Monday, July 1, 2013

બ્રિટનની ભારતીય સમાજ વ્યવસ્થા

જે રીતે આફ્રિકાથી બ્રિટનમાં મોટા પ્રમાણમાં હિજરત ૧૯૭૧માં થઇ, પાકિસ્તાન અને ભારતથી બ્રિટનમાં જનારા લોકોની સંખ્યામાં વધારો ૧૯૫૦-૬૦ના દાયકાઓમાં શરૂ થયો અને ૧૯૬૦ના મધ્યમાં તે પરાકાષ્ઠાએ પહોંચ્યો. અહીં આનો સંક્ષેપ ઇતિહાસ જોઇશું જેથી બ્રિટનમાં પ્રવર્તી રહેલ ભારતીય ઉપખંડમાંથી બ્રિટન ગયેલા લોકોને એકબીજા વિશે તથા ત્યાંના આપણા પ્રત્યે પ્રવર્તતા ethnic stereotypeનો થોડો ખ્યાલ આવશે. 

૧૯૫૦ના દાયકામાં બ્રિટનમાં લગભગ Full Employmentની સ્થિતિ ઉદ્ભવી હતી. નવી ટેક્નોલૉજી પર આધારીત નવા ઉદ્યોગોની સ્થાપના કરવા માટે સરકારે પહેલેથી ગીચ વસ્તીવાળા શહેરોથી દૂર પીટરબરો, મિલ્ટન કીન્સ, વેલીન ગાર્ડન સિટી જેવા નવા શહેરો વસાવ્યા. નવા મકાનો બાંધ્યા અને તે ખરીદવા માટે સવલતવાળા દર તથા ગ્રાન્ટ આપી. એટલું જ નહી, આ શહેરોની કાઉન્સીલોએ સસ્તા ભાડાનાં મકાનો બાંધ્યા. જેમને મકાન ખરીદવાની ત્રેવડ નહોતી, તેઓ અમેરીકન પદ્ધતિના આ બહુમાળી મકાનોમાં રહેવા ગયા. આમ સખત મજુરી માગી લે તેવા labor intensive કામ - જેમ કે ધાતુ ગાળવાના, ઢાળવાના કામ, અને યૉર્કશાયર - લૅંકેશાયરની કપડાંની મિલોમાં કામ કરનારા મજુરો મોટી સંખ્યામાં પોતાનાં કામ છોડી નવા ઉદ્યોગોમાં આકર્ષક પગાર પર કામ કરવા ગયા. તેમણે છોડેલી નોકરીઓમાં કામ કરવા મજુરોની ભારે તંગી ઉભી થઇ. તેમણે ખાલી કરેલા, ગીચ વિસ્તારમાં આવેલા મકાનો વણવપરાયેલ હાલતમાં પડી રહ્યા. તે સમયે બ્રિટનમાં આવી સ્થિતિ પ્રવર્તતી હતી.

લંડનની વાત ખરેખર રસપ્રદ હતી. ત્યાંનો ઇસ્ટ એન્ડનો વિસ્તાર, જે હાલમાં ટાવર હૅમ્લેટ્સના નામથી ઓળખાય છે, સાવ ગંદી હાલતમાં હતો. પહેલા વિશ્વયુદ્ધ પછી યુરોપમાં યહુદીઓ પર વાંશીક દ્વેષને કારણે સીતમ ગુજારવામાં આવતો હતો. તેનાથી ત્રાસીને યુરોપમાંથી ઘણા યહુદી પરિવારો બ્રિટનમાં નાસી આવ્યા હતા. મોટા ભાગના લોકો ઘણું ખરૂં લંડનના ઇસ્ટ એન્ડ વિસ્તારમાં વસી ગયા. લંડનનો હાલનો કમર્શિયલ રોડ તથા તેની આસપાસનાં બ્રિક લેન, લાઇમ હાઉસ, ઇસ્ટ હૅમ જેવા લત્તાઓમાં યહુદી લોકો રહેતા હતા. ત્યાં જ તેમણે પોતાની દુકાનો અને વ્યાપાર સ્થાપ્યાં. જેમ જેમ તેઓ સમૃદ્ધ થતા ગયા, તેઓ લંડનની ઉત્તર અને ઇશાન દિશામાં આવેલા સ્ટૅનમોર, એજવેર, બાર્નેટ જેવા પરાંઓમાં રહેવા ગયા. તેમણે ખાલી કરેલા વિસ્તારોમાં રહેવા માટે કોઇ તૈયાર નહોતું કારણ કે તેની ખ્યાતિ - કે કુખ્યાતિ વધુ જાણીતી હતી. 

આ વિસ્તારોમાં સૌ પ્રથમ રહેવા ગયા હોય તો પૂર્વ પાકિસ્તાનના લોકો. સિલેટ, ખુલ્ના જેવા શહેરોનાં તથા તેની આસપાસના લોકો ઇસ્ટ એન્ડમાં વસવા લાગ્યા. આપને અનુભવ હશે કે નવા દેશમાં ગયેલા લોકોને ક્યાંય સ્થિર સ્થાવર થવું હોય તો તેમના સમાજની વ્યક્તિ જે વિસ્તારમાં રહેતી હોય ત્યાં રહેવા જવાનું વધુ પસંદ કરે. તેથી જેમ અમેરીકાના ન્યુ જર્સી રાજ્યમાં એડીસન, જર્સી સિટી વિ. જેવા શહેરોમાં અને તે પણ અમુક વસ્તીઓમાં આપણા લોકો રહેવાનું વધુ પસંદ કરતા હોય છે, તેમ લંડનના ટાવર હૅમ્લેટ્સમાં બાંગ્લાદેશીઓની સૌથી વધુ વસ્તી છે - ખાસ કરીને બ્રિક લેન, સ્પીટલ્સફીલ્ડ જેવા વિસ્તારોમાં. ભારતીયો અને પાકિસ્તાનના લોકો લંડનના માઇલ એન્ડ, ઇલ્ફર્ડ, વેસ્ટ હૅમ, વૉલ્થમસ્ટો જેવા વિસ્તારોમાં વસી ગયા. ગુજરાતના લોકો લંડનના વેમ્બલી, હૅરો, નૉર્થોલ્ટ જેવા વિસ્તારોમાં અને પંજાબીઓ સાઉથૉલ, યેડીંગ અને તેની આસપાસના વિસ્તારોમાં વસ્યા.   

બીજા વિશ્વ યુદ્ધ બાદ બ્રિટનમાં નૅશનલ હેલ્થ સર્વિસમાં સૌ પ્રથમ પાકિસ્તાનમાંથી ડૉક્ટરો ગયા અને ત્યાર બાદ ભારતથી. દેશની આર્થિક હાલત એકદમ સુધરવા લાગી. નવા ઉદ્યોગો અને વ્યાપાર સ્થપાયા. અંગ્રેજ પરિવારો નવા શહેરોમાં રહેવા ગયા. સરકારે પ્રજાજનો માટે મકાન ખરીદ કરવા ખાસ સબ્સીડી આપવાનું શરૂ કર્યું (જેને First Time Buyers’ Grant કહેવામાં આવતી). ઇસ્ટ એન્ડની સાંકડી ગલીઓમાં રહેતા લોકો મોકળાશવાળી જગ્યાએ રહેવા ગયા. બ્રિટનના શહેરોની - ખાસ કરીને લંડનની બસો ચલાવવા માટે  ડ્રાઇવર - કંડક્ટરો પણ કામ છોડી સારા પગારની નોકરી કરવા નવા શહેરોમાં ગયા. આમ સખત મજુરીનાં અને ઉતરતી શ્રેણીનાં તથા પ્રમાણમાં ઓછું વેતન આપનારા કાપડની મિલો જેવા ઉદ્યોગોમાં મજુરોની તીવ્ર અછત ઉભી થઇ. આ અછત દૂર કરવા બ્રિટનની સરકારે ભારે સંખ્યામાં મજુરોની ભરતી કરવાનો નિર્ણય લીધો.  આમ જોવા જઇએ તો ભારતમાં ટેક્સ્ટાઇલ ઉદ્યોગ એટલી ઉચ્ચ કક્ષાએ પહોંચેલો હતો કે યૉર્કશાયરની મિલો માટે જોઇએ એટલા મજુરોની ભારતમાંથી ભરતી થઇ શકી હોત. પણ બ્રિટનની સરકારે  ભરતી માટે પ્રાધાન્ય પાકિસ્તાનને આપ્યું. આનું કારણ ઐતિહાસીક અને રાજકીય હતું. 

લૉર્ડ માઉન્ટબૅટનના ADC સ્વ.શ્રી. નરેન્દ્રસિંહ સરીલાના પુસ્તક The Shadow of the Great Gameનો અભ્યાસ કરવાથી સ્પષ્ટ થશે કે ભારત આઝાદ થયા બાદ બ્રિટનને સામ્યવાદી  રશિયાનો અફઘાનીસ્તાન તથા દક્ષીણ એશિયામાં તથો પ્રસાર રોકવો હતો. નહેરૂજીની રશિયા તરફી વૃત્તિ એટલી કૂણી હતી કે અમેરીકા તથા બિટનનું ભારત પ્રત્યેનું વલણ શંકાશીલ થયું. વળી આપણા સ્વાતંત્ર્ય સંગ્રામમાં સૌથી વધુ ક્રાન્તિકારીઓ ભારતીયો હતા. આમ આપણા દેશ અને દેશવાસીઓની સરખામણીમાં બ્રિટનને વધુ pliant કહી શકાય તેવું Buffer દેશ અને દેશવાસીઓ જોઇતા હતા. આ મકસદ પૂરો કરવા તેમણે પાકિસ્તાનનો પાલવ ખેંચ્યો અને પાકિસ્તાન પોતાના આર્થીક અને લશ્કરી સ્વાર્થ સાધવા તેમના લશ્કરી જૂથમાં જોડાયું. તેમણે પોતાના દેશના લશ્કરી મથકો બ્રિટન અને અમેરીકા માટે ખોલી નાખ્યા. આપને કદાચ યાદ હશે કે અમેરીકાના U 2 વિમાનકાંડમાં જગજાહેર થયેલ વિમાન પાકિસ્તાનના પેશાવર અૅર બેઝથી રશિયા પર જાસુસી કરવા ઉડ્યું હતું.

હાલના પાકિસ્તાનમાં રહેતી પ્રજાની અંગ્રેજો પ્રત્યેની વફાદારી ઐતિહાસીક હતી. બ્રિટીશ-ભારતીય સેનાનાં પંજાબી મુસ્લીમ તથા બલુચી સૈનિકો બ્રિટનને ૧૮૫૭થી માંડીને બન્ને વિશ્વયુદ્ધોમાં અટળ રીતે વફાદાર રહ્યા હતા. આથી ૧૯૫૦ના દાયકામાં તેમણે કામદારોની ભરતી માટે નિવૃત્ત થયેલા પાકિસ્તાની સૈનિકો તથા જે કોઇ પરિવારને બ્રિટીશ સેના સાથે પારિવારીક લેણાદેણી હોય તેમની વિશાળ પાયા પર બ્રિટનનાં યૉર્કશાયર અને લૅંકેશાયરમાં આવેલા કારખાનાંઓ અને મિલો માટે ભરતી શરૂ કરી. તેમને રાજકીય દૃષ્ટીએ આજ્ઞાંકિત, શિસ્તપાલન કરનારા અને વફાદાર પ્રજાજનોની જરૂર હતી. આમ જોવા જઇએ તો ભારતમાં બ્રિટીશ સરકારની સામે ક્રાન્તિકારી ચળવળ કરનારાઓમાં ભારતીયો પ્રમુખ સ્થાને હતા. શિક્ષણનો પ્રાદુર્ભાવ પણ ભારે હતો. ભારત સરકારની સમાજવાદી, રશિયા પર આસ્થા રાખનારી વૃત્તિઓને કારણે આપણા પ્રજાજનો પર થોડો અવિશ્વાસ હોય તે બનવાજોગ હતું. તેથી તેમણે મોટા પાયા પર ભરતીનું જે અભિયાન ચલાવ્યું તે પાકિસ્તાનના પંજાબ, કાશ્મીર અને પૂર્વ બલુચિસ્તાનમાં. વળી પાકિસ્તાન પણ બ્રિટીશ કૉમનવેલ્થનું સભ્ય હોવાથી તેમને કોઇને ઇમીગ્રેશન કે વિઝાના નિયંત્રણો નહોતાં. આજે પણ આ જીલ્લાઓમાં આવેલા બ્રૅડફર્ડ, બોલ્ટન, બ્લૅકબર્ન જેવા શહેરોમાં પાકિસ્તાની ઉગમનાં લોકો મોટી સંખ્યામાં મળી આવશે. આમ ૧૯૫૦ અને ૬૦ના બે દશકમાં પાકિસ્તાનમાંથી બ્રિટનમાં આવેલા લોકોની વિશાળ વસ્તીને કારણે ત્યાંના અંગ્રેજો માટે આપણા વર્ણનાં બધા જ લોકો પાકિસ્તાની હતા. “You all look so alike, it does not matter what you are,” કહેવાતું. ટૂંકમાં, તમે બધા અમારા માટે....  જવા દો.  વર્ણદ્વેષી લોકોએ  ભારતીય ઉપખંડમાંથી ગયેલા બધા લોકોને એક નામ આપ્યું.  જિપ્સીનું માનવું છે કે શરૂઆતથી જ પાકિસ્તાનના વસાહતીઓની બહુમતિ હોવાથી, અને ‘તમે ક્યા દેશના છો’ નો જવાબ મોટા ભાગે ‘પૅકિસ્તાન’ હોવાથી બધા એશિયનો માટે સ્ટિરીઓટાઇપ લાગી ગયું: ‘પૅકી.’ 

ભારતમાંથી કામદાર વર્ગ તથા ડૉક્ટર, એન્જીનીયર કે અૅકાઉન્ટન્ટ જેવા વ્યાવસાયિકો ૧૯૫૦ના અરસામાં બહુ ઓછા પ્રમાણમાં ગયા હતા. ૧૯૬૦ના દશકમાં બ્રિટને કૉમનવેલ્થમાંથી બ્રિટન જવા માગતા લોકો પર નિયંત્રણ મૂકવાનો નિર્ણય કર્યો, ત્યારે તેનો અમલ કરવાની તારીખ પહેલાં ભારે સંખ્યામાં ભારતીયો અને વેસ્ટ ઇન્ડીઝનાં નાગરિકો બ્રિટન ગયા. વ્યવસાયની દૃષ્ટીએ આપણા લોકોમાં અભેદ્ય વિભાગ પડી ગયા: પ્રથમ વર્ગમાં હતા ડૉક્ટર્સ, બૅરીસ્ટર્સ અને સૉલીસીટર્સ. બીજી શ્રેણીમાં અૅકાઉન્ટન્ટસ્ તથા સફેદ કૉલરના વ્યાવસાયીકો. ત્રીજી અને કનીષ્ઠ કક્ષા હતી ફૅક્ટરીમાં કામ કરનાર ભાઇ બહેનોની. આવી હતી બ્રિટનમાં આપણી સમાજ વ્યવસ્થા. આ એટલી રૂઢ થઇ હતી કે ફૅક્ટરીમાં કામ કરનારાઓને લોકો હીન ભાવે જોતા. આફ્રિકામાં મધ્ય વયીન સ્ત્રીઓને 'માસી' કહીને બોલાવતા. બ્રિટનમાં હિજરત કરીને આવેલી સ્ત્રીઓને પણ પુરુષ સમોવડી બનીને કામ કરવું પડતું. જિપ્સીએ અૉફિસમાં કામ કરી ઘેર જતી બહેનો વચ્ચે બસમાં થતી વાત જાતે સાંભળેલી છે: "પાંચ વાગ્યા પછીની બસ ના લેશો.  ઇસ્ટ લેનની ફૅક્ટરીમાં કામ કરતી માસીઓથી બસ ભરાઇ જશે અને આપણને embarrassing થઇ જવાય. આ માસીઓ એવી મોટે મોટેથી વાતો કરતી હોય છે, આપણને શરમ આવે. આ ધોળીયાઓ તેમની સામે ગુસ્સાથી ટગર ટગર જુએ, પણ તેમને કશાની પડી નથી હોતી!" ધોળીયા એટલે આપણે અંગ્રેજો માટે વાપરતા તે વર્ણદ્વેષી શબ્દ! આનો વિરોધી શબ્દ આફ્રિકન વંશના લોકો માટે વપરાતો.
૧૯૭૦ બાદ તેમાં એક નવો વર્ગ ઉભો થયો: ‘કૉર્નર શૉપ’ અથવા ‘ટૉબેકોનિસ્ટ અૅન્ડ ન્યૂઝ એજન્ટ’ નામની દુકાનોના માલિકો. આની મૉનોપોલી મુખ્યત્વે ઇસ્ટ આફ્રિકાથી આવેલા વસાહતીઓ પાસે હતી.



5 comments:

  1. બીરેન કોઠારીJuly 2, 2013 at 1:58 AM

    આ સમયગાળાની ઉડતી અછડતી વાતો સાંભળી છે. પણ આ અધિકૃત વાતો પહેલી વાર જાણવા મળી.

    ReplyDelete
  2. સ રસ
    વેમ્બલી, હૅરો, નૉર્થોલ્ટ મા તો અમારા સ્નેહી મિત્રો ! તેમા કેટલાક તો આફ્રિકાથી ત્યાં ગયા હતા! તે સમયગાળામા અમારા વહેવાઇ ભારત આવી અમેરિકા આવ્યા ! પણ આજે આ ઇતિહાસ વાંચી આનંદ થયો. અમારા જમાઇ એ વૅબ પરથી આફ્રિકાના મિત્રો પણ શોધ્યા....પ્રજ્ઞાજુ

    ReplyDelete
  3. @ પ્રજ્ઞાજુ,

    હૅરો વિસ્તારમાં જિપ્સી અને તેનો પરિવાર ૧૫ વર્ષ રહ્યા હતા, અને તેમનું કાર્યક્ષેત્ર વેમ્બલી હતું! બન્ને કાઉન્સીલોમાં રહેતા આપણા પરિવારો સાથે ઘનીષ્ઠ સંબંધ હતો - અને ઘણા વડીલો અને યુવાનો જિપ્સીના સંપર્કમાં હતા! અમારા જીવનનો આ અત્યંત આનંદકારક યુગ હતો! આપના પ્રતિભાવ માટે આભાર!

    @ બિરેનભાઇ, આપના પ્રતિભાવ માટે આભાર.

    ReplyDelete
  4. અત્યંત રસપ્રદ માહિતી।.. બહુ ગમી ..
    આભાર ....
    SP

    ReplyDelete
  5. તમે તો ઘણા દેશોમાં ફર્યા છો. નિશાનબાજોને સહજ હોય તેવી ઝીણી નજરે તમે બધું જોયું છે...પણ ઝીણી વિગતોને આવી સિદ્ધ કલમે રજૂ કરવાનું સહેલું નથી. તમારી કને બન્ને વસ્તુ છે...તમારા બ્લૉગ પરના બન્ને શબ્દો જિપ્સી અને ડાયરી બન્ને સાર્થક છે...તમારી રખડપટ્ટી સાહિત્યજગતને ફળી છે. એ વણથંભ રહે તેવી આશા.

    ReplyDelete