Wednesday, September 1, 2021

સંહારનો ઉપસંહાર (અંતિમ)

     ૧૯૬૯ના કોમી રમખાણ સૈન્યની મદદ વડે શમાવવામાં આવ્યા. લોકોમાં કોપ, ક્ષોભ તથા વેરની ભાવના શમી કે નહીં તે જોવાનો રાજકર્તાઓએ કદી પ્રયત્ન કર્યો નહીં. સમાજના આગેવાનોને તે બાબતમાં જાણે નહાવા - નિચોવવાનું નહોતું. સૌ પોતપોતાના ગઢ - જેને જિપ્સી ghetto કહેશે, તેમાં ગોઠવાઇ ગયા. લોકોમાં પરસ્પર અવિશ્વાસની ભાવના હતી તે દૂર કરવાનો કોઇએ પ્રયત્ન કર્યો નહીં. પ્રયત્ન થયો હોય તો કેવળ રાજકીય પક્ષોમાં - તેમની જાગિરમાં કોનું તુષ્ટિકરણ કરવાથી તેમની સત્તા ટકી રહેશે. સત્તા માટે નેતાઓ પક્ષ બદલતા રહ્યા, જે પક્ષમાં જોડાયા તેમાં મહત્વનું સ્થાન ન મળવાથી જેમાં જોડાયા તેમાં જ ભાગલા પાડવા, આવી ઘૃણાસ્પદ કાર્યવાહીઓ શરૂ થઇ ગઇ. જ્યાં સુધી અમારો - મિલિટરીનો ભાગ રહ્યો તે હતો અભિ ભટ્ટાચાર્યની જુની ફિલ્મ, જેમાં તેમણે શિક્ષકની ભૂમિકામાં કામ કર્યું હતું. તોફાની અનુશાસનહીન વિદ્યાર્થીઓ અને નાલાયક શિક્ષકોથી દુષિત વાતાવરણગ્રસ્ત શાળાને યોગ્ય માર્ગ પર આણી જતાં પહેેલાં એક ગીત ગાતા ગયા. "હમ લાયે હૈં તુફાન સે કિશ્તી નીકાલ કે, ઇસ દેશ કો રખના મેરે બચ્ચોં સમ્હાલ કે", ની ભાવના સાથે અમે નીકળી ગયા.

    જ્યાં સુધી BSF તથા જિપ્સીનો સવાલ આવે છે, કેટલીક વાતો કહેવી જરૂરી લાગે છે. BSFના ડાયરેક્ટર જનરલ શ્રી. રુસ્તમજી હતા. ગુજરાતી ભાષી, ગુજરાતી સભ્યતાથી પરિચિત અને ગુજરાત પ્રત્યે સ્નેહ સંબંધ રાખનારા. તોફાન શરૂ થતાં તેઓ ખુદ અમદાવાદ આવ્યા હતા, અને અમારા કમાંન્ડિંગ અફસરોને ગુજરાતની પ્રજા વિશે વાતો કહી હતી, જેને અમે સૌએ અમલમાં આણી. Shoot at sightના હુકમ હતા, તેમ છતાં શક્ય થયું ત્યાં અમારા  બટાલિયન અને કંપની કમાંડરોએ ભેગાં થયેલા ટોળાંઓ પાસે જઇ તેમને સમજાવ્યા હતા, અને જોત જોતામાં સૌ વિખરાઇને ઘેર જતા રહ્યા હતા. તેમનું એકઠા થવાનું કારણ એક જ હતું. તેમના પર થનાર હુમલાની શક્યતા ઓછી કરવા સામા પક્ષને બતાવવાનું કે અમે સ્વરક્ષણ માટે તૈયાર છીએ. આ સ્થિતિ બન્ને કોમોમાં હતી. અમે તેમને સમજાવ્યું કે કોઇ પણ સ્થળે હુમલો થવાની શક્યતા હોય તો અમને પહેલાં ખબર મળે છે, અને જનતાનું રક્ષણ કરવાનું કામ અમારૂં છે. અમને અમારૂં કામ કરવામાં સહાયતા કરવી હોય તો ઘરમાં પરિવાર સાથે રહો. ત્યાર પછી કોઇ પણ પોળમાં કે મહોલ્લામાં BSFની પેટ્રોલ નીકળતી, બહેનો ચ્હા-નાસ્તાની પ્લેટ જવાનો માટે લાવતી. મુસ્લિમ મહોલ્લામાં મૌલવી સાહેબ કે ત્યાંના આગેવાન દુઆ - સલામ કરતા.

    આ બધામાં જિપ્સી માટે કેટલાક રમુજી બનવા બની ગયા. શાંતિ સ્થપાયા બાદ થોડા સમય માટે જૉઇન્ટ ઑપરેશનલ કન્ટ્રોલ (JOC) રૂમ ચાલુ રહ્યો. તે દરમિયાન શહેરના અગ્રણી પરિવારોના કેટલાક સભ્યોને કુતૂહલ થયું કે અમે કેવી રીતે શહેરમાં શાંતિ સ્થાપી, અને તે જોવા JOCની મુલાકાતે આવ્યા. મેજર ટેલર સજ્જન હતા. તેમણે સૌની આગતાસ્વાગતા કરી અને ઉપાહાર સાથે  alcoholic પેય પણ રજુ કર્યા. એક નાનકડા જુથમાં બે બહેનો હતી. મેજર ટેલરે તેમને ઉમદા પ્રકારની વાઇન - જેમાં આલ્કોહોલનું પ્રમાણ નહિવત્ હતું તે offer કર્યું. બન્ને બહેનોએ વાઇનની ના પાડી. "બીજું કોઇ પેય લેશો? ઑરેન્જ, લાઇમ જુસ કોર્ડિયલ.."

"મેજર સાહેબ, તમારી પાસે રમ છે? અમને તે ચાલશે !"

અમે અવાચક   થઇ ગયા. રમમાં ૪૦% જેટલો આલ્કોહોલ હોય છે અને અત્યંત 'કડક' દારૂ ગણાય છે. ગુજરાત તે સમયે પણ દારૂબંધીનું આદર્શ રાજ્ય ગણાતું હતું.

    બીજો પ્રસંગ તેથી પણ વધુ આશ્ચર્યકારક. એક દિવસ હું સાંજે અનુરાધા સાથે ટેલિફોન પર મરાઠીમાં વાત કરતો હતો તેમાં એક વિનોદ કર્યો. મેજર ટેલર હસી પડ્યા. મેં પહેલાં અનુરાધાને કહ્યું, "અમારા કમાંડરને મરાઠી આવડે છે. આપણે ગુજરાતીમાં વાત કરીએ. 

    આ સાંભળી મેજર ટેલર ખડખડાટ હસી પડ્યા. મને કહ્યું, "નરેન, હું ગુજરાતી છું. મારા નામનો સ્પેલિંગ (Taylor) ભલે ઍંગ્લો લાગતો હોય પણ મારૂં નામ કાન્તિ ટેલર છે અને હું સુરતનો છું. વડોદરાની કૉલેજમાં ભણતો હતો ત્યારે એક મરાઠી  પરિવારના ઘરમાં અમે ભાડે રહેતા હતા તેથી મરાઠી આવડે!"

    મેજર કાન્તિ ટેલર સાથે મારી ફરી બે વાર મુલાકાત થઇ. ૧૯૭૧માં તેઓ પંજાબ રેજિમેન્ટની બટાલિયનના કર્નલ થઇને આવ્યા ત્યારે પંજાબના અજનાલા સેક્ટરમાં. ત્યાર બાદ તેઓ મેજર જનરલના પદ પર ભારતની 6 Mountain Divisionના સેનાપતિ થયા. તેઓ તેમની ભાણીના લગ્નમાં  બાર્નેટના પરા Cockfosterના ઘેર આવ્યા ત્યારે હું તેમને મળવા ગયો હતો. જનરલ કાન્તિ ટેલર આધ્યાત્મિક જગતમાં વિખ્યાત થયા, જ્યારે તેમને અંત:સ્ફૂરણા ઉત્તરાખંડના પહાડોમાં પાતાલ ભુવનેશ્વરની ગુફા તરફ લઇ ગઇ અને સદીઓથી જે મહાદેવની ગુફા લુપ્ત થઇ હતી, તે સન ૧૯૮૯માં શોધી. ત્યાર બાદ તેઓ અવસાન પામ્યા ત્યાં સુધીનો પૂરો સમય તેમણે હરદ્વારમાં ગાળ્યો અને આ ગુફાની સેવા કરી. તે પ્રદેશના લોકો તેમને સદ્ગુરુ કાન્તિ પરશુરામના નામથી જાણે છે. 

    સુરતના આ બીજા મેજર જનરલ. પહેલા હતા મેજર જનરલ  નલીન કુમાર ધીરજલાલ નાણાવટી, જેમને બીજા વિશ્વ યુદ્ધમાં ઇટાલીના મોરચા પર સર્વોચ્ચ બહાદુરી માટે વિક્ટોરીઆ ક્રૉસ પછી બીજા નંબરનો ગણાતો (મહાવીર ચક્રની સમકક્ષ) ગણાતો Military Cross એનાયત થયો હતો. તેમના વિશે આગળ જતાં વાત કરીશું.

        અમદાવાદ બાદ અમારે મુંબઇમાં થયેલા ભિવંડીમાં થયેલા તોફાનોનું શમન કરવા જવાનું થયેલું. તે સફળતાપૂર્વક પૂરું કરી અમે દાંતિવાડા ગયા. હવે બીજી યાત્રા - કચ્છના મોટા રણમાં સેવા બજાવવાની તૈયારી કરવાની હતી. 

    નવી ઘોડી,  નવો દાવ!




3 comments:

  1. जनरल कांती टेलर आध्यात्मिक जगात प्रसिद्ध झाले जेव्हा त्यांच्या अंतर्ज्ञानाने त्यांना उत्तराखंडच्या पर्वतांतील भुवनेश्वरच्या गुहेत नेले आणि 18 व्या वर्षी शतकानुशतके नामशेष झालेल्या महादेवाची गुहा शोधली. त्यानंतर त्याने मृत्यूपर्यंत संपूर्ण वेळ हरद्वारमध्ये घालवला आणि या गुहेची सेवा केली. सद्गुरू कांती परशुराम या नावाने त्या भागातील लोक त्यांना ओळखतात. धन्य धन्य
    तुम्हाला याबद्दल अधिक माहिती असल्यास मला कळवा. '
    मेजर जनरल नलीन कुमार धीरजलाल नानावटी, ज्यांना द्वितीय विश्वयुद्धात इटालियन आघाडीवर सर्वोच्च शौर्यासाठी व्हिक्टोरिया क्रॉस नंतर मिलिटरी क्रॉस (महावीर चक्र समतुल्य) प्रदान करण्यात आले. त्यांच्याबद्दल पुढे बोलूया. आणि कच्छच्या महान वाळवंटात सेवा - ‘थांबा थांबा

    ReplyDelete
    Replies
    1. આ. પ્રજ્ઞાજુ,
      આપનું મરાઠી ભાષા પરનું પ્રભુત્વ જોઇ ચકરાઇ ગયો! અમારા ઘરમાં બોલાતી ભાષાના લખાણમાં હું પછાત છું, તેથી ગુજરાતીમાં જ જવાબ આપીશ. આપના સૂચન પ્રમાણે એક પ્રતિભાવ બે વાર છપાશે તો સુધારી લઇશ. બાકી આપની લિખિત મરાઠીની શુદ્ધતા અને રસાળ રીત માટે અભિનંદન!

      Delete
  2. Nostalgic. We used to gather in our poal for night watch.

    ReplyDelete