનમાં, પણ સરકંડાના જંગલનું ઘાસ કાપીને બનાવેલી પગદંડી પર બે કિલોમિટર ચાલીને ગયા બાદ  પહોંચાય. હવે માઝી મેવાંથી શેરપુર જવું હોય તો સીધા જઇ શકાય, કારણ વચ્ચે આંતરરાષ્ટ્રીય સીમા પડે. અગાઉ જે અંતર કેવળ ચારસો ગજનું હતું તેમાં આંતરરાષ્ટ્રીય સીમાનું વિઘ્ન આવી પડવાને કારણે મારે માઝી મેવાંથી દક્ષિણમાં એક કિલોમિટરના અંતરે આવેલ રાવિ નદીને પાર કરી, ત્રણ કિલોમિટર ચાલીને શેરપુરના Ferry Point સુધી જવાનું, નદી પાર કર્યા બાદ એક કિલોમિટર ચાલીને જઇએ તો શેરપુર ચોકી પર પહોંચાય. આમ મારી કંપની ત્રણ બાજુએથી આંતરરાષ્ટ્રીય સીમાથી  - એટલે પાકિસ્તાનથી ઘેરાયેલી હતી. જાણીને નવાઇ લાગશે કે મારી ત્રણે ચોકીઓથી આંતરરાષ્ટ્રીય સીમા કેવળ  ૩૦૦ - ૪૦૦ ફિટ દૂર, અને બાઉંડરી પિલર એટલો નજીક કે ચોકીમાંથી તેનો નંબર પણ સ્પષ્ટ વાંચી શકાય! જાણે કશું હોય તેમ અમારી ચોકીની પાછળ મોટું વિઘ્ન હતું તે રાવિનું. રાવિનો પટ વિશાળ અને પાણી ઊંડા. મારા વિસ્તારમાં કેવળ ત્રણ જગ્યાઓ એવી હતી કે ત્યાં પાણી છિછરૂં, એટલે ખભા-સમાણું. કોઇ વાર અચાનક વહેણ તેજ ગતિથી ચાલે, તેથી નદીના fordable ભાગનો વપરાશ ભાગ્યે કરીએ. બાકી બરલાસ (મારા હેડક્વાર્ટર)થી ત્રણે ચોકીઓમાં જવા માટે ધુસ્સી બંધ પાર કરી, રાવિ નદી પર પહોંચી તે પાર કરવા નૌકાનો ઉપયોગ કરવો પડે. અમારા સમયે સીમા પર વાડ બાંધવામાં આવી નહોતી તેથી આરપાર આવવા જવાનું સરળ બની ગયું હતું.

    પંજાબની ફળદ્રુપ ધરતી સપાટ હોવાથી કેટલીક જગ્યાએ તો સરહદ દર્શક થાંભલા સુધી લોકો ખેતી કરી શકે છે. થાંભલાની આ પાર આપણાં ખેતર અને પેલી પાર પાકિસ્તાનના. નદીના વિસ્તારમાં આવેલી મોટા ભાગની સરહદ પર સરકંડા (elephant grass)ના ગીચ જંગલ છે, જે કાપી, તેમાં ચોકીઓ સુધી જવા પગદંડીઓ બનાવવામાં આવી હતી. પગદંડીની બન્ને બાજુ સાત-આઠ ફીટ ઉંચા ઘાસના જંગલ છે, જ્યાં અનેક હરણ (swamp deer જેને પંજાબીમાં “પાડા” કહે છે) જંગલી ડુક્કર, શિયાળ, સસલાં, બટેર તથા લાલ અને કાળા તેતરના ઝુંડ જોવા મળે. લાલ તેતર જ્યારે સાદ પાડે ત્યારે બાળક ખિલખિલાટ કરી હસતું હોય તેવું ભાસે.

કાળા તેતર દેખાવમાં પણ સુંદર અને તેના સાદમાં “સુભાન તેરી કુદરત” જેવા શબ્દો સંભળાય!

    પંજાબ સપાટ મેદાનનો પ્રદેશ હોવાથી અહીંની સરહદ સહેલાઇથી પાર કરી શકાય. શરુઆતમાં પાકિસ્તાનીઓ દાણચોરીથી સોનું ભારતમાં લાવતા અને ભારતમાંથી ચાંદી લઇ જતા. ત્યાર બાદ ISIએ ઘૃણાસ્પદ પ્રવૃત્તિ આચરી. ભારતની સેના અને અર્ધ-લશ્કરી દળોમાં પંજાબની લડાયક પ્રજાની સંખ્યા સૌથી વધુ છે. ખેતીવાડી તથા નાના પાયાના ઊદ્યોગોની સફળતાને કારણે પંજાબ સમૃદ્ધ રાજ્ય બન્યું. પંજાબીઓ - અને ખાસ કરીને શીખ ખેડુતો વધારાની આવક મોજ શોખમાં વાપરે. લગ્ન પ્રસંગ, ઉત્સવ કે પારિવારિક પ્રસંગોમાં નશા માટે દારૂનો ઉપયોગ છુટથી થતો. ISIએ અફઘાનિસ્તાનમાંથી મોટા પાયા પર અફીણ તથા બ્રાઉન શ્યુગર લાવી તેને પંજાબમાં ધકેલવાનું શરૂ કર્યું. તેમનો ઉદ્દેશ હતો પંજાબની પ્રજાને આવા કેફી દ્રવ્યોની લતમાં ચડાવી તેમની શક્તિનું હનન કરી ભારતની સેનાની લડાયક શક્તિને નષ્ટ કરવી. આ કારણે તેઓ અમારા વિસ્તારમાં આવેલી બટાલિયનોની હદમાંથી અફીણની મોટા પાયા પર દાણચોરી કરવાનો પ્રયત્ન કરતા હતા. સોના કરતાં અફીણની દાણચોરીમાં વધુ પૈસા મળતા હોવાથી અફીણને અહીં ‘કાળું સોનું’ કહેવામાં આવતું. અમારૂં મુખ્ય કામ દાણચોરી રોકવાનું હતું અને દાણચોરોની સાથે ઘુસી આવતા જાસુસોને પકડી દેશની Counter Intelligence એજન્સીઓને હવાલે કરવાની હતી. આ માટે અમે દરરોજ રાત્રે નદીના કિનારે અથવા બાઉન્ડરી પિલરની આસપાસ નાકાબંધી (ambush) કરીએ અને સતત પેટ્રોલીંગ કરી તેમને રોકવાનો પ્રયત્ન કરતા. દાણચોરોની ટોળીમાં એક માણસ સ્થાનિક જગ્યાનો ભોમિયો હોય. તેની મદદથી દાણચોર એક કે બે હથિયારબંધ રક્ષક અને દસ-બાર માલ ઉંચકનારા મજુર (જેમને પંજાબીમાં ‘પાંડી’ અને અંગ્રેજીમાં ‘mules’ કહેવાય છે) દાણચોરીનો માલ લાવતા અને લઇ જતા. ભારત વિરોધી આ પ્રવૃત્તિ શિયાળામાં ટોચ પર આવે, ઉનાળામાં સહેજ ઓછી થાય અને ચોમાસામાં લગભગ બંધ થતી.

  એક અઠવાડિયામાં મારે ત્રણે ચોકીઓની મુલાકાત લઈ, ત્યાંની સ્થિતિનો અંદાજ લઇ હેડક્વાર્ટરમાં અહેવાલ મોકલવાનો રહેતો. 

પંજાબમાં આવેલી આપણી ચોકીઓ પર હુમલો કરવા પાકિસ્તાનની ટૅંક્સ અને સૈનિક-વાહક વાહનોને હુમલો કરવા કેવળ ૧૦૦ થી ૨૦૦ મીટરનું અંતર કાપવું પડે. પરંતુ લાગે છે એટલું આ કામ સહેલું નથી: દુશ્મનને આપણી ચોકી સુધી પહોંચવામાં ભૌતિક અવરોધ ભલે ન હોય, પણ તેમને રોકવા ત્યાં બેઠા છે આપણા બહાદુર બીએસએફના સૈનિકો, જેઓ જાનની પરવા કર્યા વગર દેશની સરહદ સંભાળીને બેઠા છે.

    ડેરા બાબા નાનકથી આપણા વિસ્તારમાં આવતી રાવિ નદીનો પટ ૨૦૦ થી ૩૦૦ મિટર પહોળો છે. નદીમાં કેટલીક જગ્યાએ છાતી સમાણાં પાણી છે. બાકીના એટલા ઊંડા કે પાર જવા હોડી જોઇએ. બન્ને કિનારે હોડી લાંગરવા માટે જે જગ્યા તૈયાર કરવામાં આવે છે તેને પંજાબમાં ‘પત્તન’ કહે છે.

આવી રોમાંચક જગ્યાએ મારૂં પોસ્ટીંગ થયું હતું!


3 comments:

  1. Nice account-
    I recommend a nice book-"Kartography" by Kamila Shamsie. a pakistani writer. This book is about the birth of Bangladesh-It is in Novel form. She has received literary award from Pak prime Minister- She is teaching english in Boston Uni- she is only 35.
    Captain Saheb-ur last chapter and this is excellent-Very Informative.
    Thanks.

1 comment:

  1. sitrep ની અગત્યતા સમજાઇ
    લાલ તેતર જ્યારે સાદ પાડે ત્યારે બાળક ખિલખિલાટ કરી હસતું હોય તેવું ભાસે વાતે ગુંજાય
    तीतर के दो आगे तितर तीतर के दो पीछे तीतर
    आगे तितर पीछे तीतर बोलो कितने तीतर
    चार कचरी कच्चे चाचा चार कचरी पक्के
    पक्की कचरी कच्चे चाचा कच्ची कचरी पक्के
    पक्की कचरी कच्चे चाचा कच्ची कचरी पक्के
    ------------------------
    ' ISIએ અફઘાનિસ્તાનમાંથી મોટા પાયા પર અફીણ તથા બ્રાઉન શ્યુગર લાવી તેને પંજાબમાં ધકેલવાનું શરૂ કર્યું. તેમનો ઉદ્દેશ હતો પંજાબની પ્રજાને આવા કેફી દ્રવ્યોની લતમાં ચડાવી તેમની શક્તિનું હનન કરી ભારતની સેનાની લડાયક શક્તિને નષ્ટ કરવી. આ કારણે તેઓ અમારા વિસ્તારમાં આવેલી બટાલિયનોની હદમાંથી અફીણની મોટા પાયા પર દાણચોરી કરવાનો પ્રયત્ન કરતા હતા'વાત દિન પ્રતિદિન વકરતી જ જાય છે માટે બીજા દેશોની જેમ વધુ કડક પગલા અમલમા લાવવા જોઇએ
    ડેરા બાબા નાનકથી આપણા વિસ્તારમાં આવતી રાવિ નદીનો પટ પરના પોસ્ટીંગના રોમાંચક અનુભવોનો ઇંતેજાર

    ReplyDelete