Follow by Email

Monday, June 17, 2013

FATHERS' DAY

જિપ્સીની ડાયરીના સહયાત્રીઓને સાદર નમસ્કાર.

લગભગ બે વર્ષથી બંધ પડેલી જિપ્સીની યાત્રા ફરી શરૂ થાય છે. આ યાત્રામાં જોડાવા આપને ભલે પધાર્યા કહી ફરી આમંત્રણ આપું છું. યાત્રા શરૂ કરવા માટે આજનો દિવસ નક્કી કરવાનું કારણ મુખ્ય તો  Fathers’ Day જ છે. ઘણાં વર્ષો પહેલાં બાપુજી માટે અંજલિ લખી હતી. કમ્પ્યુટરના કયા ખૂણામાં એ સચવાઇને પડી હતી કોણ જાણે, પણ આજે તે હાથ લાગી. પુનર્યાત્રાની શરૂઆત તેનાથી કરીશ.

હું પાંચે’ક વર્ષનો હતો. મારા મોટાભાઇઓ બહાર ક્રિકેટ રમતા હતા. બાપુજી તે દિવસે ટપાલમાં આવેલી એક રેકર્ડ મગ્ન થઇને સાંભળતા હતા. તેમાં તેઓ એવા મશગુલ થયા હતા, તેમના ધ્યાનમાં ભંગ ન પડે તે માટે હું રૂમની બહાર ઉભો રહીને સાંભળતો રહ્યો. અચાનક તેમનું ધ્યાન મારી તરફ ગયું અને મને બોલાવ્યો.
“તને આ ગીત ગમ્યું?‘
મેં માથું હલાવી હા કહેતાં તેમણે કહ્યું, “આ ગીત સાયગલે ગાયું છે. સાંભળ,” કહી તેમણે એ ગીતની - ‘બાલમ આયે બસો મેરે મનમેં...’ બારીકીઓ સમજાવી. પછી દિલરૂબા પર વગાડી તેની સરગમ કહી અને કહ્યું, ‘આ ગીતનું ખરૂં સૌંદર્ય તેના અંતરામાં છે. સાયગલે આ ગીતની લયમાં જે પરિવર્તન આણ્યું છે તે અદ્ભૂત છે.” ગીત પંક્તિઓ હતી ‘સૂરતિયાં જાકી મતવારી, પતલી કમરિયા/ઉમરિયા બાલી/એક નયા સંસાર બસા હૈ કોયલ કૂકે બનમેં...

મારૂં વય એટલું નહોતું કે ગીતના મૂખડા કે અંતરા વિશે કશું જાણી શકું કે યાદ રાખી શકું. હું તો તેમણે વગાડેલ ગીતનો, તેમણે સમજાવેલ ગીત અને શબ્દોનો આનંદ લેતો રહ્યો. આવી જ રીતે  તેમણે મને પંકજ મલ્લિકનાં અને કાનનબાલાનાં ગીતોનાં માધુર્યનો આસ્વાદ કરાવ્યો. આગળ જતાં તેમના સંગ્રહમાંની લૉંગ પ્લે રેકર્ડઝ - ઇનાયતખાંસાહેબની સિતાર, કેસરબાઇ કેરકર, ગૌહરજાન, હિરાબાઇ બરોડેકર અને ખાંસાહેબ અબ્દુલ કરીમખાન અને ફૈયાાઝખાં સાહેબના કંઠ્યસંગીતનું રસપાન કરાવ્યું. 

 ૧૯૪૪ની સાલમાં જિપ્સી નવ વર્ષનો થયો અને બાપુજીનું અવસાન થયું. ન તો સંગીતનો અભ્યાસ થયો, ન મળ્યો તેમની છત્રછાયાનો લાભ.

પરિવારના સંજોગો એવા હતા કે મને અમારા કુટુમ્બના ઇતિહાસ વિશે કશું જ જાણવા ન મળ્યું. બાપુજી વિશે પણ જે જાણવા મળ્યું તે અમારા સંબંધીઓ પાસેથી અથવા તેમનાં સાથીદારો પાસેથી. તે પણ મારી વયના ૪૦મા વર્ષ પછી. 

બાપુજીને બચપણથી બે વાતોમાં રસ હતો. અંગ્રેજી સાહિત્ય અને ભારતીય સંગીત. બન્નેમાં તેઓ એટલા ઓતપ્રોત થઇ ગયા હતા કે તેમને અન્ય કોઇ વાતમાં રુચિ રહી નહોતી. મૅટ્રીક પાસ થયા બાદ તેઓ મુંબઇની વિલ્સન કૉલેજમાં ભણવા ગયા. પિતાજીના આગ્રહને કારણે તેમણે ઇન્ડીયન સિવિલ સર્વિસ (ICS)માં દાખલ થવા માટેની પરીક્ષા પાસ કરી. તે માટેનો અભ્યાસ કરવા ઇંગ્લંડ જવું પડે. બાપુજી ન ગયા. તેમણે વઢવાણ કૅમ્પ - હાલના સુરેન્દ્રનગરમાં આવેલ બ્રિટીશ પોલીટીકલ એજન્ટની કચેરીમાં નોકરી સ્વીકારી. તેમનું અંગ્રેજીનું જ્ઞાન જોઇ પોલીટીકલ એજન્ટે તેમને પોતાના કૉન્ફીડેન્શિયલ સેક્રેટરી બનાવ્યા. અંગત સમયમાં તેમણે શાસ્ત્રીય સંગીતનો અભ્યાસ ચાલુ રાખ્યો. દિલરૂબા વગાડવામાં કૌશલ્ય પ્રાપ્ત કર્યું, ખ્યાતિ મેળવી અને ખાંસાહેબ ફૈયાઝખાં સાહેબ જેવા સંગીતકારો તેમના મિત્ર થયા. વઢવાણના ઠાકોરસાહેબે ખાંસાહેબ અબ્દુલકરીમખાન સાહેબનો ખાસ કાર્યક્રમ રાખ્યો.  જ્યારે તેમણે બાપુજીને જોયા, તેમણે આગ્રહ કર્યો કે દિલરૂબા પર તેમનો સાથ બાપુજી કરે! 

આ વાત મારા સૌથી મોટા ભાઇએ કહી. તેઓ કાર્યક્રમમાં હાજર હતા.

બાપુજીના એક ભાણાએ મને તેમના અંગ્રેજી સાહિત્યના શોખ વિશે વાત કરી.

“મામાનું અંગ્રેજી સાહિત્યનું જ્ઞાન ઘણું ઊંડું. મર્ચન્ટ અૉફ વેનીસની પોર્શીયાની કોર્ટમાંની અપીલ - “Quality of mercy is never strain’d. It falleth from Heaven...” શરૂથી અંત સુધી અને હૅમ્લેટનાં મોટા ભાગનાં સ્વગત એવી છટાથી બોલી સંભળાવતા, તે યાદ કરૂં છું ત્યારે શરીર પર ફરી રોમાંચ થઇ આવે છે!”

*

એક દિવસની સાંજ ઘણી વાર મારી નજર સમક્ષ વારે વારે રિવાઇન્ડ થતા વિડીયોની જેમ ઉભી રહે છે. હું નવ વર્ષનો હતો. બાપુજી બે દિવસથી બિમાર હતા. તે દિવસે સાંજે તેમને જરા ઠીક લાગતાં અમારા ક્વાર્ટરના બગીચામાં તેમણે આરામ ખુરશી મૂકાવી અને બેઠા. બાજુના સ્ટૂલ પર હું બેઠો હતો. બા રસોઇ કરતા હતા. બાપુજી મને કશુંક કહેવા જતા હતા ત્યાં અચાનક તેમનો ચહેરો ડાબી તરફ, વિચીત્ર રીતે ખેંચાયો. તેમની ડાબી આંખમાં લોહીની ટસર નીકળી અને એક ચીસ જેવો અવાજ તેમના મુખેથી નીકળ્યો. તેમની આંખો પણ અદ્ધર ચઢી ગઇ. ભાઇઓને અમદાવાદથી બોલાવ્યા. તેઓ સૌને અમદાવાદ લઇ ગયા. બાપુજીને વાડીલાલ સારાભાઇ હૉસ્પીટલમાં દાખલ કર્યા. આ તેમનો અંતિમ વિસામો થયો. 

વર્ષો વિતી ગયા. હું પોતે જીવનની સંધ્યાએ પહોંચી ગયો છું. બાપુજીને પૂરી રીતે ઓળખવાનો, તેમની કલા, તેમની બુદ્ધિમતા અને સુસંસ્કૃત માનસનો લાભ લેવાનો લહાવો મને ન મળ્યો તેનો અફસોસ રહી ગયો. તેમણે મારી સાથે  િવતાવેલા અલ્પજીવનમાં તેમણે મને જે વારસો આપ્યો તેની પ્રતિતિ મને ઘણી મોડી થવા લાગી. સંગીતનો અભ્યાસ તો ન થયો, પણ તેનો રસાસ્વાદ કેવી રીતે કરવો તે તેમણે મને શીખવ્યું. હજી પણ ક્યારે’ક પંકજ મલ્લીકનું ગીત “મદભરી, ઋતુ જવાન હૈ”, કાનનદેવીનું ‘તુમ મનમોહન, તુમ સખિયન સંગ હંસ-હંસ ખેલો ના’, હિરાબાઇ બરોડેકરનું તિલક કામોદ રાગમાં ગાયેલ ‘નીર ભરન કૈસે જાઉં, સખી રી’ હજી યાદ આવે છે. ગીતોનો અવાજ, સિતારનો રણકાર, તેમના દિલરૂબામાંથી વહેતા ભાવવાહી સૂર મારાં મન-કર્ણ સાંભળે છે, બાપુજીની યાદ આવે છે.

મારા ગુરૂસમાન સંત, કર્નલ બક્ષીએ મને એક વાર પૂછ્યું, “વઢવાણ કૅમ્પમાં છૂપા રત્ન સમાન એક મહાન સંગીતકારને મળવાનું ભાગ્ય મને મળ્યું હતું. તેમની અટક તારી સાથે મળતી આવે છે. તારા સંબંધી હતા કે?”
હા, દાદુ. તેઓ મારા પિતાજી હતા. 
ટેલીફોન પર આ વાત કરતી વખતે મારી અંતર્દૃષ્ટિ સમક્ષ દૃશ્ય ઉભું થયું. આકર્ષક વ્યક્તિત્વ ધરાવતા પચાસે’ક વર્ષના વ્યક્તિ દિલરૂબા વગાડતા હતા. તેમની સામે પલાંઠી વાળીને સુરવાલ,ખમીસ અને જાકીટ પહેરલ એક ગભરૂ બાળક ધ્યાનપૂર્વક તેમને સાંભળી રહ્યો હતો.

આજે Fathers’ Day ના અનુષંગે પિતૃવંદનામાં ભેગા થયેલા સહુ મિત્રો સાથે સર્વ પિતાઓને નમસ્કાર કરૂં છું. આપણે અહીં બેઠા છીએ તેમ તેઓ બધાં ગોલોકમાં બેસી પ્રસન્ન મને આપણે આપેલી અંજલિ સ્વીકારતા હશે એવી શ્રદ્ધા છે.

સ્વ. બળવંતરાવ આનંદરાવ ફણસે