Follow by Email

Wednesday, June 26, 2013

સિગરામનો બીજો પડાવ: બ્રિટન - નવો દેશ, નવા અનુભવો

૧૯૭૬ની મુલાકાત બાદ જિપ્સી કાયમી વસવાટ માટે ૧૯૮૧માં બ્રિટન ગયો, ત્યારે લંડન શહેર સાવ જુદા યુગનો અણસાર આપતું હતું. ચોમેર બેરોજગારી, ગરીબી અને અંગ્રેજીમાં કહીએ તો urban decay, ક્ષય-ગ્રસ્ત થયેલા શહેરી જીવનનાં દર્શન થતા હતા. દેશમાં બેકારીનું પ્રમાણ હદથી વધી ગયું હતું. કાઉન્સીલ દ્વારા અપાતા મકાનોની પણ ભારે તંગી હતી. વધુ ને વધુ લોકો સરકારી બેનિફીટપર આધાર રાખતા થઇ ગયા હતા. અનએમ્પલૉયમેન્ટ બેનિફીટ અૉફિસમાં લોકોની કતારોમાં આપણા અને આફ્રિકન કૅરીબિયન લોકો તેમના વર્ણને કારણે સાવ જુદા તરી આવતા હતા. વર્ણદ્વેષી સંસ્થાઓ દ્વારા પ્રચાર થતો હતો કે નવા અશ્વેત વસાહતીઓ અંગ્રેજોનો હક્ક ખૂંચવી રહ્યા છે અને તેમને મળવા જોઇતા બેનીફીટ, મકાનો અને ઉચ્ચ શિક્ષણની સુવિધા આ 'ઇમીગ્રન્ટ્સ'ને ફાળવવામાં આવે છે. પરિણામે બ્રિટનમાં વર્ણદ્વેષની વૃત્તિ ડગલે ને પગલે તાદૃશ થતી હતી.

આમ જોઇએ તો બ્રિટનનો પરંપરાગત સમાજ ત્રણ વિભાગમાં વહેંચાયેલો હતો: Ruling class - રાજાશાહી અને પરંપરાગત ઉમરાવ વર્ગ; Middle Class - મધ્યમ વર્ગ એટલે વ્યાપારી તથા વ્યાવસાયીક વર્ગના તેમજ સફેદ કૉલરના કર્મચારી વર્ગના લોકો. છેલ્લે આવે Working Class - રૈયત. ખેતમજુરો અને કારખાનાંઓમાં કામ કરનારા Blue collar workersને સ્થાપિત હિતોએ આ વર્ગમાં મૂક્યા હતા. 

૧૯૬૦ના દાયકામાં બ્રિટનનાં કારખાનાંઓમાં કામ કરવા માટે ભારે સંખ્યામાં ભારત, પાકિસ્તાન તથા વેસ્ટ ઇંડીઝમાંથી લોકોને બોલાવવામાં આવ્યા, ત્યારે બ્રિટનમાં ચોથો વર્ગ ઉદ્ભવ્યો.  Blacks, અશ્વેત.  આ નવા વર્ગમાં આફ્રિકા અને વેસ્ટ ઇન્ડીઝથી આવેલા આફ્રિકન, ભારતીય, પાકિસ્તાની, શ્રીલંકાવાસીઓનું "Black" - અશ્વેતમાં વર્ગીકરણ થયું. નોકરી માટેની અરજીઓનાં ફૉર્મમાં વાંશીક ઉદ્ગમ (Ethnic profiling)ના કૉલમમાં ત્રણ ભેદ રાખવામાં આવ્યા: White, Black અને ‘Other’. શ્વેત વર્ણમાં પણ ત્રણ વિભાગ! અંગ્રેજ, આયરીશ અને યુરોપીયન. Black વિભાગમાં આમ લખાતું: Black (African), Black Caribbean), Black (Asian)! અહીં ‘એશિયન’ એટલે દૂર પૂર્વના લોકો નહી, પણ ભારતીય, પાકિસ્તાની, શ્રીલંકા તથા બાંગ્લાદેશીઓ ગણાતા. આ જાણે ઓછું પડતું હોય, વર્ણદ્વેષી લોકો ભારતીય ઉપખંડના બધા જ લોકોને પૅકી - Paki કહીને તુચ્છકારે. ‘Other’માં દક્ષીણ આફ્રિકા, અૉસ્ટ્રેલિયા, ન્યુઝીલન્ડ કે અમેરીકાના બન્ને ખંડમાંથી આવતા શ્વેત, Latinos, અારબ તથા દૂર પૂર્વના રહેવાસીઓ. આ ખાનામાં અરજદારે પોતાની વાંશીકતા જણાવવી જોઇએ. 

આવી હાલતમાં આપણા ઉપખંડમાંથી આવનારા લોકોને કેટકેટલી વિટંબણામાંથી પસાર થવું પડતું હશે એની કલ્પના કરવી મુશ્કેલ છે. આ જાણે અપૂરતું હોય, આપણા જ લોકોમાં આંતરીક વર્ણભેદ પ્રવર્તતો હતો. આનો દાખલો:

“ભાઇ, આ પહેલાં તમને અહીં જોયા નથી. યુગાંડાના ક્યા ગામના?” એક વૃદ્ધ સજ્જન.
“હું યુગાંડાથી નથી...” 
“એમ! તો કેન્યામાં ક્યાંથી?”
તમે માથું હલાવીને ના દર્શાવો તો તરત ચોથો પ્રશ્ન.
“ઓહ! તો પછી ટાન્ઝાનિયાના. પાછલા બારણેથી આવેલા?”
“ના, હું તો ભારતથી...”
વૃદ્ધ સજ્જન નિરાશ થયેલા જણાશે અને કહેશે, “તો સીધું કહો ને, કે તમે સરકારના જમાઇ થઇને આવ્યા છો!” અને આપણે કોઇ અન્ય ગ્રહથી આવેલ વ્યક્તિ હોઇએ તેમ મ્હોં ફેરવીને ચાલવા લાગતા. ફરી કોઇ વાર સામે આવ્યા તો પહેલાં કદી મળ્યાની ઓળખાણ પણ નહી! તે સમયે ભારતથી બ્રિટન ગયેલા લોકો આ શ્રેણીમાં આવતા. ઘણા ઇસ્ટ-આફ્રિકન ભારતીયો તેમને પીઠ પાછળ FOB - Fresh Off the Boat કહીને ટિખળ કરે.

કોઇને પણ આવો અનુભવ આવે તો તેનું કારણ જાણવાનું મન થાય. ટૂંકમાં કહીએ તો સન ૧૮૯૪થી ૧૯૬૨ સુધી યુગાંડા ‘બ્રિટીશ પ્રોટેક્ટોરેટ’ હતું. જ્યારે તેને સ્વતંત્રતા મળી, મોટા ભાગના ભારતીય વસાહતીઓએ યુગાંડાનું નાગરિકત્વ સ્વીકાર્યું નહી. તેમણે પોતાનો ‘બ્રિટીશ પ્રોટેક્ટેડ પર્સન’નો અધિકાર - અને પાસપોર્ટ ચાલુ રાખ્યો. ૧૯૭૧માં તે સમયના લશ્કરી સરમુખત્યાર  ઇદી અમીને મૂળ ભારતના વસાહતીઓને તત્કાળ દેશ છોડી જવાનો હુકમ કર્યો ત્યારે બ્રિટીશ સરકારે એક વિશાળ અભિયાનમાં યુગાંડામાં વસતા ૭૦,૦૦૦થી વધુ ભારતીય મૂળના લોકોની જવાબદારી લીધી અને તેમને હવાઇ માર્ગ દ્વારા બ્રિટન લઇ ગયા. લંડન, લેસ્ટર, બર્મિંગહમ જેવા શહેરોથી માંડીને કૉવેન્ટ્રી, નનીટન, નૉરીચ અને લૂટન જેવા નાનાં શહેરોએ ત્યાંના કેટલાક સ્થાનિક રહેવાસીઓના વિરોધ છતાં મ્યુનીસીપલ આવાસો આપણા લોકોને અગ્રેસરતા આપી તેમના માટે ફાળવ્યા. આવી રીતે આવેલા પ્રથમ પેઢીના યુગાંડાથી આવેલા ઘણા ભારતીયો બ્રિટન પર પ્રથમ હક્ક છે, અને બીજા બધા ‘આલતુ-ફાલતુ’, એવું સમજતા થયા. આ નવી વર્ણ વ્યવસ્થામાં તેઓ પોતાને ‘ઉચ્ચ કૂળ’ના immigrant ગણવા લાગ્યા હતા. તેમની દૃષ્ટીએ બીજી કક્ષાના લોકો કેન્યાવાસીઓ હતા. આમ જોવા જઇએ તો કેન્યા ‘ક્રાઉન કૉલોની’ હતી તેથી તેમની પાસે બ્રિટનનો અધિકૃત ગણાતો “Citizen of United Kingdom and Colonies’નો પાસપોર્ટ હતો. આથી તેમને ગમે ત્યારે બ્રિટન જઇને રહેવાનો અધિકાર હતો. જો કે તે સમયે યુગાંડાથી વિશાળ સંખ્યામાં ગયેલા લોકોને વસાવવાનું ભગિરથ કામ હતું અને કેન્યાથી પણ તે પ્રકારની હિજરત થાય તો તેને પહોંચી વળવાની બ્રિટીશ સરકારની ક્ષમતા નહોતી. આ કારણસર સરકારે કેન્યાથી બ્રિટન કાયમી વસવાટ માટે જવા ઇચ્છતા માણસો માટે વર્ષ દીઠ ‘ક્વોટા’ નક્કી કર્યો અને તે પ્રમાણે કાયમી રહેઠાણના વિઝા આપવાની શરૂ કરી. કેટલાક યુગાંડાવાસીઓ તેમને પોતાનાથી ઉતરતી કક્ષાના ગણ્યા, કારણ કે કેન્યાવાસીઓને લાઇનમાં ઉભું રહેવું પડ્યું હતું તથા પોતાને ખર્ચે બ્રિટન જવાનું હતું, જ્યારે તેઓ સરકારી ખર્ચે બ્રિટન ગયેલા, પ્રથમ અધિકાર ધરાવનારા નાગરિકો હતા એવી એમની સમજ હતી. 

ત્રીજી કક્ષા હતી ટાન્ઝાનીયાના ભારતવાસીઓની. આ દેશ પણ ‘બ્રિટીશ પ્રોટેક્ટેડ‘ હતો. પહેલા વિશ્વ યુદ્ધ અગાઉ ટાન્ગાનીકા જર્મનીની સત્તા હેઠળ હતું અને જર્મનીની હાર પછી લીગ અૉફ નેશન્સે તેનો વહીવટ બ્રિટનના રક્ષણ હેઠળ મૂક્યો તેથી ત્યાંના રહેવાસીઓ બ્રિટીશ પ્રોટેક્ટેડ પર્સન થયા. જ્યુલિયસ ન્યેરેરેની આગેવાની હેઠળ દેશ આઝાદ થયો તે પહેલાં જે લોકોએ પોતાને બ્રિટીશ નાગરિક તરીકે રજીસ્ટર કરાવ્યા, તેમને બ્રિટન જવાનો હક્ક મળ્યો. જેમણે તે દેશનું નાગરિકત્વ સ્વીકાર્યું તેમને છોડીને બાકીના બધા બ્રિટીશ પ્રોટેક્ટેડ પર્સન રહેવાનું પસંદ કર્યું. ત્યાર બાદ ટાંગાનિકા અને ઝાન્ઝીબાર એકત્ર થયા અને દેશને નવું નામ મળ્યું: ટાન્ઝાનીયા. 

યુગાંડાની કટોકટી બાદ બ્રિટને ઇમીગ્રેશન અંગે વધુ કડક કાયદા કર્યા. અને ટાન્ઝાનિયાના બ્રિટીશ પ્રોટેક્ટેડ પાસપોર્ટ ધરાવતા લોકોને વસવાટ માટે વિઝા આપવાનું બંધ કર્યું અને એવી કડક શરતો મૂકી, જે ભાગ્યે જ કોઇ પૂરી કરી શકે. તેમને એક માત્ર સવલત મળી: વિઝીટર્સ તરીકે જવાની. સમય જતાં ટાન્ઝાનિયાના ઘણા લોકો વિઝીટર્સ વિઝા પર બ્રિટન ગયા અને ત્યાં જ રહી ગયા. બ્રિટીશ સરકાર તેમને પાછા મોકલી શકે તેવી સ્થિતિમાં નહોતી, કારણ કે આવા મુલાકાતીઓ એક રીતે બ્રિટીશ સરકારના રક્ષણ નીચે હતા! આ કારણસર બ્રિટનના ‘અધિકૃત’રીતે આવેલા યુગાંડાવાસીઓની દૃષ્ટીએ આ ‘પાછલા બારણેથી આવેલા જણ’ હતા! આ થયા નવી  વર્ણવ્યવસ્થામાં ત્રીજી શ્રેણીના લોકો. હવે ચોથી અને છેલ્લી પંક્તિમાં કોણ આવે?
અલબત્ એવા ભારતીય, જે બ્રિટીશ નાગરિક કન્યાને પરણીને અથવા અૅમ્પ્લૉયમેન્ટ વિઝા પર બ્રિટન ગયા હતા!  જો કે ‘કુલિન’ વસાહતીઓ માટે આ બધા જ ‘સરકારી જમાઇ’ હતા! આપણી જુની વર્ણાશ્રમ પદ્ધતિમાં સામેલ થયેલી આ નવી પદ્ધતિમાં આ બધા સૌથી કનીષ્ઠ, અછૂત હતા. 

આ વિવરણ અત્યંત ટૂંકમાં આપ્યું છે, અને તે પણ ઘણા ‘સરકારી જમાઇ’ તથા ઇસ્ટ આફ્રિકાથી બ્રિટન પહોંચેલા અનેક લોકોના સંપર્કમાં આવ્યા બાદ, તેમના અનુભવો સાંભળ્યા બાદ તારવેલી માહિતી પ્રમાણે આપ્યું છે. 

અહીં એટલું જરૂર કહીશ કે અહીં જણાવેલી વૃત્તિ કેવળ પીઢ, પ્રથમ પેઢીના આફ્રિકાથી ગયેલ First generation immigrantsના લોકોમાં જોવા મળી. બીજી પેઢીના નવયુવાનો, કિશોર-કિશોરીઓ પાસેથી આનો ઉલ્લેખ કદી સાંભળ્યો નથી. તેમની વિચારધારા તથા દૃષ્ટિકોણમાં સંકુચિતતાના દર્શન ભાગ્યે જ થયા. કદાચ બ્રિટનની પ્રગતિશીલ શિક્ષણ પદ્ધતિનું આ પરિણામ હશે. જો કે તેમની સમસ્યાઓ સાવ જુદી હતી. યોગ્ય સમયે આની ચર્ચા પણ કરી શકાય.આ વાત થઇ આફ્રિકાથી બ્રિટન ગયેલા લોકોની. જ્યારે જિપ્સી મિડલૅન્ડઝમાં અભ્યાસાર્થે ગયો ત્યારે જુદો જ અને એટલો જ રસપ્રદ અનુભવ થયો. તે હવે આવતા અંકમાં.