Follow by Email

Saturday, July 13, 2013

બ્રિટનની નવી સમાજ વ્યવસ્થા: ૧૯૭૦-૮૦ગયા અંકમાં આપણે બ્રિટનમાં પ્રવર્તતી સમાજવ્યવસ્થાની એક ઝલક જોઇ. જતાં જતાં ઉલ્લેખ થયો હતો Corner Shop અને Newsagentsની દુકાનોનો.ન્યુઝ એજન્ટનું બીજું નામ છે કન્ફેક્શનર અૅન્ડ ટોબેકોનીસ્ટ.

બ્રિટનના સમાજમાં કેટલાક અવિભાજ્ય અંગ છે. નાનામાં નાનું ગામડું હશે ત્યાં તમને ચાર સંસ્થાઓ અચૂક જોવા મળશે: ગામની સૌથી મહત્વની સંસ્થા હોય છે Pub. આ Public Houseનું સંક્ષીપ્ત નામ છે. ગામમાં ઓછામાં ઓછું એક Pub તો હોય જ. Public House ચલાવનાર વ્યક્તિને landlord કહે છે. આ ‘મહાન’  વ્યક્તિ તેના દરેક ઘરાકને તથા તેના પરિવારને સારી રીતે જાણે. એટલું જ નહી, તે ક્યું પીણું લેશે તે પણ જાણે. તેથી ઘરાક આવે તો ખુદ પૂછશે, “The usual?”  ત્યાર બાદ લૅંડલૉર્ડ તેને મોટા પીપમાં જોડેલી નળી અને હૅન્ડ પમ્પ દ્વારા મોટા પાઇન્ટ કે અર્ધા પાઇન્ટના ગ્લાસમાં કાઢી આપશે અને પરિવારના ખબરઅંતર પૂછશે. અહીંનો વહેવાર રોકડેથી જ ચાલે. સામાન્ય રીતે પબ ચલાવનાર પતિ-પત્ની હોય છે અને ત્યાં પીરસાતું ભોજન ‘Pub food’ તરીકે ઓળખાય. રાંધનાર સામાન્ય રીતે લૅંડલૉર્ડનાં પત્ની! પબનાં નામ પણ વિચીત્ર: The Goose and the Fox, The Drunk Duck, Battle Axes, Colin Campbell, The Plough વગેરે. પબના મકાનની બહાર મોટું બોર્ડ હોય તેમાં તેના નામ પ્રમાણે ચિત્ર પણ હોય!


Pubમાં રોજ બપોરે તથા સાંજે લોકો જરૂર ભેગા થશે. મુખ્યત્વે બીયર - જેના જુદા જુદા પ્રકાર હોય છે: લાગર (Lager), બિટર (Bitter) અને ગિનીસ (Guinness) સામેલ હોય છે. લોકોનાં આ પ્રિય પીણાં. બ્રૅંડી, વિસ્કી, રમ જેવા ‘હાર્ડ ડ્રિંક્સ કોઇ ભાગ્યેજ પીશે. આ પબ ઇંગ્લીશ મધ્યમ વર્ગ અને કામદાર વર્ગનું સામાજીક મિલનસ્થાન ગણાય. અહીં લોકો dartsની રમત રમે અને તેની હરિફાઇ થાય. વીક એન્ડમાં કૅરીઓકી, સ્થાનિક કલાકારોના વાદ્યસમૂહ (Band)નો કાર્યક્રમ યોજાય.

અન્ય ‘સંસ્થા’ઓ છે સ્થાનિક ચર્ચ, ગ્રોસરી સ્ટોર, પોસ્ટ અૉફિસ અને હા, ન્યૂઝ એજન્ટ. નાનકડા ગામોમાં અને શહેરોનાં પરાંઓમાં ગ્રોસરી સ્ટોરના માલિક પોસ્ટ અૉફિસ ચલાવતા હોય છે. ન્યૂઝ એજન્ટની દુકાનમાં રાષ્ટ્રીય અને સ્થાનિક અખબારો, સામયીકો, તમાકુના ઉત્પાદનો (સિગરેટ, સિગાર વગેરે), ચૉકલેટ્સ અને વિવિધ પ્રકારની ઇંગ્લીશ મિઠાઇઓ, બસના પાસ વેચાય. સ્થાનિક દુકાનોના છેવાડે, ખુણામાં આવેલ દુકાનો તે કૉર્નર શૉપ્સ!  આ પણ ન્યુઝ એજન્ટ જેવી દુકાન હોય છે.


ઇસ્ટ આફ્રિકાથી આવેલા હજારો ભારતીયોએ બ્રિટનના શહેરો અને ગામડાંઓમાં આવેલી આ ન્યૂઝ એજન્ટ તથા કૉર્નર શૉપ્સ ખરીદી પોતાનો વ્યવસાય શરૂ કર્યો હતો. શરૂઆતમાં મોટા ભાગની દુકાનો પટેલ ભાઇ-બહેનોએ ખરીદી હોવાથી એક મોટો stereotype થઇ ગયો: ન્યુઝ એજન્ટ ભારતીય જ હોય અને તેની અટક પટેલ હોય! શાળામાં અાપણાં બાળકોને અંગ્રેજ બાળકો પૂછે, તારા બાપુજી ન્યુઝ એજન્ટ છે?  

આપણા લોકોએ આ વ્યવસાય શા માટે સ્વીકાર્યો તેની પાછળ પણ એક મોટું કારણ હતું.

વર્ણભેદ!

***

૧૯૭૦-૮૦ના દશકમાં બ્રિટનમાં મંદીનું મોજું ફેલાયું હતું. સરકારે તો જાહેર કર્યું હતું કે નોકરી, મકાનના અૅલોટમેન્ટ તથા શિક્ષણના ક્ષેત્રોમાં કોઇ પણ જાતનો વર્ણભેદ કરવો ગુનાને પાત્ર છે. આ માટે સરકારે કમીશન ફૉર રેશિયલ ઇક્વૉલીટી CREની સ્થાપના કરી. કોઇ પણ બિનગૌર વ્યક્તિને એવું લાગે કે તેના પ્રત્યે ઉપર જણાવેલી બાબતમાં ભેદભાવ થયો છે, તે સીધો CRE પાસે અરજી કરી ન્યાય માગી શકે. મંદીના કારણે નોકરીઓની અછત હતી. આપણા દેશમાં જેમ રોજગાર ખાતાની કચેરી હોય છે, તેવી આખા બ્રિટનમાં Job Centre નામની કચેરીઓ સ્થાપવામાં આવી હતી. રોજગાર વગરના લોકો અહીં જઇને જુએ કે ત્યાં રાખેલા  ‘જોઇએ છે’ના કાર્ડમાં ક્યાં ક્યાં ખાલી જગ્યાઓ છે. પોતાની કેળવણી અને અનુભવને અનુરૂપ  જે ખાલી જગ્યાની જાહેરાતનું કાર્ડ હોય તેનો રેફરેન્સ નંબર લઇ એમ્પ્લૉયમેન્ટ અૉફિસર પાસે જાય. તેઓ કમ્પ્યુટર પરથી વિગતો મેળવી જાહેરાતકર્તાને ફોન કરે અને ઇન્ટરવ્યૂની અૅપોઇન્ટમેન્ટ મેળવી આપે. 


આવી સવલત અને કાયદો હોવા છતાં આપણાં લોકોને નોકરી મળતી નહોતી. એમ્પ્લૉયમેન્ટ અૉફિસર જાહેરાતકર્તાને ફોન કરે અને તે અરજદારનું નામ સાંભળીને યા તો કહેશે, 'જગ્યા ભરાઇ ગઇ છે. તમને જણાવવામાં મોડું થયું છે તે માટે માફ કરશો.' અથવા અાપણને અૅપોઇન્ટમેન્ટ આપશે, અને ત્યાં ગયા પછી કહેશે, You are over-qualified! સરકારી નોકરી વાળા અફસર કહેશે, “Sorry, you do not have the relevant experience.”

આપણા લોકોને કાઉન્સીલ (એટલે મ્યુનીસીપાલિટી)ની માલિકીના મકાનની ફાળવણી બાબતમાં પણ એવાં બહાનાં અપાતા, કે અાપણને મકાન ન મળે. 

આવી હાલતમાં લાચાર થાય તો તે ગુજરાતી શાનો! ગૌરવથી જીવનારી પ્રજાએ તેમાંથી પણ રસ્તો કાઢ્યો. તેમણે ન્યુઝ એજન્ટની દુકાન, ગ્રોસરી સ્ટોર, કૉર્નર શૉપ્સ ખરીદ કરી, self employed - સ્વ-નિર્ભર થયા. સરકારી આવાસ ન મળે તો મકાનો ખરીદી તેમાં રહેવાનું શરૂ કર્યું. તે સમયે ત્રણ બેડરૂમ, હૉલ, કિચન અને બાથરૂમનું સેમી ડીચૅચ્ડ કે ટૅરેસ્ડ હાઉસ ૫૦૦૦થી ૭૦૦૦ માં મળી જતા. આપણી શાખ પણ મજબૂત હોવાથી બૅંક અને બિલ્ડીંગ સોસાયટીઓએ કરજ આપવામાં પાછી પાની ન કરી, આમ સમગ્ર બ્રિટનમાં એક નવો સ્ટીરીઓટાઇપ ઉભો થયો. અત્યાર સુધી આફ્રિકામાં નોકર-ચાકરથી ભરેલા ઘરમાં આરામનું જીવન જીવનાર બહેનોને મોરગેજનાં હપ્તા ભરવા નોકરી કરવી પડી. બહેનોને તે સમયે ફૅક્ટરીઓમાં નોકરી મળી જતી તેથી ભણેલી અને ઉચ્ચ શિક્ષણ પામેલી બહેનોને પણ ત્યાં કામ કરવું પડ્યું. આ જ બહેનોને અૉફિસોમાં કરનારી યુવતિઓ ‘ફૅક્ટરીની માસીઓ’ કહેતી! આનાથી વધુ કરૂણ વક્રોક્તિ કઇ હોઇ શકે? ફૅક્ટરીમાં કામ કરનાર એક ગુજરાતી બહેન સ્વ. જયાબહેન દેસાઇએ એક શક્તિશાળી ઉદ્યોગ સામે વર્ણભેદ સામે લડત ઉપાડીને તેને દેવાળું ફૂંકવા પરજ પાડી હતી તે અૉફિસમાં કામ કરનારી મોટા ભાગની બહેનોને જાણ નહોતી, નથી તેમને જાણવાની કોશીશ કરી. જયાબહેનની વાત આવતા અંકમાં જરૂર કરીશું. અત્યારે તો પ્રવર્તતા stereotype, વર્ણદ્વેષ અને તેનો પ્રતિકાર કરી, નવા દેશમાં સફળ થવા માટે અાપણા લોકોએ દર્શાવેલ પોતાની આંતરીક શક્તિનું વર્ણન કરવાનો પ્રયત્ન કરીશું.

એશિયન એટલે ન્યુઝ એજન્ટ. તેમની દૃષ્ટીએ અાપણે બધા જ ઘણા શ્રીમંત હતા, કારણ કે મોટા ભાગના લોકોએ ઘર વેચાતું લીધું હતું. 

અહીં વાચકોના મનમાં કદાચ પ્રશ્ન ઉભો થાય: બ્રિટનમાં વર્ણભેદના મૂળ શા માટે ઉંડા થયા હતા? 

તેની પાછળ કોઇ ખાસ કારણો હતા?

બ્રિટનની પ્રજા, ખાસ કરીને મધ્યમ વર્ગનાં લોકોમાં એક પ્રકારની જાગૃતિ હતી, ઉદારમતનું વર્ચસ્વ તેમની વિચારસરણીમાં હતું, તેમ છતાં ત્યાં આવી પરિસ્થિતિ શા માટે અને કેવી રીતે ઉદ્ભવી? 


જિપ્સીને આ વિષયમાં અભ્યાસ કરવાની તક મળી અને તેની ચર્ચા તે આવતા અંકમાં કરશે.