Thursday, September 16, 2021

૧૯૭૧ - નુતન અભિયાન (૨)

 BSFના નિર્માણ વિષયક ફેલાયેલી અફવા તદ્દન પાયા વગરની હતી. તેમ છતાં ભારતીય સેનાના અફસરોમાં પ્રવર્તેલી શંકા દૂર કરવા કેન્દ્ર સરકારના ગૃહખાતા કે સંરક્ષણ ખાતા તરફથી કોઇ પ્રયત્ન ન થયો. અત્યારે વિચાર કરીએ તો એવું લાગ્યા વગર ન રહે કે તે સમયના રાજકારણીઓએ ભારતીય સેના પર એક પ્રકારનું દબાણ લાવવા માટે જાણી જોઇને આ ભ્રામક ખ્યાલ દૂર કરવા કોઇ પ્રયત્ન ન કર્યો. સ્વતંત્રતા મેળવ્યા બાદ મોટા ભાગના - બ્રહ્મદેશ,  ઇન્ડોનેશિયા, ઇજિપ્ત, પાકિસ્તાન વિ. જેવા Third World દેશોના લશ્કરી વડાઓ જનતાએ ચૂંટેલી સરકારને બરખાસ્ત કરી પોતે સરમુખત્યાર સત્તાધીશ થઇ બેઠા હતા. આવું ભારતમાં ન થાય તેના માટે સરકારે સૈન્યની એવી કોઇ મનિષા હોય તો તે ડામવા માટે BSFની રચના થઇ છે, એવી શંકા જગાવવા ભારતના તે સમયના રાજકારણીઓને આ પરિસ્થિતિ સાનુકૂળ લાગી હોય તે પણ બનવાજોગ છે.  

    અલ્પમતિ રાજકારણીઓને ભારતીય સેના પર વિશ્વાસ હોવો જોઇતો હતો કે આપણું સૈન્ય હંમેશા રાજકારણથી અલિપ્ત રહ્યું છે. શરૂઆતથી .  ભારતીય સેનાના અફસરોની વાત કરીએ તો જેમ બાળકને જન્મતાં  પ્રાણવાયુ મળે છે અને જીવન શરૂ થાય છે, તેમ ફૌજી અફસરને યુનિફૉર્મ પહેરતાંની સાથે જ પહેલો શ્વાસ મળે છે તે રાષ્ટ્રભક્તિનો. ઇંડિયન મિલિટરી ઍકેડેમીમાં પગ મૂકતાં   સામે દેખાતો બીજમંત્ર, જેની પ્રથમ પંક્તિના શબ્દThe safety, honour and welfare of your country come first, always and every time” દરેક અફસરના શ્વાસમાં અને હૃદયના ધબકારમાં ધબકવા લાગે છે. ભારતીય સૈનિકોની દેશ ભક્તિ પર કદી કોઇને શંકા હોવી જોઇએ

ભારતીય સેનાના કેટલાક અફસરોમાં BSF પ્રત્યે સેના-વિરોધી પોલીસ ફોર્સની ભાવના હતી તેનો પ્રથમ અનુભવ ૧૯૬૯માં અમદાવાદના હુલ્લડ દરમિયાન કન્ટ્રોલ રૂમની ડ્યુટી દરમિયાન આવ્યો. વાતાવરણ શાંત થયું હતું અને નિરાંતનો દિવસ હતો. સાંજે ઇન્ફન્ટ્રીના એક કૅપ્ટને જિપ્સી પર સીધો આરોપ કર્યો કે BSFની રચના મૂળે ભારતીય સેનાની શક્તિને ડામવા માટે કરવામાં આવી હતી. ૧૯૬૫થી ૧૯૬૯ના ગાળામાં જે વાત હું સાવ ભૂલી ગયો હતો, તે અચાનક પ્રકટ થયેલા જીનની માફક ખિખિયાટા કરતું હોય તેવું લાગ્યું. 

કૅપ્ટનની વાતનો જિપ્સીએ પૂર જોશથી વિરોધ કર્યો. વાત આગળ વધે તે પહેલાં મેજર ટેલર વચ્ચે પડ્યા અને પેલા કૅપ્ટનને લગભગ ચૂપ રહેવાની આજ્ઞા કરી અને વાદ ખતમ કર્યો. વિવાદ ફરી વાર જોવા મળ્યો ૧૯૭૧માં, જ્યારે જિપ્સીનું પંજાબમાં પોસ્ટીંગ થયું

***

૧૯૬૫ના ડિસેમ્બરમાં BSFની રચનાની જાહેરાત થયા બાદ છેક ૧૯૬૬ના મધ્યમાં તેને કલેવર મળવા લાગ્યું. એક સામટી ૧૦૦ બટાલિયનો ખડી કરવાનું કામ અશક્ય હતું. કેન્દ્ર સરકારે રાજસ્થાન, પંજાબ વિ. જેવા રાજ્યો સાથે વાટાઘાટ કરી સીમા પર સેવા બજાવી રહેલ તેમની પોલીસ બટાલિયનોને BSFમાં સમ્મિલિત કરવાની શરૂઆત કરી. તેમની નેમ હતી ગુજરાત, રાજસ્થાન અને પંજાબની સીમા પર દસ - દસ બટાલિયનો મૂકવાની - એટલે કે ૩૦ બટાલિયનોની. જો કે એટલી સંખ્યામાં પોલીસ બટાલિયનો ઉપલબ્ધ નહોતી તેથી ૧૯૬૫થી ૧૯૭૧ સુધીમાં પશ્ચિમની સીમા પર તેઓ કેવળ અઢાર બટાલિયનો મૂકી શક્યા હતા. BSFને સૌથી મોટો ફાયદો થયો હોય તો તેમને ભારતીય સેનાના એમર્જન્સી કમિશન્ડ ઑફિસર્સ મળ્યા, જેમને ૧૯૬૫ના યુદ્ધનો પ્રત્યક્ષ અનુભવ હતો. જો કે BSFને જેટલા અફસરોની જરૂરિયાત હતી તેના પચાસ ટકા કરતાં ઓછા અફસરો મળ્યા. પંજાબમાં અમારી બટાલિયનની વાત કરીએ તો અમારી પાસે કેવળ બૉર્ડર પરની પાંચ કંપનીઓનું સંચાલન કરવા માટે ફક્ત બે અફસર હતા, જ્યારે દરેક કંપનીમાં એક એક ઑફિસર જોઇએ. હેડક્વાર્ટર્સમાં માત્ર પચાસ ટકા અફસર હતા. અમારી ૧૫ બૉર્ડર આઉટ પોસ્ટના કમાંડર તરીકે ઇન્સ્પેક્ટર કે સબ-ઇન્સપેક્ટર હોવા જોઇએ, તેને બદલે ૮૦% સ્થાન પર સિનિયર હવાલદારોને ASIનું કામચલાઉ પ્રમોશન આપી પોસ્ટ કમાંડરની ફરજ સોંપવામાં આવી હતી. જવાનોની સંખ્યા પણ ઓછી હતી. જે ચોકીમાં ૩૦ થી ૩૫ સૈનિકો હોવા જોઇએ ત્યાં માંડ વીસે જેટલા જવાન હતા. કહેવાનું તાત્પર્ય છે કે BSFનું કાર્ય શાંતિના સમયમાં પૂરું કરવા માટે આટલી કમી હોવા છતાં પણ કામ ચાલી જતું, જેમાં અમારે રોજનું પેટ્રોલિંગ અને રાત્રીના સમયે જ્યાંથી ઘૂસપેઠિયા અને દાણચોરોને આપણી સીમામાં પ્રવેશ કરવાની શક્યતા વધુ હતી ત્યાં નાકા (ambush) ગોઠવી ગુનેગારો સામે યોગ્ય કાર્યવાહી કરવી. યુદ્ધમાં મિલિટરીની જેમ રક્ષાપંક્તિ કરવી હોય તો તે BSF માટે અશક્ય હતું. આનાં કારણો બતાવવા જઇશું તો આ પોસ્ટ ઘણી લાંબી થઇ જશે, તેથી ટૂંકમાં આ કહેવામાં આવ્યું છે.

૧૯૬૫ના યુદ્ધના સમયે રાવિ નદી પારની સઘળી ચોકીઓમાં પંજાબની પોલીસ પાર્ટીઓ હતી. લડાઇ શરૂ થતાં તેમને ચોકીઓ ખાલી કરી પંજાબ આર્મ્ડ પોલીસના મુખ્ય કાર્યાલયોમાં ખસેડવામાં આવ્યા હતા. આનું કારણ હતું, રાવિ પારની ચોકીઓ ત્રણ તરફથી પાકિસ્તાનની સીમાથી ઘેરાયેલી અને પાછળની બાજુએ રાવિનાં ઘેરાં, ઊંડા જળનો અંતરાય. અમારી સામેનો વિસ્તાર એટલે પાકિસ્તાનનો મેદાની mainland. પોલીસ ફોર્સ પાસે ટૅંકને રોકી શકે તેવા હથિયાર હોય તેથી તેમની ટૅંક્સને પોલીસ ચોકીઓ ઉધ્વસ્ત કરી રાવિના કિનારા સુધી પહોંચવામાં અર્ધા કલાકથી વધુ સમય લાગે. આમ નદી પારની ચોકીઓ indefensible ગણાતી. આપણી સેનાની સંરક્ષણ પંક્તિ રાવિ નદીનાં પૂર ખાળવા માટે બાંધવામાં આવેલ ધુસ્સી બંધની પાછળ શરૂ થતી. ૧૯૭૧માં BSF પાસે આધુનિક હથિયાર નહોતાં. અમારી પાસે હજી બીજા વિશ્વયુદ્ધના સમયની બોલ્ટ ઍક્શન રાઇલ્સ હતી. ટૅંક વિરોધી રિકૉઇલલેસ

Recoilless Gun - ટૅંક વિરોધી તોપ
(RCL) ગન્સ કે 

RPG








રૉકેટ પ્રૉપેલ્ડ ગ્રેનેડ્ઝ RPG નહોતી. પંજાબની ૨૩મી બટાલિયનનીચાર્લી કંપનીના કમાંડર તરીકે જિપ્સીની નીમણૂંક થયાના બે અઠવાડિયામાં પંજાબની સીમા પર તહેનાત હતી તે BSFની સઘળી બટાલિયનોને મિલિટરીના ઑપરેશનલ કન્ટ્રોલ નીચે મૂકવામાં આવી. યુદ્ધનાં વાદળાં ઘેરાતા હતા.  તે સમયની સ્થિતિ એવી હતી કે ભારતીય સેનાની જે ઇન્ફન્ટ્રી બટાલિયનના નિયંત્રણ નીચે BSFની  કંપનીને મૂકવામાં આવે, તેના કંપની કમાંડર અને જવાનો તે બટાલિયનનો ભાગ બની જાય અને તેમના રાશન, દારૂગોળા, યુદ્ધમાં તેમણે શી ફરજ બજાવવાની છે તે BSFનો role ધ્યાનમાં રાખી તે સોંપવામાં આવે. આમ જે દિવસથી કંપની મિલિટરીને સોંપવામાં અવે, BSFના C.O.ની જવાબદારી પૂરી થઇ જાય અને BSFના અફસર અને જવાનોની સુરક્ષિતતા, રાશન વિ. ની જવાબદારી સંબંધિત ઇન્ફન્ટ્રી બટાલિયન કમાંડરના શિરે રહે. તેમાંનું કશું કરવામાં આવ્યું નહીં. અમારી logistical સમસ્યા ઘણી વધી ગઇ. બીજી મહત્વની વાત હતી, BSFની યુદ્ધકાલિન ફરજ શી હશે તેનો નિર્ણય લેવાયો નહોતો. રણનીતિકારો એવું ધારી બેઠા હતા કે ભારત હુમલાખોર નથી, તેથી પંજાબ બૉર્ડર પરની સેનાને આક્રમણ કરવાની તૈયારી કરવાની જરૂર નહીં પડે. વળી યુદ્ધ થાય , તો તે પૂર્વ બંગાળના મોરચે થશે. આવું થાય તો પાકિસ્તાનને તેની પૂરી સેના પૂર્વ પાકિસ્તાનમાં મોકલવી પડે, અને પશ્ચિમના મોરચા પર લડાઇની કોઇ શક્યતા ન રહે. આવી વિચારધારાને કારણે જો પાકિસ્તાન યુદ્ધની ઘોષણા કરે તો BSFના સૈનિકો OP (ઑબ્ઝર્વેશન પોસ્ટ)નું કામ કરતા રહે. ચોકીઓ પર હુમલો થાય તો ઇન્ફન્ટ્રીના કમાંડરો તેમને યોગ્ય લાગે તે કાર્યવાહી કરે, પણ તે અંગેના સ્પષ્ટ હુકમ અપાયા નહોતા. BSFના કમાન્ડીંગ ઑફિસરને અમારા સૈનિકોની સુરક્ષા, તેમનું deployment કે હુમલો થયા બાદ તેમને ક્યાં મૂકવા તે અંગે કશું પણ કરવાનો અધિકાર નહોતો.  અમને મળેલા હુકમ પ્રમાણે અમારી ચોકીઓ ઉપર હુમલો થાય તો BSFના કંપની કમાંડરે શું કરવું, ક્યાં મોરચાબંધી કરવી તેનો ન તો 15 Infantry Divisionના જનરલ સાહેબે કે અમારા direct commander તરીકે સંબંધિત બ્રિગેડ કમાંડરે કોઇ નિર્ણય ન લીધો. રણનીતિમાં આ એક મોટી ક્ષતિ રહી ગઇ હતી.

 અમારા ત્રણે બ્રિગેડ કમાંડર્સ તરફથી  BSF માટે કોઇ યોજનાબદ્ધ હુકમ મળતા નહોતા. તેમણે BSF માટે status quo - જે હાલતમાં છો, તેવી જ રીતે રહોની નીતિ અપનાવી હતી. અમારી ૨૩મી BSF બટાલિયનના કમાન્ડન્ટ પંજાબ પોલીસના ચાણાક્ષ બુદ્ધિના અને દુરંદેશી ઑફિસર ગુર ઇકબાલ સિંહ ભુલ્લર હતા. તેમણે આગેવાની લઇ બે અગત્યના નિર્ણય લીધા. અમારી ચોકીઓની ભૌગોલિક સ્થિતિ તથા ૧૯૬૫ના અનુભવને ધ્યાનમાં લઇ એક વાત સ્પષ્ટ હતી કે જો પાકિસ્તાન તરફથી હુમલો થાય, તો તેઓ ત્રણ પગલાં લેશે. ૧. તેમની સેના સૌ પ્રથમ અમારી ચોકીઓમાંથી બહાર નીકળવાનો માર્ગ કાપવાનો પ્રયત્ન કરશે. આ માટે સૈનિકોને રાવિ પાર કરવા પત્તન (નૌકા લાંગરવાના સ્થળ) પર કબજો કરશે. ૨. હુમલો કરતાં પહેલાં પાકિસ્તાની સેના Preparatory Bombardment કરશે. ૩. ચોકીઓમાં અમારા કેવળ ૨૦થી ૨૫ સૈનિકો હોય છે, અને અમારી પાસેના મોજુદા હથિયાર વડે અમે તેમનો સામનો નહીં કરી શકીએ. તેઓ હુમલો કરે તો તેમાં તેઓ સો ટકા સફળ થાય. તેમાં શંકાને સ્થાન નહોતું. આ માટે શ્રી. ભુલ્લરે ત્રણ પગલાં લીધાં. એક તો ચોકીની ચારે બાજુ બાર્બ્ડ વાયરના કેવળ બે તારની વાડ બનાવી. આવી વાડ દર્શાવતી હોય છે કે તેમાં લગાડેલા તારની પાછળ માઇનફિલ્ડ છે. તેથી હુમલાખોર સેના તે પાર કરવાનો પ્રયત્ન નહીં કરે. અમારા સૈનિકોને તેમનો હુમલો નાકામયાબ કરવાનું શક્ય બનશે. બીજી વાત : અમારી ચોકીનાં બંકર પરની છત વધુ મજબૂત બનાવી જેથી તેમની તોપના સામાન્ય બૉમ્બાર્ડમેન્ટમાંથી બંકર નીચેના સૈનિકોનો બચાવ થાય. જો કોઇ ખાસ પ્રકારનો - બંકરમાંથી સોંસરવો નીકળી પડ્યા બાદ ત્રણ કે ચાર સેકંડ બાદ ફૂટનારા બૉમ્બ સીધા જ  બંકર પર પડે તો તેમાંથી કોઇ બચી ન શકે. પણ આવા ગોળા જુજ પ્રમાણમાં વપરાતા. ત્રીજી સૌથી મહત્વની યોજના કરી તે ગુપ્ત હતી અને તેની જાણ કેવળ પોસ્ટ કમાંડર, શ્રી. ભુલ્લર અને અમારા બ્રિગેડ કમાંડરને હતી. તે હતી અમારી ચોકીમાંથી સુરક્ષિત રીતે બહાર નીકળવાનું ભોંયરૂં બનાવવાની. આ ભોંયરૂં અમારી ચોકીમાંથી નીકળી રાવિ નદીના એક અજાણ્યા કિનારા પર  ખુલે. ત્યાં નદીનાં પાણી છિછરાં હતાં, જેથી સૈનિકો સહિસલામત રીતે પાછા આપણા mainland પર આવી શકે. બીજી તરફ અમારી સીમા પારની પાકિસ્તાની ચોકીઓમાં ભુરા કૂર્તા અને સફેદ તહેમદ પહેરેલા પહેલવાનોની સંખ્યામાં સતત વધારો થતો જતો હતો.

હેડક્વાર્ટર્સમાં logistics તથા યુદ્ધ વિષયક તૈયારી, બ્રિગેડ તરફથી સ્થિતિ એવી વિકટ થઇ હતી કે C.O.એ જિપ્સીને હેડક્વાર્ટર્સમાં બોલાવ્યો. આ કામકાજમાં અમે ડુબી ગયા હતા ત્યાં એક અમારી શેરપુર ચોકીના વિસ્તારમાં ચોંકાવનારો બનાવ બન્યો.

એક સાંજે ચોકી માટે સામાન લઇને બે જવાન રાવિ પાર કરી ચોકીના પત્તન પર જઇ રહ્યા હતા. કિનારાથી દસે'ક ફિટ દૂર હતા ત્યાં તેમણે દસ - પંદર હથિયારબંધ પાકિસ્તાની સૈનિકોને બાજુની સરકંડાની ઝાડીમાંથી પત્તન તરફ આવતા જોયા. અમારા જવાન પડછંદ શીખ સિપાહીઓ હતા. તેમણે તેમના તરફ રાઇફલ તાકીને આ લોકોને પડકાર્યા તો આ ઘૂસણખોરો આવ્યા હતા તે પગદંડી પરથી રફુચક્કર થઇ ગયા. અમારા જવાનો દોડતા જ ચોકીમાં ગયા, પોસ્ટ સાબદી કરી અને બટાલિયન હેડક્વાર્ટરમાં અમને જાણ કરી. અમારા સી.ઓ. તરત શેરપુર પહોંચી ગયા. બીજા દિવસે તેમણે પત્તન તથા ઘૂસણખોરોનાં પગલે પગલે જઇ તપાસ કરી. બૂટના નિશાન પરથી સિદ્ધ થયું કે આ ટુકડી આપણી સેનાની નહોતી. તેઓ નાસી ગયા તેનો અર્થ એ નીકળ્યો કે પાકિસ્તાની સેનાના સૈનિકોની આ reconnoissance patrol હતી. Battle Indicationsની દૃષ્ટિએ તેનો નિષ્કર્ષ સ્પષ્ટ હતો. તેમનો ઇરાદો આ ચોકી હુમલો કરવાનો હતો અને તેઓ તપાસ કરવા આવ્યા હતા કે આ જગ્યા પર તેઓ કબજો કરે તો ત્યાં સંરક્ષણ પંક્તિ ગોઠવી શકાય કે કેમ.

અગાઉના અનુભવે બતાવ્યું હતું કે પાકિસ્તાન યુદ્ધની અધિકૃત ઘોષણા નહીં કરે, પણ જો અચાનક હુમલો કરે તો અમારી શેરપુર ચોકી પર પહેલો હુમલો થશે.

આ અંગે વળતી રણનીતિનો વિચાર અમારા બ્રિગેડ કમાંડર કરતા હતા ત્યાં અમારા બટાલિયન હેડક્વાર્ટર્સમાં એવો અપૂર્વ બનાવ બન્યો, જે જિપ્સીના જીવનમાં બનેલા સૌથી ધન્ય પ્રસંગોમાંનો એક બની રહ્યો.

1 comment:

  1. અફવા તદ્દન પાયા વગરની વાત કવિશ્રી-કુમાર જૈમિનિ શાસ્ત્રી ગુંજાય
    ઘેરી વળે અચાનક સિકંદરોની સેના
    કાયમ સુસજ્જ રાખો પોરસ વિશેની અફવા
    તારી અદાઓ અંગે એ લોકવાયકા છે-
    ધુમ્મસમાં ઓગળે છે ધુમ્મસ વિશેની અફવા
    વર્ષો થયાં છતાં પણ વિશ્વાસથી ઊભી છે
    માણસ-માણસની વચ્ચે અંટસ વિશેની અફવા-- તે સમયના અલ્પમતિ રાજકારણીઓને આ પરિસ્થિતિ અંગે ડખ્ખો ન કરત તો વધુ સારું થાત રાષ્ટ્રભક્તિનો. ઇંડિયન મિલિટરી ઍકેડેમીનો બીજમંત્ર “The safety, honour and welfare of your country come first, always and every time” દરેકને ગળથુથીથી ભણાવવો જોઇએ અને વિચાર આવે-શા માટે માત્ર આર્મી ઓફિસરોએ #ચેટવોડમોટોને અનુસરવું જરૂરી છે. જો તમામ કોર્પોરેટ નેતાઓ આ સૂત્રને પણ અનુસરે તો શું તેનો ફાયદો થશે નહીં? 'યુદ્ધમાં મિલિટરીની જેમ રક્ષાપંક્તિ કરવી હોય તો તે BSF માટે અશક્ય હતું.' અંગે આપની વેદના સૌને સમજાય છે
    BSF માટે status quo -હતી તેમા સાંપ્રત સમયે સટિક સુધારા થયા છે જાણી આનંદ થાય
    રાહ આપના જીવનમાં બનેલા સૌથી ધન્ય પ્રસંગો અંગે

    ReplyDelete