Follow by Email

Thursday, May 7, 2009

૧૯૭૦: અનોખી રણભુમિ

અમદાવાદમાં ડ્યુટી પૂરી કર્યા પછી અમારી બટાલિયન પાછી દાંતિવાડા ગઇ. થોડો સમય હેડક્વાર્ટરમાં રહ્યા બાદ મારી કંપનીની ગુજરાતના બનાસકાંઠા-રાજસ્થાન-પાકિસ્તાનની સીમા પર આવેલ રાઘાજીના નેસડા નામની જગ્યાએ નિયુક્તી થઇ. અહીં ન કોઇ નેસડો હતો, ન રાઘાજીના વંશજ. અા 'રણભુમિ'માં આવી જાય છે માઇલોના માઇલો રેતીના ઢુવા, રાજસ્થાનથી કચ્છની કોરી ક્રીક સુધી ફેલાયેલો વિશાળ ખારો પાટ, આકડા અને કેરડાના જંગલો અને રેતીનાં તોફાન. અને તોફાન પણ કેવાં! ઘડિયાળની નિયમીતતાથી રોજ સવારે દસ વાગે સૂસવાટા કરતો પવન શરૂ થાય. ગરમી વધતી જાય અને વિશાળ કઢાઇમાં રેતી મૂકી તેમાં શિંગદાણા કે ચણા શેકવામાં આવે, તેમ આ રણમાં મારા જવાનો અને હું અમારી ચારે તરફ ઉડતી ગરમ રેતીમાં શેકાતા. અસહ્ય ગરમી અને તરસથી જીવ ત્રાહી મામ્ થાય. પાણીનું ટૅંકર અઠવાડિયામાં એક વાર ૫૦-૬૦ કિલોમીટર દૂરથી પાણી લાવે. પાણી પણ એવું કે ગમે તેટલું પીવા છતાં તરસ છીપાય નહિ. એક તો ગરમીને કારણે ચ્હાના પાણી જેવું તે ગરમ હોય, અને ઉપરથી એટલું ખારૂં કે ન પૂછો વાત! ૨૦-૨૫ કિલોમીટરના વેગથી વાતા પવનમાં ઉડીને આવતી ઝીણી પાવડર જેવી રેતી બારી બારણાંની તિરાડમાંથી પેસીને અમારા ભોજનમાં પણ સમાઇ જતી. કહેવાય છે કે જેલના કેદીઓના ખાવામાં કાંકરા આવતા. અમે કહેતા, કેદીઓ નસીબદાર હતા. તેઓ કાંકરા જોઇને કાઢી શકતા. અમારી રોટલી અને દાળમાં ભળી ગયેલા રેતીના રજકણોને કેવી રીતે દૂર કરીએ?
સાંજે બરાબર છ વાગ્યાના સુમારે પવનનું જોર ઓછું થાય. વાતાવરણ શીતળ થવા લાગે અને રાતે તારલાના ચંદરવા નીચે સૂઇએ તો જાણે પવનદેવ વીંઝણું લઇ, મધુર અવાજે હાલરડું ગાઇ સૂવડાવતા હોય તેવું લાગે. ધીમેથી વહેતા પવનમાં કુદરતનું અદભૂત સંગીત સાંભળવા મળે. રાતે ધ્યાન ફક્ત બે વાતોનું રાખવું પડતું: ખાટલાની ચારે બાજુએ બે ફીટ પહોળી અને બે ફીટ ઉંડી snake trench ખોદવી પડે. નહિ તો વિંછી અને અત્યંત ઝેરીલા નાગ કે‘બાંડી’ નામના સાપ તમારા ખાટલાની નીચે કે આસપાસ ફરવા લાગે - અને કરડે તો આપણી આવી બને. બીજી વાત: ‘સ્નેક ટ્રેંચ’ ખોદી હોય તો પણ જમીન પર પગ મૂકતાં પહેલાં બૅટરીના પ્રકાશમાં જોવું પડે કે આપણો પગ ક્યાં પડે છે! કેટલીક વાર ‘સ્નેક ટ્રેંચ’માં ઉડીને આવી પડેલી રેતીના ઢગલાને પાર કરી સાપ-વિંછી ખાટલાની નીચે આવી જતા.
સેનામાં હતો ત્યારે બીજા વિશ્વયુદ્ધની ઉત્તર આફ્રિકાની લડાઇ વિશે પુસ્તકો વાંચેલા. ત્યાંની ગરમી વિશે સૈનિકોના ફોટોગ્રાફ હતા જેમાં તેઓ બપોરની ગરમીમાં જીપની બૉનેટ પર ઇંડું ફોડીને નાખતાં તે રંધાઇ જતું! રાઘાજીના નેસડામાં પણ એટલી ગરમી પડતી હતી અને મેં આ પ્રયોગ કરી જોયો હતો. અને વાંચેલી વાત સાચી નીકળી!
રણમાં સૌથી આગળ, સીમાની નજીકના નાના બેટમાં પણ અમારી ચોકી હતી. રણમાં આવેલા નાનકડા બેટમાં વૃક્ષો તો ઠીક, પણ કેરડાનાં ઝાંખરાં પણ નથી હોતાં. અહીં જવાનોને જમીનમાં ભોંયરા જેવા બંકર બનાવી રહેવું પડે. અસહ્ય ગરમીમાં રહેવું તો મુશ્કેલ હોય છે જ, પણ આવા બેટમાં ‘સૅંડ ફ્લાય’ નામનાં જીવડાં અને લાલ કીડીઓ થતી હોય છે. એક વાર આવા જંતુ કરડે તો શરીરના તે ભાગમાં ભયંકર બળતરા ઉપડે તે આખો દિવસ પરેશાન કરે. તે વખતે ‘ઓડોમૉસ’ સિવાય બીજા કોઇ insect repellent મળતા નહોતા, તેથી આવી જીવાત કરડે તો તેની પીડા સહન કર્યા સિવાય છૂટકારો નહોતો.
આવી કઠણ હાલતમાં રોજનું પેટ્રોલીંગ, હથિયાર સફાઇ, પી.ટી., મૅપ-રીડીંગ અને યુદ્ધ વિષયક ‘ડ્રીલ’ જેવા કામ, રમતગમત અને વાર તહેવારે સામુહિક ભોજન - “બડા ખાના”માં ભાગ લઇ સૈનિકો-અફસરો એક પરિવારના સદસ્ય જેવા બની ગયા. જો કે અફસરો અને જવાનો વચ્ચે familiarity કદી સંભવી ન શકે, તેથી અફસરોને એકલતા અત્યંત સાલતી હોય છે. આવામાં મિત્રો તથા પરિવારના પત્રો, પુસ્તકો, રેડિયો અને ઉંટ પર બેસીને પેટ્રોલીંગ કરવામાં સમય ગાળવો પડે.
મહિનામાં એક વાર કર્નલ સાહેબ અમારી કંપનીના ઇન્સ્પેક્શન માટે આવતા અને કંપનીમાં કોઇ ને કોઇ ક્ષતિ કાઢી અભદ્ર શબ્દો બોલીને જતા રહેતા. કોઇ વાર કંપની ક્વાર્ટરમાસ્ટર અમારી જરુરિયાતો અંગે તપાસ કરવા આવી જતા. મહિનામાં એક વાર જવાનોનો પગાર લેવા દાંતિવાડા જઇએ ત્યારે મીઠા પાણીથી નહાવાનો લહાવો લઇ લેતા. બને તો પાલનપુર જઇ સિનેમા જોઇએ અને બૉર્ડર પાછા વળતાં લાઇબ્રેરીમાંથી પુસ્તકોનો જથ્થો લઇ જઇએ.
આવી હતી અમારી રણની દિનચર્યા!

click to submit your site
free search engine submission