ભારતથી બ્રિટન ગયેલા અનેક લોકોના સંપર્કમાં આવ્યા બાદ તેમણે વ્યક્ત કરેલા વિચાર મુજબ જિપ્સીને એવું લાગ્યું આધુનિક ભારતથી બ્રિટન ગયેલા લોકો એવું માનતા થયા હતા કે આફ્રિકામાં વસેલા આપણા લોકો એક ‘થીજી ગયેલા સમય’માં જીવી રહ્યા હતા. તેમના કહેવા પ્રમાણે આફ્રિકા ગયેલા ભારતીયો - ખાસ કરીને ગુજરાત-સૌરાષ્ટ્રના લોકો વીસમી સદીની શરૂઆતમાં પૂર્વ આફ્રિકા ગયા હતા. જ્યારે તેઓ ત્યાં ગયા, ત્યારે તેમની સાથે તેમના સમયના જે આચાર, વિચાર, માન્યતા અને સંસ્કાર લઇને ગયા હતા તે તેમણે તેમની આવનારી બધી પેઢીઓમાં સિંચ્યા હતા. ઘણા ભારતીયો એવું માનતા થયા હતા કે પૂર્વ આફ્રિકન ભારતીયોની ઓગણીસમી કે વીસમી સદીની શરૂઆતની જે મૂલ્ય પદ્ધતિ (value system)માં તસુભર ફેર નહોતો પડ્યો.
એક અન્ય વાત એવી પણ સાંભળવા મળી કે પૂર્વ આફ્રિકન દેશો ભારતની આઝાદી બાદ પણ અનેક વર્ષો સુધી અંગ્રેજોની ગુલામી હેઠળ રહ્યા હતા. તેથી જુના જમાનાથી ત્યાં વસેલા આપણા લોકોની અંગ્રેજો પ્રત્યેની ભક્તી, તેમને આદર્શ ગણવાની માન્યતા જેવીને તેવી રહી હતી. આ દેશોમાં તે સમયના હાકેમ અંગ્રેજોએ શિક્ષણના ક્ષેત્રમાં કોઇ investment કર્યું નહી. પૂર્વ આફ્રિકાના ત્રણે દેશોમાં કોઇ વિશ્વવિદ્યાલય જ નહોતું. તેથી સામાન્ય વર્ગના ભારતીય યુવાનો-યુવતિઓને ઉચ્ચ શિક્ષણનો લાભ મળ્યો નહી. મધ્યમ વર્ગના સુખવસ્તુ ભારતીય માતાપિતા તેમનાં બાળકોને ભણવા ભારત મોકલતા અને ધનાઢ્ય પરિવારો ઇંગ્લંડ. સૌનો આખરી ઉદ્દેશ તો ‘માતૃભુમી’ - ઇંગ્લંડ જવાનો હતો. ભારતને તેમણે નામ પૂરતું ‘વતન’ સમજ્યું, પણ આખરી વિસામા તરીકે ગણ્યો હોય તો ફક્ત એક દેશ: ઇંગ્લંડ.
આ હતી ભારતથી બ્રિટન ગયેલા લોકોની પૂર્વ આફ્રિકાના ભારતીયો પ્રત્યેની માન્યતા! આના પૂરાવા રૂપે તેમણે એવી દલીલ પેશ કરી કે જ્યારે ઇદી અમીને યુગાન્ડાથી ભારતીયોને બહાર કાઢ્યા ત્યારે લગભગ સોએ સો ટકા ભારતીયો લોકોએ બ્રિટન જવાનું પસંદ કર્યું. ઘણા લોકો કૅનેડા, સ્વીડન, નૉર્વે જેવા દેશોમાં ગયા. મૂળ વતન, ભારત જવા કોઇ તૈયાર થયું નહી. કદાચ આના કારણે લોકોમાં આ માન્યતા વસી ગઇ હશે.
સામ્યવાદી સમાજશાસ્ત્રીઓના દૃષ્ટીકોણથી જોઇએ તો એક જુદું ચિત્ર ઉપસી આવશે. તેમના વિષ્લેષણ પ્રમાણે કોઇ પણ દેશનો શાસક વર્ગ પોતાના હાથમાં સત્તા રાખી પ્રજાનું શોષણ કરતો રહે છે. તેમની સાથે સામેલ હોય છે સરકારની શોષક નીતિનું સમર્થન કરનારા ઉચ્ચ વર્ગના પણ જનતાથી અળગા રહેનારા ઉમરાવ. શાસકોથી ઉતરતી કક્ષા એટલે તેમની નીચે કામ કરનાર મધ્યમ વર્ગ. તેમનું કામ જનતા પાસેથી કર ઉઘરાવવાનું, પ્રજા પર કાયદાનું અનુશાસન (ન્યાય ખાતું, પોલીસ તથા મિલીટરી) અને જનતા સાથે સીધા સમ્પર્કમાં રહી સરકારી વહીવટ કરવો.
આ ઉપરાંત એ મહત્વનો વર્ગ છે વ્યાપારીઓ. દેશમાં ઉદ્યોગો ન હોવાને કારણે શાસકોના દેશમાં સસ્તો કાચો માલ - કપાસ, તમાકુ વિ. મોકલવો અને તેમનાં કારખાનાંઓમાં તૈયાર થયેલ ઉત્પાદીત માલ-સામાનની આયાત કરી તેને સામાન્ય જનતામાં વેચવો. આના માટે નાના વ્યાપારીઓ નાનાં નાનાં ગામમાં દુકાનો ખોલીને 'કાળા દેશીઓ'ને આયાત કરેલો માલ વેચવા તૈયાર હોય છે. આમ આ વ્યાપારી વર્ગને પણ સામ્યવાદીઓ શોષણકર્તા સમજતા હોય છે. કારણ દેશમાં વાહનવ્યવહારની અછતના કારણે finished product સહેલાઇથી મળતો નથી. આમ તેની ખરી કે કૃત્રીમ કમી હોવાને કારણે આ છૂટક માલ વેચનારા વેપારીઓ ગરીબ પ્રજાને મરજી મુજબની કિંમતે માલ વેચે, ભારે વ્યાજથી ઉધાર આપે અને ઓછી કિંમતે તેમનો કાચો માલ ખરીદી તેના પર ઉંચો નફો કમાવે. મધ્યમ વર્ગ તથા સરકારી નીતિનો ફાયદો ઉઠાવી સરકારને વફાદાર રહેનાર વેપારી વર્ગને સામ્યવાદીઓ 'Agents of the State' કહે છે.
સમાજમાં છેલ્લે આવે છે શોષીત વર્ગ એટલે ખેત મજુરો અને કામદારો. સામ્યવાદી સમાજશાસ્ત્રીઓ આ ત્રણે વર્ગોને અનુક્રમે નામ આપ્યા છે Ruling Class, Bourgeoisie તથા Proletariat.
આફ્રિકામાં બ્રિટીશ સરકાર અને તેમના ‘ઉમરાવ’ - એટલે ઇટન કે હૅરો તથા અૉક્સફર્ડ/કેમ્બ્રીજમાં ભણી આવેલા શ્રીમંતોનાં નબીરાઓ શાસક વર્ગના. જેમના થકી તેઓ દેશમાં શાસન કરતા, કર ઉઘરાવતા અને કાયદાનું પાલન કરવા માટે પોલીસ તથા ન્યાય ખાતાનો ઉપયોગ કરતા તે અમલદારો હતા ‘મધ્યમ વર્ગ‘ના બુર્ઝવાઝી - bourgeoisie. આ સમગ્ર વર્ગ લગભગ ભારતીયોથી બનેલો હતો. તેમને મર્યાદીત સત્તા, અને સારું પગાર ધોરણ આપેલું હોવાથી તેમની વફાદારી બ્રિટીશ હાકેમો તરફ જ હતી. ૮૦-૯૦ ટકા જેટલા વ્યાપારીઓ ભારતીય હતા તેથી તેઓ પણ સરકારના અનુયાયી હતા.
શોષીત વર્ગમાં હતા સામાન્ય આફ્રિકન નાગરિકો. વર્ણદ્વેષી અંગ્રેજો તો તેમને હીન ભાવથી જોતા. આપણા ભારતીયો તેમનાથી એક ડગલું આગળ ચાલતા. અહીં જે કહ્યું છે તે જિપ્સીનું કહેવું નથી: તેના સમ્પર્કમાં આવેલા અનેક પૂર્વ આફ્રિકાથી આવેલા ભારતીયોએ આનું વિશદ વર્ણન કર્યું હતું. દાખલા તરીકે તેમના ઘરમાં કામ કરતા નોકરોને ઉદ્દેશી જે શબ્દ વપરાતો તે હતો “બૉયટાઓ”. ‘બૉય’ પણ નહી!
પૂર્વ આફ્રિકાના ભારતીયોને ભારતના લોકો પ્રત્યે પૂર્વગ્રહ હોવાનું કારણ એક દિવસ અચાનક જાણવા મળ્યું. તેમની દૃષ્ટીએ ભારતના લોકોની નજર હંમેશા તેમના ધનાઢ્ય સગાંવહાલાંઓના ‘ખિસ્સા’ તરફ હોય છે. એક સજ્જને જણાવ્યું કે ૧૯૫૦-૬૦ દરમિયાન તેઓ જેટલી વાર ભારત ગયા, તેમનાં સગાં-સંબંધીઓએ તેમની પાસેથી એક યા બીજા બહાને પૈસા કઢાવવાનો પ્રયત્ન કર્યો હતો અને કાઢ્યા પણ હતા. તે જમાનામાં ‘ચેત મછંદર’ નામનું સામયીક પ્રસિદ્ધ થતું હતું. તેમાંનું એક કાર્ટૂન હજી યાદ છે. આફ્રિકાથી આવેલ એક યુગલ સ્ટીમર પરથી ઉતરતું હતું ત્યારે તેમની પાસે ભારે ભારે બૅગ્સ હતી અને શરીર ઘરેણાંઓથી સજાયેલ હતા. જતી વખતે એક એક બૅગ અને ઉતરેલાં ચહેરા અને લગભગ ચિંથરેહાલ હાલતમાં પાછા જઇ રહ્યા હતા. તે સમયે ભારતમાં પરદેશથી માલ મગાવવા પર પ્રતિબંધ હતો તેથી આફ્રિકાથી આવેલા પ્રવાસીઓનાં મોંઘા અને જાપાનની મિલોની સાડીઓ તથા પુરુષોનાં કપડાં સગાંઓએ માગી લીધા હતા. ‘તમે તો ત્યાં જઇને બીજા લઇ શકશો. અમને આવી ચીજો ક્યાં મળવાની હતી?’
મહેમાનો જતાં જતાં કહેતા હતા, ‘સગાંઓને મળવા આવ્યા હતા. આ વખતે છેલ્લી વાર!’
આની વિપરીત એક ભારતીય ભાઇની મુલાકાતમાં જે જાણવા મળ્યું તે પણ આશ્ચર્યજનક હતું, જેની વાત આગળ જતાં!
સ રસ માહિતી
ReplyDeleteપટેલ લોકો આટલુ દાન આપતા છતાં બુઆ કહેતા ત્યારે સ્વા સચ્ચિદાનંદજી એ તેમની લીલી ક્રાંતી,સ્વેત ક્રાંતીને બિરદાવી તેમનુ સુંદર દર્શન કરાવ્યું હતુ
આજે વિગતે માહિતી જાણી આનંદ થયો
પ્રજ્ઞાજુ
૧૯૪૭ પછીના ભારતમાં પણ ઉત્તમ ગુણવત્તાની વસ્તુઓ અને પૈસો એ બંને દુર્લભ જ રહ્યા છે.. જે સીધે રસ્ત્તે ન જ મળી શકે..
ReplyDeleteમાટે તેની ઇચ્છા ભારતમાં વસતા લોકોને સહેજે થાય.. પણ તેમાં દોષ શાશન વ્યવસ્થાનો છે ..
પરદેશમાં પૈસા મહેનતે રળવા પડતા .. પણ મહેનત કરે યોગ્ય વળતર મળી રહેતું .. દેશમાં પૂરી મહેનત કાર્યા પછી હક ના પૈસા મેળવતા પણ ગલ્લા-તલ્લા થાય..તેથી કરીને સમાજ આસ્થા ખોઈ બેઠો છે .. "પૈસો જ મહાન છે..જીવન ની તો કયાં કંઇ કિંમત જ છે??" અને આવી હલકી સમજણ ની દશા બેઢી છે.. પણ તેમાં દોષ શાશન વ્યવસ્થાનો છે ..
૮૦ ના દાયકામાં અમીરાત થી રાજા મળે ભારત આવવાનું થતું ત્યારે..મને પણ આવાજ અનુભવો થતા... કદાચ મારો જીવ મોકળો હતો... ઘરના લોકોને સારી વસ્તુ કે પૈસા વાપરવા મળે તે મને સારું લાગતું..
પછી તો બધા પૈસા કમાતાં થયા અને વસ્તુઓ નો મોહ પણ ઓછો થયો.. પણ શાશન નો દોષ હજુએ એવો ને એવોજ છે..
ગયા નવેંબર માસ માં ભારત પાછા ગયા ત્યારે પત્ની દ્વારા છેલ્લા ૩૫ વર્ષો થી પહેરતા સોનાના અલંકારો પર "નવું સોનું આયાત કરોછો" તેવા આરોપ સર કસ્ટમ ખાતાએ અમદાવાદ હવાઈ મથકે રૂ. ૧૫૦૦૦/- પડાવ્યા.. થોડાની રસીદ આપી અને થોડા જબ્બે થયા.. આના કરતાં કુટુંબ ના લોકો નું કલ્યાણ થાય તે શું ખોટું??
કદાચ મારો અભિગમ સાચો ન પણ હોય તોયે.. પૈસા અને વસ્તુઓ પ્રત્યે ભૂખ માટે જવાબદાર તો સરકાર જ.. જે સારું કામ કરાવતી નથી અને પુરા પૈસા આપતી નથી..
વાળી અમીરાત માં અંગ્રેજોનું પ્રભુત્વ હતું અને ૮૦ ના દાયકા ના મધ્ય સુધી.. અમીરાતમાં કામ કરતા અંગ્રેજોને બહુ જ નજીક થી જોવાનો અને
સાથે કામ કરવાનો અવસર મળ્યો હતો..આરબો નું એક્કે કામ લાંચ લીધા વગર થતું થતું નહોતું..તેટલા રુશ્વત ખોરો અંગ્રેજો હતા..આપણા નૈતિક મૂલ્યો.. ઘણા ઉંચા.. માટે અરબો નો પહેલો ભરોસો ભારતીયો હતા..હા.. અંગ્રેજો અંગ્રેજોને વફાદાર થતા.. બંને કન્સલ્તંત અને કોન્ત્રક્તર મળી આરબોને રૂ. ૧૦૦ માં રૂ. ૧૦ નો માલ પધરાવતા..અને તીતુડી મેડ ઇન ઇંગ્લેન્ડ ની વગાડતા..અને આવી રુશ્વાત્ખોરીને વેપાર માં ખપાવતા.. અનેક અંગ્રજોને નોકરીમાંથી પાણીચું મળતું..તેમની પોલીસી-રૂપ જુતા તેમને માથે ફટકારી નફો મારા ઈરાની શેઠ ને કરાવવાના અનેક અવસર મને મળેલા... વધારે પડતું લખાયું હોય તો માફ કરજો..
આ શ્રેણીના એકે એક હપ્તા બહુ રસપ્રદ છે. ઘણી વાતો સાંભળેલી છે, વાંચેલી છે, અડધીપડધી જાણેલી છે, પણ અહીં સમગ્રતામાં તેને જાણવાની વાત જ નોખી છે!
ReplyDelete@ પ્રજ્ઞાજુ: આપના પ્રતિભાવ માટે આભાર.
ReplyDelete@ શૈલેશભાઇ: આપના વિસ્તારથી લખેલા પ્રતિભાવનો આદરથી સત્કાર કરૂં છું. આ બ્લૉગનો શરૂઆતથી જ ઉદ્દેશ હતો કે આને આપણા સૌનો મંચ બનાવી વિચારોનું આદાન-પ્રદાન મુક્ત મનથી થાય. આપનો અંગત અનુભવ લેખમાં અપાયેલ માહિતીને પૂરક છે તેથી વિનંતિ કે આગામી અંકોમાં પણ મોકળા મનથી પ્રતિભાવ લખશો!
@ બીરેનભાઇ: સૌ પ્રથમ તો આપનો આભાર માનું છું. આપના માર્ગદર્શનથી 'કમેન્ટ'ના સેટીંગમાં ફેરફાર કરી શક્યો અને મિત્રો અને વડીલોને પ્રતિભાવ લખવામાં સરળતા થઇ છે. આજના પ્રતિભાવ માટે પણ આભાર.
‘લાફિંગ મૅન’, ટોમ સોયર જેવી વારતાઓ યાદ આવી જાય છે, બૉયટાઓ વાંચીને....આપણે કહેવાઈએ માનવ બાકી એક માનવ બીજાને કેવી રીતે જોતો હોય છે તે પૈસો ને પ્રદેશના સંસ્કારોથી મપાય છે.....
ReplyDeleteસરસ શ્રેણી છે....ક્યારે આનું પણ પુસ્તકરૂપ જોવા મળશે. દરેક હપતાની પીડીએફ બનાવીને વેગુ પર એક પેજ બનાવવા જેવું ખરું.
સામા કાંઠાની વ્યક્તિની વાત સાચી છે. આફ્રીકાથી બ્રિટન ગયેલા ગુજરાતીઓ માટે તો એક્દમ સાચી છે. શાસન વ્યવસ્થાના વાંકના કારણે આજના ગુજરાતી સમાજને ઉતરતી કક્ષાનો જોવાનું 'લેસ્ટરવાસી'ઓ માટે સામાન્ય છે. આજે પણ "૧૯૪૭ પછીના ભારતમાં પણ ઉત્તમ ગુણવત્તાની વસ્તુઓ અને પૈસો એ બંને દુર્લભ જ રહ્યા છે.. જે સીધે રસ્ત્તે ન જ મળી શકે." - આ વિચારસરણી શું દર્શાવે છે ? ઉત્તમ પ્રકારની કાર માર્કેટમાં અવ્યાના આજે થોડા મહીનામાં જ સુરતના રસ્તા પર જોવા મળે છે. કિંમત ભલેને કરોડોમાં હોય. યુવાનોના સ્માર્ટ ફોન, છ-આઠ મહીને બદલાતા રહે છે. મારા સગા બનેવી આઠ-દસ વર્ષ પહેલાં ગુજરાત આવેલા ત્યારે મને પુછતા હતા કે - તમારે ઇ-મેઈલ જેવું હોય ? - ત્યારે શેરીએ શેરીએ સાઈબર કાફે હતા અને આજે મહદ અંશે ઇન્ટરનેટ પર કામકાજ થાય છે. સીક્સ લેન રોડ પર સો કીમી ની ઝડપે જતી કારને, રોડ સાઈડે ગરીબ ખેડુતના કેળા લેવા અચાનક બ્રેક કરાવીને પછી ડ્રાઈવર માટે કહેવાનું કે 'અહી સાલાઓને કાર ડ્રાઈવ કરતાં જ આવડતું નથી. શ્રી ગુણવંતભાઈએ પણ આ થીજી જવા વિશે લખેલું જ છે. સવાલ ગવર્નીંગ સીસ્ટમનો છે (લોકોનો ઍટલો વાંક કે તે આ સીસ્ટમથી કંટાળી અશિસ્ત દાખવે અને સરળ માર્ગો શોધે છે) જો સીસ્ટમ સારી હોય તો વિશ્વના ઘણા દેશો ભારતથી પાછળ રહી જાય.
ReplyDelete