Monday, September 20, 2021

૪ ડિસેમ્બર ૧૯૭૧ની એ કાળ રાત્રી

    અમારી કેટલીક ચોકીઓની સ્થિતિ નીચે દર્શાવેલ નકશા પ્રમાણે હતી:

        ખાખી રંગની પટ્ટી આંતરરાષ્ટ્રીય સીમા; ઘેરી નીલી આકૃતિ રાવિ નદી.
તેની દક્ષિણે ઘેરી બ્રાઉન પટ્ટી ધુસ્સી બંધ છે. 

   

    પચાસ વર્ષનાં વહાણાં વાયાં. એ કાળ રાત્રી ભુલાતી નથી. 

    અમારા વાયરલેસ સેટમાં રેડિયો-ટેલિફોની (RT) અને મોર્સ કોડ એવી બેઉ સુવિધા હતી.  રાતના દસ વાગે એક સામટા કૉલ આવ્યા. આઉટપોસ્ટ્સની કૉલ સાઇન કંપનીઓના વાયરલેસ સેટ પ્રમાણે - આલ્ફા વન A કંપની કમાંડરની, આલ્ફા ટુ - થ્રી - ફોર તેમની આઉટપોસ્ટ્સની. તે પ્રમાણે ચાર્લી વન - અમારી C કંપની કમાંડરની, ચાર્લી-ટુ શેરપુર પોસ્ટ, ચાર્લી-થ્રી માઝી મેવાઁ પોસ્ટની અને ચાર્લી- પોર બહેણિયાઁ પોસ્ટની. E કંપની કમાંડરની કૉલ સાઇન 'એકો વન' અને તેમની બે પોસ્ટ્સ - ફતેહપુરની એકો ટુ, અને બુર્જ પોસ્ટની હતી એકો થ્રી.  અમારી સાથે વાત કરવી હોય તો પહેલાં તેઓ કહેશે, "હૅલો આલ્ફા થ્રી". એનો અર્થ 'બુર્જ ચોકી વાત કરવા માગે છે.' અમારો જવાબ "હૅલો આલ્ફા થ્રી, OK over."

   સૌ પ્રથમ કૉલ આવ્યો આલ્ફા થ્રી - બુર્જ ચોકીના કમાંડર સબ-ઇન્સપેેક્ટર મહેરસિંહનો. 'હેલો આલ્ફા થ્રી. BP નજીકથી LMGના બર્સ્ટ સંભળાયો. ત્યાં ટાઇગર લિસનિંગ પોસ્ટ સાથે છે'. આ ટ્રાન્સમિશન પૂરૂં થતાં પહેલાં છ ધડાકા સંભળાયા. ટાઇગર એટલે કમાંડર. આ સંજ્ઞા કંપની કમાંડર, બટાલિયન કમાંડર, બ્રિગેડ કમાંડર - સૌ માટે વપરાય છે. કૉલ સાઇન પરથી ખ્યાલ આવે આ ટાઇગર કઇ કક્ષાના છે.

    "આલ્ફા થ્રી. પોસ્ટ પર દુશ્મનની તોપનું પ્રેપ શરૂ થયું છે.  એક બૅટરી ગોળા વરસાવી રહી છે. સાઢે બંદે તૈયાર ને. તુંસી ફિકર મત કરના. OK, over" અમારા જવાન તૈયાર છે. આપ ચિંતા ના કરતા. અવાજ સ્પષ્ટ રીતે મહેરસિંહનો જ હતો. શીખ રેજીમેન્ટમાં ત્રીસ વર્ષની સર્વિસ અને ૧૯૬૫ની લડાઇના અનુભવી રિટાયર્ડ હવાલદાર તરત કહી શક્યા કે તોપખાનાની એક બૅટરીમાં છ તોપ હોય છે!

    મહેરસિંહનું ટ્રાન્સમિશન ચાલતું હતું ત્યાં બીજા સેટ પર અવાજ આવ્યો : "હૅલો ચાર્લી ટુ, પોસ્ટ પર ભારી બમવારી હો રહી હૈ. અસિં ડટ કે બૈઠે હાં.  OK, over." અવાજ હતો સબ ઇન્સ્પેક્ટર દર્શન સિંહનો. આવા જ મૅસેજ આવ્યા ચાર્લી કંપનીની બીજી બે પોસ્ટના.

    "હૅલો આલ્ફા થ્રી. બમવારી બંધ હો ગઇ. દુશ્મન પેરિમિટર તક પહૂંચા હૈ. હમ જોરોં સે સામણા કર રહેં હૈં. OK over." અવાજ મહેરસિંહનો હતો.

    "હૅલો ચાર્લી ટુ. દુશ્મન પેરિમિટર ફેન્સ પર રૂકા હૈ. હમ ઉન્હેં ઢેર કર રહેં હૈં. OK Over". દર્શનસિંહ.

    રાતના સાડા દસ વાગવા આવ્યા હતા. અચાનક ચાર્લી થ્રીનો કૉલ આવ્યો. "હેલો આલ્ફા. દુશ્મનકા હમલા નાકામ કર દિયા. અમુનિશનકી કમી નહીં. હમ ડટે હુવે હૈં." અવાજ મૅસેજ મહેરસિંહનો. ડટે હુવેનો અર્થ 'અમે દૃઢતાપૂર્વક જામ્યા છીએ.

    દુશ્મને બુર્જ તથા શેરપુરની Recce કરી હતી તે કોઇ ચોક્કસ ઇરાદાથી. તેઓ આ બન્ને ચોકીઓ પર  કોઇ પણ હિસાબે કબજો કરવા માગતા હતા તે નક્કી. તેઓ ફરીથી હુમલો કરશે એવું લાગતું હતું ત્યાં ફરીથી .."હૅલો ચાર્લી થ્રી. ફિર બમવારી શરુ હો ગઇ. બાયીં ફ્લૅંક કે LMG બંકર પર ડાયરેક્ટ હિટ હુવી. લાન્સનાયક સંતોખ સિંઘ  ઔર અજાયબ સિંઘ  અંદર દબ ગયે હૈં.  તીન ઔર જવાન જખમી હુવે હૈં. ઍટેક ફિર શુરૂ હો ગયા હૈ. બાદ મેં રિપોર્ટ ભેજુંગા. Over." દર્શનસિંહ

    "હૅલો એકો થ્રી. બાબા કે બંકર કો ડાયરેક્ટ હિટ લગી હૈ.  બાબા બૂરી તરહ ઘાયલ હૈ. ઍમ્યુનિશન ખતમ હોને કો હૈ. વાયરલેસકી બૅટરી ભી ડાઉન હો રહી હૈ. હમલા ફિર સે શુરૂ હુવા હૈ. હમ લડ રહેં હૈં.." અને એકો થ્રીનો વાયરલેસ બંધ પડી ગયો. મહેરસિંહ ૬૫ વર્ષના હતા. તેમનાં દાઢી-મૂછ અને શિર પરના વાળ સફેદ પડી ગયા હતા, તેથી તેમની ચોકીના જવાન તેમને 'બાબા' કહીને બોલાવતા.

    "હૅલો ચાર્લી થ્રી. બુરી ખબર હૈ. સંતોખ ઔર અજાયબ વાહે ગુરુ કો પ્યારે હો ગયે. હમલા નાકામ કર દિયા હૈ. ઍમ્યુનિશન ખતમ હોને કે કગાર પર. ઓવર."

    રાતના બે - અઢી થયા હતા. અચાનક વાયરલેસ પર ચાર્લી થ્રીનો મૅસેજ આવ્યો.  "હૅલો ચાર્લી થ્રી. દુશ્મનને ચારોં તરફસે ઘેર લિયા હૈ ઔર ચાર્જ કર રહે હૈં. Over and out."

    ઓવર ઍન્ડ આઉટનો અર્થ છે, મૅસેજ પૂરો થયો. હવે ફરી કૉલ નહીં કરીએ.  

    ચારે તરફ સોપો પડી ગયો. અમે સૌ ચિંતામાં હતા, પણ કશું કરવાની સ્થિતિમાં નહોતા. અમારો - એટલે BSFના બટાલિયન કમાંડર અને તેમના સ્ટાફનો આ યુદ્ધની રણનીતિમાં, લડાઇના કોઇ પાસા પર અભિપ્રાય કે સલાહ પણ આપવાનો કોઇ role કે અધિકાર નહોતો. દરેક કંપની તેમના સેક્ટરની ઇન્ફન્ટ્રી બટાલિયનના CO કે તેમના કંપની કમાંડરના સીધા અંકૂશ અને હુકમને આધિન હતા. પરોઢિયું થવા આવ્યું હતું. અમે અમારા ક્વાર્ટરમાં તૈયાર થવા ગયા. તૈયાર થઇને અમે બ્રિગેડ હેડક્વાર્ટર્સમાંથી શા સમાચાર આવે છે તે જોવા માટે અમારા COની કમાંડ પોસ્ટમાં ગયા. 

    "નરિંદર, સમાચાર સારા નથી.  ત્રણે બ્રિગેડ હેડક્વાર્ટર્સ તરફથી sitrep આવ્યા છે. તેમણે આલ્ફા કંપનીની તોતી ચોકી, એકોની બુર્જ  અને ફતેહપુર ચોકીઓ તથા ચાર્લી કંપનીની શેરપુર સમેત ત્રણે'ય પોસ્ટ ખાલી કરવાનો હુકમ કર્યો છે. સઘળી ચોકીઓ પર  દુશ્મનનો કબજો થયો છે. આપણી ફતેહપુરના પોસ્ટ કમાંડર અને તેમના જવાન તેમના ઇન્ફન્ટ્રી કમાંડર પાસે પહોંચી ગયા છે. બુર્જ પોસ્ટના જવાનોના કોઇ સમાચાર નથી. શેરપુરના S.I. દર્શન સિંહ તથા તેમના જવાન ધુસ્સી બંધ પર આવી ગયા છે. તેઓ તેમના શહીદ સાથીઓને સાથે લાવ્યા છે. ઘાયલ જવાનોને ફિલ્ડ હૉસ્પિટલમાં મોકલ્યા છે. માઝી મેવાઁના જવાન પણ તેમના કમાંડર સાથે ધુસ્સી પર આવી ગયા છે. બહેણિયાઁ પોસ્ટના સબ ઇન્સ્પેક્ટર કરમચંદ અને તેમના અઢાર જવાનોનો પત્તો નથી. તેમને પોસ્ટ ખાલી કરવાનો હુકમ બહુ મોડો મળ્યો હોય તેવું લાગે છે. તેમની સાથે વાયરલેસનો પણ સમ્પર્ક નથી. મને લાગે છે તેઓ તન્ના નાળાને પાર કરે તે પહેલાં  દુશ્મનોએ ભારે સંખ્યામાં પહોંચી તેમને યુદ્ધબંદી બનાવ્યા છે. કરમચંદ સહેલાઇથી શરણે જાય તેવો પોસ્ટ કમાંડર નથી ; જો કે ત્રણે બાજુએથી ઘેરાયેલા આ ૧૯ જવાનો શું કરી શકે?"

    શું કહેવું તે સૂઝતું નહોતું. લડાઇના સમાચાર સાંભળતા હતા ત્યારે જવાનોનો જુસ્સો અભૂતપૂર્વ હતો. 1965માં નદી પારની ચોકીઓ indefensible હતી, તેમાં આજના -  1971ના વર્ષમાં પણ કોઇ ફેર નહોતો પડ્યો. બુર્જ પોસ્ટમાં કેવળ ૨૪ જવાન હતા, જેમના પર ૪૦૦-૫૦૦ સૈનિકોની એક બટાલિયને હુમલો કર્યો હતો. આ 43rd Battalion, the Baloch Regiment હતી તે પાછળથી જાણવા મળ્યું. શેરપુર પોસ્ટ પર ત્રણ કંપનીઓ - ૩૦૦ જેટલા જવાનોએ હુમલો કર્યો હતો. તેમાં આપણા કેવળ બાવીસ અને પંજાબ રેજિમેન્ટના દસ જવાન અને એક અફસર હતા.

***

E કંપની કમાંડર કૅપ્ટન સામ્બયાલ જમ્મુ ઍન્ડ કાશ્મિર રાઇફલ્સના ભૂતપૂર્વ અફસર  અને OTS પુનાના મારા કોર્સ મેટ હતા. તે રાતે તેઓ એક સેક્શનની ટુકડી લઇને આંતરરાષ્ટ્રીય સીમા પર સરકંડાના જંગલમાં સ્થાપેલી Listening Post માં છુપાઇને દુશ્મનની દિશામાં તેમની હિલચાલનું નિરિક્ષણ કરી તેની માહિતી તેમના ઑપરેશનલ કમાંડરને આપવા મોરચામાં બેઠા હતા. લિસનિંગ પોસ્ટનું કામ એટલે દુશ્મનના આવવાના અનુમાનિત સ્થાનની નજીક રાતના અંધારામાં  shallow trenchમાં છુપાઇ દુશ્મનની હિલચાલ સાંભળવી. જો તેમનો સહેજ પણ અવાજ કે હિલચાલ સંભળાય તો તે  દિશામાં ચિત્તાની જેમ જમીન પર સરકતા જઇ બને એટલી નજીક જઇ તેમની સંખ્યા વિશે માહિતી મેળવવી અને તેમના ઑપરેશનલ કમાંડરને આપે. સાથે સાથે પોતાની કંપનીની રક્ષાપંક્તિને સચેત કરવાનું હોય છે  કે દુશ્મન હુમલો કરવા આવી રહ્યો છે. આ કામ પૂરું થતાં આ Listening Postના સૈનિકોએ તેમની કંપનીના મુખ્ય મોરચામાં જવાનું પહોંચી જાય. 

     પાકિસ્તાનના વિસ્તારના ગામનાં લોકોએ સરકંડાના જંગલ કાપીને ત્યાં ખેતી શરૂ કરી હતી, તેથી સામ્બ્યાલને જણાયું કે પાકિસ્તાની સેનાના ચારસોથી વધુ જવાન લાઇનબંધ થઇને અમારી બુર્જ ચોકી તરફ આગળ વધી રહ્યા હતા.

    બુર્જ ચોકી આપણા ધુસ્સી બંધને અડીને બાંધવામાં આવી હતી. રાવિ નદીનાં વહેણ પાકિસ્તાનમાં હતાં તેથી તેઓ નદી પાર કરીને આવ્યા તે સામ્બ્યાલ જાણી શક્યા નહોતા, જેવા તેઓ સીમા પરના BP પાસે આવ્યા, ત્યારે તેમની સંખ્યા અને 'ચાર્જ' કરવાના વ્યૂહમાં આગળ વધી રહ્યા હતા તે જોયું. અણીને વખતે વાયરલેસ સેટ કામમાં ન આવ્યો તેથી તેમણે આગળ વધી રહેલા દુશ્મન પર LMGના બર્સ્ટ માર્યા અને SOP પ્રમાણે તેમની મુખ્ય ચોકી તરફ ગયા અને ત્યાં મોરચાબંધી કરી.

    સવાર થતામાં કૅપ્ટન સામ્બ્યાલને તેમની ચોકીઓ ખાલી કરી તેમના ઇન્ફન્ટ્રી કમાંડર - 15 Maratha Light Infantryના CO કર્નલ સચદેવ પાસે રિપોર્ટ કરવાનો હુકમ મળ્યો. 

    આમ અમારી રાવિ પારની સઘળી ચોકીઓને 1965ના અનુભવ પ્રમાણે પાછા બોલાવી આપણા mainland પર મોરચા બાંધવાનો હુકમ આપવામાં આવ્યો.

    C કંપની એટલે મારી ભૂતપૂર્વ કંપની. ભલે તેનો કમાંડ મારી પાસે એક મહિનાનો હતો, પણ હતા તો મારા જવાન. તેમણે દુશ઼મનના બે હુમલા નિષ્ફળ કર્યા હતા. અમારા ડિવિઝનના Signal Corpsની એક ટુકડી પાકિસ્તાનના વાયરલેસ સંદેશાઓને monitor કરવાનું કામ કરે. તેમણે પકડેલા સંદેશાઓ થકી જાણવા મળ્યું હતું કે બુર્જ પ્લૅટુનના કમાંડર મહેરસિંહના નેતૃત્વ નીચે તેમણે દુશમનોના લગભગ પ૦ સૈનિકો 'ઊપર' પહોંચાડ્યા હતા અને લગભગ એટલા જ ઘાયલ થયા હતા. આ વાતની પૂર્તિ કરી અમારા વિસ્તારમાં રહેતા આદિવાસી રાયશીખ કોમના લોકોએ. રાયશીખ કોમની પ્રજા સરકંડાની  સળીમાંથી મુંઢાની ખુરશીઓ અને ઘાસમાંથી દોરડાં બનાવી વેચે. તેમણે સરકંડામાં છુપાઇને સામેવાળા સૈનિકોને તેમના સાથીઓનાં ઘાયલ અને મૃતક સાથીઓને સ્ટ્રેચરમાં લઇ જતા જોયા હતા. તે પ્રમાણે દર્શનસિંહની સામે આવેલા સૈનિકોના પણ મારી ભૂતપૂર્વ કંપનીના જવાનોએ એવા જ હાલ કર્યા હતા. C.O.એ મને ધુસ્સી પર જઇ તેમને સૌને શાબાશી આપવા અને ઉત્સાહ વધારવા માટે જવાનો આદેશ આપ્યો, 

    આ નાનું સરખું કામ કરવા નીકળતી વખતે જિપ્સીને ખ્યાલ નહોતો કે તે એક એવા અભિયાનમાં જઇ રહ્યો હતો કે તેમાંથી જીવતા પાછા આવવાની શક્યતા નહિવત હતી.

    

          

1 comment:

  1. ત્રણે બાજુએથી ઘેરાયેલા આ ૧૯ જવાનો શું કરી શકે?" ---વાળી દિલધડક વાતો જાણી પણ અંત જોઇ વધુ વિચારમા પડ્યા-'અભિયાનમાં જઇ રહ્યો હતો કે તેમાંથી જીવતા પાછા આવવાની શક્યતા નહિવત હતી'

    ReplyDelete